શબાનાએ જ્યારે ફિલ્મોમાં આવવાનું કહ્યું તો પિતાએ મોચીનું ઉદાહરણ શા માટે આપ્યું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, યાસિર ઉસ્માન
- પદ, ફિલ્મ ઇતિહાસકાર, બીબીસી માટે
સામાન્ય રીતે, જ્યારે હિન્દી સિનેમામાં હીરોઇનને લૉન્ચ કરવામાં આવે છે ત્યારે બધું ધ્યાન ગ્લૅમર, ડિઝાઇનર કપડાં, રોમૅન્ટિક અંદાજવાળું પાત્ર અને ગીતો પર આપવામાં આવે છે.
આ ધારણાને સમૂળગી નષ્ટનાબૂદ કરીને 1974માં એક અભિનેત્રીને હિન્દી સિનેમામાં લૉન્ચ કરવામાં આવી.
મેકઅપ, ગ્લૅમર અને નાચગાન વગર એક એવું પાત્ર રચવામાં આવ્યું, જેમાં એક દલિત યુવતી ગર્ભવતી થઈ જાય છે. જોકે, સામાજિક દબાણ હોવા છતાં તે ગર્ભપાત કરાવવાનો ઇનકાર કરી દે છે.
પરંતુ, આ પાત્ર ભજવી રહેલી એ છોકરીના ચહેરા અને તેના પર ઊપસતા સ્વાભાવિક ભાવોનું આકર્ષણ અને સામંતી શોષણ વિરુદ્ધ તેની આંખોનો રોષ એવાં હતાં કે તેણે સીધું લોકોનાં દિલમાં સ્થાન લઈ લીધું.
એ અભિનેત્રી શબાના આઝમી હતાં, જેમણે શ્યામ બેનેગલની ફિલ્મ ‘અંકુર’ (1974) દ્વારા હિન્દી સિનેમામાં પોતાની એક આગવી છાપ ઊભી કરી.
સામાન્ય રીતે, બોલીવૂડ અભિનેત્રીઓની કારકિર્દી ધીરે ધીરે સ્ક્રીન અને ચર્ચાઓથી દૂર થઈ જાય છે, પરંતુ શબાના આઝમી પચાસ વર્ષથી પોતાની હાજરીનો સશક્ત અનુભવ કરાવતાં રહ્યાં છે.
પહેલી જ ફિલ્મ 'અંકુર' માટે શબાના આઝમીને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીના રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં, એ તો બધા જાણે છે.
પરંતુ, તેમની ગંભીર ઇમેજ, તેમને મળેલા અગણિત ઍવૉર્ડ્ઝ, તેમની નીડર સામાજિક નિસબત અને બેફિકરપણે કરેલાં નિવેદનોના અવાજમાં એ વાત દબાઈ જાય છે કે એક વિશુદ્ધ અભિનેત્રી તરીકે તેઓની રેન્જ ગજબની છે અને આ રેન્જનો દર્શકોએ ખુલ્લા દિલથી સ્વીકાર કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

દુનિયામાં આવાં ઉદાહરણ ખૂબ ઓછાં છે

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સિત્તેરના દાયકામાં જ્યારે દેશમાં સમાંતર સિનેમાએ નવી દિશા પકડી ત્યારે નસીરુદ્દીન શાહ, ઓમ પુરી, સ્મિતા પાટીલની સાથે શબાના આઝમી એ સિનેમાનાં મુખ્ય સ્ટાર હતાં.
સામાન્ય રીતે સમાંતર સિનેમાવાળાને વિશુદ્ધ કૉમર્શિયલ અથવા મસાલા ફિલ્મોમાં જોઈએ એવી સ્વીકૃતિ નથી મળતી, પરંતુ શબાના આઝમીએ કારકિર્દીની શરૂઆતથી જ હિન્દી ફિલ્મોમાં હીરોઇનો સાથે સંકળાયેલી ઘણી માન્યતાઓને ખૂબ શાનદાર રીતે તોડી નાખી અને પોતાના બોલ્ડ નિર્ણયોથી તેવું હંમેશાં કરતાં રહ્યાં છે.
સ્મિતા પાટીલને જીવવા માટે ખૂબ ઓછો સમય મળ્યો, પરંતુ સ્મિતા પાટીલ સાથે શબાના જ એક એવાં અભિનેત્રી છે જે વર્ષો સુધી આર્ટ અને કૉમર્શિયલ બંને પ્રકારની સિનેમાનાં મોટાં સ્ટાર રહ્યાં.
વિચારો કે, એક અભિનેત્રી, જેના વિશે કહેવામાં આવ્યું કે હિન્દી સિનેમાના 'પારંપરિક સુંદરતા'ના માપદંડ અથવા 'ગ્લૅમર ક્વોશન્ટ'ની બાબતમાં યોગ્ય પુરવાર નથી થતી તે શબાના આઝમી દરેક પ્રકારની ફિલ્મોમાં હિટ રહ્યાં.
'અંકુર'થી શરૂઆત કર્યા બાદ તે જ વર્ષે શબાના આઝમી દેવાનંદ નિર્દેશિત રોમૅન્ટિક ફિલ્મ 'ઇશ્ક ઇશ્ક ઇશ્ક'માં જોવા મળ્યાં.
શબાનાની હિટ ફિલ્મો

ઇમેજ સ્રોત, ANU ARTS
એક બાજુ તેઓ 'નિશાંત', 'શતરંજ કે ખિલાડી', 'સ્પર્શ', 'આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યોં આતા હૈ' જેવી સશક્ત પૅરેલલ ફિલ્મોમાં દિલને સ્પર્શી જાય તેવા અભિનયથી માઇલસ્ટોન ઊભા કરતાં રહ્યાં.
તો બીજી તરફ, 'ફકીરા', 'ચોર સિપાહી', 'અમર અકબર ઍન્થની', 'પરવરિશ', 'કર્મ', 'લહુ કે દો રંગ' અને 'થોડી સી બેવફાઈ' જેવી વિશુદ્ધ કૉમર્શિયલ ફિલ્મોમાં પૂર્ણ ગ્લૅમરસ રૂપમાં જોવા મળ્યાં.
તેમણે રાજેશ ખન્ના, શશી કપૂર, વિનોદ ખન્ના અને જિતેન્દ્ર જેવા તે સમયના મોટા સ્ટાર્સ સાથે કામિયાબ ફિલ્મી જોડી બનાવી.
સાથે જ નસીરુદ્દીન શાહ, ઓમ પુરી, ગિરીશ કર્નાડ જેવા વિશુદ્ધ પૅરેલલ ફિલ્મોના અજોડ ઍક્ટર્સની સાથે દમદાર પર્ફૉર્મન્સ દ્વારા પોતાના દરેક પાત્રને જીવંત કરી દીધું.
તો, 'અર્થ' જેવી સફળ કલ્ટ ફિલ્મ દ્વારા આર્ટ અને કૉમર્શિયલ વચ્ચેની ભેદરેખા ભૂંસતાં રહ્યાં. પાંચ દાયકા સુધી આ બેલેન્સ જાળવી રાખવું એ અનન્ય ઉપલબ્ધિ છે.
સમાંતર અને વ્યાવસાયિક ફિલ્મોમાં, શબાના આઝમી, પોતાનાં પાત્રોને જાણે કપડાં હોય તેમ બદલી નાખે છે.

ઇમેજ સ્રોત, Getty Images
સિનેમાની નવી લહેરવાળી ફિલ્મોમાં તેમનું વર્ચસ્વ કંઈક એવું હતું કે પહેલી ફિલ્મ 'અંકુર'માં રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યા બાદ ફિલ્મ 'અર્થ', 'ખંડહર' અને 'પાર' માટે 1983, 1984 અને 1985માં સતત ત્રણ વર્ષ સુધી તેમને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીના રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં.
ત્યાર પછી, 'ગૉડમધર' (1999) માટે તેમને પાંચમો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. બોલીવૂડના ઇતિહાસમાં આવું બીજું એક પણ ઉદાહરણ નથી.
તેમણે છ ફિલ્મફેર ઍવૉર્ડ્ઝ પણ જીત્યા છે, જેમાંનો છેલ્લો તેમને ચાલુ વર્ષે કરણ જૌહરની ફિલ્મ 'રૉકી ઔર રાની કી પ્રેમ કહાની' માટે મળ્યો.
વિચારો કે, 'અંકુર'માં એક દલિત છોકરીની માનસિક ડામાડોળ સ્થિતિ, 'મંડી'માં કૂટણખાનું ચલાવનારી મજબૂત મહિલા, 'સ્પર્શ'માં એક દૃષ્ટિહીન વ્યક્તિની લાગણીશીલ પ્રેમિકા, 'શતરંજ કે ખિલાડી'માં એક ઉપેક્ષિત અને અકળાયેલી બેગમ, 'ફાયર'માં સમલૈંગિક પાત્રમાં સામાજિક માન્યતાઓને પડકારતી, તો 'અર્થ'માં એક બેવફા પતિની અપમાનિત પત્નીના રોલમાં શબાના હિન્દી સિનેમાની અભિનેત્રીને એવું પરિમાણ આપે છે કે એ પાત્ર ક્યારેય ન ભુલાય.
શબાના હાજરજવાબીપણા માટે પણ પ્રખ્યાત છે

ઇમેજ સ્રોત, Getty Images
ગૂંચવાડાભર્યા વિષયો અને મુદ્દાની વાત ફક્ત ફિલ્મ સુધી સીમિત નથી રહી, શબાના સમાજસેવા સાથે પણ જોડાયાં અને બેફિકરાઈથી અનેક જરૂરી મુદ્દાને પોતાનો સશક્ત અવાજ આપ્યો છે.
તેમાં મહિલા અધિકારોથી લઈને ઝૂંપડપટ્ટી–ચાલીઓમાં રહેતા લોકો, એઇડ્સ જેવા સંવેદનશીલ મુદ્દાની સાથોસાથ ઘણા બધા માનવ અધિકાર અને દેશ-દુનિયામાં ચાલતા તમામ મુદ્દા પર તેઓ પોતાનો મત પ્રકટ કરે છે.
સામાજિક નિસબતની ભાવના શબાનાને પોતાના પરિવારમાંથી મળી અને આ વારસાને તેઓ પોતાની રીતે આગળ વધારી રહ્યાં છે.
18 સપ્ટેમ્બર 1950ના દિવસે ઉર્દૂના પ્રખ્યાત શાયર અને ગીતકાર કૈફી આઝમી અને થિયેટર અભિનેત્રી શૌકત આઝમીના ઘરે જન્મેલાં શબાનાનું નામ ઉર્દૂ સાહિત્યમાં એક ખૂબ મોટી હસ્તી ગણાતા અલી સરદાર જાફરીએ પાડ્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
પોતાના પિતા અને પ્રખ્યાત શાયર કૈફી આઝમીએ લખેલી પંક્તિઓ 'કોઈ તો સૂદ ચુકાયે, કોઈ તો જિમ્મા લે ઉસ ઇન્કલાબ કા જો આજ તક ઉધાર હૈ' શબાનાને હંમેશાં સામાજિક જવાબદારી નિભાવવા માટે પ્રેરણા આપતી રહી છે.
પોતાના એક ઇન્ટરવ્યૂમાં શબાનાએ કહેલું કે, "મારું બાળપણ એક રીતે મારી માના પૃથ્વી થિયેટર સાથે ફરવામાં વીત્યું; બીજી બાજુ, મારા પિતાની સાથે મદનપુરામાં ખેડૂત સભાઓમાં, દરેક જગ્યાએ લાલ બૅનર રહેતાં હતાં, બહુ જ સૂત્રોચ્ચાર અને ખૂબ બધી વિરોધકવિતાઓ રહેતી હતી."
"એક બાળક તરીકે મને આ રેલીઓમાં માત્ર એટલા માટે રસ હતો, કેમ કે, મજૂરો મને લાડપ્રેમ કરતા હતા. જોકે, અદૃશ્ય રીતે, મારાં મૂળ માટી સાથે જોડાતાં હતાં. આજે જ્યારે હું કોઈ પ્રદર્શન, પદયાત્રા અથવા ભૂખ-હડતાળમાં ભાગ લેતી હોઉં છું ત્યારે તે ફક્ત એનો જ વિસ્તાર છે જે મેં બાળપણમાં જોયું હતું."
તેમના કૉમ્યુનિસ્ટ ઘરનું વાતાવરણ રાજકીય પણ હતું અને સાહિત્યિક પણ.
તેમના પિતાના જે મિત્રો તેમના ઘરે મહેમાન બનીને ઘણી વાર રોકાતા, તેમાં બેગમ અખ્તર, જોશ મલીહાબાદી, ફિરાક ગોરખપુરી અને ફૈઝ અહમદ ફૈઝ પણ હતા.
શબાનાના પિતાએ મોચી બનવાની વાત કેમ કરેલી?

ઇમેજ સ્રોત, Getty Images
મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી મનોવિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવ્યા બાદ શબાનાએ પોતાના પિતા સમક્ષ ફિલ્મોમાં જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
આ સાંભળીને શબાનાના પિતા કૈફી બોલ્યા, "જો તમે મોચી બનવા ઇચ્છો તો તેમાં પણ મને કશો વાંધો નથી. પરંતુ તમે મને એ વચન આપો કે તમે સૌથી સારા મોચી બનીને બતાવશો."
શબાનાને પુણેની એફટીઆઇઆઇમાં બેસ્ટ સ્ટુડન્ટ માટેની શિષ્યવૃત્તિ પણ મળી હતી અને ત્યાં અભ્યાસ દરમિયાન જ તેમણે ફિલ્મો પણ સાઇન કરી લીધી હતી, જે ખ્વાજા અહમદ અબ્બાસની 'ફાસલા' અને 'પરિણય' હતી.
શરૂઆતમાં તેમનું સૌથી વધુ ધ્યાન શ્યામ બેનેગલ, સત્યજિત રે, સાઈ પરાંજપે, મૃણાલ સેન અને અપર્ણા સેન જેવાં પૅરેલલ સિનેમાના દિગ્ગજ ફિલ્મકારોની ફિલ્મો પર કેન્દ્રિત હતું.
પરંતુ, ટૂંક સમયમાં જ એ અનુભૂતિ પણ થઈ ગઈ કે પોતાનો અવાજ સામાન્ય દર્શકો સુધી પહોંચાડવા માટે તેમના સુધી પોતાની પહોંચ સતત જાળવી રાખવી પડશે.

ઇમેજ સ્રોત, Getty Images
સમાંતર સિનેમાના બીજા ઘણા ઍક્ટર અને ફિલ્મકારોથી વિપરીત શબાનાએ હંમેશાં મુખ્ય ધારાની કૉમર્શિયલ ફિલ્મોના મહત્ત્વ વિશે વાત કરી.
આ બાબતમાં વાત કરતાં શબાનાએ કહેલું કે, મુખ્ય ધારાની ફિલ્મોની દિશામાં તેઓ એ માટે ગયાં, કેમ કે, તેમનું માનવું છે કે દર્શકોને પોતાની બિન-પરંપરિત ફિલ્મો તરફ આકર્ષવા માટે તેમણે વ્યાવસાયિક સિનેમામાં એક લોકપ્રિય ચહેરો બનવું પડશે.
પરંતુ, તેમણે રસપ્રદ ઑફબીટ ભૂમિકાઓ માટે પોતાનાં આંખ-કાન ખુલ્લાં રાખ્યાં.
એના જ પરિણામરૂપે હતી 'માસૂમ', 'ગૉડમધર', 'મૈં આઝાદ હૂં', દીપા મહેતાની વિવાદાસ્પદ 'ફાયર' અને 'મૃત્યુદંડ' જેવી બોલ્ડ અને પ્રગતિશીલ ફિલ્મો.
અત્યાર સુધી હિન્દી અને બીજી ભાષાની મળીને 120થી વધારે ફિલ્મો તેમની અદ્ભુત યાત્રાનો પુરાવો છે.
મહિલાઓની શક્તિ, મહત્ત્વ અને સમાન દરજ્જાની વાત કરનારી કૈફી આઝમીની પ્રખ્યાત નઝ્મ છે, "ઉઠ મેરી જાન મેરે સાથ હી ચલના હૈ તુઝે."

ઇમેજ સ્રોત, Getty Images
શબાના આઝમીના પતિ સ્ક્રીનરાઇટર–ગીતકાર જાવેદ અખ્તર શબાના આઝમીને પોતાની સૌથી નિકટતમ મિત્ર અને એક સૌથી સશક્ત મહિલા ગણાવે છે.
તેમણે પોતાના એક લેખમાં લખ્યું, "જો કૈફીએ આ નઝ્મ ન લખી હોત તો હું તે શબાના માટે લખત."
ગયા વર્ષે (2023) દિલ્હીમાં ઉર્દૂ ફેસ્ટિવલ 'જશ્ન-એ-રેખ્તા'માં મેં જાવેદ અખ્તરને તેમની વાત યાદ કરાવી (કે, જો કૈફીએ આઝમી આ નઝ્મ ન લખી હોત તો તેઓ તે શબાના માટે લખત).
પોતાના ચિરપરિચિત મજાકિયા અંદાજમાં તેઓ શબાના સામે જ બોલ્યા, "ના, ના, મારો પ્રોબ્લેમ 'ઉઠ મેરી જાન મેરે સાથ હી ચલના' નથી."
"મારી સમસ્યા એ છે કે મેરી જાન સતત મારાથી આગળ ચાલી રહી છે, (હું લખીશ) રુક મેરી જાન, તેરે સાથ હી ચલના હૈ મુઝે." ભલે મજાકમાં જ કરી હોય, પરંતુ વાત સાચી છે.
આજની યુવા પેઢી તેમને 'નીરજા', 'ઘૂમર' અને 'રૉકી ઔર રાની કી પ્રેમ કહાની' જેવી આજના સમયની ફિલ્મોથી ઓળખે છે.
ફિલ્મો બદલાઈ ગઈ, શબાનાનાં પાત્રો બદલાઈ ગયાં, પરંતુ જે નથી બદલાયું તે, એ પાત્રોને આજે પણ જીવી બતાવવાનું. સિનેમામાં પાંચ દાયકાથી ચાલી રહેલી તેમની લાંબી અને શાનદાર સફર આજે પણ ચાલુ છે.
પચાસ વર્ષ ખૂબ લાંબો સમય હોય છે. પચાસ વર્ષ અડધી સદી હોય છે અને પચાસ વર્ષ સુધી નિરંતર અસાધારણ કામ કરનારા કલાકાર સાધારણ નથી હોતા, એ શબાના આઝમી હોય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












