અમિતાભ બચ્ચનની જિંદગીમાં બનેલી એ ઘટના જે બાદ તેમણે દારૂ પીવાનું છોડી દીધું, શું થયું હતું તે દિવસે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી હિંદી
ચાલીસના દાયકામાં વિખ્યાત અમેરિકન ગાયક અને અભિનેતા ફ્રૅન્ક સિનાત્રાને લોકપ્રિય બનાવવા માટે તેમના પ્રેસ એજન્ટ જ્યૉર્જ ઇવાન્સે એક જોરદાર પગલું ભર્યું.
તેમણે બાર યુવતીઓને ભાડે કામ પર રાખી, જેમને શીખવવામાં આવ્યું કે ફ્રૅન્ક ગાવાનું શરૂ કરે કે તરત તેમણે 'ઓહ ફ્રૅન્કી, ઓહ ફ્રૅન્કી' એવી બૂમો પાડવાની, અને થોડી વાર પછી બેહોશ થઈ જવાનું નાટક કરવાનું.
ઇવાન્સે થિયેટરમાંથી આ 'બેહોશ' છોકરીઓને હૉસ્પિટલે લઈ જવા માટે ઍમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરી હતી.
તેમણે આ પ્રસંગ માટે ફોટોગ્રાફરોને પણ તૈયાર રાખ્યા હતા, જેથી તે સમયે લીધેલી તસવીરોથી વધુ જોરદાર પ્રચાર કરી શકાય.
આ કામ માટે તે છોકરીઓને પાંચ-પાંચ ડૉલર આપવામાં આવ્યા હતા. ઇવાન્સે પોતાની દેખરેખ હેઠળ ત્રણ દિવસ સુધી રિહર્સલ પણ કરાવ્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
ન્યૂ યૉર્કના પૅરામાઉન્ટ થિયેટરમાં ફ્રૅન્ક સિનાત્રાનો શો થયો ત્યારે ઇવાન્સ એ જાણીને આશ્ચર્યચકિત થઈ ગયા કે તેમણે તો માત્ર 12 છોકરીઓને કામે રાખી હતી, જ્યારે હકીકતમાં 30 છોકરીઓ બેહોશ થઈ ગઈ હતી.
અમિતાભ બચ્ચનને આ વાત એક વખત સંભળાવવામાં આવી તો તેઓ પહેલાં તો હસ્યા. પછી કહ્યું, "કોઈને પકડીને હીરો તો બનાવી શકાય છે, પરંતુ માત્ર ત્યાં સુધી જ. કૅમેરો સ્ટાર્ટ થતા જ તેઓ એકલા રહી જાય છે. અભિનય તો તેણે જ કરવો પડશે."
હકીકતમાં અમિતાભ એ સમજાવવા માંગતા હતા કે પબ્લિસિટી કરીને વ્યક્તિને એક સ્તર સુધી પહોંચાડી શકાય, પરંતુ તેનાથી આગળ જવા માટે તેની પાસે પ્રતિભા પણ હોવી જરૂરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સદભાગ્યે અમિતાભે પોતાની કારકિર્દીને વધારવા માટે આ બધી ટ્રિકનો આશરો લેવો પડ્યો ન હતો.
અમિતાભ નામ કોણે આપ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
11 ઑક્ટોબર, 1942ના રોજ અલ્હાબાદમાં (હાલનું પ્રયાગરાજ) અમિતાભનો જન્મ થયો હતો. જન્મ દિવસે જ તેમનું નામકરણ પણ થઈ ગયું હતું.
થયું એવું કે તેમનાં માતા-પિતાના કૌટુંબિક મિત્ર પંડિત અમરનાથ ઝાએ સૂચન કર્યું કે તે સમયે દેશના વાતાવરણને ધ્યાનમાં રાખીને તેમનું નામ 'ઇન્કલાબ' રાખવું જોઈએ.
અમિતાભ બચ્ચન પર તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક 'અમિતાભ બચ્ચન ધ ફૉરએવર સ્ટાર'ના લેખક પ્રદીપ ચંદ્રા કહે છે, "જે દિવસે અમિતાભનો જન્મ થયો હતો, તે જ દિવસે જાણીતા કવિ સુમિત્રાનંદન પંત તેમને જોવા નર્સિંગ હોમ આવ્યા હતા. બાળકને જોતા જ તેમણે કહ્યું, "બચ્ચન, જુઓ આ કેટલો શાંત છે, જાણે કે ધ્યાનમગ્ન અમિતાભ હોય."

ઇમેજ સ્રોત, Kirodimal College
પંતજીએ કહેલા શબ્દો તેજી બચ્ચનના મનમાં રમવા લાગ્યા, 'અમિતાભ', 'અમિતાભ' તેમણે કહ્યું, વાહ, કેટલું સરસ નામ છે.
હરિવંશ અને તેજી બંનેએ નક્કી કર્યું કે તેઓ પોતાના પુત્રનું નામ અમિતાભ રાખશે. પરિવારની અટક શ્રીવાસ્તવ હોવા છતાં, અમિતાભને તેમના પિતા હરિવંશરાય બચ્ચનની અટક 'બચ્ચન' આપવામાં આવી.
ઘરમાં તેમને અમિત તરીકે ઓળખવામાં આવતા હતા, પણ તેમનાં માતા તેમને 'મુન્ના' કહીને બોલાવતાં. અમિતાભના નાના ભાઈ અજિતાભનું ઘરનું નામ 'બંટી' હતું.
કૉલેજમાં શીખ્યા અભિનયના ક...ખ...ગ...
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નૈનિતાલની શૅરવૂડ સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ પછી અમિતાભ બચ્ચને દિલ્હીની કિરોડીમલ કૉલેજમાં પ્રવેશ લીધો. ત્યાં તેમને નાટકોમાં કામ કરવાની ઘણી તકો મળી.
કૉલેજની ડ્રામા સોસાયટીના વડા ફ્રૅન્ક ઠાકુરદાસ અમિતાભના દમદાર અવાજથી પ્રભાવિત થયા હતા. બન્યું એવું કે થિયેટરની જાણીતી હસ્તિ પ્રતાપ શર્માના ભાઈને એક નાટકમાં મુખ્ય ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યા. છેલ્લી ક્ષણે તેમણે કેટલાક અંગત કારણોસર નાટકમાં કામ કરવાની ના પાડી દીધી હતી.
ઠાકુરદાસ સામે એ સમસ્યા હતી કે હવે તેની ભૂમિકા કોને સોંપવી. અમિતાભે એ ભૂમિકા ભજવવાની દરખાસ્ત કરી. ઠાકુરદાસ આ માટે સંમત થઈ ગયા. અમિતાભે આનો પૂરેપૂરો ફાયદો ઉઠાવીને શાનદાર અભિનય કર્યો અને દર્શકોના દિલ જીતી લીધા.
ત્યાર પછી અમિતાભે મિરાન્ડા હાઉસ ખાતે થયેલા નાટક 'રૅપ ઑફ ધ બૅલ્ટ'માં પણ અભિનય કર્યો હતો.
તે વખતે મુંબઈ થિયેટરની દુનિયામાં જાણીતા ડૉલી ઠાકોર મિરાન્ડા હાઉસમાં અભ્યાસ કરતાં હતાં. અમિતાભને યાદ કરતાં તેમણે કહ્યું, "તે દિવસોમાં અમિતાભ ખૂણામાં ચૂપચાપ બેસી રહેતા. તેઓ ખૂબ જ શરમાળ હતા. તેમના નાના ભાઈ અજિતાભ દેખાવમાં વધુ સારા હતા."
બીએ કર્યા બાદ અમિતાભે કોલકાતાની ટબર્ડ્સ ઍન્ડ કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું. બે વર્ષ કામ કર્યા બાદ તેમણે 'બ્લૅકર ઍન્ડ કંપની'માં કામ શરૂ કર્યું. ત્યાં, તેમનો પગાર વધ્યો એટલું જ નહીં, તેમને ઑફિસે આવવા-જવા માટે મૉરિસ માઇનૉર કાર પણ આપવામાં આવી.
'ફિલ્મફૅર-માધુરી'ની સ્પર્ધામાં નિષ્ફળ રહ્યા

અભિનયમાં અમિતાભનો રસ જોઈને તેમના નાના ભાઈ અજિતાભે તેમનો એક ફોટો 'ફિલ્મફૅર-માધુરી ટૅલન્ટ કૉન્ટેસ્ટ'માં મોકલ્યો હતો.
પ્રદીપ ચંદ્રા જણાવે છે કે, "આ સ્પર્ધાના વિજેતાને 2500 રૂપિયા અને એક હિન્દી ફિલ્મમાં કામ કરવાની તક મળવાની હતી. પરંતુ ત્યાં સુધીમાં અમિતાભનો સમય આવ્યો ન હતો, તેથી તેમની પસંદગી કરવામાં ન આવી. તે વર્ષે સંજય અને ફિરોઝ ખાનના ભાઈ સમીર તે હરિફાઈ જીતી ગયા."
"આનાથી અગાઉ ધર્મેન્દ્ર અને રાજેશ ખન્નાએ આ સ્પર્ધા જીતી હતી. આને પણ એક વિડંબણા જ કહી શકાય કે પોતાના અવાજથી વિખ્યાત બનનારા અમિતાભને ઑલ ઇન્ડિયા રેડિયોમાં 'વૉઇસ ટેસ્ટ'માં ફૅલ કરવામાં આવ્યા હતા."
હિન્દી ફિલ્મોમાં અમિતાભની ઍન્ટ્રી તેજી બચ્ચન અને સુનીલ દત્ત તથા નરગીસ દત્ત સાથેની મિત્રતાના કારણે થઈ હતી.
તેનાથી પણ અગાઉ 1968માં દિલ્હીમાં જાણીતા ફિલ્મ નિર્દેશક સાવન કુમાર ટાંકની તેજી બચ્ચન સાથે મુલાકાત થઈ હતી. તેમણે સાવન કુમારને કહ્યું કે તેના પુત્રને ફિલ્મોમાં કામ કરવામાં રસ છે.
તે દિવસોમાં ટાંક મિર્ઝા ગાલિબ પર ફિલ્મ બનાવવાનું વિચારતા હતા. તેમણે મિર્ઝા ગાલિબનો રોલ અમિતાભને આપવાનું મનમાં નક્કી પણ કરી લીધું હતું. પરંતુ તેમને ઓળખનારાઓની દલીલ હતી કે અમિતાભ મિર્ઝા ગાલિબના રોલમાં ફિટ નહીં બેસે, કારણ કે તેઓ ખૂબ ઊંચા હતા, જ્યારે ગાલિબની ઊંચાઈ ઘણી ઓછી હતી.
અનેક ફિલ્મનિર્માતાઓએ કરી અવગણના

ઇમેજ સ્રોત, NIYOGI BOOKS
સુનિલ દત્તની ભલામણના લીધે વિખ્યાત નિર્દેશક બી. આર. ચોપરા અમિતાભનો સ્ક્રીન ટેસ્ટ લેવા માટે સહમત થયા. સ્ક્રીન ટેસ્ટમાં અમિતાભે આ લાઈનો બોલવાની હતી, "તુમ જબ ભી મુજે યું દેખતી હો, મેં સબ ભૂલ જાતા હું, ક્યા હું ક્યા હું કુછ સમજ મેં નહીં આતા."
પરંતુ બી. આર. ચોપરા તરફથી અમિતાભ માટે કોઈ જવાબ ન આવ્યો. હા, ફિલ્મ 'જંજીર' ફિલ્મ રિલીઝ થયા બાદ તેમણે અમિતાભને પોતાની ફિલ્મ 'ઝમીર'માં સાઇન જરૂર કર્યા હતા.
તે દિવસોમાં અમિતાભ વિખ્યાત ફિલ્મ નિર્માતા તારાચંદ બડજાત્યાને પણ મળવા ગયા હતા, પરંતુ ત્યાં પણ કંઈ થઈ ન શક્યું.
બડજાત્યાએ તેમને કહ્યું, "તમારી ઊંચાઈ વધારે છે. તમારે પિતાનો વ્યવસાય અપનાવવો જોઈએ. તમે તેમના જેવા સારા કવિ બની શકો છો."
થોડાં વર્ષો પછી એ જ બડજાત્યાએ અમિતાભને પોતાની ફિલ્મ 'સોદાગર'માં હીરો તરીકે સાઇન કર્યા. એટલું જ નહીં, તારાચંદના પૌત્ર સૂરજ બડજાત્યાએ તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ઊંચાઈયાં'માં અમિતાભને લીડ રોલ આપ્યો હતો.
અમિતાભને પહેલો રોલ આપનારા નિર્માતા

ઇમેજ સ્રોત, RAJSHRI FILMS
જાણીતા ફિલ્મ નિર્દેશક ખ્વાજા અહેમદ અબ્બાસે અમિતાભને પ્રથમ ફિલ્મ આપી.
ફિલ્મ નિર્દેશક ટીનુ આનંદના મિત્ર નીના સિંહે તેમને વિનંતી કરી કે તેઓ અમિતાભની કેટલીક તસવીરો અબ્બાસ સાહેબને દેખાડે.
પ્રદીપ ચંદ્રા કહે છે, "તસવીરો જોયાં પછી અબ્બાસ સાહેબે અમિતાભને ફોન કર્યો. અમિતાભ ખાસ અબ્બાસને મળવા કલકત્તાથી આવ્યા હતા."
"અમિતાભે વિદાય લીધી પછી અબ્બાસે ટીનુને કહ્યું કે તેઓ અમિતાભને 5000 રૂપિયા આપશે, પછી ભલે ફિલ્મ એક મહિનામાં બને કે એક વર્ષમાં બને. ટીનુએ જ્યારે અમિતાભ અને તેમના ભાઈને આ વાત કહી ત્યારે તેઓ બહુ ખુશ ન થયા. આ રકમ અમિતાભના બે મહિનાના પગાર જેટલી હતી."
અમિતાભની ખ્વાજા અહેમદ અબ્બાસ સાથેની મુલાકાતનો ઉલ્લેખ અબ્બાસનાં ભત્રીજી સૈયદા સૈયદેન હમીદે પણ બીબીસી સાથેની વાતચીતમાં કર્યો હતો.
સૈયદાએ જણાવ્યું, "અબ્બાસે પોતાના સૅક્રેટરી અબ્દુલ રહેમાનને બોલાવ્યા અને અમિતાભનો કૉન્ટ્રાક્ટ લખાવવા લાગ્યા. તેમણે ફરી એક વખત અમિતાભને તેમનું આખું નામ અને સરનામું પૂછ્યું. અમિતાભે પોતાનું નામ કહ્યું અને પછી થોડું અટકીને બોલ્યા, પુત્ર ડૉક્ટર હરિવંશરાય બચ્ચન."

ઇમેજ સ્રોત, KHUDA GAWAH
“ઉભા રહો,” અબ્બાસે બૂમ પાડી
તેમણે કહ્યું, "આ કૉન્ટ્રાક્ટ પર ત્યાં સુધી સહી ન કરી શકાય જ્યાં સુધી મને તમારા પિતાની મંજૂરી ન મળે. તેઓ મારા પરિચિત અને સોવિયેત લૅન્ડ નેહરુ ઍવૉર્ડ કમિટિના મારા સાથી છે. તમારે વધુ બે દિવસ રાહ જોવી પડશે."
આ રીતે ખ્વાજા અહેમદ અબ્બાસે કૉન્ટ્રાક્ટની જગ્યાએ હરિવંશરાય બચ્ચનને એક ટૅલિગ્રામ લખ્યો અને પૂછ્યું, "શું તમે તમારા પુત્રને અભિનેતા બનાવવા તૈયાર છો?"
બે દિવસ પછી, હરિવંશરાય બચ્ચને જવાબ આપ્યો, "મને કોઈ વાંધો નથી. તમે આગળ વધી શકો છો."
આ રીતે અમિતાભે 15 ફેબ્રુઆરી 1969ના રોજ પોતાની પહેલી ફિલ્મ 'સાત હિન્દુસ્તાની' સાઇન કરી હતી.
અમિતાભનો ઉર્દૂ ટેસ્ટ

ઇમેજ સ્રોત, Getty Images
આ ફિલ્મમાં ટીનુ આનંદ પણ કામ કરવાના હતા, પરંતુ તે જ સમયે સત્યજીત રેએ તેમને બોલાવી લીધા. પરિણામે ટીનુ આનંદની ભૂમિકા અમિતાભ બચ્ચનને આપવામાં આવી અને અમિતાભ અગાઉ જે ભૂમિકા ભજવતા હતા, તે ભૂમિકા મેહમૂદના ભાઈ અનવર અલીને અપાઈ.
તે જ દિવસોમાં અમિતાભની મુલાકાત ઋષિ કપૂર સાથે થઈ.
ઋષિ કપૂરે તેમની આત્મકથા 'ખુલ્લમખુલ્લા'માં તેમને યાદ કર્યા છે. તેમણે લખ્યું છે, "હું ટીનુ આનંદનો મિત્ર હતો અને ઘણી વાર તેમના ઘરે જતો હતો. એકવાર મેં જોયું કે એક દુબળો પાતળો, દેખાવડો માણસ જમીન પર પલાઠી મારીને બેઠો છે અને ખ્વાજા અહેમદ અબ્બાસને લેખિત પરીક્ષા આપી રહ્યો છે."
"વાસ્તવમાં અબ્બાસ ઇચ્છતા હતા કે અમિતાભ ઉર્દૂની પરીક્ષા આપે, કારણ કે આ ફિલ્મના ઘણા સંવાદ ઉર્દૂમાં હતા. અમિતાભે પણ આ ઘટનાની પુષ્ટિ આપતા કહ્યું હતું કે 'તે સમયે મને ઉર્દૂ બિલકુલ આવડતું ન હતું. પહેલી વખત મેં ઉર્દૂ શબ્દ ઝાયકા સાંભળ્યો હતો જેનો અર્થ થાય છે 'સ્વાદ'."
...અને 'શરાબી' સ્ટારે દારૂ છોડી દીધો

ઇમેજ સ્રોત, KHWAJA AHMAD ABBAS MEMORIAL TRUST
અમિતાભને તેમની પહેલી જ ફિલ્મ 'સાત હિન્દુસ્તાની' માટે નૅશનલ ઍવૉર્ડ મળ્યો હતો.
પ્રદીપ ચંદ્રા પોતાના પુસ્તકમાં લખે છે, "અબ્બાસ સાહેબ બહુ ઓછા બજેટમાં ફિલ્મો બનાવતા હતા. પરંતુ કેટલીકવાર જ્યારે તેઓ ખૂબ ખુશ હોય, ત્યારે પોતાની સાથે કામ કરનારને 50 રૂપિયા આપતા અને કહેતા કે જાવ, જલ્સા કરો."
એક વખત આ 50 રૂપિયા અમિતાભને મળ્યા. પૈસા મળતાની સાથે જ ત્રણ મિત્રો બચ્ચન, જલાલ આગા અને અનવર અલીએ એ સાંજને યાદગાર બનાવવાનું નક્કી કર્યું. ત્રણેએ ચિક્કાર દારુ પીધો.
બીજા દિવસે અનવર અલીએ બચ્ચનને સલાહ આપી કે જ્યાં સુધી ઇન્ડસ્ટ્રીમાં તમારું નામ ન થઈ જાય ત્યાં સુધી દારૂને હાથ ન લગાડવો. અમિતાભે તે જ ક્ષણે દારૂ છોડી દેવાનો નિર્ણય કર્યો.
તેમણે આખી જિંદગી આ નિર્ણયનું પાલન કર્યું. હા, જ્યારે તેમના નાના ભાઈ અજિતાભનાં લગ્ન થયાં ત્યારે તેમણે ચોક્કસ દારૂની બે ચુસ્કી લગાવી હતી.
અભિનય પહેલાં વૉઇસઓવરનું કામ

ઇમેજ સ્રોત, NIYOGI BOOKS
તે દિવસોમાં જાણીતા ફિલ્મ નિર્દેશક મૃણાલ સેને અમિતાભ બચ્ચનને એક વૉઇસ ઓવરનું કામ આપ્યું હતું.
મૃણાલ સેન અબ્બાસના ઘરે આવ્યા હતા. તેઓ એક દમદાર અવાજવાળી એવી વ્યક્તિની શોધમાં હતા, જેને તેઓ પોતાની ફિલ્મ 'ભુવન શોમ'માં સૂત્રધાર તરીકે ઉપયોગ કરી શકે.
અમિતાભે જ્યારે આ સાંભળ્યું ત્યારે તેમણે મૃણાલને કહ્યું કે મને બંગાળી ભાષા આવડે છે. મૃણાલે તેમનો અવાજ સાંભળ્યો. અવાજ તો ગમ્યો, પરંતુ તેમની બંગાળી બોલવાની ઢબ પસંદ ન પડી.
તેમણે પોતાની ફિલ્મમાં હિન્દીમાં નૅરેશન આપવા માટે બચ્ચનને પસંદ કર્યા. આ કામ માટે સેને બચ્ચનને 300 રૂપિયા આપ્યા હતા.
'ભુવન શોમ' જ્યારે રિલીઝ થઈ ત્યારે અમિતાભનું નામ પણ તેની ક્રૅડિટમાં હતું. આ ફિલ્મ ભારતીય સિનેમામાં એક માઇલસ્ટૉન સાબિત થઈ. ફિલ્મને કુલ ત્રણ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા - સર્વશ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શક અને શ્રેષ્ઠ અભિનેતા માટે.
સતત 12 ફ્લૉપ ફિલ્મો
'સાત હિન્દુસ્તાની' પછી નસીબે અમિતાભ બચ્ચનને સાથ ન આપ્યો. તેમની સળંગ દસ ફિલ્મો બૉક્સ ઓફિસ પર પિટાઈ ગઈ.
1971માં તેમની ફિલ્મ 'પરવાના' રિલીઝ થઈ હતી, જેમાં નવીન નિશ્ચલ હીરો હતા અને અમિતાભે 'નૅગેટિવ' રોલ કર્યો હતો.
આ દરમિયાન સુનિલ દત્તે તેમને પોતાની ફિલ્મ 'રેશ્મા ઔર શેરા'માં કામ કરવાની તક આપી. રસપ્રદ વાત એ હતી કે તેમાં એક મૂંગી વ્યક્તિનો રોલ કરવાનો હતો.
હરિવંશ રાય બચ્ચને પોતાની આત્મકથામાં લખ્યું કે, "આ અમિતાભના અભિનય કૌશલ્યની વાસ્તવિક કસોટી હતી, કારણ કે તેમણે એક પણ શબ્દ બોલ્યા વગર પોતાની તમામ લાગણીઓ દર્શકો સુધી પહોંચાડવાની હતી."
એક વખત અમિતાભ બચ્ચન ખ્વાજા અહમદ અબ્બાસ સાથે ઋષિકેશ મુખર્જીને તેમના ઘરે મળવા ગયા હતા. તે દિવસોમાં તેઓ પોતાની ફિલ્મ 'આનંદ' માટે એક અભિનેતાની શોધમાં હતા.
અમિતાભને જોતાની સાથે જ તેમને લાગ્યું કે તેમને તેમનો 'બાબુ મોશાય' મળી ગયો છે.
અગાઉ તેઓ આ રોલ માટે પ્રખ્યાત બંગાળી અભિનેતા ઉત્તમકુમારને લેવા માગતા હતા. બાદમાં તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "મેં અમિતાભને તેમના અવાજ અને ગંભીર આંખોના કારણે પસંદ કર્યા. મને એ કહેવામાં કોઈ સંકોચ નથી કે આ ફિલ્મમાં અમિતાભ રાજેશ ખન્ના ઉપર છવાઈ ગયા હતા."
જાવેદ અખ્તરની ભલામણથી રોલ મળ્યો

ઇમેજ સ્રોત, Getty Images
પ્રકાશ મહેરાએ જ્યારે 'જંજીર' બનાવવાનું શરૂ કર્યું ત્યારે ધર્મેન્દ્ર, રાજ કુમાર અને દેવઆનંદે કોઈને કોઈ બહાને ફિલ્મને નકારી કાઢી.
પ્રદીપ ચંદ્રા જણાવે છે, "પછી જાવેદ અખ્તરે ક્યાંકથી અમિતાભનો ફોન નંબર શોધી કાઢ્યો અને તેમને ફોન કરીને કહ્યું કે તેમને સ્ક્રિપ્ટ સંભળાવવા માગે છે. અમિતાભ તે દિવસોમાં એટલા વ્યસ્ત ન હતા, તેથી તેમણે જાવેદ અખ્તરને તરત આવી જવા કહ્યું. જાવેદ અખ્તર ટૅક્સી કરીને અમિતાભના ઘર 'મંગલ' પહોંચ્યા જ્યાં તેઓ તે દિવસોમાં રહેતા હતા."
"સ્ક્રિપ્ટ સાંભળ્યા પછી, અમિતાભે જાવેદ અખ્તરને પૂછ્યું, 'શું મારામાં આ રોલ કરવાની ક્ષમતા છે? જાવેદે તેમને સમજાવ્યું કે 'જો કોઈ આ રોલ કરી શકે તો તે તમે જ છો'."
ઘણા વર્ષો પછી અમિતાભ બચ્ચને જાવેદ અખ્તરને પૂછ્યું, "તમે શું વિચારીને પ્રકાશ મહેરાને મને તેમની ફિલ્મમાં લેવાનું કહ્યું હતું?
જાવેદનો જવાબ હતો, "મેં 'બૉમ્બે ટુ ગોવા' જોઈ હતી. એ ફિલ્મમાં તમારી અને શત્રુઘ્ન સિન્હા વચ્ચે એક ફાઇટ સીન હતો. ફાઇટની શરૂઆતમાં તમે ચ્યૂઇંગ ગમ ખાવ છો. મુક્કો ખાધા પછી તમે પડીને ઊભા થયા ત્યારે પણ ચ્યૂઇંગ ગમ ચાવતા હતા. એ સિન જોયા પછી જ મેં નક્કી કર્યું કે તમારા સિવાય કોઈ ફિલ્મ 'જંજીર' નહીં કરી શકે.
જાવેદ અખ્તર પ્રકાશ મહેરા સાથે રૂપતારા સ્ટુડિયો પહોંચ્યા, જ્યાં જિતેન્દ્ર અને હેમા માલિની સાથે અમિતાભની ફિલ્મ 'ગેહરી ચાલ'નું શૂટિંગ ચાલી રહ્યું હતું. ત્યાં અમિતાભે પોતાની કારકિર્દીની 13મી ફિલ્મ સાઇન કરી હતી.
એટલું જ નહીં, આ ફિલ્મમાં તેમનાં ભાવિ પત્ની જયા ભાદુરીને હિરોઇન તરીકે સાઇન કરવામાં આવ્યાં હતાં. બાદમાં અમિતાભને પૂછવામાં આવ્યું કે જો તેમને 'જંજીર' ન મળી હોત તો તેમણે શું કર્યું હોત?
અમિતાભનો જવાબ હતો, "મારી પાસે કોઈ વૈકલ્પિક યોજના નહોતી. મને કોઈ રોલ આપતું ન હતું. તે સમયે મારા હાથમાં એકમાત્ર ફિલ્મ 'જંજીર' હતી."
ઍંગ્રી યંગમૅનનો ઉદય થયો

ઇમેજ સ્રોત, Punit Kumar / BBC
1973માં રિલીઝ થયેલી 'જંજીર' સુપરહિટ ફિલ્મ સાબિત થઈ. ફિલ્મફૅર ઍવૉર્ડ્સમાં તેને નવ કૅટેગરીમાં નૉમિનેટ કરવામાં આવી હતી. પ્રાણ પર ફિલ્માવવામાં આવેલું આ ફિલ્મનું ગીત 'યારી હૈ ઇમાન મેરા' તે વર્ષનું સૌથી લોકપ્રિય ગીત સાબિત થયું.
આ ફિલ્મના કારણે એક અજાણ્યા અભિનેતા સુપરસ્ટારની કૅટેગરીમાં આવી ગયા. ત્યાંથી જ તેમની 'ઍંગ્રી યંગ મૅન' ઇમેજની શરૂઆત થઈ અને તેઓ નૅશન ક્રૅઝ બની ગયા.
જોકે, અમિતાભનું માનવું છે કે 'ઍંગ્રી યંગ મૅન'ની ઇમૅજના બીજ તો ઋષિકેશ મુખર્જીની ફિલ્મ 'નમકહરામ' દરમિયાન વાવવામાં આવ્યા હતા.
ઋષિકેશ મુખર્જીનું માનવું હતું કે 'આનંદ'માં અમિતાભને નિર્દેશિત કરતી વખતે જ તેમની ઑન સ્ક્રીન પ્રૅઝન્સનો અણસાર મળી ગયો હતો.
એકવાર તેમણે કહ્યું હતું કે, "મને અંદાજ આવી ગયો કે તેમનામાં માત્ર એક નજર અને પોતાના અવાજથી પોતાની ભૂમિકાને મજબૂત બનાવવાની ગજબની ક્ષમતા હતી. આ જ કારણથી મેં તેમને 'નમકહરામ'માં 'ઍંગ્રી યંગ મૅન'નો રોલ આપ્યો."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન














