જંજીર : એ ફિલ્મ જેણે ફ્લોપ હીરો અમિતાભ બચ્ચનને બનાવી દીધા સુપરસ્ટાર

ઝંઝીર ઝંજીર જંજીર અમિતાભ બચ્ચન બીબીસી ગુજરાતી

વાત 1972ની છે. પ્રકાશ મહેરા અને ધર્મેન્દ્રની ફિલ્મ ‘સમાધિ’ રજૂ થઈ હતી અને જોરદાર હિટ થઈ હતી. બન્ને વચ્ચે ઉત્તમ તાલમેલ સર્જાયો હતો.

એ દિવસોમાં ધર્મેન્દ્રે રૂ. 9,500 આપીને એક ફિલ્મની સ્ટોરી ખરીદી હતી. એ કહાણી સલીમ-જાવેદની હતી, પરંતુ ધર્મેન્દ્ર તરત એ ફિલ્મ બનાવવા ઇચ્છતા ન હતા. એ કહાણી રૂ. 55,000 ચૂકવીને પ્રકાશ મહેરાએ ધર્મેન્દ્ર પાસેથી ખરીદી લીધી હતી.

એ કહાણીના આધારે ધર્મેન્દ્ર સાથે ફિલ્મ બનાવવાનો નિર્ણય પ્રકાશ મહેરાએ કર્યો હતો. એ કહાણી ધર્મેન્દ્રને બહુ જ પસંદ હતી, પરંતુ નસીબે એવો ખેલ પાડ્યો કે પોતાને બહુ જ ગમતી કહાણીનો હિસ્સો ધર્મેન્દ્ર પોતે જ બની શક્યા નહીં.

વાસ્તવમાં તેમનાં એક પિતરાઈ બહેનને પ્રકાશ મહેરા સાથે ગંભીર મતભેદ સર્જાયા હતા. ટીવી શો ‘આપ કી અદાલત’માં ધર્મેન્દ્રે કહ્યું હતું કે “એ બહેને મને એવા સોગંદ આપ્યા હતા કે હું લાગણીના બંધનમાં બંધાઈ ગયો હતો. એ ફિલ્મ છોડવાથી મને બહુ દુઃખ થયું હતું, પરંતુ બહેનને કહેવાથી છોડી દીધી હતી.”

દિલીપકુમાર, રાજકુમાર, દેવ આનંદ બધાએ એ રોલ ભજવવાનો ઇનકાર કર્યો હતો એ જગજાહેર છે. 50 વર્ષ પહેલાં 1973ની 11 મેએ તે ફિલ્મ રજૂ થઈ ત્યારે તેણે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક ‘એન્ગ્રી યંગ મૅન’ આપ્યો હતો. એક નવો સુપરસ્ટાર, જે તે પછીનાં વર્ષોમાં હિન્દી ફિલ્મોની કાયાપલટ કરવાનો હતો. તેની સાથે પ્રકાશ મહેરા અને અમિતાભ બચ્ચનની જાદુઈ જોડીની શરૂઆત થઈ હતી અને તેનો જાદુ 1989ની ફિલ્મ ‘જાદુગર’ સાથે તૂટ્યો હતો.

જંજીર ફિલ્મની કહાણી મનમાં ગુસ્સો અને વિદ્રોહ ભર્યો હોય તેવા એક ઇમાનદાર યુવાન પોલીસ અધિકારી વિજયની હતી, જે કોણ જાણે કોની જંજીરથી જકડાયેલો હતો.

ગ્રે લાઇન

અમિતાભ બની ગયા 'એન્ગ્રી યંગ મૅન'

ઝંઝીર

“પોલીસ સેવામાં તમને પાંચ વર્ષ થઈ ગયાં છે અને આ પાંચ વર્ષમાં તમારી 11 વખત બદલી થઈ છે. તમે પ્રામાણિક અને મહેનતુ અધિકારી છો તેની મને ખબર પડી છે, પરંતુ તમારી એક નિર્બળતા પણ છે. તમે દરેક ગુનેગારને તમારો વ્યક્તિગત દુશ્મન સમજો છો અને કાયદાનું રક્ષણ કરવા માટે કેટલીક વખત કાયદાના દાયરાની બહાર પણ નીકળી જાઓ છો,” એવું ફિલ્મના શરૂઆતનાં દૃશ્યોમાં સિનિયર અધિકારી (ઇફ્તેખાર) ઇન્સ્પેક્ટર વિજયને કહે છે ત્યારે જ વિજયની તાસીર સમજાઈ જાય છે.

જંજીરની ખાસિયત એ છે કે તેમાં કહેવા માટે પડદા પર એક સુપરહીરો અમિતાભ બચ્ચન છે, પરંતુ વાસ્તવમાં જંજીરની સફળતા પાછળ અનેક હીરો છે.

સૌથી પહેલાં અમિતાભની વાત કરીએ.

અમિતાભ બચ્ચન જંજીર બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Punit Kumar / BBC

દીપ્તોકીર્તિ ચૌધરીએ હિન્દી ફિલ્મો સંબંધી અનેક પુસ્તકો લખ્યાં છે. તેઓ કહે છે, “સારા પર્ફૉર્મન્સની ઓળખ એ હોય છે કે તે ભૂમિકામાં બીજા કોઈની કલ્પના જ નથી કરી શકાતી. જેમ કે ઇન્સ્પેક્ટર વિજય ખન્નાના રોલમાં અમિતાભ સિવાય બીજા કોઈ માટે વિચારવાનું શક્ય નથી. તેમના પાત્રમાં જે ઇન્ટેન્સિટી જોવા મળે છે તેની ધાર અમિતાભને કારકિર્દીમાં મહિનાઓથી મળેલા ઇનકારને લીધે તેજ થઈ હશે. જંજીર પ્રદર્શિત થઈ તે પહેલાં ગુરુવારે લોકો માટે પ્રાણ તથા જયા ભાદુરી સૌથી મોટું આકર્ષણ હતાં, પરંતુ એક સપ્તાહ પછી અમિતાભ ઍક્ટર તથા સ્ટાર તરીકે ફિલ્મ સામયિકોના મુખપૃષ્ઠ પર ચમકવા લાગ્યા હતા. એ ફિલ્મે અમિતાભને સ્ટાર બનાવ્યા. એ સ્ટારડમની ચમક આજ સુધી ઝાંખી પડી નથી.”

ગ્રે લાઇન

ફ્લોપ હીરો અમિતાભ પર રમ્યા દાવ

ઝંઝીર

જંજીરમાં બીજો મોટો નાયક છે તેની સલીમ-જાવેદે લખેલી પટકથા. ફિલ્મની સફળતાનાં હકદાર એ દમદાર પાત્રો પણ છે, જે પ્રાણ (શેરખાન) અને અજિત (તેજા) જેવા અભિનેતાઓએ ભજવ્યાં હતાં. પણ ફિલ્મના અસલી હીરો હતા દિગ્દર્શક પ્રકાશ મહેરા. એક એવા દિગ્દર્શક, જેમની કહાણીને દરેક મોટા હીરોએ ફગાવી દીધી હતી.

એ રાજેશ ખન્નાનો સમય હતો. ફિલ્મોમાં રોમાન્સ જરૂરી ગણાતો હતો. નાચગાન તો હોવું જ જોઈએ અને સાથે થોડી કૉમેડી, પરંતુ જંજીરમાં એવું કશું જ નહોતું. તેમ છતાં પ્રકાશ મહેરાએ તે ફિલ્મ બનાવી અને એ પણ એવા અભિનેતાને લઈને, જેની 10-12 ફિલ્મો એ સમય સુધીમાં ફ્લોપ સાબિત થઈ હતી.

એક ફ્લોપ હીરો સાથે ફિલ્મ બનાવવાનું કામ જોખમ વહોરી લેવા જેવું હતું અને પ્રકાશ મહેરાએ પહેલીવાર પોતાના પૈસે એ ફિલ્મનું નિર્માણ કર્યું હતું. પ્રકાશ મહેરાએ અમિતાભને હીરોની ભૂમિકા આપી અને તેમના ચાહક બની ગયા. જંજીરની સફળતાથી બધાને લાભ થયો હતો.

અમિતાભ બચ્ચનને હીરોની ભૂમિકા આપવા પ્રકાશ મહેરાને રાજી કરવાનું કામ સલીમ-જાવેદે કર્યું હતું. તેઓ અમિતાભની 'બૉમ્બે ટુ ગોવા' અને 'પરવાના' જેવી ફિલ્મો નિહાળી ચૂક્યા હતા.

બીબીસી ગુજરાતી

ફિલ્મના પોસ્ટર પર છપાયું સલીમ-જાવેદનું નામ

સલીમ જાવેદ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એ દિવસોમાં ફિલ્મોના પોસ્ટર પર લેખકોનાં નામ છાપવાની પ્રથા ન હતી, પરંતુ સલીમ-જાવેદે પ્રકાશ મહેરાને કહ્યું હતું કે પોસ્ટર પર તેમનું નામ પણ હોવું જોઈએ.

બીબીસી સાથેની વાતચીતમાં જાવેદ અખ્તરે કહ્યુ હતું કે, “અમે આવી ઇચ્છા વ્યક્ત કરી ત્યારે અમને જણાવવામાં આવ્યું હતું કે આવું થતું નથી. મુંબઈમાં જંજીર પ્રદર્શિત થઈ ત્યારે અમે બે જીપ ભાડે લીધી હતી. તેમાં ત્રણ-ચાર લોકોને બેસાડ્યા હતા. તેમને રંગ તથા સીડીઓ આપી હતી અને જણાવ્યું હતું કે મુંબઈમાં જંજીર ફિલ્મના પોસ્ટર જ્યાં દેખાય ત્યાં ‘રિટન બાય સલામ-જાવેદ’ એવું લખી નાખે. તમામ પોસ્ટર પર સલીમ-જાવેદનું નામ આ રીતે લખવામાં આવ્યું હતું. એ પછી પોસ્ટરો પર લેખકનું નામ લખવાની શરૂઆત થઈ હતી.”

તેમણે કહ્યું હતું કે, “સલીમ-જાવેદે જંજીર સાથે ફિલ્મોદ્યોગમાં લેખકોને મળતા મહત્ત્વને પણ બદલી નાખ્યું હતું.” તેઓ ઇન્ડસ્ટ્રીના પહેલા સ્ટાર રાઇટર હતા. સલીમ-જાવેદે જંજીર ફિલ્મ રમેશ સિપ્પીને દેખાડી પછી સિપ્પીએ શોલે ફિલ્મમાં અમિતાભને લીધા હતા અને અમિતાભની ચર્ચા થવા લાગી હતી.

એ અજબ યોગાનુયોગ છે કે સલીમ-જાવેદે સૌપ્રથમ ‘અધિકાર’ ફિલ્મની પટકથા લખી હતી, પરંતુ એમના નામ ક્રૅડિટ લિસ્ટમાં લખવામાં આવ્યાં ન હતાં.

દીપ્તોકીર્તિ ચૌધરીએ ‘રિટન બાય સલીમ-જાવેદ – ધ સ્ટોરી ઑફ હિન્દી સિનેમાઝ ગ્રેટેસ્ટ સ્ક્રીન રાઇટર્સ’ નામનું પુસ્તક લખ્યું છે.

સલીમ-જાવેદે જંજીર ફિલ્મ વિતરકોને વેચવામાં પણ મદદ કરી હતી. 'એન્ગ્રી યંગ મૅન' હિન્દી ફિલ્મોની સૌથી વધુ ટકાઉ ફૉર્મ્યુલા છે, જેણે એક પછી એક અનેક હિટ ફિલ્મો આપી છે અને સલીમ-જાવેદની એ ફૉર્મ્યુલાએ અનેક અભિનેતાને સ્ટાર બનાવી દીધા છે.

બીબીસી ગુજરાતી

‘જબ તક બૈઠને કો ના કહા જાએ, શરાફત સે ખડે રહો’

બીબીસી ગુજરાતી

સલીમ-જાવેદની પટકથાની કમાલ એ હતી કે શેર ખાન (પ્રાણ) સાથેની દોસ્તી અને વિલન તેજા (અજિત) સાથેની દુશ્મનીને એક દોરામાં એવી રીતે પરોવવામાં આવી હતી કે તે કહાણીને ક્યારેય ઢીલી પડતી જણાતી નહોતી.

ફિલ્મમાં પ્રાણ અને અમિતાભ વચ્ચે પ્રારંભિક ટકરાવનું દૃશ્ય આજે પણ રૂવાં ઊભાં કરી દે છે, જેમાં પ્રાણ કહે છે, “ઇલાકે મેં નયે આયે હો સાહેબ, વરના શેરખાન કો કૌન નહીં જાનતા.”

અમિતાભ જવાબ આપે છે, “જબ તક બૈઠને કો ના કહા જાએ, શરાફત સે ખડે રહો. યે પુલિસ સ્ટેશન હૈ, તુમ્હારે બાપ કા ઘર નહીં.”

બન્ને વચ્ચેની આ તકરાર અને પછીની ગાઢ દોસ્તી ફિલ્મનો હાઈ પૉઇન્ટ છે. ફિલ્મના એક ગીત “યારી હૈ ઇમાન મેરા” માટે ગુલશન બાવરાને ફિલ્મફેર પુરસ્કાર પણ મળ્યો હતો.

બીબીસી ગુજરાતી

સૂટ-બૂટવાળો સુસંસ્કૃત ખલનાયક અજિત

બીબીસી ગુજરાતી

તેજાના પાત્રમાં અજિતે ખલનાયકની ભૂમિકાને એક નવો આયામ આપ્યો હતો. મોટી બંદુકોવાળા ડાકુ કે લાલચી શાહુકાર જેવા વિલનથી અલગ જંજીરમાં તેજા નામનો ખલનાયક સૂટ-બૂટ અને બો-ટાઈ પહેરતો સુસંસ્કૃત વિલન હતો, જે લોકો વિશે ઝીણવટભરી સમજ ધરાવતો હતો.

સ્મગલર તેજા તેની પાર્ટીમાં ઇન્સ્પેક્ટર વિજયને એકલો-અટૂલો જુએ છે ત્યારે મોના એટલે કે બિંદુને કહે છે, “જો લોક પાર્ટિયોં મેં અલગ-થલગ રહેતે હૈં, વો આમ તૌર પર બહુત ઝિદ્દી હોતે હૈં.”

તેજાનું અનુમાન સાચું હોય છે. વિજય ખરેખર બહુ જિદ્દી હતો અને તેજા તથા વિજયની એ પહેલી જ મુલાકાત હતી.

કેટલાક લોકોનું કહેવું છે કે જંજીરના શેઠ ધર્મ દયાલ તેજાનું પાત્ર ભારતના શિપિંગ ક્ષેત્રના માંધાતા જયંત ધર્મા તેજા પર આધારિત હતું. જયંત ધર્મા તેજાએ શિપિંગ ઉદ્યોગમાંથી બહુ કમાણી કરી હતી, પરંતુ બાદમાં તેમણે ભારત છોડીને ભાગવું પડ્યું હતું અને આખરે તેમને જેલની સજા પણ થઈ હતી.

ખલનાયકો પર આધારિત પુસ્તક ‘પ્યોર ઇવિલ – ધ બૅડમૅન ઑફ બોલીવુડ’ના લેખક બાલાજી વિઠ્ઠલે બીબીસીને કહ્યું હતું કે “જયંત ધર્મા તેજાએ શિપિંગ કંપનીની સ્થાપના માટે 1960માં રૂ. 2.20 કરોડની લોન લીધી હતી. લોનના પૈસા તેઓ પોતાના અંગત ખાતામાં ટ્રાન્સફર કરતા હોવાની ખબર પડી ત્યારે તેઓ દેશમાંથી નાસી છૂટ્યા હતા. એ ભૂમિકા માટે અજિત શરૂઆતમાં બહુ ઉત્સાહિત ન હતા, પરંતુ સલીમે તેમને આ પાત્ર ભજવવા માટે મહામહેનતે મનાવી લીધા હતા.”

કોઈ પાત્રની લોકપ્રિયતાનું અનુમાન એ વાત પરથી આંકી શકાય કે તે બીજી ફિલ્મોમાં, જોક્સમાં અને આજકાલ સોશિયલ મીડિયા મીમ્સમાં પણ જીવંત રહે. તેજા અને મોના ડાર્લિંગના અનેક સ્પૂફ આજે પણ જોવા મળે છે.

બીબીસી ગુજરાતી

નાની ભૂમિકામાં મોટી છાપ છોડી જયા ભાદુરીએ

બીબીસી ગુજરાતી

એક રીતે જોઈએ તો જંજીરમાં જયા ભાદુરી માટે કરવા જેવું કશું જ ન હતું. અલબત્ત, જંજીર આવ્યા પહેલાં જયા સ્ટાર બની ચૂક્યાં હતાં. છતાં તેઓ જંજીરમાં કામ કરવા તૈયાર થયાં હતાં.

જંજીરમાં છરી-ચપ્પુની ધાર કાઢી આપતી જિંદાદિલ અને ચપળ માલા ગુમસૂમ તથા નારાજ રહેતા વિજયનો ઇલાજ છે. માલા વિજયની એ લાગણીઓને પુનર્જીવિત કરે છે, જેને વિજય કાં તો ભૂલી ગયો છે અથવા તો એ અનુભૂતિને તેણે પોતાનાં કામ તથા ફરજની ચાદર તળે દબાવી દીધી છે.

એકલાપણા વિશેના માલાના સવાલના જવાબમાં વિજય એટલે જ કહે છે, “આદત પડ ગઈ હૈ અકેલે રહને કી.”

માલા તરત કહે છે, “એકલી તો હું પણ રહું છું, પરંતુ એકલા રહેવાની આદત ક્યારેય પડી નથી. ભાઈ-બહેન હોય, માતા-પિતા હોય એવી ઇચ્છા કાયમ થાય છે.”

વિજય કહે છે, “તેં તદ્દન સાચું કહ્યું. એકલા રહેવાની આદત પડતી નથી. મનમાં તો હંમેશાં ઇચ્છા રહે, પરંતુ તેનાથી શું થાય છે.”

વિજયને પહેલી વાર અહેસાસ થાય છે કે તે કેટલો એકલો છે. આ સીમિત ભૂમિકા જયા ભાદુરીએ બહુ સારી રીતે ભજવી હતી.

બીબીસી ગુજરાતી

જંજીરનું હિટ થવું અને અમિતાભ-જયાનાં લગ્ન

જંજીરમાં તો અમિતાભ બચ્ચન અને જયા ભાદુરી વચ્ચેનો રોમાન્સ હતો જ, પરંતુ બન્નેનાં લગ્નની કથા પણ જંજીર સાથે જોડાયેલી છે.

પોતાની દોહિત્રી નવ્યા નંદાના પોડકાસ્ટમાં જયા બચ્ચન કહે છે, “અમારી ફિલ્મ જંજીર હિટ થશે તો અમે ક્યાંક વૅકેશન માણવા જઈશું, તેવું અમે નક્કી કર્યું હતું. અમે ઑક્ટોબર, 1973માં લગ્નનો નિર્ણય કર્યો હતો, જ્યારે જંજીર એપ્રિલમાં રિલીઝ થઈ ગઈ હતી. અમિતાભે મને કહેલું કે મારાં માતાપિતાએ કહ્યું છે કે લગ્ન કર્યા વિના અમારે સાથે વૅકેશન પર જવાનું નથી. તેથી અમે વિચાર્યું હતું કે ઑક્ટોબરને બદલે જૂનમાં જ લગ્ન કરી લઈએ.”

અમિતાભની સર્વેશ્રેષ્ઠ ફિલ્મ કઈ છે એ બાબતે અંતહીન ચર્ચા ચાલતી રહી છે, પરંતુ જંજીરને ઘણા લોકો ટર્નિંગ પૉઇન્ટ માને છે.

બીબીસી ગુજરાતી

એ દુનિયાનો હીરો કાયમ ગુસ્સામાં રહેતો હતો

ઝંઝીર

લેખિકા સુષ્મિતા દાસગુપ્તાએ ‘અમિતાભ – ધ મેકિંગ ઑફ એ સુપરસ્ટાર’ પુસ્તકમાં જંજીર વિશે લખ્યું છે કે, “જંજીરે ઉમદા દિલવાળા અને નીતિમાન નાયકનો માપદંડ તોડી નાખ્યો હતો. જંજીરનો વિજય સાચું કામ કરે છે, પરંતુ એ કામ સરકારની નજરમાં સાચું હોય એ જરૂરી નથી. જંજીરે દર્શકોને, સારા લોકો સાથે આખરે સારું જ થતું હોય એવી દુનિયામાં ધકેલ્યા ન હતા. જંજીર એ દુનિયાનો હિસ્સો હતી, જ્યાં ન્યાયની કોઈ ગૅરંટી ન હતી. એ માટે લડવું પડતું હતું. એ દુનિયાનો હીરો કાયમ ગુસ્સામાં રહેતો હતો એ આશ્ચર્યની વાત નથી.”

તવલીનસિંહે 90ના દાયકામાં ‘એક દિન, એક જીવન’ નામની એક ટીવી શ્રેણી બનાવી હતી. તેમાં વાત કરતાં અમિતાભે કહ્યું હતું કે “એન્ગ્રી યંગ મૅન કોઈ નવું વ્યક્તિત્વ નથી. મધર ઇન્ડિયાનો બિરજુ, ગંગા જમનાના દિલીપ સા'બ..આ બધા એ ઇમેજમાંથી નીકળેલાં પાત્રો છે. જંજીરનો એન્ગ્રી યંગ મૅન એ સમયની પરિસ્થિતિમાંથી નીકળેલો હતો. એ વખતે લેખકોના મનમાં વિચાર આવ્યો હતો કે સરકાર સામાન્ય લોકો માટે જરૂરી પગલાં લઈ શકતી ન હોય તો સામાન્ય માણસે તેની માગણી કરવી પડશે. ત્યારે જ તેને ન્યાય મળશે. એ વિચારના અનુસંધાને એન્ગ્રી યંગ મૅન બન્યો હતો. હું એ સમયે હતો એ નસીબની વાત છે.”

જયા ભાદુરી નવા ઘર, નવા પડદાનાં સપનાં નિહાળતાં હોય છે ત્યારે જંજીરમાં અમિતાભના એન્ગ્રી યંગ મૅનની છબિ શ્રેષ્ઠ રીતે જોવા મળે છે અને સમાજમાં થતા અપરાધ સામે મૌન રહેવા મજબૂર વિજયનો આક્રોશ ફૂટી પડે છેઃ “હા, આપણે આપણા ઘરમાં આવા જ સુંદર પડદા લગાવીશું અને હું એ જાણવાનો પ્રયાસ નહીં કરું કે પડદાની બીજી બાજુની દુનિયામાં શું ચાલી રહ્યું છે. આપણા સુંદર ઘરની બહાર લોકો મરતા હોય તો ભલે મરે. સ્મગલરોની મોટરકાર માસૂમ બાળકોને ભલે કચડતી રહે. હા, માલા આપણે એક સુંદર ઘર જરૂર બનાવીશું અને ભૂલી જઈશું કે એ ઘર જે દુનિયામાં બન્યું છે તે કેટલી ભૂંડી છે. ત્યાં કેટલા અત્યાચાર થાય છે. કેટલો અન્યાય થાય છે. આવું જ થશે માલા.”

લગભગ એક મિનિટના આ મોનોલોગમાં અમિતાભની આંખોમાં જે આક્રોશ જોવા મળે છે તે અમિતાભ બચ્ચનની આગામી અનેક ફિલ્મોનો હોલમાર્ક બનવાનો હતો – ધ એન્ગ્રી યંગ મૅન.

બીબીસી ગુજરાતી

પાત્રો અનેક, શહેનશાહ માત્ર એક

બીબીસી ગુજરાતી

અલબત્ત, એ સમયમાં વન મૅન ઇન્ડસ્ટ્રીનું જે બિરુદ અમિતાભ બચ્ચનને મળ્યું હતું તેનાથી ફિલ્મોદ્યોગને કેટલો ફાયદો થયો એ બાબતે લોકો અલગ-અલગ અભિપ્રાય ધરાવે છે.

જંજીરની વાત કરીએ તો જંજીરની માફક જ 49 વર્ષ પછી બનેલી ‘ઝૂંડ’ ફિલ્મમાં પણ અમિતાભ બચ્ચનના પાત્રનું નામ વિજય જ હતું. ફિલ્મના દિગ્દર્શક નાગરાજ મંજુલેના કહેવા મુજબ, જંજીર અને બચ્ચન સાહેબનો પ્રભાવ આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર પડ્યો છે. મને ફિલ્મોમાં રસ છે તો તેના માટે બચ્ચનજી જ જવાબદાર છે.

સચીન તેંડુલકર પણ અમિતાભ બચ્ચનના પ્રશંસક છે. તેમણે અમિતાભ બાબતે કહ્યું હતું કે પાત્રો તો અનેક છે, પણ શહેનશાહ એક જ છે. હું તમારી ફિલ્મો જોઈને મોટો થયો છું. તમારા પેશન અને લાંબી કારકિર્દીથી હું આશ્ચર્યચકિત છું. મોટા થઈ રહેલા દરેક બાળક માટે તમે પ્રેરણા છો. મારા માટે આજે પણ તમે પ્રેરણા છો.

આ બાળક એટલે કે સચીન તેંડુલકરનો જન્મ 1973માં થયો હતો તથા જંજીરનો એન્ગ્રી યંગ મૅન પણ એ જ વર્ષે અસ્તિત્વમાં આવ્યો હતો અને બન્નેએ 50 વર્ષ પૂર્ણ કર્યાં છે એ પણ યોગાનુયોગ જ છે.

લેખક : વંદના, ટીવી એડિટર, બીબીસી ભારત

ઇલસ્ટ્રેશન : પુનીત બરનાલા

પ્રોડક્શન : શાદાબ નઝમી

તમામ તસવીરો, સર્વાધિકાર સુરક્ષિત.

રેડ લાઇન
રેડ લાઇન