સૂરજ પંચોલીને મુક્ત કરાયા એ ‘જિયા ખાન આપઘાત કેસ’ શું હતો?

ઇમેજ સ્રોત, Getty Images
બોલીવૂડ અભિનેત્રી જિયા ખાનના આત્મહત્યા કેસમાં મુંબઈ સીબીઆઈની વિશેષ અદાલતે કેસના આરોપી એવા બોલીવૂડ અભિનેતા સૂરજ પંચોલીને પુરાવાના અભાવે અરોપમુક્ત કર્યા છે.
એનએનઆઈ એજન્સી અનુસાર, જિયા ખાન આત્મહત્યા કેસમાં લગભગ દસ વર્ષ પછી મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટના જજ એ. એસ. સૈયદે આ ચુકાદો આપ્યો છે.
વિશેષ સીબીઆઈ ન્યાયાધીશે ગુરુવારે બંને પક્ષોની અંતિમ દલીલો સાંભળી હતી અને આ મામલે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
ચુકાદા પર પ્રતિક્રિયા આપતા જિયા ખાનનાં માતા રાબિયા ખાને કહ્યું કે આત્મહત્યાની દુષ્પ્રેરણાના આરોપ દૂર થયા છે. પણ મારી દીકરીનું મોત કઈ રીતે થયું? આ વાત બાકી છે. આ હત્યાનો કેસ જ છે એટલે અમે હાઈકોર્ટમાં જઈશું.
ન્યૂઝ એજન્સી એનએનઆઈ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, “હું શરૂઆતથી જ કહેતી આવી છું કે આ હત્યાનો કેસ છે. મારી દીકરીનું મોત કઈ રીતે થયું એ સવાલ હજુ એમનો એમ જ છે. અમે હાઈકોર્ટ જઈશું.”
અભિનેત્રી જિયા ખાને 3 જૂન, 2013ના રોજ જુહુસ્થિત તેમના ઘરે આત્મહત્યા કરી હતી અને આ ઘટનામાં સૂરજ પંચોલી પર અભિનેત્રીને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લાગ્યો હતો.
જુહુની પોલીસ આ મામલે તપાસ કરી રહી હતી અને તપાસ દરમિયાન 7 જૂન, 2013ના રોજ પોલીસને જિયા ખાનના ઘરેથી છ પાનાની હસ્તલિખિત સુસાઈડ નોટ મળી આવી હતી. આ પછી, 11 જૂન, 2013ના રોજ જિયાને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં બોલિવૂડ અભિનેતા આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલીની ધરપકડ કરાઈ હતી.
લગભગ એક મહિના જેલમાં વિતાવ્યા બાદ સૂરજ પંચોલીને 1 જુલાઈ, 2013ના રોજ જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્ષ 2015માં સીબીઆઈએ આ કેસની તપાસ કરી હતી અને સૂરજ પંચોલી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આમાં અભિનેત્રીને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ સૂરજ પંચોલી સામે કલમ 306 હેઠળ આરોપો ઘડવામાં આવ્યા હતા.
આ કેસની સુનાવણી વર્ષ 2019માં શરૂ થઈ હતી અને 20 એપ્રિલ, 2023ના રોજ પૂર્ણ થઈ હતી.

જિયાએ આપઘાત નહોતો કર્યો એવું કોનું માનવું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ મામલામાં પ્રૉસિક્યૂશન તરફથી મુખ્ય સાક્ષી જિયાનાં માતા રાબિયા ખાને કોર્ટને જણાવ્યું હતું કે તેમનું માનવું છે કે આ આત્મહત્યા નહીં બલકે હત્યાનો મામલો છે.
ગત વર્ષે બૉમ્બે હાઈકોર્ટે આ મામલાની ફરી તપાસ કરાવવાની અરજી ખારિજ કરી દીધી હતી.
સીબીઆઈ કોર્ટેને જિયાનાં માતાએ જણાવ્યું કે સૂરજ જિયાનું શારીરિક ઉત્પીડન કરવા ઉપરાંત અપશબ્દોનો ઉપયોગ પણ કરતો હતો.
રાબિયાએ કોર્ટને જણાવ્યું હતું કે તેમનાં દીકરીએ આત્મહત્યા કરી છે, આ અંગે ના તો પોલીસે કે ના તો સીબીઆઈએ કોઈ પુરાવા એકત્રિત કર્યા છે.
સૂરજ પંચોલી વિરુદ્ધ સીબીઆઈ મામલે સૂરજના વકીલ પ્રશાંત પાટીલે ગત ગુરુવારે પોતાની અંતિમ દલીલોમાં પુરાવા અંગે વાત મૂકી.
બૉલીવૂડ અભિનેતા આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલી આ મામલામાં જામીન પર બહાર હતા. પણ હવે આરોપમુક્ત છે.
પોતાના પત્રમાં જિયા ખાને સૂરજ પંચોલી સાથે પોતાના અંતરંગ સંબંધો, શારીરિક ઉત્પીડન અને માનસિક અને શારીરિક ટૉર્ચર વિશે લખ્યું હતું.
સીબીઆઈએ કહ્યું કે, “તેમાં જિયાએ આરોપ કર્યો છે કે એ ઉત્પીડનથી કંટાળીને જ તેમણે આત્મહત્યા કરી હતી.” જોકે, સૂરજ પંચોલી તરફથી તમામ આરોપો નકારવામાં આવ્યા હતા.
આત્મહત્યા એક ગંભીર મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો તમે પણ તાણમાંથી પસાર થઈ રહ્યા હો, તો ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઇન 18002333330 પાસેથી મદદ મેળવી શકો છો. તમારે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.

જિયા ખાન : 18 વર્ષની ઉંમરે અમિતાભ બચ્ચન સાથે અભિયન

ઇમેજ સ્રોત, Getty Images
જિયા ખાનનો જન્મ ન્યૂયૉર્કમાં 1988માં થયો હતો અને તેમનો ઉછેર યુકેમાંમાં થયો હતો.
તેઓ અલીરિઝવી ખાન અને રાબિયા અમીનનાં દીકરી હતાં. મીડિયામાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે રાબિયા ખાન 1980ના દાયકામાં અભિનેત્રી રહી ચૂક્યાં હતાં અને તાહિર હુસૈનની ફિલ્મ ‘દુલ્હા બિકતા હૈ’ માટે તેમને યાદ કરાય છે.
જિયા ખાનની બે નાની બહેનો પણ છે. જોકે તેમનું અસલ નામ નફીસા હતું, પરંતુ તેમણે પોતાનું નામ બદલીને જિયા રાખ્યું હતું.
જિયા અંગ્રેજી સાહિત્ય ભણ્યાં હતાં, જે બાદ તેમણે શેક્સપિયર અને અભિનય અંગે અભ્યાસ કર્યો.
તેમના જીવનમાં સૌથી મોટો વળાંક એ સમયે આવ્યો જ્યારે બોલીવૂડ નિર્દેશક રામ ગોપાલ વર્માએ તેમને પોતાની ફિલ્મ ‘નિ:શબ્દ’માં અમિતાભ બચ્ચન સાથે લીડ રૉલ આપ્યો હતો. જ્યારે ‘નિ:શબ્દ’ રિલીઝ થઈ ત્યારે જિયા ખાન માત્ર 18 વર્ષનાં હતાં.
આ ફિલ્મનો વિષય અત્યંત સંવેદનશીલ હતો અને ફિલ્મમાં તેમના ચિત્રણે લોકોનું ધ્યાન ખેંચ્યું. આ ફિલ્મમાં તેમણે ઘણો બૉલ્ડ અભિનય કર્યો હતો, જેની ઘણી ચર્ચા થઈ હતી.
‘નિ:શબ્દ’ ફિલ્મ વર્ષ 2007માં રિલીઝ થઈ હતી અને જિયાને તેમના અભિનય માટે ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યો હતો. જિયા યુવા વર્ગમાં ઘણાં લોકપ્રિય હતાં.
તેઓ એક પ્રશિક્ષિત ઑપરા ગાયિકા હતાં અને પિયાનો વગાડવામાં પણ પારંગત હતાં. આ સિવાય તેઓ વિભિન્ન પ્રકારની નૃત્ય શૈલી પર પકડ ધરાવતાં હતાં.
તેઓ સાલ્સા, જૅઝ, કથ્થક, બૅલે, રેગી અને બૅલી ડાન્સ જેવી નૃત્ય શૈલીનાં જાણકાર હતાં. તેમણે સુપરહિટ ફિલ્મ ‘ગજિની’માં પણ આમિર ખાન સાથે કામ કર્યું, જેના માટે તેમની ઘણી પ્રશંસા થઈ હતી.
તેમની અંતિમ ફિલ્મ ‘હાઉસફુલ’ હતી જેમાં તેઓ અક્ષયકુમાર સાથે દેખાયાં હતાં. આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યંત સફળ રહી હતી.

કોણ છે સૂરજ પંચોલી?

ઇમેજ સ્રોત, Getty Images
32 વર્ષીય સૂરજ પંચોલી બોલીવુડના અભિનેતા આદિત્ય પંચોલી અને અભિનેત્રી ઝરીના વહાબના પુત્ર છે.
તેમણે ‘હીરો’ ફિલ્મથી બોલીવુડમાં પદાર્પણ કર્યું હતું. એ બાદ તેમણે ‘સેટેલાઇટ શંકર’ ફિલ્મમાં પણ મુખ્ય પાત્ર ભજવ્યું હતું.
સૂરજ ‘ગુઝારીશ’ અને ‘એક થા ટાઇગર’ ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. 2016માં ‘હીરો’ ફિલ્મ માટે તેમને બેસ્ટ ન્યૂકમર માટેનો ફિલ્મફેર ઍવૉર્ડ પણ મળ્યો હતો.
‘જિયા આટલી કમજોર કેવી રીતે થઈ શકે?’
બોલીવૂડ અભિનેત્રી જિયા ખાનના મૃત્યુના દસ દિવસ બાદ તેમનાં માતા રાબિયા ખાને બીબીસી સાથેની વાતચીતમાં જિયાના વ્યક્તિત્વના કેટલાંક પાસાં વિશે વાત કરી હતી.
વાતચીતમાં તેમણે અનેક વખત જિયાને યાદ કર્યાં હતાં અને ભાવુક થયાં હતાં પરંતુ પછી તેમણે સાવચેતીપૂર્વક તેમના ફિલ્મોમાં પ્રવેશથી લઈને તેમના પ્રેમપ્રસંગ પર વાત કરી હતી.
તેમણે કહ્યું કે, "તે દરેક વિષય પર પોતાની બહેનોને સલાહ આપતી. પછી તે ભણતરથી સંબંધિત મામલો હોય કે પછી કંઈક બીજું. મને સમજાતું નથી કે જિયા આટલી નબળી કેવી રીતે પડી ગઈ. જે છોકરી બીજાને દરેક પરિસ્થિતિથી લડવાની હિંમત આપતી હતી તે પોતે આટલી કમજોર કેવી રીતે થઈ ગઈ? "
રાબિયાએ જણાવ્યું હતું કે જિયાનું ફિલ્મી કૅરિયર યોગ્ય દિશામાં જઈ રહ્યું હતું.
"તેમની પાસે કેટલાક પ્રોજેક્ટ્સ હતા. એ સિવાય તેમણે કેટલીક ઑફર ફગાવી પણ હતી. તમે વિચારો કે બોલીવૂડમાં આટલી ઓછી ઉંમરની કેટલી હિરોઇન ઑફર ઠુકરાવી દે છે. "
જ્યારે જિયા પાંચ-છ વર્ષનાં હતાં ત્યારે તેમણે રામગોપાલ વર્માની 'રંગીલા' ફિલ્મ જોઈ હતી. તેઓ તેના ગીત પર ડાંસ કરતાં હતાં. પછી તેમને 'નિ:શબ્દ' ફિલ્મની ઑફર મળી હતી.
રાબિયા જણાવે છે કે, "તેમણે મને જણાવ્યું હતું કે રામ ગોપાલ વર્માએ મને આ ઑફર આપી હતી. પછી તેમણે મને એ ફિલ્મ બતાવી હતી, તો મેં કહ્યું કે આ વિષય પરની ફિલ્મ હિંદુસ્તાનમાં કોઈ પસંદ નહીં કરે બેટા! તું કેમ આ ફિલ્મ કરે છે."
"ત્યારે તેમણે કહ્યું કે ‘ખબર છે કોની સાથે કરી રહી છું. મહાનાયક અમિતાભ બચ્ચન સાથે.’ ત્યારે મેં તેના ચહેરા પર ખુશી જોઈ. તો મેં કહ્યું, સારું બેટા કરી લે આ ફિલ્મ."














