ઇઝરાયલની રક્ષા માટે અમેરિકા જે થાડ મિસાઇલ સિસ્ટમ આપી રહ્યું છે એ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટોમ બેટમેન
- પદ, બીબીસી સંવાદદાતા, વોશિંગ્ટન
પેન્ટાગોને પુષ્ટિ કરી છે કે તે ઇઝરાયલમાં અમેરિકન સૈનિકો દ્વારા સંચાલિત હાઈ-ઍલ્ટિટ્યુડ મિસાઇલ વિરોધી સિસ્ટમ મોકલી રહ્યું છે.
અધિકારીઓનું કહેવું છે કે આ મહિનાની શરૂઆતમાં ઈરાનના હુમલા પછી ટર્મિનલ હાઈ-ઍલ્ટિટ્યુડ એરિયા ડિફેન્સ (થાડ) બેટરી ઇઝરાયલના હવાઈ સંરક્ષણને મજબૂત બનાવશે.
રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનના કહેવા મુજબ, તેનો હેતુ 'ઇઝરાયલનો બચાવ' કરવાનો છે. ઇઝરાયલ પહેલી ઑક્ટોબરે ઈરાને 180થી વધુ બૅલેસ્ટિક મિસાઇલ્સ વડે કરેલા હુમલાનો બદલો લેશે તેવું હજુ પણ માનવામાં આવે છે.
આ નિર્ણય ધ્યાનાકર્ષક બન્યો છે, કારણ કે તેમાં ઇઝરાયલની ધરતી પર અમેરિકન સૈનિકોને તહેનાત કરવાનો સમાવેશ થાય છે.
ઇઝરાયલમાં પહેલેથી જ થોડા અમેરિકન સૈનિકો હાજર છે, પરંતુ નવા વધુ લગભગ 100 સૈનિકોને મોકલવાનો નિર્ણય સૂચક છે, કારણ કે તે વિસ્તારિત ક્ષેત્રીય યુદ્ધમાં અમેરિકા વધુ પ્રમાણમાં સંકળાવાનો સંકેત આપે છે.
સંકટ વધવાની સાથે ઇઝરાયલની મિસાઇલ સુરક્ષાની પ્રભાવક્ષમતા માટે તેનો શું અર્થ છે તેની કડીઓ પણ મેળવવામાં આવી રહી છે.
સંરક્ષણ પ્રધાન યાઓવ ગેલેંટના જણાવ્યા મુજબ, ઇઝરાયલે ઈરાનના હુમલાનો જવાબ હજુ સુધી આપ્યો નથી અને એ હુમલો "ઘાતક, સટીક અને સૌથી વધુ તો આશ્ચર્યજનક" હશે.
તહેરાનના કહેવા મુજબ, ઇઝરાયલે ઈરાન સમર્થિત હિઝબુલ્લાહના નેતા હસન નસરલ્લાહની હત્યા કરી એટલે તેણે ઇઝરાયલ પર હુમલો કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Reuters
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પેન્ટાગોને એક નિવેદનમાં જણાવ્યું છે કે બેટરી માટે જરૂરી એક ઍડવાન્સ ટીમ અને ઘટકો સોમવારે ઇઝરાયલ પહોંચી ગયા છે. આગામી દિવસોમાં વધુ કર્મચારીઓ અને પુર્જાઓ મોકલવામાં આવશે. બેટરી "ટૂંક સમયમાં જ" કાર્યરત થઈ જશે.
ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા પર નિયમિત રીતે નજર રાખતા ઇઝરાયલના પત્રકાર અવી શર્ફે જણાવ્યું હતું કે અમેરિકાના બે સી-17 મિલિટરી ટ્રાન્સપોર્ટર વિમાનોએ અલબામાથી ઇઝરાયલી ઍરફોર્સના નેવાટિમ બેઝ માટે રાતોરાત ઉડાન ભરી હતી. તેમાં સંભવતઃ થાડનાં સાધનો લઈ જવામાં આવ્યાં હતાં.
થાડ ગોઠવવાનો હેતુ, ઇઝરાયલના હવાઈ સંરક્ષણમાં જોવા મળેલાં છીંડાં પૂરવાં માટેની અમેરિકાની આકસ્મિક યોજનાનો ભાગ છે કે પછી ઈરાન પરના ઇઝરાયલના વધુ આક્રમક હુમલા બાબતે વૉશિંગ્ટનની વધતી ચિંતાનો સંકેત આપે છે એ હજુ સ્પષ્ટ નથી.
ઈરાનની પરમાણુ સુવિધાઓ તેમજ ઑઇલ અથવા ઊર્જા માળખા પરના કોઈપણ હુમલાથી સંઘર્ષ વકરશે અને તેની વૈશ્વિક અર્થતંત્ર પર માઠી અસર થશે, એવી આશંકાને કારણે રાષ્ટ્રપ્રમુખ બાઇડને આવા હુમલાનો વિરોધ કર્યો છે.
અમેરિકાના નિર્ણયની પશ્ચાદ્ભૂ ભલે ગમે તે હોય પરંતુ તે મધ્ય પૂર્વમાં વિસ્તરતા સંઘર્ષમાં ઇઝરાયલ માટે વધારે અમેરિકન સંરક્ષણની જરૂરિયાતનો સંકેત જરૂર આપે છે.
આ મહિનાની શરૂઆતમાં ઈરાન દ્વારા ફતાહ-1 જેવી બૅલેસ્ટિક મિસાઇલ્સ પૃથ્વીના વાતાવરણમાં ઉપરની તરફ છોડવામાં આવી હતી, જે માર્ગ બદલીને તેના લક્ષ્ય તરફ નીચે આવે છે. ક્રૂઝ મિસાઇલ અથવા ડ્રોનની સરખામણીએ તેની લશ્કરી ઉપયોગિતાઓ પૈકીની એક તેની જોરદાર ગતિ છે.
અમેરિકાની સૌથી મોટા શસ્ત્ર ઉત્પાદક કંપની લૉકહીડ માર્ટિનના જણાવ્યા અનુસાર, થાડ સિસ્ટમ બૅલેસ્ટિક મિસાઇલ સામે અત્યંત અસરકારક છે.
ઈરાનની મિસાઇલોની રેન્જ

અમેરિકાની એક અન્ય શસ્ત્ર ઉત્પાદક કંપની રેથિયોન એ માટેના અદ્યતન રડાર બનાવે છે.
આ સિસ્ટમમાં છ ટ્રક-માઉન્ટેડ લૉન્ચર્સ હોય છે અને પ્રત્યેક લૉન્ચરમાં આઠ ઇન્ટરસેપ્ટર હોય છે. તેની બેટરીની કિંમત લગભગ એક અબજ ડૉલર છે અને તેને ચલાવવા માટે લગભગ 100 કર્મચારીઓની જરૂર પડે છે.
રશિયન મિસાઇલ હુમલાઓનો સામનો કરવા માટે યુક્રેન મોટા પ્રમાણમાં થાડની માગણી કરતું રહ્યું છે.
સાઉદી અરેબિયાએ તેને ખરીદવાનો ઑર્ડર આપ્યો છે અને ઇઝરાયલને સત્તાવાર રીતે સ્વીકૃતિ આપવાના બદલામાં અમેરિકન શસ્ત્રોના ખજાનાના ભાગરૂપે સાઉદી અરેબિયા તે વધારે પ્રમાણમાં માંગી રહ્યું છે. પરિસ્થિતિ સામાન્ય બનાવવાનો આ કથિત સોદો હમાસના સાતમી ઑક્ટોબરના હુમલા પછી મહદઅંશે પાટા પરથી ઊતરી ગયો હતો.
ઈરાનના પહેલી ઑક્ટોબરના ઇઝરાયલ પરના હુમલામાં વેસ્ટ બૅન્ક વિસ્તારના જેરિકોમાં એક વ્યક્તિનું મોત થયું હતું. તોડી પાડવામાં આવેલી મિસાઇલનો એક હિસ્સો લાગવાને કારણે તેનું મૃત્યુ થયું હતું.
ઇઝરાયલ પાસે એરો-2 અને ઍરો-3 ઍક્ઝો-ઍટમોસ્ફિયરિક મિસાઇલો સહિતની, અમેરિકા સાથે મળીને વિકસાવવામાં આવેલી અદભૂત હવાઈ સંરક્ષણ પ્રણાલી છે.
તે હાઇપરસૉનિક ઝડપે ઊડે છે અને તે અવકાશમાંની બૅલિસ્ટિક મિસાઇલ્સ તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે. આ સિસ્ટમના ઇઝરાયલી ડિઝાઇનરોના જણાવ્યા મુજબ, ઈરાની હુમલા સામે એરોએ અપેક્ષા મુજબની અદ્ભુત કામગીરી કરી હતી.
અમેરિકાએ કેટલાક યુરોપિયન અને આરબ દેશોના સમર્થન સાથે પૂર્વીય ભૂમધ્ય સમુદ્રમાંની નૌકાદળની બે ડિસ્ટ્રૉયરમાંથી ઇન્ટરસેપ્ટર ફાયર કરીને રક્ષણાત્મક કામગીરીમાં ભાગ લીધો હતો.
વૉશિંગ્ટને ઈરાનના હુમલાને "પરાજિત અને બિનઅસરકારકિ ગણાવ્યો હતો.
જોકે, વાસ્તવિક નુકસાન બહુ ઓછું પ્રભાવશાળી રહ્યું છે. હુમલાની સૅટેલાઇટ ઇમેજિસમાં, જે નેવાટિમ લશ્કરી મથક પર એફ-35 ફાઇટર પ્લેન રાખવામાં આવે છે ત્યાં રનવે અને ટેક્સીવે પર થોડા ખાડા જોવા મળ્યા હતા.
વૉશિંગ્ટન સ્થિત સેન્ટર ફૉર નેવલ ઍનાલિસિસ(સીએનએ)ના ડેકર એવેલેથે જણાવ્યું હતું કે એ તસવીરોમાં 32 ઇમ્પેક્ટ પૉઇન્ટ્સ જોવા મળે છે. તેમાં એફ-35ના હેંગર એરિયામાં હુમલાનો સમાવેશ થાય છે.
ડેકર એવેલેથે સોશિયલ મીડિયા વેબસાઇટ ઍક્સ પર લખ્યું હતું, "કેટલાંક એફ-35 ખરેખર નસીબદાર હતાં."
એક વર્ષમાં ઇઝરાયલને 50,000 ટનથી વધારેનાં શસ્ત્રો મોકલ્યાં

ઇમેજ સ્રોત, AFP via Getty Images
ઇઝરાયલી અખબાર હારેત્ઝના અહેવાલ મુજબ, નુકસાન સીધું મિસાઇલ્સને કારણે થયું હતું કે ઇન્ટરસેપ્ટરની શાર્પનેલથી તે હજુ સુધી અસ્પષ્ટ છે.
તેલ અવીવ સહિતનાં સ્થળોએ સીધી અસર જોવા મળી હતી. એક મિસાઇલ પડવાને કારણે ઇઝરાયલી જાસૂસી સંસ્થા મોસાદના મુખ્યાલયની નજીકના ગીચ વસ્તીવાળા વિસ્તારમાં 30 ફૂટ ઊંડો ખાડો પડી ગયો હતો.
થાડ આપવાની જાહેરાતને રાજકીય રીતે ઝરાયલના સંરક્ષણ માટેના બાઈડન વહીવટીતંત્રનું "લોખંડી" સમર્થન માનવામાં આવે છે.
ઇઝરાયલના આંકડાઓ મુજબ, અમેરિકાએ છેલ્લા એક વર્ષમાં ઇઝરાયલને 50,000 ટનથી વધારેનાં શસ્ત્રો મોકલ્યાં છે.
જોકે, તે વૉશિંગ્ટનના કેટલાક નીતિવિષયક વિરોધાભાસને પણ પ્રદર્શિત કરે છે. અમેરિકાએ પ્રથમ મુત્સદ્દીગીરીના આગ્રહને બદલે ઇઝરાયલ અને તેના દુશ્મનો પર યુદ્ધ આગળ ન વધારવા દબાણ કર્યું હતું.
તે પ્રયાસ નિષ્ફળ રહ્યો ત્યારે વ્હાઇટ હાઉસે ઇઝરાયલને રાજદ્વારી અને લશ્કરી રક્ષણ આપવાની સાથે ઇઝરાયલી સાથીઓના નિર્ણયને મજબૂત સમર્થન આપ્યું છે.
ઈરાનના મિસાઇલ હુમલાના બદલામાં ઇઝરાયલ દ્વારા હમાસના રાજકીય નેતા તથા ગાઝામાં યુદ્ધવિરામ અને બંધક મુક્તિ મંત્રણામાંના એક વિષ્ટિકાર ઇસ્માઇલ હનીયેહ, હસન નસરલ્લાહની હત્યા કરવામાં આવી હતી. ઇઝરાયલે બૈરુતની ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા હતા અને લેબનોનમાં જમીની આક્રમણ કર્યું હતું.
ઇઝરાયલે જણાવ્યું હતું કે હિઝબુલ્લાહ દ્વારા છેલ્લા 11 મહિનાથી સીમા પારથી ઇઝરાયલ પર કરવામાં આવી રહેલા રૉકેટ હુમલાઓને કારણે અમે હિઝબુલ્લાહના નેતાઓ પર હુમલા કરી રહ્યા છીએ તથા તેના વિશાળ મિસાઇલ ભંડારનો નાશ કરી રહ્યા છીએ.

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલની દલીલ એવી છે કે માત્ર લશ્કરી દબાણ અને હિઝબુલ્લાહની ક્ષમતાનો નાશ કરવાથી જ 60,000 ઇઝરાયલીઓ ઉત્તરી ઇઝરાયલમાંના તેમના ઘરે પાછી ફરી શકશે.
ઇઝરાયલને ટેકો આપવા અને ઈરાન સમર્થિત જૂથોના હુમલાઓમાંથી અમેરિકન સૈનિકોને બચાવવા માટે "અમેરિકન લશ્કર દ્વારા તાજેતરના મહિનાઓમાં કરવામાં આવેલી વ્યાપક વ્યવસ્થાના" ભાગરૂપે થાડ સિસ્ટમ આપવામાં આવી હોવાનું પેન્ટાગોન જણાવે છે.
પેન્ટાગોનના જણાવ્યા મુજબ, 2019માં એક કવાયત માટે દક્ષિણ ઇઝરાયલમાં એક થાડ સિસ્ટમ તહેનાત કરવામાં આવી હતી.
ઇઝરાયલની પોતાની ક્ષમતાઓને ધ્યાનમાં લેતાં કવાયત સિવાય ઇઝરાયલમાં અમેરિકન સૈન્ય ભાગ્યે જ તહેનાત કરવામાં આવ્યું છે.
ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાકચીએ રવિવારે ચેતવણી આપી હતી કે અમેરિકા "ઇઝરાયલમાં મિસાઇલ સિસ્ટમના સંચાલન માટે સૈનિકોને તહેનાત કરીને તેમના જીવનને જોખમમાં મૂકી રહ્યું છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












