હાઇપરસૉનિક મિસાઇલ જે '400 સેકન્ડ'માં ઇઝરાયલ પહોંચી શકે, પ્રતિબંધો છતાં ઈરાને કેવી રીતે બનાવી?

બૅલેસ્ટિક મિસાઇલ ટેકનૉલૉજી બીજા વિશ્વયુદ્ધના સમયમાં જ તૈયાર થઈ ગઈ હતી, પરંતુ દુનિયામાં બહુ ઓછા દેશો પાસે એવી ક્ષમતા છે
ઇમેજ કૅપ્શન, બૅલેસ્ટિક મિસાઇલ ટેકનૉલૉજી બીજા વિશ્વયુદ્ધના સમયમાં જ તૈયાર થઈ ગઈ હતી, પરંતુ દુનિયામાં બહુ ઓછા દેશો પાસે એવી ક્ષમતા છે
    • લેેખક, ફરજાદ સૈફી કારાન
    • પદ, બીબીસી સંવાદદાતા

2024ની 13 એપ્રિલની રાતના અંધારામાં અને અલ-અક્સા મસ્જિદના સોનેરી ગુંબજની પશ્ચાદભૂમાં ઈરાની બૅલેસ્ટિક મિસાઇલના પ્રકાશથી પહેલીવાર એવી તસવીર બહાર આવી હતી, જે દુનિયાને કદાચ લાંબા સમય સુધી યાદ રહેશે.

ઈરાનની તે મિસાઇલ અને ડ્રોન હુમલો ઇઝરાયલની આયર્ન ડોમ તરીકે ઓળખાતી પ્રખ્યાત સંરક્ષણ પ્રણાલીને થાપ આપવામાં ઘણી હદ સુધી સફળ રહ્યો હતો. ઈરાન તરફથી છોડવામાં આવેલી બૅલેસ્ટિક મિસાઇલ અને ડ્રોન ઇઝરાયલની ઍરસ્ટ્રીપ સહિતના દેશના વિવિધ સ્થળોએ ત્રાટક્યાં હતાં.

લગભગ છ મહિના પછી 2024ની પહેલી ઑક્ટોબરે તે હુમલાનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું. ઈરાની રિવૉલ્યુશનરી ગાર્ડ્સે અગાઉની સરખામણીએ વધુ મોટા પ્રમાણમાં મિસાઇલો છોડી હતી અને પહેલાંથી વધુ ઇઝરાયલી લક્ષ્યોને નિશાન બનાવ્યાં હતાં.

સ્ટિમ્સન ઇન્સ્ટિટ્યૂટના સંશોધક અને નાટોના આર્મ્સ કન્ટ્રોલ પ્રોગ્રામના ભૂતપૂર્વ ડિરેક્ટર વિલિયમ અલ્બર્કના જણાવ્યા મુજબ, ઈરાનના તાજેતરના હુમલાએ મધ્ય પૂર્વની પરિસ્થિતિને કાયમ માટે બદલી નાખી છે.

યાદ રહે કે આ હુમલો જે ઈરાની મિસાઇલ પ્રોગ્રામને કારણે શક્ય બન્યો હતો તે પ્રોગ્રામ દાયકાઓથી આશ્ચર્યજનક રીતે ઝડપભેર આગળ વધતો રહ્યો છે અને ઈરાની સરકારને આ પ્રોગ્રામ પર એટલો ભરોસો છે કે લક્ષ્યોને નિશાન બનાવવાની આ મિસાઇલ્સની ક્ષમતાને કારણે તેના માટે ‘પૉઇન્ટર’ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.

તેથી આ મિસાઇલ પ્રોગ્રામ પશ્ચિમી દુનિયા અને ઇઝરાયલની સાથે-સાથે મધ્ય પૂર્વના કેટલાક આરબ દેશો માટે પણ ગંભીર સમસ્યા બની રહ્યો છે.

આ મિસાઇલ પ્રોગ્રામ શું છે? ઈરાન પાસે કેવી પ્રકારની અને કેટલા દૂરના અંતર સુધી પ્રહાર કરી શકે તેવી મિસાઇલ છે? આટઆટલા પ્રતિબંધો હોવા છતાં ઈરાની મિસાઇલ પ્રોગ્રામ આટલો આધુનિક કેવી રીતે બન્યો? આવો, આ સવાલોના જવાબ જાણીએ.

પ્રતિબંધો હોવા છતાં ઈરાની મિસાઇલ પ્રોગ્રામની વિકાસ યાત્રા

ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ ખામેનેઈએ કહ્યું કે, જે મિસાઈલ કાર્યક્રમથી પશ્ચિમના દેશો ચિંતીત છે તે પ્રતિબંધો દરમિયાન તૈયાર કરવામાં આવ્યો હતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ ખામેનેઈએ કહ્યું કે, જે મિસાઇલ કાર્યક્રમથી પશ્ચિમના દેશો ચિંતિત છે તે પ્રતિબંધો દરમિયાન તૈયાર કરવામાં આવ્યો હતો

અમેરિકન સંસ્થા પીસ ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા મુજબ, મધ્ય પૂર્વમાં ઈરાન પાસે બૅલેસ્ટિક મિસાઇલનો સૌથી મોટો અને વૈવિધ્યસભર ભંડાર છે. એ ઉપરાંત ઇરાક આ ક્ષેત્રનો એકમાત્ર એવો દેશ છે કે જેની પાસે અણુશસ્ત્રો તો નથી, પરંતુ તેની બૅલેસ્ટિક મિસાઇલ 2,000 કિલોમીટર દૂર સુધી ત્રાટકી શકે છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બૅલેસ્ટિક મિસાઇલ ટેકનૉલૉજી બીજા વિશ્વયુદ્ધના સમયમાં જ તૈયાર થઈ ગઈ હતી, પરંતુ દુનિયામાં બહુ ઓછા દેશો પાસે એવી ક્ષમતા છે કે તેઓ જાતે આ ટેકનૉલૉજીની મદદથી બૅલિસ્ટિક મિસાઇલ બનાવી શકે.

ઈરાને પાછલા બે દાયકા દરમિયાન આકરા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હોવા છતાં આ ટેકનૉલૉજી મેળવી છે અને બૅલેસ્ટિક મિસાઇલો બનાવી પણ છે. ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનાઈએ તાજેતરમાં એક ભાષણમાં જણાવ્યું હતું કે જે સૈન્ય અને મિસાઇલ પ્રોગ્રામથી પશ્ચિમના દેશો પરેશાન છે એ બધાનું નિર્માણ આ પ્રતિબંધો દરમિયાન કરવામાં આવ્યું હતું.

સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદે 2006માં એક પ્રસ્તાવ પસાર કર્યો હતો. એ પ્રસ્તાવ હેઠળ, ઈરાનને અણુશસ્ત્રો કે તેની સામગ્રી વેચવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. તેમાં એવા સામાનનો પણ સમાવેશ થતો હતો, જેનો ઉપયોગ કોઈ અન્ય હેતુની સાથે-સાથે સૈન્ય ઉદ્દેશો માટે પણ કરી શકાય.

સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદે ત્રણ મહિના પછી એક વધુ પ્રસ્તાવ પસાર કર્યો હતો અને ઈરાન સાથે પારંપરિક હથિયારોની લેવડદેવડ પર પણ પ્રતિબંધ લાદ્યો હતો. તેમાં મિલિટરી ટેકનૉલૉજીનો પણ સમાવેશ થાય છે. એ પ્રસ્તાવ હેઠળ લાદવામાં આવેલા પ્રતિબંધોના વ્યાપમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમની સાથે-સાથે બૅલેસ્ટિક મિસાઇલ પ્રોગ્રામ પણ આવી ગયો હતો.

તેથી ઈરાન માટે રશિયા અને ચીન જેવા દેશો પાસેથી હથિયાર ખરીદવાનું સરળ રહ્યું ન હતું. ઇરાક યુદ્ધ વખતે ઈરાન આ બન્ને દેશો પાસેથી સામાન ખરીદતું હતું.

બૅલેસ્ટિક મિસાઇલ અણુશસ્ત્રોના વહનની ક્ષમતા ધરાવતી હોય છે અને પશ્ચિમી દેશોના જણાવ્યા મુજબ, ઈરાને બૅલેસ્ટિક મિસાઇલ ટેકનૉલૉજી મેળવી લીધી હોવાથી તે અણુઊર્જા મેળવવા અને અણુશસ્ત્રો બનાવવા માટે જરૂરી યુરેનિયમ સંવર્ધિત કરવાના તમામ પ્રયાસો કરશે.

300 કિલોમીટરની રેન્જ ધરાવતી 'સ્કડ બી' બેલેસ્ટિક મિસાઈલ

ઇમેજ સ્રોત, TASNIM

ઇમેજ કૅપ્શન, 300 કિલોમીટરની રેન્જ ધરાવતી 'સ્કડ બી' બેલેસ્ટિક મિસાઈલ

જુલાઈ 2015માં ઈરાન અને વિશ્વના છ મોટા દેશો વચ્ચેના વ્યાપક પ્લાન ઑફ ઍક્શન કરારના અંત અને ‘પ્રસ્તાવ 2231’ને મંજૂરી મળ્યા બાદ ઈરાન વિરુદ્ધના સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદના તમામ પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવ્યા હતા.

જોકે, ‘ટ્રિગર-સ્નેપ મિકેનિઝમ’ નામે ઓળખાતી જોગવાઈથી શસ્ત્રો પરનો પ્રતિબંધ ચાલુ રાખવામાં આવ્યો હતો. એ વ્યવસ્થા હેઠળ ઈરાનના મિસાઇલ પ્રોગ્રામ પર પાંચ વર્ષ સુધી ચાંપતી નજર રાખવાની હતી. તે ઈરાન પર દબાણ લાવવાનો અને તેના મિસાઇલ પ્રોગ્રામને અંકુશમાં રાખવાનો એક ઉપાય હતો.

અલબત, ઈરાને તેનો મિસાઇલ પ્રોગ્રામ એટલી હદે આગળ વધાર્યો હતો કે માર્ચ 2016માં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીએ સંયુક્ત રાષ્ટ્રસંઘના મહામંત્રીને એક સંયુક્ત પત્ર લખીને ઈરાન પર મિસાઇલ પરીક્ષણનો આક્ષેપ કર્યો હતો અને જણાવ્યું હતું કે ઈરાને ‘જેસીપીઓઈ’ કરાર પછી સલામતી પરિષદના “પ્રસ્તાવ 2231”નું ઉલ્લંઘન કર્યું છે.

આખરે 2020માં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એ કરારથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો. અમેરિકા આ કરારથી અલગ થવાનું એક કારણ, ઈરાનના મિસાઇલ પ્રોગ્રામના જોખમના સામના તેમજ એ પ્રોગ્રામના પરીક્ષણ માટે જરૂરી પ્રક્રિયાનો અભાવ હતું.

જોકે, ઈરાને એવું દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો કે તે સંયુક્ત રાષ્ટ્રસંઘના વ્યાપક પ્લાન ઑફ ઍક્શનનો હિસ્સો છે, પરંતુ પ્રસ્તાવ 2231ની ડેડલાઇનના અંત સાથે જ ઈરાની સરકારે ઑક્ટોબર 2021માં રશિયા તથા ચીન પાસેથી હથિયારો ખરીદવા માટે જાહેરાત આપી હતી. પ્રતિબંધ હજુ પણ અમલમાં હોવાથી ઈરાનની એ ઇચ્છા પૂર્ણ થઈ શકી નથી.

ઈરાન એ સમયથી 50થી વધુ પ્રકારના રૉકેટ્સ, બૅલેસ્ટિક તથા ક્રૂઝ મિસાઇલ્સ ઉપરાંત મિલિટરી ડ્રોન્સ બનાવતું રહ્યું છે, જે પૈકીના કેટલાકનો ઉપયોગ રશિયા અને યુક્રેન વચ્ચેની લડાઈ જેવા આંતરરાષ્ટ્રીય વિવાદોમાં પણ થયો છે.

ઝીરો પૉઇન્ટઃ રિવર્સ ઍન્જિનિયરિંગ

હસન તેહરાની મુકદ્દમ અને ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ ખામેનેઈ

ઇમેજ સ્રોત, TASNIM

ઇમેજ કૅપ્શન, હસન તેહરાની મુકદ્દમ અને ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ ખામેનેઈ

ઇરાક-ઈરાન યુદ્ધ દરમિયાન ઈરાનના તોપખાનાની મારક ક્ષમતાની મર્યાદા 35 કિલોમીટરની હતી, જ્યારે ઇરાકી સૈન્ય પાસે 300 કિલોમીટર સુધી આક્રમણ કરી શકતી સ્કડ બી બૅલેસ્ટિક મિસાઇલ હતી, જે ઈરાનની અંદર અનેક શહેરોને નિશાન બનાવતી હતી.

ઇરાકી સૈન્યએ મિસાઇલ હુમલામાં સરસાઈ મેળવી એટલે ઈરાને પણ મિસાઇલનો ઉપયોગ કરવા વિચાર્યું અને ઈરાનના તત્કાલીન સર્વોચ્ચ નેતા રુહુલ્લાહ ખોમેનીએ ઈરાનને મિસાઇલ હુમલાનો મુકાબલો કરવાની પરવાનગી આપી હતી.

આ સિલસિલામાં નવેમ્બર 1984માં હસન તેહરાની મુકદ્દમના નેતૃત્વમાં રિવૉલ્યુશનરી ગાર્ડ્સ મિસાઇલ કમાન્ડની શરૂઆત કરવામાં આવી હતી.

ઈરાને 1985માં પહેલીવાર લીબિયા પાસેથી, રશિયામાં નિર્મિત સ્કડ બી મિસાઇલ ખરીદી હતી અને 30 મિસાઇલની ખેપ સાથે ટેક્નિકલ મદદ માટે સલાહકાર પણ લીબિયાથી ઈરાન આવ્યા હતા. ઈરાનનું મિસાઇલ ઑપરેશન તેમની મદદથી જ પૂર્ણ થયું હતું.

રિવૉલ્યુશનરી ગાર્ડ્સની ઍરોસ્પેસ ફોર્સના તત્કાલીન કમાન્ડર અમીર અલી હામજાદા મિસાઇલ નિર્માણ યુનિટના વડા બન્યા હતા અને મિસાઇલ ગતિવિધિ માટે ઈરાનના પશ્ચિમી શહેર કિરમાનમાં પહેલી માળખાકીય વ્યવસ્થા કરવામાં આવી હતી.

ઇરાક દ્વારા ઈરાન પર 1985ની 21 માર્ચે પહેલો મિસાઇલ હુમલો કરવામાં આવ્યો હતો. તેમાં કિરકૂક શહેરને નિશાન બનાવવામાં આવ્યું હતું. બે દિવસ પછી બીજો ઈરાની હુમલો બગદાદમાં ઇરાકી આર્મી ઑફિસર્સ ક્લબ પર કરવામાં આવ્યો હતો, જેમાં લગભગ 200 ઇરાકી કમાન્ડર્સ માર્યા ગયા હતા.

ઈરાનના આ મિસાઇલ હુમલા પછી આરબ દેશો અને લીબિયાએ વિરોધ કર્યો હતો. એ પછી લીબિયાના સલાહકારો ઈરાનમાંથી રવાના થઈ ગયા હતા અને રવાના થતા પહેલાં તેમણે મિસાઇલ તથા લૉન્ચિંગ સિસ્ટમને નિષ્ક્રય કરી નાખી હતી.

એ પરિસ્થિતિમાં ઈરાની હવાઈ દળના સભ્યોના જૂથે જાતે આ મિસાઇલ પરીક્ષણની શરૂઆત કરી હતી. આરઆઈજીસીના નાનાકડા જૂથે રૉકેટ્સ અને લૉન્ચર્સના નાના સ્પેરપાર્ટ્સ ખોલીને તેનું રિવર્સ ઍન્જિનિયરિંગ શરૂ કર્યું હતું.

ઈરાનના મિસાઈલ પ્રોગ્રામના બીજા તથા ગંભીર તબક્કાની શરૂઆત ‘ફતહ 110’ મિસાઈલના નિર્માણ સાથે થઈ હતી

ઇમેજ સ્રોત, TASNIM

ઇમેજ કૅપ્શન, ઈરાનના મિસાઇલ પ્રોગ્રામના બીજા તથા ગંભીર તબક્કાની શરૂઆત ‘ફતહ 110’ મિસાઇલના નિર્માણ સાથે થઈ હતી

હસન તેહરાની મુકદ્દમને ઈરાની મિસાઇલ પ્રોગ્રામના જનક કહેવામાં આવે છે. ‘ઝીરો ટુ વન હન્ડ્રેડ મિસાઇલ પ્રોગ્રામ’ નામની એક દસ્તાવેજી ફિલ્મમાં હસન તેહરાની જણાવે છે કે લીબિયાના સલાહકારો ઈરાનમાંથી ચાલ્યા ગયા એ પછી રિવૉલ્યુશનરી ગાર્ડ્સના 13 સભ્યોને સ્કડ બૅલેસ્ટિક મિસાઇલની તાલીમ માટે સીરિયા મોકલવામાં આવ્યા હતા. તેમણે સ્કડ મિસાઇલનું કામકાજ મર્યાદિત સમયમાં સમજી લીધું હતું.

મુકદ્દમને 1986માં ઈરાની હવાઈ દળના મિસાઇલ કમાન્ડર બનાવવામાં આવ્યા હતા. એ પછી 1988માં ઈરાની રિવૉલ્યુશનરી ગાર્ડ્સ કોરે મિસાઇલ બનાવવાના ગંભીર પ્રયાસ શરૂ કર્યા હતા.

સ્ટિમ્સન ઇન્સ્ટિટ્યૂટમાં વૈશ્વિક સલામતી તથા તેની સાથે જોડાયેલી ટેકનૉલૉજીના સંશોધક તેમજ નાટોને વેપન કન્ટ્રોલ પ્રોગ્રામના ભૂતપૂર્વ ડિરેક્ટર વિલિયમ અલ્બર્કે બીબીસીને જણાવ્યું હતું કે એ વર્ષોમાં ચીન અને ઉત્તર કોરિયાએ પણ ઈરાન સાથે મિસાઇલ બાબતે વ્યાપક સહયોગ ક્યો હતો. બાદમાં ઈરાનને તેનો મિસાઇલ પ્રોગ્રામ આગળ વધારવા માટે રશિયાનો સાથ મળ્યો હતો.

તેમણે એમ પણ કહ્યું હતું, ટેકનૉલૉજીની દૃષ્ટિએ ઈરાન બહુ વિકસિત છે અને રિવર્સ ઍન્જિનિયરિંગ કરીને એ મિસાઇલના પાર્ટ્સને અલગ કરી, તેને ફરી જોડવાની રીત જાણવા ઈરાને બહુ સંશોધન કર્યું છે, એ હકીકતને અવગણી શકાય નહીં.”

1990ના દાયકામાં ઉત્તર કોરિયા અને પછી ચીન પણ મિસાઇલ પ્રોગ્રામમાં ઇરાકની મદદ માટે આગળ આવ્યા હતા. તેનું પરિણામ એ આવ્યું કે ચીનને ‘મિસાઇલ ટેકનૉલૉજી કન્ટ્રોલ રેજિમ’નો હિસ્સો બનાવવા માટેના વિશ્વના કેટલાક મોટા દેશો માટેના પ્રયાસ સફળ થયા ન હતા. મિસાઇલ ટેકનૉલૉજી કન્ટ્રોલ રેજિમ મિસાઇલના ઉત્પાદન, વિકાસ અને ટેકનૉલૉજીને મર્યાદિત કરવા માટેનો 35 સભ્ય દેશો વચ્ચેનો એક અનૌપચારિક રાજકીય કરાર છે. ચીન તેનો હિસ્સો બનવા તૈયાર થયું ન હતું, પરંતુ એ કરારની શરતોનું પાલન કરવાનો સંકલ્પ તેણે જરૂર કર્યો હતો.

‘નાએજાત’ અને ‘મુજ્તમા’ રૉકેટ ઈરાનમાં નિર્મિત રોકેટ્સની પહેલી પેઢી હતી. એ પછી તરત જ ‘થંડર 69’ મિસાઇલ બનાવવામાં આવી હતી. તે વાસ્તવમાં નાના અંતર સુધી પ્રહાર કરી શકતી ચીની બી 610 મિસાઇલ છે, જેને ઈરાની સશસ્ત્ર સૈન્ય માટે નવી રીતે ડિઝાઇન કરીને બનાવવામાં આવી છે.

ઈરાનનો મિસાઇલ પ્રોગ્રામ રિવૉલ્યુશનરી ગાર્ડ્સના એરોસ્પેસ મિસાઇલ યુનિટના હસન તેહરાની મુકદ્દમની દેખરેખ હેઠળ અને આઈઆરજીસી એર ફોર્સના કમાન્ડર અહમદ કાઝમીની મદદથી 2000ના દાયકાની શરૂઆતમાં બનાવવામાં આવ્યો હતો. તેનો હેતુ બૅલેસ્ટિક અને સેટેલાઇટ ઍન્જિન જેવી વધારે આધુનિક ટેકનૉલૉજીના નિર્માણમાં સફળતા મેળવવાનો હતો.

ઈરાનના મિસાઇલ પ્રોગ્રામના બીજા તથા ગંભીર તબક્કાની શરૂઆત ‘ફતહ 110’ મિસાઇલના નિર્માણ સાથે થઈ હતી.

ઈરાનના મિસાઇલ પ્રોગ્રામના વિકાસમાં હસન મુકદ્દમ સૌથી મહત્ત્વની વ્યક્તિ હતા. તેમણે 2009માં એક પ્રોગ્રામ દરમિયાન પહેલીવાર ‘ઍકસ્ટ્રા હેવી સૅટેલાઇટ એન્જિન’ શ્રેણીનું પરીક્ષણ કર્યું હતું.

ઈરાનના એક નિવેદન મુજબ, 2011 12 નવેમ્બરે થયેલા એક વિસ્ફોટમાં 16 લોકો સાથે હસન મુકદ્દમ માર્યા ગયા હતા. અનેક લોકો માને છે કે સૈન્ય થાણા પર થયેલો તે વિસ્ફોટ એક ષડયંત્રનું પરિણામ હતો અને હસન તેહરાની મુકદ્દમને એક ખાસ ષડયંત્ર હેઠળ મારી નાખવામાં આવ્યા હતા.

ઈરાનના જણાવ્યા મુજબ, હસન મુકદ્દમ એક નવા મિસાઇલ પરીક્ષણની તૈયારી કરતા હતા ત્યારે બે વિસ્ફોટ થયા હતા અને તેઓ બીજા વિસ્ફોટમાં માર્યા ગયા હતા. વિસ્ફોટનું અસલી કારણ ક્યારેય જાણવા મળ્યું નથી, પરંતુ હસન મુકદ્દમની કબર પર લખવામાં આવ્યું હતું કે અહીં એ શખ્શને દફનાવવામાં આવ્યો છે, જે ઇઝરાયલને બરબાદ કરવા ઇચ્છતો હતો.

અત્યારે અમીર અલી હાજાઝાદાના નેતૃત્વમાં રિવૉલ્યુશનરી ગાર્ડ્સ એરોસ્પેસ ફોર્સ ઈરાનની સશસ્ત્ર સૈન્ય માટે મિસાઇલ તથા ડ્રોનનું નિર્માણ કરતી સૌથી મોટી સંસ્થા છે. વાસ્તવમાં પાછલાં અનેક વર્ષોથી ઈરાની સૈન્યને બદલે આ સંસ્થાએ વિદેશમાં ઈરાન માટે કાર્યવાહી કરી છે.

મિસાઇલોનું અન્ડરગ્રાઉન્ડ શહેર

ઈરાની મીડિયા અને રિવોલ્યૂશનરી ગાર્ડ્સે અન્ડરગ્રાઉન્ડ મિસાઈલ ગોદામોની અનેક તસવીરો અત્યાર સુધીમાં બહાર પાડી છે

ઇમેજ સ્રોત, IMA

ઇમેજ કૅપ્શન, ઈરાની મીડિયા અને રિવૉલ્યુશનરી ગાર્ડ્સે અન્ડરગ્રાઉન્ડ મિસાઇલ ગોદામોની અનેક તસવીરો અત્યાર સુધીમાં બહાર પાડી છે

ઈરાન તેના મિસાઇલનું પ્રદર્શન કાયમ કરતું રહે છે અને સૈનિક હથિયારોની તૈયારીને એક મહત્ત્વની સફળતા તરીકે પ્રસ્તુત કરે છે, પરંતુ તેનો મિસાઇલ પ્રોગ્રામ અને મિસાઇલ સંગ્રહસ્થાનોનો વિકાસ કાયમ ગુપ્ત રાખવામાં આવે છે.

રિવૉલ્યુશનરી ગાર્ડ્સનો દાવો છે કે તેની પાસે પહાડોના ભોંયરામાં ખાસ એન્જિનિયરિંગ અને ડ્રિલિંગ વડે બનાવવામાં આવેલા અનેક મિસાઇલ સંગ્રહસ્થાનો છે.

ઈરાનના વિવિધ પ્રદેશોમાં જમીનથી 500 મીટર નીચે બનાવવામાં આવેલા આવા મિસાઇલ સંગ્રહસ્થાનો વિશે આઈઆરજીસીના વાયુદળના કમાન્ડર અમીર અલી હાજીઝાદાએ 2014માં પહેલીવાર વાત કરી હતી.

આ અન્ડરગ્રાઉન્ડ ગોદામો ક્યારે બનાવવામાં આવ્યા, એ વિશે ભરોસાપાત્ર માહિતી ઉપલબ્ધ નથી. ઈરાની સમાચાર એજન્સીના સૈનિક વિભાગના સંવાદદાતા મેંહદી બખ્તિયારીએ અલ જઝીરાને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે પશ્ચિમ ઈરાનમાં પહેલું અન્ડરગ્રાઉન્ડ મિસાઇલ ગોદામ 1984માં બનાવવામાં આવ્યું હતું અને એ સમયે ઈરાનના મિસાઇલ પ્રોગ્રામની શરૂઆત થઈ હતી.

ઈરાની મીડિયા અને રિવોલ્યૂશનરી ગાર્ડ્સે અન્ડરગ્રાઉન્ડ મિસાઇલ ગોદામોની અનેક તસવીરો અત્યાર સુધીમાં બહાર પાડી છે. તેઓ તેને ‘મિસાઇલ સિટી’ કહે છે. આ મિસાઇલ ગોદામોનું ચોક્કસ સ્થળ કોઈને ખબર નથી અને એ બાબતે સત્તાવાર માહિતી આપવામાં આવતી નથી.

એ ગુપ્ત અન્ડરગ્રાઉન્ડ ગોદામો પૈકીની એક તસવીર બીજું સૌથી મોટું ગોદામ હોવાનું માનવામાં આવે છે. તેમાં રિવૉલ્યુશનરી ગાર્ડ્સના સૌથી મહત્ત્વનાં મિસાઇલ અને ડ્રોન હથિયાર રાખવામાં આવ્યાં છે.

જે વીડિયો શેર કરવામાં આવ્યા છે તેમાંથી એકમાં મિસાઇલ તથા તેમના લૉન્ચર્સ ભરેલો એક કૉરિડોર દર્શાવવામાં આવ્યો છે. તેની સાથે એ જગ્યા પણ દેખાડવામાં આવી છે, જ્યાં મિસાઇલ લૉન્ચ કરવા માટે તૈયાર રાખવામાં આવે છે.

રિવૉલ્યુશનરી ગાર્ડ્સ કૉર્પ્સે માર્ચ 2019માં પર્સિયન ગલ્ફના કિનારે એક ‘સમુદ્રી મિસાઇલ શહેર’ની જાહેરાત કરી હતી. એ બેઝનું વાસ્તવિક સ્થાન અગાઉની માફક જ જાહેર કરવામાં આવ્યું ન હતું, પરંતુ હરમુઝકાન પ્રાંતના સ્થાનિક મીડિયાએ આ બેઝ વિશે અહેવાલ આપ્યો હતો.

ઈરાની રિવૉલ્યુશનરી ગાર્ડ્સના કમાન્ડર ઈન ચીફ હુસૈન સલામીએ પર્સિયન ગલ્ફના કિનારા પરના આ ‘મેરિયન મિસાઈલ સિટી’ની વાત કરતાં જણાવ્યું હતું કે આ કૉમ્પ્લેક્સ ઈરાની રિવૉલ્યુશનરી ગાર્ડ્સના નૌકાદળના એ કેન્દ્રો પૈકીનો એક છે, જ્યાં વ્યૂહાત્મક મિસાઇલો રાખવામાં આવે છે.

ઈરાન પાસે આવા કેટલા અન્ડરગ્રાઉન્ડ મિસાઇલ ગોદામો છે તેની સાચી સંખ્યા કોઈને ખબર નથી, પરંતુ ઈરાની સૈન્યના કમાન્ડર અહમદ રઝા પોર્દિસ્તાને જાન્યુઆરી 2014માં જાહેરાત કરી હતી કે મિસાઇલના અન્ડરગ્રાઉન્ડ શહેર માત્ર રિવૉલ્યુશનરી ગાર્ડ્સ માટે નથી. તેમાંના ઘણા ઈરાની સૈન્યની માલિકીનાં પણ છે.

આઈઆરજીસી તરફથી ઈરાનમાં મિસાઇલનું નિર્માણ કરતા ત્રણ અન્ડરગ્રાઉન્ડ કારખાના હોવાનું પણ અમીર અલી હાજીઝાદા જાહેર કરી ચૂક્યા છે.

દરેક પ્રકારની મિસાઇલનું નિર્માણ થાય છે ઈરાનમાં

સંરક્ષણ પ્રણાલીમાં મિસાઈલ પણ ઈરાનના હથિયારોમાં સમાવિષ્ટ છે

ઇમેજ સ્રોત, IMA

ઇમેજ કૅપ્શન, સંરક્ષણ પ્રણાલીમાં મિસાઇલ પણ ઈરાનનાં હથિયારોમાં સમાવિષ્ટ છે

ઈરાનનું સશસ્ત્ર સૈન્ય, ખાસ કરીને રિવૉલ્યુશનરી ગાર્ડ્સનું એરોસ્પેસ ફોર્સ રોકેટ, ક્રૂઝ અને બૅલેસ્ટિક મિસાઇલ્સની વિશાળ શ્રેણીનું નિર્માણ કરે છે.

ઈરાનમાં બનાવવામાં આવતી મિસાઇલ્સમાં બૅલેસ્ટિક મિસાઇલ્સ સૌથી વધુ મહત્ત્વની છે. બૅલેસ્ટિક મિસાઇલ ઊંચાઈ પર એક ‘આર્ક’માં ઉડાન ભરે છે. તેના ફાયરિંગના ત્રણ તબક્કા હોય છે. ત્રીજા તબક્કામાં તેની ગતિ પ્રતિ કલાક લગભગ 24,000 કિલોમીટરની થઈ જાય છે.

ક્રૂઝ મિસાઇલ સંપૂર્ણપણે ગાઇડેડ હોય છે અને તેની ઉડાન ક્ષમતા ઓછી ઊંચાઈની હોય છે. તેને કારણે એ રડારનો મુકાબલો કરવાની ક્ષમતા આપે છે. ક્રૂઝ મિસાઇલની ગતિ પ્રતિ કલાક 800 કિલોમીટરથી શરૂ થાય છે.

ઈરાની મિસાઇલ્સને ચાર વિભાગમાં વહેંચી શકાયઃ

  • રૉકેટ
  • ક્રૂઝ મિસાઇલ
  • બૅલેસ્ટિક મિસાઇલ
  • હાયપરસૉનિક મિસાઇલ

ઈરાન નિર્મિત આ મિસાઇલોમાં મૂળભૂત રીતે જમીનથી જમીન પર અને જમીનથી સમુદ્રમાં પ્રહાર કરી શકતી મિસાઇલ્સનો સમાવેશ થાય છે.

સંરક્ષણ પ્રણાલીમાં મિસાઇલ પણ ઈરાનનાં હથિયારોમાં સમાવિષ્ટ છે. એ પૈકીની કેટલીક રશિયા તથા ચીને બનાવેલી છે અને કેટલીક ઈરાની સૈન્યના પોતાના પ્રયાસોને લીધે બની શકી છે. તેનો ઉલ્લેખ અહીં કરવામાં આવ્યો નથી.

એપ્રિલ 2024માં ઇઝરાયલ પર કરેલા હુમલામાં ઈરાને ‘ઇમાદ થ્રી’ બૅલેસ્ટિક મિસાઇલ, ‘પાવહ’ ક્રૂઝ મિસાઇલ અને ‘શાહિદ 136’ ડ્રોનનો ઉપયોગ કર્યો હતો.

જોકે, ઈરાનની સરકારી સમાચાર એજન્સીએ ‘ખૈબર શિકન’ બૅલેસ્ટિક મિસાઇલ પણ છોડવામાં આવી હોવાનો દાવો કર્યો હતો.

ઇમાદ બૅલેસ્ટિક મિસાઇલ મીડિયમ રેન્જનું હથિયાર છે તથા તેની રેન્જ 1,700 કિલોમીટર સુધીની હોવાનો દાવો કરવામાં આવે છે. તેની લંબાઈ 15 મીટર છે અને એવું પણ કહેવામાં આવે છે કે આ વૉરહેડનું વજન 750 કિલોગ્રામ છે. આ મિસાઇલ 2015માં જાહેર કરવામાં આવી હતી.

ઇમાદ મિસાઇલ ‘અલ કદ્ર’ બૅલેસ્ટિક મિસાઇલનું બહેતર સ્વરૂપ છે.

‘પાવહ’ મીડિયમ રેન્જની ક્રૂઝ મિસાઇલની એક શ્રેણી છે, જેની રેન્જ 1,650 કિલોમીટરની છે અને કહેવાય છે કે આ મિસાઇલની એક એવી જનરેશન છે, જે લક્ષ્ય સુધી પહોંચવા માટે અલગ-અલગ માર્ગ અપનાવી શકે છે.

‘પાવહ’ મિસાઇલમાં ગ્રૂપમાં હુમલા કરવાની અને હુમલા દરમિયાન એકમેકના સંપર્કમાં રહેવાની ક્ષમતા પણ છે. કદાચ એ જ કારણસર તેની પસંદગી ઇઝરાયલ પર હુમલા માટે કરવામાં આવી હતી.

ઈરાન પાસે હાલ મિસાઈલની મહત્તમ પ્રભાવી રેન્જ 2,000થી 2,500 કિલોમીટર વચ્ચેની છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઈરાન પાસે હાલ મિસાઈલની મહત્તમ પ્રભાવી રેન્જ 2,000થી 2,500 કિલોમીટર વચ્ચેની છે

‘પાવહ’ મિસાઇલ ફેબ્રુઆરી 2023માં જાહેર કરવામાં આવી હતી અને ઈરાને દાવો કર્યો હતો કે આ મિસાઇલ ઈઝરાયલ સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે. એ દાવો 13 એપ્રિલના હુમલામાં સાચો સાબિત થયો હતો.

ઈરાન પાસે હાલ મિસાઇલની મહત્તમ પ્રભાવી રેન્જ 2,000થી 2,500 કિલોમીટર વચ્ચેની છે અને તેની પાસે હાલ યુરોપના દેશોને નિશાન બનાવવાની ક્ષમતા નથી.

ઈરાની સશસ્ત્ર સૈન્યનો દાવો છે કે સર્વોચ્ચ નેતા અલી ખામેનાઈને આદેશને કારણે આવું થયું છે. અલી ખામેનાઈએ આદેશ આપ્યો હતો કે ઈરાની મિસાઇલની રેન્જ હાલ 2,000 કિલોમીટરથી વધારેની હોવી ન જોઈએ. તેમના આદેશ પછી લાંબા અંતર સુધી પ્રહાર કરી શકતી મિસાઇલની તૈયારી અટકાવી દેવામાં આવી છે. આયાતુલ્લાહ ખામેનાઈના કહેવા મુજબ, આ નિર્ણયનું એક ‘કારણ’ છે, પરંતુ તે ‘કારણ’ શું છે એ તેમણે હજુ સુધી જણાવ્યું નથી.

‘ઝુલ્ફિકાર’ વધુ એક ઓછા અંતર (700 કિલોમીટર) સુધી ત્રાટકવાની ક્ષમતા ધરાવતી બૅલેસ્ટિક મિસાઇલ છે. તેનો ઉપયોગ 2017 અને 2018માં દાએશ (આઈએસઆઈએસ)ના અડ્ડાઓ પર ત્રાટકવા માટે કરવામાં આવ્યો હતો. આ મિસાઇલની લંબાઈ 10 મીટર છે અને તેમાં એક મોબાઇલ લૉન્ચ પ્લૅટફૉર્મ છે. તે રડારની નજરમાં ન આવવાની ક્ષમતા ધરાવતું હોવાનો દાવો પણ કરવામાં આવે છે.

‘ઝુલ્ફિકાર’ ફતેહ 110 મિસાઇલનું બહેતર સ્વરૂપ છે અને આ વૉરહેડનું વજન 450 કિલો હોવાનું જણાવવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય સુરક્ષાના નિષ્ણાત વિલિયમ અલ્બર્કે બીબીસીને જણાવ્યું હતું કે ઈરાન પાસે મિસાઇલ નિર્માણની બહુ સારી ક્ષમતા છે અને ઈરાનના મિસાઇલ પ્રોગ્રામનો વિકાસ બીજા દેશો પાસેથી મિસાઇલ ઉધાર લેવાની તથા તેની નકલ કરવાથી થયો છે.

તેમણે કહ્યું હતું, “ઈરાન તરલ ઈંધણથી ઘન ઈંધણવાળાં રૉકેટ્સ અને મિસાઇલો બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. લક્ષ્યને ચોક્કસ રીતે નિશાન બનાવવાની મિસાઇલની ક્ષમતામાં નાટ્યાત્મક વધારો થયો છે. ઈરાને આ મામલે ઘણી પ્રગતિ કરી છે. હાલમાં તેનો પ્રોગ્રામ ટૂંકી અને મધ્યમ શ્રેણીની બૅલેસ્ટિક મિસાઇલ્સ તથા ક્રૂઝ મિસાઇલ્સ માટેના સૌથી અદ્યતન પ્રોગ્રામ્સ પૈકીનો એક છે.”

અલ ફતહની ગતિઃ પાંચ કિલોમીટર પ્રતિ સેકન્ડ

400 સેકન્ડમાં તેલ અવીવ પહોંચવાની જાહેરાત

ઇમેજ સ્રોત, KHABAR ONLINE

ઇમેજ કૅપ્શન, 400 સેકન્ડમાં તેલ અવીવ પહોંચવાની જાહેરાત

ઈરાન અને રશિયા વચ્ચેના સૈન્ય સહયોગનો ઉલ્લેખ કરતાં વિલિયમ અલ્બર્કે જણાવ્યું હતું કે આ સહયોગને કારણે ઈરાનને રશિયા પાસેથી નવું શીખવાની તક મળશે અને તેનાથી ઈરાનને મિસાઇલની વધારે આધુનિક ડિઝાઇન, ટેકનૉલૉજી અને ક્ષમતા પ્રાપ્ત થશે.

ઈરાને દાવો કર્યો છે કે તેના મિસાઇલની નવી જનરેશન હાયપરસૉનિક હથિયારોની જનરેશનની છે. હાયપરસૉનિકનો અર્થ એવું હથિયાર થાય છે, જેની ગતિ સામાન્ય રીતે અવાજની ગતિ કરતાં પાંચથી પચ્ચીસ ગણી વધારે હોય છે.

ઈરાને ફતહ મિસાઇલનું બૅલેસ્ટિક તથા ક્રૂઝ એમ બન્ને સ્વરૂપમાં હાયપરસૉનિક મિસાઇલ તરીકે નિર્માણ કર્યું છે.

‘અલ-ફતહ’ હાયપરસૉનિક મિસાઇલની રેન્જ 1,400 કિલોમીટરની છે અને આઈઆરજીસીએ દાવો કર્યો છે કે તે મિસાઇલને નષ્ટ કરતી તમામ રક્ષા પ્રણાલીઓને થાપ એપીને તેને ખતમ કરી નાખવાની ક્ષમતા ધરાવે છે.

‘અલ-ફતહ’ ઘન ઈંધણ મિસાઇલની એક જનરેશન છે, જેની ગતિ લક્ષ્યને નિશાન બનાવતા પહેલાં 13થી 15 ‘મેક’ સુધીની છે. ‘મેક’નો અર્થ પાંચ કિલોમીટર પ્રતિ સેકંડની ગતિ એવો થાય છે.

રિવૉલ્યુશનરી ગાર્ડ્સ ઍરોસ્પેસ ઑર્ગેનાઈઝેશનના કમાન્ડર અમીર અલી હાજીઝાદાએ અલ-ફતહ મિસાઇલના અનાવરણ સમારંભમાં જણાવ્યું હતું કે આ મિસાઇલની ગતિ ઝડપી છે અને તે વાતાવરણની અંદર અને બહાર જઈ શકે છે. હાજીઝાદાએ એવો દાવો પણ કર્યો હતો કે ફતહને કોઈ મિસાઇલ વડે નષ્ટ કરી શકાતી નથી.

અલ-ફતહ બૅલેસ્ટિક મિસાઇલના અનાવરણ બાદ ઇઝરાયલને ધમકી આપવા માટે તહેરાનના ‘પેલેસ્ટાઇન સ્ક્વેર’માં એક જાહેરાત લગાવવામાં આવી હતી. તેમાં લખ્યું હતું ‘400 સેકન્ડમાં તેલ અવીવ.’

ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન યોવ ગેલેંટે ઈરાનના દાવા તથા હાયપરસૉનિક મિસાઇલ બનાવવાની ધમકીના જવાબમાં કહ્યું હતું, “મેં સાંભળ્યું છે કે આપણા દુશ્મનો તેમણે બનાવેલાં હથિયારો બાબતે ડંફાસ મારી રહ્યા છે. અમારી પાસે કોઈ પણ ટેકનૉલૉજીનો બહેતર જવાબ છે, તે જમીન પર હોય કે આકાશમાં કે સમુદ્રમાં.”

‘અલ-ફતહ 1’ના અનાવરણના ચાર મહિના પછી રિવૉલ્યુશનરી ગાર્ડ્સે ‘અલ-ફતહ 2’નું અનાવરણ કર્યું હતું, જે 1,500 કિલોમીટર સુધી ત્રાટકવાની ક્ષમતા ધરાવે છે.

ક્રૂઝ મિસાઇલની એક જનરેશન છે.

ઈરાની મીડિયાના જણાવ્યા અનુસાર, ‘અલ-ફતહ 2’ બહુ ઓછી ઊંચાઈ પર ઉડાન ભરવાની ક્ષમતા ધરાવે છે અને ઉડાન દરમિયાન તે અનેક વખત પોતાનો માર્ગ બદલી શકે છે.

ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈએ આઈઆરજીસી સાથે જોડાયેલી ઍરોસ્પેસ સાયન્સિસ ઍન્ડ ટેકનૉલૉજીની આશૂરા યુનિવર્સિટીની મુલાકાત લીધી ત્યારે ‘અલ-ફતહ 2’નું અનાવરણ કરવામાં આવ્યું હતું, પરંતુ આ મિસાઇલની રેન્જ બાબતે કોઈ માહિતી આપવામાં આવી ન હતી.

ઈરાને ફતહ મિસાઇલ ઇઝરાયલના જોખમના સામના માટે બનાવી હતી, પરંતુ તેનો ઉપયોગ 13 એપ્રિલ કે પહેલી ઑક્ટોબરના હુમલામાં કરવામાં આવ્યો ન હતો.

સરહદે ઈરાનનું મિસાઇલ ઑપરેશન

ઈરાને ફતહ મિસાઈલનું બેલેસ્ટિક તથા ક્રૂઝ એમ બન્ને સ્વરૂપમાં હાયપરસોનિક મિસાઈલ તરીકે નિર્માણ કર્યું છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઈરાને ફતહ મિસાઇલનું બૅલેસ્ટિક તથા ક્રૂઝ એમ બન્ને સ્વરૂપમાં હાયપરસૉનિક મિસાઇલ તરીકે નિર્માણ કર્યું છે

પાછલા દાયકામાં ઈરાન અનેક કારણોસર પ્રાદેશિક વિવાદમાં સામેલ થયું છે અને તેણે પોતાની ધરતી પરથી વિરોધી ટોળકીઓ, જૂથો અને દેશો વિરુદ્ધ સરહદ પાર કાર્યવાહી કરી છે.

વિદેશમાંની આવી તમામ કાર્યવાહી રિવૉલ્યુશનરી ગાર્ડ્સની એરફોર્સે કરી છે અને વિવાદોમાં સામેલ થવાની અને પ્રતિક્રિયાની જવાબદારી ઈરાની સૈન્યના સ્થાને આ વિભાગે સંભાળી છે.

યાદ રહે કે રિવૉલ્યુશનરી ગાર્ડ્સની વિદેશી શાખા ‘કુદ્સ ફોર્સ’નું સૈન્ય ઈરાન-ઈરાક યુદ્ધના ખાત્મા પછી અફઘાનિસ્તાનથી માંડીને બોસ્નિયા-હર્ઝેગોવિના, ઇરાક, સીરિયા અને લેબનોન વગેરેમાં હાજર હતું, પરંતુ તેને ઈરાની સરકારની ઉપસ્થિતિ કે પ્રતિક્રિયા ગણવામાં આવી ન હતી.

ઈરાન-ઇરાક યુદ્ધ પૂર્ણ થયા બાદ ઈરાનની ધરતી પરથી બીજા દેશ પરનો પહેલો હુમલો સીરિયાના દીર અલૃ-ઝોર શહેરમાં ‘દાએશ’ પર કરવામાં આવ્યો હતો. આ ઑપરેશનને ‘લૈલતુલ કદ્ર’ નામ આપવામાં આવ્યું હતું અને તે ઇસ્લામી કાઉન્સિલ પરના ‘દાએશ’ના હુમલાના જવાબમાં હાથ ધરવામાં આવ્યું હતું. તેમાં કિરમાન શાહ અને કુર્દીસ્તાનથી ‘દાએશ’ના હેડક્વાર્ટર પર મીડિયમ રેન્જની છ ‘ઝુલ્ફિકાર’ મિસાઇલ અને ‘ક્યામ’ બૅલેસ્ટિક મિસાઇલ ઝીંકવામાં આવી હતી.

એ પછી ઇરાકના કુર્દીસ્તાન ક્ષેત્રમાં સ્થિત ક્વેસાંજકમાં કુર્દીસ્તાન ડેમોક્રટિક પાર્ટી ઑફ ઈરાનના હેડક્વાર્ટર પર સાત ‘અલ-ફતહ 110’ મિસાઇલ ઝીંકવામાં આવી હતી. રિવૉલ્યુશનરી ગાર્ડ્સે એક નિવેદનમાં જાહેરાત કરી હતી કે તે જુલાઈ-2017માં મેરિવાનમાં સૈયદ અલ-શોહદા હમઝા બેઝ પર કરવામાં આવેલા હુમલાનો બદલો હતો.

2018ની 18 જાન્યુઆરીએ ઇરાકે અમેરિકાના હાથે કુદ્સ ફોર્સના કમાન્ડર કાસિમ સુલેમાનીના મોતના જવાબમાં રિવૉલ્યુશનરી ગાર્ડ્સની એરફોર્સે 13 ‘ફતહ 313’ અને ‘કાયમ 2’ બૅલેસ્ટિક મિસાઇલ ઇરાકમાં અમેરિકન સૈન્યના સૌથી મોટા થાણા એનુલ અસદ પર ઝીંકી હતી. એ સિવાય કુર્દિસ્તાન ક્ષેત્રની રાજધાની અરબીલમાંના એક થાણા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.

કાસિમ સુલેમાનીના મોત પછી પાડોશી દેશો પરના ઈરાનના હુમલામાં વધારો જોવા મળ્યો હતો.

રિવૉલ્યુશનરી ગાર્ડ્સ કોરે બઝકરીમ બરઝંજીના મકાન પર માર્ચ 2022માં 12 ‘ફતહ 110’ મિસાઇલ ફાયર કરી હતી. એ માટે ઈરાને એવો દાવો કર્યો હતો કે તે કુર્દિસ્તાનમાંના ઇઝરાયલના વ્યૂહાત્મક કેન્દ્રો પૈકીનું એક હતું.

ઈરાનના મિસાઈલો વિશેની જાણકારી અને હથિયારોનો ભંડાર વધતો જાય છે તેમ તેમ પ્રાદેશિક વિવાદ અને તણાવનો વ્યાપ પણ વિસ્તરી રહ્યો છે

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ઈરાનના મિસાઇલો વિશેની જાણકારી અને હથિયારોનો ભંડાર વધતો જાય છે તેમ તેમ પ્રાદેશિક વિવાદ અને તણાવનો વ્યાપ પણ વિસ્તરી રહ્યો છે

એ પછીના વર્ષે રિવૉલ્યુશનરી ગાર્ડની ઍરફોર્સની ‘રબી 1’ અને ‘રબી 2’ નામની કાર્યવાહીઓમાં ઇરાકી કુર્દિસ્તાનમાં ઈરાની કુર્દ પક્ષોના હેડક્વાર્ટ્ર પર ‘ફતહ 360’ મિસાઈલો વડે હુમલો કરવામાં આવ્યો હતો.

આઈઆરજીસીએ જાન્યુઆરી 2024માં ફરી એક વખત ઇરાકી કુર્દ વ્યાપારીના મકાન પર હુમલો કર્યો હતો, જેને ઈરાને મોસાદનું હેડક્વાર્ટર ગણાવ્યું હતું. અદલિબમાં ‘દાએશ’ અને હિઝ્બ અલ-તુર્કિસ્તાનીના અડ્ડાઓ પર પણ હુમલા કરવામાં આવ્યા હતા.

રિવૉલ્યુશનરી ગાર્ડ્સ કોરની એરફોર્સે 2024ની 26 જાન્યુઆરીએ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં જૈશ અલ-અદલ ગ્રૂપના કેન્દ્ર પર મિસાઇલ હુમલો કર્યો હતો. બીજા દિવસે પાકિસ્તાને ઈરાનના સીસ્તાન અને બલૂચિસ્તાન પ્રાંતમાં અનેક ઠેકાણે મિસાઇલો ઝીંકી હતી. કોઈ દેશે ઈરાનના મિસાઇલ હુમલાનો સીધો જવાબ આપ્યો હોય એવી તે પહેલી ઘટના હતી.

દમિશ્કમાં ઈરાનના કાઉન્સિલ ખાનાની ઇમારત પર ઇઝરાયલી મિસાઇલ હુમલામાં ઈરાની જનરલ મોહમ્મદ રઝા ઝાહિદી અને આઈઆરજીસીના છ અન્ય અધિકારીઓના મોત પછી ઈરાને ‘વહદતુલ સાદિક’ નામની કાર્યવાહી દરમિયાન સેંકડો ડ્રોન્સ અને ક્રૂઝ તથા બૅલેસ્ટિક મિસાઇલોથી ઇઝરાયલ પર હુમલા કર્યા હતા. ઈરાને દાવો કર્યો હતો કે હુમલામાં ગોલાન હાઇટ્સમાંની એર સ્ટ્રીપ્સને નિશાન બનાવવામાં આવી હતી.

ઈરાની મિસાઇલે નવાતીમ ઍરબેઝ પર ઓછાંમાં ઓછાં બે સ્થળને નિશાન બનાવ્યાં હતાં તથા તેને નકસાન પહોંચાડ્યું હતું, તેનો અહેવાલ બીબીસી પર્શિયન અગાઉ આપી ચૂક્યું છે.

વિલિયમ અલ્બર્કે બીબીસીને જણાવ્યું હતું કે ઇઝરાયલ પરના ઈરાની મિસાઇલ હુમલામાં લક્ષ્યને નિશાન બનાવવા તથા ખરા લક્ષ્ય સુધી પહોંચવામાં ઈરાની મિસાઇલોની ક્ષમતામાં થોડી કમી જોવા મળી છે, પરંતુ તેઓ માને છે કે ઈરાન એ હુમલામાંથી ઘણું શીખ્યું છે.

ઈરાને માત્ર ઇઝરાયલની સંરક્ષણ ક્ષમતા વિશે જ જાણ્યું નથી, બલકે ઈરાની મિસાઇલને ઇન્ટરસેપ્ટ કરવા માટે ઇઝરાયલની સાથે સામેલ બીજા દેશો બાબતે પણ ઘણું બધું જાણ્યું છે.

ઈરાને તેના મિસાઇલોની મારક ક્ષમતા કેમ વધારી?

ઈરાનના મિસાઈલ પ્રોગ્રામનો સમાવેશ દેશના અત્યાધુનિક અને સૌથી મહત્વપૂર્ણ હથિયાર પ્રોગ્રામ્સમાં થાય છે

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ઈરાનના મિસાઈલ પ્રોગ્રામનો સમાવેશ દેશના અત્યાધુનિક અને સૌથી મહત્વપૂર્ણ હથિયાર પ્રોગ્રામ્સમાં થાય છે

ઈરાની ક્રાંતિ પહેલાં ઈરાનનો સૌથી મોટો સહયોગી દેશ અમેરિકા હતું અને તેના લડાયક વિમાનો સહિતનાં તેનાં મોટાભાગનાં હથિયાર અમેરિકા પાસેથી ખરીદ્યાં હતાં.

ઈરાને 160 ‘એફ 5’ વિમાન ખરીદ્યાં હતાં. એ વિમાનો મોંઘા લડાયક વિમાનો ન ખરીદી શકે તેવા દેશો માટે સસ્તા લડાયક વિમાન તરીકે બનાવવામાં આવ્યાં હતાં. પહલવી શાસનકાળ દરમિયાન ઈરાન માટે મેકડોનલ ડગ્લસ એફ 4 યુદ્ધ વિમાનોની મોટી સંખ્યામાં ખરીદી કરવામાં આવી હતી. તે આજે પણ ઍરફોર્સમાં સામેલ છે.

એ પછી ઈરાનના શાહે તેને નવા લડાયક વિમાનોમાં પરિવર્તિત કરવાનો નિર્ણય કર્યો હતો અને 60 ‘એફ 16’ ટૉમ કેટ વિમાન ખરીદવામાં આવ્યાં હતાં. એ સમયે ઈરાન મધ્ય પૂર્વમાં સૌથી વધુ યુદ્ધ વિમાનો ધરાવતા દેશો પૈકીનો એક હતો.

ઇસ્લામી ક્રાંતિ બાદ તહેરાનમાં દૂતાવાસ પરના હુમલા અને કબજાને કારણે ઈરાન અને અમેરિકાના સંબંધ પર કાયમ માટે પૂર્ણવિરામ મૂકાઈ ગયું હતું. હથિયારો પરના પ્રતિબંધ સહિતના અનેક અમેરિકન પ્રતિબંધો વડે ઈરાનને નિશાન બનાવવામાં આવ્યું હતું. આધુનિક હથિયારો અને યુદ્ધ વિમાનો ખરીદવાનું શક્ય ન હોવાથી યુદ્ધ દરમિયાન ઇરાકની બૅલેસ્ટિક મિસાઇલોએ ઈરાનની અંદરના ભાગોને નિશાન બનાવ્યા હતા. એ કારણસર ઇરાકે રોકેટ પ્રોગ્રામ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.

એ પરિસ્થિતિમાં ઈરાન માટે મિસાઇલ પ્રોગ્રામ બહેતર વિકલ્પ હતો, જે તેનો ઉપયોગ સંરક્ષણનાં હથિયાર તરીકે કરી શકે અને યુદ્ધની સ્થિતિમાં તેની પહોંચ બીજા દેશો સુધી પણ વિસ્તરે.

આ કારણે તે સમયના ઈરાનના મિસાઇલ પ્રોગ્રામનો સમાવેશ દેશના અત્યાધુનિક અને સૌથી મહત્ત્વપૂર્ણ હથિયાર પ્રોગ્રામ્સમાં થાય છે.

વિલિયમ અબ્લર્કના કહેવા મુજબ, એ મિસાઇલ લડાયક વિમાનોનો બહેતર વિકલ્પ હતાં. તેના માટે બહુ ટ્રેનિંગ કે પાયલોટ્સની જરૂર ન હતી અને નાગરિકો પર ઓછું જોખમ હતું, કારણ કે તેને ઝીંકવાનું આસાન હતું.

વિલિયમ અલ્બર્કે બીબીસીને કહ્યું હતું, "ઈરાન પોતાની રીતે મિસાઇલ બનાવી શકે છે એ સ્પષ્ટ છે અને મિસાઇલ યુદ્ધ વિમાનો કરતાં બહુ સસ્તી હોય છે. તેથી ઈરાન અનેક કારણોસર મિસાઇલોની શોધમાં છે."

નાટોના આર્મ્સ કન્ટ્રોલના આ ભૂતપૂર્વ નિષ્ણાતના જણાવ્યા મુજબ, આ મિસાઇલ ઈરાન માટે નૉન-સ્ટેટ ઍકટર્સ અને ઈરાન પર નિર્ભર દેશો સાથે રાજકીય તથા સૈન્ય સંબંધો માટે ખૂબ જ ફાયદાકારક હથિયાર છે.

ઈરાનના મિસાઇલો વિશેની જાણકારી અને હથિયારોનો ભંડાર વધતો જાય છે તેમ તેમ પ્રાદેશિક વિવાદ અને તણાવનો વ્યાપ પણ વિસ્તરી રહ્યો છે.

અલબત, ઘણા નિષ્ણાતો માને છે કે ઈરાન અત્યાર સુધી પ્રદેશના દેશો વિરુદ્ધ કરવામાં આવતા મિસાઇલ હુમલાથી બચવામાં સફળ થયું છે, પરંતુ પશ્ચિમ અને મધ્ય પૂર્વના દેશોની વ્યૂહાત્મક ધીરજ ક્યારે ખૂટે છે તે જોવાનું રહે છે. બીજી તરફ એ સવાલ પણ છે કે ઈરાનને તેના મિસાઇલ પ્રોગ્રામ બાબતે પુનર્વિચાર કરીને તેની રેન્જ વિસ્તારવાની ફરજ પડશે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.