ઈરાન-ઇઝરાયલ સંઘર્ષમાં વિશ્વ કેમ બે ભાગમાં વહેંચાયેલું છે, ભારત અને પાકિસ્તાનનું શું છે વલણ?

ઇમેજ સ્રોત, EPA
ઈરાને ઇઝરાયલ પર જે પ્રકારે લગભગ 180 જેટલી મિસાઇલોથી હુમલો કર્યો છે અને હિઝબુલ્લાહ તથા ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલી લડાઈ જમીન પર પહોંચી ગઈ છે તે જોતા લાગે છે કે તણાવ વધી રહ્યો છે.
ઈરાનના હુમલા બાદ અમેરિકાએ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતા ઇઝરાયલને સમર્થન કર્યું છે. તેણે શંકા વ્યક્ત કરી છે કે આવનારા દિવસોમાં પરિસ્થિતિ બગડી શકે છે.
લગભગ એક વર્ષથી ઇઝરાયલ અને હમાસ વચ્ચે જંગ યથાવત છે. આ કારણે ગાઝા અને વેસ્ટ બૅન્કમાં લગભગ 40 હજાર લોકોનાં મોત થયાં છે.
હાલ ઇઝરાયલે હિઝબુલ્લાહને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. ઇઝરાયલે હવે જમીન માર્ગે પણ લેબનોન પર આક્રમણ કરી દીધું છે.
આ બધા વધી રહેલા સંઘર્ષ પર આરબ દેશો સહિતનું વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું છે.
લગભગ બે મહિના પહેલાં હમાસ નેતા ઇસ્માઇલ હનિયાની ઈરાનની રાજધાની તેહરાનમાં હત્યા કરવામાં આવી હતી.
હનિયા 1980ના દશકથી જ હમાસના નેતા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
28 સપ્ટેમ્બરના રોજ હિઝબુલ્લાહે ઇઝરાયલી હુમલામાં પોતાના નેતા હસન નસરલ્લાહનાં મોતની પુષ્ટિ કરી હતી. આ ઘટના પછી સંઘર્ષ ગંભીર બનતો જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇઝરાયલે હિઝબુલ્લાહનાં ઠેકાણાં પર લેબનાનમાં હુમલો ચાલુ રાખ્યો છે અને હવે તેણે હિઝબુલ્લાહનાં ઠેકાણાં પર જમીનથી સૈન્ય કાર્યવાહીનો આરંભ કરી દીધો છે.
હનિયાનાં મોત બાદ ઈરાને તરત કોઈ પ્રતિક્રિયા નહોતી આપી પરંતુ એક ઑક્ટોબરના રોજ ઈરાને ઇઝરાયલ પર કરેલા મિસાઇલ હુમલા બાદ મધ્ય-પૂર્વનો સંઘર્ષ અને તણાવ વધી ગયો છે.
ઇઝરાયલ સામે ઇસ્લામિક દેશોને એક કરવા માટે ઈરાને પહેલાં ઇઝરાયલ સાથે વ્યાપાર બંધ કરવાની અપીલ કરી હતી.
બીજી તરફ અમેરિકા, બ્રિટન અને જર્મની જેવા દેશો ઇઝરાયલ સાથે ઊભા છે અને તેઓ આ યુદ્ધમાં તેની મદદ કરી રહ્યા છે.
ઈરાનના હાલના હુમલા બાદ નૅધરલૅન્ડ્સના રાજનેતા અને સાંસદ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈ સાથે ઝગડી પડ્યા.
કયો દેશ કોની સાથે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આરબ વિશ્વના સુન્ની મુસ્લિમ બહુમતિ ધરાવતા દેશોએ ભલે હિઝબુલ્લાહ નેતા હસન નસરલ્લાહના ઇઝરાયલી હુમલામાં માર્યા ગયાની ખુલીને નિંદા ન કરી હોય પરંતુ તેઓ લેબનાનની સંપ્રભુતા પર જરૂર બોલી રહ્યા છે.
સાઉદી અરેબિયા
લગભગ ચાર મહિના પહેલા રફાહના શરણાર્થી કૅમ્પ પર ઇઝરાયલના હુમલા બાદ સાઉદી અરેબિયાએ કહ્યું હતું કે ઇઝરાયલે પેલેસ્ટાઇનના અસ્તિત્વનો સ્વીકાર કરવો પડશે. સાઉદી અરેબિયાનું આ નિવેદન મહત્ત્વનું માનવામાં આવે છે.
સુન્ની નેતૃત્વ ધરાવતા દેશ સાઉદી અરેબિયાએ હસન નસરલ્લાહનાં મોત બાદ ગત સપ્તાહે કહ્યું હતું કે લેબનાનમાં જે થઈ રહ્યું છે કે ગંભીર ચિંતાનો વિષય છે. સાઉદી અરેબિયાએ લેબનાનની સુરક્ષાની તથા તેની સંપ્રભુતાની વાત કરી. જોકે સાઉદી અરેબિયાએ નસરુલ્લાહનો ઉલ્લેખ સુદ્ધા ન કર્યો.
જાણકારોનું કહેવું છે કે સાઉદી નેતૃત્વને તેનો અહેસાસ છે કે જો તેમણે પેલેસ્ટાઇનવાસીઓના સંઘર્ષથી મોં ફેરવી લીધું તો આ વિસ્તારમાં અને વૈશ્વિકસ્તરે તેની છબી પર અસર પડશે.
મક્કા, મદીનાને કારણે સાઉદી અરેબિયા મુસ્લિમો માટે એક પવિત્ર જગ્યા છે. દર વર્ષે લાખો મુસ્લિમો હજ કરવા માટે સાઉદી અરેબિયા આવે છે.
મુસ્લિમ દેશોના સંગઠન ઑર્ગનાઇઝેશન ઑફ ઇસ્લામિક કૉર્પોરેશન એટલે કે ઓઆઈસીનું મુખ્યાલય પણ સાઉદી અરેબિયામાં છે અને તેને સાઉદીની આગેવાની ધરાવતું સંગઠન માનવામાં આવે છે.
એવામાં સાઉદી અરેબિયાની નરમી તેની છબીને નુકસાન પહોંચાડી શકે છે.
સંયુક્ત આરબ અમીરાત(યુએઈ)
સુન્ની નેતૃત્વ ધરાવતો આ દેશ હસન નસરલ્લાહનાં મોત વખતે ખામોશ હતો. નસરલ્લાહનાં મોત બાદ પેદા થયેલી પરિસ્થિતિ પર પણ તે મૌન નજરે પડે છે.
યુએઈ ઉપરાંત કતાર અને બહેરીન પણ મૌન છે.
જોકે, બહેરીન, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા, યુએઈ અને કુવૈતના ખાડીના છ દેશો ધરાવતા સંગઠન ગલ્ફ કૉર્પોરેશન કાઉન્સિલ એટલે કે જીસીસીએ નિવેદન જાહેર કરીને લેબનોનની સંપ્રભુતા, સુરક્ષા અને સ્થિરતાનું સમર્થન કર્યું છે.
જીસીસીએ લેબનોન-ઇઝરાયલ સીમા પર તરત સંઘર્ષવિરામ લાગુ થાય તેની વકિલાત કરી છે.
આ સાથે નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ હથિયાર લેબનોનની સરકારની પરવાનગી વગર ત્યાં ન હોય અને ત્યાં કોઈ અન્ય દેશનું પ્રશાસન પણ ન હોય.
ઇઝરાયલ-પેલેસ્ટાઇન મુદ્દો

ઇમેજ સ્રોત, Getty Images
કતાર
મધ્ય-પૂર્વમાં સંઘર્ષના મુદ્દા પર કતાર તમામ પક્ષો સાથે વાતચીત કરીને સંઘર્ષ રોકવાના પક્ષમાં રહ્યું છે. જોકે તેનો ઇઝરાયલ સાથે કોઈ ઔપચારિક સંબંધ નથી.
ઇજિપ્ત
નસરલ્લાહનાં મોત બાદ ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દલ ફતેહ અલ-સીસીએ લેબનોનના વડા પ્રધાન નાજિબ મિકાતી સાથે ફોન પર વાતચીત કરી હતી. તેમણે નસરલ્લાહનું નામ લીધા વગર કહ્યું કે ઇજિપ્ત લેબનોનની સંપ્રભુતાના ઉલ્લંઘનને મંજૂર નથી કરતું.
ઈરાનની પ્રૉક્સી અને તેની નીતિ સામે ઇજિપ્તનો હંમેશા વિરોધ રહ્યો છે. જોકે ઈરાનની સરકાર સાથે ઇજિપ્તની અનૌપચારિક વાતચીત થતી રહે છે.
ઇજિપ્તના રાષ્ટ્રપતિએ નસરલ્લાહના માર્યા ગયા બાદ કહ્યું હતું કે આખો વિસ્તાર મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યો છે.
જૉર્ડન
આરબ દેશ જૉર્ડનની સરહદ વેસ્ટ બૅન્ક સાથે મળે છે. જ્યાં પેલેસ્ટાઇન શરણાર્થીઓની મોટી સંખ્યા છે.
ઇઝરાયલ જ્યારે બન્યું ત્યારે આ ક્ષેત્રની ઘણીખરી વસ્તી જૉર્ડન આવી ગઈ હતી. આ યુદ્ધમાં જૉર્ડન પેલેસ્ટાઇનવાસીઓ સાથે છે અને તે ‘બે દેશોના સિદ્ધાંત’ની વાત કરે છે.
તુર્કી
તુર્કી અને ઇઝરાયલ વચ્ચે 1949થી જ રાજદ્વારી સંબંધ છે. ઇઝરાયલને માન્યતા આપનારો પહેલો મુસ્લિમ બહુમતિ ધરાવતો દેશ તુર્કી જ હતો.
જોકે, તુર્કી અને ઇઝરાયલ વચ્ચેના સંબંધોમાં વર્ષ 2002થી ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. પેલેસ્ટાઇનના મુદ્દે તુર્કી હંમેશા ઇઝરાયલ પર આક્રમક છે.
ભારત કોની સાથે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકો માટે ઈરાન મુદ્દે ટ્રાવેલ ઍડવાઇઝરી જાહેર કરી છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયામાં આની માહિતી આપી છે.
ભારત તરફથી કહેવાયું કે "અમે આ વિસ્તારમાં સુરક્ષાની સ્થિતિ પર ઝીણી નજર રાખી રહ્યા છીએ."
ઍડવાઇઝરીમાં કહેવાયું કે "ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઈરાનમાં બિનજરૂરી મુસાફરી ન કરે. જેઓ ઈરાનમાં છે તેમને વિનંતી કરવામાં આવે છે કે સતર્ક રહે અને તેહરાનમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહે."
વિદેશ મંત્રાલયે પશ્ચિમ એશિયા મુદ્દે પણ ઍડવાઇઝરી જાહેર કરી છે. તેમાં લખવામાં આવ્યું કે ભારત સરકાર પશ્ચિમ એશિયામાં સુરક્ષા મુદ્દે ચિંતિત છે.
ઍડવાઇઝરીમાં સુરક્ષા માટે સંયમ રાખવાની અપીલ કરાઈ છે. તેમજ બધા મુદ્દાને વાતચીત અને કૂટનીતિના માધ્યમથી ઉકેલવાનું આવાહન કરાયું છે.
અગાઉ મંગળવારે ઇઝરાયલમાં પણ ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને લઈને ઍડવાઇઝરી જાહેર કરી હતી.
તેમાં ઇઝરાયલમાં રહેતા ભારતીયોને સતર્ક કરવા અને સુરક્ષા સંબંધિત પ્રોટોકૉલને અનુસરવાની વાત કરાઈ હતી.
મંગળવારે ઈરાને ઇઝરાયલમાં અંદાજે 200 મિસાઇલ છોડી છે. ત્યારબાદ આ ઍડવાઇઝરી જાહેર કરાઈ છે.
ભારત હંમેશા આ મામલે શાંતિપૂર્ણ સમજૂતિના પક્ષમાં રહ્યું છે.
ભારતે પણ વર્ષ 1988માં પેલેસ્ટાઇનને રાષ્ટ્રની માન્યતા આપી છે. પરંતુ મધ્ય-પૂર્વની પરિસ્થિતિ પર ભારતે ક્યારેય કોઈ એક પક્ષની તરફેણ નથી કરી.
ગત મહિને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઇઝરાયલ સામે લાવવામાં આવેલા એક પ્રસ્તાવમાં ગાઝા અને વેસ્ટ બૅન્કમાં ઇઝરાયલી કબજાને સમાપ્ત કરવાની વાત કરાઈ હતી.
આ પ્રસ્તાવ ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ એટલે કે આઈસીજેની ઍડવાઇઝરી બાદ લાવવામાં આવ્યો છે. 193 દેશોના સભ્યોની સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં 124 દેશોએ આ પ્રસ્તાવના પક્ષમાં મતદાન કર્યું હતું.
14 દેશોએ આ પ્રસ્તાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું જ્યારે કે ભારત સહિત 43 દેશ મતદાનથી અળગા રહ્યા હતા.
બ્રિક્સ જૂથના દેશો- બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા પૈકી માત્ર ભારત જ દેશ એવો હતો જે મતદાનથી અળગો રહ્યો હતો.
પાકિસ્તાન કોની સાથે?

ઇમેજ સ્રોત, Getty Images
સંયુક્ત રાષ્ટ્રમાં આ પ્રસ્તાવની સામે મતદાન કરનારા દેશોમાં અમેરિકા, ફિજી, હંગેરી અને આર્જેન્ટિના જેવા 14 દેશો સામેલ હતા.
આ પ્રસ્તાવના પક્ષમાં મતદાન કરનારા પૈકી પાકિસ્તાન, ચીન, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ અને મલેશિયા તથા રશિયા જેવા દેશો સામેલ હતા.
યુએનની મહાસભામાં પેલેસ્ટાઇનના રાજદૂત રિયાદ મંસૂરે આ મતદાનને આઝાદી અને ન્યાયની લડાઈમાં મહત્ત્વનો વણાંક ગણાવ્યું હતું. જ્યારે કે ઇઝરાયલના રાજદૂત ડેની ડેનને આ મતદાનને શરમજનક ગણાવ્યું હતું.
ભારતના પાડોશી દેશ પાકિસ્તાનની વાત કરીએ તો નસરલ્લાહનાં મોત બાદ પાકિસ્તાનમાં ઇઝરાયલ સામે પ્રદર્શનો થયાં હતાં.
આ જ પ્રકારે વિરોધપ્રદર્શનો કાશ્મીર અને લખનઉમાં પણ જોવાં મળ્યાં હતાં.
7 ઑક્ટોબર, 2023ના રોજ હમાસે ઇઝરાયલ પર મોટો સુનિયોજીત હુમલો કર્યો હતો. જેમાં લગભગ 1200 ઇઝરાયલી નાગરિકો માર્યા ગયા હતા. તેની સામે ઇઝરાયલે કાર્યવાહી શરૂ કરી હતી જેમાં અત્યારસુધીમાં આશરે 40 હજાર જેટલા લોકો ગાઝા અને વેસ્ટ બૅન્કમાં માર્યા ગયા છે.
ઇઝરાયલી હુમલાને કારણે લેબનોનમાં પણ મરનારાની સંખ્યા વધી રહી છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












