યુદ્ધની આડશે ઇઝરાયલીઓ કઈ રીતે પેલેસ્ટાઇનિયનોની જમીન પર કબજો કરી રહ્યા છે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
- લેેખક, યોલાન્દે નેલ
- પદ, મધ્ય-પૂર્વના સંવાદદાતા, જેરુસલેમથી
કુદરતી ઝરણાના પાણીથી સિંચાઈ કરનારા જૂનવાણી ગણાતા પેલેસ્ટાઇનિયન ગામ બતીરમાં સામાન્ય જિંદગી સેંકડો વર્ષોથી શાંત રહી છે.
યુનેસ્કોની વર્લ્ડ હૅરિટેજ લિસ્ટમાં સામેલ આ ગામને ઑલિવનાં વૃક્ષો અને દ્રાક્ષનાં ખેતરોથી ઓળખવામાં આવે છે. પરંતુ હાલના સમયમાં આ ગામ કબજે કરવામાં આવેલા વિસ્તાર વૅસ્ટ બૅન્કમાં સ્થાયી થયેલી વસાહતોને કારણે ચર્ચામાં છે.
ઇઝરાયલે આ વિસ્તારમાં નવી યહૂદી વસાહતોને માન્યતા આપી છે. પરંતુ ઇઝરાયલની અનુમતિ વગર અહીં નવી યહૂદી વસ્તીઓ માટે પેલેસ્ટાઇનિયનોની અંગત માલિકીની જમીનોને આચકી લેવામાં આવી છે અને ત્યાં સૈન્યની ચોકીઓ બનાવી દેવામાં આવી છે.
ઘાસન ઓલ્યાન પણ એવી જ વ્યક્તિઓ પૈકી એક છે કે જેમની જમીન કબજે કરી લેવામાં આવી છે. ઓલ્યાન કહે છે કે, “અમારાં દુ:ખ અને યાતનાઓ પર પોતાનાં સ્વપ્નોનું વાવેતર કરવા માટે તેઓ અમારી જમીનો ઝૂંટી રહ્યા છે.”
યુનેસ્કોએ પણ કહ્યું છે કે બતીર ગામની આસપાસ નવી વસાહતો અને લોકોને લઇને તે ચિંતિત છે. જોકે, ઇઝરાયલ આ વાત સાથે સહમત નથી.
ઓલ્યાન અહીં વસી રહેલા નવા લોકોને લઇને કહે છે કે, “તેમને આંતરરાષ્ટ્રીય કાયદાઓ, સ્થાનિક કાયદાઓ અને ઇશ્વરના કાયદાઓની પણ કોઈ પરવા નથી.”

ઇઝરાયલના જાસૂસી વિભાગના પ્રમુખ રોનેન બારે ગત અઠવાડિયે મંત્રીઓને પત્ર લખીને ચેતવણી આપી હતી કે વૅસ્ટ બૅન્ક ક્ષેત્રમાં રહેલાં યહૂદી ચરમપંથીઓ પેલેસ્ટાઇનિયનો સામે આતંકી ગતિવિધિઓને અંજામ આપી રહ્યા છે અને દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે.
ગાઝામાં યુદ્ધ શરૂ થયા પછીથી જ અધિકૃત વૅસ્ટ બૅન્ક ક્ષેત્રમાં નવી યહૂદી વસાહતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ઇઝરાયલ સરકારના કટ્ટરપંથીઓ માને છે કે આવા ફેરફારો સ્વતંત્ર પેલેસ્ટાઇનિયન રાજ્યની શક્યતાઓને ઘટાડશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એવી પણ સંભાવના છે કે તેઓ પોતાના ઉદ્દેશ્યોને પૂરા કરવા માટે ગાઝામાં ચાલી રહેલા યુદ્ધને લંબાવી શકે છે.
યહૂદી વસાહતોની વધતી જતી સંખ્યા પર નજર રાખતી ઇઝરાયલી સંસ્થા 'પીસ નાઉ'ના યોનાતન મિઝરાહી કહે છે કે, “વૅસ્ટ બૅન્કમાં રહેતા ઇઝરાયલી કટ્ટરપંથીઓ પહેલેથી જ તંગ પરિસ્થિતિને વધુ તનાવપૂર્ણ બનાવી રહ્યા છે અને ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષનો અંત લાવવાની સંભાવનાઓને મુશ્કેલ બનાવી રહ્યા છે.”
તેમનું માનવું છે કે 7 ઑક્ટોબરે થયેલા હુમલા બાદ ઇઝરાયલના લોકોમાં ‘ગુસ્સો અને ભય બંને’ છે. હમાસના હુમલામાં 1200 લોકોનાં મોત થયાં હતાં. તેમના મતે, “આ જ કારણ છે કે લોકો વધુને વધુ જમીન પર કબજો કરી રહ્યા છે અને આ મુદ્દે બહુ ઓછા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.”

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
'પ્યૂ રિસર્ચ સેન્ટર' દ્વારા જૂનમાં કરવામાં આવેલા સર્વે અનુસાર, “40 ટકા યહૂદીઓ માને છે કે નવી વસાહતોએ દેશને સુરક્ષિત બનાવ્યો છે. 2013માં આમ માનનારા લોકોની સંખ્યા માત્ર 27 ટકા જ હતી. બીજી તરફ 35 ટકા લોકો માને છે કે આ વસાહતોએ ઇઝરાયલની સુરક્ષાને નુકસાન પહોંચાડ્યું છે. અગાઉ આવું માનનારા લોકોની સંખ્યા 42 ટકા હતી.”
મિઝરાહી ચિંતિત છે કે વૅસ્ટ બૅન્કમાં કટ્ટરપંથી યહૂદીઓ પહેલાંથી જ વ્યાપ્ત તંગ અને અસ્થિર પરિસ્થિતિમાં વધારો કરી રહ્યા છે. તેઓ કહે છે, "આ ખૂબ જ ખતરનાક છે" અને તેના કારણે બંને પક્ષો વચ્ચે નફરત વધી રહી છે.
યુદ્ધ શરૂ થયા પછી વૅસ્ટ બૅન્કમાં પેલેસ્ટાઇનિયન લોકો સામે વસાહતીઓ દ્વારા હિંસાના કેસોમાં વધારો થયો છે.
જોકે, હિંસામાં વધારો પહેલેથી જ દેખાઈ રહ્યો હતો. પરંતુ છેલ્લા 10 મહિનામાં યુએને હિંસાના 1270 કેસ નોંધ્યા છે, જ્યારે 2022માં હુમલાના કુલ 856 કેસ નોંધાયા છે.
ઇઝરાયલના માનવાધિકાર સંગઠન 'બી'ત્સેલેમ'ના જણાવ્યા અનુસાર, આ જ સમયગાળા દરમિયાન નવા ઇઝરાયલી વસાહતીઓ દ્વારા કરવામાં આવતા ઉત્પીડનના કારણે પેલેસ્ટાઇનિયનોને વૅસ્ટ બૅન્કનાં ઓછાંમાં ઓછાં 18 ગામોમાંથી બહાર જવાની ફરજ પડી છે.
1967માં, મધ્ય પૂર્વના યુદ્ધ દરમિયાન જ ઇઝરાયલે, ઇઝરાયલ અને જૉર્ડન વચ્ચેના પેલેસ્ટાઇનિયન પ્રદેશ પર કબજો કર્યો. ત્યારથી અત્યાર સુધી આ વિસ્તાર ઇઝરાયલના નિયંત્રણમાં છે.
યુએન અનુસાર, 7 ઑક્ટોબર, 2023થી ઑગસ્ટ 2024 સુધીમાં વૅસ્ટ બૅન્કમાં 589 પેલેસ્ટાઇનિયન નાગરિકો માર્યા ગયા છે. તેમાંથી ઓછામાં ઓછા 570 લોકો ઇઝરાયલી સૈનિકો દ્વારા અને 11 ઇઝરાયલી વસાહતોમાં રહેતા લોકો દ્વારા માર્યા ગયા છે. આ સમયગાળા દરમિયાન પેલેસ્ટાઇનિયનોએ 11 ઇઝરાયલી વસાહતીઓ અને ઇઝરાયેલી સુરક્ષાદળો સાથે સંકળાયેલા નવ લોકોની હત્યા કરી હતી.
આ અઠવાડિયે જ બેથલહામ નજીક વાદી અલ-રહેલમાં ઇઝરાયેલી સુરક્ષાદળો અને ઇઝરાયલી વસાહતીઓ પ્રવેશ્યા પછી એક 40 વર્ષીય પેલેસ્ટાઇનિયન વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઇઝરાયલી સેનાનો દાવો છે કે એ પહેલાં ઇઝરાયલના વાહન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
ગત માસે 22 વર્ષીય પેલેસ્ટાઇનિયન યુવકનું મૃત્યુ થયું હતું જ્યારે ઇઝરાયલીઓએ જીત નામના ગામમાં ઘૂસીને તોડફોડ કરી હતી. આ ઘટનાની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ટીકા થઈ હતી. ઇઝરાયલનાં સુરક્ષાદળોએ ચાર લોકોની ધરપકડ કરી છે અને આ ઘટનાને "ગંભીર આતંકવાદી ઘટના" ગણાવી છે.
જોકે, આવા કિસ્સાઓ પર નજર કરીએ તો સજામાં ઘટાડો જોવા મળે છે. ઇઝરાયલના નાગરિક અધિકાર જૂથ 'યેશ દિનને' જાણવા મળ્યું છે કે 2005 અને 2023ની વચ્ચે, ઇઝરાયલી ઇમિગ્રન્ટ્સ દ્વારા આચરવામાં આવેલી હિંસાના માત્ર 3 ટકા કેસો સત્તાવાર તપાસમાં પરિણમ્યા હતા.
ઇઝરાયલના ગુપ્તચર વડા રોનન બાર દ્વારા લખાયેલ ચેતવણીની ચિઠ્ઠી ઇઝરાયલી મીડિયામાં લીક થઈ હતી. તેમાં તેમણે કહ્યું હતું કે, કટ્ટરપંથી ઇઝરાયલ વસાહતીઓને કાયદામાં ઢીલું વલણ દાખવીને એક રીતે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
‘વધુ પડતું ખતરનાક’

ઇમેજ સ્રોત, AFP
વૅસ્ટ બૅન્કના ભાગોમાં, નવા વસાહતીઓ ખાસ બનાવેલા યહૂદી સમુદાયોમાં સ્થાયી થયા છે.
આમાંની મોટા ભાગની વસાહતોને ઇઝરાયલ સરકાર તરફથી કાયદાકીય સમર્થન મળે છે. અન્ય વસાહતો કે જે ચોકી તરીકે ઓળખાય છે, તે તંબુ અને કાર્ટ-બિલ્ટ ઘરોના સ્વરૂપમાં બનાવવામાં આવી હતી. આ વસાહતો ઇઝરાયલના કાયદા અનુસાર અમાન્ય છે. પરંતુ કટ્ટરપંથીઓ વધુ જમીનો કબજે કરવા માટે આ વસાહતો બાંધતા રહે છે.
જુલાઇ મહિનામાં, જ્યારે યુએનની ઉચ્ચતમ કોર્ટને સૌપ્રથમ જાણવા મળ્યું કે ઇઝરાયલ પૂર્વ જેરૂસલેમ સહિત વૅસ્ટ બૅન્કના વિસ્તાર પર ગેરકાયદેસર રીતે કબજો કરી રહ્યું છે, ત્યારે કોર્ટે કહ્યું હતું કે ઇઝરાયલે નવી વસાહતો સ્થાપવાની પ્રક્રિયા અટકાવવી પડશે અને શક્ય તેટલી વહેલી તકે પીછેહઠ પણ કરવી પડશે.
ઇઝરાયલના પશ્ચિમી સાથીદેશો આ નવી વસાહતોને શાંતિના અવરોધ તરીકે જુએ છે. પરંતુ ઇઝરાયલ આ દલીલને નકારી કાઢે છે. તેઓ કહે છે, "યહૂદીઓ કબજો કરી રહ્યા નથી, આ તેમની પોતાની જમીન છે."
હવે એવી આશંકા છે કે ઇઝરાયલના કટ્ટરપંથીઓ વસાહતોને કાયમી બનાવવા માટે કામ કરી રહ્યા છે.
ઇઝરાયલના ઇતિહાસમાં સૌથી દક્ષિણપંથી સરકારના સમર્થનથી આ લોકો આ વિસ્તારમાં પોતાનું નિયંત્રણ વધારી રહ્યા છે. આ કટ્ટરપંથીઓ માત્ર વૅસ્ટ બૅન્ક પર કબજો કરવાની તેમની યોજનાને વિસ્તારી રહ્યા નથી, પરંતુ યુદ્ધ સમાપ્ત થયા પછી ગાઝામાં સ્થાયી થવાની પણ ખુલ્લેઆમ વાત કરી રહ્યા છે. તેઓ ઇઝરાયલ સરકારનાં મહત્ત્વનાં મંત્રાલયોમાં પણ કામ કરી રહ્યા છે.
એક તરફ, વિશ્વના નેતાઓ ‘બે અલગ દેશના ઉકેલ’ માટે દબાણ કરી રહ્યા છે અને નવી વસાહતોની સ્થાપનાનો વિરોધ કરી રહ્યા છે જે સ્થાયી શાંતિ અને અલગ પેલેસ્ટાઇનિયન રાજ્યની રચના માટે માર્ગ મોકળો કરશે. બીજી તરફ ઇઝરાયલના ધાર્મિક રાષ્ટ્રવાદીઓ માને છે કે ઇઝરાયલનો તમામ જમીન પર અધિકાર છે.
વિશ્લેષકોનું માનવું છે કે કદાચ તેથી જ કેટલાક નેતાઓ યુદ્ધવિરામ કરારને સ્વીકારવાનો ઈન્કાર કરી રહ્યા છે.
'ધ ટાઈમ્સ ઑફ ઇઝરાયલ'ના રાજકીય સંવાદદાતા તાલ સ્નૅઈડર કહે છે કે, “તેઓ પણ સંઘર્ષને સમાપ્ત કરવા અથવા બંધક મુક્તિ કરાર સુધી પહોંચવા માંગતા નથી કારણ કે તેઓ માને છે કે જ્યાં સુધી સંઘર્ષ ચાલે ત્યાં સુધી ઇઝરાયલે યુદ્ધ લડવું જોઈએ.”
તાલ સ્નેડર કહે છે, "તેઓ વિચારે છે કે લાંબાગાળે તેની વિચારધારા વધુ સાચી છે. આ તેમનો પોતાનો તર્ક છે."
દરમિયાન, ઇઝરાયલ પ્રશાસને પાંચ નવી વસાહતો સ્થાપવાની જાહેરાત કરી છે. આ પૈકીની એક વસાહત બતીર ગામમાં પણ સ્થપાશે. આ વસાહતો 23 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સ્થાપિત કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે ઇઝરાયલ તેને પોતાની જમીન માને છે. જોકે, આ જમીન કબજા હેઠળના પ્રદેશમાં છે અને પેલેસ્ટાઇનિયનોની ખાનગી જમીન છે.
ઇઝરાયલી વસાહતીઓને આશા છે કે તેઓ આ જમીન પર વધુને વધુ ઇઝરાયલી લોકોને વસાવશે. તેઓ આશા રાખે છે કે આખરે ઇઝરાયલ આ જમીન પર ઔપચારિક કબજો કરશે.
સેટેલાઇટ તસવીરો યુદ્ધ શરૂ થયા પછી હેબ્રોનની ઉત્તરે, અલ કનુબમાં કાફલાઓ અને નવા રસ્તાઓ દર્શાવે છે.
અમે 50 વર્ષીય શલાલદા અને તેના 80 વર્ષનાં કાકા મહમદ સાથે અલ કનુબ ગયા. તેમણે કહ્યું કે ગયા વર્ષે નવેમ્બરમાં ઇઝરાયલી વસાહતીઓએ તેમનાં ઘરો તોડી નાખ્યાં હતાં.
જેમ-જેમ અમે નજીક પહોંચ્યાં એક ચરમપંથીએ તેની કાર વડે અમારો રસ્તો રોકી દીધો.
તરત જ બંદૂકો સાથે ઇઝરાયલી સૈનિકો ત્યાં પહોંચ્યા. આ જૂથમાં ઇઝરાયલી સંરક્ષણ દળના કેટલાક સૈનિકો તેમના ગણવેશ પર ચિહ્નો ધરાવતા હતા. સૈનિકોમાં એક કૉલોનીનો અધિકારી હતો જેણે અમને તપાસ માટે રોક્યા.
બંદોબસ્તના સુરક્ષાકર્મીઓએ બે પેલેસ્ટાઇનિયન નાગરિકોને કારમાંથી બહાર કાઢ્યા અને તેમની તલાશી લીધી. બે કલાક પછી સૈનિકોએ વસાહતીઓને દૂર કર્યા અને બીબીસીની કારને પસાર થવા દીધી.
વસાહતોમાં કેટલા લોકો રહે છે

ઇમેજ સ્રોત, EPA
પચાસ દાયકાઓ પહેલાં વૅસ્ટ બૅન્ક પર કબજો કરીને અને તેને જૉર્ડન પાસેથી છીનવી લીધા પછી, ઇઝરાયલે ત્યાં વસાહતો સ્થાપવાનું શરૂ કર્યું હતું. ત્યારથી, અનુગામી સરકારોએ વસાહતોના વિસ્તરણમાં સતત વધારો કર્યો છે.
આજે લગભગ 30 લાખ પેલેસ્ટાઇનિયનો ત્યાં રહે છે, ઇઝરાયલ દ્વારા કબજે કરાયેલ પૂર્વ જેરુસલેમને બાદ કરતાં લગભગ પાંચ લાખ યહૂદીઓ પણ ત્યાં 130 વસાહતોમાં રહે છે.
2022માં સત્તામાં આવ્યા પછી, ઇઝરાયલની દક્ષિણપંથી સરકારે આ વસાહતોમાં લોકોની સંખ્યા વધારીને 10 લાખ કરવાનું વચન આપ્યું હતું.
બેઝલેલ સ્મોટ્રિચ માને છે કે યહૂદીઓનો આ જમીન પર ઈશ્વરે આપેલો અધિકાર છે. સ્મૉટ્રિચ ઇઝરાયલના બે દક્ષિણપંથી પક્ષોમાંથી એકનું નેતૃત્ત્વ કરે છે. વડા પ્રધાન નેતન્યાહુ 2022માં સ્મોટ્રિચની પાર્ટીને ગઠબંધનમાં લાવીને તેમને ફરીથી સત્તા પર લાવ્યા.
સ્મૉટ્રિચ ઇઝરાયલના નાણામંત્રી છે પરંતુ તેઓ સંરક્ષણ મંત્રાલયમાં પણ એક પદ ધરાવે છે. જે તેમને વૅસ્ટ બૅન્ક ઇઝરાયલની નીતિઓમાં પરિવર્તન લાવવામાં મદદ કરે છે.
તેમણે નવી વસાહતોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અને રસ્તાઓ બનાવવા માટે ઘણું સરકારી રોકાણ કર્યું છે. તેમણે એક નવી અમલદારશાહી પણ બનાવી છે જે સૈન્યની મદદથી ઝડપથી વસાહતો બનાવી રહી છે.
‘મારા જીવનનો ઉદ્દેશ્ય’

ઇમેજ સ્રોત, Getty Images
દાયકાઓ સુધી ધાર્મિક રાષ્ટ્રવાદી વિચારધારાના લોકો ઇઝરાયલની રાજનીતિના હાંસિયા પર રહ્યા હતા. પરંતુ તેમની વિચારધારા ધીમે ધીમે લોકપ્રિય બની. 2022ની ચૂંટણીમાં, આ પક્ષોએ 120માંથી 13 બેઠકો જીતી અને બેન્યામિન નેતન્યાહુની દક્ષિણપંથી ગઠબંધન સરકારમાં કિંગમેકરની ભૂમિકામાં આવી.
યુદ્ધ દરમિયાન, બેઝાલેલ સ્મૉટ્રિચ અને તેના સાથી કટ્ટરવાદી ઇટામર બેન-ગવિરે વારંવાર એવી ટિપ્પણીઓ કરી કે જેણે સામાજિક વિભાજનને પ્રોત્સાહન આપ્યું અને ઇઝરાયલના પશ્ચિમી દેશોના સાથીઓને ઉશ્કેર્યા. હાલમાં આ બંને ઇઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષામંત્રી છે.
ઇઝરાયલી સેનાએ પેલેસ્ટાઇનિયન કેદીઓ પર જાતીય શોષણ કરનારા રક્ષકોની ધરપકડ કર્યા પછી બેન ગ્વિરે કહ્યું, "અમારા શ્રેષ્ઠ હીરોની ધરપકડ કરવી શરમજનક છે. આ મહિને બેઝલેલ સ્મૉટ્રિચે કહ્યું હતું કે ગાઝાના લોકોને ભૂખે મરવું ‘વાજબી અને નૈતિક’ હોઈ શકે છે.
ઇઝરાયલના પત્રકાર અને 'ધ ઇકોનૉમિસ્ટ'ના સંવાદદાતા અંશેલ ફેફર કહે છે, "ઇઝરાયલીઓનું આ જૂથ હંમેશાં પેલેસ્ટાઇનિયનો અને પડોશી આરબ દેશો સાથેના કોઈ પણ પ્રકારના કરારની વિરુદ્ધ રહ્યું છે."
આ દક્ષિણપંથીઓ ગાઝામાં ચાલી રહેલા યુદ્ધને તક તરીકે જુએ છે. સ્મૉટ્રિચે પેલેસ્ટાઈનીઓને ત્યાંથી ચાલ્યા જવા કહ્યું છે જેથી ઇઝરાયલના લોકો તેમના માટે રસ્તો બનાવી શકે.
જોકે, નેતન્યાહુએ ગાઝામાં યહૂદી વસાહતો વસાવવાનો ઈન્કાર કરી દીધો છે. પરંતુ તેઓ અતિશય જમણેરી પક્ષોના દબાણ હેઠળ છે કે જો તેઓ બંધકોને ઘરે લાવવા માટે કોઈ પણ અવિચારી યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કરે તો તેમની સરકારને ઉથલાવી દેવાની ધમકી આપે છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












