કૅનેડા : ટેમ્પરરી વર્ક પરમિટ અંગેનો એ નિર્ણય જે ગુજરાતીઓની મુશ્કેલી વધારી દેશે

ઇમેજ સ્રોત, Getty Images
પ્રવાસી વીઝા પર કૅનેડા ગયેલા લોકો હવે વર્ક પરમિટ માટે અરજી નહીં કરી શકે.
ઇમિગ્રેશન, રૅફ્યુજીસ ઍન્ડ સિટીઝનશિપ કૅનેડા(આઈઆરસીસી) નીતિને તત્કાળ પ્રભાવથી રદ કરી નાખી છે. આ નીતિ હેઠળ પ્રવાસીઓ પણ કૅનેડામાં વર્ક પરમિટ માટે અરજી કરી શકતા હતા.
સરકારના આ નિર્ણય પહેલાં સોમવારે વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ દેશમાં અસ્થાયી કામદારોની સંખ્યા મર્યાદિત કરવાની જાહેરાત કરી હતી.
ટૂરિસ્ટ વિઝા પર આવેલા, પરંતુ કોવિડને લીધે લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે દેશ છોડવામાં અસમર્થ લોકો માટે આઈઆરસીસી દ્વારા ઑગસ્ટ-2020માં આ નીતિ રજૂ કરવામાં આવી હતી.
એ સિવાય, જે વિદેશી નાગરિકો પાસે પાછલા 12 મહિના દરમિયાન વર્ક પરમિટ હતી, પરંતુ તેમણે તેમનો દરજ્જો મુલાકાતી તરીકે જ રાખ્યો હતો, એવા નાગરિકો નવી વર્ક પરમિટના નિર્ણયની રાહ જોવા માટે કૅનેડામાં રહીને જ વર્ક પરમિટ માટે અરજી કરી શકશે. એ રીતે તેઓ વચ્ચેના સમયગાળામાં તેઓ કાયદેસર કામ કરી શકશે.
જોકે, વચગાળાની આ નીતિ 2025ની 28 ફેબ્રુઆરીએ સમાપ્ત થવાની હતી, પરંતુ આઈઆરસીસીએ વહેલો નિર્ણય કર્યો છે.
આઈઆરસીસીના જણાવ્યા મુજબ, તેને ખબર પડી છે કે કેટલાક બદમાશો, વિદેશીઓને કૅનેડામાં સત્તાવાર મંજૂરી વિના કામ કરવા માટે લલચાવવા આ નીતિનો દુરુપયોગ કરી રહ્યા છે.
આ પગલું દેશમાં અસ્થાયી કર્મચારીઓની સંખ્યા મર્યાદિત કરવાના સરકારને પ્રયાસનો હિસ્સો પણ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ નીતિ શા માટે બનાવવામાં આવી હતી?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કૅનેડા સરકારે નવેમ્બર 2022માં દેશમાં કામદારોની સંખ્યા વધારવાની વાત કરી હતી.
માર્ચ, 2023માં વિઝિટર વિઝા મારફત કૅનેડા આવતા લોકો દ્વારા વર્ક પરમિટ માટે અરજી કરવાની સમયમર્યાદા બે વર્ષ લંબાવવામાં આવી હતી.
જે લોકો વિઝિટર વિઝા પર કૅનેડા પહોંચ્યા હતા, તેમના માટે વર્ક પરમિટની અરજી કરવાની અંતિમ તારીખ ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહ સુધીની હતી, પરંતુ કૅનેડા સરકારે તેને 28 ફેબ્રુઆરી, 2025 સુધી લંબાવવાનો નિર્ણય કર્યો હતો.
આ નીતિ હેઠળ, જે વિદેશી નાગરિકો કૅનેડા ફરવા કે તેમના સગાસંબંધીઓને મળવા આવ્યા હોય અને તેમની પાસે માન્ય નોકરીની ઓફર હોય તો તેઓ વર્ક પરમિટ માટે અરજી કરી શકતા હતા.
વર્ક પરમિટની મુદ્દતમાં વિસ્તરણથી વિઝિટર વિઝા દ્વારા આવતા લોકો ઉપરાંત વર્ક પરમિટ પર કૅનેડામાં પહેલેથી કામ કરતા લોકોને ફાયદો થયો હતો.
ઇમિગ્રેશન મંત્રાલયના જણાવ્યા મુજબ, વર્ક પરમિટના આધારે કૅનેડામાં અસ્થાયી રીતે રહેતા લોકો પણ સરકારી નીતિ હેઠળ ત્યાં રહીને ઍડવાન્સ વિઝા માટે અરજી કરી શકે છે.
તેઓ તેમના નવા નોકરીદાતા સાથે કામ કરવાનું પણ શરૂ કરી શકે છે. તેમણે નોકરી બદલવા માટે દેશ છોડવાની જરૂર ન હતી.
કૅનેડાના ઇમિગ્રેશન વિભાગના જણાવ્યા મુજબ, કૅનેડામાં કામદારોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અત્રે એ નોંધવું જોઈએ કે કોવિડ મહામારી પછી કૅનેડામાં શ્રમિકોની જંગી અછત હતી.
જસ્ટિન ટ્રુડોએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Justin Trudeau/X
કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોમવારે જણાવ્યું હતું કે તેઓ ઓછું વેતન મેળવતા અસ્થાયી વિદેશી કામદારો અને સ્થાયી નિવાસીઓની સંખ્યામાં ઘટાડો કરવા ઈચ્છે છે.
ટ્રુડોએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા એ માહિતી શૅર કરતાં જણાવ્યું હતું કે લેબર માર્કેટ હવે બદલાઈ ગયું છે.
ટ્રુડોએ એક્સ (ટ્વિટર) પર લખ્યું હતું, “અમે કૅનેડા આવતા ઓછા પગારવાળા અસ્થાયી વિદેશી કામદારોની સંખ્યામાં ઘટાડો કરી રહ્યા છીએ. લેબર માર્કેટ હવે બદલાઈ ગયું છે.”
“હવે અમારા બિઝનેસ માટે કૅનેડિયન કામદારો અને યુવાનોમાં રોકાણ કરવાનો સમય આવી ગયો છે.”
કૅનેડામાં વસતિ ઝડપથી વધી રહી છે ત્યારે ઉપરોક્ત નિર્ણય કરવામાં આવ્યો છે.
અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે વધતી વસતિએ આવાસ તથા આરોગ્યસંભાળ તથા શિક્ષણ જેવી જાહેર સેવાઓ પર દબાણ સર્જ્યું છે.
તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના એક અહેવાલ બાદ આ કાર્યક્રમ તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું. એ રિપોર્ટમાં અસ્થાયી વિદેશી શ્રમિક કાર્યક્રમને “ગુલામીના સમકાલીન સ્વરૂપો માટેના એક સ્થળ” તરીકે વર્ણવવામાં આવ્યો હતો.
એ સિવાય કામદારોના સમર્થક જૂથો પણ આ કાર્યક્રમની ટીકા કરી રહ્યા છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘના સ્પેશિયલ રેપોર્ટર પ્રોફેસર ટોમોયો ઓબોકાટા બ્રિટનની યુનિવર્સિટી ઑફ યોર્ક ખાતે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદાના નિષ્ણાત છે.
ઓબોકાટાના કહેવા મુજબ, “કૅનેડામાં શ્રમિકોને તેમના કામની તુલનાએ ઓછું વેતન આપવામાં આવતું હોવાના, જરૂરી સલામતી ઉપકરણો વિના કામ કરવાની ફરજ પાડવામાં આવતી હોવાના અને કામના કલાકોમાં મનફાવે તેમ ઘટાડો કરવામાં આવતા હોવાના અસંખ્ય અહેવાલો મને મળ્યા છે.”
વાસ્તવમાં કોવિડ મહામારી દરમિયાન કેટલાક બિઝનેસો શ્રમિકોની અછતનો સામનો કરતા હતા. એ બિઝનેસોને મદદ કરવા માટે કૅનેડા સરકારે અસ્થાયી શ્રમ કાર્યક્રમમાં કેટલીક છૂટછાટો આપી હતી અને તે અસ્થાયી કામદારોની સંખ્યામાં વૃદ્ધિનું કારણ બની હતી.
અસ્થાયી ભારતીય શ્રમિકો પર અસર

ઇમેજ સ્રોત, Getty Images
કૅનેડા મોટી સંખ્યામાં આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી-પંજાબી વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
પંજાબમાં પ્રાઈવેટ ઈમિગ્રેશન કંપની ચલાવતા ગુરતેજસિંહ સંધુએ આ બાબતે કહ્યું હતું, “કૅનેડા સરકારે પહેલાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત કરી હતી. હવે અસ્થાયી કામદાર કાર્યક્રમ પર તેનું ધ્યાન કેન્દ્રીત થયું છે.”
તેમણે ઉમેર્યું હતું, “ભૂતકાળમાં પંજાબમાંથી અનેક લોકો ખેતમજૂરો અથવા બાંધકામ કામદારો અને નિષ્ણાતો તરીકે અસ્થાયી રીતે કૅનેડા ગયા હતા, પરંતુ નીતિમાં ફેરફારને કારણે ઇમિગ્રેશનનો તે વિકલ્પ પણ મર્યાદિત થઈ જશે.”
સંધુએ આ નીતિને રાજકીય ચાલ પણ ગણાવી હતી. તેમણે કહ્યું હતું, “કૅનેડાના મૂળ નાગરિકો અને આદિવાસીઓ માને છે કે અસ્થાયી વર્ક પરમિટથી તેમના રોજગારની તક આસાન બને છે. તેથી તેઓ વધતા સ્થળાંતરની તરફેણ કરતા નથી અને તેઓ આ મુદ્દે સરકારનો વિરોધ પણ કરે છે.”
“સ્થાયી નાગરિકોનો પ્રતિકાર અને તેમની સગવડનો પ્રભાવ રાજકીય નિર્ણયો પર પડતો હોય તે સ્વાભાવિક છે. કૅનેડા સરકારનો આ નિર્ણય આગામી ચૂંટણી અને ઇમિગ્રેશનના મુદ્દે ટ્રુડો સરકાર સામે ચાલી રહેલા વિરોધથી પ્રેરિત હોય એવું પણ માનવામાં આવે છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












