એવો કયો દેશ છે જ્યાં મગરને પણ પાલતું પ્રાણી તરીકે પાળી શકાય છે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટિફની ટર્નબુલ
- પદ, બીબીસી ન્યૂઝ
શું તમે ઘરમાં કૂતરાં અને બિલાડીની જેમ મગર પણ પાળી શકો છો?
સાંભળવામાં આ એક કલ્પના કે કહાણી લાગે છે. જોકે, ઑસ્ટ્રેલિયાના ઉત્તરના વિસ્તારમાં આ કોઈ કહાણી નથી, પરંતુ હકીકત છે.
ડૉર્વિનથી લગભગ એક કિલોમીટર દક્ષિણે બૅચલરમાં ટ્રેવર સુલિવન પોતાના ઘરમાં 11 મગર સાથે રહે છે.
આ 11 મગર પૈકી એકનું નામ બિગ જૅક છે, જેનું નામ જૅન ઇન ધી બૉક્સ નામનાં રમકડાં પરથી રાખવામાં આવ્યું છે.
મગર પાળવાનો મામલો બન્યો ચૂંટણી મુદ્દો

ઇમેજ સ્રોત, Getty Images
22 વર્ષ પહેલાં સુલિવનની ઘરે દીકરીનો જન્મ થયો તેની સાથે જ તે ઘરનો હિસ્સો બનેલા મગર બિગ જૅકને પોતાના તમામ નખરા છતાં ઘરમાં ખૂબ જ પ્રેમ મળે છે.
સુલિવન પોતાના 80 ઍકરમાં ફેલાયેલા ઘરમાં રહેતા 11 મગરમચ્છો વિશે જાણાવતા કહે છે કે આ 11 પૈકી એક મગર તો ખૂબ જ નાનો છે, જ્યારે એક 15.4 ફૂટ લાંબો મગર છે, જેણે કદાચ બે વિશ્વયુદ્ધ જોયા છે.
સુલિવને દાવો કર્યો કે સૌથી મોટા મગરે એક વ્યક્તિને મારી નાખ્યો હતો. આ મગરનો ઉપયોગ વૈજ્ઞાનિક રિસર્ચ માટે પણ કરવામાં આવ્યો છે.
સુલિવનની ઘરે આવતા પહેલાં ક્વીન્સલૅન્ડ ક્રૉકોડાઇલ પાર્કમાં એક લડાઈમાં આ વિશાળ મગરનાં નીચલા જડબાનો અડધો ભાગ તૂટી ગયો છે. આ મગર એક વખત તો ઝેરને કારણે એકદમ મરણ અવસ્થામાં પહોંચી ગયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીબીસી સાથેની વાતચીતમાં મગર વિશે વાત કરતાં 60 વર્ષીય સુલિવને કહ્યું કે મગર જેવું બીજું કોઈ પ્રાણી નથી અને પાલતું પ્રાણી પાળતા લોકો માટે જાણે કે મગર એ હાર્લે ડેવિડસન નામની મોટર સાઇકલ છે.
જોકે, શનિવારે થનારી ચૂંટણી પહેલાં મગરને પોતાના ઘરમાં પાલતું પ્રાણી તરીકે રાખવાની પરવાનગી ચાલુ રાખવી કે નહીં તે ચૂંટણીનો એક મુખ્ય મુદ્દો બની ગયો છે.
જોકે, મતદારો માટે મોંઘવારી અને ગુનાખોરી તો મુદ્દાઓ તો છે જ. પરંતુ સુલિવન જેવા લોકો માટે ઘર પર પાલતું પ્રાણી રાખનાર લોકો માટે આ મુદ્દો દિલ તોડનારો છે. ખાસ કરીને જ્યારથી સત્તાધારી લેબર પાર્ટીએ મગરને ઘર પર પાલતું પ્રાણી તરીકે રાખવા પર પ્રતિબંધ લગાડવાની વાત કરી છે ત્યારથી.
ઑસ્ટ્રેલિયામાં ઉત્તરનું ક્ષેત્ર એક છેલ્લું સ્થળ છે જ્યાં મગરને પોતાના ઘરમાં એક પાલતું પ્રાણી તરીકે રાખવાની પરવાનગી છે. જોકે, સરકારનું કહેવું છે કે તેઓ માનવી અને મગર બંનેની ભલાઈ માટે ચિંતિત છે.
વિપક્ષની કન્ટ્રી લિબરલ પાર્ટીએ આ પરવાનગી ચાલુ રાખવા માટે પોતાનું સમર્થન આપવાનો વાયદો કર્યો છે. પાર્ટીએ કહ્યું કે સરકાર બનશે ત્યારે આ નિર્ણયની સમીક્ષા કરવામાં આવશે.
શું છે નિયમ?

ઇમેજ સ્રોત, TOM HAYES
ઉત્તર ક્ષેત્રમાં રહેતા લગભગ બે લાખ 50 હજાર લોકો પૈકી માત્ર થોડાક લોકો પાસે જ પાલતું મગર છે.
પર્યાવરણ મંત્રીના કાર્યાલયે કહ્યું કે તેઓ આ સમયે આંકડા જાહેર ન કરી શકે. કારણ કે સરકાર ચૂંટણીના માહોલમાં છે. જોકે, ભૂતકાળના અનુમાન પ્રમાણે મગર પાળવાની પરવાનગી ધારકોની સંખ્યા લગભગ 100 છે.
અહીં મગરોને જન્મથી જ અથવા ખેતરો અથવા જંગલોમાં તકલીફ થવાને કારણે પાળવામાં આવે છે.
જાનવરોને ઘર પર કેવી પરિસ્થિતિમાં અને ક્યાં રાખી શકાય એ બાબતે કડક નિયમો પણ બનાવવામાં આવ્યા છે.
ઉદાહરણ તરીકે મગરને તેની બાળ અવસ્થામાં 60 સેમીની લંબાઈ સુધી જ તેને શહેરી વિસ્તારોમાં રાખી શકાય છે.
સામાન્ય રીતે મગરને એક વર્ષ થાય ત્યારે તેમને અધિકારીઓને સોંપી દેવા એકદમ જરૂરી છે અથવા તો શહેરી વિસ્તારોથી બહાર લઈ જવા જરૂરી છે.
આ નિયમ મુજબ માલિકોને મગર પાળવા માટે કોઈ વિશેષ શિક્ષણ અથવા જ્ઞાનની જરૂર નથી.
જોકે, ટૉમ હેસે કહ્યું, “મેં અને મારા પરિવારના બીજા સભ્યોએ આ વિસ્તારમાં રહેવાનો નિર્ણય કર્યો. કારણ કે આ વિસ્તારમાં તમે મગરના માલિક બની શકો છે અથવા તો મગરને બચાવી શકો છો.”
40 વર્ષીય ટૉમ હેસ પોતાના પિતા સાથે ઉત્તરી વિસ્તારનાં પ્રવાસ દરમિયાન મૅરી નદીમાં વિશાળ મગરોની સાથે માછલીઓ પકડવાનું અને મગર પાળવાનું સપનું જોતા મોટા થયા હતા.
ટૅટૂ બનાવનાર અને પોતાને સંરક્ષણવાદી ગણાવનાર ટૉમ હેસે બીબીસીને જણાવ્યું, “હું એ વ્યક્તિઓની માફક નથી જેને સપ્તાહના અંતમાં પોતાના મિત્રો સાથે બારબેક્યૂ માટે મગર જોઇએ. મારી ઇચ્છા હતી કે હું આ બીચારા પ્રાણીઓને અહીં લાવી શકું જેથી કરીને તેઓ પોતાનું જીવન જીવી શકે. આ પ્રાણીઓને ગોળી મારનારા લોકો વિશે ચિંતા કરવાની જરૂર ન પડે.”
તેઓ જ્યારે એક મગરને પોતાના ખોળામાં લઈ રહ્યા હતા ત્યારે જ ઉત્તરની ક્ષેત્રની સરકારે જાહેરાત કરી કે સરકાર હવે મગરને પાલતું પ્રાણી તરીકે રાખવા માટે કોઈ નવી પરવાનગી આપશે નહીં.
આ નિર્ણયે હેસને દુ:ખી કરી દીધા.
મગરને કેદમાં રાખવો કેટલો યોગ્ય?

ઇમેજ સ્રોત, Getty Images
ઑસ્ટ્રેલિયાના ઉત્તરના વિસ્તારના પર્યાવરણ મંત્રી કેટ વર્ડેને કહ્યું કે આ નિર્ણય “જાહેર પરામર્શ પછી” અને “વ્યક્તિગત સુરક્ષા અને પશુ કલ્યાણની ચિંતાને ધ્યાનમાં રાખીને” કરવામાં આવ્યો છે.
વર્તમાન પરવાનગીઓ યોગ્ય રહેશે. જોકે, પરવાનગીના હસ્તાંતરણની પરવાનગી આપવામાં આવશે નહીં.
વર્ડેને પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, “આપણે યાદ રાખવું જોઇએ કે મગર એક વિશાળ પ્રાણી છે અને તેને કેદમાં રાખવો યોગ્ય નથી.”
તેમણે આ સાથે એ વાત પર પણ ભાર મૂક્યો કે આ વિસ્તારમાં મગરો દ્વારા પોતાના માલિકો પર હુમલો કરવાના મામલાઓ પણ સામે આવ્યા છે.
આ નિયમોમાં ફેરફારની માંગણી કરી રહેલા પશુપ્રેમીઓ માટે આ એક મોટો વિજય છે.
વર્લ્ડ ઍનિમલ પ્રૉટેક્શનનાં ઓલિવિયા ચાર્લટનની દલીલ છે કે મગર રાખનારા કેટલાક લોકોની નિયત તો સારી હોઈ શકે છે, પરંતુ કોઇપણ જનાવર પોતાની જરૂરિયાતને કેદમાં સંતોષી ન શકે.
તેમણે પોતાના નિવેદનમાં કહ્યું, “70 વર્ષ સુધી જીવીત રહેતા આ મગરોને જંગલ જેવી જગ્યા અને સ્વતંત્રતા કેદમાં ન મળી શકે.”
આરએસપીસીએસ એનટીના ચાર્લ્સ ગિલિયમે કહ્યું, “હું માત્ર એક પશુ ડૉક્ટરને ઓળખું છું જે મગરો સાથે કામ કરવા માટે તૈયાર છે.”
જોકે, મગરના માલિકોનું કહેવું છે કે અમને ખબર ન હતી કે આ પ્રકારના ફેરફારો આવી રહ્યા છે અને અમે એ બાબતે ચિતિંત છીએ કે અમારા પાળેલા જનાવરોનું શું થશે?
હેસે કહ્યું, “મને નથી લાગતું કે તમે તમારી રાત પોતાના સાડા ચાર મીટરના મગર સાથે સોફા પર ટીવી જોતી વખતે ઝોકું ખાઈ શકો છો. તેમ છતાં પણ એક ભાવનાત્મક લાગણી તો હોય જ છે.”
હેસ આ મામલે આરોપ લગાવે છે કે સરકાર યોગ્ય પરામર્શથી બચવા માટે મોટાપાયે મગર પ્રબંધન યોજનામાં નવા નિયમો છુપાવી રહી છે.
પર્યાવરણ મામલે વિપક્ષી પાર્ટીના પ્રવક્તા જો હર્સીએ કહ્યું, “કન્ટ્રી લિબરલ પાર્ટી પરમિટ સિસ્ટમ પ્રમાણે પાળેલાં પ્રાણીઓ તરીકે મગરને રાખવાના ક્ષેત્રીય લોકોના અધિકારોનું સમર્થન કરે છે અને વાયદો કરે છે કે ચૂંટાયા બાદ પાર્ટી આ નિયમો પર વિચાર કરશે.”
બધી આશા ચૂંટણી પર જ કેમ છે?

ઇમેજ સ્રોત, Getty Images
હેસ અને સુલિવન બંનેએ કહ્યું કે પરવાનગીધારકો માટે વધારે શિક્ષણની જરૂરિયાતને સમર્થન કર્યું છે.
જોકે, બંનેએ એ દલીલોનો અસ્વીકાર કર્યો જેમાં કહેવામાં આવ્યું છે કે મગરને પાલતું જનાવર તરીકે રાખવા નુકસાનકારક છે. મગરની દેખભાળ કરવી આશ્ચર્યજનક રીતે સરળ છે.
સુલિવને કહ્યું, “જંગલોમાં તેમની પાસે એક પૂર વિસ્તાર હોય છે અને ત્યાં રહેવા માટે તેમને લડવું પડે છે. તેમણે ભોજન માટે હંમેશા શિકાર કરવો પડે છે. તેઓ હંમેશા પોતાના દુશ્મનોનો પીછો કરતા રહે છે. ત્યાં સુધી કે તેની પ્રેમિકાની ઠીક રાખવા માટે પણ પ્રયત્નો કરવા પડે છે. આ કારણે જંગલમાં જીવન ખૂબ જ કઠીન બને છે જ્યારે કેદમાં તેમને પાણી, સૂર્યપ્રકાશ, છાંયડો અને ભોજન સહિત બધું જ નિયમીતરૂપે મળે છે, જે તેને પસંદ છે.”
આ નિર્ણયને ખતમ કરવાનો નિર્ણય સુલિવન માટે યોગ્ય સમયે આવ્યો નથી. તેમણે ગયા વર્ષે પોતાના ઘરનાં પ્રાણીઓને વેચવા માટેની નોંધણી કરાવી હતી જેથી કરીને તેઓ ન્યૂઝીલૅન્ડમાં પોતાના સાથી સાથે રહી શકે.
નોંધણી કરાવ્યા બાદ તેમને આશા હતી કે તેમને સારા સ્વભાવવાળા કેટલાંક યુવાનો કે બાળકો મળી જશે જેઓ જંગલી પ્રાણીઓની સારસંભાળ કરી શકે.
જોકે, નિયમોમાં હાલમાં થયેલા ફેરફારે સુલિવનને એક વિચિત્ર પરિસ્થિતિમાં મુકી દીધા છે. જેમ કે તેમની પાસે 80 ઍકર જમીન અને 11 મગર તો છે, પરંતુ ટ્રાન્સફર માટે પરવાનગી નથી. તો આનો ઉકેલ શું?
તેમણે ઉમેર્યું કે એવી કોઈ શક્યતા નથી કે તેઓ પોતાના મગરને ઇચ્છામૃત્યુ આપીને મરવા દેશે. “મારે હવે મર્યા સુધી અહીં જ રહેવું પડશે અથવા જ્યાં સુધી નિયમ ન બદલાય ત્યાં સુધી.”
સુલિવનની બધી જ આશા સ્થાનિક ચૂંટણી પર ટકેલી છે. તેમણે લાગે છે કે આ મુદ્દો મતદારોને અસર કરશે.
જોકે, હેસ આ વાત માનતા નથી. તેમણે કહ્યું ચૂંટણીમાં બીજા ઘણા મુદ્દાઓ છે જેના આધારે મત આપવાનો નિર્ણય કરવો જોઇએ.
જોકે, તેઓ આશાવાદી છે અને આશા રાખે છે કે એક દિવસ બંને પાર્ટીઓને આ વાતની સમજણ આવશે કે આ એક રીતે જીવન જીવવાની રીત પર હુમલો છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












