ઇસ્લામાબાદની 'જિહાદ ફૅક્ટરી' મનાતી લાલ મસ્જિદમાં પાકિસ્તાની સૈન્યના ઑપરેશનની દિલધડક કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી હિન્દી માટે
ઇસ્લામાબાદની લાલ મસ્જિદમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓએ 2007ની ત્રીજી જુલાઈએ નજીકની એક ઑફિસ પર હુમલો કર્યો ત્યારે હિંસાની શરૂઆત થઈ હતી. એ દરમિયાન ત્યાં તહેનાત પોલીસ કર્મચારીઓ સાથે ઘર્ષણ થયું હતું.
પોલીસે વિદ્યાર્થીઓને વિખેરવા માટે ટીયરગૅસના શેલ્સ છોડ્યા હતા. લાલ મસ્જિદને ઘેરીને ઉભેલા વિદ્યાર્થીઓએ તેનો જવાબ ઑટોમેટિક હથિયારોમાંથી ગોળીબાર કરીને આપ્યો હતો. તેમાંથી એક ગોળી લાન્સ નાયક મુબારિક હુસેનને લાગી હતી અને તેમનું મૃત્યુ થયું હતું.
લાલ મસ્જિદનું નિર્માણ 1965માં થયું હતું. કેટલાક લોકો માને છે કે તેની દિવાલો લાલ રંગથી રંગાયેલી હોવાને કારણે તેનું નામ લાલ મસ્જિદ રાખવામાં આવ્યું હતું, પરંતુ કેટલાક અન્ય લોકો માને છે કે મસ્જિદનું નામ આદરણીય સિંધી સૂફી સંત લાલ મહારાજ કલંદરના નામ પરથી રાખવામાં આવ્યું હતું.
આ મસ્જિદ શરૂઆતથી જ કરાચીના કટ્ટરપંથી ધાર્મિક વિચારક જામિયા બિનોરિયાના કાર્યકલાપોનું કેન્દ્ર બની રહી હતી.
તેને પાકિસ્તાનની ‘જિહાદ ફૅક્ટરી’ નામ આપવામાં આવ્યું હતું, કારણ કે જૈશ-એ-મોહમ્મદના સ્થાપક મૌલાના મસૂદ અઝહર જેવા અનેક કટ્ટરપંથી નેતાઓ અને પાકિસ્તાન તાલિબાનના કમાન્ડર અબ્દુલ્લાહ મહસૂદ અહીંથી જ બહાર પડ્યા હતા.
લાલ મસ્જિદના પ્રમુખ મૌલાના અબ્દુલ્લાહની 1998માં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૌલાનાની હત્યા પછી તેમના બન્ને દીકરાઓ મૌલાના અબ્દુલ અઝીઝ અને અબ્દુલ રશીદ ગાઝી ચર્ચામાં આવ્યા હતા.
ગાઝીની ઓસામા બિન લાદેન સાથે મુલાકાત

ઇમેજ સ્રોત, Getty Images
અબ્દુલ અઝીઝ તેમના પિતાના આજ્ઞાકારી દીકરા હતા. તેથી તેમણે બાળપણથી જ ધર્મનો માર્ગ પસંદ કર્યો હતો.
રાશિદ બાળપણથી જ વિદ્રોહી હતા. તેઓ પશ્ચિમી વસ્ત્રો પહેરતા હતા. તેમણે ઇસ્લામાબાદની કાયદે આઝમ યુનિવર્સિટીમાંથી ઇન્ટરનેશનલ રિલ રિલેશન્શમાં માસ્ટર્સ ડિગ્રી પ્રાપ્ત કરી હતી. બાદમાં તેઓ યુનૅસ્કોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર બન્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પિતા મૌલાના અબ્દુલ્લાહ પુત્ર રાશિદથી એટલા ખિન્ન થયા હતા કે તેમણે તેમની વસિયતમાં તેમના મોટા દીકરાને પોતાની સંપૂર્ણ સંપત્તિનો વારસદાર જાહેર કર્યો હતો. 1998માં મૌલાના અબ્દુલ્લાહની હત્યા કરવામાં આવી અને તેમના હત્યારાઓને કોઈ સજા ન થઈ ત્યારે રાશિદનું જીવન એક રીતે બદલાઈ ગયું.
તેઓ એકદમ ધાર્મિક થઈ ગયા હતા અને લાલ મસ્જિદના વહીવટમાં પોતાના ભાઈ મૌલાના અબ્દુલ અઝીઝને મદદ કરવા લાગ્યા હતા.
રાશીદ ગાઝીએ દાઢી વધારી દીધી અને પાંચેય સમયની નમાઝ પઢવા લાગ્યા હતા. તેમણે ઇમામ બનવાની કોઈ ઔપચારિક તાલીમ લીધી ન હતી, પરંતુ વિશ્લેષણાત્મક કૌશલ્ય, મૃદુભાષી વ્યક્તિત્વ અને અંગ્રેજી બોલવાની ક્ષમતાને કારણે તેઓ લાલ મસ્જિદનો જાહેર ચહેરો બની ગયા હતા.
બ્રિટનના ગાર્ડિયન અખબારમાં 2007ની 20 માર્ચે પ્રકાશિત ‘ધ બિઝનૅસ ઇઝ જેહાદ’ શિર્ષક હેઠળના લેખમાં ડિલન વોલ્શે લખ્યું હતું, “રાશિદે દાવો કર્યો હતો કે તેઓ તેમના પિતા સાથે કંધારમાં ઓસામા બિન લાદેનને મળ્યા હતા. બેઠક પછી તેમણે એ જ ગ્લાસ ઉઠાવીને પાણી પીધું હતું, જે ગ્લાસમાંથી લાદેને પાણી પીધું હતું.
લાદેને સ્મિત કરતાં તેમને પૂછ્યું હતું કે તમે આવું શા માટે કર્યું?
ગાઝીએ જવાબ આપ્યો હતો, અલ્લાહ મને પણ તમારા જેવો બહાદુર બનાવી દે એટલા માટે મેં તમારા ગ્લાસમાંથી પાણી પીધું. ”
ચીની મસાજ સૅન્ટર પર હુમલો
11 સપ્ટેમ્બરના હુમલા પછી પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે અમેરિકાને સાથ આપવાનો નિર્ણય કર્યો ત્યારે લાલ મસ્જિદે તેનો જોરદાર વિરોધ કર્યો હતો.
લાલ મસ્જિદે માર્ચ, 2004માં એક ફતવો બહાર પાડ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે અલ-કાયદા વિરુદ્ધની લડાઈમાં મૃત્યુ પામનાર પાકિસ્તાની સૈનિકોને ઇસ્લામી રીતે દફનાવવાનો મુસલમાનો ઇનકાર કરે.
પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓને એવી માહિતી પણ મળી હતી કે કબીલાઈ વિસ્તારોમાં પાકિસ્તાની સૈન્ય સામે લડવા જતાં પહેલાં ઉગ્રવાદીઓ લાલ મસ્જિદનો ઉપયોગ ટ્રાન્ઝિટ પૉઇન્ટની માફક કરતા હતા.
લાલ મસ્જિદમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના એક જૂથે જૂન, 2007માં એક ચીની મસાજ પાર્લર અને ઍક્યુપંક્ચર સૅન્ટર પર હુમલો કર્યો હતો. એ હુમલામાં 10 બુરખાધારી છોકરીઓ પણ સામેલ હતી.
તેમણે ત્રણ સલામતી રક્ષકો પર નિયંત્રણ મેળવીને સાત ચીની કર્મચારીઓને તેમના ગ્રાહકો સાથે જામિયા હફ્ઝા મદરસા આવવા મજબૂર કર્યા હતા.
એ પછી લાલ મસ્જિદના પ્રવક્તાએ એક પત્રકારપરિષદ યોજીને કહ્યું હતું, “તે મસાજ સૅન્ટરનો ઉપયોગ વેશ્યાલયની જેમ કરવામાં આવતો હતો. અમારી ચેતવણી છતાં વહીવટીતંત્રે કોઈ કાર્યવાહી ન કરી ત્યારે અમારે આ પગલું લેવું પડ્યું હતું.”
ઍન્ડ્રુ સ્માલે તેમના પુસ્તક ‘ધ ચાઇના-પાકિસ્તાન ઍક્સિસ, એશિયાઝ ન્યૂ જિયૉ-પોલિટિકસ’માં લખ્યું છે, “ચીનીઓનું અપહરણ એક રીતે વ્યૂહાત્મક લક્ષ્મણરેખાને પાર કરવા જેવું હતું.
તેનાથી બેઇજિંગ ગુસ્સે થાય તે દેખીતું હતું. ચીની સમાજ વગદાર વર્ગે તેને કૉમ્યુનિસ્ટ પાર્ટીની હિંમતની પરીક્ષા ગણી હતી.
ચીનમાં સવાલ કરવામાં આવ્યા હતા કે પાકિસ્તાન પોતાની રાજધાનીમાં સાત ચીની નાગરિકોનું અપહરણ કેવી રીતે થવા દઈ શકે? પાકિસ્તાનમાં મોટાભાગના લોકો અંદાજ ન હતો કે રાષ્ટ્રપતિ હુ જિન્તાઓ પાકિસ્તાનમાંના ચીની રાજદ્વારી અધિકારીઓ પાસેથી આ મુદ્દે સતત બ્રીફિંગ લઈ રહ્યા હતા.”
મુશર્રફે માંગવી પડી માફી

ઇમેજ સ્રોત, Reuters
ઇસ્લામાબાદમાં ચીનના રાજદૂતે ગાઝી સાથે ટેલિફોન પર વાત કરી. એ પછી બન્ને પક્ષો વચ્ચે ટેલિફોન પર પાંચ કલાક સુધી વાત થઈ હતી. તેમાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે પણ ભાગ લીધો હતો.
આ પ્રકારના મસાજ પાર્લર્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે, એવી ખાતરી ગાઝીને આપવામાં આવી એ પછી ચીની બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા.
જોકે, ગાઝીએ એમ કહ્યું હતું કે અમે પાકિસ્તાન-ચીનની દોસ્તીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો છે. ચીની મહિલાઓને બુરખા પહેરાવાની મદરેસામાંથી બહાર લાવવામાં આવી હતી.
ચીની અખબાર શાંઘાઈ ડેઈલીએ લખ્યું હતું, “ચીનની જાહેર સલામતી પ્રધાન અને પાકિસ્તાનના ગૃહ પ્રધાન વચ્ચેની 27 જૂનની મુલાકાતના થોડા દિવસોમાં જ મુશર્રફે લાલ મસ્જિદમાંથી ઉગ્રવાદીઓને બહાર કાઢવા માટે ઑપરેશન સાઇલન્સનો આદેશ આપ્યો હતો. એ પછી તેનું નામ બદલીને ઑપરેશન સનરાઇઝ કરવામાં આવ્યું હતું.”
બાદમાં મુશર્રફે સ્પષ્ટતા કરી હતી કે “લાલ મસ્જિદ પર હુમલો કરવાનો આદેશ મારે આપવો પડ્યો, કારણ કે મારે અંગત રીતે શરમ અનુભવવી પડી હતી અને ચીનની માફી માંગવી પડી હતી.”
શરણે આવવા માટે રૂપિયાની લાલચ

ઇમેજ સ્રોત, Getty Images
સલામતી દળોએ 2007ની ત્રીજી જુલાઈએ લાલ મસ્જિદને ચારે તરફથી ઘેરી લીધી હતી. પાકિસ્તાની સરકારે તમામ ડૉક્ટર્સને હૉસ્પિટલમાં હાજર રહેવાનો આદેશ આપ્યો અને ઍરપૉર્ટ પર ઍલર્ટ રહેવાના આદેશ મળવા લાગ્યા ત્યારે એવું લાગતું હતું કે સલામતી દળો લાલ મસ્જિદમાં ઘૂસવાની તૈયારી કરી રહ્યાં છે.
સમગ્ર વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો અને સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે આવું લોકોની ભલાઈ માટે કરવામાં આવી રહ્યું છે.
અબ્દુલ અઝીઝનાં પત્ની ઉમ્મે હસને ધમકી આપી હતી કે સરકાર બળપ્રયોગ કરશે તો અમે આત્મઘાતી બૉમ્બનો ઉપયોગ કરીશું. એ દરમિયાન લોકોમાં ઉગ્રવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ ઊભી થવા લાગી હતી.
ઍડમ ડૉલનિક અને ખર્રમ ઇકબાલે તેમના પુસ્તક ‘નૅગોશિયૅટિંગ ધ સીઝ ઑફ લાલ મસ્જિદ’માં લખ્યું છે, “જાનહાનિ ઘટાડવા માટે સરકારે વચન આપ્યું હતું કે જેઓ શસ્ત્રો વિના મસ્જિદમાંથી બહાર આવશે તેમને માફી તેમજ રૂ. 5,000 રોકડા આપવામાં આવશે.
એટલું જ નહીં. તેમને વધુ સારી સ્કૂલમાં પ્રવેશ અપાવવાનું વચન પણ આપવામાં આવ્યું હતું. એ માટે સાડા અગિયાર વાગ્યાની મર્યાદા નક્કી કરવામાં આવી હતી. તેને લાઉડ સ્પિકર પર જાહેરાત કરીને અનેકવાર લંબાવવામાં આવી હતી, જેથી વધુને વધુ લોકો શરણે આવી શકે.
સાંજ થતા સુધીમાં લગભગ 1,100 વિદ્યાર્થીઓ મસ્જિદની બહાર આવી ગયા હતા. શરણે આવેલા લોકોમાં બુરખાધારી 200 છોકરીઓ પણ હતી.”
ગાઝી બંધુઓને માફી આપવાનો સરકારનો ઇનકાર

ઇમેજ સ્રોત, Getty Images
ઉગ્રવાદીઓ પર દબાણ વધારવા માટે થોડી-થોડી વારે મસ્જિદ ઉપર હેલિકૉપ્ટર ચક્કર મારતા રહ્યાં હતાં. રાતે મસ્જિદનો વીજપુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો. સલામતી દળોએ ઉગ્રવાદીઓને બહાર કાઢવા માટે ટીયરગૅસના શેલ્શ છોડ્યા હતા, જેનો જવાબ તેમને ગોળીબાર મારફત આપવામાં આવ્યો હતો.
સાંજ થતાંની સાથે જ ગાઝી બંધુઓ થોડા નરમ પડવા લાગ્યા હતા. રાશિદ ગાઝીએ સંદેશો મોકલ્યો હતો કે તેઓ સૈન્ય સામે નહીં, પરંતુ ધાર્મિક ઉલેમાઓ સામે આત્મસમર્પણ કરશે.
તેમણે એવી માંગ પણ કરી હતી કે તેમને રાજનપુર જિલ્લામાંના તેમના ગામમાં સલામત રીતે જવા દેવામાં આવે. સરકારે સ્પષ્ટ કર્યુ હતું કે પોતાના દેશની રાજધાનીમાં જ સરકાર સામે પડકાર ફેંકવા બદલ ગાઝી બંધુઓએ કાયદાનો સામનો કરવો પડશે.
એટલું જ નહીં, એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે તેમને માફ કરવામાં આવશે નહીં અને તેમના પર આતંકવાદ, સલામતી દળના એક જવાનની હત્યા અને ચીની નાગરિકોના અપહરણ બદલ કેસ ચલાવવામાં આવશે.
બુરખો પહેરીને ભાગી રહેલા અબ્દુલ અઝીઝ પકડાયા

ઇમેજ સ્રોત, Getty Images
ત્રીજા દિવસે બુરખો પહેરીને ભાગી રહેલા મૌલાના અબ્દુલ અઝીઝને પકડી પાડવામાં આવ્યા હતા.
પાકિસ્તાનના 'ડૉન' અખબારે 2007ની પાંચમી જુલાઈના અંકમાં ‘ચીફ ક્લૅરિક હૅલ્ડ’ મથાળા હેઠળ પ્રકાશિત કરેલા એક સમાચારમાં જણાવવામાં આવ્યુ હતું, “એક મહિલા કૉન્સ્ટેબલને શંકા પડી ત્યારે અબ્દુલ અઝીઝ પકડાઈ ગયા હતા. બુરખો પહેરીને અબ્દુલ અઝીઝ સાથે ચાલી રહેલી છોકરીઓએ કોન્સ્ટેબલને કહ્યું હતું, આમની તલાશી લેશો નહીં, એ અમારાં કાકી છે.
કથિત કાકીને બુરખો ઉઠાવવા માટે કહેવામાં આવ્યું હતું. નકાબ હટાવવામાં આવ્યો ત્યારે ખબર પડી હતી કે એ તો લાલ મસ્જિદના વડા મૌલાના અઝીઝ હતા. બાદમાં એક પોલીસ અધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું કે અઝીઝ કદાચ તેમના કદ અને સ્થૂળતાને કારણે પકડાઈ ગયા હતા.”
હિંસાત્મક પ્રતિરોધમાં વિશ્વાસ ધરાવતો હોય અને ઇસ્લામી દેશ માટેની ઝૂંબેશમાં 'શહીદ' થવાની હિમાયત કરતો હોય તેવા કોઈ પણ ધાર્મિક ઉગ્રવાદી માટે આ પ્રકારે બુરખો પહેલીને સંઘર્ષથી ભાગવાનો પ્રયાસ કરવો તે બહુ અપમાનજનક હતું.
ઘરપકડ કર્યા પછી મૌલાનાને પાકિસ્તાન ટીવીના વડામથકે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમની મુલાકાત ધાર્મિક મામલાઓના પ્રધાન એઝાઝ ઉલ હક સાથે થઈ હતી.
મૌલાનાએ પોતાને મુક્ત કરવાની વિનંતી હકને કરી હતી. એઝાઝ ઉલ હકે તેમને જણાવ્યું હતું કે તમે તમારા ભાઈ અને બીજા લોકોનું આત્મસમર્પણ કરાવશો તો તમને મુક્ત કરવા બાબતે વિચાર કરીશું.
ઍડમ ડૉલનિક અને ખુર્રમ ઇકબાલ લખે છે, “ટેલિવિઝન પરના લાઇવ ઇન્ટરવ્યૂમાં મૌલાના અઝીઝને પહેરવા માટે બુરખો આપવામાં આવ્યો હતો. પછી તેમને કૅમેરાની સામે બુરખો ઉતારવા કહેવામાં આવ્યું હતું. મસ્જિદમાંથી ભાગવા માટે તમે આટલો શરમજનક માર્ગ શા માટે પસંદ કર્યો એવું પૂછવામાં આવ્યું ત્યારે મૌલાનાએ જણાવ્યું હતું કે ઇસ્લામમાં તેની છૂટ છે અને આવું કરવા બદલ તેઓ કોઈ શરમ અનુભવતા નથી.”
ટીવી પર મૌલાનાની આવી મશ્કરી થતી જોઈને મસ્જિદમાં રહેલા ઉગ્રવાદીઓએ બહાર ન નીકળવાનો નિર્ણય કર્યો હતો. તેમને ડર હતો કે તેમની સાથે પણ એવો જ વ્યવહાર કરવામાં આવશે.
મુશર્રફના હેલિકૉપ્ટર પર ગોળીબાર

ઇમેજ સ્રોત, Getty Images
એ દરમિયાન સલામતી દળોએ નિયંત્રિત વિસ્ફોટ કરીને લાલ મસ્જિદની બહારની દિવાલોમાં બાકોરું પાડવાનું શરૂ કરી દીધું હતું. કેટલાક ઉગ્રવાદીઓએ અડધી રાતે દિવાલ કૂદીને ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને પકડી પાડવામાં આવ્યા હતા. અંદરથી સલામતી દળો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેનો જવાબ સલામતી દળોએ એટલી જ ઝડપથી આપ્યો હતો.
ઉગ્રવાદીઓએ રૉકેટ પ્રૉપેલ્ડ ગ્રૅનેડ ફેંક્યા અને સૈનિકોએ હેલિકૉપ્ટરમાંથી નીચે ગોળીબાર કર્યો. ચોથા દિવસે સવારે સવા દસે ઉગ્રવાદીઓએ રાષ્ટ્રપતિ મુશર્રફની હત્યાનો પ્રયાસ કર્યો હતો.
ડૅઇલી ટાઇમ્સના 2007ની સાતમી જુલાઈના અંકમાં પ્રકાશિત એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું, “મુશર્રફના વિમાને ચકલાતા હવાઈ મથકેથી ઉડાન ભરી ત્યારે નીચેથી મશીનગન મારફત 36 રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. એ ગોળીબાર ચકલાતા હવાઈમથકથી થોડે દૂર આવેલા બે માળના એક મકાનની છત પરથી કરવામાં આવ્યો હતો. સલામતીદળોએ મકાનમાલિક મોહમ્મદ શરીફની ધરપકડ કરીને તેના ઘરને સીલ કરી દીધું હતું.”
સલામતી દળોએ લાલ મસ્જિદનો ઘેરાવ બીજા દિવસે પણ ન હટાવ્યો ત્યારે અબ્દુલ રશીદ ગાઝીએ જાહેરાત કરી હતી કે તેઓ આત્મસમર્પણ કરવાને બદલે મરવાનું પસંદ કરશે. એ દરમિયાન સલામતી દળોએ લાલ મસ્જિદની ગૅસસપ્લાય પણ કાપી નાખી હતી. સાત જુલાઈએ મસ્જિદમાં રાશન અને હથિયારોની અછત સ્પષ્ટ દેખાવા લાગી હતી, પરંતુ અંદર રહેલા ઉગ્રવાદીઓ હથિયાર હેઠાં મૂકવા તૈયાર ન હતા.
એસએસજી કમાન્ડર કર્નલ હારુન માર્યા ગયા
રાતે 1.18 વાગ્યે સલામતી દળોએ ત્રણ મોટા વિસ્ફોટ કર્યા હતા. તેનાથી મસ્જિદની બહારની દિવાલનો કેટલોક હિસ્સો નષ્ટ થઈ ગયો હતો. એ પછી થયેલા ગોળીબારમાં મૌલાના અબ્દુલ અઝીઝનો દીકરો ઘાયલ થયો હતો અને સ્પેશિયલ સર્વિસિસ ગ્રૂપ(એસએસજી)ના કમાન્ડર લેફ્ટનન્ટ કર્નલ હારુન ઇસ્લામને પણ ગોળી વાગી હતી. તેમને એક સ્થાનિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સાંજે તેમનું મૃત્યુ થયું હતું.
ઇસ્લામ ઉપર એક મિનારા પરથી નિશાન લઈને ગોળીબાર કરવામાં આવ્યો હતો. કર્નલ હારુન રાષ્ટ્રપતિ મુશર્રફના નજીકના દોસ્ત હતા. તેમની હત્યાથી મુશર્રફ રોષે ભરાયા હતા અને તેમણે મસ્જિદની અંદર હુમલો કરવાનો નિર્ણય કરી લીધો હતો.
લાલ મસ્જિદ પર ત્રણ તરફથી હુમલો
નવમી જુલાઈએ બંદૂકો થોડીવાર માટે શાંત થઈ હતી. એ દરમિયાન સરકાર અને ઉલેમાઓની 12 સભ્યોની ટીમે ગાઝી સાથે સામસામે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પ્રયાસ સફળ થયો ન હતો.
દસ જુલાઈની સવારે ચાર વાગ્યે રાષ્ટ્રપતિની લીલી ઝંડી મળતાંની સાથે જ એસએસજીના કમાન્ડોએ મસ્જિદ પર ત્રણ બાજુથી હુમલો કર્યો હતો. મસ્જિદની છત પર રેતીના કોથળા પાછળ છૂપાયેલા ઉગ્રવાદીઓએ સલામતી દળો પર જોરદાર ગોળીબાર શરૂ કર્યો હતો, જેને કારણે સૈનિકોના આગળ વધવાની ગતિ ધીમી પડી ગઈ હતી.
ઉગ્રવાદીઓએ પેટ્રોલ બૉમ્બ ફેંકીને મસ્જિદને આગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો, જેથી સૈનિકો આગળ વધતા અટકી જાય. પાકિસ્તાની સૈન્યના પ્રવક્તા જનરલ વહીદ અરશદે બીબીસીને જણાવ્યું હતું કે શસ્ત્રસજ્જ ઉગ્રવાદીઓ મહિલાઓ અને બાળકોનો ઉપયોગ માનવ કવચ તરીકે કરીને મસ્જિદના ભોંયરામાં ચાલ્યા ગયા હતા.
જિયૉ ટીવીને નવમી જુલાઈએ આપેલી પોતાની અંતિમ મુલાકાતમાં અબ્દુલ રશીદ ગાઝીએ કહ્યું હતું, “સરકાર તેની સંપૂર્ણ તાકાતનો ઉપયોગ કરી રહી છે. મારું મોત નક્કી છે. અમે હજુ પણ પાકિસ્તાની સૈનિકોને ટક્કર આપી રહ્યા છીએ, પરંતુ હવે અમારી પાસે માત્ર 14 એકે-47 રાઇફલ્સ બચી છે.”
ગાઝીનું મોત
સાંજે સાત વાગ્યે ગોળી વાગવાને કારણે ગાઝીનું મોત થયું હતું. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, ગાઝી હથિયાર હેઠાં મૂકી રહ્યા હતા ત્યારે તેમના જે સાથીઓ એવું થવા દેવા ઇચ્છતા ન હતા તેમણે જ ગાઝીની ગોળી મારીને હત્યા કરી હતી.
પાકિસ્તાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તા જાવેદ ઇકબાલ ચીમાએ કહ્યું હતું, “છોકરીઓને મદરેસામાંથી ઉગ્રવાદીઓને બહાર કાઢતી વખતે ગાઝીને ગોળી વાગી હતી. તે ભોંયરામાં જોવા મળ્યો હતો. તેને બહાર આવવા કહેવામાં આવ્યું હતું. તે બહાર તો આવ્યો, પરંતુ તેની સાથેના ચાર-પાંચ ઉગ્રવાદીઓ સલામતી દળો પર સતત ગોળીબાર કરતા રહ્યા હતા. સલામતી દળોએ તેના જવાબમાં ગોળીબાર કર્યો ત્યારે ક્રૉસ ફાયરમાં ગાઝીનું મોત થયું.”
આ ઑપરેશનનો અહેવાલ આપતાં 'વૉશિંગ્ટન પૉસ્ટ' અખબારે લખ્યું હતું, “મૃતકોની કુલ સંખ્યા 80થી વધારે હતી.”
વડાપ્રધાન શૌકત અઝીઝે કહ્યુ હતું, “164 કમાન્ડોએ લાલ મસ્જિદને ઘેરાબંધી કરી હતી. તેમાંથી 10 કમાન્ડો માર્યા ગયા હતા અને અન્ય 33 ઘાયલ થયા હતા.”
અધિકારીઓએ જણાવ્યું હતું કે 11 જુલાઈએ મસ્જિદમાંથી 73 મૃતદેહો ખોળી કાઢવામાં આવ્યા હતા. એ બધા ઉગ્રવાદીઓના હતા. ઑપરેશન સમાપ્ત થયાના 48 કલાક બાદ પાકિસ્તાની સૈન્ય મીડિયાને લાલ મસ્જિદ અને જામિયા હફ્સાની અંદર લઈ ગયું હતું, જ્યાં તેમણે મોટી સંખ્યામાં જપ્ત કરેલા રૉકેટ, લૅન્ડમાઇન, સ્યૂસાઇડ બૅલ્ટ્સ, લાઇટ મશીનગન્સ, કાલાશનિકોવ રાઇફલ્સ, રિવૉલ્વર્સ અને ગોળીઓનો જથ્થો દેખાડ્યો હતો.
જાવિદ હુસૈને તેમના પુસ્તક ‘ધ સ્કૉર્પિયન્સ ટેલ’માં લખ્યું છે, “મસ્જિદની અંદરનું દૃશ્ય બિલકુલ લડાઈના મેદાન જેવું હતું.
રશીદ અને તેમના અડધો ડઝન સાથીઓ જ્યાંથી તેમની છેલ્લી લડાઈ લડ્યા હતા તે ભંડકિયાની દિવાલો કાળી થઈ ગઈ હતી. હવામાં લાશોની દુર્ગંધ ફેલાયેલી હતી.
છોકરીઓના મદરેસાના બારી વિનાના ઓરડામાં એક સૂસાઇડ બૉમ્બરે પોતાની જાતને ફૂંકી મારી હતી. એ ઓરડામાં હાજર લોકો એટલી ખરાબ રીતે દાઝી ગયા હતા કે તેમની ઓળખ કરી શકાઈ ન હતી. સૂસાઈડ બૉમ્બરનું કપાયેલું માથું જમીન પર પડ્યું હતું. ”
ઑપરેશન બ્લૂસ્ટાર સાથે સરખામણી

ઇમેજ સ્રોત, Getty Images
આ ઑપરેશનની સરખામણી ભારતીય સૈન્યના 1984ના ઑપરેશન બ્લૂસ્ટાર સાથે કરવામાં આવી હતી. ઑપરેશન બ્લૂસ્ટારમાં ભારતીય સૈન્ય સુવર્ણમંદિરમાં છૂપાયેલા શીખ ઉગ્રવાદીઓ પર ત્રાટક્યું હતું.
શીખોના પવિત્ર ધર્મસ્થળ પર થયેલા હુમલાથી, સમગ્ર વિશ્વમાં ફેલાયેલા શીખ સમુદાયની લાગણી ઘવાઈ હતી અને તેના પરિણામસ્વરૂપે તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીની હત્યા થઈ હતી.
લાલ મસ્જિદ ઑપરેશનની તુલના 1979માં મક્કામાં બનેલી ઘટના સાથે પણ કરવામાં આવી હતી. એ વખતે ઉગ્રવાદીઓએ મુસ્લિમોના સૌથી પવિત્ર સ્થળ પર બે સપ્તાહ સુધી કબજો જમાવ્યો હતો. તેમાં સેંકડો લોકો મૃત્યુ પામ્યા હતા અને મસ્જિદને બહુ નુકસાન થયું હતું.
તે હુમલાનું દૂરગામી પરિણામ પાકિસ્તાનમાં જોવા મળ્યું હતું.
લગભગ 20,000 કબાઇલીઓએ હાથમાં રાઇફલો પકડીને મુશર્રફ અને અમેરિકા મુર્દાબાદના નારા પોકારતાં 12 જુલાઈએ વિરોધપ્રદર્શન કર્યું હતું.
17 જુલાઈએ ઉત્તર વઝીરિસ્તાનમાં સૈન્યના એક કાફલા પર આત્મઘાતી બૉમ્બહુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 24 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા.
તાલિબાને પાકિસ્તાનના શહેરી વિસ્તારોને પોતાનું નિશાન બનાવવાનું શરૂ કરી દીધું હતું. એ વખતે અલ-કાયદાના બીજા સૌથી મોટા નેતા અયમન અલ-ઝવાહરીએ પાકિસ્તાનીઓને હાકલ કરી હતી કે તેઓ લાલ મસ્જિદ પરના હુમલા અને ત્યાં 'શહીદ' થયેલા લોકોની કુરબાનીનો બદલો લે.
આખરે સપ્ટેમ્બર, 2007માં ઓસામા બિન લાદેને પણ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું, “અમે ગાઝી અને તેની સાથે મૃત્યુ પામેલા લોકોના લોહીનો બદલો મુશર્રફ અને તેના સાથીઓની હત્યાથી લઈશું.”
પાકિસ્તાનમાં ઉગ્રવાદી હિંસામાં અચાનક વધારો થયો હતો અને સમગ્ર દેશ તેની પકડમાં આવી ગયો હતો.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)















