વડોદરા : 'ક્યારેય આવું પૂર જોયું નથી, ત્રણ દિવસથી પાણી ભરાયેલું છે', શહેરમાં ભયાનક પૂરની સ્થિતિ કેમ સર્જાઈ?

વડોદરામાં વરસાદની પરિસ્થિતિ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ મંગળવારે જે માહિતી આપી હતી તે અનુસાર વિશ્વામિત્રી નદીમાં પાણીનું લેવલ 37 ફૂટની આસપાસ છે.

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ વડોદરામાં થઈ છે. શહેરનો મોટો ભાગ પાણીમાં ગરકાવ છે.

48 કલાકથી અનરાધાર વરસાદ અને વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા વડોદરા શહેર બેટમાં ફેરવાઈ ગયું છે.

વડોદરાથી બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર રાજીવ પરમાર અનુસાર શહેરના કેટલાક વિસ્તારોમાં કમર સુધી તો કેટલાક વિસ્તારમાં પાંચ ફૂટ સુધી પાણી ભરાઈ જતા લોકો ઘરમાં ફસાઈ ગયા હતા.

વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે સતત વરસાદ અને આજવા ડેમમાંથી પાણી છોડવાને કારણે વિશ્વામિત્રી નદીના સ્તર વધ્યા હતા અને શહેરના કેટલાક વિસ્તારોમાં પાંચ ફૂટથી પણ વધારે પાણી ભરાયાં છે.

વડોદરા શહેરમાં ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર શહેર જળમગ્ન થતા દિવસભર રેસ્ક્યુ ઑપરેશન ચલાવવામાં આવ્યું હતું. કેટલાક વિસ્તારોમાં એટલું પાણી હતું કે રેસ્ક્યુ ટીમને પહોંચવામાં તકલીફ પડી હતી.

વડોદરા મહાનગરપાલિકા અનુસાર 5500 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી 1200 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.

વડોદરામાં બીબીસી સહયોગી રાજીવ પરમારે જણાવ્યું કે શેહરના મુખ્ય રસ્તાઓ પર ગળાડૂબ પાણી છે. વિશ્વામિત્રી નદીના પાણી વડોદરા શહેરમાં ફરી વળતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

રાજીવ પરમારે જણાવ્યું કે, "કારેલી બાગ, વુડા (વડોદરા અર્બન ડેવલ્પમેન્ટ ઑથોરિટી) સર્કલ, સામ્રાજ્ય બિલ્ડિંગ, સામ ગામ અને સયાજીગંજ વિસ્તારમાં પાંચ ફૂટથી વધુ પાણી છે. અહીં લોકો ઘરની બહાર નીકળી શકતા નથી. શહેરના દરેક બ્રિજમાંથી વિશ્વામિત્રી નદીનું પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે. શહેરના અરણ્ય કૉમ્પલેક્સમાં પ્રથમ માળ સુધી પૂરનાં પાણી પહોંચી ગયાં છે."

અત્રે નોંધનીય છે કે સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન ખોરંભે ચઢી ગયું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં નદીઓ ઓવરફ્લો થઈ રહી છે.

14 ઈંચ વરસાદ અને ડેમમાંથી પાણી છોડાતા શહેરમાં પૂર

સતત વરસાદ અને આજવા ડેમમાંથી પાણી છોડવાના કારણે વડોદરા શહેરમાં ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ છે.

ઇમેજ સ્રોત, RAJIV PARMAR

ઇમેજ કૅપ્શન, સતત વરસાદ અને આજવા ડેમમાંથી પાણી છોડવાના કારણે વડોદરા શહેરમાં ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ છે.

વરસાદ અને ત્યારબાદ આજવા ડેમમાંથી પાણી છોડવામાં આવતા સમગ્ર વડોદરા શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી.

રાજીવ પરમાર કહે છે, "રવિવાર સાંજથી વરસાદ શરૂ થયો અને ધીમે-ધીમે તેની તીવ્રતા વધતી ગઈ. ભારે વરસાદના કારણે સોમવાર મોડી રાત્રે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. ઉપરવાસમાં પણ ભારે વરસાદ થતા આજવા ડેમમાં પાણીની આવક વધવા લાગી હતી. સાવચેતીના ભાગરૂપે રવિવાર મોડી રાત્રે ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું હતું."

"ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું તેના કારણે વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધવા લાગ્યું હતું. મંગળવાર બપાર સુધીમાં સમગ્ર શહેરમાં વિશ્વામિત્રીનું પાણી પ્રવેશ કરી ગયું હતું. ભારે વરસાદ અને પૂરના પાણીના કારણે વડોદરા શહેરમાં ભયાનક પૂર આવ્યું હતું. હજુ પણ શહેરમાં પરિસ્થિતિ ખરાબ છે."

પૂર આવે ત્યારે શું કરવું

વડોદરામાં સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા જણાવ્યું, "બે દિવસમાં વડોદરા શહેરમાં 14 ઇંચ કરતા વધુ વરસાદ થયો છે અને આજવા ડેમમાંથી પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રીનું જળસ્તર પણ વધ્યું છે. હાલ નદીના કિનારામાં આવેલી દરેક સોસાયટીમાં પાણી ભરાઈ ગયું છે. આજવા ડેમ અને પ્રતાપપુરા સરોવારમાંથી પાણી છોડવામાં આવતા વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે."

વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ મંગળવારે જે માહિતી આપી હતી તે અનુસાર વિશ્વામિત્રી નદીમાં પાણીનું લેવલ 37 ફૂટની આસપાસ છે.

કેયુર રોકડિયાનું કહેવું છે કે વિશ્વામિત્રી નદીમાં પાણીનું લેવલ 37 ફૂટની આસપાસ છે, જે 2005 પછી સૌથી વધુ છે.

પૂરની પરિસ્થિતિ ઊભી થવાની હોય ત્યારે શું ધ્યાન રાખવું

વડોદરા શહેર બે ભાગમાં વહેંચાયું

વિશ્વવામિત્રી નદીનું પાણી સયાજીગંજ, સમા, અકોટા, મુજમહુડા, વડસર, કલાલી, કારેલીબાગ, હરણી, જેતપુર અને પ્રતાપગંજ સુધી પહોંચી ગયા હતા

ઇમેજ સ્રોત, RAJIV PARMAR

ઇમેજ કૅપ્શન, વિશ્વવામિત્રી નદીનું પાણી સયાજીગંજ, સમા, અકોટા, મુજમહુડા, વડસર, કલાલી, કારેલીબાગ, હરણી, જેતપુર અને પ્રતાપગંજ સુધી પહોંચી ગયા હતા

વડોદરા શહેરના જૂના વિસ્તાર અને અકોટા વિસ્તારને જોડતો એકમાત્ર અકોટા બ્રિજ પણ પૂરના કારણે બંધ કરવામાં આવ્યો છે. ઉપરાંત શહેરના વડસર બ્રિજ, વિશ્વામિત્રી બ્રિજ, જેતલપુર બ્રીજ, કાલાઘોડા બ્રીજ અને વુડા સર્કલ બ્રીજ પણ બંધ છે.

રાજીવ પરમાર કહે છે, "વર્ષો બાદ બન્યું છે કે સૌથી ઊંચો અકોટા બ્રિજ પણ અવરજવર માટે બંધ છે. શેહરમાં જે પૂરની સ્થિતિ છે જેના કારણે આમ થયું છે. અકોટા બ્રિજ બંધ થવાના કારણે વડોદરા શહેરનો એક મોટો વિસ્તાર સંપર્કવિહોણો બની ગયો છે. હાલમાં સમગ્ર શહેર પૂર્વ અને પશ્ચિમ એમ ભાગોમાં વહેંચાઈ ગયું છે. લોકો એક વિસ્તારથી બીજા વિસ્તારમાં જઈ શકતા નથી."

ગુજરાત સરકારે આપેલી માહિતી અનુસાર વડોદરામાં વરસી રહેલા અનરાધાર વરસાદમાં 45 જેટલી સગર્ભા મહિલાઓને વહીવટીતંત્રે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડી હતી. જ્યાં સગર્ભા મહિલાઓની ડૉક્ટરોના નિરીક્ષણમાં રાખવામાં આવી છે.

'ત્રણ દિવસથી શહેરમાં પાણી ભરાયેલું છે'

જ્યોતિ શિવરેકર

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, જ્યોતિ શિવરેકરનું ઘર પૂરથી પ્રભાવિત થયું છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સમાચાર સંસ્થા એએનઆઈ સાથે વાત કરતાં વડોદરાના અકોટા વિસ્તારમાં રહેતાં જ્યોતિ શિવરેકરએ જણાવ્યું, "આ પ્રથમ વખત છે જ્યારે અમારા વિસ્તારમાં આટલું પાણી ભરાયું હોય. મારું ઘર જે વિસ્તારમાં છે તે વિશ્વામિત્રી નદીની પાસે આવેલો છે."

"વરસાદ સમયે અમારા વિસ્તારમાં પાણી આવે છે પરંતુ આવી સ્થિતિ ક્યારેય સર્જાઈ નથી. અકોટા પહેલાx જે વિસ્તાર આવે છે તે સમગ્ર વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે. મારા ઘરમાં કેટલું નુકસાન થયું છે તે વિશે મને કોઈ માહિતી નથી. હજુ તો હું પાણી ઘટે તેની રાહ જોઈ રહી છું જેથી અંદર જઈને નુકસાનીનો અંદાજ મેળવી શકું. હાલ મેં મારાં ઓળખીતાના ઘરે આશ્રય લીધો છે."

અકોટામાં જ રહેતા કિરણ પાટે કહે છે કે પાણી એટલું ઝડપથી વધવા લાગ્યું કે તેઓ કોઈ પણ વસ્તુ પોતાની સાથે લાવી શક્યા નહીં.

"મારો જન્મ આ જ વિસ્તારમાં થયો છે. મેં ક્યારેય આવું પૂર જોયું નથી. અમે કોઈ પણ સામાન ઘરની બહાર લાવી શક્યા નહી. અમારી તમામ ઘરવખરી અને અનાજ પૂરમાં બરબાદ થઈ ગયા છે."

"મારી પાસે પૈસા પણ નથી. હાલ મેં બ્રિજની નીચે આશરો લીધો છે. ખીચડી અને ભોજનનું વિતરણ થાય છે તેના પર હાલ દિવસો કાઢી રહ્યા છીએ. છેલ્લા ત્રણ દિવસથી પાણીની સપાટીમાં કોઈ ઘટાડો આવ્યો નથી."

વડોદરાના દાંડિયા બજારમાં રહેતા ચંદ્રશેખર કહે છે, "દાંડિયા બજારમાં પૂર આવ્યું હોય તેવું મને યાદ નથી. હાલમાં સમગ્ર વડોદરા શહેરમાં કમર સુધી પાણી ભરાયેલા છે. આખા શહેરમાં કોઈ પણ જગ્યાએ જવું શક્ય નથી કારણકે આટલું પાણી છે. ત્રણ દિવસથી આ જ પરિસ્થિતિ છે. લોકો અહીં ભોજન વિતરણ કરી રહ્યા છે અને તેમાથી હાલ અમારું ગુજરાન ચાલી રહ્યું છે."

આજવા અને પ્રતાપપુરા ડેમના દરવાજા બંધ કરાયા

શ્વામિત્રી નદીની સપાટીમાં ઘટાડો કરવા માટે આજવા અને પ્રતાપુરા ડેમમાંથી હંગામી ધોરણે પાણી છોડવાનું બંધ કરવામાં આવશે

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઘટાડો કરવા માટે આજવા અને પ્રતાપુરા ડેમમાંથી હંગામી ધોરણે પાણી છોડવાનું બંધ કરવામાં આવશે

વડોદરામાં પૂરની સ્થિતિને જોતાં વહીવટીતંત્રે નક્કી કર્યું છે કે વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઘટાડો કરવા માટે આજવા અને પ્રતાપપુરા ડેમમાંથી હંગામી ધોરણે પાણી છોડવાનું બંધ કરવામાં આવશે.

ધારાસભ્ય કેયુર રોકડિયા જણાવ્યું, "વડોદરા શહેરમાં પ્રવેશતા વિશ્વામિત્રી નદીના પાણીને અટકાવવા માટે આજવા ડેમ અને પ્રતાપપુરામાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવશે. વિશ્વામિત્રી નદી જ્યારે વડોદરામાંથી પસાર થતી વખતે ઢાઢર નદીને મળે છે. ઢાઢર નદીમાં પાણીની સપાટી ઘટાડવા માટે દેવ ડેમને બંધ કરવામાં આવ્યું છે."

"હાલના સમયે આજવા સરોવરની સપાટી 212 ફૂટે મેન્ટેઇન કરવાની હોવા છતાં વડોદરા શહેરમાં પાણીનો ભરાવો ઘટાડવા વડોદરા કૉર્પોરેશન દ્વારા આજવા સરોવરના 62 દરવાજા બંધ કરાયા છે. આ ઉપરાંત પ્રતાપપુરા ડેમના દરવાજા પણ બંધ કરતાં વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઘટાડો થવો નિશ્ચિત છે. શહેરને બચાવવા માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે."

વડોદરા મહાનગરપાલિકા કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું, "વિશ્વામિત્રી નદીના પાણીના સ્તરમાં ઘટાડો થાય તે માટે લોકહિતમાં નક્કી કરવામાં આવ્યું છે કે આજવા અને પ્રતાપપુરા ડેમમાંથી પાણી નહીં છોડવામાં આવે."

"આજવા ડેમમાં પાણીની સપાટી 212 ફૂટ હોવી જોઈએ અને હાલ 213.65 ફૂટ છે પરંતુ વિશ્વામિત્રી નદીનું જળસ્તર ઓછું થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.