ગુજરાત જળબંબોળ : સેના તહેનાત, 24 હજાર લોકોનું સ્થળાંતર, કુલ 7 વ્યક્તિઓનાં મૃત્યુ

ગુજરાતમાં ભારે વરસાદ, પૂર

ઇમેજ સ્રોત, DARSHAN THAKKAR

ઇમેજ કૅપ્શન, ભારે વરસાદને કારણે આખું જામનગર પાણીમાં

ગુજરાતમાં રેલમછેલ છે. છેલ્લા 36 કલાકથી પડી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યમાં કુલ 23,871 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે જ્યારે કે 1,696 લોકોનું રૅસ્ક્યૂ કરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લામાંથી સૌથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

વડોદરા અને જામનગર જિલ્લાની હાલત બદતર છે. વડોદરામાંથી નીચાણવાળા વિસ્તાર તથા નદીની આસપાસ રહેતા કુલ 8,361 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે કે જામનગર જિલ્લામાં 70 જેટલા લોકોને રૅસ્ક્યૂ કરવામાં આવ્યા છે. ઍરફૉર્સે વાડી વિસ્તારમાં ફસાયેલા 11 નાગરિકોનું રૅસ્ક્યૂ કર્યું હતું. જેમાં બાળકો પણ હતાં.

વડોદરાની હાલત એટલી ખરાબ હતી કે શહેરમાં 108 ઍમ્બુલન્સ સેવાને કુલ 285 જેટલા કૉલ મળ્યા હતા. ઍમ્બુલન્સ સેવા દ્વારા 49 જેટલા દર્દીઓને સલામત હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વડોદરાના મંજુસર રોડ પર એક સગર્ભા મહિલાની પ્રસુતિ ઍમ્બુલન્સમાં જ કરવામાં આવી હતી.

વડોદરામાં ડેસર તાલુકાના નાગરિક કિર્તનભાઈ ગરાસિયા છેલ્લા 30 કલાકથી મહીસાગર નદીના પટમાં ફસાયા હતા જેમને ઍરફૉર્સના જવાનોએ રૅસ્ક્યૂ કરીને સલામત ખસેડ્યા હતા.

રાજ્યમાં ભારે વરસાદને કારણે દિવાલ પડી જવાથી, પાણીમાં ડૂબી જવાથી તથા ઝાડ પડવાની દુર્ઘટનામાં કુલ સાત વ્યક્તિઓનાં મૃત્યુ થયાં હોવાની જાણકારી માહિતીખાતાની પ્રેસનોટ મારફતે મળી છે.

ગુજરાતમાં ભારે વરસાદની આપત્તિમાં રાહત અને બચાવ કામગીરી માટે તથા આપત્તિ વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકારે આર્મીની 6 કોલમ ફાળવી છે. આ આર્મીની કોલમ વરસાદથી સૌથી વધુ પ્રભાવિત એવા દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટ જિલ્લામાં તહેનાત કરાઈ છે. આ ઉપરાંત તેમની સાથે એનડીઆરએફની 14 પ્લાટૂન અને એસડીઆરએફની 22 પ્લાટૂન પણ આપત્તિ વ્યવસ્થાપનના કામમાં જોતરાઈ છે.

અનરાધાર વરસાદને કારણે પંચમહાલ, ખેડા, આણંદ અને વડોદરા જિલ્લાના કુલ 569 ગામોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી.

રાજ્યમાં કુલ 8,824 ગામોમાં વીજપુરવઠાને અસર પહોંચી હતી. તે પૈકી સરકારનો દાવો છે કે 7,806 ગામોમાં વીજપુરવઠો પૂર્વવત્ કરી દેવામાં આવ્યો છે. રાજ્યમાં કુલ 6,615 વીજથાંભલાઓ ક્ષતિગ્રસ્ત થયા હતા.

રાજ્યમાં વરસાદને કારણે માર્ગો પર ઝાડ પડી જવા, રસ્તાઓ તૂટી જવા અને અન્ય કારણોસર કુલ 806 જેટલા માર્ગો બંધ થયા છે.

ભારે વરસાદને કારણે રાજ્યની 15 જેટલી નદીઓ અને 21 તળાવો તથા ડૅમ ઓવરફ્લૉ થયાં છે. છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાઓના 251 તાલુકાઓમા વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં 347 મિલીમીટર પડ્યો છે. મંગળવારે સવારે 6થી દસ વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ રાજકોટમાં પડ્યો છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ 100 ટકા વરસાદ પડી ગયો છે.

76 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે. 96 તળાવોને હાઇઍલર્ટ પર અને 19ને ઍલર્ટ પર મુકવામાં આવ્યાં છે.

રાજકોટ, જામનગર મોરબી સહિત સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર અતિભારે વરસાદ

જામનગર શહેરમાં મંગળદીપ સોસાયટી વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરી

ઇમેજ સ્રોત, @CollectorJamngr

ઇમેજ કૅપ્શન, જામનગર શહેરમાં મંગળદીપ સોસાયટી વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાતમાં ધોધમાર વરસાદની અસર અનેક જિલ્લાઓમાં જોવા મળી રહી છે. વડોદરા, નવસારી, વલસાડ સહિત દક્ષિણ ગુજરાત અને અમદાવાદ, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદથી જળબંબાકાર બાદ હવે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે.

રાજકોટ, જામનગર મોરબી સહિત સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર અતિભારે વરસાદ વરસી રહ્યો છે.

રાજકોટ, જામનગરમાં કેટલીય જગ્યાએ પાણી ભરાયા હોવાના અહેવાલ છે. સુરેન્દ્રનગરમાં કેટલાંક સ્થળો પાણીમાં ગરકાવ છે જેના કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.

માહિતીખાતાની પ્રેસનોટમાં જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ભારે વરસાદની આપત્તિમાં રાહત-બચાવ તેમજ આપત્તિ વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકારે રાજ્યમાં સેના ડિપ્લૉય કરી છે.

વરસાદથી સૌથી અસરગ્રસ્ત એવા દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટ જિલ્લામાં આર્મીની કુલ 6 કોલમ ડિપ્લૉય કરવામાં આવી છે.

બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર બિપિન ટંકારિયાએ જણાવ્યું છે કે રાજકોટમાં ઉપલેટામાં જળબંબાકારની પરિસ્થિતિ છે તો રાજકોટ જિલ્લામાં ગોંડલ, કોટડાસાંગાણી, જેતપુર તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં અનેક ગામોના લોકોના સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી છે.

જામનગરમાં બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર દર્શન ઠક્કરે જણાવ્યું કે જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે તમામ ડેમ ઓવરફ્લો થયા છે તથા જિલ્લા વહીવટીતંત્રે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તકેદારી રાખવાની અપીલ કરી છે.

રેલવે વિભાગના જણાવ્યા પ્રમાણે ભારે વરસાદને કારણે કુલ 56 ટ્રેનો રદ કરવામાં આવી છે.

જામનગરમાં જળબંબાકાર

ઇમેજ સ્રોત, Darshan Thakkar

ઇમેજ કૅપ્શન, જામનગરમાં જળબંબાકાર, રંગમતી-નાગમતી નદીમાં પાણીનું સ્તર વધી ગયું છે

27 ઑગસ્ટના દિવસે સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ રાજકોટમાં થયો છે, ગુજરાત વેધરની વેબસાઇટ અનુસાર રાજકોટ તાલુકામાં 142 મિલીમીટર, રાજકોટના લોધિકા તાલુકામાં 125 મિલીમીટર વરસાદ ખાબક્યો છે. કોટડાસાંગાણીમાં 92 મિલીમીટર જેટલો વરસાદ વરસ્યો છે.

સુરેન્દ્રનગરમાં ચોટીલા તાલુકામાં 87, ખેડાના મહુઢામાં 82 મિલીમીટર જેટલો વરસાદ થયો છે.

મંગળવાર સવારથી સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, મોરબી, જામનગર, જૂનાગઢ, અમરેલીમાં ધોધમાર વરસાદ ચાલુ છે.

દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકામાં સવાર છ વાગ્યાથી ચાર કલાકમાં 70 મિલીમીટર, સુરેન્દ્રનગરના થાનગઢમાં 66 મિલીમીટર, મોરબીના વાંકાનેરમાં 66 મિલીમીટર અને જામનગરના કાલાવાડ તાલુકામાં 65 મિલીમીટર જેટલો વરસાદ થયો છે.

છેલ્લા 24 કલાકમાં મોરબીમાં સૌથી વધારે વરસાદ થયો

27 ઑગસ્ટના જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં મોરબીના ટંકારામાં સૌથી વધારે વરસાદ નોંધાંયો છે.

  • મોરબી જિલ્લાના ટંકારામાં - 347 મિલીમીટર
  • પંચમહાલના મોરબા હડફમાં - 346 મિલીમીટર
  • ખેડા જિલ્લાના નડિયાદમાં -327 મિલીમીટર
  • આણંદના બોરસદમાં--318 મિલીમીટર
  • વડોદરા તાલુકામાં-316 મિલીમીટર
વડોદરામાં ભારે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબ્યા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વડોદરામાં ભારે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબ્યા

રાજ્યમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન પર વ્યાપક અસર થઈ છે. ગુજરાત રિલીફ કમિશનર આલોકકુમાર પાંડેય અનુસાર છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ત્રણ મોત નોંધાયાં છે.

હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં હજુ પણ બે ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની પડશે.

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યો છે. અહીં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં ભારે વરસાદના આગાહીના પગલે મંગળવારે રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ તથા ખાનગી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

સોમવારે ભારે વરસાદના કારણે કેટલીક જગ્યાએ પાણી ભરાઈ ગયાં હતાં અને લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી.

માહિતી વિભાગ અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં 17 હજાર 827 લોકોનું સ્થળાંતર તેમજ એક હજાર 653 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRFની 13 અને SDRFની 22 ટીમ તહેનાત કરવામાં આવી છે.

મોરબીમાં ટ્રૅક્ટર ટ્રૉલી પલટી જતાં 17 લોકો તણાયા, નવને બચાવાયા

મોરબીમાં ટ્રૅક્ટર ટ્રૉલી પલટાઈ જતા 17 લોકો તણાઈ ગયા જેમાંથી નવ લોકોને બચાવી લેવાયા છે.

ઇમેજ સ્રોત, Rakesh Ambaliya

ઇમેજ કૅપ્શન, સુરેન્દ્રનગરમાં ટૂંકા ગાળામાં ભારે વરસાદ થતાં કંકાવટી નદીમાં પાણીનો પ્રવાહ વધી ગયો હતો.

સુરેન્દ્રનગરમાં ખૂબ ભારે વરસાદને કારણે મોરબીમાં ટ્રૅક્ટર ટ્રૉલી તણાઈ જવાની એક દુર્ઘટના બની છે.

મોરબીમાં હળવદ તાલુકાના ઢવાણા ગામે રવિવારની રાત્રે નદીમાં ટ્રેક્ટર પટલાઈ જતાં 17 લોકો લાપતા થયા હતા જેમાંથી નવ લોકોના જીવ બચાવી લેવાયા છે. સ્થાનિક વહીવટીતંત્ર અનુસાર આઠ લોકો હજુ લાપતા છે.

બીબીસી ગુજરાતીના મોરબી સ્થિત સહયોગી પત્રકાર રાકેશ અંબાલિયાએ જણાવ્યું કે લાપતા લોકોમાં એક છ વર્ષના બાળક સહિત સગીરો પણ છે.

એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયર સિસ્ટમની ટીમો સતત લોકોને શોધી રહી છે. કેટલાય કલાકોની બચાવ કામગીરી છતાં આઠ લોકોને હજુ શોધી શકાયા નથી.

મોરબીના કલેક્ટર કે.બી.ઝવેરીએ જણાવ્યું કે "ગુજરાતના સુરેન્દ્રનગરમાં ભારે વરસાદને કારણે મોરબીમાં ઢવાણા ગામ પાસે કૉઝવે બ્રિજ પરથી પસાર થતું ટ્રૅક્ટર તણાઈ ગયું હતું. તેમણે કહ્યું કે ટ્રૅક્ટરના ચાલકને લોકોએ સમજાવ્યા હતા પણ તેઓ પાણીમાં ગયા અને ટ્રૅક્ટરની ટ્રૉલી ઊંધી પડી જતાં આ દુખદ દુર્ઘટના બની છે."

તેમણે કહ્યું કે, "વહીવટીતંત્ર દુર્ઘટના બની ત્યારથી બચાવકાર્ય શરૂ કર્યું છે. આ દુર્ઘટનામાં પાંચથી સાત લાપતા લોકોને શોધવાનું કામ ચાલી રહ્યું છે."

આ કૉઝવે બ્રિજ હળવદ તાલુકામાં ઢવાણા અને નવા ઢવાણા ગામ વચ્ચે આવેલો છે.

તેમણે લોકોને વિનંતી કરી કે મોરબી જિલ્લામા જ્યાં જ્યાં કૉઝવેમાં વરસાદને કારણે પાણીના ભારે વહેણ હોય ત્યાં ન જવું.

મોરબીના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, "સુરેન્દ્રનગર જિલ્લામાં ટૂંકા ગાળામાં ખૂબ વરસાદ પડવાથી ખારી નદીના નામે ઓળખાતી કંકાવટી નદીમાં પાણીનો ભારે પ્રવાહ હોવાને કારણે કૉઝવે બ્રિજ પર પણ પાણીના વહેણ વધુ હતા જેમાં ટ્રૅક્ટરની ટ્રૉલી પલટી ગઈ હતી."

ટ્રૅક્ટરમાં સવાર એક વ્યક્તિ પાચાભાઈ ભરવાડે જણાવ્યું કે અમે ટ્રૅક્ટરમાં જૂના ઢવાણાથી નવા ઢવાણા જતા હતા, "ટ્રૅક્ટર પાણીમાં ફસાઈ ગયું હતું. મેં ઝાડનું થડ પકડી લીધું હતું. ફાયર બ્રિગેડ દ્વારા મારો બચાવ થયો હતો."

વીડિયો કૅપ્શન, Morbi માં ટ્રૅક્ટર ટ્રૉલી તણાઈ જવાની દુર્ઘટનામાં પોતાનો જીવ બચાવનારી વ્યક્તિ શું બોલી?

હજારોનું સ્થળાંતર

ગુજરાત હવામાન,ચોમાસું, વરસાદ, વડોદરા

ઇમેજ સ્રોત, @Info_Vadodara

ઇમેજ કૅપ્શન, વડોદરામાં એક પ્રસુતાએ ઍમ્બુલન્સમાં જ બાળકને જન્મ આપ્યો હતો

સતત પડી રહેલા વરસાદના કારણે ગુજરાતનાં જળાશયોમાં પાણીની આવક થઈ રહી છે. રાજ્ય સરકારે જણાવ્યું કે ગુજરાતના 206 ડેમમાંથી 59 ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે. સાથે-સાથે 72 ડેમ હાલ હાઈ એલર્ટ ઉપર છે.

કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વિસ્તારમાં ભારે વરસાદની સંભાવનાઓને પગલે આ જિલ્લાઓના કલેકટરોને એલર્ટ રહેવાની સૂચના અપાઈ છે.

ગુજરાત ચોમાસું

ઇમેજ સ્રોત, DARSHAN THAKKAR

ઇમેજ કૅપ્શન, જામનગરમાં દરેડ વિસ્તારમાં ડૂબી ગયેલું ખોડિયાર મંદિર

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પર વાત કરતા ગુજરાત રિલીફ કમિશનર આલોકકુમાર પાંડેય સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું કે, "મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે બધા જિલ્લાઓના અધિકારીઓ સાથે વીડિયો કૉન્ફરન્સ પર વાત કરી હતી. તેમણે અધિકારીઓને કહ્યું કે લોકોને વીજકાપને કારણે મુશ્કેલી ન થવી જોઈએ."

"સચિવોને કહેવામાં આવ્યું હતું કે જલદી જ વીજળીની વ્યવસ્થા કરવામાં આવે. જ્યાં વીજકાપ મૂકવામાં આવ્યો છે ત્યાં પાણીની વ્યવસ્થા કરવામાં આવે. 1653 લોકોને બચાવાયા છે અને 17800થી વધુ લોકોને ખસેડવામાં આવ્યા છે."

તેમણે વધુમાં કહ્યું કે, "આખા ચોમાસામાં 99 મૃત્યુ નોંધાયાં છે. છેલ્લા 24 કલાકમાં ત્રણ મૃત્યુ થયાં છે જેમાંથી એક દાહોદમાં અને બે ગાંધીનગરમાં નોંધાયાં છે."

અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકાર

અમદાવાદમાં ઠેરઠેર પાણી ભરાયેલાં છે

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, અમદાવાદના મણિનગરમાં રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે

ભારે વરસાદને કારણે અમદાવાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે.

સોમવારે ભારે વરસાદને કારણે શહેરના પૉશ મનાતા સિંધુભવન રોડ પર પાણી ભરાયાં હતાં. મંગળવારે પણ શહેરના મણિનગર વિસ્તારમાં પાણી ભરાયા હોવાના સમાચાર આવ્યા હતા.

અનેક વિસ્તારોમાં રેકૉર્ડ વરસાદ

સમગ્ર ગુજરાતમાં આ વર્ષે મોસમનો સરેરાશ 91.88 ટકા વરસાદ થયો છે
ઇમેજ કૅપ્શન, સમગ્ર ગુજરાતમાં આ વર્ષે મોસમનો સરેરાશ 91.88 ટકા વરસાદ થયો છે

રાજ્યમાં 26 ઑગસ્ટે આપવામાં આવેલા આંકડા અનુસાર 24 કલાકમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે ઘણા વિસ્તારોમાં નદીઓ ઓવરફ્લો થતાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના ખેરગામમાં થયો હતો. અહીં 24 કલાકમાં 356 મી.મી. વરસાદ પડ્યો હતો.

ગુજરાતના ચેરાપૂંજી ગણાતા ડાંગ જિલ્લામાં 244 મી.મી. વરસદ પડ્યો છે, જેમાં સૌથી વધુ આહવા તાલુકામાં થયો હતો.

દક્ષિણ ગુજરાત ઉપરાંત મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ પડ્યો હતો. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, નવસારી, સુરત અને નર્મદા તેમજ પંચમહાલ જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો.

મૂળીમાં 210 મી.મી., રાજકોટમાં 209 મી.મી., હળવદમાં 174 મી.મી. ચોટીલામાં 194 મી.મી, સંતરામપુરમાં 191 મી.મી, શહેરામાં 180 મી.મી. અને કરજણમાં 157 મી.મી. વરસાદ પડતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.

માહિતી વિભાગ અનુસાર છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 244 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સમગ્ર ગુજરાતમાં આ વર્ષે મોસમનો સરેરાશ 91.99 ટકા વરસાદ થયો હતો.

22 જળાશયો એલર્ટ પર રાખવામાં આવ્યા છે. રાજ્યનાં નવ ડેમમાં છલકાઈ જવાની વોર્નિંગ અપાઈ છે અને સાત નદીઓ ઓવરફ્લો થઈ છે.

ગુજરાતના મુખ્ય ડેમ સરદાર સરોવર ડેમમાં 2 લાખ 96 હજાર અને 459 મિલીયન ક્યુબિક ફીટ (MCFT) પાણી છે, જે ડેમની કુલ ક્ષમતાનો 88.74 ટકા છે.

વરસાદને કારણે વીજ પુરવઠાને, માર્ગોને કે આવશ્યક ચીજ વસ્તુઓના પુરવઠાને મોટી અસર થઈ છે. સમગ્ર રાજ્યમાં 23 ગામડાઓમાં છેલ્લા 24 કલાકથી વીજ પુરવઠો ખોરવાઈ જતાં લોકો મુશકેલ સ્થિતિમાં મૂકાયા છે. રાજ્ય સરકારે સ્થિતિ પૂર્વવત કરવા સંબંધિત તંત્રવાહકોને અને વરિષ્ઠ અધિકારીઓને સૂચનાઓ આપી છે.

રાજ્યમાં હાલ સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ અને છોટાઉદેપુર જિલ્લાઓમાં મળીને કુલ 523 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ છે.

ગુજરાતમાં વરસાદ
  • રાજકોટનો જીવાદોરી સમાન આજી ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને સતર્ક કરવામાં આવ્યા છે
  • કડાણા ડેમમાં 2 લાખ 50 હજાર કયુસેક પાણીની આવક થતાં જિલ્લાના 40થી વધુ ગામોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે
  • ટંકારાના કોયલી ગામ નજીક આવેલ ડેમી-3 ડેમના ચાર દરવાજા ખોલવામાં આવતાં નીચાણવાળા 7 ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યાં છે
  • જામનગરને પીવાનું પાણી પૂરું પાડતા રણજીતસાગર ડેમ પણ ઓવરફ્લો થયો છે.
  • છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદના કારણે બોડેલી છોટાઉદેપુરને જોડતો સિહોડ બ્રીજ તૂટયો ગયો છે.
  • ભારે વરસાદના કારણે ટ્રેન સેવાને પણ અસર થઈ છે. પશ્ચિમ રેલ્વે અનુસાર વરસાદના કારણે ગુજરાત થઈને રાજસ્થાન જતી ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રથી સુરત અને મુંબઈ જતી કેટલી ટ્રેનોને રદ કરવામાં આવી છે.

વડોદરામાં સ્થિતિ ચિંતાજનક

વડોદરામાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વડોદરામાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે

સોમવારે વડોદરા શહેરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાયાં હતાં. શહેરના પશ્ચિમ વિસ્તારમાં રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે લોકોને દૈનિક વસ્તુઓની ખરીદી કરવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો.

વડોદરા મહાનગરપાલિકા અનુસાર ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને બીજી જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે આજવા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જેનાં કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે.

વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણાએ એક વીડિયો સંદેશમાં જણાવ્યું કે, પરિસ્થિતિ બહુ ગંભીર છે. લોકોને વિનંતી છે કે જો જરૂર ન હોય તો ઘરની બહાર નિકળવાનું ટાળો. ઝડપી પવનના કારણે શહેરમાં 85 વૃક્ષો ધરાશાઈ થઈ ગયા છે.

આવી જ સ્થિતિ સુરત, નવસારી અને વલસાડ શહેરની છે. સતત વરસાદના કારણે તાપી જિલ્લામાં આવેલી ઉકાઈ ડેમમાં પણ સતત જળસ્તર વધી રહ્યું છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ભારે વરસાદના કારણે નવસારી જિલ્લાના 119 રસ્તાઓને બંધ કરવામાં આવ્યા છે, જમાં ત્રણ સ્ટેટ હાઈવે છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 1573 લોકોને અન્યત્ર ખસેડવામાં આવ્યા છે.

વલસાડ જિલ્લા વહીવટીતંત્ર અનુસાર ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં એક હજાર 152 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઉપરાંત 128 રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી

ભારે વરસાદે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને ધમરોળ્યા છે. અમદાવાદમાં પણ ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયાં છે.

અમદાવાદનાં કલેક્ટર પ્રવીણા ડી.કે. સોશિયલ મીડિયા એક્સ પર વીડિયો સંદેશ પોસ્ટ કરીને શહેરમાં ભારે વરસાદની આગાહીને કારણે વહીવટીતંત્ર સતર્ક હોવાનું જણાવ્યું હતું. તેમણે અમદાવાદના નાગરિકોને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવાનું કહ્યું છે. સાથે જ નદી-નાળા અને પાણીના સ્રોતો પાસે ન જવા માટે કહ્યું છે.

સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. રાજકોટના કલેક્ટર પ્રભાવ જોશીએ પણ સોશિયલ મીડિયા પર વીડિયો સંદેશમાં કહ્યું છે કે હવામાન વિભાગે રાજ્યમાં અતિભારે વરસાદનું એલર્ટ આપ્યું છે.

તેમણે રાજકોટના નાગરિકોને ઘર પર જ સલામત રહેવાની વિનંતી કરી છે.

સંભવિત પૂરને લઈને ગાંધીનગરમાં બેઠક

ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને શું જણાવ્યું

ઇમેજ સ્રોત, X

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં ભારે વરસાદની પરિસ્થિતિ પર મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠકો કરી હતી.

વરસાદ અને સંભવિત પૂરની સ્થિતિને જોતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તેમણે લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવા સાથે જાનમાલ, પશુધન વગેરેની સલામતી માટેના પ્રબંધન અંગે પણ સૂચનાઓ આપી હતી.

મુખ્યમંત્રીએ વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં જરૂર જણાયે SDRF-NDRF ની ટીમની મદદ મોકલવા માટે પણ જણાવ્યું છે.

દક્ષિણ ગુજરાત ઉપરાંત મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લાં 24 કલાકમાં ભારે વરસાદ પડ્યો છે
ઇમેજ કૅપ્શન, દક્ષિણ ગુજરાત ઉપરાંત મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લાં 24 કલાકમાં ભારે વરસાદ પડ્યો છે

વરસાદને કારણે 56 ટ્રેનો રદ

ગુજરાતમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વડોદરા, નવસારી, વલસાડ સહિત દક્ષિણ ગુજરાત અને સુરેન્દ્રનગર, રાજકોટ અને કચ્છ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે લોકોએ હાલાકી ભોગવવી પડી રહી છે.

અંગ્રેજી સમાચારપત્ર ધી ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, ગુજરાતમાં છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદને કારણે રેલવેની અવરજવર ઉપર પણ ભારે અસર પડી છે. અત્યાર સુધી કુલ 56 ટ્રેનોને રદ કરવામાં આવી છે.

ગુજરાતનાં સ્ટેટ રિલિફ કમિશનર અલોકકુમાર પાંડેએ કહ્યું, “છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદને કારણે મધ્ય ગુજરાતમાં રેલવેની અવરજવર પર ભારે અસર પડી છે. ખાસ કરીને પશ્ચિમ ગુજરાતના વડોદરા ડિવિઝનમાં. ત્રણ જગ્યાએ પૂષ્કળ પ્રમાણમાં પાણી ભરાઈ જવાને કારણે મંગળવારે 56 ટ્રેનો રદ કરવી પડી છે. આ ઉપરાંત 43 ટ્રેનોના રૂટને બદલવામાં આવ્યા છે અને 15 ટ્રેનોને ટૂંકાવવામાં આવી છે. રદ કરેલી ટ્રેનોમાં રાજકોટ-મુંબઈ હાપા દૂરન્તો ઍક્સપ્રેસ, કર્ણાવતી ડબલ ડૅકર ટ્રેન, અમદાવાદ-હાવડા ઍક્સપ્રેસ, ગુજરાત સુપરફાસ્ટ ઍક્સપ્રેસ અને જામનગર હમસફર ઍક્સપ્રેસ સામેલ છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.