ઇઝરાયલ, હમાસ અને ઈરાન : મધ્ય-પૂર્વમાં વ્યાપક યુદ્ધ છેડાવાની શક્યતા છે?

ઇમેજ સ્રોત, Getty Images
લેબનોનની દક્ષિણમાં ઇઝરાયલ જમીની આક્રમણ કરી રહ્યું છે અને ઈરાને ઇઝરાયલ પર લગભગ 200 મિસાઇલો છોડી છે. ઇઝરાયલે યમનમાં હૂતી વિદ્રોહીઓ પર બૉમ્બમારો કર્યો છે.
ઘર્ષણ સતત વધી રહ્યું છે અને વિશ્વભરના રાજકારણીઓ તથા વિશ્લેષકો મધ્ય પૂર્વમાં મોટાપાયે યુદ્ધ શરૂ થવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે.
આ પ્રદેશોમાં રિપોર્ટિંગ કરતા બીબીસી સંવાદદાતાઓને અમે સવાલ કર્યો હતો કે મોટાપાયે યુદ્ધ શરૂ થવાની શક્યતા છે કે નહીં અને તે વિશ્વવ્યાપી યુદ્ધમાં પરિણમી શકે છે કે કેમ.
નવલ અલ-મગાફી, વરિષ્ઠ આંતરરાષ્ટ્રીય ઇન્વેસ્ટિગેશન સંવાદદાતા

ઇમેજ સ્રોત, AFP
મધ્ય પૂર્વની સ્થિતિનું વર્ણન કરવા માટે 'ઑન ધ બ્રિન્ક' શબ્દનો ઉપયોગ વારંવાર કરવામાં આવે છે. ગાઝામાં 40,000થી વધુ લોકો અને લેબનોનમાં માત્ર એક જ સપ્તાહમાં 1,000થી વધુ લોકોનાં મોત થયાં છે અને માનવીય હાનિ આશ્ચર્યજનક છે.
લાખો લોકો વિસ્થાપિત થયા છે અને અનેક જગ્યાએ સમગ્ર વિસ્તારો ખંડેર બની ગયા છે. પરિસ્થિતિ યુદ્ધ શરૂ થવાની અણી પર હોવાની સંભાવના ભયાનક છે.
આપણે આ ક્ષેત્રમાંના દાયકાઓના સૌથી ખતરનાક સંકટો પૈકીના એકને નિહાળી રહ્યા છીએ.
હિઝબુલ્લાહના નેતા હસન નસરલ્લાહના ગયા સપ્તાહે મોત પછી ઇઝરાયલમાં ઉજવણી કરવામાં આવી હતી.
નસરઅલ્લાહ અને હમાસના નેતા ઇસ્માઇલ હાનિયાનું મોત ઈરાનની પ્રતિરોધની કથિત ધરીને ખતમ કરવા ઇચ્છતા લોકોને ક્ષણિક સંતોષ આપશે, પરંતુ તેની ઉજવણી કવેળાની છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇઝરાયલે ટાર્ગેટેડ હુમલાઓ અને હવાઈ આક્રમણ દ્વારા હિઝબુલ્લાહને ઘણું નુકસાન કર્યું છે તેમાં કોઈ શંકા નથી. એ હુમલાઓમાં હિઝબુલ્લાહના પ્રમુખ નેતાઓને ખતમ કરવામાં આવ્યા છે.
હમાસ વિરુદ્ધના એક વર્ષથી ચાલતા અભિયાનની ગાઝાના લાખો લોકોના જીવન પર વિનાશકારી અસર થઈ છે.
એ અભિયાનને કારણે હમાસની ક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે, પરંતુ હમાસ એક રાજકીય અને સૈન્ય શક્તિ તરીકે ખતમ થઈ જાય તેવી શક્યતા નથી.
તેનાથી વિપરીત વિચારતા લોકો, આવાં જૂથો પોતાનો પહોંચ અને પ્રભાવ કેવી રીતે બનાવે છે તથા જાળવી રાખે છે, તે સમજી શકતા નથી. આ બધી ઊંડા મૂળિયા ધરાવતી ચળવળો છે, જે સામાજિક અને રાજકીય તાણાવાણામાં ગાઢ રીતે વણાયેલી છે. તેની અંદર રહીને કામ કરે છે.
નસરલ્લાહની હત્યા અને ઈરાનની પ્રતિક્રિયાએ આ ક્ષેત્રને ખતરનાક રીતે સાર્વત્રિક યુદ્ધની અણી પર લાવી દીધું છે.
ઈરાનના મિસાઇલ હુમલાને પગલે ઇઝરાયલના નેતાઓ તરફથી આવી રહેલાં નિવેદનો સૂચવે છે કે સંઘર્ષ અનિવાર્યપણે ઉગ્ર બનશે. તેમાં બે પ્રત્યક્ષ દુશ્મન દેશોની સાથે લેબનોન, સીરિયા, યમન અને ઇરાકમાંના ઈરાન સમર્થિત દળો તેમજ પશ્ચિમમાંના અમેરિકા તથા બ્રિટન સહિતના ઇઝરાયલના સહયોગીઓ પણ સામેલ હશે.

ઇમેજ સ્રોત, Reuters
હવે સવાલ એ છે કે ઇઝરાયલ બદલો કેવી રીતે લેશે.
ઇઝરાયલના ભૂતપૂર્વ વડા પ્રધાન નફતાલી બૅનેટે ટ્વીટ કર્યું હતું કે "આ મધ્ય પૂર્વનો ચહેરો બદલવાની છેલ્લા 50 વર્ષમાંની સૌથી મોટી તક છે." તે સૂચવે છે કે "ઈરાનના આતંકવાદી શાસનને ઘાતક રીતે પંગુ બનાવવા" માટે ઇઝરાયલે ઈરાનની પરમાણુ સુવિધાને નિશાન બનાવવી જોઈએ.
જો તેમના શબ્દો સત્તાવાર ઇરાદાનો કોઈ સંકેત હોય તો આપણે આ પ્રદેશમાં ખરેખર કશુંક અભૂતપૂર્વ અને વિનાશક બનવાની અણી પર છીએ.
ગાઝામાં યુદ્ધ શરૂ થયું ત્યારથી તે વકરે નહીં તેના માટેના રાજદ્વારી પ્રયાસો વારંવાર ખોરવાઈ ગયા છે અને પ્રભાવશાળી મોટા દેશો લડાઈને અંકુશમાં લેવામાં અથવા તેના પર નોંધપાત્ર પ્રભાવ પાડવામાં અસમર્થ સાબિત થયા છે.
આ નિષ્ફળતા વૈશ્વિક વ્યવસ્થામાંના ગાઢ મતભેદને દર્શાવે છે. એ વૈશ્વિક વ્યવસ્થા સાથે મળીને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરાવવામાં અથવા વાતચીતના દીર્ઘકાલીન નિયમોનું પાલન કરાવવામાં અસમર્થ છે.
આ એક તિરાડ વધુ ઊંડી થવાની શક્યતા છે અને તેના આ ક્ષેત્ર તથા તેના લોકો માટે ભયાનક સૂચિતાર્થો હશે.
નિસરીન હાતૂમ બીબીસી ન્યૂઝ અરબી સંવાદદાતા, બૈરૂત
સંપૂર્ણ યુદ્ધને ખમવા માટે લેબનોનને લોકો તૈયાર નથી. પાડોશી દેશોમાં સંપૂર્ણ યુદ્ધની આશંકા નિશ્ચિત રીતે સર્જાઈ રહી છે અને તેમાં સીરિયા, ઈરાન, ઇરાક, યમન અને કદાચ જોર્ડન પણ સામેલ થશે. મંગળવારે ઇઝરાયલ પરના ઈરાની મિસાઇલ હુમલા અને વધારે ઈરાની હુમલાની શક્યતા પછી આવી આશંકા ઓછામાં ઓછી બમણી થઈ ગઈ છે.
ઈરાન ફરીથી ઇઝરાયલ પર હુમલો કરશે તો અમેરિકા અને ઇઝરાયલનું સમર્થન કરતા પશ્ચિમના અન્ય દેશો હસ્તક્ષેપ કરી શકે છે. તેનાથી સંપૂર્ણ યુદ્ધની શક્યતા વધી શકે છે.
ઇઝરાયલ લેબનોનમાં, લેબનોનને લશ્કરને નહીં, પરંતુ હિઝબુલ્લા આતંકવાદી સમૂહને નિશાન બનાવી રહ્યું છે.
લેબનોનની સત્તાવાર સ્થિતિ એક વ્યાપક યુદ્ધને રોકવાના પ્રયાસ કરવાની છે. અહીંના અધિકારીઓ ફ્રાન્સના નેતૃત્વમાં રાજદ્વારી પ્રયાસો મારફત યુદ્ધવિરામ સમજૂતી કરવા માટે 24 કલાક કામ કરી રહ્યા છે. બધાનો ઉદ્દેશ સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રસ્તાવ 1701ને લાગુ કરવાનો, લેબનોનના સૈન્યને સશક્ત બનાવવાનો તથા તેનું સમર્થન કરવાનો અને તેને લેબનોનની દક્ષિણે તહેનાત કરવાનો છે.
રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કરાવવી અને બંધારણીય સંસ્થાઓને સક્રિય કરવાની દિશામાં આંતરિક રીતે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
અહીં લેબનોનમાં કોઈને યુદ્ધ લડવાની ઇચ્છા નથી. લોકો સંઘર્ષથી વાજ આવી ગયા છે. ખાસ કરીને તેમણે ઑક્ટોબર 2019થી ચાલી રહેલા આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે.
મોટાભાગના લોકો શાંતિથી રહેવા ઇચ્છે છે અને યુદ્ધથી બચવા ઇચ્છે છે. લેબનોનના કેટલાક લોકો માને છે કે તેને યુદ્ધમાં ખેંચવામાં આવ્યું છે અને આ તેમનું યુદ્ધ નથી.
ઘણા લોકો માને છે કે હવે આરબ-ઇઝરાયલ સંઘર્ષને રોકવાનો સમય આવી ગયો છે, જેથી તેઓ કાયમી શાંતિથી રહી શકે.
લેબનોનને તૂટવાથી બચાવવા માટે રાજદ્વારી પ્રયાસોના માધ્યમથી જ વ્યાપક યુદ્ધને રોકી શકાય તેમ છે.
અગાઉના યુદ્ધોએ સાબિત કર્યું છે કે સૈન્ય અભિયાનોએ કોઈ કાયમી નિરાકરણ આપ્યું નથી. સંઘર્ષના અંત માટે વાતચીત અને રાજદ્વારી સાધનોનો સહારો લેવાનું વધારે પ્રભાવશાળી સાબિત થઈ શકે છે.
પાછળ વળીને જોઈએ તો 2006માં ઇઝરાયલ સાથેનું યુદ્ધ માત્ર 34 દિવસ ચાલ્યું હતું અને તેમાં પરિસ્થિતિ અલગ હતી. ગાઝામાં યુદ્ધ થયું ન હતું કે ન તો સીરિયા, ઇરાક, ઈરાન અને યમન તેમાં સામેલ હતાં.
આપણે એ ભૂલવું ન જોઈએ કે 2006ના યુદ્ધ દરમિયાન જે થયું હતું, તેનાથી વિપરીત આ વખતે સંઘર્ષમાં અલગ-અલગ અનેક ક્ષેત્રીય ખેલાડીઓ સામેલ છે. વળી સત્તાવાર રીતે લેબનોન એક નિર્બળ દેશ છે અને તેનું સૈન્ય અસમર્થ છે.
મુહન્નાદ તુતુંજી બીબીસી ન્યૂઝ અરબી સંવાદદાતા, જેરૂસલેમ

ઇમેજ સ્રોત, AFP
મધ્ય પૂર્વમાં જે અભૂતપૂર્વ ઘટનાઓ બની છે તે સંભવિત રીતે એક મહત્ત્વપૂર્ણ ક્ષેત્રીય કે વૈશ્વિક સંઘર્ષમાં પલટાઈ શકે છે. ઇઝરાયલ અને હિઝબુલ્લાહ અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ કોઈ એક બિંદુ પર વ્યાપક યુદ્ધની શક્યતાનો સંકેત આપે છે.
હમાસના રાજકીય નેતા ઇસ્માઇલ હાનિયાની હત્યા અને હિઝબુલ્લાહના મહામંત્રી હસન નસરલ્લાહની હત્યા તેમજ હમાસ તથા હિઝબુલ્લાહના વરિષ્ઠ રાજકીય અને સૈન્ય નેતાઓની હત્યા જેવી મહત્ત્વપૂર્ણ ઘટનાઓ તાજેતરમાં બનવા છતાં મધ્ય પૂર્વમાં ક્ષેત્રીય યુદ્ધ થયું નથી.
મામલાઓ અને હિઝબુલ્લાહ સાથેના તેના અગાઉના યુદ્ધો પર નજર રાખતા પત્રકાર તરીકે અમને શંકા હતી કે હસન નસરલ્લાહની હત્યા પછી વ્યાપક યુદ્ધ શૂરૂ થશે અને તેમાં ઈરાન પણ સામેલ થઈ શકે છે. જોકે, એવું થયું નથી.
પ્રાદેશિક ખેલાડીઓ આવી ઘટનાઓને ક્ષેત્રીય યુદ્ધ ભડકાવતી રોકવાના પ્રયાસ કાયમ કરતા હોય છે. તેમાં અમેરિકા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતું હોય છે.
આવા પ્રયાસ ટૂંકા ગાળા માટે સફળ થઈ શકે, પરંતુ સવાલ એ છે કે ઇઝરાયલ અને ઈરાન દ્વારા એકમેક પર કરવામાં આવતા હુમલા વ્યાપક યુદ્ધનું કારણ બનશે?
ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના ક્ષેત્રીય યુદ્ધની આ ચિનગારી વૈશ્વિક સંઘર્ષમાં પરિવર્તિત થઈ શકે છે.
ઇઝરાયલે ઍપ્રિલમાં સીરિયામાંના ઈરાની વાણીજ્ય દૂતાવાસને નિશાન બનાવ્યું અને પછી ઈરાને તેના પ્રદેશમાંથી ઇઝરાયલ પર સેંકડો હવાઈહુમલા કર્યા ત્યારે એ ચિનગારી ભડકી હતી.
પરિસ્થિતિને અંકુશમાં લેવામાં અમેરિકા સફળ થયું હતું. એ સમયે અમે જણાવ્યું હતું કે અમેરિકાના પ્રમુખ જો બાઇડન અને ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂ વચ્ચે વાતચીત થઈ હતી. એ હુમલામાં ઇઝરાયલ પર લગભગ 100 બૅલેસ્ટિક મિસાઇલ પણ ફેંકવામાં આવી હતી.
વાતચીત દરમિયાન બન્ને નેતાઓએ "તંગદિલી ઘટાડવા અને વિકલ્પો બાબતે વિચારવા" વિશે ચર્ચા કરી હતી. અમેરિકાએ એવું પણ જણાવ્યું હતું કે કોઈ વળતા હુમલામાં તે ઇઝરાયલને સાથ નહીં આપે.
જોકે, હાનિયા અને નસરલ્લાહની હત્યાઓ તથા હિઝબુલ્લાહ પરના ઇઝરાયલના હુમલાઓ સહિતની શ્રેણીબદ્ધ ઘટનાઓનો જવાબ સીધો આપવો કે વધારે બળપૂર્વક આપવો તેની દ્વિધામાં ઈરાનને મૂકી દીધું હતું.
ઇઝરાયલના અધિકારીઓએ ચેતવણી આપી છે તેમ, આ સંઘર્ષ વકરવાની શક્યતાને નિર્ધારિત કરવામાં ઇઝરાયલનો પ્રતિભાવ એક મહત્ત્વપૂર્ણ કારક બની રહ્યો છે.
મહત્ત્વનો સવાલ એ છે કે ઇઝરાયલનો ઇરાદો વાસ્તવમાં ઈરાનને નિશાન બનાવવાનો અને તેને યુદ્ધમાં ખેંચી લાવવાનો, પરિસ્થિતિનો લાભ લઈને ઈરાનની પરમાણુ સુવિધાઓ પર હુમલા કરવાનો છે? આ ઇઝરાયલનો દીર્ધકાલીન ઉદ્દેશ રહ્યો છે.
કેટલાક લોકોને એવી ચિંતા થઈ શકે કે ઈરાનનો ઇઝરાયલ પરનો હુમલો ઇઝરાયલના સંભવિત ઇરાદાને ગતિ આપી શકે છે. અલબત, માનવ ક્ષતિને બદલે ભૌતિક ક્ષતિને કારણે તેને સંભવિત રીતે નિયંત્રિત કરી શકાય છે.
ઇઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂ મધ્ય પૂર્વમાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન લાવવા ઇચ્છે છે.
તેઓ માને છે કે ઈરાનને નિશાન બનાવ્યા વિના એ અશક્ય છે. ઈરાનને ઇઝરાયલ "સાપને ફેણ" કહે છે.
હિઝબુલ્લાહ સામે મળેલી સફળતા બાદ હવે ઇઝરાયલ ઉત્સાહિત છે.
કેટલાક લોકો તેને એ વાત પર વિશ્વાસ કરવાનું એક કારણ માની શકે છે કે ઇઝરાયલ ઈરાન વિરુદ્ધ એક એવું પગલું લેશે, જેને રોકવાનું શક્ય નહીં હોય.
તેનાથી ક્ષેત્રીય યુદ્ધ ભડકી શકે છે અને ઈરાનને નિશાન બનાવવામાં આવશે તો તેમાં અન્ય પક્ષો પણ સામેલ થઈ શકે છે અને તેને પગલે વૈશ્વિક સંઘર્ષ શરૂ થઈ શકે છે.
ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર પૂર્ણવિરામ મૂકવાનો ઇઝરાયલનો ઇરાદો આ પ્રકારના યુદ્ધનું કારણ બની શકે છે.
ઇઝરાયલ પર ઈરાનનો સીધો હુમલો એક બહાનું બની શકે છે.
મોટો સવાલ એ છે કે અમેરિકા ઇઝરાયલને આવું કરવાની છૂટ આપશે?
ઇમાન એરિકાત બીબીસી ન્યૂઝ અરબી સંવાદદાતા, પેલેસ્ટાઇનિયન પ્રદેશમાંથી

ઇમેજ સ્રોત, Getty Images
ઈરાને મંગળવારે રાતે ઇઝરાયલ પર આશરે 200 રૉકેટ્સ છોડ્યાં ત્યારે પેલેસ્ટાઇનનના લોકોમાં ખુશી સાથે ભયનો માહોલ હતો. ગાઝામાં યુદ્ધ શરૂ થયા બાદ અનેક લોકો આ પળની રાહ જોઈ રહ્યા હતા. તેમને ગાઝા તથા પેલેસ્ટાઇનની ક્ષેત્રોના સમર્થનમાં વિદેશી હસ્તક્ષેપના મહત્ત્વમાં વિશ્વાસ હતો.
ઈરાની મિસાઇલો પેલેસ્ટાઇનનના જે વિસ્તારોમાં પડી હતી તે સ્થળો પેલેસ્ટાઇનનના લોકો માટે ભાવિ પેઢીને દેખાડવાની તસવીરો ક્લિક કરવાના સ્થળો બની ગયાં છે.
તેઓ માને છે કે આ પરિસ્થિતિ એક વ્યાપક યુદ્ધમાં પલટાઈ શકે છે.
હમાસના નેતા ઇસ્માઇલ હાનિયાની જુલાઈમાં હત્યા બાદ હિઝબુલ્લાહના નેતા હસન નસરલ્લાહની હત્યાએ એક વ્યાપક યુદ્ધ માટેનો તખ્તો તૈયાર કરી દીધો છે.
અહીં જમીન પર જે માહોલ છે તેણે પેલેસ્ટાઇનનના અનેક લોકોની પહેલા તથા બીજા ઇંતિફાદાની સ્મૃતિ તાજી કરાવી દીધી છે. જે લોકો 1948માં "નકબા"માંથી પસાર થયા હતા તેઓ પણ કહી રહ્યા છે કે ઈતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે.
નકબા 1948ની 14 મેની એ તારીખ હતી જ્યારે ઇઝરાયલે સ્વતંત્રતાની જાહેરાત કરી હતી અને બીજા જ દિવસે શરૂ થયેલા યુદ્ધમાં તેની ધરતી પર રહેલા સાડા સાત લાખ પેલેસ્ટાઇનનીઓ ભાગી ગયા હતા અથવા તેમને તેમના ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.
આજે પેલેસ્ટાઇનનમાંના ઘણા લોકો માને છે કે વર્તમાન પરિસ્થિતિથી સંકેત મળે છે કે ઇઝરાયલનું આક્રમણ એક નવા સ્તરે પહોંચી ગયું છે અને તે પહેલાં કરતાં વધારે ક્રૂર બની શકે છે.
પેલેસ્ટાઇનનના સત્તાવાળાઓ નિમ્નલિખિત બાબતોનો આગ્રહ વર્ષોથી કરતા રહ્યા છે.
સૈન્ય અભિયાનોને રોકે તેવા રાજકીય નિરાકરણની દિશામાં આગળ વધવાનું મહત્ત્વ.
સંઘર્ષથી દૂર હટીને રાજકીય સમાધાન તરફ આગળ વધવું, જે ટુ-સ્ટેટ સોલ્યુશનના વિઝનના અમલનું રક્ષણ કરે અને તેને સુનિશ્ચિત કરે.
તેઓ માને છે કે આમ કરવાથી પેલેસ્ટાઇનનને 1967ની સરહદની સ્થિતિ મુજબ ઇઝરાયલની સમાંતરે એક દેશ મળશે.
ગાઝામાં 2023ની સાતમી ઑક્ટોબરે નવીનતમ યુદ્ધની શરૂઆત થઈ ત્યારથી જ પેલેસ્ટાઇનનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ આંતરરાષ્ટ્રીય સમુદાયને હસ્તક્ષેપ કરવાની અને તત્કાળ યુદ્ધવિરામની જાહેરાત કરવાની હાકલ કરી હતી.
તેમની હાકલને આંતરરાષ્ટ્રીય સ્તરે સમર્થન મળ્યું છે, પરંતુ જમીન પર લશ્કરી કાર્યવાહી ચાલુ છે. તેનાથી પેલેસ્ટાઇનનના અનેક લોકોમાં એવી માન્યતા દૃઢ થઈ છે કે આ ક્ષેત્રમાં વ્યાપક યુદ્ધની શક્યતા, શાંતિ પ્રક્રિયાને પુનર્જીવીત કરવાની શક્યતાથી ઘણી બળવતર છે
કાસરા નાજી, બીબીસી ન્યૂઝ, પર્શિયન સંવાદદાતા

ઇમેજ સ્રોત, AFP
સીધા ઈરાનથી જ ઇઝરાયલ પર 200 બૅલેસ્ટિક મિસાઇલ છોડવાનો નિર્ણય ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનાઈ માટે આસાન નહી હોય.
તેઓ સામાન્ય રીતે વગર વિચાર્યે નિર્ણય કરતા નથી. તેઓ “વ્યૂહાત્મક ધૈર્ય”ને અગ્રતા આપતા હોય છે.
જોકે, હિઝબુલ્લાહના નેતૃત્વનું માથું વધેરી નાખવાના ઇઝરાયલના કૃત્યનો જવાબ આપવા માટે તેમના અને તેમની સરકાર પર તેમના જ કટ્ટરપંથીઓ તથા પ્રદેશમાંના પ્રોક્સી લડવૈયાઓનું જોરદાર દબાણ છે.
કટ્ટરપંથીઓ દક્ષિણ બૈરુતમાંના તેમના છૂપાવાના સ્થળે એક મોટા હુમલામાં ટોચના રિવોલ્યુશનરી ગાર્ડ જનરલની હત્યાના બદલા માટે પણ દબાણ કરી રહ્યા છે.
જુલાઈમાં તહેરાનમાં હમાસના નેતા ઇસ્માઇલ હાનિયાની હત્યાનો કોઈ પ્રતિભાવ ન આપ્યો ત્યારે ઈરાનને બહુ મોટું નુકસાન થયું હતું.
હાનિયાનું એક વિસ્ફોટમાં મોત થયું હતું. તેને ઈરાનમાં ઇઝરાયલના ગુપ્તચર એજન્ટોનું કામ વ્યાપક રીતે માનવામાં આવે છે.
જોકે, ઈરાનના સર્વોચ્ચ નેતા જાણે છે કે તેમનો દેશ કોઈ મોટું યુદ્ધ લડી શકે તેમ નથી.
સૈન્યની દૃષ્ટિએ ઈરાન, ઇઝરાયલની તોલે આવી શકે તેમ નથી. ઍર પાવરની દૃષ્ટિએ ઇઝરાયલ સંપૂર્ણ રીતે ઈરાન પર છવાયેલું છે.
ઈરાનની ઍરસ્પૅસ ઇઝરાયલી પ્લેનો માટે એકદમ મોકળી છે. વર્ષોથી અમેરિકાના અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે આર્થિક રીતે ઈરાન પાંગળું બની ગયું છે.
રાજકીય રીતે સરકાર ઈરાનમાં રહેતા લોકોમાં જરાય લોકપ્રિય નથી.
ઈરાન માટે ઘરઆંગણે જ આટલી ગંભીર સમસ્યાઓ છે ત્યારે બહુ ઓછા ઈરાની નાગરિકો ઇઝરાયલ સાથે યુદ્ધને ટેકો આપે તે દેખીતું છે. તેઓ માને છે કે એમ કરવાથી વધારે પ્રતિબંધો લાદવામાં આવશે અને તેનાથી આર્થિક પીડા વધશે. ઘણા લોકો ઇઝરાયલને દુશ્મન દેશ ગણતા નથી.
અલબત, સર્વોચ્ચ નેતાએ એવી આશાએ આ જોખમ લેવું પડ્યું હતું કે સૈન્ય અને ગુપ્તચર ટાર્ગેટ્સ પરના હુમલાથી માત્ર આવી પ્રતિક્રિયા આવી શકે છે, જેનો ઈરાન પોતાની રીતે સામનો કરી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન














