શાહરુખ ખાનના બંગલા ‘મન્નત’ની કહાણી જેમાં તેમના પહેલાં પણ એક સુપરસ્ટારનાં પગલાં પડી ચૂક્યાં હતાં

મન્નતની ટૅરેસ પરથી શાહરુખ ખાન ચાહકોનું અભિવાદન ઝીલે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મન્નતની ટૅરેસ પરથી શાહરુખ ખાન ચાહકોનું અભિવાદન ઝીલે છે
    • લેેખક, યાસિર ઉસ્માન
    • પદ, ફિલ્મ ઇતિહાસકાર, બીબીસી હિંદી માટે

હિન્દી ફિલ્મોના ઇતિહાસનો ભાગ રહેલા બંગલાની સિરીઝમાં અત્યાર સુધી આપણે એવા બંગલાની વાતો કરી જે આજે અસ્તિત્વમાં નથી.

પરંતુ આજે એ બંગલાની વાત કરીશું જે આજના સમયમાં દેશમાં પૉપ્યુલર કલ્ચરનું કદાચ સૌથી મોટું પ્રતીક છે. તેને ભારતના સૌથી પ્રસિદ્ધ સરનામામાંનું એક કહીએ તો પણ કદાચ ખોટું નહીં ગણાય.

27,000 વર્ગ ફૂટમાં વિસ્તરેલો સુપરસ્ટાર શાહરુખ ખાનનો છ માળનો આલિશાન બંગલો મન્નત.

એ જ ’મન્નત’ જેના ટૅરેસ પર ઊભા રહીને શાહરુખ ખાન ઘણી વાર હજારો ફૅન્સની ભીડને સલામ કરે છે.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

બાંદ્રાના લૅન્ડ્સઍન્ડ પર આવેલા બંગલાની વિગત-કથા

27,000 વર્ગ ફૂટમાં વિસ્તરેલો સુપરસ્ટાર શાહરુખ ખાનનો છ માળનો આલીશાન બંગલો – ‘મન્નત’

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 27,000 વર્ગ ફૂટમાં વિસ્તરેલો સુપરસ્ટાર શાહરુખ ખાનનો છ માળનો આલીશાન બંગલો – ‘મન્નત’

લગભગ દોઢસો વર્ષ પહેલાં બૅન્ડસ્ટૅન્ડ ખાતે સમુદ્રની બરાબર સામે મંડીના સોળમા શાસક - રાજા વિજય સેને પોતાનાં પત્ની માટે એક આલિશાન બંગલો બનાવડાવ્યો હતો.

આ બંગલાનું નામ રાખ્યું – વિલા વિએના. તે સમયના મુંબઈમાં એ સૌથી સુંદર બંગલામાંનો એક હતો.

રાજા વિજય સેનના દેહાંત બાદ આ બંગલો મુંબઈના અમીર પારસી બિઝનેસમૅન માણેકજી બાટલીવાલીએ ખરીદી લીધો.

થોડાંક વર્ષો બાદ માણેકજી બાટલીવાલાના પરિવારે વિલા વિએનાની બિલકુલ બાજુમાંની ખાલી પડેલી જમીન ખરીદી અને તેના પર એક બીજો બંગલો બંધાવ્યો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ નવા બંગલાનું નામ 'કીકી મંઝિલ' રાખવામાં આવ્યું, જે તેમના દોહિત્ર કીકૂ ગાંધીના નામ પરથી હતું.

તમને થશે કે આ કીકૂ ગાંધી કોણ હતા? બૉમ્બેના કલાજગત કે આર્ટ કલ્ચરમાં રસ ધરાવનાર માટે કીકૂ ગાંધી ખૂબ મોટું નામ છે.

કીકૂએ શરૂઆતમાં તો પેઇન્ટિંગ માટે ફ્રૅમ બનાવનારી એક ખૂબ જ કામિયાબ કંપની બનાવી હતી, પરંતુ, ત્યાર બાદનાં વરસોમાં બૉમ્બે આર્ટ સોસાયટી, મુંબઈની જાણીતી જહાંગીર આર્ટ ગૅલરી, નૅશનલ ગૅલરી ઑફ મૉડર્ન આર્ટ અને એટલે સુધી કે લલિત કલા અકાદમીની સ્થાપના કરવામાં પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું.

પેઇન્ટિંગ કે આર્ટમાં રુચિ ધરાવતા હોય કે પછી એમએફ હુસૈન, તૈયબ મહેતા, એસએચ રઝા જેવા ઘણા પ્રસિદ્ધ આર્ટિસ્ટ – સૌના માટે તે સમયે મુંબઈમાં બે મહત્ત્વનાં સરનામાં હતાં; અને તે આ જોડિયા બંગલા—કીકી મંઝિલ અને વિલા વિએના હતા.

વર્ષો પછી વિલા વિએના તેમની બહેનના ભાગમાં આવ્યો; અને પછી તો માલિક બદલાતા ગયા અને આખરમાં, રાજા વિજસેને બનાવેલો વિલા વિએના આજના સમયના સુપરસ્ટાર શાહરુખ ખાનના 'સપનાનું ઘર' બન્યો.

પરંતુ, શાહરુખ ખાનનું ઘર બનતાં પહેલાં ફિલ્મોમાં તો તે ઘણા મોટા સ્ટાર્સનું ઘર બની ચૂક્યો હતો.

હકીકતમાં, શાહરુખનો બંગલો બન્યા પહેલાં તેને શૂટિંગ માટે ભાડે અપાતો હતો અને ઘણી જાહેરખબરો, ટીવી સીરિયલ્સ અને ફિલ્મો અહીં શૂટ કરવામાં આવી હતી.

આના સિવાય કોઈ પણ ફિલ્મસ્ટારનો બંગલો નથી, જે હિન્દી સિનેમાની અગણિત ફિલ્મોમાં જોવા મળ્યો હોય.

વિલા વિએનામાં સિતારાઓની ભરમાર

શાહરુખ ખાન પહેલાં ભારતના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાનાં પગલાં ‘મન્નત’ બંગલામાં પડી ચૂક્યાં હતાં (ફાઇલ ફોટો)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શાહરુખ ખાન પહેલાં ભારતના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાનાં પગલાં ‘મન્નત’ બંગલામાં પડી ચૂક્યાં હતાં (ફાઇલ ફોટો)

ફિલ્મ ‘અનાડી’ (1959)માં રાજ કપૂર બાંદ્રા બૅન્ડસ્ટૅન્ડની આસપાસ ફરતાં ફરતાં યાદગાર ગીત ગાય છે: ‘કિસી કી મુસ્કુરાહટોં પે હો નિસાર…’

ગીતની શરૂઆતમાં જ બૅકગ્રાઉન્ડમાં વિલા વિએના દેખાય છે.

ફિલ્મ ‘સફર’ (1970)માં આ જ બંગલો અભિનેતા ફિરોઝ ખાનનું નિવાસસ્થાન હતો.

ફિલ્મ ‘રાજારાની’ (1973)માં રાજેશ ખન્ના ચોરનું પાત્ર ભજવે છે. તેઓ એક રાત્રે ચોરી કરવા માટે જે આલિશાન મકાનમાં ઘૂસે છે તે બંગલો વિએના જ છે.

એટલે કે, શાહરુખની પહેલાં ભારતના પહેલા સુપરસ્ટારનાં પગલાં આ બંગલામાં પડી ચૂક્યાં હતાં.

ફિલ્મ ‘તેજાબ’ (1989)માં તે માધુરી દીક્ષિતનો બંગલો હતો, જેને રિઝવવા માટે અનિલ કપૂર પોતાના મિત્રો સાથે ‘એક દો તીન....’ ગીતમાં આ બંગલાની લૉનમાં નાચે છે.

આમિર ખાનની ‘રાખ’માં પણ આ જ બંગલો છે અને નિર્દેશક શશિલાલ નાયરની ફિલ્મ ‘અંગાર’માં કાદર ખાન જ્યારે 'ગૉડફાધર' જેવું પાત્ર ભજવે છે ત્યારે આ બંગલો પણ જાણે કે એક પાત્ર બની જાય છે.

‘અંગાર’માં કદાચ આ બંગલાના સૌથી વધારે શૉટ્સ જોવા મળે છે.

જન્નતથી મન્નત સુધી

શાહરુખ ખાને પોતાના પહેલા બંગલાનું નામ ‘જન્નત’ રાખ્યું હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શાહરુખ ખાને પોતાના પહેલા બંગલાનું નામ ‘જન્નત’ રાખ્યું હતું

પરંતુ, સૌથી સુંદર સંયોગ છે 1997માં આવેલી ખુદ શાહરુખની ફિલ્મ ‘યસ બૉસ’.

‘બસ ઇતના-સા ખ્વાબ હૈ...’ ગીતમાં શાહરુખ સપનાંની વાતો કરે છે અને બૅકગ્રાઉન્ડમાં દેખાય છે આ જ બંગલો.

આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જ આ બંગલો શાહરુખની નજરમાં વસી ગયો હતો.

સમુદ્રની સામે આવેલું આ વિશાળ ઘર તેમને એક સપના સમું જ લાગ્યું હતું.

1991માં મુંબઈ આવેલા શાહરુખ ખાન પાસે આરંભિક વરસોમાં પોતાનું ઘર નહોતું. તેઓ ક્યારેક નિર્માતા વિવેક વાસવાનીના ઘરે રહ્યા, તો ક્યારેક નિર્દેશક અઝીઝ મિર્ઝાના નિવાસસ્થાને.

પછી સફળતા મળી અને સ્ટાર બન્યા ત્યારે તેમણે કાર્ટર રોડ પર શ્રી અમૃત અપાર્ટમૅન્ટના સાતમા માળે એક ફ્લૅટ ખરીદ્યો.

મુંબઈમાં આ તેમનું પ્રથમ ઘર હતું, પરંતુ, વધતા જતા સ્ટારડમની સાથે સાથે ઇચ્છા પણ એક મોટા ઘરની હતી.

લગભગ પાંચ વર્ષ પછી સપનાનું ઘર હકીકતમાં ફેરવાઈ ગયું. સી-ફૅસિંગ વિલા વિએનાને એક નવો માલિક મળ્યો.

શાહરુખે આ ઘરનું નામ પહેલાં ‘જન્નત’ રાખ્યું હતું, પરંતુ, થોડા સમય બાદ તેને બદલીને ‘મન્નત’ કરી નાખ્યું.

સુપરસ્ટારનાં સપનાં અને સંઘર્ષનો સાક્ષી બંગલો

શાહરુખ ખાનની ફાઇલ તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

શાહરુખ ખાને, વર્ષ 2023માં પોતાનાં પત્નીનાં પુસ્તક ‘માય લાઇફ ઇન ડિઝાઇન’ના લૉન્ચ પ્રસંગે મીડિયાને જણાવેલું :

“અમે આને ખરીદવામાં સફળ તો રહ્યાં, પરંતુ, અમારે તેને ફરીથી બનાવવો પડ્યો, કેમ કે, તે ખૂબ જ જર્જરિત હતો. ત્યારે અમારી પાસે તેને સજાવવા માટેના પૈસા નહોતા બચ્યા. ડિઝાઇનર જેટલા પૈસા માગતા હતા તે હું એક મહિનામાં જેટલું કમાતો એટલા હતા.”

“પછી મેં મારી પત્નીને કહ્યું કે, સાંભળ ગૌરી, તું ઘરની ડિઝાઇનર કેમ નથી બનતી? એટલે હકીકતમાં મન્નતની શરૂઆત આ રીતે થઈ. તેથી અમે વરસો સુધી જે કંઈ પૈસા કમાયાં તેમાંથી અમે ઘર માટે નાની-નાની વસ્તુઓ ખરીદતાં રહ્યાં.”

ત્યાર પછીનાં વરસોમાં શાહરુખે આ બંગલાનો કાયાકલ્પ કરી નાખ્યો. આ બંગલામાં આવ્યા બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જે લોકોને ‘મન્નત’માં જવાની તક મળી તેઓ તેની ભવ્યતાને ક્યારેય ભૂલી નહોતા શકતા.

વિન્ટેજ અને સમકાલીન ડિઝાઇનને સંગોપીને ઊભેલા આ ગ્રૅડ–થ્રી હૅરિટેજ બંગલામાં પંદર બેડરૂમ, જિમ, સ્વિમિંગ પૂલ, બૉક્સિંગ રિંગ, લાઇબ્રેરી અને શાહરુખ ખાનની ઑફિસ પણ છે.

‘મુંબઈ ઇઝ હોમ, જ્યાં મારું સુંદર ઘર છે’

શાહરુખ ખાનના બંગલાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

પાછા વળીને જોઈએ તો બંગલામાં શિફ્ટ થયાના એક વર્ષ પહેલાં જ શાહરુખને મોટો ઝટકો લાગ્યો હતો, તેમની નિર્માતા તરીકેની પહેલી ફિલ્મ ‘ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની’ ફ્લૉપ થઈ હતી.

મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. ત્યાર બાદ ‘જોશ’, ‘વન ટુ કા ફૉર’ અને મહત્ત્વાકાંક્ષી ‘અશોકા’ પણ ફ્લૉપ થઈ.

તે જ સમયે ઋતિક રોશન પોતાની પહેલી ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’થી રાતોરાત મોટા સ્ટાર બની ગયા હતા.

મીડિયામાં કહેવાવા માંડ્યું હતું કે શાહરુખની કૅરિયર ઢાળ પર છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતું છે કે વિલા વિએના ખરીદ્યા બાદ જ તેમને જીવનમાં અભૂતપૂર્વ સફળતા મળી.

એક પછી એક એમ બ્લૉકબસ્ટર ફિલ્મો – ‘કભી કુશી કભી ગમ’, ‘દેવદાસ’, ‘ચલતે ચલતે’, ‘કલ હો ન હો’, ‘મૈં હૂં ના’, ‘વીર ઝારા’ની સફળતાએ તેમને દેશના સૌથી મોટા સ્ટાર બનાવી દીધા.

દરેક ઘર પોતાની સાથે નવું ભાગ્ય લઈ આવે છે. મન્નતે અનેક માનતાઓ પૂરી કરી હતી.

2016માં દિલ્હીમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન મેં શાહરુખને સવાલ પૂછ્યો હતો કે, હજુ પણ તમે દિલ્હીને ઘર માનો છો કે મુંબઈને?

શાહરુખે જવાબ આપેલો, “દિલ્હી આવું છું તો બધી યાદો તાજી થાય છે. મારી આંખ ભીની થઈ જાય છે. પરંતુ, હવે મુંબઈ ઇઝ હોમ, જ્યાં મારું સુંદર ઘર છે”.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.