પાકિસ્તાનમાં કમ્પ્યૂટરના ભંગારમાંથી સોનું કાઢવાનો 'જુગાડ' શું છે?

કરાચી, કચરો, સોનું, પાકિસ્તાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, અહેસાન સબ્ઝ
    • પદ, બીબીસી સંવાદદાતા, કરાચી

ઍસિડથી સળગી ગયેલા કાકાના હાથ સિરાજને કચરામાંથી ‘શુદ્ધ સોનુ’ બનાવવાનું શીખવી રહ્યા હતા. આ કરાચીનો 'શેરશાહ કબાડી માર્કેટ' વિસ્તાર છે. ખૈબર પખ્તુનખ્વાના એક નાનકડા ગામમાંથી સિરાજ મોટાં સપનાં લઈને અહીં આવ્યા હતા.

સિરાજ તેમના ગામથી એવું નક્કી કરીને નીકળ્યા હતા કે કરાચી પહોંચીને તેઓ જે કોઈ કામ શીખશે તેમાં નિષ્ણાત બન્યા બાદ જ ગામ પાછા ફરશે અને પછી પોતાના દોસ્તોને પણ એ જ કામ શીખવશે.

કરોડો લોકોની ભીડવાળા કરાચી શહેરમાં સિરાજને એક નવું કામ મળી પણ ગયું, જેના વિશે તેમણે પહેલીવાર બાળપણમાં સાંભળ્યું હતું. એક જમાનામાં કરાચીના નેપા ફ્લાયઓવર નીચેથી પસાર થતાં ડાબા હાથે એક મોટું મેદાન દેખાતું હતું.

મેદાનની બરાબર વચ્ચે સોના અને ચાંદીના રંગના ડબ્બા જેવા ઇમારતી ઢાંચા હતા. તેના પર મોટા-મોટા બૅનરો લાગેલાં હતાં : ‘કચરો આપો, સોનું લઈ જાઓ.’ એ બૅનર 'ગુલ બહાવ ટ્રસ્ટ' નામના એક વિખ્યાત સ્વયંસેવી સંગઠને લગાવ્યું હતું. આ સંગઠન એ જમાનામાં પોતાની નવીનતા માટે બહુ વિખ્યાત થયું હતું.

કચરાનો અર્થ હતો રોજ ઘરોમાં એકઠો થતો કચરો અને કારખાનાનો ‘વેસ્ટ’.

સોનાનો અર્થ થતો હતો કે એ નિર્માણ ઢાંચાઓ, જેને ગુલ બહાવ એ કચરાની મદદથી બનાવી દેતું હતું.

કરાચી, કચરો, સોનું, પાકિસ્તાન, બીબીસી ગુજરાતી

એ જમાનામાં સિરાજ પહેલીવાર કરાચી આવ્યા ત્યારે તેમની વય માત્ર આઠ વર્ષની હતી.

એક દિવસ પહેલવાન ગોઠ જતી વખતે તેમણે ગુલિસ્તાન કોચની બારીમાંથી એ બૅનર વાચ્યું અને આશ્ચર્ય થયું કે આખરે કચરામાંથી સોનું કઈ રીતે મળી શકે.

એ સમયે તો સિરાજ ગામ પાછા ચાલ્યા ગયા હતા, પરંતુ થોડાં વર્ષ પછી તેમની તેમની પિતરાઈ ભાઈ શાહિદ સાથે ફોન પર વાત થઈ હતી, જેણે જણાવ્યું હતું કે તે કરાચીમાં કચરામાંથી સોનું બનાવે છે.

સિરાજ એ સાંભળીને ઉછળી પડ્યા હતા. “કચરો આપો, સોનું લઈ જાઓ” બેનર તેમની નજર સામે તરવા લાગ્યું હતું. થોડા દિવસ પછી તેઓ તેમના કાકા અલી ગુલના કરાચી ખાતેના ઘરે જઈ પહોંચ્યા હતા.

સીધા-સાદા સિરાજના દિલમાં એવી ધારણા હતી કે તેઓ કચરો એકઠો કરશે, ઢગલાબંધ કચરો એકઠો કરશે અને તેના બદલામાં સોનાની ઈંટ મેળવશે. એ ઈંટને તોડીને ગામના બધા લોકોને સમાન ભાગે વહેંચી આપશે.

જોકે, વાત આટલી સરળ ન હતી.

કરાચી, કચરો, સોનું, પાકિસ્તાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Gul Bahav Trust

શેરશાહ ભંગાર બજાર

કરાચી, કચરો, સોનું, પાકિસ્તાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Ehsaan Sabz

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સિરાજ સાથે મારી મુલાકાત શેરશાહ કબાડી માર્કેટની ભૂલભૂલામણીમાં આવેલા એક ગોદામમાં થઈ હતી. મને પણ એ જ સોનાની તલાશ હતી, જેની શોધમાં સિરાજ કરાચી પહોંચ્યા હતા.

સિરાજ, તેના પિતરાઈ ભાઈ શાહિદ અને તેમના ઉસ્તાદ કાકા સાથે ત્યાં જ મારી વાત થઈ હતી, પરંતુ તેમણે તેમના અસલી નામ જાહેર ન કરવાની વિનંતી કરી હતી.

કોણ જાણે કેમ, પણ પોતાના કામની બાબતમાં એ બધા સંવેદનશીલ હતા અને એટલી હદે સંવેદનશીલ હતા કે તેમણે ફોટોગ્રાફ્સ પણ લેવા ન દીધા અને પોતાના અસલી નામ ન કહેવાની શરતે વાત કરી.

અમે તો માત્ર એટલું જાણવા ઈચ્છતા હતા કે શેરશાહ માર્કેટમાં કમ્પ્યૂટરના કચરામાંથી સોનું કેવી નીકળે છે અને આ કામ કેવી રીતે કરવામાં આવે છે.

ત્યાં સુધી પહોંચવાનું પણ આસાન ન હતું. અનેક કાચા-તૂટેલા રસ્તા અને ગોદામો પસાર કર્યા પછી શટરવાળી એક નાની દુકાન હતી. તેમાં એક કાચું-પાકું મોટું ગોદામ હતું.

છત પર એક મોટી ચીમની લટકતી હતી. તેની નીચે માટી અને ડ્રમથી બનેલા ચૂલા હતા. એક બાજુ સંખ્યાબંધ ડબ્બાઓ પડ્યા હતા અને તેની પાસે લાકડાનો ઢગલો હતો.

આ કબાડની સાથે પ્લાસ્ટિકના સેંકડો રંગબેરંગી ટુકડાનો એક ઢગલો પડ્યો હતો. તેમાંથી મોટાભાગનાનો રંગ લીલો અને બ્લુ હતો. પ્લાસ્ટિકના એ ટુકડાઓ કમ્પ્યૂટર્સનાં વપરાયેલાં મધરબોર્ડ્સ હતાં.

કચરામાંથી સોનું કેવી રીતે નીકળે છે તેની ખબર સિરાજને અહીં પહેલી વખત પડી હતી.

કરાચીના શેરશાહ વિસ્તારમાં આમ તો અલગ-અલગ પ્રકારની ઔદ્યોગિક સામગ્રી અને ઉપયોગમાં લેવાઈ ગયેલો ઘણો સામાન મળે છે, પરંતુ આ સ્થળ વિકસીત દેશોમાંથી આયાત કરવામાં આવેલાં જૂનાં તેમજ નક્કામા કમ્પ્યૂટર્સનું ઠેકાણું પણ છે.

આયાતી કમ્પ્યૂટર્સ પૈકીનાં ઉપયોગમાં લેવાયેલાં, પરંતુ અમુક હદે નવાં હોય તેવા કમ્પ્યૂટર્સને અલગ કરી લેવામાં આવે છે અને સમારકામ તથા જોડતોડ કર્યા બાદ તેને જુદા-જુદા ઠેકાણે વેચવામાં આવે છે.

અલબત, આયાતી કમ્પ્યૂટર્સના જથ્થામાંના જૂના અને ઉપયોગ લાયક ન રહેલા તમામ કમ્પ્યૂટર્સની આખરી મંજિલ શેરશાહનાં ગોદામો હોય છે.

આવા જ ગોદામોમાં કમ્પ્યૂટર્સ ખોલીને તેના પાર્ટસ અલગ કરવામાં આવે છે. પછી એ પૂર્જાઓને તોડીને તેમાંથી તાંબુ, લોખંડ, સોનું અને બીજી ધાતુ કાઢવામાં આવે છે.

કમ્પ્યૂટરમાંથી સોનું કેવી રીતે નીકળે છે?

કરાચી, કચરો, સોનું, પાકિસ્તાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Ehsaan Sabz

જે ગોદામમાં સિરાજને કામ મળ્યું હતું ત્યાં એક ઉસ્તાદ હતા, જે આ કામમાં નિષ્ણાત છે. સિરાજ તેમને ચાચા કહીને બોલાવે છે.

સિરાજ કમ્પ્યૂટર્સનાં જૂનાં મધરબોર્ડ્સ ઉઠાવે છે અને આગની જ્વાળામાં સળગાવીને તેના પર ચીપકેલી પીનો તથા પૂર્જાઓને નરમ કર્યા બાદ તેને પ્લાયર્સથી ખેંચીને અલગ કરી લે છે.

આ કામ કેટલું મુશ્કેલ છે તેનો અંદાજ ઉસ્તાદ ચાચાના હાથને જોઈને મેળવી શકાતો હતો. ચાચાના હાથ પર ઠેકઠેકાણે ઈજા અને દાઝી ગયાનાં નિશાન હતાં.

ચાચાએ લગભગ બે કલાકમાં દોઢસો મધરબોર્ડ્સ સળગાવીને તેમાંથી જરૂરી સામગ્રી ખેંચી કાઢી હતી. તેમની એક તરફ પીન, આઈસી, ટ્રાન્ઝિસ્ટર્સ અને ચિપ્સનો ઢગલો થઈ ગયો હતો.

એ પછી ચાચાએ તે ઢગલામાંની ચીજોને અલગ કરવાનું શરૂ કર્યું. જે પીન અને પૂર્જા પર સોનેરી રંગ હતો તેને ચાચા અલગ કરી રહ્યાં હતાં.

કેટલાક પૂર્જાઓમાંથી તેમણે સોનેરી રંગના બારીક તાર પણ અલગ કરવા પડ્યા હતા. આ પ્રક્રિયાને અંતે સોનેરી તાર, પીનો અને બારીક સ્ટ્રીપ્સનો નાનકડો ઢગલો થઈ ગયો.

એટલામાં શાહિદ કપડાથી ઢાંકવામાં આવેલું એક ઇલેક્ટ્રૉનિક ત્રાજવું લઈ આવ્યો. નાના ઢગલાની સામગ્રીનું વજન ચાર કિલોથી વધુ થયું.

હવે ચૂલાઓમાં આગ પેટાવવાની હતી. ચાચાના કહેવા મુજબ સિરાજ અને શાહિદ બન્ને લાકડાના મોટા કાપેલા ટુકડાઓ લાવ્યા.

એ ટુકડાઓને ચૂલાઓની આજુબાજુ રાખવામાં આવ્યા. આગ ઝડપથી પ્રગટે એટલા માટે પ્રેશર ફૅન લગાવ્યો અને સેકંડોમાં આગ ધધકવા લાગી.

એટલામાં ચાચાએ કહ્યુઃ “હટો, બેટા.” શાહિદના કહેવા મુજબ, ચાચાના હાથમાં ‘સિક્કા’ નામની ધાતુ હતી, જે તેમણે ગરમ ગરમ “અડ્ડા”ઓમાં ઠાલવવાનું શરૂ કર્યું હતું.

ચૂલા એટલા ગરમ થઈ ગયા હતા કે સિક્કા અડ્ડામાં પડતાંની સાથે જ ઉકળવા લાગ્યા હતા. પૂછ્યું ત્યારે ખબર પડી કે તે એક કેમિકલ છે, જેને “સોનું બનાવવાનું તેલ” કહેવામાં આવે છે.

હવે એ ઉકળતા તરલ પદાર્થમાં ચાચાએ આખો દિવસ મહેનત કરીને એકઠો કરેલો સોનેરી કચરો નાખ્યો.

લગભગ અડધા કલાક સુધી લાલ આગ ધધકતી રહી. એ દરમિયાન એક અજબ સુગંધ અનુભવાઈ. અડ્ડામાંથી નીકળતો ધૂમાડો સતત રંગ પણ બદલતો હતો.

ચાચાએ એક અડ્ડામાં ચીપિયો નાખીને જે ચીજ પકડી હતી તે એક પ્લેટ જેવો ટૂકડો બની ગઈ હતી. તેના પર રાખ લાગેલી હતી.

તેમણે તે ગરમાગરમ પ્લેટને નજીકમાં પડેલા પાણી ભરેલા ડબ્બામાં ભીંજવી ત્યારે શ..શ...શ અવાજ સાથે વરાળ નીકળવા લાગી. એવું લાગતું હતું કે ગરમ તેલમાં કોઈએ પાણીવાળા ડૂંગળીના ટુકડા નાખ્યા હોય.

તેમાંથી એ પ્લેટ પાછી કાઢવામાં આવી ત્યારે થોડી સાફ દેખાતી હતી. ચાચાએ કહ્યું, “સિરાજ દેખો, ચક્કી તૈયાર હો ગઈ.”

શાહિદ કાળા રંગનું બૉટલ જેવું એક ડ્રમ બન્ને હાથથી પકડીને કાળજીપૂર્વક એ ગટર પાસે લાવ્યો, જે ચૂલાથી થોડે દૂર પાણીના નળ પાસે જ હતી.

ચાચાએ ચક્કીને સ્ટીલની ટ્રેમાં રાખી. પૂછ્યું ત્યારે ખબર પડી કે ચક્કીને ઍસીડથી સ્ટીલની આ ટ્રેમાં ધોવાનું કારણ એ છે કે સ્ટીલને નમક સિવાયનું બીજું કોઈ પણ કેમિકલ નુકસાન કરી શકતું નથી.

અસલ અને શુદ્ધ સોનું

કરાચી, કચરો, સોનું, પાકિસ્તાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Ehsaan Sabz

ધુમાડો છોડતું નાઈટ્રિક ઍસિડ પડ્યું કે તરત જ ચક્કી પીગળીને તરલ બનવા લાગી. ટ્રેમાંથી ઉઠતો ધુમાડો પણ રંગ બદલતો હતો અને આ વખતે ગંધ જોરદાર હતી, જે સિરાજને નાકમાં ધૂસતી હોવાનું અનુભવાતું હતું.

ચાચાએ પાસે બોલાવીને દેખાડ્યું કે હવે સોનાના કણ સ્ટીલની ટ્રેમાં બેસી રહ્યાં છે અને બાકીની ધાતુઓ ચક્કી પર જ ચોંટેલી છે. સિરાજને પહેલી વખત અસલી સોનું તેની આંખ સામે ઝળકતું જોવાં મળ્યું.

એ પછીનું કામ શાહિદે સંભાળી લીધું હતું. તેણે પાણીથી તરલ બનેલા એક હિસ્સાને ગટરમાં વહાવી દીધો અને બાકી ટુકડાઓ એક તરફ રાખી દીધા. એ ટુકડાઓમાં જે ધાતુઓ છે તેને બાદમાં અલગ કરવામાં આવશે. એ કિંમતી હશે, પરંતુ તેની કિંમત સોના જેટલી નહીં હોય.

નીચે ટ્રેમાં સોનેરી કણ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. એ પછી તે કણોને વધુ બે-ત્રણ રંગબેરંગી કેમિકલ્સ વડે કાળજીપૂર્વક ધોવામાં આવ્યાં હતાં.

ગટરમાં વહાવતી વખતે એક પણ કણ ઉપયોગમાં લેવાયેલા કેમિકલ સાથે ચાલ્યું ન જાય તેની કાળજી રાખવામાં આવી હતી. આ વખતે દરેક કણ વધારે સોનેરી દેખાતા હતા.

એ પછી ચાચા ખટાલી એટલે કે સોનુ-ચાંદી પીગળાવવા માટે ઉપયોગમાં લેવાતી એક નાની પ્યાલી લઈને આવ્યા. ખટાલી પ્રાણીઓની ચરબી, હાડકાની રાખ અથવા તો માટીમાંથી બનાવવામાં આવે છે. તે ઊંચા તાપમાનમાં પણ ઓગળતી નથી.

શાહિદ પાસેથી લઈને ચાચાએ સોનાના કણ કાળજીપૂર્વક ખટાલીમાં નાખ્યા અને લગભગ 20 મિનિટ સુધી ઊંચી આગ પર તેને ઉકાળતા રહ્યા.

એ દરમિયાન તેઓ એક ચીપિયાની મદદથી ખટાલીને બહાર કાઢતા હતા અને તેના પર નમક નાખતા હતા, જેથી સોનાના કણ ખટાલીની સપાટી પર ચોંટી ન જાય.

આગ બહુ તેજ થઈ ચૂકી હતી. સળગતા અંગારા વચ્ચે ગૂમ થઈ ગયેલી ખટાલીને થોડી વધુ મિનિટો પછી ચીપિયાથી ઉઠાવીને ચાચાએ બહાર કાઢી લીધી અને કુંડા જેવા વાસણમાં ઠાલવી નાખી.

એક ચમકતો દમકતો, ગરમાગરમ, ઈંડાના આકારનો ટુકડો વાસણમાં પડ્યો. ચાચાએ તે ટુકડાને ચીપિયાથી ઉઠાવીને પાણી ભરેલી ડોલમાં નાખીને ઠંડો કરી નાખ્યો.

એ હતું સોનું..શુદ્ધ સોનું, જે કચરામાંથી નીકળ્યું હતું. સિરાજની નજર સામે નીકળ્યું હતું. સિરાજને તે કામ સારું લાગ્યું.

તે રોજ ચાચા સાથે આવીને ગોદામમાં આ કામ કરવા ઈચ્છે છે, પરંતુ જાણે છે કે આ કામ ગામમાં થઈ શકે તેમ નથી. ગામમાં બધું છે, પરંતુ મધરબોર્ડ નથી. સોનું બનાવી શકાય એવો કચરો નથી.

કરાચીમાં ઇલેક્ટ્રૉનિક્સ કચરા(ઈ-વેસ્ટ)માંથી સોનું કાઢતા લોકોને સોનીઓ સાથે ગાઢ સંબંધ છે.

આ ફૅક્ટરીઓમાંથી નીકળતાં સોનાનું સોનીઓ પરીક્ષણ કરે છે અને નક્કી કરે છે કે તે કેટલા કૅરેટનું છે. એ પછી તેનો એ દિવસના બજાર ભાવના હિસાબે સોદો કરવામાં આવે છે.

આ સોદામાંથી મળતા પૈસામાંથી ફૅક્ટરીનો માલિક પોતાનો હિસ્સો રાખીને બાકીના પૈસા મજૂરોને મજૂરી પેટે ચૂકવી આપે છે. એમાંથી એક હિસ્સો કાચા માલ, કેમિકલ્સ અને લાકડાં ખરીદવા માટે પણ અલગ રાખવામાં આવે છે.

મધરબોર્ડ ક્યાંથી આવે છે

કરાચી, કચરો, સોનું, પાકિસ્તાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Ehsaan Sabz

પાકિસ્તાન દર વર્ષે સરેરાશ 954 ટન ઈ-વેસ્ટની આયાત કરે છે, જ્યારે કે 433 ટન ઈ-વેસ્ટ દેશમાં જ પેદા થાય છે.

બ્રિટન, કૅનેડા, અમેરિકા, ઑસ્ટ્રેલિયા, સંયુક્ત આરબ અમિરાત, ઈરાન, હૉંગકૉંગ, જર્મની, સ્પેન, કોરિયા, થાઈલૅન્ડ જેવા વિકસીત દેશો અને કેટલાક આરબ દેશોમાં ઈ-વેસ્ટનું લિલામ થાય છે.

એ પછી ઈ-વેસ્ટને પાકિસ્તાન, ભારત, બાંગ્લાદેશ અને કેટલાક આફ્રિકન દેશો જેવા વિકાસશીલ દેશોમાં મોકલી આપવામાં આવે છે.

યુરોપ, બ્રિટન, સંયુક્ત આરબ અમિરાત અને સાઉદી અરેબિયાથી પૉર્ટ મારફત આવતા આ સામાનને પાકિસ્તાન પહોંચાડવા માટે પાકિસ્તાન સરકાર પાસેથી નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ લેવું પડે છે.

એ પછી આ સામાન કરાચીના ઇન્ટરનેશનલ ટર્મિનલ પર પહોંચે છે. ટર્મિનલથી કન્ટેનર્સ મારફત કરાચીની શેરશાહ કબાડી માર્કેટમાં અને ત્યાંથી શહેરમાં અલગ-અલગ ઠેકાણે બનેલી માર્કેટ્સમાં પહોંચે છે.

આયાતી ઈ-વેસ્ટની તપાસ પછી તેને એ, બી, સી અને ડી એમ ચાર કૅટેગરીમાં વહેંચવામાં આવે છે.

એ તથા બી કૅટેગરીમાં સંપૂર્ણપણે ઍક્ટિવ ડિવાઈસ હોય છે, જે એ જ સ્થિતિમાં સસ્તા ભાવે વેચવામાં આવે છે. સી કૅટેગરીમાં સમારકામની જરૂર હોય તેવી ડિવાઈસ હોય છે, જ્યારે ડી કૅટેગરીમાં જે ડિવાઈસ હોય છે તેમાંથી માત્ર કિંમતી સામાન કાઢી લેવામાં આવે છે અને બાકીનો સ્ક્રૅપ ડીલર્સ લઈ જાય છે.

આ ડી કૅટગરીનો માલ વાસ્તવમાં ઈ-વેસ્ટ તરીકે વેચવામાં આવે છે.

ઈ-વેસ્ટનો ધંધો કેટલો મોટો છે?

પાકિસ્તાનમાં ઈ-વેસ્ટની ગેરકાયદે આયાત, અસંગઠિત રિસાયકલિંગ અને અસલામત રીતે પ્રોસેસિંગમાં સતત વધારો થઈ રહ્યો છે.

કરાચી, લાહોર, પેશાવર, રાવલપિંડી અને ફેસલાબાદમાં ઈ-વેસ્ટનું રિસાયકલિંગ અને ડમ્પિંગ સતત કરવામાં આવી રહ્યું છે.

કરાચીના એક ઈ-વેસ્ટ ડિલરના જણાવ્યા મુજબ, શેરશાહ માર્કેટમાં સંખ્યાબંધ લોકો ઈ-વેસ્ટનું કામ કરે છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે.

આ હકીકત દર્શાવે છે કે ઈ-વેસ્ટનું રિસાયકલિંગ એક મોટો ઉદ્યોગ બની ગયું છે, પરંતુ ઈ-વેસ્ટના રિસાયકલિંગની કોઈ સંગઠિત વ્યવસ્થા નથી.

એક ડીલરે જણાવ્યું હતું કે કરાચી પછી પેશાવર, ગુજરાંવાલા, લાહોર અને ફેસલાબાદ ઈ-વેસ્ટનાં માર્કેટ તરીકે ઉભરી રહ્યાં છે.

શેરશાહ માર્કેટના જ એક ડિલરે જણાવ્યું હતું કે આ કામમાં નાના-મોટા ડિલર્સથી માંડીને મોટી મોટી કંપનીઓનો પણ સમાવેશ થાય છે.

ડીલર અને ગોદામના માલિકો આ ધંધામાં પોતાના નામ સાથે આવે છે, પરંતુ ઘણી વખત તેમની પાછળ મોટા ધંધાર્થી જૂથો હોય છે, જે કાયદા અનુસારના ઈ-વેસ્ટ ડમ્પિંગના ખર્ચથી બચવા માટે આ લોકોની મદદ લેતા હોય છે.

મહત્ત્વની બીજી વાત એ પણ છે કે ઈ-વેસ્ટ બહુ સસ્તા ભાવે મળતો હોવાને કારણે અનેક અપ્રશિક્ષિત લોકો અને સ્ક્રૅપનું કામ કરતા ગોદામ માલિકો પણ તેના ભણી આકર્ષાયા છે.

તેઓ બીજાં કામો છોડીને આ કામ તરફ ખેંચાઈ આવે છે. આ કામમાં નફો વધારે છે એટલું જ નહીં, પરંતુ પૈસા તરત મળી પણ જાય છે.

જોકે, ઈ-વેસ્ટ સંબંધી નુકસાનની એક સમસ્યા પણ છે.

ઇ-વેસ્ટનો વ્યાપાર કેટલો મોટો છે

કરાચી, કચરો, સોનું, પાકિસ્તાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Ehsaan Sabz

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા મુજબ, ઈ-વેસ્ટના રિસાયકલિંગ દરમિયાન નીકળતો ઝેરીલો ગૅસ, કેમિકલ્સ તથા આર્સેનિક, સીસું, રિયમ ઑક્સાઈડ, ફૉસ્ફરસ અને નિકલ જેવી ધાતુઓ તેમજ બીજાં ઝેરીલાં તત્ત્વો પર્યાવરણ તથા માનવસ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ છે.

કરાચીના ડૉ. મંસૂર અલીના કહેવા મુજબ, ઈ-વેસ્ટને કારણે અનેક બીમારીઓ થાય છે. તેમાં શ્વાસ ચડવો, ફેફસાંની બીમારીઓ, બાળકોના શારીરિક વિકાસમાં કમી, માંસપેશીઓની સમસ્યા, આંતરડામાં સોજો, શ્વાસની સમસ્યાઓ, ત્વચાની બીમારીઓ, પેટની સમસ્યા અને આંખોમાં ઇન્ફૅક્શનનો સમાવેશ થાય છે.

ઈ-વેસ્ટમાંથી નીકળતાં તત્ત્વો ગર્ભવતી મહિલાઓ માટે પણ બહુ ખતરનાક છે. તેનાથી થતી બીમારીઓનો શિકાર મોટાભાગે આ મજૂરો તથા ખાસ કરીને બાળકો થાય છે, જેઓ અસંગઠિત રિસાયકલિંગના ધંધામાં પ્રત્યક્ષ રીતે સંકળાયેલાં હોય છે.

ડૉ. અલ્વીના જણાવ્યા મુજબ, આ કામ દરમિયાન કૅન્સરનું જોખમ પણ વધી જાય છે. મોટાભાગે મજૂર વર્ગ બીમારીઓનો શિકાર થાય છે, કારણ કે તેમને પીવાનું સ્વચ્છ પાણી અને સારી ગુણવત્તાનો આહાર પહેલાંથી જ મળતો નથી. ઈ-વેસ્ટમાં ઝેરીલાં અને કિંમતી બન્ને તત્ત્વો સામેલ હોય છે, પરંતુ કિંમતી તત્ત્વો માણસની જિંદગીના મૂલ્યના ભોગે કાઢવામાં આવે છે.

પર્યાવરણ નિષ્ણાત અહસન તનવીરના કહેવા મુજબ, ઈ-વેસ્ટના પ્રોસેસિંગમાં એક સામાન્ય અને એક રીતે ગેરકાયદે તકનીક ઉપયોગ થાય છે. તેમાં ઓપન બર્નિંગ એટલે કે ખુલ્લી જગ્યામાં સામગ્રીને સળગાવવાનો અને તેને ઍસિડમાં ગાળવાનો સમાવેશ થાય છે. આ બન્ને અત્યંત ખતરનાક છે.

તેમણે ઉમેર્યું હતું કે આ બન્નેથી માત્ર ઝેરીલો ગૅસ નીકળે છે એટલું નહીં, પરંતુ કોઈ ભૂલ થાય તો મોટા વિસ્ફોટનું જોખમ પણ હોય છે.

સીસા અને ઝિંક જેવી ભારે ધાતુઓ હવામાં ધૂમાડો બનીને ઉડે છે, જે શ્વાચ્છોશ્વાસની પ્રક્રિયા દરમિયાન શરીરમાં દાખલ થઈ શકે છે અને સ્વાસ્થ્ય માટે ગંભીર સમસ્યાઓ પેદા કરી શકે છે.

ખાસ કરીને આવા માહોલમાં સતત રહેતાં મજૂરો અને બાળકો આ ગૅસનો સૌથી વધારે શિકાર થાય છે.

ઈ-વેસ્ટની આરોગ્ય અને પર્યાવરણ પર અસર

કરાચી, કચરો, સોનું, પાકિસ્તાન, બીબીસી ગુજરાતી

અહસન તનવીરના જણાવ્યા અનુસાર, કરાચીમાં કરવામાં આવેલા કેટલાક સર્વેના તારણ મુજબ શહેરની હવા અને માટીમાં ઝિંક અને સીસા જેવી ધાતુઓનું પ્રમાણ ખતરનાક હદ કરતાં પણ વધારે છે.

તેઓ કહે છે,“આ ધાતુઓના કારણે સામાન્ય લોકોના સ્વાસ્થ્યને નુકસાન થવા ઉપરાંત વાતાવરણને પણ નુકસાન થાય છે. હવામાં આ ધાતુઓના વધારે પ્રમાણની અસર કેટલીક હદે મોસમ પર પણ થઈ રહી છે.”

જોકે, સિરાજ અને શાહિદ આ કામ સાથે જોડાયેલાં સ્વાસ્થ્ય સંબંધી જોખમો તથા તેની ગંભીરતાથી અજાણ છે. આર્થિક મજબૂરીને કારણે તેઓ આ જોખમ લેવા તૈયાર હોય છે.

સિરાજે કહ્યું હતું, “અમને કોઈ ફરક પડતો નથી. કશું નહીં થાય. કંઈ થવાનું હોત તો શાહિદ કે ચાચાને ક્યારનું થઈ ગયું હોત. તમે કહો, એ બન્ને બરાબર છે ને? ચાચાને ઈજા થાય છે, પરંતુ તેઓ હાથ પર મલમ લગાવે છે ત્યારે આરામ થઈ જાય છે અને ધુમાડો વધારે હોય ત્યારે અમે મોં પર કપડું બાંધી લઈએ છીએ.”

“હવે હું બહાર જઈને કોઈ અન્ય કામ કરીશ તો અલગથી ખર્ચ થશે. આવવા-જવાનું ભાડું પણ ચૂકવવું પડશે. આમ પણ રોજમદાર તરીકે મુશ્કેલીથી કામ મળે છે. આખું શહેર મજૂરોથી ભરચક છે. આ હુનર છે, દરેક માણસ એ કરી શકે તેમ નથી. વળી અહીં હું મારા લોકોની સાથે છું.”

સિરાજે ઉમેર્યું હતું, “કામ સારી રીતે શીખી લઈશ ત્યારે મજૂરી કરતાં વધારે કમાણી કરીશ. બાકી અમે તો ઠંડા પ્રદેશના લડવૈયા લોકો છીએ. આ ધુમાડો અમારું કશું બગાડી શકે તેમ નથી.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.