ભારત-પાકિસ્તાનની એ પાંચ મૅચ, જેણે દર્શકોના શ્વાસ અધ્ધર કરી દીધા

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મૅચ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, વિધાંશુકુમાર
    • પદ, બીબીસી માટે

"મૅચ અગાઉ આખી રાત હું ઊંઘી શક્યો નહોતો, એ દર્શાવે છે કે અમારા પર કેટલું દબાણ હતું, અને કદાચ મૅચની તૈયારી પણ એ જ રીતે કરી રહ્યો હતો."

2003ના વર્લ્ડકપમાં પાકિસ્તાન સામેની મૅચ અંગે સચીન તેંડુલકરે આ વાત કરી હતી.

જોકે એ મૅચ ભારત આસાનીથી જીતી ગયું હતું અને સચીને ક્યારેય ન ભુલાય તેવી 98 રનની શાનદાર ઇનિંગ ખેલી હતી, પરંતુ સચીનના નિવેદને ચાહકોને વિચારતા કરી દીધા હતા કે ભારત-પાકિસ્તાનની મૅચોમાં ખેલાડીઓ પર કેટલું દબાણ હોય છે.

તો પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે વર્ષ 2006માં કરાચી ટેસ્ટનો એક કિસ્સો વર્ષ 2022માં મીડિયાને જણાવ્યો હતો. આ કિસ્સામાં તેઓ કહે છે કે મૅચ સમયે ખરેખર સચીનને બૉલથી હિટ કરીને તેમને ઘાયલ કરવાનું મન થઈ રહ્યું હતું.

ભારત અને પાકિસ્તાનની મૅચોમાં રોમાંચ ચરમસીમાએ હોય છે અને ચાહકોમાં પણ જબરો ઉત્સાહ હોય છે. એવું માનવામાં આવે છે કે જીતનારી ટીમોનાં ઘરે ફટાકડા ફૂટે છે અને હારનારી ટીમોના ચાહકોનાં ઘરોમાં ટીવી તૂટે છે.

તો આવો જાણીએ ભારત-પાકિસ્તાનની મૅચના આવા જ પાંચ કિસ્સા, જે રોમાંચથી ભરપૂર છે.

કરાચી વનડે, 2004

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મૅચ

ઇમેજ સ્રોત, Getty Images

સૌથી પહેલાં તો હું કરાચીમાં રમાયેલી પહેલી વનડે મૅચનો ઉલ્લેખ કરીશ, જેને મેં પણ કવર કરી હતી.

2004માં અંદાજે 25 વર્ષ બાદ ભારતીય ટીમ પાકિસ્તાનમાં આખી સિરીઝ રમવા આવેલી હોવાથી દર્શકોમાં ભારે ઉત્સાહ હતો.

આ ઐતિહાસિક સમયની પહેલી મૅચને જોવા માટે સીમા પાર ભારતથી પણ જાણીતા નેતા, અભિનેતા, કલાકારો અને ખેલાડીઓ પહોંચ્યા હતા.

દર્શકોનો શોરબકોર અને હૂટિંગ, ખેલાડીઓનો જોશ અને ઉત્સાહ એટલો હતો કે પોતાની સીટ પર બેસવું પણ મુશ્કેલ હતું. આવા માહોલમાં એ મૅચમાં 700 આસપાસ રન થયા હતા.

ભારતે પહેલા બેટિંગ કરતાં 349 રન કર્યા હતા, વીરેન્દ્ર સેહવાગે ધમાકેદાર 79 અને રાહુલ દ્રવિડે 99 રનનું યોગદાન આપ્યું હતું. જવાબમાં પાકિસ્તાને 34 રનમાં બંને ઓપનાર ગુમાવી દીધા હતા, પરંતુ ઇંઝમામ-ઉલ-હકની શાનદાર સદીથી પાકિસ્તાને મૅચ જાળવી રાખી હતી.

અંતિમ ઓવરમાં પાકિસ્તાનને 9 રનની જરૂર હતી, પરંતુ આશિષ નેહરાએ શાનદાર બૉલિંગ કરી, જેના કારણે પહેલા પાંચ બૉલમાં માત્ર ત્રણ રન બની શક્યા.

મૅચના અંતિમ બૉલે મોઈન ખાને સિક્સર મારવાની કોશિશ કરી, પણ બાઉન્ડરી પર ઝહીર ખાને કૅચ ઝડપી લીધો. ભારત આ મૅચ પાંચ રનથી જીતી ગયું.

બીબીસી ગુજરાતી

શારજાહ વનડે, 1986

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મૅચ

ઇમેજ સ્રોત, Getty Images

અંતિમ બૉલે પણ સિક્સર મારીને મૅચ જીતી શકાય તેનું ઉદાહરણ જાવેદ મિયાંદાદે 38 વરસ પહેલાં શારજાહમાં આપ્યું હતું.

ઑસ્ટ્રેલેશિયા કપની ફાઇનલમાં ભારતે પહેલા બેટિંગ કરીને 50 ઓવરમાં 245 રન કર્યા. ગાવસ્કરે સૌથી વધુ 92 રન અને શ્રીકાંત અને વેંગસરકરે અર્ધ સદી ફટકારી હતી.

જવાબમાં પાકિસ્તાનની વિકેટ એક તરફથી પડતી રહી, પરંતુ સામે છેડે જાવેદ મિયાંદાદ જામીને બેટિંગ કરી રહ્યાં હતાં. મૅચના અંતિમ બૉલે પાકિસ્તાનને ચાર રન કરવાના હતા.

કૅપ્ટન કપિલ દેવે બૉલર ચેતન શર્માને કહ્યું કે ઍૅક્ટ્રા ન નાખવા.

શર્મા ત્રણ વિકેટ લઈ ચૂક્યા હતા, તેમણે યૉર્કર નાખવાનો પ્રયાસ કર્યો પણ બૉલ ફૂલ ટૉસ થઈ ગયો અને મિયાંદાદે મિડવિકેટની ઉપરથી સિક્સર મારી.

આ ટી-20 અગાઉનો સમય હતો જ્યારે પાંચ રન પ્રતિઓવર મોટો સ્કોર ગણાતો હતો અને બાઉન્ડરી મારવી એટલું સરળ નહોતું.

ભારતીય ટીમ સમજી ન શકી કે શું થયું અને જાવેદ મિયાંદાદ ક્રિકેટના સુપરસ્ટાર બની ગયા.

તમને આ વાંચવું પણ ગમશે

ઢાકા વનડે, 1998

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મૅચ

ઇમેજ સ્રોત, Getty Images

ઇન્ડિપેન્ડન્સ કપની ત્રીજી અને નિર્ણાયક ફાઇનલમાં ફરી એક વાર ભારત અને પાકિસ્તાન સામસામે હતા. 48 ઓવરની આ મૅચમાં પાકિસ્તાનના સઈદ અનવરે 140 અને એઝાઝ અહમદે 117 રનની મદદથી 314 રનનો મોટો સ્કોર ખડક્યો હતો.

સૌરવ ગાંગુલીએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા પહેલી વિકેટ માટે સચીન સાથે 71 રનની ભાગીદારી કરી હતી. બીજી વિકેટ માટે તેમણે રૉબિનસિંહ સાથે 179 રનની ભાગીદારી કરી હતી.

સૌરવ ગાંગુલી 124 રન કરીને 43મી ઓવરમાં આઉટ થઈ ગયા. તેમના આઉટ થયા બાદ પણ પાંચ ઓવરમાં 40 રનની જરૂર હતી. અંતિમ ઓવરોમાં મેદાનમાંથી પ્રકાશ આછો થઈ ગયો હતો અને ભારત માટે રન કરવા મુશ્કેલ જણાતા હતા.

જોકે મૅચની અંતિમ ઓવરની પાંચમા બૉલે કાનિટકરે ચોગ્ગો ફટકાર્યો અને ભારત ટ્રૉફી જીતી ગયું.

આ પણ વાંચો

ડરબન ટી20, 2007

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મૅચ

ઇમેજ સ્રોત, Getty Images

2007માં પહેલી ટી-20 વર્લ્ડકપની લીગ મૅચમાં ડરબનમાં ભારતે પાકિસ્તાનનો સામનો કર્યો હતો. પહેલા બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 141 રન કર્યા હતા. પાકિસ્તાન માટે આ સ્કોર મુશ્કેલ નહોતો લાગતો, પણ ભારતની ચુસ્ત બૉલિંગ સામે તેનો સ્કોર 141 પર આવીને રોકાઈ ગયો.

હવે મૅચનો નિર્ણય 'બૉલ-આઉટ'થી થવાનો હતો. એક રીતે આ ફૂટબૉલના પેનલ્ટી શૂટઆઉટ જેવું હતું. જેમાં બૉલરે સ્ટમ્પ પર નિશાન સાધવાનું હોય છે અને સામે કોઈ બૅટ્સમૅન નથી હોતો.

ભારતના વીરેન્દ્ર સેહવાગ, હરભજનસિંહ અને રૉબિન ઉથપ્પા- ત્રણેયનું નિશાન સચોટ લાગ્યું હતું, પણ પાકિસ્તાન તરફથી યાસિર અરાફાત, ઉમર ગુલ અને શાહીદ આફ્રિદી ત્રણેય નિશાન ચૂકી ગયા હતા. આ રીતે ભારતે આ મૅચ બૉલ-આઉટમાં 3-0થી જીતી લીધી. શું તમને લાગે છે કે બૉલ-આઉટ રોમાંચક રીત હતી અને તેને પાછી લાવવી જોઈએ?

વિશાખાપટ્ટનમ વનડે, 2005

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મૅચ

ઇમેજ સ્રોત, Getty Images

2004માં પાકિસ્તાન પ્રવાસ પછીના વર્ષે પાકિસ્તાનની ટીમ ભારતમાં આવી હતી. વનડે સિરીઝની બીજી મૅચ વિશાખાપટ્ટનમાં રમાઈ હતી અને આ મૅચમાં ભારતને એક નવો હીરો મળ્યો હતો.

પહેલા બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 356 રન કર્યા. મૅચના હીરો હતા યુવા વિકેટકીપર-બૅટ્સમૅન મહેન્દ્રસિંહ ધોની. આ મૅચમાં ધોનીએ ત્રીજા નંબરે બેટિંગ કરીને 123 બૉલમાં 148 રન કર્યા હતા.

આ મૅચ મેં કવર કરી હતી અને હજુ પણ મારા મનમાં ધોનીની લાંબી સિક્સર ગૂંજી રહી છે.

આ સ્ટેડિયમમાં દર્શકોની અનેક ખુરશીઓ વાંસના મંડપોથી ઢંકાયેલી હતી અને ધોની જ્યારે બૉલને ફટકારતા હતા ત્યારે એવો અવાજ આવતો હતો, જાણે કે ગોળી છૂટી હોય!

ધોનીએ એ મૅચમાં ચાર છગ્ગા અને પંદર ચોગ્ગા માર્યા અને પોતાની પહેલી સદી પૂરી કરી હતી. પાકિસ્તાનની ઇનિંગ 298 રનમાં સમેટાઈ હતી, પરંતુ આ મૅચમાં દુનિયાએ જોયું કે ધોની કેવી રીતે બૉલરોની દુર્દશા કરી શકે છે.

તમને આ વાંચવું પણ ગમશે
બીબીસી