ભારત-પાકિસ્તાન ક્રિકેટ : જ્યારે ભારતીય કૅપ્ટને પાકિસ્તાની ફાસ્ટ બૉલરનો જીવ બચાવ્યો

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GETTY IMAGES

    • લેેખક, વંદના
    • પદ, સીનિયર ન્યૂઝ એડિટર, એશિયા ડિજિટલ

ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મૅચોને અનેક રંગમાં રંગવામાં આવે છે. આવી મૅચોને મોટાભાગે સૌથી મોટી ટક્કર તરીકે રજૂ કરવામાં આવે છે.

બન્ને દેશો વચ્ચે બરાબરીનો મુકાબલો થાય છે અને ખેલાડીઓ વચ્ચે બોલાચાલી પણ થાય છે, તેમાં કોઈ શંકા નથી, પરંતુ મેદાન પરની જંગથી અલગ ભારત અને પાકિસ્તાની ખેલાડીઓ વચ્ચેના સંબંધોના પણ અનેક રંગ છે.

આ સંબંધ 1947 પહેલાંથી, ભારતનું વિભાજન થયું ન હતું ત્યારથી યથાવત્ રહ્યો છે.

આઝાદી પહેલાં એક જ ભારતીય ટીમ હતી, જે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત માટે રમતી હતી. તેમાં લાલા અમરનાથ, સી કે નાયડુ, અબ્દુલ હફીઝ કારદાર, ફઝલ મહમૂદ, અમીર ઈલાહી અને ગુલ મોહમ્મદ જેવા ખેલાડીઓ હતા.

અબ્દુલ હફીઝ કારદાર, અમીર ઈલાહી અને ગુલ મોહમ્મદ તો ભારત તથા પાકિસ્તાન બન્ને તરફથી રમ્યા હતા.

અહીં લાહોરના બૉલર ફઝલ મહમૂદનો ઉલ્લેખ જરૂરી છે. તેમને પાકિસ્તાન ક્રિકેટના પહેલા પોસ્ટરબોય્ઝ પૈકીના એક માનવામાં આવે છે.

ભારતની સાથે સાથે ક્રિકેટરોના પણ રાતોરાત ભાગલા પડી ગયા

પાકિસ્તાની ક્રિકેટના પોસ્ટરબૉય – ઇંગ્લૅન્ડ વિરુદ્ધ એક મૅચમાં ફઝલ મહમૂદ

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાની ક્રિકેટના પોસ્ટરબૉય – ઇંગ્લૅન્ડ વિરુદ્ધ એક મૅચમાં ફઝલ મહમૂદ

1947માં ઑસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ભારતીય ટીમની પસંદગી થવાની હતી. રાય સિંહ, લાલા અમરનાથ, ફઝલ મહમૂદ બધા ધર્મોના ખેલાડી ટ્રાયલમાં હતા. 19 વર્ષની વયના ફઝલ મહમૂદની પસંદગી ટીમ માટે થઈ ગઈ હતી, પરંતુ એ પછી જે થયું તે ઐતિહાસિક હતું.

પોતાની આત્મકથા ‘ડોન ટુ ડસ્ક’માં ફઝલ મહમૂદ લખે છે, “મને થોડા મહિના પહેલાં જ જણાવી દેવામાં આવ્યું હતું કે મારે 1947ની 15 ઑગસ્ટે લાહોરથી પૂણે ટ્રેનિંગ કૅમ્પમાં જવાનું છે. આગલા દિવસે, 14 ઑગસ્ટે હું લાહોરમાં હતો, પરંતુ ત્યાં સુધીમાં વિભાજન થઈ ગયું હતું. વિભાજન પછી લાખો લોકો પલાયન કરી રહ્યા હતા ત્યારે હું લાહોરથી પૂણે જઈ રહ્યો હતો. પંજાબ હુલ્લડમાં સળગી રહ્યું હતું. એ પ્રવાસ બહુ ખતરનાક હતો.”

વાસ્તવમાં પ્રારંભિક યોજના મુજબ, ભારતને આઝાદી બાદમાં મળવાની હતી. તેથી ભારતના ક્રિકેટ ટીમ પસંદગીકર્તાઓ નવી પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર ન હતા.

1954 – વિભાજન બાદ પ્રથમ વખત ઇંગ્લૅન્ડના પ્રવાસે પહોંચી પાકિસ્તાની ટીમ

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, 1954 – વિભાજન બાદ પ્રથમ વખત ઇંગ્લૅન્ડના પ્રવાસે પહોંચી પાકિસ્તાની ટીમ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ફઝલ મહમૂદ તેમની આત્મકથામાં લખે છે, “આખરે 1947નો ઇન્ડિયા કૅમ્પ પડતો મૂકવામાં આવ્યો હતો. મારી સામે પડકાર એ હતો કે કોમી હુલ્લડ વચ્ચે પૂણેથી મારા ઘર લાહોર સુધી કેવી રીતે પહોંચવું, જે હવે પાકિસ્તાનનો હિસ્સો બની ચૂક્યું હતું? હું પૂણેથી ટ્રેનમાં બૉમ્બે પહોંચ્યો. મારી સાથે સી કે નાયડુ પણ હતા. કેટલાક કટ્ટરપંથીઓની નજર ટ્રેનમાં મારા પર પડી હતી. તેઓ મને નુકસાન પહોંચાડવા ઇચ્છતા હતા, પરંતુ સી કે નાયડુએ મને બચાવી લીધો હતો. તેઓ બધાની સામે બૅટ હાથમાં લઈને ઊભા થઈ ગયા હતા અને બધાને મારાથી દૂર રહેવા કહ્યું હતું.”

સી કે નાયડુ અવિભાજિત ભારતના પહેલા કૅપ્ટન હતા અને દિગ્ગજ ખેલાડીઓ પૈકીના એક હતા. તેમના નામે એક પુરસ્કાર, કર્નલ સી કે નાયડુ લાઈફટાઈમ અચિવમૅન્ટ ઍવૉર્ડ, આપવામાં આવે છે.

વિભાજન પછી 1952માં પાકિસ્તાની ટીમ પહેલીવાર ભારતના પ્રવાસે આવી હતી. એ દૌરમાં લાલા અમરનાથ અને અબ્દુલ હાફીઝ કારદાર જેવા અનેક ખેલાડીઓ હતા, જેઓ અવિભાજિત ભારતમાં સાથે રમતા હતા, લાહોરના મિન્ટો પાર્કમાં સાથે પ્રૅક્ટિસ કરતા હતા.

કહેવાય છે કે પાકિસ્તાની ટીમ આવી ત્યારે તેને લેવા લાલા અમરનાથ જાતે ગયા હતા.

એ પછી ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓનું આવવા-જવાનું ચાલુ રહ્યું તેમજ દોસ્તીને કિસ્સા પણ બનતા રહ્યા. પછી ભલે એ ઇમરાન ખાન અને સુનીલ ગાવસ્કરના અંગત સંબંધ હોય કે પછી જાવેદ મિયાંદાદ અને દિલીપ વેંગસરકર વચ્ચેનો સંબંધ.

ભારત અને પાકિસ્તાનની ટીમોએ સાથે મળીને હોળી રમી

1933. ઇંગ્લૅન્ડ વિરુદ્ધ બૉમ્બ ટેસ્ટમાં સી. કે. નાયડુ (ડાબે) અને લાલા અમરનાથ (જમણે)

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, 1933માં ઇંગ્લૅન્ડ વિરુદ્ધ બૉમ્બે ટેસ્ટમાં સી કે નાયડુ (ડાબે) અને લાલા અમરનાથ (જમણે)

ભારત-પાકિસ્તાન મૅચોની વાત ચાલી રહી છે તો 1986-87ની વાત કરીએ. એ વખતે પાકિસ્તાની ટીમ ભારત આવી હતી.

બેંગલુરુમાં ટેસ્ટ મૅચ રમાઈ રહી હતી. એ સમયે ટેસ્ટ મૅચ દરમિયાન એક દિવસના રેસ્ટ-ડેની પ્રથા હતી.

મૅચના ત્રીજા દિવસે રેસ્ટ-ડે હતો અને હોળીનો પ્રસંગ હતો. ભારતમાં તો હોળી ધૂમધામથી ઉજવવામાં આવે છે.

અબ્દુલ કાદિર, ઇમરાન ખાન, વસીમ અકરમ, રમીઝ રાજા, જાવેદ મિંયાદાદ, સલીમ મલીક, તૌસિફ અહમદ અને ઇકબાલ કાસિમ જેવા પાકિસ્તાની ખેલાડીઓ સવારે તેમની હોટલના રૂમ્સમાં હતા.

પાકિસ્તાની ખેલાડીઓ તેમના દિવસની શરૂઆત કરે તે પહેલાં જ ભારતીય ખેલાડીઓ રંગો સાથે તેમને ઘેરી વળ્યા હતા.

ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર કિરણ મોરે પણ એ ટીમનો હિસ્સો હતા. એ દિવસે તેઓ પણ હોળી રમ્યા હતા.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું, “1987માં બેંગલુરુમાં પહેલી ટેસ્ટ મૅચ હતી. હોળીના દિવસે બન્ને ટીમના ખેલાડીઓએ આખી હોટલ લાલ કરી નાખી હતી. સ્વિમિંગ પૂલ પણ લાલ થઈ ગયો હતો. પાકિસ્તાની ખેલાડીઓ બહુ ઉત્સાહમાં હતા. હોટલે અમને ચેતવણી આપી હતી અને દંડ પણ ફટકાર્યો હતો.”

“કદાચ 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો, જે એ સમયે બહુ મોટી રકમ હતી. બીજા દિવસે અમે ટેસ્ટ મૅચમાં એકમેકને જોરદાર ટક્કર આપી હતી, પણ બહુ મજા પડી હતી.”

ફઝલ મહમૂદ લખે છે, “રમતગમત લોકોના મેળાપનું કામ કરે છે અને એ કામ જરૂરી છે. હું, દિલીપ વેંગસરકર અને બીજા ખેલાડીઓ 2004માં જાવેદ મિયાંદાદના ઘરે ગયા હતા. ત્યારે હું પસંદગીકર્તા હતો અને જાવેદે અમને જમવા બોલાવ્યા હતા. તેમની સાથે રમવામાં મજા પડતી હતી. અમે લોકો સ્લેજિંગ પણ કરતા હતા. મૅચમાં એકમેકને ટક્કર આપતા હતા, પરંતુ મેદાનની બહાર ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ હળીમળીને રહેતા હતા, મસ્તી કરતા હતા, ગીતો ગાતા હતા.”

મનિંદર સિંહ અને સલીમ મલિકની દોસ્તી

ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ચર્ચિત સ્પિનર મનિંદરસિંહ

ઇમેજ સ્રોત, GETTY IMAGES

જાણકારો જણાવે છે કે એ ટેસ્ટ મૅચમાં હોળી પછીના દિવસની રમત જોશો તો તમને ઘણા ખેલાડીઓના હાથમાં રંગ જોવા મળશે. એ ટેસ્ટ સીરિઝ પાકિસ્તાન 1-0થી જીત્યું હતું, પરંતુ એ સિરીઝને ઘણા ખેલાડીઓ હોળીની એ ધમાલ માટે પણ યાદ કરે છે.

ભારતના ભૂતપૂર્વ સ્પિનર મનિંદર સિંહ પણ એ ભારતીય ટીમનો હિસ્સો હતા.

મનિંદર સિંહે આદેશ કુમાર ગુપ્ત સાથેના બીબીસી આર્કાઈવ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “પાકિસ્તાની ટીમ 1987માં ભારત આવી ત્યારે સલીમ મલિક પાકિસ્તાન માટે બેટિંગ કરતા હતા અને હું ભારત માટે બોલિંગ કરતો હતો. સલીમ મલિક મારી બૉલિંગને ઍટેક કરવાના પ્રયાસ કરતા હતા અને હું તેમને થાપ આપવાના પ્રયાસ કરતો હતો.”

મનિંદર સિંહે એમ પણ કહ્યું હતું, “વાત એમ હતી કે તેમની સાથે મારે ગાઢ મૈત્રી હતી. સાંજે અમે મળતા ત્યારે એકમેકને મજાકમાં ચેલેન્જ કરતા હતા. સલીમ મલિક મને કહેતા કે આવતીકાલે તને પીચ પર જોઈ લઈશ. હું તેને કહેતો કે તું રન કેવી રીતે બનાવે છે એ હું જોઈ લઈશ. એ સાંજે તેણે મને એમ પણ કહ્યું હતું કે પીચ ભલે ગમે તેવી હોય, પણ હું તારી બૉલિંગમાં રન ફટકારીશ જ. અમારી વચ્ચે આવું ચાલતું રહેતું હતું. બેંગલુરુ ટેસ્ટમાં મેં સલીમ મલિકને આઉટ કર્યા હતા.”

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંબંધ બગડવાનું શરૂ થવાની સાથે બન્ને દેશોના ખેલાડીઓનું એકમેકને ત્યાં આવવા-જવાનું ઓછું થયું.

ઇમરાન અને ગાવસ્કરનો સંબંધ

2016- ટી-20 વર્લ્ડકપમાં ભારત-પાક મૅચ પહેલાં બંને દેશોના ભૂતપૂર્વ ખેલાડી એક મંચ પર દેખાયેલા

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, 2016- ટી-20 વર્લ્ડકપમાં ભારત-પાક મૅચ પહેલાં બંને દેશોના ભૂતપૂર્વ ખેલાડી એક મંચ પર દેખાયેલા

આદેશ કુમાર ગુપ્તા છેલ્લા ઘણા દાયકાઓથી ક્રિકેટ કવર કરતા રહ્યા છે.

તેઓ કહે છે, “હું એક કાર્યક્રમમાં હતો. તેમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર રમીઝ રાજાએ આ કિસ્સો સંભળાવ્યો હતો. ભારત વિરુદ્ધની મૅચ દરમિયાન ઇમરાન ખાને રમીઝ રાજાને કહ્યું હતું કે તમારે બેટિંગ શીખવી હોય તો અહીં આવો. ત્યારે ગાવસ્કર બેટિંગ કરી રહ્યા હતા. ઇમરાને રમીઝ રાજાને ફૉરવર્ડ શોર્ટલેગ પર ઊભા રાખી દીધા હતા અડધા કલાક પછી રમીઝ રાજાએ ઇમરાન ખાનને કહ્યું હતું કે તમે મને અહીં ઊભો તો રાખ્યો છે, પરંતુ ગાવસ્કર તો બૉલ રમતા જ નથી. મોટાભાગના બૉલ છોડી દે છે. ઇમરાન ખાને કહ્યું, તારે આ જ શીખવાનું છે.”

સુનીલ ગાવસ્કરે ઇમરાન ખાન માટે 2018માં ટાઈમ્સ ઑફ ઇન્ડિયામાં એક લેખ લખ્યો હતો.

ગાવસ્કરના જણાવ્યા મુજબ, પોતે નિવૃત્ત થઈ રહ્યા છે એવું તેમણે ઇમરાન ખાનને જણાવ્યું ત્યારે ઇમરાન ખાને કહ્યું હતું, “તમે નિવૃત્ત ન થઈ શકો. પાકિસ્તાની ટીમ આગામી વર્ષે ભારત આવી રહી છે. હું ભારતીય ટીમને ભારતમાં હરાવવા ઇચ્છું છું. તમે ટીમમાં નહીં હો તો એ જીત એવી નહીં હોય. કમ ઓન. એક છેલ્લી વખત ટકરાઈએ. આ 1986ની વાત છે અને અમે લંડનમાં સાથે લંચ કરી રહ્યા હતા. અમે એકમેકને 1971થી જાણીએ છીએ, જ્યારે ઇમરાન કાઉન્ટી ટીમમાં સ્થાન મેળવવાના પ્રયાસ કરતા હતા.”

પાકિસ્તાની ક્રિકેટર અને બોલિવુડ

ક્રિકેટર તરીકે ભારતમાં ઘણા લોકપ્રિય હતા ઇમરાન ખાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ક્રિકેટર તરીકે ભારતમાં ઘણા લોકપ્રિય હતા ઇમરાન ખાન

પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર રશીદ શકૂર ‘ધ સેકન્ડ ઇનિંગ’ નામની એક યૂ-ટયુબ ચેનલ ચલાવે છે. પાકિસ્તાની બૉલર સિકંદર બખ્તે એ ચેનલ પર ભારત સાથે જોડાયેલી પોતાની સ્મૃતિઓ યાદ કરી હતી. સિકંદર બખ્ત 1979-80માં ભારત આવ્યા હતા.

સિકંદર બખ્તે કહ્યું હતું, “અભિનેત્રી રીના રોય અને તેના પરિવાર સાથે અમારી દોસ્તી થઈ ગઈ હતી. એક વખત રીના રોયે કહ્યું કે તેઓ પાકિસ્તાની ટીમને પાર્ટી આપવા ઇચ્છે છે. અમિતાભ, ફિરોઝ, રેખા બધા એ પાર્ટીમાં આવ્યાં હતાં. એ સિવાય સંગીતકાર જોડી લક્ષ્મીકાંત-પ્યારેલાલના પ્યારેલાલ સાથે પણ મારી ગાઢ દોસ્તી થઈ ગઈ હતી.”

સિકંદર બખ્તના કહેવા મુજબ, “તમારી ફિલ્મનું એક ગીત, 'ચલ ચલ મેરે ભાઈ...', પાકિસ્તાની સ્કૂલોમાં જોરશોરથી ચાલી રહ્યું છે, એવું મેં તેમને કહ્યું ત્યારે એ ફિલ્મ રિલીઝ થઈ ન હતી અને તેના ગીતોની રેકર્ડ પણ બહાર પડી ન હતી. એ સાંભળીને લક્ષ્મીકાંત આશ્ચર્યચકિત થયા ગયા હતા. તેઓ મને કિશોરકુમારના રેકોર્ડિંગમાં લઈ ગયા હતા. મેં તેમની 'જૂનૂન' ફિલ્મ જોવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે તેમણે મારા માટે ખાસ શોનું આયોજન કર્યું હતું. પ્રેમ ચોપડા સાથે પણ મારી દોસ્તી હતી. અમે એકમેકને પત્રો પણ લખતા હતા. આવો સંબંધ હતો.”

પાકિસ્તાની અને ભારતીય ખેલાડીઓ વચ્ચે હરિફાઈની સાથે આ પ્રકારનો સંબંધ સતત રહ્યો છે. શાહીન અફ્રિદીએ જસપ્રીત બુમરાહને પિતા બનવા બદલ કેવી ખાસ ભેટ આપી હતી તે તાજેતરમાં આપણે જોયું છે.

એ અગાઉ ગયા વર્ષે ભારતીય મહિલા ખેલાડી પાકિસ્તાની કૅપ્ટન બિસમાહ મારુફની પુત્રી સાથે ફોટો ક્લિક કરાવતા નજરે પડ્યા હતા.

ડિપ્લોમસી અને ક્રિકેટનો સંબંધ

2008 – પાકિસ્તાનમાં થયેલા એશિયા કપની એક મૅચમાં જનરલ પરવેઝ મુશર્રફે ધોનીનાં વખાણ કરેલાં

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, 2008 – પાકિસ્તાનમાં થયેલા એશિયા કપની એક મૅચમાં જનરલ પરવેઝ મુશર્રફે ધોનીનાં વખાણ કરેલાં

ભારત સાથેના સંબંધના ઉતાર-ચઢાવમાં ક્રિકેટનો ઉપયોગ ડિપ્લોમસી તરીકે ઘણીવાર કરવામાં આવ્યો છે. 2004માં સૌરવ ગાંગૂલીના વડપણ તળે ભારતીય ટીમ પાકિસ્તાન ગઈ ત્યારે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું, "ખેલ નહીં દિલ ભી જીતીએ."

એપ્રિલ-2005માં તત્કાલીન પાકિસ્તાની રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ ક્રિકેટ મૅચ જોવા ભારત આવ્યા હતા તો 2011ની સેમી-ફાઇનલ નિહાળવા તત્કાલીન ભારતીય વડાપ્રધાન મનમોહન સિંહે તત્કાલીન પાકિસ્તાની વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીને બોલાવ્યા હતા.

એ પહેલાં 1987માં પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જનરલ ઝિયા-ઉલ-હક પણ મૅચ જોવા ભારત આવ્યા હતા. એ વખતે બન્ને દેશોના સૈન્ય વચ્ચે જોરદાર તંગદિલી પ્રવર્તતી હતી.

ક્રિકેટ ડિપ્લોમસીના આ જૂના પ્રયાસો વચ્ચે હવે ભારત અને પાકિસ્તાનની ટીમો માત્ર ન્યૂટ્રલ મેદાનો પર જ રમે છે. એટલે મૅચ ભારત કે પાકિસ્તાનમાં નહીં, પરંતુ ત્રીજી જ જગ્યાએ રમાય છે. હાર-જીત થાય છે, પરંતુ એકમેકને ત્યાં જે મહેફિલો અને ફિલ્મોનો દૌર ચાલતો હતો એ જૂના સમયની સ્મૃતિ બનીને રહી ગયો છે.

તેમ છતાં કેટલીક તસવીરો વચ્ચે-વચ્ચે એ મૈત્રીની યાદ અપાવતી રહે છે. જેમકે બીમારીમાંથી સાજા થયા બાદ બિશનસિંહ બેદી 2022માં પાકિસ્તાનના કરતારપુર સાહિબ ખાતે ગયા ત્યારે એ ગુરુદ્વારામાં તેમને મળવા તેમના દોસ્ત તથા પાકિસ્તાની ક્રિકેટર ઇંતિખાબ આલમ અને શફ્કત રાણા આવ્યા હતા. ત્રણેય દોસ્તો વર્ષો પછી મળ્યા હતા. તેઓ એકમેકને ભેટ્યા હતા, જૂનાં ગીતો ગાયાં હતાં, રડ્યા હતા, સાથે લંગરમાં ભોજન લીધું હતું અને કેટલીક નવી સ્મૃતિ બનાવી હતી.

આ એ જ ઇંતિખાબ આલમ છે, જેઓ પાકિસ્તાન તરફથી રમ્યા હતા અને 2004માં ભારતમાં પંજાબની રણજી ટીમના કોચ બન્યા હતા. તેમનો જન્મ પંજાબના હોશિયારપુરમાં 1941માં થયો હતો. એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તેમના જીવનનો છેડો ફરી ત્યાં આવીને જોડાયો હતો, જ્યાંથી તેની શરૂઆત થઈ હતી.

રેડ લાઇન
રેડ લાઇન