World Cup : એ ફાઇનલ જેમાં સ્ટેડિયમની બત્તીઓ ગુલ થઈ અને અમ્પાયરોએ અંધારામાં મૅચ રમાડવા જીદ પકડી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, આર્જવ પારેખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
“એવી અફવા ચાલી રહી છે કે 50 ઓવરનો વર્લ્ડકપ એ હજુ પણ દૂરદૂર કોઈ કૅરેબિયન ટાપુમાં રમાઈ રહ્યો છે.”
વર્લ્ડકપ જીતવાની પ્રબળ દાવેદાર એવી ભારત અને પાકિસ્તાન જેવી ટીમો પહેલા રાઉન્ડમાં જ બહાર ફેંકાઈ જતાં અતિશય નીરસ બની ચૂકેલા વર્લ્ડકપની મજાક ઊડાવતાં બીબીસીના ક્રિકેટ સંવાદદાતા જોનાથન ઍન્ગ્યુએ આ પ્રકારનું વિધાન ઉચ્ચાર્યું હતું.
અતિશય વિવાદાસ્પદ ઘટનાઓ, મોટા ભાગે વન-સાઇડેડ મુકાબલા, એશિયન ટીમોનું નિરાશાજનક પ્રદર્શન, 47 દિવસ જેટલો અતિશય લાંબો કાર્યક્રમ, મિસમૅનેજમૅન્ટ – આ બધી બાબતોને કારણે જાણે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું જેમાં પ્રેક્ષકોને વર્લ્ડકપમાં રસ જ ન રહ્યો. કદાચ એટલે જ આઇસીસીના ઇતિહાસમાં 50 ઓવરના વર્લ્ડકપમાં સૌથી ખરાબ અને નીરસ વર્લ્ડકપ તરીકે 2007ના વર્લ્ડકપને સ્થાન આપવામાં આવે છે.
2007માં રમાયેલા આ વર્લ્ડકપનું આયોજન સૌપ્રથમવાર વેસ્ટ ઇન્ડિઝમાં થયું હતું. સામાન્ય રીતે વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડની ગણના આર્થિક રીતે નબળા ક્રિકેટ બોર્ડમાં થાય છે. 2007ના આ વર્લ્ડકપમાં કેટલીક એવી ઘટનાઓ ઘટી હતી, કેટલાક એવા રેકૉર્ડ સર્જાયા જેમણે કાયમ માટે આ વર્લ્ડકપને ઇતિહાસમાં બધાથી અલગ સ્થાન અપાવ્યું છે.
જ્યારે ભારત પહેલા રાઉન્ડમાં જ બહાર ફેંકાઈ ગયું

ઇમેજ સ્રોત, AFP
આ વર્લ્ડકપ પ્રથમવાર એક નવા ફોર્મેટમાં રમાઈ રહ્યો હતો જેમાં 16 ટીમોને 4 ગ્રૂપમાં વિભાજિત કરવામાં આવી હતી. જેના કારણે જો કોઈ ટીમ શરૂઆતની મૅચો હારી જાય તો તેને વધુ તક ન મળે.
ભારતના ગ્રૂપમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને બર્મુડાની ટીમ સામેલ હતી અને શ્રીલંકા સિવાય ભારતનો બીજી ટીમો સામે વિજય નિશ્ચિત મનાતો હતો.
રાહુલ દ્રવિડની કૅપ્ટન્સીમાં રમી રહેલી ભારતીય ટીમને સુપર 8માં પ્રવેશવા બે મૅચ જીતવી પડે તેમ હતી. ભારત બર્મુડા સામે જીત્યું હતું પરંતુ શ્રીલંકા સામે 69 રનથી હારી ગયું હતું.
ટ્રિનિદાદમાં રમાનાર આ મૅચમાં બાંગ્લાદેશ સામે ભારતને ફરજિયાત જીતવું જરૂરી હતું પરંતુ બાંગ્લાદેશ સામે ભારત માત્ર 191 રનમાં ઓલઆઉટ થઈ ગયું. જવાબમાં બાંગ્લાદેશે 5 વિકેટ ગુમાવીને જ આ પડકાર હાંસલ કરી લીધો અને વર્લ્ડકપનો સૌથી મોટો અપસેટ સર્જ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય ક્રિકેટ ચાહકો અત્યંત નિરાશ થયા અને ભારતની ટીમ જ્યારે હારીને પરત ફરી ત્યારે દેશમાં ઠેરઠેર તેમનાં પૂતળા બાળીને લોકોએ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. ધોનીના નવા બંધાઈ રહેલા ઘર પર લોકોએ પથ્થરમારો પણ કર્યો હતો.
આયરલૅન્ડે જ્યારે પાકિસ્તાનને હરાવ્યું

ઇમેજ સ્રોત, AFP
2007નો વર્લ્ડકપ જાણે કે મેજર અપસેટ સર્જાવા માટે જ રમાયો હતો તેવું કહી શકાય.
ભારતની જેમ જ પાકિસ્તાનની ટીમ પણ વર્લ્ડકપ જીતવા માટે ફેવરિટ ગણાતી હતી. તેના ગ્રૂપમાં વેસ્ટ ઇન્ડિઝ, ઝિમ્બાબ્વે અને આયરલૅન્ડ જેવી ટીમો હતી.
ઇન્ઝમામ-ઉલ-હકની કૅપ્ટન્સીમાં રમી રહેલું પાકિસ્તાન તેની શરૂઆતની મૅચ વેસ્ટ ઇન્ડિઝ સામે હારી ગયું અને આયરલૅન્ડ સામે તે આશ્ચર્યજનક રીતે માત્ર 132 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું. જવાબમાં આયરલૅન્ડે 7 વિકેટે આ ટાર્ગેટ હાંસલ કરી લીધો અને ઇતિહાસ રચવામાં સફળ થયું.
આ સાથે જ પાકિસ્તાન પણ વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઈ ગયું.
પાકિસ્તાનના કૉચ બોબ વુલ્મરનું રહસ્યમય મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આયરલૅન્ડ સામે આઘાતજનક હારમાંથી પાકિસ્તાન બહાર આવે તે પહેલાં જ તેમને બીજો આંચકો લાગવાનો હતો.
આયરલૅન્ડ સામેની હાર પછી બીજા જ દિવસે ટીમના બ્રિટિશ કૉચ બોબ વુલ્મરનો મૃતદેહ હોટલમાંથી મળી આવ્યો હતો. જમૈકન પોલીસે તેની ઑટોપ્સી કરી હતી પરંતુ તેમાંથી તેમને કોઈ ચોક્કસ તારણો ન મળતાં આ મામલો વિવાદાસ્પદ બન્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે મૃત્યુનું કારણ ‘ગળું દબાવવાથી થયેલી ગૂંગળામણ’ હતું. આથી તેને હત્યા ગણવામાં આવી હતી. લાંબી તપાસ પછી જમૈકન પોલીસે તેની હત્યા કરવામાં આવી હોવાની વાતોને નકારી હતી અને પુષ્ટિ કરી હતી કે તેમનું મૃત્યુ કુદરતી કારણોસર થયું છે.
પાછળથી જાણવા મળ્યું કે તેમને ડાયાબિટીસની બિમારી હતી અને તેમના હૃદયનું વજન 520 ગ્રામ હતું જે સામાન્ય કરતાં વધારે હતું. વધુમાં, તેઓ 'સ્લીપ એપ્નિયા' નામની બિમારી પણ પીડિત હતા, જેનો અર્થ એ થાય છે કે ઊંઘમાં પણ તેમના શ્વાસ બંધ થઈ શકે. પરંતુ આજ દિન સુધી તેમના મૃત્યુને રહસ્યમય જ માનવામાં આવે છે. વર્લ્ડકપ દરમિયાન જ તેમનું મૃત્યુ થયું હોવાને કારણે સમગ્ર વર્લ્ડકપ દરમિયાન તે મામલો સતત ચર્ચામાં રહ્યો હતો.
મલિંગાએ જ્યારે 4 બોલમાં 4 વિકેટ ઝડપી

ઇમેજ સ્રોત, Getty Images
ગુયાનામાં દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે રમાયેલી આ મૅચ 2007ના વર્લ્કકપની જૂજ રોમાંચક મૅચોમાંથી એક હતી. આ મૅચમાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા 209 રન બનાવ્યા હતા. જેમાં દિલશાન અને રસેલ આર્નોલ્ડની અડધી સદીઓનો મુખ્ય ફાળો હતો.
કૅપ્ટન ગ્રીમ સ્મિથના 59 રન અને જૅક કાલિસના 86 રનની મદદથી 5 વિકેટે 206 રન સુધી પહોંચેલા દક્ષિણ આફ્રિકાની જીત નિશ્ચિત થઈ ચૂકી હતી. પરંતુ ક્રિકેટ કેમ અનિશ્ચિતતાઓથી ભરપૂર રમત કહેવાય છે એ આ મૅચે સાબિત કર્યું.
દક્ષિણ આફ્રિકાને જીત માટે માત્ર 4 રનની જરૂર હતી અને લસિથ મલિંગાએ 45મી ઓવરના છેલ્લા બે બૉલમાં શોન પોલોક અને ઍન્ડ્રૂ હૉલને આઉટ કર્યા. પછી 47મી ઓવરના પહેલા બે બૉલમાં કાલિસ અને એન્ટિનીને આઉટ કરીને તેમણે ન માત્ર હેટ્રિક ઝડપી પરંતુ તેમણે ચાર બૉલમાં ચાર વિકેટ ઝડપવાનો વિક્રમ પણ સ્થાપિત કર્યો હતો.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ પ્રકારનો આ પહેલો રેકૉર્ડ હતો. પરંતુ તેમની આ ચાર વિકેટો એળે ગઈ કારણ કે અંતે દક્ષિણ આફ્રિકા આ મૅચ 1 વિકેટે જીતી ગયું હતું.
ક્રિકેટ લીજેન્ડ્સની વિદાય

ઇમેજ સ્રોત, Getty Images
2007નો વર્લ્ડકપ એ ક્રિકેટ વિશ્વના ધુરંધરોની વિદાયનો વર્લ્ડકપ પણ બની રહ્યો હતો.
ઝિમ્બાબ્વે સામેની મૅચમાં 37 રન બનાવીને આઉટ થયેલા ઇન્ઝમામ-ઉલ-હક્કે મેદાન આંસુઓ સાથે છોડ્યું હતું. ઝિમ્બાબ્વે અને પાકિસ્તાનની ટીમે તેમને ગાર્ડ ઑફ ઓનરથી વિદાય આપી હતી.
બ્રાયન લારાએ પણ પહેલાંથી જ જાહેર કરી દીધું હતું કે આ વર્લ્ડકપના અંત સાથે જ તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી વિદાય લેશે. તેમનું પ્રદર્શન પણ આ છેલ્લા વર્લ્ડકપમાં ખાસ રહ્યું ન હતું.
ઑસ્ટ્રેલિયાના લેજન્ડરી ફાસ્ટ બૉલર ગ્લેન મૅકગ્રાએ તે વર્લ્ડકપમાં 11 મૅચમાં 26 વિકેટો લીધી હતી પરંતુ તેમણે આટલા સારા પ્રદર્શન પછી પણ તેમની કારકિર્દીને વિરામ આપવાનો નિર્ણય લીધો હતો.
બત્તીઓ ગુલ થઈ અને ફાઇનલમાં થયો વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images
વર્લ્ડકપની ફાઇનલમાં શ્રીલંકાને જીતવા માટે ત્રણ ઓવરમાં 60 રન કરવાના હતા અને ઑસ્ટ્રેલિયાની જીત નિશ્ચિત થઈ ગઈ હતી. વરસાદને કારણે મૅચમાં પહેલા જ ઘણીવાર ભંગ પડી ચૂક્યો હતો. હવે સ્ટેડિયમની ફ્લડ લાઇટ્સ બંધ થઈ જતાં રમત માટે જરૂરી અનુકૂળ પ્રકાશ ન હતો.
આ કારણથી અમ્પાયરોએ મૅચ અટકાવી દીધી હતી. અમ્પાયરોની ઓફરને ધ્યાનમાં લઇને બંને ટીમોએ મૅચ અહીં જ પૂર્ણ થયેલી જાહેર કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકાના કૅપ્ટને પણ તેના માટે સંમતિ આપી હતી. ઑસ્ટ્રેલિયાએ ઉજવણી શરૂ કરી દીધી હતી. પરિણામ જાહેર કરવા માટે ઓછામાં ઓછી 20 ઓવરો રમવી જરૂરી હતી જે રમાઈ ચૂકી હતી. ત્યાં અમ્પાયરોએ એવો નિર્ણય કર્યો કે બાકી રહેલી ત્રણ ઓવરો પછીના દિવસે રમાડવામાં આવશે. પરંતુ બંને કૅપ્ટને અમ્પાયરો સાથે દલીલો કરી અને કહ્યું કે આ વ્યવહારુ નિર્ણય નથી અને આ ત્રણ ઓવરો જો રમાડવી હોય તો તે અત્યારે જ રમાવી જોઇએ.
આ એવો કિસ્સો હતો જેમાં બંને ટીમો મૅચનું પરિણામ જાહેર કરવા સહમત હતી પણ અમ્પાયરો સહમત ન હતા. તેમની જીદને કારણે એ ત્રણ ઓવરો ફરજિયાત અંધારામાં રમવી પડી હતી અને અંતે ઑસ્ટ્રેલિયા મૅચ જીતી ગયું હતું.
આ મૅચમાં વિવાદાસ્પદ અમ્પાયરિંગ નિર્ણયો બદલ ઓનફીલ્ડ અમ્પાયરો સ્ટીવ બકનર અને અલીમ દાર સહિત 5 ઓફિશિયલ્સને આઇસીસીના ટી20 વર્લ્ડકપ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.












