વર્લ્ડકપની એ મૅચ જેમાં ભારતને હારતું જોઈ દર્શકોએ કરેલી ધમાલ-આગચંપીને લીધ મૅચ રદ કરવી પડી

ઘોની

ઇમેજ સ્રોત, Getty Images

વર્લ્ડકપના 48 વર્ષના ઇતિહાસમાં ભારતે કેટલીક જાદુઈ જીત પણ મેળવી છે અને કેટલીકવાર એવું પણ બન્યું છે કે જેનાથી દર્શકોના દિલ તૂટી ગયા હોય.

આ ઉતાર-ચડાવો દરેક ભારતીય ક્રિકેટપ્રેમીના દિલમાં કાળજીપૂર્વક સંગ્રહિત છે. જ્યારે જ્યારે વર્લ્ડકપ આવે છે ત્યારે લોકો તેને અવશ્ય વાગોળે છે.

આ યાદો ભારતીય ક્રિકેટપ્રેમીઓના દિલમાં એટલે વિશેષ સ્થાન ધરાવે છે કારણ કે તેણે ભારતીય ક્રિકેટને ઘડવામાં મોટો ફાળો આપ્યો છે.

ઉન્માદી દર્શકોને કારણે જ્યારે મૅચ અધૂરી છોડવી પડી

ક્રિકેટ

ઇમેજ સ્રોત, Getty Images

કોલકાતામાં 1996ના વર્લ્ડકપમાં તૂટેલી પીચ પર 252 રનનો પીછો કરતા ભારતે 8 વિકેટે 120 રન બનાવ્યા હતા. ભારત એક નિશ્ચિત હાર તરફ આગળ વધી રહ્યું હતું.

જોકે, આ સેમિફાઇનલને કારણે રોષે ભરાયેલા કોલકાતાના દર્શકોના ટોળાએ મેદાન પર કેટલીક ચીજો ફેંકવાનું શરૂ કર્યું હતું અને સ્ટૅન્ડમાં આગ લગાવી દીધી હતી. આ એકમાત્ર સમય હતો જ્યારે વિશ્વકપની મૅચ દર્શકોને કારણે રદ કરવામાં આવી હતી. આ મૅચ શ્રીલંકા જીતી રહ્યું હતું.

ભારતના અણનમ બૅટ્સમૅન વિનોદ કાંબલી રડતા હોય એ તસવીર ટુર્નામેન્ટની એક અવિસ્મરણીય ક્ષણ તરીકે હજુ પણ ટકી રહી છે. કાંબલી કહે છે - "હું રડ્યો કારણ કે મને લાગતું હતું કે મારા દેશને જીત અપાવવાની તક મારા પાસેથી છીનવી લેવામાં આવી છે,"

ભારતના કૅપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરવા બદલ ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો અને તેમના નિવાસસ્થાનને પણ સશસ્ત્ર સુરક્ષા હેઠળ રાખવું પડ્યું હતું.

એ દિવસ જેણે ભારતીય ક્રિકેટને કાયમ માટે બદલી નાખ્યું

1983 વર્લ્ડકપ

ઇમેજ સ્રોત, Getty Images

1983ના ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતની જીતને હજુ પણ રમતના ઈતિહાસમાં સૌથી મોટા અપસેટ તરીકે જોવામાં આવે છે.

તે સમયે ભારતને વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હંમેશા હારતી ટીમ તરીકે જ જોવામાં આવતી હતી. અગાઉના બે વર્લ્ડકપમાં ટીમ માત્ર એક જ મેચ જીતી શકી હતી.

25 જૂન 1983ના રોજ ભારતે અશક્યને શક્ય કરી બતાવ્યું. ભારત માત્ર ફાઇનલમાં જ પહોંચ્યું ન હતું પરંતુ તેણે સ્ટાર ખેલાડીઓથી ભરપૂર એવી ધુરંધર ટીમ વેસ્ટઈન્ડિઝને હરાવી દીધી હતી.

પ્રથમ બેટિંગ કરતા ભારત 183 રનમાં ઓલઆઉટ થયું હતું. જ્યારે વિવિયન રિચાર્ડ્સ અને તેમની ટીમે જવાબમાં 1 વિકેટે 50 રન બનાવ્યા હતા ત્યારે એ કૅરેબિયન કેમ્પ માટે ઊજવણી કરવાની બીજી તક જેવું લાગતું હતું. પરંતુ ત્યારપછી જાણે કે સમય કરવટ બદલવાનો હતો અને ભારતીય ક્રિકેટનું ભવિષ્ય પણ બદલાવાનું હતું.

રિચાર્ડસે મિડ-વિકેટ પર ખોટો હૂક શોટ ફટકાર્યો અને બોલ ખૂબ ઊંચે ગયો. ભારતના કૅપ્ટન કપિલ દેવ મિડ-ઑનથી પાછા ફર્યા અને બોલ પર તેમણે નજરને કેન્દ્રિત કરી અને ઝડપી લીધો. ત્યાર પછી તો શક્તિશાળી વેસ્ટ ઇન્ડીઝનું 140 રનમાં પતન થયું. ભારતમાં જાણે કે ઉત્સવ ઊજવાયો અને દેશના વન-ડે ક્રિકેટ સાથેના પ્રેમનો જન્મ થયો.

ભારતીય ક્રિકેટ માટે સૌથી ખરાબ પળ

2007 વર્લ્ડકપ

ઇમેજ સ્રોત, ESPNCRICINFO

ભારત માટે વર્લ્ડકપમાં સૌથી ખરાબ સમય ત્યારે આવ્યો જ્યારે વેસ્ટ ઇન્ડીઝમાં રમાયેલા 2007ના વર્લ્ડકપમાં રાહુલ દ્રવિડની કૅપ્ટન્સીમાં ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે હારી ગઈ અને પહેલા રાઉન્ડમાં જ બહાર ફેંકાઈ ગઈ હતી.

ડાર્કહૉર્સ ગણાતી ટીમ બાંગ્લાદેશે પૉર્ટ ઓફ સ્પેનમાં લો સ્કોરિંગ મૅચમાં ભારતને પાંચ વિકેટથી હરાવીને સૌથી મોટો અપસેટ સર્જ્યો હતો.

કમેન્ટેટર્સે ભારતના પ્રદર્શનને ‘બેશરમીભર્યું’ ગણાવ્યું હતું અને હાર માટે ટીમની ‘નહોર વગરની બોલિંગ’ અને ‘અતિશય ખરાબ ફિલ્ડિંગ’ ને જવાબદાર ઠેરવી હતી.

હાર બાદ ગુસ્સે ભરાયેલા ભારતીય ચાહકોએ ભારતીય વિકેટ કીપર એમએસ ધોનીના ઘર પર હુમલો કર્યો હતો જેનું નિર્માણકાર્ય ચાલી રહ્યું હતું. કેટલાક શહેરોમાં ટીમ સામે વિરોધ પ્રદર્શનો થયા હતા અને કોલકાતાના પૂર્વીય ભાગમાં ખેલાડીઓના પૂતળા બાળવામાં આવ્યા હતા.

એ મહામુકાબલો જે ક્યારેય નહીં ભૂલાય

1992 વર્લ્ડકપ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

માર્ચ 1992માં સિડનીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલા પ્રથમ વર્લ્ડકપ મુકાબલામાં ભારતીય વિકેટકીપર કિરણ મોરે અને પાકિસ્તાની બેટ્સમેન જાવેદ મિયાંદાદ વચ્ચેની લડાઈ અવિસ્મરણીય છે.

"લેગ-સાઇડ કૅચ માટે વિકેટ-કીપરે વધુ પડતી કરેલી અપીલ પછી શાબ્દિક બોલાચાલીમાં બદલાઈ અને પછી મિયાંદાદે મજાક ઊડાડતાં હોય એ રીતે કિરણ મોરે સામે કૂદકો માર્યો", ઇએસપીએન ક્રિકઇન્ફોએ આ ઘટના વિશે લખ્યું હતું.

વર્ષો પછી મોરેએ એક મુલાકાતમાં આ ઘટના યાદ કરી હતી.

તેમણે કહ્યું, "હિન્દીમાં એ (જાવેદ મિયાંદાદ) બોલતો હતો કે, 'તમે ચિંતા કરશો નહીં અમે તો આ મેચ સરળતાથી જીતી જઈશું'. અને મેં કહ્યું હતું, 'ગો ટુ હેલ, અમે જ આ મેચ જીતીશું'. ત્યારબાદ તેંડુલકરની બોલિંગમાં લેગ-સાઇડ ઓફ માટે અપીલ કરવામાં આવી હતી. મને લાગ્યું કે તે કૉટ બિહાઇન્ડ આઉટ થયો છે. મેં અપીલ કરી અને જાવેદે મારી સામે ગુસ્સાથી જોયું. મેં તેને ચૂપ રહેવા કહ્યું અને તેણે મને પણ એવું જ કહ્યું. પછી જ્યારે મેં કૂદીને સ્ટમ્પ ઊડાવ્યા ત્યારે રન આઉટની અપીલ પણ કરવામાં આવી હતી.”

પાકિસ્તાને જીતવા માટે 216 રનનો પીછો કર્યો હતો અને મિયાંદાદે 110 બોલમાં 40 રન બનાવ્યા હતા. ભારતે આ મૅચ 43 રને જીતી લીધી હતી.

એ સિક્સ જેણે ભારતને વિશ્વઊંચાઈએ પહોંચાડી દીધું

2011 વર્લ્ડકપ

ઇમેજ સ્રોત, Getty Images

2011માં ભારતે 1983 પછી પ્રથમ વખત વર્લ્ડકપ જીતીને એક રોમાંચક ફાઇનલમાં શ્રીલંકાને છ વિકેટથી હરાવ્યું હતું. ક્રિકેટ પાછળ પાગલ ભારતના લોકો માટે આ સુવર્ણ અવસર હતો. કારણ કે ભારતે 28 વર્ષ પછી વર્લ્ડકપ જીત્યો હતો.

ગૌતમ ગંભીર 97 રન બનાવીને આઉટ થયા હતા. પરંતુ કૅપ્ટન એમએસ ધોનીના શાનદાર અણનમ 91 રનના કારણે ભારતે 10 બોલ બાકી હતા ત્યારે જ આ યાદગાર જીત મેળવી હતી.

સમગ્ર ટુર્નામેન્ટમાં ફોર્મ માટે સંઘર્ષ કરી રહેલા સુકાનીએ તેમના જીવનની યાદગાર ઇનિંગ્સ ફાઇનલમાં જ રમી હતી અને નુવાન કુલાસેકરાના બોલ પર વિક્રમી સિક્સર ફટકારીને ભારતને જીત અપાવી હતી.

આ સિક્સને પેઢીઓ સુધી યાદ કરવામાં આવશે.

ગાવાસ્કરની વિવાદાસ્પદ ઇનિંગ

ગાવાસ્કર

ઇમેજ સ્રોત, MARK LEECH/OFFSIDE

ભારતના લેજન્ડરી ઓપનિંગ બેટ્સમેન સુનીલ ગાવાસ્કરે 1975માં લંડનમાં તેમની પ્રથમ વર્લ્ડકપ મેચમાં એક એવું ગૌરવ મેળવ્યું હતું જેના પર લોકો શંકા કરે છે.

ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરી હતી અને 60 ઓવરમાં 4 વિકેટે 334 રન બનાવ્યા હતા. જે-તે સમયનો આ સૌથી વધુ વન-ડે સ્કોર હતો. ભારત આ મેચ 202 રને હારી ગયું હતું.

ધ સન્ડે ટેલિગ્રાફે હેડલાઇન મારી હતી કે, 'ઇન્ડિયન સ્ટાજ ફોલોઝ ઇંગ્લૅન્ડ્સ સ્પાઇઝ'.

ગાવાસ્કર 174 બોલમાં 36 રન બનાવીને અણનમ રહ્યા હતા. તેમના આખા દાવમાં તેમણે માત્ર એક જ ચોગ્ગો ફટકાર્યો હતો.

આક્રોશિત ભારતીય ટીમના મેનેજર જીએસ રામચંદે તેને ‘મેં જોયેલું સૌથી શરમજનક અને સ્વાર્થી પ્રદર્શન’ તરીકે વર્ણવ્યું હતું.

"તેમનું બહાનું એ હતું કે એ વિકેટ શોટ રમવા માટે ખૂબ જ ધીમી હતી પરંતુ ઈંગ્લેન્ડે 334 રન બનાવ્યા પછી આ રીતની વાત કરવી એ મૂર્ખતાભર્યું હતું."

ગાવાસ્કરે પાછળથી સ્વીકાર્યું કે તે ‘મેં રમેલ સૌથી ખરાબ ઇનિંગ્સ’ હતી અને તેમની બેટિંગ ‘મર્યાદિત ઓવરોના ક્રિકેટના ધોરણોને અનુરૂપ ન હતી’.

તેંડુલકરની લાગણીસભર સદી

સચિન તેંડુલકર

ઇમેજ સ્રોત, Getty Images

1999ના વર્લ્ડકપમાં સચીન તેંડુલકરે તેમના પિતાના મૃત્યુ પછી સદી ફટકારી હતી.

વર્લ્ડકપની પહેલી જ મૅચમાં ભારત દક્ષિણ આફ્રિકા સામે હારી ગયું હતું. ઝિમ્બાબ્વે સામેની મૅચ અગાઉ જ સચીને તેમના પિતાના મૃત્યુના સમાચાર સાંભળ્યા હતા. તેઓ ભારત પાછા ફર્યા હતા.

ત્યારબાદ ભારત ઝિમ્બાબ્વે સામેની પણ મૅચ હારી ગયું હતું અને તે બહાર ફેંકાઈ જશે તેવો ખતરો તોળાઈ રહ્યો હતો. પિતાની અંતિમવિધિ પછી તેંડુલકર ઇંગ્લૅન્ડ પાછા ફર્યા અને કેન્યા સામે 140 રન ફટકાર્યા.

બ્રિસ્ટોલમાં રમાયેલી આ મૅચમાં ભારતે 2 વિકેટે 329 રન ફટકાર્યા હતા. આ મૅચમાં ભારતે 94 રને જીત મેળવી હતી.

મેન ઑફ ધી મૅચ સચિન તેંડુલકર બન્યા હતા.

"મને એવું લાગતું હતું કે મારા પિતા મારા મારફતે કશુંક કરવા ઇચ્છતા હશે, અને તે કારણે જ વર્લ્ડકપની બાકીની મેચો રમવા માટે લંડન પરત ફરવાનો મેં નિર્ણય કર્યો. હું સદી ફટકારવામાં સફળ રહ્યો. કેન્યા સામેની મેચની સદી એ મારી સૌથી પ્રિય સદીઓમાંની એક છે. એ મેં મારા પિતાને સમર્પિત કરી છે. જોકે મારું મન એ સમયે ગેમમાં ન હતું." સચીન તેંડુલકરે તેમની આત્મકથા પ્લેઇંગ ઇટ માય વેમાં આ લખ્યું છે.

નેહરાનો એ યાદગાર સ્પેલ

આશિષ નેહરા

ઇમેજ સ્રોત, Getty Images

2003ના વર્લ્ડકપમાં ભારત ડરબનમાં ઈંગ્લેન્ડ સામે 250 રનને ડીફેન્ડ કરી રહ્યું હતું. આ ટોટલ સ્પર્ધાત્મક હતો પરંતુ મેચ જીતી જ જવાશે એવો ટોટલ ન હતો.

ભારતના ફાસ્ટ બોલર આશિષ નેહરા બોલિંગ કરવા આવ્યા તે પહેલા ઈંગ્લેન્ડે પ્રથમ છ ઓવરમાં 2 વિકેટે 18 રન બનાવ્યા હતા.

ઇએસપીએન ક્રિકઇન્ફોમાં ક્રિકેટ વિષયના લેખક સિદ્ધાર્થ વૈદ્યનાથને લખ્યું હતું કે, "ત્યારબાદ જે બન્યું તે ફાસ્ટ બોલિંગની કળાનો એક શીખવા જેવો પાઠ હતો. ઓવર ધ વિકેટથી એંગલિંગ કરવું અને વિકેટની સહેજ બહારની બાજુએ બોલ ફેંકવા."

પગની ઘૂંટીમાં સોજો હોવા છતાં નેહરાએ તેનો 10 ઓવરનો સંપૂર્ણ ક્વોટા પૂરો કર્યો અને 23 રનમાં 6 વિકેટ ઝડપીને નોંધપાત્ર દેખાવ કર્યો હતો. જે વિશ્વકપના ઇતિહાસમાં ભારતીય બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પણ છે. ભારત 82 રને એ મૅચ જીત્યું હતું.

સ્વપ્નસમાન એ ભાગીદારી

 રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી

ઇમેજ સ્રોત, Getty Images

જ્યારે રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલીએ 1999ના વર્લ્ડ કપમાં વન-ડે ક્રિકેટની પ્રથમ 300 રનની ભાગીદારી કરી, ત્યારે તેમણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા.

45 ઓવરમાં 318 રનની તેમની ભાગીદારી તે સમયે કોઇપણ મર્યાદિત ઓવરની આંતરરાષ્ટ્રીય મૅચોમાં સૌથી વધુ રનની ભાગીદારી હતી.

ગાંગુલીએ 158 બોલમાં 7 છગ્ગા અને 17 ચોગ્ગાની મદદથી 183 રન બનાવ્યા હતા. જે તેમનો સર્વોચ્ચ વન-ડે સ્કોર છે. તે જ રીતે દ્રવિડે 129 બોલમાં એક છગ્ગા અને 17 ચોગ્ગા વડે 145 રન બનાવ્યા હતા.

આ ભાગીદારીની મદદથી ભારતે 373 રન બનાવ્યા હતા અને શ્રીલંકાને 157 રનથી હરાવ્યું.

2021માં ઈંગ્લેન્ડના બેટ્સમેન જોસ બટલરે કહ્યું કે તેઓ આ ભાગીદારીથી પ્રેરણા મેળવે છે.

"એ મારા શરૂઆતના વર્ષો હતા. ગાંગુલી અને દ્રવિડની આ સૌથી મોટી ભાગીદારીને મેં જોઈ હતી અને તેની મારા પર અવિશ્વસનીય અસર પડી હતી," બટલરે ક્રિકબઝને જણાવ્યું હતું.

એ રનઆઉટ જેણે કરોડો લોકોના દિલ તોડ્યાં

ધોની રન આઉટ

ઇમેજ સ્રોત, Getty Images

2019ના વર્લ્ડકપની એ સેમિફાઇનલ કોણ ભૂલી શકે. ઓલ્ડ ટ્રેફોર્ડમાં એ મૅચ રમાઈ રહી હતી. પહેલેથી જ વર્લ્ડકપ જીતવાના દાવેદાર ભારતને ન્યૂઝીલેન્ડે હરાવીને સૌ કોઇને ચોંકાવી દીધા હતા.

240 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતે માત્ર 5 રનમાં 3 વિકેટો ગુમાવી દીધી હતી. અને 24 રન સુધી પહોંચતા તો ભારત તેની 4 વિકેટ ગુમાવી ચૂક્યું હતું.

પીચ પણ બેટિંગ માટે અઘરી હતી અને ન્યૂઝીલેન્ડે જાણે કે ભારત પર પ્રભુત્વ સ્થાપિત કરી દીધું હતું.

રવીન્દ્ર જાડેજા અને ધોનીની જોડી પીચ પર ટકી રહી હતી અને ભારતીય પ્રેક્ષકોને ફરી જીતની આશા અપાવી હતી.

છેલ્લા 11 બોલમાં ભારતને જીત માટે 25 રનની જરૂર હતી અને ધોની પર સૌ કોઇની નજર હતી. એવું કહી શકાય કે જીતનો મદાર તેમના પર જ હતો.

પોતાની સ્ટ્રાઇક જ રહે એ પ્રયત્નોમાં ધોનીએ બીજો રન લેવાનો પ્રયત્ન કર્યો અને માર્ટિન ગુપ્ટિલે ફેંકેલા ડાયરેક્ટ થ્રોને કારણે ધોની રન આઉટ થઈ ગયા.

આ ઇનિંગ્ઝમાં તેમણે 72 બોલમાં 50 રન બનાવ્યા હતા. વિશ્વ ક્રિકેટમાં શ્રેષ્ઠ ફિનિશર ગણાતા ધોની ભારતને એ મૅચ જીતાડી શક્યા નહીં અને કરોડો ભારતીયોના દિલ એ રનઆઉટને કારણે તૂટ્યા.