એ ત્રણ ક્રિકેટરો જે ભારત અને પાકિસ્તાન બન્ને દેશ માટે રમ્યા

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જસપાલ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
એ 16 ઑક્ટોબર, 1952નો દિવસ હતો. દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાનમાં ક્રિકેટની દુનિયામાં ઊગતો સૂરજ એક ઐતિહાસિક પળ લઈને આવ્યો હતો.
એ દિવસે પાકિસ્તાન તેની પહેલી ટેસ્ટ મૅચ રમી રહ્યું હતું. તેની સામે ભારતીય ટીમ હતી. એ મૅચ સાથે જોડાયેલા એક અન્ચ દિલચસ્પ હકીકત પણ છે.
એ વાત ત્રણ ખેલાડીની છે, જેમનાં નામ અબ્દુલ હફીઝ કારદાર, અમીર ઇલાહી અને ગુલ મોહમ્મદ હતાં. આ ત્રણેય એવા ખેલાડી હતા, જેઓ ભારત અને પાકિસ્તાન બન્ને માટે ટેસ્ટ ક્રિકેટ રમ્યા હતા.
ભારત-પાકિસ્તાન વચ્ચેની પહેલી ટેસ્ટ મૅચમાં પણ એ ત્રણેય ખેલાડી મેદાન પર હતા. ગુલ મોહમ્મદ ભારત તરફથી રમતા હતા, જ્યારે અબ્દુલ હફીઝ કારદાર અને અમીર ઇલાહી પાકિસ્તાન માટે રમતા હતા. આ અહેવાલમાં આપણે તે ત્રણેય ખેલાડી બાબતે વાત કરીશું.

અબ્દુલ હફીઝ કારદારઃ પાકિસ્તાન ક્રિકેટના પિતામહ

ઇમેજ સ્રોત, Getty Images
અબ્દુલ હફીઝ કારદારને પાકિસ્તાની ક્રિકેટને આરંભના વર્ષોમાં નવો માર્ગ દેખાડનાર ક્રિકેટર ગણવામાં આવે છે. કારદારે પાકિસ્તાન માટેની તેમની પહેલી મૅચમાં કૅપ્ટન તરીકે ટીમનું નેતૃત્વ કર્યું હતું.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ની વેબસાઇટ પર જણાવ્યા મુજબ, અબ્દુલ હફીઝ કારદારને પાકિસ્તાની ક્રિકેટના પિતામહ કહેવામાં આવે છે.
કારદાર 1952થી 1958 સુધી પાકિસ્તાન માટે કુલ 23 ટેસ્ટ મૅચ રમ્યા હતા અને તમામ મૅચમાં તેમણે ટીમનું નેતૃત્વ કર્યું હતું.
પીસીબીની વેબસાઇટ મુજબ, અબ્દુલ હફીઝ કારદારનો જન્મ લાહોરમાં 1925માં થયો હતો. ઇએસપીએન ક્રિકઇન્ફો વેબસાઇટના જણાવ્યા મુજબ, કારદારનો જન્મ 1925ની 17 જાન્યુઆરીએ થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પીસીબીની વેબસાઇટ મુજબ, કારદાર લાહોરની ઇસ્લામિયા કૉલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારથી જ તેમનું ક્રિકેટ કૌશલ્ય દેખાવા લાગ્યું હતું. ઇસ્લામિયા કૉલેજ એ વખતે પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા પણ હતી.
1947માં ભારતના વિભાજન પહેલાં લાહોરની ઇસ્લામિયા કૉલેજ પંજાબના ક્રિકેટરોની નર્સરી હતી.
કારદાર અલગ-અલગ ટીમો માટે પણ ક્રિકેટ રમ્યા હતા. તેમણે પ્રથમ શ્રેણીની 174 મૅચોમાં આઠ સદી સહિત 6,832 રન બનાવ્યાં હતાં. એ સિવાય બૉલર તરીકે તેમણે 344 વિકેટ ઝડપી હતી.

ભારત તરફથી રમ્યા પહેલી મૅચ

ઇમેજ સ્રોત, Getty Images
કારદાર ભારત તરફથી પોતાની પહેલી મૅચ 1946માં રમ્યા હતા. તેમની પસંદગી ઇંગ્લૅન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ટીમ માટે કરવામાં આવી હતી. તેઓ ભારત તરફથી ત્રણ ટેસ્ટ મૅચ રમ્યા હતા. એ મૅચોમાં તેમણે 80 રન બનાવ્યા હતા.
ઈએસપીએન ક્રિકઇન્ફોના જણાવ્યા મુજબ, ઇંગ્લૅન્ડના પ્રવાસ સુધી તેઓ અબ્દુલ હફીઝ નામથી રમતા હતા, પરંતુ એ પ્રવાસ પછી તેમણે તેમના નામ સાથે પારિવારિક અટક કારદાર જોડી હતી.
ઇંગ્લૅન્ડના પ્રવાસ બાદ કારદાર ઇંગ્લૅન્ડમાં જ રહ્યા હતા. ત્યાં તેઓ વોરવિકશો કાઉન્ટી માટે રમ્યા હતા.
ડાબોડી બૅટ્સમૅન કારદાર વિસ્ફોટ બેટિંગ માટે જાણીતા હતા. તેઓ કોઈ પણ બૉલને તથા મૅચની ગમે તે સ્થિતિમાં ક્રીઝની બહાર નીકળીને બૉલરના માથા ઉપરથી શૉટ મારવા માટે પણ વિખ્યાત હતા.
તેઓ ઇંગ્લૅન્ડથી પાછા ફર્યા ત્યારે પાકિસ્તાન એક દેશ બની ચૂક્યો હતો. કારદારને એ નવા દેશની ક્રિકેટ ટીમના પહેલા કૅપ્ટનની જવાબદારી સોંપવામાં આવી હતી.

પાકિસ્તાની ક્રિકેટમાં કારદારનું યોગદાન

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનને 1951માં ટેસ્ટ મૅચ રમતા દેશ તરીકે કારદારની કૅપ્ટનશિપ હેઠળ જ ઓળખ મળી હતી. એક વર્ષ બાદ પોતાના પહેલા ભારત પ્રવાસ વખતે બીજી ટેસ્ટ મૅચમાં પાકિસ્તાને કારદારની કપ્તાની હેઠળ ભારતીય ટીમને પરાજિત કરી હતી.
એ સમયે દક્ષિણ આફ્રિકાને બાદ કરતાં પાકિસ્તાની ટીમે કારદારની કપ્તાની હેઠળ જ પાંચ ટીમો સામે વિજય મેળવ્યો હતો. પ્રથમ સિરીઝમાં પણ આવી જીત મેળવી હતી.
ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ પણ કારદાર આ રમત સાથે જોડાયેલા રહ્યા હતા. તેમણે 1972થી 1977 સુધી પીસીબીના અધ્યક્ષ તરીકે કામ કર્યું હતું. કારદારના કાર્યકાળમાં પાકિસ્તાન ક્રિકેટના આધુનિક બનાવવાની દિશામાં ઘણું કામ થયું હતું.
કારદારે રાજકારણમાં પણ હાથ અજમાવ્યો હતો. 1970માં તેમને પંજાબ વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. તેમણે સ્વિટ્ઝર્લૅન્ડમાં પાકિસ્તાનના રાજદૂત તરીકે પણ ફરજ બજાવી હતી.

ગુલ મોહમ્મદની સફર

ઇમેજ સ્રોત, PAKISTAN CRICKET BOARD/TWITTER
એ આઠમી માર્ચ, 1947નો દિવસ હતો. વડોદરામાં હોલકર અને વડોદરાની ટીમો વચ્ચે રણજી ટ્રૉફીની ફાઇનલ મૅચ રમાઈ રહી હતી. વડોદરાનો સ્કોર ત્રણ વિકેટે 91 રન હતો.
ગુલ મોહમ્મદ મેદાનમાં ઊતર્યા હતા. તેમણે મહાન ભારતીય બૅટ્સમૅન વિજય હઝારે સાથે મળીને ચોથી વિકેટની ભાગીદારીમાં 577 રન નોંધાવ્યા હતાં. ગુલ મોહમ્મદે આઠ કલાક અને 33 મિનિટ બેટિંગ કરીને 319 રન ફટકાર્યા હતા.
1921ની 15 ઑક્ટોબરે લાહોરમાં જન્મેલા ગુલ મોહમ્મદનો સમાવેશ એવા ખાસ ક્રિકેટરોમાં થાય છે, જેઓ ભારત અને પાકિસ્તાન બન્ને માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા હતા.
ગુલ મોહમ્મદ ભારત માટે આઠ અને પાકિસ્તાન માટે એક ટેસ્ટ મૅચ રમ્યા હતા.
ગુલ મોહમ્મદ ડાબોડી બૅટ્સમૅન અને બૉલર હતા. એ ઉપરાંત તેઓ તેમની ફિલ્ડિંગ માટે પણ વિખ્યાત હતા. ગુલ મોહમ્મદ વિશે કહેવાતું હતું કે તેમના હાથમાંથી માછલી પણ આસાનીથી છટકી શકતી ન હતી.
કારદારની માફક ગુલ મોહમ્મદ પણ લાહોરની ઇસ્લામિયા કૉલેજની દેણગી હતા.
પીસીબીની વેબસાઇટ પર જણાવ્યા મુજબ, ગુલ મોહમ્મદ 1938-39માં 17 વર્ષની વયે પોતાની પહેલી રણજી ટ્રૉફી મૅચ રમ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
ગુલ મોહમ્મદે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ (ડૉમેસ્ટિક સિઝન)માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. સતત સારું પ્રદર્શન કરવાને લીધે 1946માં તેમની પસંદગી ભારતીય ટીમના ઇંગ્લૅન્ડ પ્રવાસ માટે કરવામાં આવી હતી. પહેલી ટેસ્ટમાં તેઓ સારું પ્રદર્શન કરી શક્યા ન હતા.
ભારતની આઝાદી પછી 1947-48માં ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન લાલા અમરનાથના નેતૃત્વમાં ઑસ્ટ્રેલિયા ગયેલી ભારતીય ટીમનો તેઓ હિસ્સો હતા.
એ પ્રવાસમાં ભારતીય ટીમનું પ્રદર્શન અત્યંત ખરાબ રહ્યું હતું. ગુલ મોહમ્મદ પણ પાંચ ટેસ્ટ મૅચમાં માત્ર 130 રન બનાવી શક્યા હતા, પરંતુ તેમણે સારી ફિલ્ડિંગ કરીને બધાને ચોંકાવી દીધા હતા.
પાકિસ્તાન વિરુદ્ધની પહેલી બે મૅચ માટે તેમને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. એ પછી તેઓ પાકિસ્તાન રહેવા ચાલ્યા ગયા હતા.
1956-57માં તેમની પસંદગી પાકિસ્તાની ટીમ માટે કરવામાં આવી હતી. કરાચીમાં ઑસ્ટ્રેલિયા સામેની મૅચમાં તેમણે બે ઇનિંગ્ઝમાં 39 રન નોંધાવ્યા હતા. એ પછી તેમને કાઉન્ટી ક્રિકેટમાં બહુ સફળતા મળી હતી. ગુલ મોહમ્મદનું 1992માં લાંબી બીમારી બાદ લાહોરમાં મૃત્યુ થયું હતું.

આમિર ઇલાહીની વાત

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લાહોરમાં જન્મેલા આમિર ઇલાહી સાથે બે ખાસ વાત જોડાયેલી છે. સૌથી પહેલી વાત એ કે તેઓ કેટલાક જૂજ ખેલાડીઓ પૈકીના એક હતા, જેઓ ભારત અને પાકિસ્તાન બન્ને માટે ક્રિકેટ રમ્યા હતા. એ સિવાય આમિરનો સમાવેશ વિશ્વના 20 સૌથી વધુ વૃદ્ધ ખેલાડીઓમાં પણ થતો હતો.
તેમનો જન્મ 1908ની પહેલી સપ્ટેમ્બરે થયો હતો. વિઝડન ક્રિકેટરના જણાવ્યા અનુસાર, આમિર ભારત માટે એક વખત, જ્યારે પાકિસ્તાની ટીમ માટે પાંચ વખત રમ્યા હતા. તેઓ 1952-53માં ભારતમાં પાકિસ્તાન તરફથી પાંચ ટેસ્ટ મૅચ રમ્યા હતા.
આમિર ઇલાહીએ એક મીડિયમ પેસર તરીકે રમવાની શરૂઆત કરી હતી અને બાદમાં તેઓ લેગ બ્રેક બૉલર બની ગયા હતા.
ટેસ્ટ મૅચોમાં તો તેઓ કશું નોંધપાત્ર કરી શક્યા ન હતા, પરંતુ રણજી ટ્રૉફીમાં તેમનો રેકૉર્ડ શાનદાર રહ્યો હતો. તેમણે રણજી ટ્રૉફીમાં 24.72ની સરેરાશ સાથે 194 વિકેટ ઝડપી હતી.
1946-47માં પાકિસ્તાની નાગરિક બનતા પહેલાં તેમના શાનદાર પ્રદર્શનને કારણે વડોદરાને રણજી ટ્રૉફી જીતવામાં મોટી મદદ મળી હતી.
બૅટ્સમૅન તરીકેની તેમની એક ઇનિંગ્ઝ યાદગાર બની રહી છે.
1946-47માં પાકિસ્તાન અને ભારત વચ્ચે મદ્રાસ (ચેન્નાઈ)માં પાકિસ્તાનની ટીમ તરફથી રમતાં આમિરે 10 વિકેટ ઝડપી હતી અને ઝુલ્ફિકાર અહમદ સાથે 104 રનની ભાગીદારી કરી હતી. એ મૅચમાં 47 રન ફટકારીને તેમણે બધાને ચોંકાવી દીધા હતા.
આમિર ઇલાહીનું ડિસેમ્બર, 1980માં 72 વર્ષની વયે કરાચીમાં અવસાન થયું હતું.














