HappyBirthdayDhoni : આ કારણે ધોની છે સર્વશ્રેષ્ઠ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, આદેશ કુમાર ગુપ્ત
- પદ, ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
ઇંગ્લૅન્ડમાં ચાલી રહેલા 12મા ક્રિકેટ વર્લ્ડ કપમાં રવિવાર અને સોમવારે કોઈ મૅચ નથી. છતાં ભારતીય ટીમ માટે રવિવારનો દિવસ ખૂબ આનંદનો અને વ્યસ્ત રહેશે.
તેનું પહેલું કારણ તો એ છે કે ભીરતીય ટીમ શનિવારે છેલ્લી લીગ મૅચમાં શ્રીલંકાને સાત વિકેટે હરાવીને શાનથી સેમિફાઇનલમાં પહોંચી ચૂકી છે.
હવે મંગળવારે તેનો સામનો પહેલી સેમિફાઇનલમાં ન્યૂઝીલૅન્ડ સામે થશે. તે ઉપરાંત રવિવારે વ્યસ્ત રહેવાનું બીજું કારણ છે મહેન્દ્ર સિંહ ધોનીનો જન્મ દિવસ.
ધોની રવિવારે પોતાનો 38મો જન્મ દિવસ ઊજવવા જઈ રહ્યા છે. સ્વાભાવિક છે કે હોટેલમાં બાકીના ભારતીય ખેલાડીઓ આ તક જતી કરશે નહીં.
આ નિમિત્તે ભારતીય ખેલાડીઓને કેકથી ધોનીનું મોં ભરી દેવા સાથે પાર્ટીનો માહોલ હશે.

ધોનીને જીતની ભેટ મળશે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
માનવામાં આવે છે કે આ ધોનીનો છેલ્લો વર્લ્ડ કપ છે. ત્યારે ભારતના ખેલાડીઓ આવનારા અઠાવાડિયામાં સેમિફાઇનલ અને ફાઇનલ જીતીને ધોનીને વિશ્વકપની જીત આવવાની ઇચ્છા રાખશે.
ધોનીએ પોતે પણ પોતાની કપ્તાનીમાં 2007માં ટી-20 અને વર્ષ 2011માં આઈસીસી વર્લ્ડ કપ જીતીને ભારતને અપાર ખુશીઓ આપી છે.
38 વર્ષની ઉંમરે જ્યારે ખેલાડીની આંખો નબળી થવા લાગે છે અને રન લેતી વખતે ખેલાડીની ગતિ ધીમી પડવા લાગે છે, ત્યારે ધોની આજે પણ વિકેટ પાછળ અન્ય ટીમના વિકેટકીપરની સરખામણીએ સૌથી વધુ સ્ફૂર્તિ ધરાવતા સાબિત થાય છે. એટલું જ નહીં દોડીને રન લેવામાં તો યુવા ખેલાડીઓ પણ તેમની પાસે પાણી ભરે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

શું ધોની ધીમા પડી ગયા છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ વર્લ્ડ કપમાં ભલે ધોનીની ધીમી બેટિંગ બાબતે તેમની ટીકા થઈ રહી હોય પરંતુ બધા એ પણ જાણે છે કે જો વેસ્ટ ઇન્ડીઝ સામે જ્યારે ટૉપ ઑર્ડર વેર વિખેર થઈ ગયો હતો ત્યારે જો ધોની પણ આઉટ થઈ ગયા હોત તો શું થાત.
જોકે, ધોનીને સરળતાથી સ્ટંપ કરવાની તક વેસ્ટ ઇન્ડીઝના વિકેટકીપરે ગુમાવી, છતાં જીત તો અંતે જીત હોય છે.
જોકે, ટુર્નામેન્ટમાં ધોનીનો સ્ટ્રાઇક રેટ 93 છે, જેને ધીમો ન કહી શકાય. તેનો અર્થ કે તેઓ દર 100 બૉલમાં 93 રન બનાવી રહ્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images
સૌથી મોટી વાત એ છે કે ભારતના કૅપ્ટન કોહલી જાણે છે કે ધોનીનું ટીમમાં શું મહત્ત્વ છે.
એટલે જ તો કોહલી માને છે કે ધોનીને સલાહ આપવાની કોઈ જરૂરત નથી. ધોની પોતે જાણે છે કે તેમને ક્યારે શું કરવાનું છે.
આ માત્ર કહેવાની વાત નથી પરંતુ તે મેદાન પર પણ દેખાય છે. જ્યારે ટીમ બૉલિંગ કરતી હોય ત્યારે બૉલરને સલાહ આપવાનું, ફિલ્ડિંગમાં ફેરફાર કરવાનું અને ડીઆરએસ લેવું કે ન લેવું ત્યા સુધી ધોનીની સલાહ સૌથી મહત્ત્વની હોય છે.
તેમની હાજરીના કારણે જ કૅપ્ટન કોહલી બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરતા દેખાય છે. એટલે કે કૅપ્ટન ન હોવા છતાં ધોની કૅપ્ટનની ભૂમિકા નિભાવે છે.

ધોનીના ચોંકાવનારા નિર્ણય

ઇમેજ સ્રોત, Getty Images
હવે આ વાતને માત્ર એક સંયોગ જ કહી શકાય કે ધોની સૈયદ કિરમાણીની જેમ કલાત્મક અને પરંપરાગત રીતે વિકેટકીપિંગ નથી કરતા.
ફારુખ એન્જિનિયરની જેમ ઓપનિંગ બૅટ્સમૅન પણ નથી. છતાં તેઓ ભારતના સૌથી સફળ વિકેટકીપર હોવાની સાથે સફળ બૅટ્સમૅન અને કૅપ્ટન છે.
ધોની હંમેશાં ચોંકાવનારા નિર્ણયો લે છે. કંઈક આવું જ થયું જ્યારે તેમણે કોઈ પણ પ્રકારના શોર વિના ટેસ્ટ ક્રિકેટમાં કપ્તાનીની ટોપી કોહલીના માથે મૂકી દીધી.
ત્યારબાદ તેમણે વન-ડે અને ટી-20ની કપ્તાની પણ છોડી દીધી અને ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું.
એક કૅપ્ટન તરીકે આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્ઝને ત્રણ વખત વિજેતા બનાવી. તેમની જ કપ્તાનીમાં ભારત પહેલી વખત આઈસીસી ચૅપિયન્સ ટ્રૉફી જીતી. તેમની જ કપ્તાનીમાં ભારત આઈસીસી ટેસ્ટ રૅન્કિંગમાં નંબર 1 બન્યું.

માહી હે તો મુમકીન હે

ઇમેજ સ્રોત, Getty Images
ધોનીના ખાતામાં અનેક સફળતાઓ સાથે અનેક કિસ્સાઓ પણ છે. આઈપીએલમાં એમની ટીમ ચેન્નઈ સુપર કિંગ્ઝને સ્પૉટ ફિક્સિંગ જેવા કહેવાતા કેસનો શિકાર બનીને બે વર્ષ માટે આઈપીએલમાંથી બહાર રહેવું પડ્યું. પરંતુ ધોની 2018માં લગભગ પોતાના દમ પર તેને ચૅમ્પિયન બનાવીને તેને પરત લાવ્યા.
ધોની પર એ પણ આરોપ છે કે તેમના કારણે ગૌતમ ગંભીર, વીરેન્દ્ર સહેવાગ, વીવીએસ લક્ષ્મણ અને રાહુલ દ્રવિડને ક્રિકેટ છોડવું પડ્યું.
એ પણ સત્ય છે કે ધોનીની આગેવાનીમાં જ વિરાટ કોહલી, રોહિત શર્મા અને અન્ય ખેલાડીઓ ખૂબ ચમક્યા.
રોહિત શર્માને તો વન-ડે ક્રિકેટમાં ઑપનર જ ધોનીએ બનાવ્યા. વિકેટ પાછળ ધોની આજે પણ બૅટ્સમૅન માટે ખતરો છે. પળવારમાં સ્ટમ્પ કરવામાં કોઈ તેમની તોલે ન આવે.
એક સમયે પોતાના લાંબા વાળ માટે તત્કાલિન પાકિસ્તાની રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફની પ્રશંસા પામનારા ધોની સિક્સ મારીને મૅચ જીતાડવામાં પણ માહેર છે.

ધોની જેવું કોઈ નહીં

ઇમેજ સ્રોત, Getty Images
આજે પણ તેમના ખભ્ભા પર મૅચ ફિનિશરની જવાબદારી છે. સમય સાથે ધોની ભલે ક્યારેક 'આહ' તો ક્યારેક 'વાહ'નો સામનો કરતા રહ્યા પરંતુ કદાચ તેમણે ક્યારેય કોઈ પ્રસંગે બીજા ખેલાડીની જેમ જોશમાં આવીને બૅટ નથી ફેરવ્યું કે મૅચ જીતીને ખુશીમાં કૂદ્યા નથી.
ખરેખર તેઓ 'કૅપ્ટન કૂલ' કહેવાતા રહ્યા છે. ધોની વિશે એટલું બધું કહેવાયું અને સાંભળવા મળ્યું છે કે કોઈ વાત નવી લાગતી નથી.
તેમ છતાં ભારતના પૂર્વ કપ્તાન સુનિલ ગાવસ્કર વારંવાર કહે છે-તેઓ ઇચ્છે છે કે જ્યારે 2011માં ધોનીએ વર્લ્ડ કપ ફાઇનલમાં શ્રીલંકા સામે સિક્સ મારીને મૅચ જીતાડી હતી તે માહોલ રહે. આથી મોટી વાત કદાચ બીજી કોઈ ન હોઈ શકે.
આમ પણ ધોનીએ આ અંદાજમાં કેટલી બધી મૅચ જીતાડી છે. આશા છે કે એમના જીવનનું એક નવું પાનું સફળતાનાં નવાં સોપાન લઈને આવે. હાલ તો ધોનીનું રમવું એ ભારતની મજબૂરી નહીં જરૂરિયાત છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












