ક્રિકેટ વર્લ્ડકપ: માત્ર 183 રન બનાવીને ભારતે ક્રિકેટનો ઇતિહાસ કેવી રીતે બદલ્યો?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
કપિલ દેવ 1983ની 25 જૂનની સવારે જાગ્યા ત્યારે તેમનાં પત્ની રોમી ઉંઘી રહ્યાં હતાં. કપિલે હોટલના રૂમની બારીના પડદા હટાવ્યા અને બહાર સૂરજ ચમકતો હતો એ જોઈને રાહતનો શ્વાસ લીધો હતો.
તેમણે રોમીને જગાડ્યાં નહીં. જરાય અવાજ કર્યા વિના ચા બનાવી અને બારીની પાસે બેસીને લૉર્ડ્ઝ મેદાનનો નજારો જોવા લાગ્યા.
મૅચ શરૂ થતા પહેલાં ટીમને સંબોધન કરતાં કપિલે કહ્યું હતું, "માત્ર એક વાત યાદ રાખો. આગામી છ કલાક પછી આપણું જીવન સંપૂર્ણપણે બદલાઈ જવાનું છે. કંઈ પણ થાય, આપણે શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું છે. કરો યા મરો. પછી આપણને અફસોસ ન થવો જોઈએ કે આપણે આ કરી શક્યા હોત કે તે કરી શક્યા હોત."
ટૉસ પછી વેસ્ટ ઈન્ડીઝની ટીમના કૅપ્ટન ક્લાઈવ લૉઈડે ભારતીય ટીમને પહેલો દાવ લેવા જણાવ્યું ત્યારે કપિલે રાહતનો શ્વાસ લીધો હતો, કારણ કે ટૉસ જીતીએ તો પહેલાં બેટિંગ કરવાનું તેમણે નક્કી કરી રાખ્યું હતું, કારણ કે વેસ્ટ ઈન્ડીઝને હરાવવાની આશા ત્યારે જ રાખી શકાય, જ્યારે તેમના પર રન બનાવવાનું દબાણ હોય.

ભારતીય ઈનિંગ્ઝ 183 રનમાં સમેટાઈ ગઈ

ઇમેજ સ્રોત, GETTY IMAGES
વેસ્ટ ઈન્ડીઝે એ સમયના સર્વશ્રેષ્ઠ ઓપનર સુનીલ ગાવસ્કરને માત્ર બે રનના અંગત સ્કોર પર આઉટ કરીને ભારત પર શરૂઆતમાં દબાણ કર્યું હતું. એ ઈનિંગ્ઝમાં શ્રીકાંત અને કંઈક અંશે મોહિંદર અમરનાથને બાદ કરતાં એકેય ભારતીય બેટ્સમેને નોંધપાત્ર સ્કોર કર્યો ન હતો.
શ્રીકાંત અને મોહિંદરે બીજી વિકેટની ભાગીદારીમાં 57 રન કર્યાં હતાં અને બન્ને 90 રનના કુલ સ્કોર પર આઉટ થઈ ગયા હતા.
શ્રીકાંતે ઘૂંટણિયે બેસીને ઍન્ડી રૉબર્ટ્સના બૉલને બાઉન્ડ્રીની બહાર મોકલી આપ્યો ત્યારે મૅચની યાદગાર ક્ષણ આવી હતી. ભારતની છેલ્લી જોડી સૈયદ કિરમાણી અને બલવિંદર સંધુએ જેમતેમ સ્કોર 183 સુધી પહોંચાડ્યો હતો.

ઇમેજ સ્રોત, GETTY IMAGE
આ ભાગીદારીથી ફાસ્ટ બૉલર માલ્કમ માર્શલ એટલા ચીડાયા હતા કે તેમણે 11મા નંબરના ખેલાડી સંધુને બાઉન્સર ફેંક્યો હતો, જે સંધુની હેલમેટ સાથે ટકરાયો હતો. સંધુને ધોળા દિવસે તારા દેખાઈ ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ ક્ષણના યાદ કરતાં સૈયદ કિરમાણી કહે છે, "સંધુને કંઈ તકલીફ નથી થઈને, એ પૂછવા હું તેની તરફ દોડ્યો હતો. મેં જોયું તો બલ્લુ હેલમેટ પર હાથ ઘસતો હતો. મેં પૂછ્યું, હેલમેટ પર હાથ કેમ ઘસે છે, તેને પીડા થાય છે?"
એ વખતે અમ્પાયર ડિકી બર્ડે માર્શલને છેલ્લા ખેલાડી પર બાઉન્સર ફેંકવા બદલ જોરદાર ઠપકો આપ્યો હતો. તેમણે માર્શલને એમ પણ કહ્યું હતું કે તમે સંધુની માફી માગો.
માર્શલ સંધુ પાસે ગયા અને કહ્યું, "મારો ઈરાદો તમને ઘાયલ કરવાનો ન હતો. મને માફ કરી દો."
સંધુએ કહ્યું, "માલ્કમ, તમે એમ માનો છો કે મારું દિમાગ મારા મસ્તકમાં છે? નહીં, એ મારા ઘૂંટણમાં છે."
એ સાંભળીને માર્શલ હસી પડ્યા અને વાતાવરણ હળવું થઈ ગયું.

કપિલ દેવનો શાનદાર કૅચ

ઇમેજ સ્રોત, GETTY IMAGES
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડ્રેસિંગ રૂમમાં પોતાની ટીમને ફરી સંબોધિત કરતાં કપિલે કહ્યું હતું, "આપણે 183 રન બનાવ્યાં છે. સામેની ટીમે 183 રન બનાવવાના બાકી છે. આપણે તેમને પ્રત્યેક રન બનાવવા મહેનત કરાવવી પડશે."
"પૂરી તાકાત લગાવીને રમો અને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરો. બોલ જ્યાં પણ જાય તેના પર તમારી જાતને ફેંકી દો. આપણે હારીશું તો પણ લડાયક પ્રદર્શન કરીને હારીશું. તમારે તમારી શ્રેષ્ઠ રમત માત્ર ત્રણ કલાક માટે રમવાની છે."
વેસ્ટ ઈન્ડીઝે માત્ર પાંચ રન બનાવ્યા હતા ત્યાં બલવિંદર સંધુનો એક બોલ બહારથી અંદર આવ્યો અને ગોર્ડન ગ્રીનિજની સ્ટમ્પ ઊડી ગઈ. તેને બૉલ ઑફ ધ ટુર્નામેન્ટ કહેવામાં આવ્યો હતો.
મદનલાલના એક બૉલને વિવિયન રિચર્ડ્સે ફટકાર્યો અને કપિલે પાછળની તરફ લગભગ 25 ગજ દોડીને ડીપ મિડ વિકેટ પર તેનો કેચ ઝડપ્યો ત્યારે ક્રિકેટ વિશ્વ કપની ફાઈનલમાં નિર્ણાયક વળાંક આવ્યો હતો.
મોહિંદર અમરનાથના જીવનચરિત્ર ‘જિમી ધ ફીનિક્સ ઓફ 1983’માં અરુપ સૈકિયા લખે છે, “એ કેચ લગભગ છૂટતાં-છૂટતાં બચ્યો હતો. મદનલાલે જોયું કે યશપાલ શર્મા પણ એ કેચ ઝડપવા દોડી રહ્યા હતા. કપિલ પણ એ કૅચ ઝડપવા દોડી રહ્યા છે એવું બરાડીને તેમણે યશપાલને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પ્રેક્ષકોના અવાજમાં યશપાલને કશું સંભળાયું ન હતું. એ પણ બૉલ તરફ દોડતા હતા. સારું થયું કે યશપાલ અને કપિલ એકમેકની સાથે ટકરાયા નહીં."

મદનલાલે માગેલી ઓવર

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ખરેખર એવું થવાનું ન હતું. રિચર્ડ્ઝે મદનલાલના ત્રણ બૉલમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા એટલે કપિલ મદનલાલને આરામ આપવા ઇચ્છતા હતા, પરંતુ મદનલાલે વધુ એક ઓવર ફેંકવા દેવાની વિનંતી કૅપ્ટનને કરી ત્યારે કપિલે ખચકાતા મને તેની વિનંતી સ્વીકારી હતી. મદનલાલે કપિલને નિરાશ કર્યા ન હતા.
એ ઘટનાને યાદ કરતાં મદનલાલે કહ્યું હતું, "વિવિયન રિચર્ડ્ઝ વધુ 10 ઓવર ટકી જશે તો મૅચ અમારી પહોંચની બહાર થઈ જશે, એ અમે જાણતા હતા. કપિલ રિચર્ડ્ઝના લોફટેડ શૉટને કૅચ કરવાનો પ્રયાસ કરતા હતા તે ત્રણ કે ચાર સેકન્ડ મારી જિંદગીની સૌથી લાંબી ત્રણ કે ચાર સેકન્ડ હતી. કપિલે કૅચ પકડ્યો કે તરત જ મને થયું કે આજે કશુંક અસાધારણ થવાનું છે."

ભારતનો 43 રને વિજય

ઇમેજ સ્રોત, GETTY IMAGES
એ મૅચનો ટર્નિંગ પોઇન્ટ હતો. એક સમયે માત્ર એક વિકેટે 50 રન સ્કોર કરી ચૂકેલી વેસ્ટ ઈન્ડીઝની છ વિકેટ માત્ર 74 રનમાં પડી ગઈ હતી. જેફ દૂજોં અને માલ્કમ માર્શલે પરિસ્થિતિને પલટાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અમરનાથે બંનેને આઉટ કર્યા હતા.
કપિલે ઍન્ડી રૉબર્ટ્સને એલબીડબલ્યુ આઉટ કર્યા કે તરત વેસ્ટ ઈન્ડીઝનો સ્કોર નવ વિકેટે 126 થઈ ગયો હતો. છેલ્લી વિકેટની ભાગીદારીમાં હોલ્ડિંગ અને ગાર્નરે 14 રન ઉમેર્યાં હતાં, પરંતુ અમરનાથે ગાર્નરને એલબીડબલ્યુ આઉટ કર્યા ત્યારે વેસ્ટ ઈન્ડીઝ ભારતના સ્કોરથી 43 રન પાછળ હતું.
બીજા દિવસે ટાઈમ્સ અખબારમાં હેડલાઇન હતીઃ ‘કપિલ્સ મેન ટર્ન ધ વર્લ્ડ અપસાઇડ ડાઉન.’ એક બ્રિટિશ અખબારમાં પ્રકાશિત લેખનું શિર્ષક હતુઃ ‘ટાઇગર્સ ફાઇન્ડ ધેર ક્લોઝ’ (વાઘોએ પંજા બહાર કાઢ્યા)
ભારતીય ટીમની જીત ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટો અપસેટ હતી.

સવારે ત્રણ વાગ્યા સુધી ચાલી ઊજવણી

ઇમેજ સ્રોત, GETTY IMAGE
આ જીત પછી ભારતીય ટીમના સમર્થકો એટલા જોશમાં આવી ગયા હતા કે ભારતીય ટીમને તેની હોટેલ સુધી પહોંચતા ત્રણ કલાક થયા હતા, જ્યારે કે તેમની હોટેલ લૉર્ડ્ઝના મેદાનની તદ્દન બાજુમાં જ આવેલી હતી.
તે ઊજવણીમાં બે પાકિસ્તાની ખેલાડી સરફરાઝ નવાઝ અને અબ્દુલ કાદિર પણ સામેલ થયા હતા.
કપિલે પોતાની આત્મકથા ‘સ્ટ્રેટ ફ્રૉમ ધ હાર્ટ’માં લખ્યું છે, “અમે ડ્રેસિંગ રૂમની બહાર નીકળ્યા કે તરત જ સાઉથોલના પંજાબીઓના એક સમૂહે અમને ઘેરી લીધા હતા. તેઓ સાથે ઢોલ લાવ્યા હતા. તેમણે નાચવાનું શરૂ કર્યું. હોટેલ પહોંચ્યા પછી પણ સવારે ત્રણ વાગ્યા સુધી અમે નાચતા રહ્યા હતા. અમરનાથને મેન ઓફ ધ મેચ બનવા બદલ આપવામાં આવેલી શેમ્પેઇનની બોટેલ પહેલાં ખતમ કરી નાખી હતી. પછી એટલો દારૂ પીધો કે બારમાંનો તમામ દારૂ ખતમ થઈ ગયો.”
એ ઘટનાને સંભારતાં કપિલ લખે છે, “હું ભાગ્યે જ દારૂ પીઉં છે, એ જાણતા હોવા છતાં લોકોએ મને જબરદસ્તીથી શેમ્પેઇન પીવડાવ્યો હતો. મેં તેમના આગ્રહને આદર આપ્યો હતો. અમે ભૂખ્યા સૂઈ ગયા હતા, કારણ કે મોડી રાત થઈ ગઈ હતી અને બધા રેસ્ટોરાં બંધ થઈ ગયાં હતાં. બાદમાં અમને ખબર પડી હતી કે સાઉથોલના તમામ રેસ્ટોરાંએ, તેમની સામેથી પસાર થયેલા તમામ લોકોને મફતમાં ભોજન કરાવ્યું હતું અને મિઠાઈ વહેંચી હતી.”

જીતે તૈયાર કર્યો ક્રિકેટ ખેલાડીઓનો નવો ફાલ

ઇમેજ સ્રોત, MACMILLAN
બીજી તરફ દિલ્હી, કોલકાતા અને મુંબઈના રસ્તાઓ પર લોકો ખુશીથી નાચવા લાગ્યા હતા.
મિહિર બોઝ તેમના પુસ્તક ‘ધ નાઈન વેવ્ઝ’માં લખે છે, "ભારતમાં લાખો લોકોએ તે દૃશ્ય પોતાના ટેલિવિઝન સેટ્સ પર જોયું હતું. તેમાં ક્રિકેટમાં રસ ધરાવતા ચાર બાળકો રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણ પણ હતા. આ ચારેય આગળ જતાં ભારતીય ક્રિકેટ ટીમની કરોડરજ્જૂ બનાવ્યા હતા. દ્રવિડે મને બાદમાં જણાવ્યું હતું કે એ સમયે તેની વય 10 વર્ષ હતી. તેમણે ટીવી પર જોયેલી એ પહેલી મેચ હતી."
આ વિજય વિશે પહેલી ટિપ્પણી ઈંગ્લૅન્ડના ભૂતપૂર્વ કેપ્ટન ટોની લુઈસે કરી હતી. તેમણે કહેલું, "લંચ વખતે ભારતીય ટીમે ચાર વિકેટે 100 રન બનાવ્યાં ત્યારે જ મેં કહી દીધું હતું કે આજે જીતશે તો ભારત જ."
"વાસ્તવમાં બૉલ એટલો સ્વિંગ થતો હતો કે બોલર્સ પોતાની લાઇન પર નિયંત્રણ રાખી શકતા ન હતા અને વારંવાર વાઇડ બૉલ ફેંકતા હતા. પિચ પર બાઉન્સ અસમાન હતો. છ ફૂટ, આઠ ઇંચ લાંબા જોએલ ગાર્નરની એક જ ઓવરમાં એક બૉલ ગાવસ્કરના નાક પાસેથી પસાર થતો હતો, જ્યારે બીજો બોલ તેના ઘૂંટણ નીચે ટકરાતો હતો.”

ઇમેજ સ્રોત, ALEPH BOOKS
ગુંડપ્પા વિશ્વનાથનું કહેવું હતું, "મદનલાલ અને રોજર બિન્ની બન્નેને વેસ્ટ ઈન્ડિઝના બોલર્સથી વધુ મૂવમેન્ટ મળી હતી. મૅચના અંતિમ ચરણમાં મોહિંદર અમરનાથે પણ સારી બોલિંગ કરી હતી."
એ મૅચને યાદ કરતાં જોએલ ગાર્નરે બાદમાં કહ્યું હતું, "ભારતની ઈનિંગ્ઝ પછી અમે પેવેલિયનમાં પાછા ફરી રહ્યા હતા ત્યારે મેં માલ્કમ માર્શલને પૂછ્યું હતું, તારે આજે બેટિંગ કરવી પડશે એવું તને લાગે છે?"
"માલ્કમે જવાબ આપ્યો હતો કે મારે અને તારે પણ બેટિંગ કરવી પડશે. આ સાંભળીને હું વિચારતો થઈ ગયો હતો. માર્શલ આઠમા નંબરે અને હું દસમા નંબરે બેટિંગ કરતો હતો."
સૌથી ખરાબ હાલત અંગ્રેજ સમીક્ષક ડેવિડ ફ્રિથની થઈ હતી. ટુર્નામેન્ટ શરૂ થઈ એ પહેલાં તેમણે લખ્યું હતું કે ભારતીય ટીમ એટલી નબળી છે કે તેણે ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું લઈ લેવું જોઈએ.

મુંબઈમાં અભૂતપૂર્વ સ્વાગત

ઇમેજ સ્રોત, GETTY IMAGES
એક સપ્તાહ પછી ભારતીય ટીમ લંડનથી મુંબઈ આવવા રવાના થઈ હતી. ઍર ઈન્ડિયાની ફ્લાઇટમાં કેક કાપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભારતીય ટીમ મુંબઈ ઍરપોર્ટ પર ઊતરી ત્યારે ત્યાં સંખ્યાબંધ લોકો હાજર હતા.
મૂશળધાર વરસાદ થઈ રહ્યો હતો ત્યારે પણ ટીમનું સ્વાગત કરવા માટે ઍરપોર્ટ પર લગભગ 30,000 લોકો પહોંચ્યા હતા.
ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અજિત વાડેકર પણ ટીમના સ્વાગત માટે ઍરપોર્ટ પર ઉપસ્થિત હતા.
ઍરપોર્ટથી વાનખેડે સ્ટેડિયમ જવાના રસ્તા, બન્ને બાજુએ હજારો લોકો ઊભા હતા. ખેલાડીઓના કોચની આગળના વાહનમાં વિશ્વકપ રાખવામાં આવ્યો હતો, જેથી લોકો તેને નિહાળી શકે.
તેને ખાસ પરવાનગીથી ભારત લાવવામાં આવ્યો હતો, કારણ કે તે રનિંગ ટ્રોફી હતો.
તેથી તેને ઇંગ્લૅન્ડની બહાર લઈ જવાની છૂટ ન હતી. વર્લ્ડ કપને ભારત લાવવા માટે ટીમે એક બૉન્ડ ભરવું પડ્યું હતું.
ભારતીય ટીમ વાનખેડે સ્ટેડિયમ પહોંચી ત્યારે ત્યાં 50,000 લોકો તેનું સ્વાગત કરવા ઉભા હતા. રસપ્રદ વાત એ છે કે એ વખતે ટીમને યોગ્ય પુરસ્કાર આપી શકાય તેટલા પૈસા પણ ભારતીય ક્રિકેટ બોર્ડ પાસે ન હતા.
બાદમાં બોર્ડના અધ્યક્ષ એન કે પી સાલ્વેના સહયોગથી દિલ્હીના ઈંદિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં લતા મંગેશકરની એક કૉન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાંથી મળેલા નાણાંમાંથી તમામ ખેલાડીને રૂ. એક-એક લાખ આપવામાં આવ્યા હતા.

રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને કર્યું સ્વાગત

ઇમેજ સ્રોત, GETTY IMAGES
એ પછી આખી ટીમ દિલ્હી પહોંચી હતી, જ્યાં તત્કાલીન વડાપ્રધાન ઈંદિરા ગાંધીએ હૈદરાબાદ હાઉસમાં તેમના માટે સ્વાગત સમારંભનું આયોજન કર્યું હતું. તેમણે તમામ ખેલાડી સાથે હસ્તધૂનન કર્યું હતું. પહેલાં તેમણે અંગ્રેજીમાં અને બાદમાં હિંદીમાં ભાષણ આપ્યું હતું. એ પછી તત્કાલીન રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંહે આખી ટીમને ચા પીવા માટે રાષ્ટ્રપતિ ભવન બોલાવી હતી. કપિલ દેવે તેમના હાથમાં વિશ્વ કપ આપતાં કહ્યું હતું, "આ તમારા માટે છે."
કપિલ દેવ પોતાની આત્મકથામાં લખે છે, "જ્ઞાનીજીએ મજાકના સ્વરમાં પૂછ્યુઃ અચ્છા, આ આપણો થઈ ગયો? મેં જવાબ આપ્યોઃ આપણે તેને ત્રણથી છ મહિના સુધી રાખી શકીશું. પછી પાછો આપી દેવો પડશે."
"એ સાંભળીને ઝૈલસિંહે કહ્યું, આપણે પાછો નહીં આપીએ તો લડાઈ થશે? મેં કહ્યું નહી. એ સાંભળીને આખી ટીમ હસી પડી હતી."
"ઈંદિરા ગાંધીએ અમારી સામે ડોળા કાઢ્યા અને ઇશારો કર્યો કે રાષ્ટ્રપતિ સામે અમારે આ રીતે હસવું ન જોઈએ."
"હું તેમનો ઇશારો સમજી શક્યો નહીં અને હસતો રહ્યો. થોડીવાર પછી મને લાગ્યું કે રાષ્ટ્રપતિને અમારી જીતનો એટલો ગર્વ છે કે આ કપ પાછો શા માટે આપવો પડશે એ તેઓ સમજી શકતા નથી."














