પાકિસ્તાને ભારત સામે કરેલી એ ‘ભૂલ’, જેને લીધે તેણે વર્લ્ડકપ ગુમાવવો પડ્યો અને ભારત જીત્યું

કહેવાય છે કે મિસબાહ સામે અંતિમ ઓવર ફેંકવા ભારતના અનુભવી બૉલરોય 'તૈયાર થયા નહોતા'

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કહેવાય છે કે મિસબાહ સામે અંતિમ ઓવર ફેંકવા ભારતના અનુભવી બૉલરોય 'તૈયાર થયા નહોતા'

5 ઑક્ટોબરથી આઈસીસી મૅન્સ વનડે વર્લ્ડકપની શરૂઆત થઈ ચૂકી છે.

મેજબાન ભારતની ટીમ પોતાની પ્રથમ બે મૅચોમાં આસાનીથી વિજય મેળવીને ત્રીજી અને રોમાંચક મૅચમાં ક્રિકેટિંગ જગતના જાની-દુશ્મન પાકિસ્તાનની ટીમ સાથે શનિવારે ટકરાવવા સજ્જ જણાઈ રહી છે.

આમ તો આ બંને ટીમો વચ્ચેના રોમાંચક મુકાબલાની પ્રશંસકો કાગડોળે રાહ જોતા હોય છે.

પરંતુ વર્લ્ડકપની બાબતમાં આ મુકાબલાના ‘રોમાંચ’નું સ્તર એક અલગ જ ઊંચાઈએ પહોંચી જાય છે.

વનડે વર્લ્ડકપમાં અત્યાર સુધી પાકિસ્તાનના પર્ફૉમન્સની વાત કરીએ તો પોતાની બંને મૅચોમાં જીત સાથે પાકિસ્તાની ટીમેય ફૉર્મમાં જણાઈ રહી છે.

જ્યારે ભારત -પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ મુકાબલાના રોમાંચની વાત કરીએ તો બંને દેશો વચ્ચે થયેલા આવા ઘણા રોમાંચક મુકાબલા લોકોની સ્મૃતિમાં અંકિત થઈ ચૂક્યા છે.

પરંતુ તેમાં પણ જેની વાતમાત્રથી ભારતીય ક્રિકેટપ્રેમીઓનાં શરીર પરનાં રૂવાં ઊભાં થઈ જાય તેવો અને જેની યાદ હજુ તાજી જ લાગે તેવો એક મુકાબલો યાદ કરવો હોય તો તેમાં મોટા ભાગના લોકો વર્ષ 2007ની પ્રથમ ટી20 વર્લ્ડકપની ફાઇનલના ભારત-પાકિસ્તાનના મુકાબલા પર જરૂર પસંદગી ઉતારશે.

એ મૅચની વાત જ કંઈક એવી હતી. ક્રિકેટજગતના સૌથી મોટી હરીફ ટીમો પૈકી ભારત-પાકિસ્તાનના ગજગ્રાહની સાથોસાથ ફાઇનલ મુકાબલાના તણાવમાં બંને ટીમો તરફથી કરાયેલ યાદગાર પ્રદર્શનને કારણે એ મૅચ ભારત-પાકિસ્તાન સિવાય દુનિયાભરના ક્રિકેટચાહકો માટે ‘રોમાંચ અને મનોરંજનનો ભંડાર’ પુરવાર થયેલી.

પરંતુ આ મૅચની યાદગાર ક્ષણોમાં એક ભૂલનો પણ સમાવેશ થાય છે. કદાચ એ મૅચ જેટલી યાદગાર એ ભૂલ પણ બની ગઈ છે.

પાકિસ્તાનના દિગ્ગજ, એ સમયે ઇન-ફૉર્મ બૅટ્સમૅને મૅચમાં એક એવી ભૂલ કરેલી કે જેના કારણે મૅચનું આખું પાસું જ પલટાઈ ગયેલું અને વર્લ્ડકપ જાણે ભારતની ઝોળીમાં આવી પડેલો.

ધોનીની યુવાન ટીમ

વર્લ્ડકપ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2007માં પ્રથમ ટી20 વર્લ્ડકપમાં ભારતીય ટીમની જીત
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

24 સપ્ટેમ્બર, 2007નો એ દિવસ ભારતના દરેક ક્રિકેટપ્રેમીના મનમાં ઉત્સાહવર્ધક યાદો છોડી ગયો છે.

એ જ દિવસે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે પ્રથમ ટી20 વર્લ્ડકપ ફાઇનલમાં ભારતની યુવાન ખેલાડીઓથી સજ્જ ટીમે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં પરંપરાગત હરીફ ટીમ પાકિસ્તાન સામે માત્ર 158 રનનું લક્ષ્ય મૂક્યું હતું.

હજુ થોડા મહિના પહેલાં જ દિગ્ગજ સિનિયરોથી સજ્જ ભારતીય ટીમ ગ્રૂપ સ્ટેજમાં જ બાંગ્લાદેશ સામે કારમા પરાજય બાદ ‘વીલા મોઢે’ પરત ફરી હતી. સામેની બાજુએ પાકિસ્તાનની ટીમેય ગ્રૂપ સ્ટેજમાં જ બહાર થઈ ગઈ હતી.

પરંતુ અમુક મહિનામાં જ ક્રિકેટજગતના આ હરીફો ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં એકબીજાની સામે હતા.

ભારતની દિગ્ગજ ત્રિપુટી સચીન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલીને આરામ આપવાનો નિર્ણય કરી ટીમ મૅનેજમૅન્ટે મહેન્દ્રસિંહ ધોનીને કપ્તાની સોંપી હતી.

સેહવાગ, યુવરાજસિંહ જેવા પ્રમાણસર અનુભવી ક્રિકેટરો હોવા છતાં ભારતીય મૅનેજમૅન્ટે આ વખત નવા-યુવાન ખેલાડીઓ પર દાવ રમ્યો હતો.

ફાઇનલમાં ઓપનર ગૌતમ ગંભીર અને યુસુફ પઠાણ શરૂઆતથી આક્રમક દેખાઈ રહ્યા હતા. પરંતુ તાબડતોડ શરૂઆત બાદ પાંચ ઓવરમાં જ ભારતે 40 રનના સ્કોરે બે વિકેટ ગુમાવી દીધી હતી.

પરંતુ અહીંથી બાજી ઓપનર ગંભીર અને ઇન-ફૉર્મ બૅટ્સમૅન યુવરાજસિંહ સંભાળી લીધેલી. આ જોડીએ વધુ 63 રન જોડ્યા હતા. આ મૅચમાં યુવરાજસિંહ સેમિફાઇનલ જેવા આક્રમક મૂડમાં નહોતા દેખાઈ રહ્યા.

બાદની ઓવરોમાં યુવરાજ સહિત ધોનીને પેવેલિયન મોકલી પાકિસ્તાની ટીમ ભારતીય ટીમને 14 ઓવરમાં 111 રન સુધી સીમિત રાખવામાં સફળ રહી હતી.

શરૂઆતથી લગભગ અંત સુધી બેટિંગ કરનાર ગંભીર અણીના સમયે ટીમના તારણહાર બનીને સામે આવ્યા હતા. તેઓ 54 બૉલમાં 75 રનનું સરાહનીય યોગદાન કરીને ઉમર ગુલના બૉલે આઉટ થયા. તે બાદ રોહિત શર્માએ 16 બૉલમાં આક્રમક અંદાજમાં 30 રન ફટકારીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં ભૂમિકા ભજવેલી.

આ મૅચમાં પાકિસ્તાન વતી સૌથી વધુ ત્રણ વિકેટ ઉમર ગુલને મળી હતી. જ્યારે આસિફ અને તનવીરને એક-એક વિકેટ મળી હતી.

‘મિસબાહ સામે બૉલિંગ કરતા ગભરાયા ઇન્ડિયન બૉલર’

મહેન્દ્રસિંહ ધોની

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટી20 વર્લ્ડકપ ટ્રૉફી સાથે વિજેતા કપ્તાન મહેન્દ્રસિંહ ધોની

158 રનના શક્ય જણાતો સ્કોર ચૅઝ કરવા પાકિસ્તાનની ટીમ મક્કમ ઇરાદા સાથે મેદાને ઊતરી હતી.

પરંતુ ઓપનરો ટીમને સારી શરૂઆત અપાવવામાં નિષ્ફળ રહ્યા હતા.

ઓપનર મોહમ્મદ હાફિઝ માત્ર એક રન બનાવી આઉટ થયા હતા જ્યારે કામરાન અકમલને ફાસ્ટ બૉલર આર. પી. સિંહે શૂન્ય પર આઉટ કરી દીધા હતા.

અમુક ઓવર બાદ આક્રમક જણાઈ રહેલા અન્ય ઓપનર ઇમરાન નઝીરેય માત્ર 14 બૉલમાં 33 રન કરીને આઉટ થયા. રોબિન ઉથ્થપાએ તેમની વિકેટ લીધી હતી.

આ સમય સુધી પાકિસ્તાનની હાલત પણ ભારતીય ટીમ જેવી જ જણાઈ રહી હતી. 5.4 ઓવરમાં પાકિસ્તાનની ટીમ 53ના સ્કોરે ત્રણ વિકેટ ગુમાવી ચૂકી હતી.

આની સાથે ટીમ માટે શક્ય જણાઈ રહેલ સ્કોર થોડો મુશ્કેલ દેખાવા લાગ્યો.

પરંતુ અહીંથીય પાકિસ્તાન માટે સ્થિતિ સુધરવાને સ્થાને બગડવાનું જ ચાલુ રહ્યું. દિગ્ગજ બૅટ્સમૅન યુનિસ ખાન, કપ્તાન સોહેબ મલિક અને શાહિદ આફ્રિદી અનુક્રમે 24, આઠ અન્ય શૂન્ય પર આઉટ થતાં હવે પાકિસ્તાનની ટીમ મુશ્કેલીમાં દેખાઈ રહી હતી.

પાકિસ્તાન 77 રને છ વિકેટ ગુમાવી ચૂક્યું હતું.

પાકિસ્તાનની ફટાફટ પડી રહેલી વિકેટોના કારણે ભારતના બૉલરોનું મનોબળ વધ્યું હતું, પરંતુ હજુ મેદાનમાં ‘મિસબાહ’ નામક પડકાર હાજર હતો.

સામે છેડેથી વિકેટ પડતી રહી પરંતુ મિસબાહ અંત સુધી ટકેલા રહ્યા. ધીરે ધીરે સ્કોર વધારતા મિસબાહે 17મી ઓવરમાં પોતાનો આક્રમક અંદાજ દેખાડ્યો. તેમણે હરભજનસિંહની ઓવરમાં ત્રણ છગ્ગા ફટકારીને પાકિસ્તાનની જીતની આશા જીવંત રાખી.

બાદમાં પૂંછડિયા બૅટ્સમૅન મનાઈ રહેલા સોહેલ તનવીરેય 18મી ઓવરમાં શ્રીશંતની ઓવરમાં બે છગ્ગા ફટકારીને મૅચને રોમાંચક પડાવ પર લઈ આવવામાં ભૂમિકા ભજવી.

અંતિમ ઓવરમાં પાકિસ્તાનને જીત માટે 13 રનની જરૂર હતી. હાથમાં એક જ વિકેટ હોવા છતાં મિસબાહ અને તનવીરના આક્રમક અંદાજને જોતાં ભારતીય ટીમ માટે તણાવની સ્થિતિ ઊભી થઈ ગઈ હતી.

કહેવાય છે કે તત્કાલીન ભારતીય કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ મૅચની મહત્ત્વપૂર્ણ એવી અંતિમ ઓવરની જવાબદારી જ્યારે ભારતીય ટીમના અનુભવી બૉલરોને આપવા પ્રયાસ કર્યો ત્યારે ‘મિસબાહ સામે કોઈ બૉલરે અંતિમ ઓવર નાખવાની તૈયાર’ નહોતા.

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર પાકિસ્તાનના તત્કાલીન કૅપ્ટન શોએબ મલિકે આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે, “હું કોઈનાં નામ તો નહીં લઉં. પરંતુ ધોનીએ બધાને પૂછેલું. પરંતુ તેમણે અંતિમ ઓવર નાખવાની ના પાડી દીધેલી. તેઓ મિસબાહ સામે બૉલિંગ કરવામાં ગભરાઈ ગયા હતા. એ તે દિવસે મેદાનમાં ચારે બાજુ શૉટ ફટકારી રહ્યો હતો.”

મિસબાહનો સ્કૂપ શૉટ

મિસબાહ ઉલ હકે રમેલો એ સ્કૂપ શૉટ જેણે શ્રીશંતના હાથમાં કૅચ આપવાની સાથે ભારતીય ટીમની ઝોળીમાં મૅચ આપી દીધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મિસબાહ ઉલ હકે રમેલો એ સ્કૂપ શૉટ જેણે શ્રીશંતના હાથમાં કૅચ આપવાની સાથે ભારતીય ટીમની ઝોળીમાં મૅચ અને વર્લ્ડકપ આપી દીધાં

અંતે મિસબાહ સામે અંતિમ નિર્ણાયક ઓવર નાખવાની જવાબદારી કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ નવા બૉલર જોગિંદર શર્માને આપી.

આ મહત્ત્વપૂર્ણ ઓવરનો તણાવ તેમની બૉલિંગ પર પ્રતિબિંબિત થતો હોય એમ જોગિંદરે પ્રથમ બૉલ વાઇડ નાખ્યો.

અને ઓવરના બીજા બૉલે તો મિસબાહે છગ્ગો ફટકારી જોગિંદર શર્મા પર તણાવ લાવવાની કોશિશ કરી.

હવે પાકિસ્તાનને ચાર બૉલમાં જીત માટે માત્ર છ બૉલની જરૂર હતી.

જોગિંદર શર્મા બૉલ નાખવા રનઅપ લીધો, ત્યાં સુધી મિસબાહ ક્રીઝ પર પોતાનો સ્ટાન્ઝ ડિલિવરી પ્રમાણે બદલી શૉટ ફટકારવા તૈયાર દેખાઈ રહ્યા હતા.

પ્રથમ નજરે ‘લૂઝ ડિલિવરી’ લાગતા આ બૉલ પર બાઉન્ડ્રી ફટકારવાના ઇરાદે મિસબાહે સ્કૂપ શૉટ રમ્યો. બૉલ હવામાં હતો. આ ક્ષણે મૅચ જોનારા મોટા ભાગના લોકો કદાચ એક ધબકારો ચૂકી ગયા હશે.

અંતે ભારતીય ટીમનું લક કામ કરી ગયું અને હવામાં ફટકારેલા એ શૉટ નીચે ફાઇન-લેગ પર ઊભેલા ભારતીય ફાસ્ટ બૉલર શ્રીશંતે પોતાની જાતને ગોઠવી મિસબાહને પેવેલિયન મોકલી દીધા. મિસબાહ 38 બૉલમાં 43 રન ફટકારી આઉટ થયા. અને પાકિસ્તાનની ટીમ 152 રને જ સમેટાઈ ગઈ.

આ સાથે ‘અન્ડરડૉગ’ મનાતી યુવાન ભારતીય ટીમ ક્રિકેટજગતના પોતાના પરંપરાગત હરીફ પાકિસ્તાન સામે ફાઇનલ જીતીને ટાઇટલ પોતાને નામ કરવામાં સફળ રહી હતી. આ ભારતીય ક્રિકેટચાહકો માટે એક યાદગાર ક્ષણ હતી.

મૅચ બાદ થયેલા વિશ્લેષણોમાં ઘણાએ નિર્ણાયક ઓવરના ત્રીજા બૉલે મિસબાહના શૉટ સિલેક્શન પર સવાલ ઉઠાવી તેને એક ‘ભૂલ’ પણ ગણાવી.

પરંતુ બાદમાં શોએબ મલિક અને ખુદ મિસબાહ આ દલીલ અંગે પ્રતિક્રિયા આપી ચૂક્યા છે.

શોએબ મલિકે કહ્યું હતું કે, "લોકો હંમેશાં મિસબાહના એ સ્કૂપ શૉટ વિશે વાત કરે છે. પરંતુ જો એ અંતિમ વિકેટ ન હોત તો મિસબાહે એ બૉલ બાઉન્ડ્રી બહાર પહોંચાડી દીધો હોત. તેણે એ ઓવરમાં પહેલાંથી જ જોગિંદર શર્માના બૉલે છગ્ગો ફટકાર્યો હતો."

મિસબાહે પણ પોતાના શૉટ સિલેક્શન અંગે સ્પષ્ટતા કરતાં કહેલું કે, "હું એ ટુર્નામેન્ટમાં સ્કૂપ શૉટ ઘણી વાર રમ્યો. જ્યારે મેં એ બૉલે સ્કૂપ શૉટ રમ્યો તો તેનો હેતુ બૉલને બાઉન્ડ્રી બહાર પહોંચાડવાનો હતો. જેથી તેઓ દબાણમાં આવીને ફિલ્ડિંગને ઉપર લાવે અને અમે સરળતાથી મૅચ ફિનિશ કરી શક્યા હોત."

બાદમાં અંતિમ ઓવર નાખનાર બૉલર જોગિંદર શર્માએ પણ એ ઓવર અને એની પહેલાં કપ્તાન ધોનીએ તેમને આપેલી હિંમત અંગે વાત કરી હતી.

તેમણે કહેલું કે, "ફાઇનલ ઓવર પહેલાં મારે કઈ લાઇન પર અને કેવી બૉલિંગ કરવી તે અંગે કોઈ વાત નહોતી થઈ, ના તો બૉલિંગ વ્યૂહરચનાની ચર્ચા થયેલી. માહીએ મને કોઈ પણ જાતનું દબાણ ન લેવા કહેલું. તેણે કહેલું કે જો હાર થશે તો એનો જવાબદાર એ રહેશે."

શર્માએ કહેલું કે, "મિસબાહે મારા બીજા બૉલે છગ્ગો મારી દીધો છતાં અમે તણાવમાં નહોતા. અમે એ દરમિયાન ક્યારે શું કરવું એ અંગે વાત નહોતી કરી."

"હું જ્યારે ત્રીજો બૉલ નાખવા આગળ વધ્યો ત્યારે મેં જોયું કે મિસબાહ સ્કૂપ શૉટ રમવા તૈયાર થઈ રહ્યો છે. તેથી મેં લાઇન થોડી બદલી અને એક સ્લોઅર ડિલિવરી કરી."

"તેથી મિસબાહ તે બૉલને સારી ટાઇમિંગ સાથે રમી ન શક્યો. શ્રીશંતે કૅચ પકડી લીધો અને પછી જેમ બધા કહે છે એમ ‘બાકી બધું ઇતિહાસમાં નોંધાઈ ગયું.’"

સીરિઝની રોમાંચક ક્ષણો

યુવરાજસિંહ સુપર-8માં ઇંગ્લૅન્ડના સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં છ બૉલમાં સળંગ છ છગ્ગા ફટકારી વિશ્વવિક્રમ બનાવ્યો હતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુવરાજસિંહ સુપર-8માં ઇંગ્લૅન્ડના સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં છ બૉલમાં સળંગ છ છગ્ગા ફટકારી વિશ્વવિક્રમ બનાવ્યો હતો

ઐતિહાસિક ફાઇનલ સિવાય આ મૅચમાં ઘણી યાદગાર ક્ષણો જોવા મળી.

જેમાં, ગ્રૂપ સ્ટેજની મૅચમાં પાકિસ્તાન સામેની મૅચમાં બૉલ-આઉટથી વિજય સાથે યુવરાજસિંહના સ્ટુઅર્ટ બ્રૉડની ઓવરમાં છ છગ્ગા જેવી યાદો પ્રશંસકોના મનમાં અમર છે.

ટુર્નામેન્ટની પ્રથમ મૅચમાં ભારત સ્કૉટલૅન્ડ સામે રમવાનું હતું. પરંતુ વરસાદમાં એ મૅચ ધોવાઈ ગઈ.

ગ્રૂપ સ્ટેજમાં બીજી મૅચમાં તેની ટક્કર પાકિસ્તાન સાથે થવાની હતી. આ મૅચમાં રોમાંચની પરાકાષ્ઠા જોવા મળી.

પ્રથમ બૅટિંગ કરીને ભારતીય ટીમે 141 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમેય 141 રન જ બનાવી શકી. ટાઈ પડતાં એ સમયના નિયમ પ્રમાણે નિર્ણય બૉલ-આઉટથી લેવાનો હતો.

જેમાં ભારતીય ટીમે ત્રણેય બૉલ વડે સ્ટમ્પ ઉડાડીને પાકિસ્તાનને માત આપેલી.

તે બાદ સુપર-8ના રોમાંચક મુકાબલામાં પણ ભારતનું પ્રદર્શન રોમાંચક રહ્યું હતું.

પ્રથમ મૅચમાં ન્યૂઝીલૅન્ડ સામે દસ રને હાર મળ્યા બાદ ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં ભારતીય બૅટ્સમૅન યુવરાજસિંહે ઍન્ડ્રુ ફ્લિન્ટોફની સ્લેજિંગ બાદ સ્ટુઅર્ટ બ્રૉડની ઓવરમાં છ બૉલમાં મેદાનની ચારેકોર છ સિક્સરો ફટકારી ઇતિહાસ સર્જી દીધો હતો.

યુવરાજસિંહના 16 બૉલે 58 રનની ઇનિંગના બળે ભારત ઇંગ્લૅન્ડ સામે 18 રને જીત મેળવવામાં સફળ રહ્યું.

તે બાદની મૅચમાં સાઉથ આફ્રિકાને ભારતીય ટીમે 37 રને હરાવી સેમિફાઇનલમાં પોતાનું સ્થાન પાકું કરી લીધું.

સેમિફાઇનલમાંય યુવરાજસિંહના બેટિંગ આક્રમણને બળે ભારતે ઑસ્ટ્રેલિયાને હરાવ્યું. જીતના હીરો યુવરાજે 30 બૉલે 70 રન ફટકાર્યા હતા.

રેડ લાઇન
રેડ લાઇન