1971નું ભારત-પાકિસ્તાન યુદ્ધ : ભારતનું લક્ષ્ય ઢાકા કબજે કરવાનું કેમ નહોતું?

જનરલ અરોરા સામે આત્મસમર્પણ કરતાં પૂર્વ પાકિસ્તાનમાં પાકિસ્તાની જનરલ નિયાઝી

ઇમેજ સ્રોત, SONAM KALARA

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

1971ના બાંગ્લાદેશ અભિયાનની સૌથી અલગ વાત એ હતી કે ભારતીય સૈન્ય સમક્ષ પૂર્વ પાકિસ્તાનની રાજધાની ઢાકા કબજે કરવાનું લક્ષ્ય રાખવામાં જ આવ્યું ન હતું.

ભારતની વ્યૂહરચના પૂર્વ પાકિસ્તાનનો વધુ ને વધુ વિસ્તાર કબજે કરીને ત્યાં બાંગ્લાદેશની સ્થાપના કરવાનો હતો, જેથી ભારત આવેલા એક કરોડ શરણાર્થીઓને ત્યાં પાછા મોકલી શકાય.

મિલિટરી ઑપરેશન વિભાગના ડિરેક્ટર જનરલ મેજર કેકે સિંહે યુદ્ધની જે યોજના બનાવી હતી તેનાં ત્રણ મુખ્ય બિંદુ હતાં.

શ્રીનાથ રાઘવને તેમના પુસ્તક ‘1971 અ ગ્લોબલ હિસ્ટ્રી ઑફ ધ ક્રિએશન ઑફ બાંગ્લાદેશ’માં લખ્યું છે કે “આ યોજનાનો પહેલો ઉદ્દેશ પૂર્વ પાકિસ્તાનના બે મોટાં બંદર ચટગાંવ તથા ખુલના કબજે કરવાનો હતો, જેથી પાકિસ્તાની સૈનિકો ત્યાં ઊતરી ન શકે. બીજું લક્ષ્ય એવી જગ્યાઓને કબજે કરવાનું હતું કે જ્યાંથી પાકિસ્તાની સૈન્ય એક સ્થળેથી બીજા સ્થળે ન જઈ શકે.”

તેમણે આગળ લખ્યું છે કે “ત્રીજો ઉદ્દેશ પૂર્વ પાકિસ્તાનને નાના-નાના હિસ્સામાં વહેંચી નાખવાનો હતો, જેથી ભારતીય સૈનિક તેના પર તબક્કા વાર નિયંત્રણ મેળવી શકે. ઢાકા કબજે કરવાની વિચારણા જરૂર થઈ હતી, પરંતુ તેને જરૂરિયાત કરતાં વધુ મહત્ત્વાકાંક્ષી ગણીને છોડી દેવામાં આવ્યું હતું.”

ભારતીય સૈન્ય સમગ્ર અભિયાન ત્રણ સપ્તાહમાં પૂર્ણ કરશે એવી ધારણા હતી. 1965ના યુદ્ધમાં ભારતને અનુભવ થયો હતો કે યુદ્ધવિરામના આંતરરાષ્ટ્રીય દબાણને કારણે આ અભિયાનને વધારે લાંબું ખેંચી શકાશે નહીં.

સૅમ માણેકશાએ પોતાની યોજના પૂર્વ કમાન્ડના કમાન્ડર લેફટનન્ટ જનરલ જગજિતસિંહ અરોરાને 1971માં જણાવી દીધી હતી.

અરોરા એ યોજના સાથે સહમત હતા, પરંતુ સૈન્યના વડા જનરલ જેકબે તેની સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.

ગ્રે લાઇન

જેકબ અને માણેકશા વચ્ચે મતભેદ

ભારત-પાકિસ્તાન

ઇમેજ સ્રોત, ROLI BOOKS

જનરલ જેકબ માનતા હતા કે ભારતીય સૈન્યનો મુખ્ય ઉદ્દેશ ઢાકા કબજે કરવાનો જ હોવો જોઈએ.

જનરલ જેકબે તેમના પુસ્તક ‘સરેન્ડર એટ ઢાકા’માં લખ્યું છે કે “લડાઈના થોડા મહિના પહેલાં મેં પાકિસ્તાની ઠેકાણાંને બાયપાસ કરીને સીધી ઢાકા પર કૂચ કરવાની યોજનાને અંતિમ સ્વરૂપ આપી દીધું હતું, પરંતુ માણેકશા અને કેકે સિંહ પૂર્વ કમાન્ડના મુખ્યાલય પર આવ્યા ત્યારે અમારી વચ્ચેના મતભેદ બહાર આવ્યા હતા.”

તેમણે આગળ લખ્યું છે કે “કેકે સિંહે તેમની યોજના રજૂ કરી ત્યારે મેં કહ્યું હતું કે ઢાકા પૂર્વ પાકિસ્તાનનું ભૂ-રાજકીય હૃદય છે. આપણે પૂર્વ પાકિસ્તાન પર કબજાની વાત, ઢાકા કબજે કર્યા વિના વિચારી શકીએ નહીં.”

ભારત-પાક. યુદ્ધ

ઇમેજ સ્રોત, PERMANENT BLACK

જનરલ જેકબના જણાવ્યા મુજબ, એ વખતે માણેકશાએ હસ્તક્ષેપ કરતાં કહ્યું હતું કે “આપણે ચટગાંવ તથા ખુલના કબજે કરી લઈએ તો ઢાકા આપોઆપ હાથમાં આવી જશે એવું તમને નથી લાગતું? મેં કહ્યું હતું કે હું આ વાત સાથે સહમત નથી. મેં પુનરોચ્ચાર કર્યો હતો કે આપણો મુખ્ય ઉદ્દેશ ઢાકા કબજે કરવાનો જ હોવો જોઈએ.”

“એ વખતે માણેકશાએ કહ્યું હતું કે ઢાકા આપણી પ્રાથમિકતા નથી. તેથી તે કબજે કરવા માટે હું વધારાના સૈનિકો નહીં આપું. જનરલ અરોરા પણ એ વાત સાથે સહમત થયા હતા.”

એ પછી ઍર ચીફ માર્શલ પીસી લાલે તેમની આત્મકથા ‘માય યર્સ વિથ આઈએએફ’માં લખ્યું હતું કે “અમે એવું ધારતા હતા કે અમે પાકિસ્તાની સૈન્યને હરાવીને ઢાકા કબજે કરી લેશું. શરૂઆતમાં પણ એવું જ લાગતું હતું.”

“ભારતીય સૈન્યે જેસોર તો સાતમી ડિસેમ્બરે જ કબજે કરી લીધું હતું, પરંતુ પાકિસ્તાની સૈન્યએ શસ્ત્રો હેઠાં મૂક્યાં પછી જ ભારતીય સૈન્ય ખુલના કબજે કરી શક્યું હતું.”

ગ્રે લાઇન

ભારતે કર્યો યુદ્ધનો નિર્ણય

ભારત-પાક. યુદ્ધ

ઇમેજ સ્રોત, MANOHAR PUBLICATION

1971ના યુદ્ધને 50 વર્ષ પૂરાં થયાં છતાં અનેક પશ્ચિમી લેખકો ભારતની નિર્ણાયક કૂટનીતિ તથા મુક્તિવાહિનીને તાલીમ આપવાનું શ્રેય ભારતને આપતા નથી, પરંતુ તેઓ એક બાબતે સહમત છે કે એ વખતે ભારતના વિવિધ રાજકીય પક્ષો વચ્ચે મતભેદ હોવા છતાં આખો દેશ એક હતો.

અર્જુન સુબ્રમણિયમે તેમના પુસ્તક ‘ઇન્ડિયાઝ વૉર્સ 1947-1971’માં લખ્યું છે કે “શરૂઆતમાં ઇંદિરા ગાંધીએ વિચાર્યું હતું કે ભારત જે રીતે મુક્તિવાહિનીને મદદ કરી રહ્યું છે અને તાલીમ આપી રહ્યું છે તેને ધ્યાનમાં લેતાં મુક્તિવાહિની પોતે જ પોતાની તાકત વડે પાકિસ્તાની સૈન્યને હરાવી શકશે.”

તેમણે આગળ લખ્યું છે કે “તેમને અંદાજ ન હતો કે પાકિસ્તાની સૈન્યની નિર્દયતા વધતી જશે અને ભારત આવતા શરણાર્થીઓની સંખ્યામાં પણ વધારો થતો રહેશે.”

“નવેમ્બર આવતાં સુધીમાં તો પૂર્વ પાકિસ્તાનથી ભારત આવેલા શરણાર્થીઓની સંખ્યા એક કરોડના આંકને પાર કરી ગઈ હતી અને સમગ્ર વિશ્વમાંથી કોઈએ તેના અટકાવવાના પ્રયાસ ન કર્યા એટલે ભારત પાસે પાકિસ્તાનની પૂર્વ સીમા પર યુદ્ધ કરવા સિવાયનો કોઈ વિકલ્પ જ બચ્યો ન હતો.”

ભારત-પાકિસ્તાન

ઇમેજ સ્રોત, LANCER PUBLICATION

એ લડાઈમાં પાકિસ્તાની સૈનિકોએ ભારતીય સૈન્ય સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું અને બાંગ્લાદેશ સ્વરૂપે એક નવા દેશનો જન્મ થયો હતો.

અનેક પાકિસ્તાની યુદ્ધકેદીઓએ પણ સ્વીકાર્યું હતું કે ભારતમાં તેમની સાથે સારો વ્યવહાર કરવામાં આવ્યો હતો.

સૈન્યના મુખ્યાલયનો આદેશ હતો કે પાકિસ્તાની સૈનિકો સાથે જીનિવા કરાર મુજબનો વ્યવહાર કરવામાં આવે.

લેફટનન્ટ જનરલ ટોમસ મેથ્યૂ એ દિવસોને યાદ કરતાં કહે છે કે “પાકિસ્તાની યુદ્ધકેદીઓને રાખી શકાય એટલા માટે આગરામાં અમારી પેરા યુનિટે પોતાની બૅરક ખાલી કરીને ટેન્ટમાં રહી હતી. પાકિસ્તાની યુદ્ધકેદીઓ સાથે ઓછામાં ઓછો વ્યવહાર રાખવાનો આદેશ હોવા છતાં મેં યુદ્ધબંદી કૅમ્પના નિરીક્ષણનો નિર્ણય કર્યો હતો.”

તેમણે જણાવ્યું હતું કે “હું હાથમાં સોટી લઈને કૅમ્પમાં પ્રવેશ્યો. મને જોઈને મોટા ભાગના પાકિસ્તાની સૈનિકો પોતપોતાના પલંગની બાજુમાં સાવધાન મુદ્રામાં ઊભા રહી ગયા હતા, પરંતુ પાકિસ્તાની સ્પેશિયલ ફોર્સના કેટલાક જવાનો મને જોઈને બેઠા રહ્યા હતા.”

બીબીસી

નિક્સન અને ઇંદિરા ગાંધી વચ્ચે તડાફડી

ઇંદિરા ગાંધી અને તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇંદિરા ગાંધી અને તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સન

જનરલ મેથ્યૂએ તેનું કારણ પૂછ્યું ત્યારે તેઓ ચૂપ રહ્યા, પરંતુ એક સૈનિકે હિંમત કરીને કહ્યું હતું કે “હું સાવધાનની મુદ્રામાં શા માટે ઊભો રહું, જ્યારે કે પાકિસ્તાનમાં મારી પત્ની અને બાળકો કઈ હાલતમાં છે તેની મને ખબર નથી.”

જનરલ મેથ્યૂએ કહ્યું હતું કે “તેમની જાણકારી મેળવવાની ખાતરી મેં તેમને આપી હતી. એ સૈનિકની વિગત મેં દિલ્હીમાં મિલિટરી ઑપરેશનના ડિરેક્ટર જનરલને મોકલી હતી. થોડા દિવસ પછી મેં એ પાકિસ્તાની સૈનિકને એવું જણાવ્યું હતું કે તેનો પરિવાર કુશળ છે ત્યારે તે રાજી થઈ ગયો હતો.”

સંકટ ઘેરું બન્યું તેમ અમેરિકાના તત્કાલીન પ્રમુખ નિક્સન અને તેમના સલાહકાર કિસિંજર બન્ને તેમની વાત ન માનવાની ઇંદિરા ગાંધીની નીતિથી પરેશાન થઈ ગયા હતા.

સેવન્થ ફ્લીટ મોકલવાની પણ તેમના પર કોઈ અસર ન થતાં અમેરિકાને ખૂંચ્યું હતું.

બાંગ્લાદેશનાં શરણાર્થીઓ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બાંગ્લાદેશનાં શરણાર્થીઓ

ઇંદિરા ગાંધીની વ્યવહારુ રાજકારણ પરની પકડ ઉપરાંત પૂર્વ પાકિસ્તાનના લોકોની પીડા પ્રત્યેની સહાનુભૂતિએ તેમને યોગ્ય નિર્ણય કરવા પ્રેર્યાં હતાં. એ કારણે આ યુદ્ધ એક ન્યાયસંગત લડાઈમાં પરિવર્તિત થયું હતું.

1971ની સફળતાનું સૌથી મોટું શ્રેય યુદ્ધ યોજનાને આપવામાં આવે છે, પરંતુ એ યોજનાનો અમલ લેફટનન્ટ જનરલ સગત સિંહ, કૅપ્ટન સ્વરાજ પ્રકાશ, ગ્રૂપ કૅપ્ટન વોલેન અને ગ્રૂપ કૅપ્ટન ચંદનસિંહના યોગદાન વિના થઈ શક્યો ન હોત.

અર્જુન સુબ્રમણિયમે લખ્યું છે કે “સગતસિંહે અખોરા, ભૈરવ બજાર તથા સિલ્હટને બાયપાસ ન કર્યું હોત કે ચંદનસિંહે એમઆઈ હેલિકૉપ્ટર વડે સૈનિકો, હથિયારો તથા તોપો મેઘના નદીને પાર પહોંચાડી ન હોત કે કૅપ્ટન વોલેને પોતાના પાઇલટોને તેજગાંવ હવાઈમથક પર ડાઇવ લગાવીને હુમલા કરવાનું ન કહ્યું હોત કે મેજર જનરલ ઉબાને લગભગ અડધોઅડધ ભારતીય ડિવિઝન ભારતીય સૈન્યને ચટગાંવ સૅક્ટરમાં ન ગોઠવ્યું હોત તો ઢાકા 16 ડિસેમ્બર સુધી જીતી શકાયું ન હોત.”

બીબીસી ગુજરાતી

ગુપ્ત માહિતી ઉપયોગી થઈ

પોતાના કમાન્ડના સૈનિકો સાથે જનરલ સગતસિંહ

ઇમેજ સ્રોત, GEN SAGAT SINGH FAMILY

ઇમેજ કૅપ્શન, પોતાના કમાન્ડના સૈનિકો સાથે જનરલ સગતસિંહ

ભારતના વિજયનું બીજું મોટું કારણ હતું – મુક્તિવાહિનીનો પૂર્ણ સહયોગ.

લેફટનન્ટ જનરલ શમશેરસિંહ મહેતાએ કહ્યું હતું કે “મુક્તિવાહિનીનું સૌથી મોટું યોગદાન હતું ભારતીય સૈન્ય સુધી ગુપ્ત માહિતી પહોંચાડવાનું. અમે બાંગ્લાદેશમાં કોઈ ગુપ્ત જાણકારી વિના ગયા હોત તો પશ્ચિમ સૅક્ટરની માફક ત્યાં પણ અમારે અવરોધોનો સામનો કરવો પડ્યો હોત.”

તેમણે જણાવ્યુ હતું કે “લડાઈના પ્રારંભિક તબક્કામા મુક્તિવાહિનીને કારણે અમે જાણી શકતા હતા કે દુશ્મન ક્યાં છે. અમારી પાસે એ માહિતી ન હોત તો પણ મુક્તિવાહિનીની સૂચનાને આધારે દુશ્મનનું આગલું પગલું શું હશે તેનો તાગ અમે મેળવી શકીએ તેમ હતા.”

મુક્તિ બાહિની

ઇમેજ સ્રોત, Getty Images

1971ના સમગ્ર યુદ્ધમાં પાકિસ્તાનનું વલણ પ્રતિક્રિયાસભર રહ્યું હતું.

પાકિસ્તાને તેની વધારાની 6 આર્મ્ડ ડિવિઝનનો ઉપયોગ તમારી 57 ડિવિઝન સામે ન કર્યો તેનું તમને આશ્ચર્ય છે કે કેમ, એવું જનરલ પિન્ટોને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, “તેમણે એવું કર્યું હોત તો હું કદાચ તમારી સાથે આ રીતે વાત કરતો ન હોત.”

આ અભિયાનની વધુ એક ખાસ વાત એ હતી કે ઑપરેશન શરૂ થયાના છ મહિના પહેલાં ભારતીય સૈન્યએ તમામ તાલીમ તથા મૂળભૂત જરૂરિયાતોનો અંદાજ મેળવી લીધો હતો.

બીજી તરફ પાકિસ્તાનની યુદ્ધની તૈયારી સંતોષકારક ન હતી અને તેણે પોતાની તમામ તાકત પૂર્વ પાકિસ્તાનમાંના અસંતોષને કચડી નાખવામાં લગાવી દીધી હતી.

બીબીસી ગુજરાતી

ભારતીય હવાઈદળે તોડ્યું પાકિસ્તાનનું સૈન્યનું મનોબળ

ભારત-પાકિસ્તાન યુદ્ધ

ઇમેજ સ્રોત, HARPER COLLINS

તૈયારીનો સમય મળવાથી ભારતીય હવાઈદળે કેટલાક નવા ઍરબેઝ બનાવ્યા હતા અને પોતાના ઍર ડિફેન્સને વધારે મજબૂત બનાવ્યું હતું.

બીજી તરફ 1965ના યુદ્ધમાં પ્રમાણમાં ઠીક કહી શકાય તેવી કામગીરી કરી ચૂકેલા પાકિસ્તાની હવાઈદળની તૈયારીમાં ઢીલાશ હતી.

ઍર માર્શલ નૂર ખાંના પ્રયાસો છતાં તેઓ તેમની સફળતાને નવા શિખરે લઈ જઈ શક્યા ન હતા.

ઍર ચીફ માર્શલ પીસી લાલે તેમની આત્મકથા ‘માય યર્સ વિથ આઈએએફ’માં લખ્યું છે કે પશ્ચિમ મોરચે ભારત અને પાકિસ્તાની હવાઈદળની તાકત લગભગ સમાન હોવા છતાં ભારતીય હવાઈદળે કુલ 7,500 સોર્ટીઝ કરી હતી, જ્યારે 1965ના 23 દિવસના યુદ્ધમાં પાકિસ્તાની હવાઈદળ કુલ 4,000 સોર્ટી જ કરી શક્યું હતું.

બીબીસી ગુજરાતી

કરાચી પર નૌકાદળનો હુમલો

આઈએનએસ વિક્રાંત

ઇમેજ સ્રોત, HARPER COLLINS

ભારતીય હવાઈદળે હાજીપીર તથા પાકિસ્તાની આર્ટિલરી બ્રિગેડ તથા ચંગામંગા જંગલમાં પાકિસ્તાની હથિયારોના ભંડાર પર હુમલા કરીને પાકિસ્તાની હવાઈદળનું મનોબળ તોડી નાખ્યું હતું.

કરાચી બંદર નજીકના કિયામારી તેલશોધક કારખાનાં, સિંધમાંના સુઈ ગૅસ પ્લાન્ટ, મંગલા બંધ અને અટક તેલશોધક કારખાનાં પરના બૉમ્બમારાથી ભારતીય હવાઈદળનો દબદબો વધ્યો હતો.

ભારતીય નૌકાદળે કરાચી પર હુમલો કરવા માટે મિસાઇલ બોટનો ઉપયોગ કર્યો હતો. તેની કોઈને કલ્પના પણ ન હતી.

હુમલા દરમિયાન મિસાઈલ બોટના ચાલકદળે રશિયન ભાષામાં વાત કરી હતી, જેથી પાકિસ્તાન તેમની ભાષા સમજી ન શકે.

પાકિસ્તાની નૌકાદળ આક્રમક વ્યૂહરચના બનાવવામાં નિષ્ફળ રહ્યું હતું. તેઓ આઈએનએસ ખુખરી નામની ભારતીય સબમરીનને ડુબાડવામાં સફળ જરૂર થયા હતા, પરંતુ વિક્રાંતને ડુબાડવા આવેલી તેમની સબમરીન ગાઝી પોતે વિશાખાપટ્ટનમ તટ નજીક ડૂબી ગઈ હતી.

જનરલ માણેકશા આઠમી ગોરખા રાઇફન્સના વીરતા પદક વિજેતા સૈનિકો સાથે

ઇમેજ સ્રોત, BHARATRAKSHAK.COM

ઇમેજ કૅપ્શન, જનરલ માણેકશા આઠમી ગોરખા રાઇફન્સના વીરતા પદક વિજેતા સૈનિકો સાથે

જનરલ માણેકશાએ પૂર્વ પાકિસ્તાન પર એપ્રિલમાં હુમલો કરવાનો ઇંદિરા ગાંધીનો આદેશ માન્યો હોત તો શું થયું હોત, એ વિશે લશ્કરી બાબતોના નિષ્ણાતો વચ્ચે આજે પણ ચર્ચા થતી રહે છે.

કેટલાક નિષ્ણાતો માને છે કે તેનાથી ભારતને કદાચ ફાયદો થયો હોત, કારણ કે ત્યારે પાકિસ્તાન બિલકુલ તૈયાર ન હતું.

જોકે, અર્જુન સુબ્રમણિયમ માને છે કે “એવું થયું હોત તો ભારતીય સૈન્યની આંખ તથા કાનની માફક કામ કરનાર મુક્તિવાહિનીની મદદ તેમને ન મળી શકી હોત. તેનો અર્થ એ થાય કે ભારતના ફિલ્ડ કમાન્ડર માહિતીના અભાવે અંધારામાં તીર ચલાવતા હોત. પશ્ચિમી મોરચે એવું જ થયું હતું.”

બાંગ્લાદેશ અભિયાનનાં મનોવૈજ્ઞાનિક પાસાંની વાત કરીએ તો લડાઈના પહેલા સપ્તાહમાં જ જનરલ નિયાઝીની વિરોધ કરવાની ઇચ્છાશક્તિ મરી પરવારી હતી.

તંગેલ પેરાડ્રોપ અને ઢાકાના ગવર્ન્મેન્ટ હાઉસ પર મિગ-21 તથા હન્ટર વિમાનો વડે કરવામાં આવેલા હુમલાને કારણે જનરલ નિયાઝીનું મનોબળ ભાંગી પડ્યું હતું.

જનરલ જગજિતસિંહ અરોરા સાથે (ડાબેથી બીજા) જનરલ નિયાઝી (જમણે)

ઇમેજ સ્રોત, RAGHU RAI

પાકિસ્તાની ફિલ્ડ કમાન્ડરો એવું માનવા લાગ્યા હતા કે હાર માટે જવાબદાર ગણાવવામાં આવે તેના બદલે ભારતીય સૈન્ય સમક્ષ આત્મસમર્પણ કરવું બહેતર છે.

લેફટનન્ટ જનરલ શમશેરસિંહ મહેતાએ કહ્યુ હતું કે, “સગતસિંહ અને ચંદનસિંહ ન હોત તો ઢાકા પણ ન હોત. પૂર્વ કમાન્ડના વડા મથકમાં જનરલ જેકબ ન હોત તો પાકિસ્તાની સૈન્યનું આત્મસમર્પણ શક્યું ન હોત. સગતસિંહ લશ્કરી બાબતોમાં જીનિયસ હતા તેમ જેકબ દુશ્મનનું દિમાગ વાંચવામાં ઉસ્તાદ હતા.”

1971ની લડાઈએ યુદ્ધમાં વરિષ્ઠ નેતૃત્વની ભૂમિકાને રેખાંકિત કરી હતી. સૈન્યની ત્રણેય પાંખના વડાએ 1930 અને 1940ના દાયકામાં જન્મેલા અધિકારીઓની પ્રતિભાને ઓળખવામાં તેમજ લડાઈમાં તેમને મહત્ત્વની જવાબદારી સોંપવામાં કોઈ કસર રાખી ન હતી.

જનરલ માણેકશાએ તેમની સાથે કામ કરી ચૂકેલા કાબેલ અધિકારીઓ લેફટનન્ટ જનરલ જગજિતસિંહ અરોરા, મેજર જનરલ જેકબ, લેફટનન્ટ જનરલ સગતસિંહ અને મેજર જનરલ ઇંદર ગિલને યુદ્ધના અનેક મહિના પહેલાં મહત્ત્વનાં પદો પર બેસાડી દીધા હતા.

માણેકશા, એડમિરલ નંદા અને ઍર ચીફ પીસી લાલ

ઇમેજ સ્રોત, ROBEY LAL

ઇમેજ કૅપ્શન, માણેકશા, એડમિરલ નંદા અને ઍર ચીફ પીસી લાલ

ઍર ચીફ માર્શલ પીસી લાલે પણ તેજસ્વી અધિકારીઓને પારખીને વિનાયક માલસે, મૈલી વોલેન અને ચંદનસિંહને મહત્ત્વની જવાબદારી સોંપી દીધી હતી.

એડમિરલ નંદાએ એડમિરલ નીલકાંતા કૃષ્ણન, એસએન કોહલી અને સ્વરાજ પ્રકાશ જેવા અધિકારીઓને પસંદ કર્યા હતા. આ બધા તેમની યોજના મુજબ કામ કરવા સક્ષમ હતા.

યુવા અધિકારીઓમાં અરુણ ખેત્રપાલ, હોશિયારસિંહ, નિર્મલજિતસિંહ સેખોં, બહાદુર કરીમ નવીના અને ડોન લઝારસે બહાદુરીનો નવો દાખલો બેસાડ્યો હતો.

રાજકીય નેતૃત્વની વાત કરીએ તો ઇંદિરા ગાંધી કે જગજીવન રામને યુદ્ધનું નેતૃત્વ કરવાનો કોઈ અનુભવ ન હતો. તેમને લશ્કરી બાબતો ઊંડી સમજ પણ ન હતી.

તેમ છતાં તેમણે આ મામલામાં લશ્કરી દળોને બહુ મદદ કરી હતી. તેમની સામે સ્પષ્ટ રાજકીય લક્ષ્ય રાખ્યાં હતાં અને સૈન્યના વડાઓને કામ કરવાની સંપૂર્ણ આઝાદી આપી હતી.

સૈન્યના વડાઓએ જે સલાહ આપી હતી તેને વિસ્તૃત વ્યૂહરચનામાં સામેલ કરવામાં આવી હતી.

રાજકીય ઇચ્છાશક્તિ અને રાષ્ટ્રીય સલામતી માટે જવાબદાર લોકો વચ્ચે સુયોગ્ય તાલમેલને કારણે ભારતનો આ યુદ્ધમાં વિજય થયો હતો.

રેડ લાઇન
રેડ લાઇન