પાકિસ્તાનમાં સૌપ્રથમ મિલ્ક બૅન્ક સામે કેવો વાંધો ઉઠાવવામાં આવ્યો કે બંધ કરવી પડી?

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનની સૌપ્રથમ માનવ દૂધ બૅન્ક શરૂ કરવાનો મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ કરાચીમાં એક ઇસ્લામિક પાઠશાળાના વાંધાને કારણે અટકી ગયો છે.
મુસ્લિમ ધર્મગુરુઓએ શરૂઆતમાં આ પ્રોજેક્ટને શરતી મંજૂરી આપી હતી, પરંતુ આ સુવિધાના ઉદ્ઘાટનના થોડા દિવસો પહેલાં એ મંજૂરી પાછી ખેંચી લેવામાં આવી હતી.
પાકિસ્તાન વિશ્વનો પાંચમો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. યુનિસેફના જણાવ્યા અનુસાર, દક્ષિણ એશિયામાં સૌથી વધારે શિશુ મૃત્યુદર પાકિસ્તાનમાં છે.
હ્યુમન મિલ્ક બૅન્ક જેવી સુવિધાઓ જીવન અને મૃત્યુ વચ્ચે તફાવત લાવી શકે છે, કારણ કે પોતાની માતાનું દૂધ ઉપલબ્ધ ન હોય ત્યારે બીમાર તથા અધૂરે મહિને જન્મેલાં બાળકો માટે તેને શ્રેષ્ઠ વિકલ્પ ગણવામાં આવે છે.

ઇમેજ સ્રોત, BBC whatsapp
જીવન માટે સંઘર્ષ

ઇમેજ સ્રોત, SINDH INSTITUTE OF CHILD HEALATH AND NEONATOLOGY
કરાચી આવ્યા પહેલાં જે ગામમાં રહેતા હતા ત્યાં બશીરાએ તેમનું સંતાન જન્મ સમયે જ ગુમાવ્યું હતું.
ગયા વર્ષે કરાચીમાં બશીરા ફરી ગર્ભવતી થયાં ત્યારે તેમને અને તેમના પતિને એ બાળકીને પણ ગુમાવવાનો ડર લાગતો હતો.
બશીરાએ બીબીસીને કહ્યું હતું, "મારું બાળક અધૂરા મહિને જન્મ્યું હતું અને ડૉક્ટરોએ તેને માતાનું દૂધ પીવડાવવાની સલાહ અમને આપી હતી, પરંતુ હું તેના માટે પૂરતું દૂધ ઉત્પન્ન કરી શકતી ન હતી."
બશીરા અસહાયતાની લાગણી અનુભવતાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બશીરાના પતિ રહીમ શાહે કહ્યું હતું, "મારી દીકરી ઇન્ટેન્સિવ કેર વૉર્ડમાં ઇન્ક્યુબેટરમાં હતા. તેનો સાતમા મહિને જન્મ થયો હતો. માતાને ધાવણ આવતું ન હતું. ફૉર્મ્યુલા મિલ્ક આપી શકાય તેમ ન હતું. મેં મારી દીકરીનો જીવ બચાવવા તમામ પ્રયાસ કર્યા હતા."
શોકગ્રસ્ત બીજી માતા જીવનરેખા બની હતી.
એ દિવસોને યાદ કરતાં બશીરાએ કહ્યું હતું, "અમે એક હૉસ્પિટલમાંથી બીજી હૉસ્પિટલમાં દોડાદોડી કરતાં હતાં. અંતે એક મહિલા મળી. તેમણે પ્રસૂતિ પછી એક બાળક ગુમાવ્યું હતું. અમે મારા સંતાનનું પેટ ભરાવવા તેમને વિનંતી કરી હતી અને તેમણે સંમતિ આપીને કૃપા કરી હતી."
રહીમના કહેવા મુજબ, એ દૂધ દાતા મહિલાએ મદદ ન કરી હોત તો અમારી દીકરી બચી ન હોત.
રહીમે ઉમેર્યું હતું, "અમારી દીકરીને રોગપ્રતિકારક શક્તિ માટે માતાના દૂધની સખત જરૂર હતી."
પાકિસ્તાનમાં પ્રથમ મિલ્ક બૅન્ક

ઇમેજ સ્રોત, SINDH INSTITUTE OF CHILD HEALATH AND NEONATOLOGY
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બશીરાની દીકરીને દૂધ દાતા માતાએ જાતે સ્તનપાન કરાવ્યું હતું. હ્યુમન મિલ્ક બૅન્કમાં માનવ શરીરમાંથી મેળવવામાં આવેલી જૈવિક સામગ્રી એટલે કે દાતાનું દૂધ ક્લિનિકલ ઍપ્લિકેશનના હેતુસર પ્રોસેસ કરવામાં આવે છે. તેનું પરીક્ષણ કરવામાં આવે છે અને પછી તેને ફ્રીઝરમાં સંગ્રહિત કરવામાં આવે છે. એ માનવ દૂધની જરૂરિયાતવાળા બાળકોને આપવામાં આવે છે.
મલેશિયા અને ઈરાન સહિતના કેટલાક મુસ્લિમ દેશોમાં હ્યુમન મિલ્ક બૅન્કની સુવિધા છે, પરંતુ કેટલાક ધાર્મિક વિદ્વાનો દલીલ કરે છે કે આ પ્રથા સ્તનપાન સંબંધી ઇસ્લામિક કાયદાની વિરુદ્ધ છે.
ઇસ્લામમાં બાળક સાથે જૈવિક રીતે ન જોડાયેલી પરંતુ તેને સ્તનપાન કરાવતી સ્ત્રીને બાળક સાથે "દૂધનો સંબંધ" બંધાય છે અને એક જ માતાનું સ્તનપાન કર્યું હોય તેવાં બાળકોને ભાઈ-બહેન ગણવામાં આવે છે.
ઇસ્લામિક કાયદાની અનુમતિ અથવા અનુપાલન અનુસારની દરેક વસ્તુને "હલાલ" કહેવામાં આવે છે અને તેનાથી ઊલટું હોય તે "હરામ" હોય છે.
પાકિસ્તાનના કેટલાક ધાર્મિક વિદ્વાનોએ હ્યુમન મિલ્ક બૅન્કની સ્થાપનાની પહેલને "હરામ" અથવા ઇસ્લામિક કાયદા હેઠળ પ્રતિબંધિત જાહેર કરી છે.
જોકે, સત્તાવાળાઓએ "મિલ્ક બૅન્કને ઇસ્લામિક કાયદા અનુસારની બનાવવાના" પ્રયાસ કર્યા છે.
પ્રાંતીય આરોગ્ય પ્રધાન ડૉ. અઝરા પેચુહોએ બીબીસીને જણાવ્યું હતું કે ઇસ્લામિક કાયદા અનુસાર મહિલાઓ બાળકોને સ્તનપાન કરાવી શકે છે તે જણાવતો એક પત્ર તેમણે ઇસ્લામિક વિચારધારા પરિષદને મોકલ્યો હતો.
ઇસ્લામિક કાયદાકીય માળખા હેઠળ એક જ માતા પાસેથી સ્તનપાન કર્યું હોય તેવા ભાઈ-બહેન વચ્ચેના લગ્ન ગેરકાયદે ગણાય છે. આવી ચિંતા સંદર્ભે ડૉ. પેચુહોએ કહ્યું હતું, "દૂધનું દાન કરનારી મહિલાની નોંધણી કરવામાં આવશે અને તે માહિતી આવાં બાળકોનાં માતા-પિતા સાથે શેર કરવામાં આવશે. તેને ટ્રૅક પણ કરી શકાશે."
છોકરાઓનાં માતા માત્ર નર શિશુઓને અને છોકરીઓનાં માતા માત્ર કન્યા શિશુઓને જ સ્તનપાન કરાવે તે સુનિશ્ચિત કરીને આ મડાગાંઠ ઉકેલવાની આશા ડૉ. પેચુહોને છે.
આ અભિગમ 2012માં તુર્કીમાં ઇસ્લામિક વિદ્વાનોએ લીધેલા અભિગમ જેવો જ છે.
પાકિસ્તાનમાં મિલ્ક બૅન્ક સામે ફતવા

ઇમેજ સ્રોત, SINDH INSTITUTE OF CHILD HEALATH AND NEONATOLOGY
કરાચી હ્યુમન મિલ્ક બૅન્કને સંબંધિત ઇસ્લામિક સંસ્થા તરફથી 2023ની 25 ડિસેમ્બરે શરતી મંજૂરી આપવામાં આવી હતી.
શરતોની સૂચિ મુજબ, સત્તાધિકારીઓએ દાતાઓનાં નામ દૂધ પ્રાપ્તકર્તાઓ સાથે શેર કરવા ફરજિયાત છે.
મુસ્લિમ માતાનું દૂધ માત્ર મુસ્લિમ બાળકને જ આપવામાં આવશે.
આ માટે કોઈ પૈસા વસૂલી શકાશે નહીં. સગર્ભાવસ્થાના 34 સપ્તાહથી ઓછા સમયમાં જન્મેલાં બાળકોને જ આવું દૂધ આપી શકાશે અને તેમની જનેતા સ્તનપાન કરાવવામાં અસમર્થ હોય તો જ એવું કરી શકાશે.
પાકિસ્તાનના બંધારણ મુજબ, દરેક કાયદા અને તમામ સરકારી વિભાગો શરિયા કાયદા અથવા ઇસ્લામિક કાયદાનું પાલન કરવા બંધાયેલા છે.
સત્તાવાળાઓને આ શરતોનું પાલન કરવાનો વિશ્વાસ હતો, પરંતુ કરાચીમાં એક સ્થાનિક સેમિનરીએ શંકા સર્જી હતી.
2024ની 16 જૂને જાહેર કરવામાં આવેલા એક સંશોધિત ફતવા મુજબ, આ મિલ્ક બેન્કને જે ઈસ્લામિક કાયદા હેઠળ મંજૂરી આપવામાં આવી છે તે તમામ અમલ કરવાનું ખૂબ જ મુશ્કેલ હશે.
સિંધ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાઇલ્ડ હેલ્થ ઍન્ડ નિયોનેટોલોજીના જણાવ્યા મુજબ, દારુલ ઉલૂમ કરાચી તરફથી ફતવો મળ્યા પછી અમારી પાસે મિલ્ક બૅન્ક બંધ કરવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી.
હૉસ્પિટલે એક નિવેદનમાં જણાવ્યું હતું, "અમે આ મુદ્દે દારુલ ઉલૂમ કરાચી અને ઇસ્લામિક વિચારધારા પરિષદ પાસેથી આગળ જતાં વધુ માર્ગદર્શન મેળવીશું."
નિવેદનમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે "અમારી આરોગ્યસંભાળ સંબંધી પહેલ માત્ર વૈજ્ઞાનિક રીતે યોગ્ય નહીં, પરંતુ ધાર્મિક રીતે પણ સુસંગત હોય તે સુનિશ્ચિત કરવા અમે કટિબદ્ધ છીએ."
સ્તન દૂગ્ધ

ઇમેજ સ્રોત, Getty Images
યુનિસેફના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનમાં પ્રત્યેક 1,000માંથી 54 નવજાત શિશુઓ મૃત્યુ પામે છે. આ પ્રમાણ 2030 સુધીમાં ઘટાડીને 12 સુધી લાવવાનું લક્ષ્ય પાકિસ્તાને નક્કી કર્યું છે.
માતાનું દૂધ રોગપ્રતિકારક શક્તિ તેમજ વૃદ્ધિ માટે પોષક તત્ત્વો પ્રદાન કરે છે. વિશ્વ આરોગ્ય સંગઠનનો અંદાજ છે કે "23 મહિનાની વય સુધીનાં તમામ બાળકોને શ્રેષ્ઠ રીતે સ્તનપાન કરાવવામાં આવે તો પાંચ વર્ષથી ઓછી વયનાં બાળકો પૈકીના 8,20,000 બાળકોનો જીવ દર વર્ષે બચાવી શકાય."
કરાચીના હ્યુમન મિલ્ક પ્રોજેક્ટને યુનિસેફે ટેકો આપ્યો હતો, પરંતુ તેણે આ બાબતે કશું કહેવાનો ઇનકાર કર્યો હતો.
વિશ્વ આરોગ્ય સંગઠન અને યુનિસેફે 2018માં ભલામણ કરી હતી કે જે શિશુઓને તેમની માતા પાસેથી સ્તનપાન કરી શકતાં ન હોય તેમને માનવ દૂધ પીવડાવવું જોઈએ. અમેરિકન અને યુરોપિયન આરોગ્ય સંસ્થાઓ પણ શિશુના આહાર માટે દાતા માતાના દૂધની ભલામણ કરે છે.
કોઈ વૈશ્વિક નિયમો નથી
વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા મુજબ, 60થી વધુ દેશોમાં હ્યુમન મિલ્ક બૅન્ક કાર્યરત છે, પરંતુ ધાર્મિક વિરોધ કાયમ પ્રબળ હોય છે. બાંગ્લાદેશમાં 2019માં શરૂ કરવામાં આવેલી એક મિલ્ક બૅન્ક ધાર્મિક પક્ષોના વિરોધ પછી એક જ મહિનામાં બંધ કરી દેવી પડી હતી.
અમેરિકન એકૅડેમી ઑફ પેડિયાટ્રિક્સના સંશોધન પત્ર મુજબ, "દાતાઓ અનામ હોવાને કારણે પશ્ચિમી દેશોમાંના મુસ્લિમ પરિવારો હ્યુમન મિલ્ક બૅન્ક્સના દૂધનો ઉપયોગ કરતાં ખચકાય છે."
હ્યુમન મિલ્ક બૅન્કની સ્થાપના માટે અત્યાર સુધી કોઈ નિશ્ચિત ગાઇડલાઇન્સ બનાવવામાં આવી નથી. વિશ્વ આરોગ્ય સંગઠને આ દિશામાં તાજેતરમાં જ કામ શરૂ કર્યું છે.
પાકિસ્તાનની સૌપ્રથમ હ્યુમન મિલ્ક બૅન્કનું શું થશે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ કરાચીમાં બશીરાની નાનકડી દીકરી હવે એક સ્વસ્થ બાળક બની ગઈ છે. તે એક હૉસ્પિટલે આપેલી સુવિધાને આભારી છે. હૉસ્પિટલે તેમને સંભવિત દાતાની વિગત આપી હતી.
બશીરા અન્ય માતાઓને મદદ કરવા પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહી છે.
બશીરા કહે છે, "જે માતાએ મારી દીકરીને સ્તનપાન કરાવ્યું તેની હું કાયમ આભારી રહીશ અને ભવિષ્યમાં મને આવું ઋણ ચૂકવવાની અને એક જીવન બચાવવાની તક મળશે તો હું કોઈ પણ બાળક માટે આવું જ કરીશ."












