સૂરજપાલના ગામલોકો 'ભોલેબાબા'ના સત્સંગ અંગે શું કહે છે?

હાથરસ દુર્ઘટના, નાસભાગ, સૂરજપાલ જાટવ ભોલેબાબા, ઉત્તર પ્રદેશ, બીબીસી ગુજરાતી
    • લેેખક, દિલનવાઝ પાશા
    • પદ, બીબીસી સંવાદદાતા, કાસગંજથી

દિલ્હીથી અંદાજે અઢીસો કિલોમીટર દૂર ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લાનું બહાદુરનગર ગામ ભક્તિમાં ડૂબેલું નજરે ચડે છે. પટિયાલી તાલુકાનું આ ગામ ગંજડુંડવારાથી અંદાજે પાંચ કિલોમીટર દૂર છે.

મકાઈ અને મગફળીના ખેતરોમાંથી પસાર થતો પાકો રસ્તો રેલવે લાઇનની નીચે બનેલા પુલથી થઈને જેવો બહાદુરનગરમાં દાખલ થાય છે, ત્યાં જ સફેદ પથ્થરનો બનેલો મોટો દરવાજો નજરે ચડે છે.

તેની બાજુમાં જ ટીનના શેડથી ઢંકાયેલો સત્સંગ હૉલ છે, જે હાલમાં ખાલી છે. તેની સામે જ સફેદ દીવાલોથી બનેલો આશ્રમ છે, તેની બાજુમાં વધુ એક આશ્રમ અને પછી એક મોટી ઇમારત, જેના પર તાળું લાગેલું છે.

બહારથી વિશાળ નજર આવતાં આશ્રમ અંદરથી સાધારણ છે. અંદર ટીનની છતવાળા જ રૂમ છે, જેમાં સેવાદાર રહે છે. અહીં કોઈ મૂર્તિ નથી કે નથી કોઈ પૂજા કરવાની સગવડ. દીવાલ પર નારાયણ સાકારની યુવાનીની એક તસવીર છે.

સૂરજપાલ જાટવ ઉર્ફે નારાયણ સાકાર હરિ, ભોલેબાબાના નામથી પણ જાણીતા છે. તેમનો જન્મ આ જ ગામમાં થયો હતો. તેમને માનનારા ભક્તો માટે આ એક તીર્થસ્થળ જેવું જ છે.

બીબીસી ગુજરાતી

ગણ્યાગાંઠ્યા ભક્તો અહીં પહોંચી રહ્યા છે જેઓ આશ્રમની બહાર માથું ટેકવે છે અને હાથ જોડે છે.

હાથરસમાં બે જુલાઈના રોજ 'ભોલેબાબા'ના સત્સંગમાં થયેલી નાસભાગમાં 121 લોકોનાં મોત બાદ નારાયણ સાકાર અને તેમનો આશ્રમ સતત ચર્ચામાં છે.

અનેક લોકો તેમને પાખંડ અને અંધવિશ્વાસ કહી શકે છે પરંતુ ત્યાંના લોકો માટે એ ભક્તિ અને આસ્થા છે.

‘પરમાત્માનું સાક્ષાત સ્વરૂપ’

હાથરસ દુર્ઘટના, નાસભાગ, સૂરજપાલ જાટવ ભોલેબાબા, ઉત્તર પ્રદેશ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, રાજપાલ યાદવ છેલ્લા વીસ વર્ષથી નારાયણ સાકાર સાથે જોડાયેલા છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એક સામાન્ય દલિત પરિવારમાં જન્મેલા સૂરજપાલ જાટવ 2000માં પોલીસની નોકરી છોડીને બહાદુરનગર પરત ફર્યા હતા અને પોતાને નારાયણ સાકાર એટલે કે 'ભગવાનનું દૃશ્યમાન સ્વરૂપ' જાહેર કરીને અહીં સત્સંગ શરૂ કર્યો હતો.

હવે તેમની પાછળ ભક્તોની લાંબી સેના છે, જેમણે તેમનું જીવન તેમને સમર્પિત કર્યું છે. રાજપાલ યાદવ 20 વર્ષ પહેલાં નારાયણ સાકારના સંપર્કમાં આવ્યા અને પછી પોતાનો પરિવાર અને ગામ છોડીને અહીં સેવાદાર બની ગયા હતા.

રાજપાલ હવે નારાયણ સાકારના આશ્રમો ચલાવતા ટ્રસ્ટનો ભાગ છે. રાજપાલ 2 જુલાઈના રોજ થયેલા અકસ્માતને ષડયંત્ર કહે છે અને નારાયણ સાકારને વાસ્તવિકતામાં ભગવાન કહે છે.

આશ્રમ બતાવતા તેઓ કહે છે, “અહીંની દરેક ઈંટ ભક્તોના પૈસાની છે. તમે જે જોઈ રહ્યા છો, તે બધું નારાયણ સાકારના ભક્તો દ્વારા બનાવવામાં આવ્યું છે. અહીં કોઈ મૂર્તિ નથી, કોઈ ભગવાનની પૂજા કરવામાં આવતી નથી, કોઈ પાસેથી દાન લેવામાં આવતું નથી અને કોઈ પ્રસાદ આપવામાં આવતો નથી. નારાયણ સ્વયં પરમ ભગવાન અવતાર છે. તેઓ હવે અહીં રહેતા નથી, પરંતુ ભક્તો તેમના જન્મસ્થળની મુલાકાત લેવા આવે છે.”

હાથરસ અકસ્માત બાદ નોંધાયેલી એફઆઈઆરમાં નારાયણ સાકારનું નામ નથી, પરંતુ તેઓ પોલીસ તપાસ હેઠળ છે.

હાથરસમાં આયોજિત સત્સંગના મુખ્ય આયોજક દેવ પ્રકાશ મધુકર સહિત નારાયણ સાકારના ઘણા સેવકોની પોલીસે ધરપકડ કરી છે.

બહાદુરનગર આશ્રમમાં હાજર સેવકોનો દાવો છે કે પોલીસ આ કેસમાં નારાયણ સાકર ઉર્ફે ભોલેબાબાની ધરપકડ કરી શકશે નહીં.

હાથરસ દુર્ઘટના, નાસભાગ, સૂરજપાલ જાટવ ભોલેબાબા, ઉત્તર પ્રદેશ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, સેવાદાર જિતેન્દ્રસિંહ

સેવાદાર જિતેન્દ્રસિંહ કહે છે, “નારાયણ સાકાર હરિ પરમાત્માને કોઈ પકડી શકે તેમ નથી. ન તો મીડિયા કંઈ કરી શકશે કે ન પ્રશાસન કે શાસન. નારાયણ સાકારની સત્તા સમગ્ર બ્રહ્માંડમાં ચાલે છે.”

જિતેન્દ્ર એકલા નથી કે જેઓ નારાયણ સાકારની પરમાત્માના સ્વરૂપમાં પૂજા કરે છે. જિતેન્દ્રએ હવે હિન્દુ દેવીદેવતાઓની પૂજા શરૂ કરી છે.

તેઓ ભારપૂર્વક કહે છે કે, “નારાયણ સાકાર હાલના સમયના હકીમ છે. પહેલાં હું રામની પૂજા કરતો હતો, કૃષ્ણની પૂજા કરતો હતો, પરંતુ હવે હું જાણી ગયો છું કે નારાયણ સાકાર જ પરમાત્મા છે.”

જિતેન્દ્ર એકલા નથી કે જેમના આવા વિચાર છે. આશ્રમ સાથે જોડાયેલા તમામ લોકો નારાયણ સાકારને પરમાત્માના રૂપમાં જ જુએ છે. સેવાદારોના ગળામાં નારાયણ સાકારની તસવીરવાળા લૉકેટની માળા છે.

બહાદુરનગર એક દલિત બહુલ ગામ છે, જ્યાં મોટાભાગના ઘરો પ્લાસ્ટર વગરના છે. નારાયણ સાકારના કાયમી આશ્રમની સરખામણીમાં આ વધુ સાધારણ દેખાય છે.

આ આશ્રમ અનેક ભાગોમાં વિસ્તર્યો છે. મુખ્ય ભાગનો દરવાજો, ઊંચી સફેદ દીવાલોથી ઘેરાયેલો છે અને બહારથી બંધ છે,ત્યાં તાળું લાગેલું છે. અહીં તહેનાત સેવકો બંધ ગેટ પાસે પણ કોઈને આવવા દેતા નથી. તેઓ ગુસ્સામાં કહે છે, "આ એક પવિત્ર સ્થળ છે, આ દરવાજાથી અંદર કોઈ જતું નથી, તમે ચંપલ પહેરીને તેની નજીક ન આવી શકો."

આશ્રમનો આ ભાગ ત્યારે જ ખુલે છે જ્યારે નારાયણ સાકાર અહીં આવે છે, તેઓ 2014થી અહીં આવ્યા નથી.

એક વૃદ્ધ મહિલા આ દરવાજાની બહાર હાથ જોડીને માથું નમાવીને નમન કરે છે. ઘણાં નાનાં બાળકો પણ હાથ જોડીને ચૂપચાપ પ્રણામ કરે છે. અહીંથી પસાર થતા ગ્રામજનો હાથ જોડીને જ આગળ વધે છે.

હાથરસ દુર્ઘટના, નાસભાગ, સૂરજપાલ જાટવ ભોલેબાબા, ઉત્તર પ્રદેશ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, સૂરજપાલ જાટવનો જન્મ જે ઘરમાં થયો હતો ત્યાં હવે નવું મકાન બની ગયું છે, આ જગ્યાએ પણ ભક્તો માથું ટેકવે છે

આ દરવાજે ઊભેલા ગુલાબી રંગનો યુનિફૉર્મ પહેરેલા એક સેવાદાર કહે છે, "અહીં પહોંચી ગયા છો તો માથું નમાવજો, બેડો પાર થઈ જશે."

અહીંના તમામ નોકરો દાવો કરે છે કે તેઓ ટ્રસ્ટમાંથી કોઈ પગાર લેતા નથી.

સિક્યોરિટી ડ્યુટીમાં રોકાયેલા એક સેવાદાર પોતાનું નામ જાહેર ન કરતાં કહે છે, “અમારા પરિવારમાંથી કોઈ ને કોઈ વ્યક્તિ આશ્રમની સેવામાં રોકાયેલો રહે છે, જ્યારે હું ડ્યૂટી કરી શકતો નથી, ત્યારે મારો ભાઈ અહીં સેવા કરે છે. અમે આ આશ્રમ સાથે એક દાયકા કરતાં વધુ સમયથી જોડાયેલા છીએ."

નોકરોના કહેવા પ્રમાણે અહીં માત્ર પુરુષો જ રહે છે અને મહિલાઓને અહીં રહેવાની પરવાનગી નથી.

હાથરસ દુર્ઘટના, નાસભાગ, સૂરજપાલ જાટવ ભોલેબાબા, ઉત્તર પ્રદેશ, બીબીસી ગુજરાતી

નારાયણ સાકારે વર્ષ 2014માં બહાદુરનગર ગામ છોડી દીધું હતું. આનું કારણ જણાવતા ગામના ઘણા લોકોએ દાવો કર્યો કે 'જ્યારે ભોલેબાબા અહીં સત્સંગ કરતા હતા ત્યારે ભારે ભીડ ભેગી થવાને કારણે લોકોનો પાક બરબાદ થઈ જતો હતો. એટલા માટે તેઓ અહીંથી ચાલ્યા ગયા.

નારાયણ સાકાર હવે અહીં નથી રહેતા પરંતુ આ આશ્રમ અને અહીંનાં બાળકો પર તેમનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે.

જ્યારે નારાયણ સાકારે ગામમાં પહેલો સત્સંગ કર્યો ત્યારે આ આશ્રમ હજુ બંધાયો ન હતો. તેમણે તેમની પૈતૃક જમીન પર બનેલી ઝૂંપડીમાં સત્સંગ કરવાનું શરૂ કર્યું.

અંજુ ગૌમત કે જેઓ ત્યારે દસ વર્ષનાં હતાં તેમણે તેમના પ્રથમ સત્સંગમાં હાજરી આપી હતી. હવે તેમની નારાયણ સાકાર પ્રત્યેની ભક્તિ વધુ પ્રબળ બની છે.

આનું કારણ જણાવતા અંજુ ગૌતમ કહે છે, “તેમણે ક્યારેય પોતાને ભગવાન નથી કહ્યા. તેઓ લોકોને સત્યના માર્ગ પર લાવવા માંગે છે. અગાઉ અમારા ગામની છોકરીઓ ભણી શકતી નહોતી, હું બીએ પાસ છું. તેમણે જ મને ભણવા માટે પ્રોત્સાહિત કરી હતી. અગાઉ અહીં ઘણી ગુંડાગીરી હતી, પરંતુ પ્રભુના આવવાથી બધું સમાપ્ત થઈ ગયું.”

છેલ્લા બે દાયકામાં નારાયણ સાકારનો પ્રભાવ માત્ર ગામડાંથી આસપાસના જિલ્લાઓ સુધી જ નહીં પરંતુ ઘણાં રાજ્યોમાં પણ ફેલાયો છે. હવે તેમના રાજસ્થાનના મૈનપુરી, કાનપુર, એટા અને દૌસામાં પણ આશ્રમ છે. નારાયણ સાકાર હવે મોટાભાગનો સમય મૈનપુરી આશ્રમમાં રહે છે.

સૂરજપાલની નારાયણ સાકાર બનવાની આ કહાણી વર્ષ 2000માં શરૂ થઈ હતી. નિઃસંતાન સૂરજપાલનાં દત્તક પુત્રીનું વર્ષ 2000માં અવસાન થયું હતું. પછી તેમણે તેમની શક્તિથી તેને જીવંત કરવાનો દાવો કર્યો.

તેઓ ઘણા દિવસો સુધી મૃતદેહ સાથે રહ્યા અને પછી પોલીસે તેની ધરપકડ કરી.

આ વાર્તા એક ચમત્કારની જેમ ગામડાઓમાં પહોંચી અને મુક્ત થયા પછી, સૂરજપાલ બહાદુરનગર પાછા ફર્યા અને પોતાને નારાયણ સાકાર જાહેર કર્યા.

પડોશના ગામ ચકમાં રહેતા રાજબહાદુર યાદ કરે છે કે તે સમયે દરેક જગ્યાએ એ વાત હતી કે તેઓ મૃત છોકરીને જીવિત કરી રહ્યા છે.

રાજબહાદુર કહે છે, “અમે બાબા વિશે સૌથી પહેલી વાત એ સાંભળી કે તે એક મૃત છોકરીને જીવિત કરશે. પણ કોઈ જીવતું ન આવ્યું.”

રાજબહાદુર જણાવે છે કે તે સમયે બાબા સત્સંગમાં એક ચક્ર બતાવતા હતા. તેઓ કહે છે, "હું ચક્ર જોવા માટે ઘણી વખત સત્સંગમાં પણ ગયો હતો, પરંતુ મને કોઈ ચક્ર ન દેખાયું."

હવે નારાયણ સાકાર અંગે રાજબહાદુરનો અભિપ્રાય બદલાઈ ગયો છે. તેઓ કહે છે, "આ બધી અંધશ્રદ્ધા અને પાખંડ છે."

‘ચમત્કાર કંઈ હોતો નથી’

હાથરસ દુર્ઘટના, નાસભાગ, સૂરજપાલ જાટવ ભોલેબાબા, ઉત્તર પ્રદેશ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, આશ્રમનો મુખ્ય દ્વાર બંધ રહે છે અને ભક્તો બહારથી જ દર્શન કરે છે

મીડિયા અને સોશિયલ મીડિયાથી દૂર રહેનાર નારાયણ સાકારની કહાણી સત્સંગની જેમ પ્રસરતી રહી અને અનેક દાવાઓ તેમની સાથે જોડાતા ગયા. આશ્રમની બહાર કતારમાં લાગેલાં અનેક નળ આવા જ દાવાઓનું પ્રતીક છે.

જોકે, એવા લોકોની કમી નથી કે જેઓ માને છે કે 'ભોલેબાબા' કોઈ ચમત્કાર કરતા નથી પણ તેમના સત્સંગમાં જવાથી આરામ મળે છે.

હાથરસમાં આયોજિત સત્સંગમાં ચક ગામના રહેવાસી ભગવાનદેવીએ હાજરી આપી હતી. ભારે ભીડને જોઈને, નાસભાગની થોડીવાર પહેલાં જ તેઓ સ્થળ પરથી નીકળી ગયાં.

ભગવાનદેવી કહે છે, “ચમત્કાર બનતા નથી, ફક્ત લોકો જ અનુભવે છે. ગંગામાં ડૂબતો કોઈ બચી જાય તો તેને લાગશે કે તેની સાથે ચમત્કાર થયો છે, ગંગાએ મને બચાવ્યો. ભોલેબાબા સાથે પણ આવું જ છે, અહીં આવનાર લોકોને થોડો ફાયદો થાય છે, તો તેમને લાગે છે કે બાબાએ ચમત્કાર કર્યો છે. અમે સાંભળ્યું છે કે આશ્રમના નળમાંથી દૂધ નીકળે છે, પરંતુ હું ઘણા વર્ષોથી આ નળમાંથી માત્ર પાણી પીઉં છું.”

ભગવાનદેવી કહે છે, “દરેકના જીવનમાં સમસ્યાઓ હોય છે, જો આપણે સત્સંગમાં જઈએ તો થોડા સમય માટે તે સમસ્યાઓ દૂર થતી જણાય છે. તેથી જ હું પણ જાઉં છું. કારણ કે ત્યાં જઈને તમને શાંતિ મળે છે.”

‘વૈરાગી પ્રવૃત્તિ’

હાથરસ દુર્ઘટના, નાસભાગ, સૂરજપાલ જાટવ ભોલેબાબા, ઉત્તર પ્રદેશ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, સૂરજપાલ જાટવ તેમનાં પત્ની પ્રેમવતી સાથે મંચ પર

નારાયણ સાકાર સાથે આગ્રામાં તહેનાત રહેલા અને યુપી પોલીસના સબ ઇન્સ્પેક્ટર પદેથી નિવૃત્ત થયેલ રામ સનેહી રાજપૂત જણાવે છે કે આગ્રામાં તહેનાત થયા બાદ જ તેમણે સત્સંગ કરવાનું મન બનાવી લીધું હતું.

રામ સનેહી અંદાજે પંદર વર્ષ આગ્રામાં તહેનાત રહ્યા અને એ દરમિયાન સૂરજપાલ પણ આગ્રામાં જ રહેતા હતા. અહીં સૂરજપાલે કેટલોક સમય સુધી કોર્ટનો આદેશ પોલીસ સુધી પહોંચાડવાની નોકરી પણ કરી.

રામ સનેહી આગ્રામાં તહેનાતી દરમિયાન સૂરજપાલને મળતા રહેતા હતા. એ દિવસોને યાદ કરતાં તેઓ કહે છે, “સૂરજપાલનું કોઈ સંતાન ન હતું. તેઓ થોડા વૈરાગી પ્રવૃત્તિના થઈ ગયા હતા. તેમણે એક દીકરી દત્તક લીધી હતી. એ બીમારીથી મૃત્યુ પામી તો સૂરજપાલે એ દાવો કર્યો કે તેઓ તેને જીવિત કરી દેશે. કેટલાય દિવસ સુધી તેઓ તેના મૃતદેહ સાથે રહ્યા હતા.”

રામ સનેહી એલાર જાતિના છે જેને લોધે રાજપૂત પણ કહેવામાં આવે છે. સૂરજપાલ જ્યારે પોલીસની નોકરી છોડીને ગામમાં પરત ફર્યા હતા ત્યારે તેઓ રામ સનેહી પાસે પણ આવ્યા હતા.

રામ સનેહી યાદ કરે છે, “તેમણે ગામમાં પરત ફરીને કહ્યું હતું કે હવે હું ગામમાં જ સત્સંગ કરીશ. અમે તેમને કહ્યું હતું કે અમે તમારું સમર્થન નહીં કરીએ તો વિરોધ પણ નહીં કરીએ. તેઓ સત્સંગ કરવા લાગ્યા. પહેલાં ગામનાં લોકો આવ્યા અને પછી આસપાસના લોકો પણ આવવા લાગ્યા. પછી લોકોએ તેમની સાથે અનેક દાવાઓ જોડી દીધા.”

રામ સનેહી એક કિસ્સો સંભળાવતા કહે છે કે, “સૂરજપાલે એકવાર મને આશ્રમમાં ભોજન માટે આમંત્રિત કર્યો હતો. પરંતું તેમની જાતિ અલગ છે અને અમારી અલગ. આથી સમાજના ડરથી મેં તે આશ્રમમાં ન જમવાનું નક્કી કર્યું.”

જાતિનો મુદ્દો

હાથરસ દુર્ઘટના, નાસભાગ, સૂરજપાલ જાટવ ભોલેબાબા, ઉત્તર પ્રદેશ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, રાજબહાદુર

આ વિસ્તારમાં જાતિવાદની અસર પણ સ્પષ્ટપણે દેખાય છે. ચક ગામમાં એલાર જાતિના મોટાભાગના લોકો નારાયણ સાકારને પાખંડી કે ઢોંગી ગણાવીને નકારે છે.

નારાયણ સાકારમાં વિશ્વાસ ધરાવનાર મોટેભાગે દલિત છે. તેમના દલિત સમર્થકોને લાગે છે કે જાતિને કારણે નારાયણ સાકાર પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.

બહાદુરનગરના રહેવાસી રાજ બહાદુર કહે છે, “અમે એસસી છીએ, અમારા ભગવાન પણ એસસી છે, તેથી અમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. જેમ શંભુક ઋષિ સાથે થયું, એવું જ નારાયણ સાકર સાથે થઈ રહ્યું છે.”

બહાદુરનગરના ઘરોમાં નારાયણ સાકારના રૂપમાં સૂરજપાલની તસવીર સાથે ડૉ. ભીમરાવ આંબેડકરની તસવીર પ્રદર્શિત કરવામાં આવી છે.

ખેડૂત નન્હેસિંહ જાટવના પરિવારમાં જન્મેલા સૂરજપાલે પ્રારંભિક શિક્ષણ ગામમાંથી જ લીધું અને પછી પોલીસમાં જોડાયા. તેમના એક ભાઈનું બીમારીને કારણે મૃત્યુ થયું હતું અને બીજા ભાઈ રાકેશકુમાર ગામના વડા રહી ચૂક્યા છે.

રાકેશકુમાર અને સૂરજપાલ વચ્ચે મિલકતને લઈને પણ વિવાદ થયો છે. રાકેશકુમારનાં પુત્રી કહે છે, “તેમનો અમારા પરિવાર સાથે કોઈ સંપર્ક નથી. તેમણે અમને છોડી દીધા છે.”

પરંતુ તેઓ નારાયણ સાકારમાં માને છે કે કેમ તે પ્રશ્ન પર તેઓ કહે છે, "બીજા બધાની જેમ, અમે પણ માનીએ છીએ."

પ્રોપર્ટીના વિવાદ પર તેઓ કહે છે, “જે જમીન ગઈ તે ગઈ. હવે અમને લાગે છે કે તેનો યોગ્ય ઉપયોગ થયો છે.”

રાકેશકુમારની એક સગીર પુત્રી નારાયણ સાકારની ભક્તિમાં સંપૂર્ણપણે મગ્ન હોય તેવું લાગે છે.

‘મંગળવારે પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી’

હાથરસ દુર્ઘટના, નાસભાગ, સૂરજપાલ જાટવ ભોલેબાબા, ઉત્તર પ્રદેશ, બીબીસી ગુજરાતી

દર મંગળવારે બહાદુરનગર આશ્રમની બહાર ભક્તોની ભારે ભીડ જામે છે. આશ્રમની બહાર દુકાન ચલાવતો એક યુવક કહે છે, “મંગળવારે અહીં પગ મૂકવાની જગ્યા હોતી નથી. લોકો દૂર-દૂરથી આવે છે, પ્રણામ કરીને નીકળી જાય છે.”

આશ્રમ પરિસરમાં કોઈપણ પ્રકારની દુકાન નથી. અહીં બૉર્ડ પર લખેલું છે - 'ભક્તોને કોઇપણ સામાન વેચવાની છૂટ નથી.'

આશ્રમની અંદર એક ખાસ પ્રકારનો ઉકાળો, જેને સેવાદાર ખાસ ચા કહે છે એ તૈયાર કરવામાં આવી રહ્યો છે. અહીં આવનારા કેટલાક ભક્તોની માગણીને ધ્યાને તેને કાગળના કપમાં પીવા માટે આપવામાં આવે છે.

ભક્તોનો દાવો છે કે તેના ઘણા ફાયદા છે. જ્યારે તેનો સ્વાદ લેવામાં આવે છે ત્યારે તે ખૂબ જ કડવો લાગે છે.

કેટલાક પરિવારો તેમનાં બાળકોનું મુંડન કરાવવા માટે પણ આશ્રમની બહાર આવી રહ્યા છે. અહીં આવનારા ભક્તો જણાવે છે કે જેઓ સંતાનની ઇચ્છા રાખે છે તેઓ સંતાન પ્રાપ્તિ પછી બાળકને મુંડન માટે અહીં લાવે છે.

એવું લાગે છે કે સૂરજપાલે નારાયણ સાકાર બનીને નવો સંપ્રદાય શરૂ કર્યો છે. તેમનો પ્રભાવ માત્ર કાસગંજ કે હાથરસમાં જ નહીં, પરંતુ આસપાસના જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારોમાં પણ સતત વધી રહ્યો છે.

હાથરસ અકસ્માતમાં માર્યા ગયેલા શ્રદ્ધાળુઓમાં યુપીના અનેક જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હરિયાણાના લોકો પણ હતા.

ભક્તો તેમના પગની ધૂળને વરદાન માને છે. કેટલાક તેને ગળામાં લૉકેટમાં પહેરે છે.

અહીં પહોંચનારા મોટાભાગના લોકો તેમના જીવનમાં નિરાશ છે, બીમારીથી પરેશાન છે અથવા સમસ્યાઓમાં ફસાયેલા છે. તેમને લાગે છે કે તેમના જીવનમાં જે કંઈ સારું ચાલે છે તે નારાયણ સાકારના આશીર્વાદ છે.

દુર્ગેશ દિલ્હીથી બહાદુરનગર આવ્યા છે. તેણે બ્રેઇન ટ્યુમરનું ઓપરેશન કરાવ્યું છે અને દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

તેઓ તેમની તબિયતમાં સુધારો કરવાનો શ્રેય તેમની સારવાર કરતા ડૉક્ટરોને બદલે નારાયણ સાકારને આપે છે.

દુર્ગેશ કહે છે, “મારા પિતા નારાયણ સાકાર સાથે જોડાયેલા હતા. પછી હું આશ્રમમાં આવવા લાગ્યો. મેં ભગવાનને યાદ કર્યા અને મારી સમસ્યાઓ સરળ થઈ ગઈ.”

ભક્તોનાં તર્ક

હાથરસ દુર્ઘટના, નાસભાગ, સૂરજપાલ જાટવ ભોલેબાબા, ઉત્તર પ્રદેશ, બીબીસી ગુજરાતી

જાણકાર લોકો ભલે આ પ્રકારના દાવાઓને દંભ અને અંધશ્રદ્ધા તરીકે ફગાવી દે, પરંતુ બહાદુરનગર પહોંચ્યા પછી લાગે છે કે ભક્તોને તર્કથી કોઈ ફરક પડતો નથી.

રહસ્યમય જીવન જીવતા અને લાઇમલાઇટથી દૂર રહેતા નારાયણ સાકાર હાથરસ દુર્ઘટના પછી જ લાઇમલાઇટમાં આવ્યા છે. ઈન્ટરનેટ પર તેમના વીડિયો બહુ ઓછા છે. આ દુર્ઘટના સિવાય તેમના ભક્તો સિવાય બહુ ઓછા લોકો તેમને ઓળખતા હતા.

તેઓ તેમના ભક્તોને સત્સંગ અથવા તેમના કાર્યક્રમોના વીડિયો બનાવવાની સખત મનાઈ ફરમાવે છે. જો કોઈ વીડિયો બનાવવાની કોશિશ કરે છે તો તેમના સેવાદારો તેનો મોબાઈલ છીનવી લે છે.

હાથરસમાં સત્સંગ દરમિયાન એક યુવકે રસ્તા પરથી પસાર થતી વખતે વીડિયો બનાવવાની કોશિશ કરી ત્યારે સેવકોએ તેનો મોબાઈલ આંચકી લીધો હતો અને ભારે મુશ્કેલીથી તેને આપ્યો હતો. પછી ગુપ્ત રીતે તેણે થોડી સેકન્ડનો વીડિયો બનાવ્યો, જેમાં ભારે ભીડ દેખાઈ રહી છે.

બહાદુરનગર આશ્રમમાં હાજર એક સેવક કહે છે, "બાબાને કોઈ વીડિયો કે મીડિયાની જરૂર નથી, તેઓ ખુદ ભગવાન છે, પોતાનામાં જ સક્ષમ છે."

સુરક્ષામાં સેવાદારોનો કાફલો

હાથરસ દુર્ઘટના, નાસભાગ, સૂરજપાલ જાટવ ભોલેબાબા, ઉત્તર પ્રદેશ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ગુલાબી પોશાકમાં સુરક્ષાકર્મીઓ

નારાયણ સાકાર હવે મોટા કાફલા સાથે ચાલે છે. તેમની સુરક્ષામાં સેવાદારોનો કાફલો તહેનાત રહે છે. તેમની પોતાની 'નારાયણી સેના' છે જે ગુલાબી પોશાક પહેરે છે અને સત્સંગની વ્યવસ્થા સંભાળે છે. તેઓ ગરુડ નામના કમાન્ડોના ઘેરામાં ચાલે છે જે સૈન્યદળો જેવો પોશાક પહેરે છે.

આ કમાન્ડોનાં પહેલા ઘેરાની બહાર હરિવાહક કાફલો હોય છે જે ભૂરા પોશાકમાં રહે છે. નારાયણ સાકારની સુરક્ષા સિવાય પણ સેવાદારોની વધુ એક મુખ્ય જવાબદારી છે- કોઈને તેમનો વીડિયો ન લેવા દેવો.

યુટ્યુબ પર નારાયણ સાકારને સાથે જોડાયેલાં ઘણાં ભક્તિગીતો છે. ઘણાં વર્ષો પહેલાં આવા ગીતોનાં નિર્માણ દરમિયાન નારાયણ સાકાર સાથે કામ કરનાર એક વ્યક્તિએ પોતાનું નામ જાહેર ન કરતાં કહ્યું, “પહેલા તેમની સાથે એટલા લોકો ન હતા, છેલ્લા કેટલાક વર્ષોમાં આ સંખ્યા ખૂબ જ ઝડપથી વધી છે..

નારાયણ સાકાર સાથે સંકળાયેલા મોટાભાગના ભક્તો અન્ય ભક્તો દ્વારા આશ્રમના સંપર્કમાં આવ્યા હતા. નારાયણ સાકારે પોતાની પ્રસિદ્ધિ માટે ક્યારેય મીડિયા કે સોશિયલ મીડિયાનો સહારો લીધો નથી.

તેમણે ભક્તો અને સેવકોનું એવું નેટવર્ક બનાવ્યું કે તેમાં તેઓ નવા લોકોને ઉમેરતા રહ્યા. હવે તેમનો પોતાનો સંપ્રદાય હાથરસ, કાસગંજ, અલીગઢ, મથુરા, ફર્રુખાબાદ, બદાયું, બહરાઈચ, કાનપુર સહિતના ઘણા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વિકસી રહ્યો છે.

અકસ્માત બાદ પણ તેમના મોટાભાગના ભક્તો તેમની સાથે જોડાયેલા છે. જોકે, કેટલાક લોકો એવા છે જેમણે પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા છે અને તેઓ પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

નાનીને ગુમાવનાર મૃત્યુંજા ગૌતમ કહે છે, "કોઈ પોતાને ભગવાન કેવી રીતે જાહેર કરી શકે, લોકો તેને ભગવાન તરીકે કેવી રીતે સ્વીકારી શકે?"

કાર્યક્રમો માટે ખર્ચ ક્યાંથી આવે છે?

હાથરસ દુર્ઘટના, નાસભાગ, સૂરજપાલ જાટવ ભોલેબાબા, ઉત્તર પ્રદેશ, બીબીસી ગુજરાતી

આ અકસ્માતમાં લાલારામની પત્નીએ પણ જીવ ગુમાવ્યો હતો. તેઓ સવાલ કરે છે કે, “જો બાબામાં શક્તિ હતી તો તેમણે અકસ્માત કેમ ન રોક્યો? તમે તમારી શક્તિથી મરતાં લોકોને કેમ ન બચાવ્યા, તેમના માટે ઑક્સિજન કેમ ન બનાવ્યો?”

છેલ્લા બે દાયકામાં નારાયણ સાકાર સામે છેડતી, જમીન પચાવી પાડવાનો પ્રયાસ અને દંભ ફેલાવવાના અનેક કેસ નોંધાયા છે. જોકે, પોલીસના ક્લૉઝર રિપોર્ટ પછી આ તમામ કામગીરી બંધ કરી દેવામાં આવી છે.

તેમના વકીલ એ. પી. સિંહ કહે છે, “જે કેસ બંધ થઈ ગયા છે તેનું હવે કોઈ મહત્ત્વ નથી. હવે નારાયણ સાકાર સામે માત્ર એક જ કેસ ચાલી રહ્યો છે.”

એક વર્ષ પહેલાં નારાયણ સાકારે બહાદુરનગરમાં પોતાની તમામ મિલકતો એક સેવાભાવી સંસ્થાને દાનમાં આપી દીધી હતી.

બહાદુરનગરથી પરત ફરતી વખતે મનમાં આ પ્રશ્ન રહે છે કે ભક્તો પાસેથી દાન, દાન અને દક્ષિણા ન લેવાનો દાવો કરનારા નારાયણ સાકારના કાર્યક્રમોનો ખર્ચ ક્યાંથી આવે છે? જોકે, તેમના સમર્થકોનો દાવો છે કે સમગ્ર કાર્યક્રમનો ખર્ચ ડોનેશન દ્વારા એકઠો કરવામાં આવે છે.