હાથરસમાં જ્યાં નાસભાગના લીધે કેટલાંય મૃત્યુ થયાં એ વિસ્તારમાં તબીબી વ્યવસ્થા કેવી હતી? - બીબીસી ઇન્વેસ્ટિગેશન

હાથરસ દુર્ઘટના, નાસભાગ, ઉત્તર પ્રદેશ, બીબીસી ગુજરાતી
    • લેેખક, જુગલ પુરોહિત
    • પદ, બીબીસી સંવાદાદાતા, હાથરસથી

હાથરસમાં થયેલી દુર્ઘટનામાં 120થી વધુ લોકોનાં મૃત્યુ થયાં પણ સૌથી મહત્ત્વની વાત એ બહાર આવી કે જ્યાં આ દુર્ઘટના સર્જાઈ હતી ત્યાં આરોગ્યવ્યવસ્થા કથળેલી હાલતમાં હતી.

બીબીસીએ ઘટનાસ્થળે જ્યારે મુલાકાત લઈને જાતતપાસ કરી ત્યારે માલૂમ પડ્યું કે ચાર પરિબળો હતાં જેને કારણે આટલા બધા લોકોનાં મૃત્યુ થયાં.

એક, લાખો ભક્તોનો મેળાવડો, બીજું, નજીકમાં કઈ સરકારી હૉસ્પિટલો છે તેની કોઈને જાણકારી નહોતી, ત્રીજું, ખાનગી હૉસ્પિટલોને સારવારના પ્રયાસોમાંથી બાકાત રાખવામાં આવી હતી અને છેલ્લું અને ચોથું પરિબળ એ કે વેરવિખેર આરોગ્યવ્યવસ્થા.

આ બધાં કારણો એ છે જેણે 2 જુલાઈના રોજ થયેલી હાથરસની દુર્ઘટનામાં ભૂમિકા ભજવી.

આ તમામ પરિબળોની વિગતવાર તપાસ કરીએ.

બીબીસી ગુજરાતી

જીટી રોડ હાઇવેને અડીને આવેલા મેળાવડાને વહીવટી તંત્રે મંજૂરી આપી હતી. પોલીસનો પ્રથમદર્શી અહેવાલ (FIR) જણાવે છે કે આયોજકોએ 80,000 લોકોને સમાવવા માટે વહીવટી તંત્રનો ટેકો માગ્યો હતો. વાસ્તવમાં આ સંખ્યા ત્રણ ગણા કરતાં વધુ હતી. ફરિયાદમાં આયોજકોને દોષ આપીને જણાવાયું છે કે નિર્ધારિત શરતોનું પાલન થયું ન હતું અને જ્યારે મામલો ગંભીર બન્યો ત્યારે ભક્તોને મદદ કરવામાં આવી ન હતી.

જોકે, આયોજકોએ બીબીસીને જણાવ્યું કે તેઓ પોલીસની વાત સાથે સહમત નથી.

મેળાવડો જ્યાં થયો તે સ્થળથી લગભગ 6 કિમી દૂર સિકંદરારાવ ખાતે સરકાર સંચાલિત સામુદાયિક આરોગ્યકેન્દ્ર (CHC) આવેલું છે, જે સૌથી નજીકની જાહેર આરોગ્યસુવિધા છે.

30 પથારીની આ હૉસ્પિટલ મુખ્ય માર્ગની બાજુમાં સ્થિત છે. તેમાં કેટલાક સ્ટાફના સભ્યો માટે ક્વાર્ટર્સ પણ છે, જે 2 જુલાઈના રોજ કામમાં આવ્યાં હતાં.

તે દિવસે બપોરે બે વાગ્યા પછી અહીં એક પછી એક મૃતદેહો આવવાની શરૂઆત થઈ. આખું પ્રાંગણ મૃતકો અને ઈજાગ્રસ્તોથી ભરાઈ ગયું હતું.

'અમે તૈયાર જ ન હતાં'

વીડિયો કૅપ્શન, હાથરસમાં થયેલાં મૃત્યુ માટે કોણ જવાબદાર, ક્યાં ચૂક થઈ?
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

શુક્રવારે અમે ઍડિશનલ ડાયરેક્ટર (હેલ્થ) ડૉ મોહન ઝાને મળ્યા જેઓ હાથરસ સહિત ચાર જિલ્લાઓમાં જાહેર આરોગ્યની વ્યવસ્થા સંભાળે છે. તેમના કહેવા પ્રમાણે, “સિકંદરારાવના ડૉક્ટરોએ પહેલાં ત્રણ બાળકોના મૃતદેહને લવાતા જોયા. તેમણે શું થયું છે તે પૂછવા માટે પોલીસને બોલાવી. ત્યારે પોલીસે તેમને ઘટના વિશે જણાવ્યું. તેથી, અમારો સ્ટાફ એકઠો થયો અને તમામ ડૉકટરો, નર્સો અને રજા પર ગયેલા લોકો વગેરેને બોલાવ્યા."

બીબીસીએ આ કેન્દ્રમાં કલાકો વિતાવ્યા અને અહીં જેઓ હાજર હતા તેમની સાથે વાત કરી.

સ્ટાફના સભ્યોએ અમને જણાવ્યું કે આ ઘટનાએ તેમને હચમચાવી દીધા હતા.

એક કર્મચારીએ કહ્યું, "કલ્પના કરો કે મૃત્યુ પામેલાં અને બેભાન લોકોના વિશાળ ઢગલા વચ્ચે સતત ચાલતા રહેવું અને તેમાંથી કોણ શ્વાસ લઈ રહ્યું છે તે શોધીને તેમને તબીબી સહાય આપવા નિર્દેશ કરવો કેટલું કપરું હતું."

અહીંના સ્ટાફની હાલત જોઈને પડોશી ખાનગી ડૉક્ટરોએ મદદ કરી.

CHCમાં અમે જેની સાથે વાત કરી તેમાંથી લગભગ દરેક વ્યક્તિએ કહ્યું કે તેમને નજીકમાં મોટા મેળાવડાની કોઈ પૂર્વમાહિતી ન હતી. તેમણે વધુમાં જણાવ્યું કે જો તેઓ પહેલેથી જાણતા હોત તો તેમણે વધુ સારી વ્યવસ્થા કરી હોત.

સ્ટાફની એક વ્યક્તિએ કહ્યું કે, “અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, પરંતુ સત્ય એ છે કે અમે તૈયાર જ ન હતા. અમારે ત્યાં આટલી મોટી દુર્ઘટનાને સંભાળવા માટે વ્યવસ્થા નથી.”

તે દિવસે મંગળવારની બપોરે જેમ જેમ ખ્યાલ આવ્યો કે એકલું CHC આને પહોંચી નહીં વળે, ત્યારે સત્તાવાળાઓએ હાંફળાફાંફળા થઈને નજીકની જાહેર હૉસ્પિટલોને કૉલ કરવાનું શરૂ કર્યું. તેમણે તેમને મૃતકો અને ઘાયલો માટે તૈયારી રાખવા કહ્યું.

તે અગાઉ હાથરસની જિલ્લા હૉસ્પિટલ સહિત આમાંથી કોઈ પણ હૉસ્પિટલને જાણ કરવામાં આવી ન હતી કે આટલી મોટી સભા યોજાવાની છે.

હાથરસ જિલ્લા હૉસ્પિટલના મુખ્ય તબીબી અધિક્ષક ડૉ. સૂર્યપ્રકાશે જણાવ્યું કે, “અમારી કોઈ પણ ટીમ તહેનાત કરવામાં આવી ન હતી. અમારી પાસે અગાઉથી કોઈ પણ પ્રકારની માહિતી પણ ન હતી. અમને ઘટના બન્યા પછી જ ખબર પડી."

આયોજકોએ શું દાવો કર્યો?

હાથરસ દુર્ઘટના, નાસભાગ, ઉત્તર પ્રદેશ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, સુનિલ

પોલીસના અહેવાલ ગમે તે હોય, છતાં આયોજકો દાવો કરે છે કે તેમણે જરૂરી તબીબી સહાય રાખી હતી.

ધાર્મિક પ્રચારક બની બેઠેલા સુરજપાલ જાટવના પ્રતિનિધિ એ. પી. સિંહે દાવો કર્યો કે, "અમે લોકોની સારવાર પણ કરી છે, પરંતુ ત્યાં અત્યંત ગંભીર ઈજાઓ થઈ હતી. તેના કારણે લોકોને હૉસ્પિટલમાં મોકલવા પડ્યા હતા. મારી પાસે ચોક્કસ આંકડો નથી, પરંતુ અમારી પાસે ડૉકટરો અને નર્સ હતા.”

આ મેળાવડો રાજકીય રેલી અથવા કોઈ વીઆઈપી મુલાકાત હોત તો? તો શું આ હૉસ્પિટલોને પહેલેથી જાણકારી હોત અને સારી તૈયારીઓ કરી હોત? એવું અમે પૂછ્યું.

જવાહરલાલ નહેરુ મેડિકલ કૉલેજ હૉસ્પિટલ, અલીગઢના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ પ્રોફેસર વસીમ રિઝવી આનો જવાબ હકારમાં આપે છે.

"જો આવું કંઈ થવાનું હોય, પડોશી જિલ્લાઓમાં પણ હોય, તો અમને સામાન્ય રીતે અગાઉથી જાણ કરવામાં આવે છે. પરંતુ અહીં જાણ નહોતી કરાઈ."

તેમણે કહ્યું કે 2 જુલાઈના રોજ મોડેથી અધિકારીઓએ તેમને બોલાવ્યા હતા.

તેમણે કહ્યું, “અમને કહેવામાં આવ્યું કે 15 મૃતદેહો અમારા શબઘરમાં મોકલવામાં આવશે. અમને તેની તૈયારી કરવાનું કહેવામાં આવ્યું હતું,”

હાથરસ દુર્ઘટના, નાસભાગ, ઉત્તર પ્રદેશ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, પ્રો. વસીમ રિઝવી

તો, વાસ્તવમાં આ મેળાવડા વિશે કોણ જાણતું હતું?

ડૉ. ઝાએ અમને જણાવ્યું કે તેઓ પણ નાસભાગ થઈ ત્યાં સુધી આ ઘટના વિશે જાણતા ન હતા.

ઝાએ કહ્યું, "ફક્ત હાથરસના ચીફ મેડિકલ ઓફિસર (સીએમઓ) પાસે માહિતી હતી કે મેળાવડાના દિવસે ઍમ્બ્યુલન્સ આપવાની હતી અને તેમણે તેમ કર્યું."

તેમણે તરત સ્પષ્ટતા કરી, “પરંતુ આ ટીમ પણ ભાગદોડ માટે ત્યાં ન હતી. કાર્યક્રમમાં કોઈ ઘાયલ થાય કે બીમાર પડે તો તેની સારવાર માટે ટીમ ત્યાં હતી. ભવિષ્યમાં આટલી ભીડ ક્યાંક એકઠી થવાની હોય તો અમે સુનિશ્ચિત કરીશું કે વિભાગ અને આજુબાજુનાં તબીબી કેન્દ્રોને તેની જાણકારી હોય.”

અન્ય હૉસ્પિટલોને શા માટે જાણ કરવામાં આવી ન હતી તે સમજવા માટે અમે જ્યારે હાથરસના સીએમઓ ડૉ. મનજીત સિંહ પાસે ગયા, ત્યારે તેમણે અમારા પ્રશ્નોનો જવાબ આપવાનું ટાળ્યું અને જતા રહ્યા.

તાજેતરમાં યુપીના પ્રશાસને જણાવ્યું કે તેણે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોટોકોલ (એસઓપી) બનાવવાનું કામ શરૂ કર્યું છે જે આવા મોટા મેળાવડાને નિયંત્રિત કરશે.

ચાર જિલ્લાના આ વિભાગમાં સરકાર દ્વારા સંચાલિત આરોગ્ય સુવિધાઓમાં 2500થી વધુ પથારીઓ છે. જો કે, જ્યારે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારની વાત આવે ત્યારે વસ્તીની તુલનામાં યુપીમાં એકંદરે જાહેર સુવિધાઓ (જેમ કે CHC અને અન્ય કેન્દ્રો) માં 45 ટકાથી વધુ ઘટ પડે છે. આ માહિતી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા ગ્રામીણ આરોગ્યના આંકડા (2021-22) ની નવીનતમ આવૃત્તિ અનુસાર છે.

ડૉક્ટરોની અછત

હાથરસ દુર્ઘટના, નાસભાગ, ઉત્તર પ્રદેશ, બીબીસી ગુજરાતી

ડૉ ઝાએ ઉમેર્યું કે, “ડૉક્ટરોની અછત છે. અમારાં કેટલાંક આરોગ્યકેન્દ્રો માત્ર બે ડૉક્ટરોથી ચાલી રહ્યાં છે. અમે નસીબદાર હતા કે સિકંદરારાવમાં 5-6 ડૉક્ટરો હતા. સરકાર ખાલી જગ્યાઓ ભરવાનો પ્રયાસ કરી રહી છે.”

ઈજાગ્રસ્ત દર્દીઓએ જણાવ્યું કે તેઓ આ અપૂરતી સુવિધાનો ભોગ બની રહ્યા છે.

હાથરસ જિલ્લા હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલી શિખા કુમારીએ જણાવ્યું કે નાસભાગ બાદ તેઓ બેભાન થઈ ગઈ ગયાં હતાં. તેમણે કહ્યું, "હું ભાનમાં આવી તો જોયું કે સિકંદરારાવના કેન્દ્રમાં પડી હતી અને કોઈ દેખભાળ કરતું ન હતું. કોઈક રીતે મેં મારા ભાઈ સાથે ફોન પર વાત કરી.”

તેનો ભાઈ સુનીલ પણ અહીં અપાતી સારવારની ગુણવત્તાથી નારાજ છે.

તેઓ કહે છે,“જ્યારે ઊંચા અવાજે બોલીએ ત્યારે ડૉક્ટરો આવે છે, નહીંતર કોઈ નથી આવતું. બીજા દિવસે જ્યારે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ અહીં આવવાના હતા ત્યારે તેમણે બધું તૈયાર કર્યું હતું. તેઓ ગયા એટલે તરત વીજકાપ શરૂ થઈ ગયો. રાત્રે ઘણીવાર ડૉકટરો ખાનગી સુરક્ષા ગાર્ડને અમારું બ્લડ પ્રેશર તપાસવા કહે છે. અમે બહુ જલદી આ જગ્યા છોડી દઈશું,” તેમ તેઓ કહે છે.

દર્દીઓના પરિજનોના જણાવ્યા પ્રમાણે જો તેમને સારી સારવાર આપવી હોય તો ખાનગી હૉસ્પિટલોમાં જવું પડશે અને તેને માટે મોટો ખર્ચો થશે અને ઉછીના રૂપિયા લેવા પડશે.

ટ્રાફિક જામને કારણે દર્દીઓ મોડા પહોંચ્યા?

2 જુલાઈના રોજ નાસભાગની જગ્યા અને જ્યાં દર્દીઓને સારવાર આપવામાં આવતી હતી તે સરકારી હૉસ્પિટલો વચ્ચેનું અંતર પણ વધી ગયું કારણ કે ભારે ટ્રાફિક સર્જાયો હતો.

અલીગઢની પંડિત દીન દયાલ ઉપાધ્યાય કમ્બાઇન્ડ હૉસ્પિટલના ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. એમ. કે. માથુરે જણાવ્યું કે, "અમને જાણવા મળ્યું કે ટ્રાફિક જામના કારણે દર્દીઓ અમારી પાસે સામાન્ય કરતાં મોડા પહોંચી શક્યા."

જો કે, આવી હૉસ્પિટલો અને ઘટનાસ્થળ વચ્ચે અમે ઘણા ખાનગી દવાખાનાં અને ખાનગી હૉસ્પિટલો પણ જોઈ. અમને જાણવા મળ્યું કે સરકારી દવાખાનાં આખા ઉભરાઈ ગયાં હતાં છતાં લોકોને ત્યાં જ લઈ જવાતા હતા, જેમ કે સિકંદરારાવના કિસ્સામાં બન્યું.

એક ઍમ્બ્યુલન્સ ડ્રાઇવરે નામ ન આપવાની શરતે કહ્યું કે, “જ્યાં સુધી દર્દી જણાવે નહીં ત્યાં સુધી અમે ખાનગી હૉસ્પિટલોમાં જતા નથી. અમે સામાન્ય રીતે સરકારી દવાખાને વાહન લઈ જઈએ છીએ.”

અમે ડૉ. ઝાને પૂછ્યું કે જ્યારે જીવન બચાવવાની વાત હોય ત્યારે દર્દીઓને ખાનગી હૉસ્પિટલોમાં કેમ નથી લઈ જવાતા જ્યારે તે નજીક પણ હોય અને દર્દીઓને લઈ શકે તેમ પણ હોય?

તેઓ કહે છે, "તમે સાચા છો. આ કિસ્સામાં અમે કોઈને ખાનગી હૉસ્પિટલોમાં લઈ ગયા નથી જે કદાચ નજીક પણ હશે. પરંતુ ભવિષ્યમાં આવું કરવું પડે તો કોઈ વાંધો નથી."

તેમણે કહ્યું કે તેઓ આ ઘટનામાંથી ઘણા પાઠ શીખ્યા છે અને તેનો અમલ કરવામાં આવશે.

સાંજ પડી ગઈ છે. સૂર્યાસ્ત થવાની તૈયારીમાં છે.

તે જ જીટી રોડ પર ઘટનાસ્થળથી લગભગ 30 કિમી દૂર જશરથપુર ખાતે અમને અન્ય સરકારી ટ્રૉમા સેન્ટર તરફ જોવા મળે છે. તે કંઈક અંશે નાનું હોવા છતાં સિકંદરારાવના સેન્ટર જેવું જ છે.

અંદર કોઈ ડૉક્ટર હાજર નહોતા. નર્સિંગ સ્ટાફના માત્ર બે સભ્યો હાજર હતા.

અત્યારે કંઈક થયું અને ડૉક્ટરની જરૂર પડી તો શું થશે, મેં પૂછ્યું.

લાંબા વિરામ પછી તેમાંથી એકે કહ્યું, "અમે ફોન કરીશું અને ડૉક્ટર તેમના ઘરેથી આવશે. જોકે થોડો સમય લાગશે.”

(પૂરક માહિતી ધર્મેન્દ્રસિંહ દ્વારા)