ગુજરાત હાઈકોર્ટે હરણી દુર્ઘટના મુદ્દે તપાસ રિપોર્ટની ઝાટકણી કાઢતાં શું કહ્યું?

વડોદરા હરણી બોટ દુર્ઘટના

ઇમેજ સ્રોત, PAWAN JAISWAL/BBC

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

“મોટી માછલીઓને બચાવવા સરકારીબાબુઓ રિપોર્ટ બનાવીને કોર્ટને ગેરમાર્ગે દોરે એની સામે કોર્ટ કડક થઈ એનો અમને આનંદ છે, છ મહિનાથી અમે ન્યાય માટે તરસીએ છીએ, અમને સરકાર પાસેથી આ અપેક્ષા નહોતી.”

ગત જાન્યુઆરી માસમાં વડોદરાના હરણી તળાવમાં બોટ પલટાતાં એક ખાનગી શાળાનાં બે શિક્ષિકા સહિત જે 12 માસૂમોનાં મૃત્યુ થયાં હતાં, તેમાંથી મુઆવિયા પણ એક હતા.

તેમના પિતા મોહમ્મદ શેખ આ મામલામાં ગુજરાત સરકારના વલણ સામે સવાલ ઉઠાવતાં ઉપરોક્ત વાત કરે છે.

તેઓ ન્યાયતંત્રમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કરતાં કહે છે કે, “કોર્ટે તપાસ સમિતિનો રિપોર્ટ ફગાવી દીધો, તેથી લાગે છે કે હવે ન્યાય મળશે.”

નોંધનીય છે કે ગત બુધવારે ગુજરાત હાઈકોર્ટે આ મામલે રાજ્ય સરકારે રચેલી તપાસ સમિતિના રિપોર્ટને ‘ગેરમાર્ગે દોરનાર’ ગણાવી તેને ‘તાત્કાલિક પરત ખેંચવા’ની ટકોર કરી હતી.

હાઈકોર્ટે આ મામલાની સુઓમોટો સુનાવણીમાં તપાસસમિતિના રિપોર્ટ મામલે ‘કડક વલણ’ અખત્યાર કર્યું હતું.

આ કેસમાં અત્યાર સુધી હરણી મોટનાથ તળાવની સ્વચ્છતા, સુંદરતાની જાળવણી અને તળાવને સાંસ્કૃતિક – મનોરંજન હેતુથી વિકસાવવા બાબતનો કૉન્ટ્રેક્ટ મેળવનાર કોટિયા પ્રોજેક્ટના સંચાલકો અને તળાવમાં બોટિંગ પ્રવૃત્તિ ચલાવનારા પેટાકૉન્ટ્રેક્ટરો તેમજ બોટચાલકો સહિત કુલ 20 લોકોની ધરપકડ થઈ ચૂકી છે.

બીબીસી ગુજરાતી

‘છ લાખ રૂપિયાની સહાયથી અમારાં બાળકો પરત નહીં આવે’

વડોદરા હરણી દુર્ઘટના, બીબીસી ગુજરાતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં રહેતા મોહમ્મદ શેખે ટેલિફોનિક વાતચીતમાં હરણી બોટ દુર્ઘટનાના એ દિવસને ‘ભૂલી ન શકાય એવો’ ગણાવ્યો હતો.

તેઓ કહે છે કે, “હજી એ દુર્ઘટનાનાં દૃશ્યો જાણે મારી આંખ સામે તરવરે છે. હું એને ભૂલી નથી શકતો. મારો દીકરો મુઆવિયા શાળા તરફથી પિકનિક પર જવાનો હતો, એટલે અમે એને નવું ટીશર્ટ અને બ્લૅક પૅન્ટ લઈ આપ્યાં હતાં. સાંજે મારી પત્નીનો ફોન આવ્યો કે છોકરા પિકનિકથી પરત નથી આવ્યા અને કંઈક અજુગતું થયું છે.”

“અમે તપાસ કર્યા બાદ દીકરાને શોધવા હૉસ્પિટલ પહોંચ્યા. ત્યાં મને તેનો મૃતદેહ મળ્યો.”

દીકરાનો મૃતદેહ ઓળખતા સમયનું દુ:ખદ દૃશ્ય જાણે તેમના મગજમાં છપાઈ ગયું હોય એમ તેઓ કહે છે કે, “એનો મૃતદેહ મળ્યો ત્યારે મેં જોયું કે તેણે બ્લૅક પૅન્ટ અને સ્કૂલ યુનિફૉર્મનો શર્ટ પહેર્યો હતો, ટીશર્ટ નહોતું. એનાં કપડાં બદલાયેલાં હતાં.”

તેઓ હૉસ્પિટલમાં થયેલા અનુભવને ટાંકીને કહે છે કે, “એ સમયથી જ અમને શંકા જતી હતી કે આ મામલે કંઈક ખોટું થશે. જોકે, એ વખતે નેતાઓ કહી રહ્યા હતા કે જવાબદારો સામે કાર્યવાહી કરાશે અને જવાબદારો પર કાર્યવાહીની વાતો થઈ રહી હતી. ઉપરાંત આ મામલામાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી) થતાં લાગી રહ્યું હતું કે ન્યાય મળશે. પરંતુ હવે છ મહિના થતાં લોકો હરણી દુર્ઘટનાને ભૂલી રહ્યા છે. સરકારે હાઈકોર્ટમાં જેવો રિપોર્ટ આપ્યો એના પરથી આ આશંકા મજબૂત થઈ હતી.”

મોહમ્મદ આગળ કહે છે કે, “જોકે, હાઈકોર્ટે આ રિપોર્ટ મંજૂર ન રાખી તેની ઝાટકણી કાઢતાં અમને હવે ન્યાયની આશા ફરી બંધાઈ છે, છ લાખ રૂપિયાની સરકારી સહાયથી અમારાં બાળકો પાછાં નહીં આવે.”

રિપોર્ટમાં શું હતું અને હાઈકોર્ટે ઝાટકણી કાઢતાં શું કહ્યું?

વડોદરા હરણી દુર્ઘટના, બીબીસી ગુજરાતી

ગુજરાત હાઈકોર્ટના ઍડ્વોકેટ ઍસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ કોર્ટે આ કેસના રિપોર્ટની અમુક વિગતો અને તે મામલે હાઈકોર્ટની ટિપ્પણીઓ અંગે વાત કરતાં કહ્યું:

“કોર્ટે કહ્યું છે કે રિપોર્ટ વાંચીને ઘટનાની તમામ જવાબદારી ટેકનિકલ અધિકારીઓ પર નાખવાનો પ્રયાસ કરાયો છે. આમાં મ્યુનિસિપલ કમિશનરની કોઈ ભૂલ ન હોય એ માની ન શકાય. તેઓ નાનાં બાળક કે નવશિખાઉ નથી.”

બ્રિજેશ ત્રિવેદીના જણાવ્યા મુજબ હાઈકોર્ટે રિપોર્ટને વખોડતાં કહ્યું હતું કે, “આમાં નાના માણસોને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. આ બાબત વાર્તા જેવી છે, જે ગળે ઊતરતી નથી.”

ગુજરાત હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલે સુનાવણી દરમિયાન આગળ કહ્યું હતું કે, “કોર્ટ કોઈની વિરોધી નથી, પરંતુ રિપોર્ટ ગેરમાર્ગે દોરનારો ન હોવો જોઈએ. રિપોર્ટ પરત ખેંચી, નવો રિપોર્ટ રજૂ કરવામાં આવે, જો એવું નહીં થાય તો કોર્ટ હજુ વધુ કડક વલણ અપનાવશે.”

નોંધનીય છે કે કોર્ટની આકરી ટીકા બાદ ઍડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રિપોર્ટ પરત ખેંચી લીધો છે. આ મામલાની વધુ સુનાવણી 12 જુલાઈએ રાખવામાં આવી છે.

સમગ્ર મામલે પ્રતિક્રિયા આપવા માટે ઍડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદીનો સંપર્ક સાધતાં તેમણે આ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.

હરણી બોટ દુર્ઘટના મામલે અત્યાર સુધી શું શું થયું?

વડોદરા હરણી દુર્ઘટના, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઘટના બાદ 18 લોકો સામે ઇન્ડિયન પીનલ કોડ (આઇપીસી)ની કલમ 308, 304, 337, 338 અને 112 અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો.

ઉપરાંત ઘટનાની તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી હતી. આ મામલે અત્યાર સુધી 20 લોકોની ધરપકડ કરાઈ હતી.

દુર્ઘટના બાદ કેન્દ્ર સરકારે મૃત્યુ પામનારના પરિવારજનોને બે લાખ રૂપિયા જ્યારે ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. તેમજ ગુજરાત સરકારે મૃતકોના પરિવારજનો માટે ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.

પોલીસે દાખલ કરેલી એફઆઇઆરમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો કે, “હરણી લૅકઝોનમાં કોટિયા કંપની દ્વારા યોગ્ય મેન્ટનન્સ, સેફટીનાં સાધનો, લાઇફ જૅકેટનો અભાવ, સુરક્ષાનાં સાધનો - રિંગ દોરડાનો અભાવ, ચેતવણી માટેના બોર્ડ નહીં લગાવવાની ગુનાહિત બેદરકારી અને બોટની ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડવાને કારણે 14 લોકોનાં મૃત્યુ થયાં હતાં.”

બાદમાં ગુજરાત હાઈકોર્ટે પણ આ મામલે સુઓમોટો સંજ્ઞાન લઈને નજર રાખી હતી. તેમજ આની સુનાવણી દરમિયાન પોલીસનો પ્રથમ અહેવાલ, એફએસએલ રિપોર્ટ અને એસઆઇટીના રિપોર્ટની ચકાસણી કરી હતી.

ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે ગત એપ્રિલ માસના અંતમાં આ કેસમાં કોટિયા કંપનીને કૉન્ટ્રેક્ટ કેવી રીતે અપાયો? આની પાછળ જવાબદાર અધિકારી, કૉન્ટ્રેક્ટની નિયમ પ્રમાણે અપાયો છે કે કેમ? એ તમામ સવાલોનો જવાબ આપતો વિસ્તૃત અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

ઉપરાંત તાજેતરમાં થયેલી સુનાવણીમાં જ્યારે વડોદરા મ્યુનિસપલ કૉર્પોરેશનના વકીલે કોર્ટને કોટિયા પ્રોજેક્ટને કૉન્ટ્રેક્ટ આપવાનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીનો હોવાની વાત કરી ત્યારે હાઈકોર્ટે કડક વલણ અખત્યાર કરતાં કહ્યું હતું કે, “સ્ટેન્ડિંગ કમિટીને તમે ઢાળ ન બનાવી શકો.”

આ સમગ્ર મામલે જ્યારે બીબીસી ગુજરાતીએ ગુજરાત સરકારના મંત્રી કુંબર ડિંડોરને સંપર્ક સાધ્યો તો તેમણે આ મામલો ન્યાયાધીન હોઈ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.