ત્રણ ફોજદારી કાયદાઓને જાણકારો કેમ ગણાવી રહ્યા છે ‘કાયદાકીય ગૂંચવણ’?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બીબીસી માટે
ભારતીય જનતા પાર્ટીનું શાસન નથી તેવાં ત્રણ રાજ્યો, વકીલો અને નાગરિક સમાજ દ્વારા કેટલીક જોગવાઈઓની અસરકારકતા બાબતે ઉઠાવવામાં આવેલા અનેક સવાલો વચ્ચે ત્રણ નવા ફોજદારી કાયદાનો અમલ આજથી શરૂ થઈ ગયો છે.
ઇન્ડિયન પીનલ કોડ (આઈપીસી) – 1860નું સ્થાન ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) – 2023એ, ક્રિમિનલ પ્રોસિજર કોડ (સીઆરપીસી) – 1973નું સ્થાન ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ) – 2023એ અને ઈન્ડિયન ઍવિડન્સ ઍક્ટ (આઈઈએ) – 1872નું સ્થાન ભારતીય સાક્ષ્ય અધિનિયમ (બીએસએ) – 2023એ લીધું છે.
નવા કાયદા પહેલી જુલાઈ, 2024થી આચરવામાં આવતા ગુનાઓને લાગુ પડશે. 30 જુન, 2024 સુધી આચરવામાં આવેલા ગુનાઓ સંદર્ભે પોલીસ તપાસ અને અદાલતનું કામકાજ જૂના કાયદાઓ મુજબ ચાલુ રહેશે. ટૂંકમાં બંને કાયદા એકસાથે કામ કરતા રહેશે.
આ કાયદાઓને આપવામાં આવેલા નવાં બિન-અંગ્રેજી નામોથી વાંધાની શરૂઆત થઈ છે. દક્ષિણના બે રાજ્યો કર્ણાટક અને તામિલનાડુએ તેની સામે વાંધો લીધો છે, કારણ કે તેમનું માનવું છે કે તે ભારતીય બંધારણની કલમ ક્રમાંક 348નું ઉલ્લંઘન કરે છે. એ કલમ મુજબ, કાયદા અંગ્રેજીમાં હોવા ફરજિયાત છે.
તામિલનાડુ અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાનો એમ કે સ્ટાલિન તથા મમતા બેનર્જીની નવા કાયદાના આજથી અમલીકરણને મુલતવી રાખવાની વિનંતીઓ સહિતના સંખ્યાબંધ વાંધાઓને કેન્દ્ર સરકારે કાને ધર્યા નથી અથવા અવગણના કરી છે.
દેશમાં ફોજદારી ન્યાય પ્રણાલી નિર્ધારિત કરનાર નવા ત્રણ કાયદાના અભ્યાસ માટે ઔપચારિક રીતે નિષ્ણાતોની સમિતિની રચના કરી હોય તેવાં રાજ્યોમાં કર્ણાટકનો સમાવેશ થાય છે. કાયદા પ્રધાન એચ કે પાટિલના વડપણ હેઠળની આ સમિતિએ પોતાનો અહેવાલ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને ગયા વર્ષે સોંપ્યો હતો. અમિત શાહે આ કાયદાઓ બાબતે રાજ્ય સરકારના વિચાર અને સૂચનો માંગ્યા હતાં.
બીબીસી સાથે વાત કરતાં પાટિલે કહ્યું હતું, “કેન્દ્ર સરકારે અમારા સૂચનોનો પ્રતિભાવ સુદ્ધાં આપ્યો નથી.”
નવા કાયદાનો હેતુ સંસ્થાનવાદી કાયદાઓથી છૂટકારો મેળવવાનો હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ સમિતિએ નવા કાયદામાંની સામગ્રીને “પ્રતિકાત્મકતા અને તદૃર્થવાદ”નું પ્રતિબિંબ ગણાવી હતી. ડીએમકેના પ્રવક્તા અને એડવોકેટ મનુરાજ શણમુગને બીબીસીને કહ્યું હતું, “હાલના રેલવે ટ્રેક અંગ્રેજોએ બનાવ્યા હોવાને કારણે જ તેની બાજુમાં નવા રેલવે ટ્રેક બનાવાય નહીં. નવા કાયદા બીજા કોઈ કરતાં અરજદારોને સૌથી વધુ અસર કરે છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નવા કાયદાઓ સામે કેટલા વાંધા?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતીય ન્યાય સંહિતામાં રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અપમાનને અપરાધ ગણવામાં આવ્યો નથી.
પાટિલે કહ્યું હતું, “આત્મહત્યાને અપરાધ ગણવામાં આવી છે, જ્યારે મહાત્મા ગાંધીએ જે સત્યાગ્રહ આંદોલન વડે આપણા દેશને આઝાદી અપાવી હતી તેમાં ચાવીરૂપ ઉપવાસને અપરાધ બનાવવામાં આવ્યો છે, તે દુર્ભાગ્યપૂર્ણ છે.”
કાયદા પંચે વર્ષ 2000માં ભલામણ કરી હતી કે પુરુષ પીડિતોને રક્ષણ મળે એટલા માટે દેશમાં બળાત્કારના કાયદાઓને લિંગ તટસ્થ બનાવવા જોઈએ, પરંતુ નવા કાયદામાં પુરુષ વયસ્કો પર જાતીય હુમલા બાબતે કોઈ જોગવાઈ કરવામાં ન આવી હોવા બાબતે નિષ્ણાતોની સમિતિએ ધ્યાન દોર્યું છે.
સમિતિએ સૂચવ્યું હતું કે મૃત શરીર પર બળાત્કાર (નેક્રોફિલિયા)ને ગુનો ગણવો જોઈએ અને તેના માટે સજાની જોગવાઈ કરવી જોઈએ. નવા કાયદામાં સાયબર ક્રાઈમ, હેકિંગ, આર્થિક ગુનાઓ, કરન્સીનો સંગ્રહ, ટૅક્સ હેવન ગણાતા દેશોમાં પૈસા જમા કરાવવા, ડિજિટલ સાબોટાજ વગેરે જેવા ગુનાઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
તામિલનાડુના મુખ્યપ્રધાન સ્ટાલિને લખેલા પત્રમાં નવા કાયદામાંની “મૂળભૂત ભૂલો” દર્શાવી છે. “દાખલા તરીકે, ભારતીય ન્યાય સંહિતાની કલમ 103માં હત્યા સંબંધે બે અલગ-અલગ વર્ગો માટે પેટાકલમો છે, પરંતુ સજા સમાન છે. બીએનએસ અને બીએનએસએસમાંની કેટલીક જોગવાઈ, અસ્પષ્ટ અથવા વિરોધાભાસી છે.”
કર્ણાટકની નિષ્ણાત સમિતિએ સીઆરપીસીને બીએનએસએસ નામ આપવા સામે વાંધો ઉઠાવ્યો છે. તેને આ નામકરણ “ભ્રામક” ગણાવ્યું છે, કારણ કે ક્રિમિનલ પ્રોસિજર કોડમાં ગુનાની તપાસ, પૂછપરછ અને સુનાવણીની પ્રક્રિયા માટેના કાયદાઓ છે, પરંતુ તેનું નામ એવું જણાવે છે કે તેનો હેતુ નાગરિકોનું રક્ષણ કરવાનો છે.
પોલીસને વધુ સત્તા આપવા સંબંધે સવાલ

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, સમિતિ અને વકીલોએ મુખ્ય વાંધો નવા કાયદા દ્વારા પોલીસને આપવામાં આવેલી “અભૂતપૂર્વ” સત્તા સામેનો છે.
એફઆઈઆર નોંધતા પહેલાં પ્રથમ દૃષ્ટિએ કેસ બને છે કે કેમ એ જાણવા પ્રાથમિક તપાસ કરવા માટે પોલીસને બીએનએસએસમાં 14 દિવસનો સમય આપવામાં આવ્યો છે. તે લલિતા કુમારી વિરુદ્ધ ઉત્તર પ્રદેશના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાથી તદ્દન વિપરીત છે. ફરિયાદ નોંધી શકાય તેવો ગુનો જાહેર થયા પછી એફઆઈઆર નોંધવાનું સુપ્રીમ કોર્ટે ફરજિયાત બનાવ્યું હતું.
માનવાધિકાર વકીલો માટે ચિંતાજનક પાસું એક અન્ય જોગવાઈ છે, જેમાં હેડ કોન્સ્ટેબલને “આતંકવાદ” બદલ કોઈની પણ ધરપકડ કરવાની અને કેસ ચલાવવાની સત્તા આપવામાં આવી છે.
કર્ણાટકના ભૂતપૂર્વ સરકારી વકીલ બી. ટી. વેંકટેશે બીબીસીને કહ્યું હતું, “કોઈ વ્યક્તિનો ગુનો ઈ-મેલ મોકલવા કે કોઈ વાતની ચર્ચા કરવા અથવા આરોપી સાથે ચી પીવા જેટલો સરળ હોઈ શકે છે. સાંઠગાંઠની જોગવાઈ દ્વારા કોઈને પણ આરોપી બનાવી શકાય છે.”
વેંકટેશે ઉમેર્યું હતું, “બીજો હિસ્સો પ્રક્રિયાગત પાસું છે. પોલીસ પાસે કોઈને પણ કસ્ટડીમાં લેવાની અને તેને 90 દિવસ સુધી કસ્ટડીમાં રાખવાની સત્તા છે. આવી જોગવાઈથી એવું થશે કે સિટીઝનશિપ એમેન્ડમેન્ટ ઍક્ટ (સીએએ) જેવા વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનાર કોઈ પણ વ્યક્તિ પર આતંકના કૃત્યમાં અને તેથી રાષ્ટ્રવિરોધી કૃત્યમાં સામેલ થવાનો આરોપ મૂકી શકાય છે. ભારતની એકતા અને અખંડિતતા વિરુદ્ધ બોલનાર કોઈપણ વ્યક્તિને આતંકવાદના આરોપસર પકડી શકાય છે. બીએનએસની કલમ 152 હેઠળ રાજદ્રોહનો વ્યાપ વિસ્તારવામાં આવ્યો છે.”
તેમણે એમ પણ કહ્યું હતું, “કેટલાક કાયદાઓ ફરીથી બનાવવામાં આવ્યા છે, કેટલાકને એક વિભાગ હેઠળ જૂથબદ્ધ કરવામાં આવ્યા છે, પરંતુ જે કલમો ઉમેરવામાં આવી છે, જે બંધારણને સુસંગત નથી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યને સુસંગત પણ નથી.”
રાજદ્રોહના કેસ લડી ચૂકેલા વેંકટેશે ઉમેર્યું હતું કે નિષ્ણાતોની સમિતિના જણાવ્યા મુજબ, બીએનએસએસ “એવી છાપ પાડે છે કે તે નાગરિકોની સુરક્ષા માટે છે, પરંતુ હકીકતમાં તે ગુનાની તપાસ, પૂછપરછ અને ટ્રાયલની પ્રક્રિયા સંબંધી છે. ટૂંકમાં, કોઈ પણ પ્રકારની અસંમતિને નવા કાયદા દ્વારા દબાવી શકાય છે.”
રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ

ઇમેજ સ્રોત, Getty Images
કર્ણાટક, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળે નવા ફોજદારી કાયદાઓની જોગવાઈઓ સામે વાંધા ઉઠાવ્યા હોવા છતાં બિન-ભાજપી રાજ્ય સરકારો આ કાયદાના અમલીકરણ સંબંધી મુદ્દાઓ સાથે કામ પાર પાડવા સાથે મળીને પ્રયાસ કરતી હોય તેવું લાગતું નથી.
નવા ફોજદારી કાયદાઓ સામે સંયુક્ત મોરચો ઊભો કરવા દક્ષિણના રાજ્યો કે બિન-ભાજપી રાજ્યોના કાયદા પ્રધાનોની બેઠક યોજી શકાઈ હોત, એ વાત સાથે અનેક રાજકારણીઓ પોતાની ઓળખ જાહેર નહીં કરવાની શરતે સંમત થયા હતા, “પરંતુ બધા લોકસભાની ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત હતા,” એવું કર્ણાટકના એક ભૂતપૂર્વ પ્રધાને પોતાનું નામ ન આપવાની શરતે બીબીસીને કહ્યું હતું.
નવા કાયદાના અમલીકરણ માટે શૈક્ષણિક સંસ્થાઓ સાથે ચર્ચા કરવી તથા લૉ-કૉલેજના વિદ્યાર્થીઓ માટેના અભ્યાસક્રમમાં સુધારો કરવો જરૂરી છે અને એ માટે પૂરતો સમય જરૂરી છે, એવા સ્ટાલિનના દૃષ્ટિકોણ સાથે કૉંંગ્રેસના એક અન્ય નેતા સહમત થયા હતા.
સ્ટાલિને તેમના પત્રમાં જણાવ્યું હતું કે “ન્યાયતંત્ર, પોલીસ, જેલ, પ્રોસિક્યુશન અને ફૉરેન્સિક જેવા હિતધારક વિભાગોમાં ક્ષમતા નિર્માણ તથા અન્ય તકનીકી જરૂરિયાત માટે પૂરતા સંસાધનો તેમજ સમયની જરૂર છે. નવા નિયમો ઘડવા અને વર્તમાન સ્વરૂપો તથા સંચાલન પ્રક્રિયામાં સુધારો કરવા હિતાવહ છે, પરંતુ હિતધારક વિભાગો સાથે ઉતાવળે પરામર્શ કરી શકાય નહીં.”
“આ ફેરફારો સામે લડવા માટેની રાજકીય ઇચ્છાશક્તિનો આપણા બધામાં અભાવ છે,” એમ જણાવતાં આ નેતાએ ઉમેર્યું હતું, “આપણે એક મોટા કાયદાકીય ગૂંચવાડામાં સપડાવા તરફ જઈ રહ્યા છીએ.”
દરમિયાન, કોલકાતામાં બાર કાઉન્સિલે સોમવારે નવા કાયદાઓનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે.












