બાઇડન રાષ્ટ્રપતિની દોડમાંથી હઠી જાય તો શું ભારતીય મૂળનાં કમલા હૅરિસને મળશે મોકો?

ઇમેજ સ્રોત, EPA-EFE/REX/SHUTTERSTOCK/ REUTERS
- લેેખક, હૉલી હૉન્ડેરિક
- પદ, બીબીસી ન્યૂઝ વૉશિંગ્ટન
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને પાટા પરથી ઊતરી રહેલી પોતાની ચૂંટણીપ્રચારની ગાડીમાં ફરીથી પ્રાણ ફૂંકવાની કોશિશ કરી છે. તેમણે 8 જુલાઈએ કૉંગ્રેસના ડૅમોક્રેટ નેતાઓને ચિઠ્ઠી લખીને કહ્યું છે કે તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણી બીજીવાર લડવા માટે પ્રતિબદ્ધ છે.
પરંતુ એ પહેલાં ડૅમોક્રેટિક પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓ એ વાત પર વિચાર-વિમર્શ કરી રહ્યા છે કે શું બાઇડનને રાષ્ટ્રપતિપદની દોડમાંથી હઠાવી દેવા જોઈએ.
ગત અઠવાડિયે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની ટીવી ડિબેટ દરમિયાન જો બાઇડનના પ્રદર્શનને કારણે ગંભીર સવાલો ઊભા થયા છે. આ સવાલ રાષ્ટ્રપતિપદની ઉમેદવારી માટે તેમની તબિયત અને માનસિક સ્થિતિ સાથે જોડાયેલા છે.
પરંતુ ગત શુક્રવારે એબીસી ચેનલ પર દેખાડવામાં આવેલા ઇન્ટરવ્યૂ પછી તો તેમની દાવેદારી પર અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે. અનિશ્ચિતતાઓ વચ્ચે મહત્ત્વના રાજ્ય પેન્સિલવેનિયામાં ગત અઠવાડિયે સભાઓ કરી છે.
પરંતુ બાઇડનના પ્રયાસો તેમના પક્ષના વરિષ્ઠ નેતાઓને ગમી નથી રહ્યા. પક્ષમાં એ વાતની ચર્ચા ચાલી છે કે 81 વર્ષીય બાઇડનને ઉમેદવાર બનાવવામાં કે હઠાવી દેવામાં કેટલો નફો કે નુકસાન છે.

આ ચર્ચાનો મતલબ શું છે અને જો બાઇડનને હઠી જવા માટે મજબૂર કરવામાં આવે તો તેમના બદલે અવસર કોને મળશે?
જે નામોની ચર્ચા થઈ રહી છે તેમાં મોટું નામ અમેરિકાનાં ઉપ રાષ્ટ્રપતિ કમલા હૅરિસનું પણ નામ છે. કમલા હૅરિસના પક્ષમાં તેમનો પ્રશાસનિક અનુભવ તથા વૉશિંગ્ટનના રાજકારણમાં તેમનો પ્રભાવ- આ બે મુખ્ય પરિબળો સામેલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૅમોક્રેટ નેતા ટિમ રાયને એ વાતનો સંકેત આપ્યો છે કે બાઇડનને હઠાવીને કોણ સામે આવશે. ટિમ રાયને પણ ઉપ રાષ્ટ્રપતિ કમલા હૅરિસનું નામ લીધું.
ન્યૂઝવીકમાં છપાયેલા એક સંપાદકીય લેખમાં ટિમ રાયને લખ્યું છે કે કમલા હૅરિસને ચૂંટવા એ જ સાચો રસ્તો છે ને તેમના વિરોધ કરનારા હકીકતથી અજાણ છે.
નવી શરૂઆતના પક્ષધર

ઇમેજ સ્રોત, EPA-EFE/REX/SHUTTERSTOCK
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગત રવિવારે 7મી જુલાઈના રોજ ડેમોક્રેટિક પાર્ટીના નેતા હકીમ જેફરીઝે ડેમોક્રેટિક પાર્ટીના પ્રતિનિધિઓ સાથે એક મીટિંગ કરી હતી. જેમાં બાઇડનની ઉમેદવારી અંગે પણ ચર્ચા થઈ હતી.
સીબીએસ ચેનલ પ્રમાણે એ મીટિંગમાં ઉપસ્થિત ચાર નેતાઓએ કહ્યું છે કે બાઇડને દોડમાંથી હઠી જવું જોઈએ. સૂત્રો પ્રમાણે ઓછામાં ઓછા ત્રણ નેતાઓએ આ વર્ષે નવેમ્બરમાં થનારી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં બાઇડનની જીતની આશા પર સંશય વ્યક્ત કર્યો છે.
આ સિવાય અનેક ટોચના ડેમોક્રેટ નેતાઓએ ટીવી ચેનલો પર આ વિવાદ અંગે પોતાની વાત મૂકી છે.
ડેમોક્રેટ પાર્ટી માટે ફક્ત એક જ પ્રશ્ન છે - બાઇડનને ઉમેદવાર તરીકે રાખવા કે તેમને રેસમાંથી દૂર કરવા, કયો વિકલ્પ વધુ જોખમી છે?
ટીવી ડિબેટ દરમિયાન તેમના ચિંતાજનક પ્રદર્શન બાદ ડેમોક્રેટ પાર્ટી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીમાંથી બાઇડને હઠાવીને તાત્કાલિક રાહત મળી શકે છે.
રાષ્ટ્રપતિના કેટલાક કટ્ટર સમર્થકો, ડેમોક્રેટ્સ પણ બાઇડનની ઉંમર અને માનસિક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
કૅલિફોર્નિયાના પ્રતિનિધિ એડમ શિફ કહે છે, "આ ચર્ચાએ અમેરિકન લોકો સમક્ષ એ પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું રાષ્ટ્રપતિ જો બાઇડન પાસે ડોનાલ્ડ ટ્રમ્પને હરાવવાની તાકાત છે?"
એનબીસી સાથેની મુલાકાતમાં, એડમ શિફે સીધું કહ્યું ન હતું કે બાઇડેને રેસમાંથી બહાર થઈ જવું જોઈએ, પરંતુ એમ કહ્યું કે પાંચ ડેમોક્રેટ પ્રતિનિધિઓ પહેલેથી જ આ વાત કહી ચૂક્યા છે.
શિફે બાઇડનને ચૂંટણી લડવી જોઈએ કે નહીં તે અંગે યોગ્ય લોકો પાસેથી સલાહ લેવા કહ્યું છે.
એડમ શિફે કહ્યું, "જો બાઇડનનો રેકૉર્ડ અદ્ભુત રહ્યો છે. તેનાથી વિપરીત, ડોનાલ્ડ ટ્રમ્પનો રેકોર્ડ ખૂબ જ ખરાબ છે. આ સંજોગોમાં બાઇડન ટ્રમ્પને ખરાબ રીતે હરાવી દેશે. આ બરાબરીનો મુકાબલો પણ નથી. એકમાત્ર વસ્તુ એ રાષ્ટ્રપતિની ઉંમર છે કે જે આ મુકાબલાને કાંટાની ટક્કર બનાવી શકે છે."
બાઇડનની ઉંમરને લઈને મુદ્દો બની શકે છે?

ઇમેજ સ્રોત, Getty Images
બાઇડન 81 વર્ષના છે અને ટ્રમ્પ 78 વર્ષના છે. બંને ઉમેદવારોની ઉંમર અમેરિકન મતદારોમાં ચર્ચાનો મુદ્દો બની છે.
કેટલાક સર્વેક્ષણોમાં બાઇડન મતદારોનો વિશ્વાસ ગુમાવી રહ્યા હોવાનું જણાય છે. અમેરિકન અખબાર વૉલ સ્ટ્રીટ જર્નલ દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા સર્વે અનુસાર, 86 ટકા ડૅમોક્રેટ કહી રહ્યા છે કે તેઓ બાઇડનની ઉમેદવારીને સમર્થન આપે છે.
ફેબ્રુઆરીમાં 93 ટકા ડૅમોક્રેટ મતદારો બાઇડનની તરફેણમાં હતા.
જો ડેમોક્રેટિક પાર્ટી તેના ઉમેદવારને બદલે છે તો તે ફાયદાકારક પણ બની શકે છે. ડેમોક્રેટ્સ તરફથી આ તાજતરમાં થયેલી ટીકા પહેલાં પણ, બાઇડનને ઘણી નીતિઓ પર મતદારોની ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. તેમાં અમેરિકન અર્થતંત્ર અને દેશના દક્ષિણમાં સ્થળાંતર કટોકટી જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.
ગાઝા પર ઇઝરાયલના હુમલાનો વિરોધ કરનારાઓ પણ રાષ્ટ્રપતિ બાઇડનને છોડી શકે છે. આ લોકોના વિરોધને કારણે રાષ્ટ્રપતિ બાઇડનને મિશિગન જેવા રાજ્યમાં એક લાખ મતોનું નુકસાન વેઠવું પડ્યું હતું.
અમેરિકી રાજ્ય ઓહાયોના પ્રતિનિધિ ટિમ રેયાને રવિવારે ફૉક્સ ન્યૂઝ પર સ્પષ્ટપણે કહ્યું કે, "જો બાઇડન ઉમેદવાર રહેશે, તો તે અમને બધાને લઇને ડૂબશે. મને લાગે છે કે બહુ જલ્દી જ બાઇડન પર ઘણું દબાણ વધવાનું છે."
ઉમેદવાર બદલવાથી કેટલું જોખમ?

ઇમેજ સ્રોત, Reuters
કેટલાક ડૅમોક્રેટ નેતા માને છે કે બાઇડનને હઠાવવામાં જે ફાયદો થશે એ જોખમો કરતાં વધુ સારો નીવડી શકે છે.
રાષ્ટ્રપતિ બાઇડન જો હઠી જાય છે તો સૌથી મોટો સવાલ એ છે કે તેમની જગ્યા કોણ લેશે? અને આ ઉમેદવાર ટ્રમ્પ સામે કેટલો કારગર નીવડશે. હાલના દિવસોમાં બાઇડનના અનેક સહયોગીઓએ કહ્યું છે કે બદલાવના અનેક નુકસાન છે.
વેરમૉન્ટથી ડૅમોક્રેટિક પાર્ટીના 82 વર્ષીય સેનેટર બર્ની સેન્ડર્સ કહે છે કે, "બાઇડન વૃદ્ધ છે. તેઓ એટલા તર્કશીલ નથી જેટલા તેઓ પહેલાં હતા. કાશ તેઓ ઍરફૉર્સ વનની સીડીઓ પર કૂદતાં-કૂદતાં આસાનીથી ચડી ગયા હોત. પરંતુ તેઓ આમ કરી નથી શકતા. આપણે નીતિઓ પર ફોકસ રાખવું જોઈએ. એ વાત પર ફૉક્સ રહેવું જોઈએ કોની નીતિઓ દેશના મોટાભાગનાં લોકોને લાભ પહોંચાડશે?"
ગત સપ્તાહે જ રાષ્ટ્રપતિ અભિયાનમાં જોડાયેલા કૅલિફૉર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસૉમ પણ કંઈક આવું જ કહી રહ્યા છે.
આ રેલી દરમિયાન ન્યૂસૉમે કહ્યું, "રાષ્ટ્રપતિની ઉમેદવારી પર અટકળબાજી, તેમના માટે ફાયદાકારક નથી. વિપક્ષ પણ આવું જ ઇચ્છે છે. તેઓ ઇચ્છે છે કે અંદરખાને કલહ વધે, આ આપણા માટે બિલકુલ ફાયદાકારક નથી."
બાઇડનના સમર્થકો કહી રહ્યા છે કે તેમની જગ્યાએ અન્ય કોઈને પણ ઉમેદવાર બનાવાશે તો તેનો સીધો જ ફાયદો ટ્રમ્પને મળશે.
મિશિગનના ડૅમોક્રેટ નેતા ડેબી ડિંગેલે રવિવારે સીએનએનને જણાવ્યું કે, "આપણે આવી વાતો કરવી બંધ કરી દેવી જોઈએ. આપણે આવી વાતો પર અનેક દિવસો ખર્ચી નાખ્યા છે. તેનો લાભ રિપબ્લિકન પાર્ટીને મળી રહ્યો છે. આપણે આપણું ધ્યાન ડોનાલ્ડ ટ્રમ્પ પર કેન્દ્રિત કરવું જોઈએ."
શું કમલા હૅરિસને મળશે મોકો?

ઇમેજ સ્રોત, Reuters
પરંતુ મોટો પ્રશ્ન એ છે કે જો બાઇડેનને હટાવવામાં આવે તો તેમનું સ્થાન કોણ લેશે? ગત અઠવાડિયે ઓહાયોના પ્રતિનિધિ ટિમ રાયને સંકેત આપ્યો હતો કે બાઇડનનું સ્થાન કોણ લેશે. ટિમ રાયને વાઇસ પ્રેસિડેન્ટ કમલા હૅરિસનું નામ લીધું.
ન્યૂઝવીકમાં પ્રકાશિત થયેલા સંપાદકીયમાં ટિમ રાયને લખ્યું છે કે, "હું દૃઢપણે માનું છું કે કમલા હૅરિસને ચૂંટવા એ જ સાચો રસ્તો છે. જે લોકો કહે છે કે હૅરિસની ઉમેદવારી બાઇડન કરતાં પણ મોટું જોખમ છે તેમને વાસ્તવિકતા ખબર નથી."
કમલા હૅરિસ જૉ બાઇડન પ્રત્યે વફાદાર છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં 59 વર્ષીય હૅરિસનું નામ ખૂબ ચર્ચાયું છે. એડમ શિફે રવિવારે એક ટીવી ઈન્ટરવ્યૂમાં કહ્યું કે કમલા હૅરિસ એ ડૉનાલ્ડ ટ્રમ્પને સરળતાથી હરાવી દેશે.
કમલાના સમર્થકોનું કહેવું છે કે ઉપ રાષ્ટ્રપતિ તરીકે તેઓ ચૂંટણી પ્રચારની ગૂંચવણોથી પહેલાંથી જ વાકેફ છે. ડૅમોક્રેટિક નેશનલ કમિટીનાં અધ્યક્ષ ડોના બ્રૅઝિલે એબીસી ચેનલને જણાવ્યું હતું કે, "કમલા હૅરિસ તેમનું કામ જાણે છે. બાઇડનની જગ્યાએ અન્ય કોઈને પસંદ કરવાં એ બિલકુલ ખોટો નિર્ણય હશે."
પરંતુ જે વાત હૅરિસના સમર્થકોને જે દિલાસો આપે છે તેમાં જોખમ પણ છે. કારણ કે મતદારોને માત્ર બાઇડનની વધતી ઉંમર સામે વાંધો નથી, તેમને વર્તમાન વહીવટીતંત્રની નીતિઓ સામે પણ વાંધો છે. આવી સ્થિતિમાં જો કમલા હૅરિસ ઉમેદવાર બને છે તો તેમના માટે આ બધી બાબતો પડકાર બની શકે છે.












