બ્રિટનની ચૂંટણીઃ પરાજય પછી ઋષિ સુનકનું રાજકીય ભવિષ્ય શું?

ઇમેજ સ્રોત, Getty Images
બ્રિટનમાં યોજાયેલી ચૂંટણીના શુક્રવારે પરિણામો આવ્યાં અને 14 વર્ષ પછી અહીં લેબર પાર્ટીએ ઐતિહાસિક વિજય મેળવ્યો છે.
ત્યાર પછી લેબર પાર્ટીના નેતા કિએર સ્ટાર્મર બ્રિટનના નવા વડાપ્રધાન બની ગયા છે, જ્યારે એંગેલા રેનરને દેશના નવા નાયબ વડાં પ્રધાન બનાવવામાં આવ્યાં છે.
બ્રિટનની સંસદમાં 650 બેઠકો છે જેમાં લેબર પાર્ટીએ 412 બેઠકો જીતી છે જે બહુમત માટે જરૂરી 326 બેઠક કરતા ઘણી વધારે છે.
આ ચૂંટણીથી અત્યાર સત્તા પર રહેલી કન્ઝર્વેટિવ પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. આ આંચકો ઋષિ સુનક માટે પણ છે જેમના નેતૃત્વમાં આ ચૂંટણી યોજાઈ હતી.
કન્ઝર્વેટિવ પાર્ટીને માત્ર 121 બેઠકો પર વિજય મળ્યો છે અને અગાઉની ચૂંટણીની સરખામણીમાં આ વખતે પાર્ટીને 250 બેઠકોનું નુકસાન થયું છે. તેમના માટે આ કારમો પરાજય છે.
વિદેશમંત્રી જેમ્સ ક્લેવરલીએ બીબીસીને જણાવ્યું કે, "મોટી સંખ્યામાં જે લોકો અગાઉ કન્ઝર્વેટિવ પાર્ટીને મત આપતા હતા, તેમણે રિફૉર્મ પાર્ટીને મત આપ્યો છે. કન્ઝર્વેટિવે હવે વિચારવાનું રહેશે કે તેઓ તેમનો ભરોસો ફરીથી કેવી રીતે જીતી શકે."
ઋષિ સુનકે પરાજયની જવાબદારી લીધી

હારી ગયા પછી વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન 10 ડાઉનિંગ સ્ટ્રીટ બહાર ઋષિ સુનકે છેલ્લી વખત પત્રકારોને સંબોધિત કરતા કહ્યું કે મતદારોએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે સરકારમાં પરિવર્તન આવવું જોઈએ.
તેમણે કહ્યું કે, "હું સૌથી પહેલાં મહત્ત્વની વાત કહેવા માગું છું. મને માફ કરી દો. મેં આ કામમાં મારું સર્વશ્રેષ્ઠ આપ્યું છે, પરંતુ તમે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે યુકેમાં સરકાર બદલવી પડશે. તમારો નિર્ણય જ એકમાત્ર એવો નિર્ણય છે જે મહત્ત્વનો છે. હું આ નુકસાનની જવાબદારી લઉં છું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ નિવેદન આપ્યા પછી ઋષિ સુનક બકિંઘમ પેલેસ પહોંચ્યા અને કિંગ ચાર્લ્સ સાથે મુલાકાત કરીને પોતાનું રાજીનામુ સોંપ્યું.
પરંતુ ઋષિ સુનકે માત્ર વડા પ્રધાનપદ છોડ્યું છે એવું નથી. ઋષિ સુનકે કહ્યું કે તેઓ હવે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે પણ કામ નહીં કરો.
તેમણે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોની માફી માગીને કહ્યું કે, "તમે ઘણી મહેનત કરી, પરંતુ આપણે જીતી શક્યા નથી. આ પરિણામો પછી હું પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપીશ. જોકે, હું અત્યારે રાજીનામુ નહીં આપું અને નવા નેતાની ચૂંટણીપ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી રાહ જોઈશ."

હવે ઋષિ સુનક શું કરશે?

ઇમેજ સ્રોત, REUTERS
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લંડનમાં ઉપસ્થિત બીબીસીના સંવાદદાતા રાઘવેન્દ્ર રાવે બીબીસી સંવાદદાતા મોહમ્મદ શાહિદને જણાવ્યું, "છેલ્લાં 14 વર્ષમાં દેશમાં પાંચ વડા પ્રધાન આવ્યા અને લોકોમાં ગુસ્સો હતો અને થાકી ગયા હતા. લોકો પરિવર્તન ઇચ્છતા હતા."
તેઓ કહે છે કે લોકોએ લેબર પાર્ટીને મેન્ડેટ તો આપ્યો છે, પરંતુ કિએર સ્ટાર્મર માટે પણ આગળનો માર્ગ સરળ નહીં હોય કારણ કે એવા ઘણા મુદ્દા છે જેના પર સરકારે પગલાં લેવા પડશે.
ઋષિ સુનકના ભવિષ્ય અંગે રાઘવેન્દ્ર કહે છે, "એક વાત નક્કી છે કે કન્ઝર્વેટિવ પાર્ટીમાં આગામી સમયમાં આપણે એક નવા નેતાનો ઉદય જોઈશું. પરંતુ સુનક શું કરશે તે કહેવું અત્યારે મુશ્કેલ છે."
"તેઓ ભારતીય મૂળની પ્રથમ વ્યક્તિ હતા જેઓ બ્રિટનના વડા પ્રધાન બન્યા અને તે અંગે ગર્વ પણ વ્યક્ત કરવામાં આવ્યો. પરંતુ હવે તેને એક કલંકની દૃષ્ટિએ જોવામાં આવે છે જેમના નેતૃત્વમાં કન્ઝર્વેટિવ પાર્ટીની આટલી મોટી હાર થઈ છે. કહેવામાં આવે છે કે આ એવો આરોપ છે જેમાંથી ભૂંસવાનું કામ તેમના માટે ઘણું મુશ્કેલ હશે."
બ્રિટનમાં ભારતના ઉચ્ચાયુક્ત રહી ચૂકેલા રુચિ ઘનશ્યામે બીબીસીના સંવાદદાતા મોહમ્મદ શાહિદને જણાવ્યું કે ઋષિ સુનક જ્યારે વડા પ્રધાન બન્યા ત્યારે યુકે બહુ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થતું હતું.
તેઓ કહે છે કે "શુક્રવારની બપોરે 10 ડાઉનિંગ સ્ટ્રીટ બહાર પોતાના અંતિમ ભાષણમાં તેમણે કહ્યું કે તેમણે અર્થતંત્રને સ્થિરતા આપી, મોંઘવારી ઘટાડી અને વિકાસની ઝડપને વધારી. આ દૃષ્ટિએ તેમનું ભાષણ સારું હતું કારણ કે તેમણે આગામી વડા પ્રધાન વિશે પણ સારી વાતો કહી હતી."
તેઓ કહે છે, "તેઓ યુવાન છે, સારી વ્યક્તિ છે. તેમણે પોતાના સારા ગુણો દેખાડ્યા છે. તેમણે કહ્યું છે તે પ્રમાણે જ્યાં સુધી પાર્ટીના નવા નેતા ચૂંટાય ત્યાં સુધી તેઓ કન્ઝર્વેટિવ પાર્ટીનું નેતૃત્વ કરશે."
"પરંતુ પાર્ટીના સભ્ય હોવાની સાથે સાથે તેઓ સાંસદ પણ છે. આગળ ભવિષ્ય કેવું હશે તે તો સમય જ કહી શકે."
જ્યારે ભારતીય મૂળના બ્રિટિશ અર્થશાસ્ત્રી અને લેબર પાર્ટીના ભૂતપૂર્વ સભ્ય લૉર્ડ મેઘનાદ દેસાઈએ બીબીસીના સંવાદદાતા સારિકા સિંહને જણાવ્યું કે, "ઋષિ સુનક નેતા નથી પરંતુ ટેકનિકલ વ્યક્તિ છે, એક બેન્કર છે. લોકો સાથે તેઓ સરળતાથી કનેક્ટ થઈ શકતા નથી."
"એક રીતે જોવામાં આવે તો તેમણે કામ તો કર્યું પરંતુ વાયદા પૂરી કરી ન શક્યા, બીજી તરફ તેમને કામ કરવા માટે પાંચ વર્ષનો સમય પણ નહોતો મળ્યો. હવે તેઓ શું કરશે તે તો સમય જ કહી શકે."
શુભેચ્છા સંદેશ અને આશા
લેબર પાર્ટીની જીત પછી આંતરરાષ્ટ્રીય નેતાઓનાં નિવેદનો પણ આવી રહ્યાં છે.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કિએર સ્ટાર્મરને શુભેચ્છાઓ પાઠવતા કહ્યું, "તેઓ ભારત અને બ્રિટન વચ્ચે સંબંધોને આગળ વધારવા માટે સહયોગની આશા રાખે છે."
તેની સાથે સાથે પીએમ મોદીએ ઋષિ સુનકના નેતૃત્વના વખાણ કરતા તેમને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે જણાવ્યું કે, "એક સ્થિર અને પરસ્પર લાભદાયક દ્વિપક્ષીય સંબંધ બંને દેશોના લોકોના મૌલિક હિતોને પૂર્ણ કરે છે. સાથે સાથે વૈશ્વિક શાંતિ, પડકારો અને વિકાસ માટે સાથે કામ કરવાની જરૂર છે. અમે આશા રાખીએ કે અમે બ્રિટન સાથે પરસ્પર સન્માન અને સહયોગના આધાર પર કામ કરીશું અને દ્વિપક્ષીય સંબંધોને યોગ્ય માર્ગ પર લઈ જઈશું."
જર્મનીના ચાન્સલર ઓલાફ શુલ્ત્ઝ, નાટોના પ્રમુખ જેન્સ સ્ટોલ્ટેન્બર્ગે પણ કિએર સ્ટાર્મરને શુભેચ્છા પાઠવી છે અને આશા વ્યક્ત કરી છે કે તેમના નેતૃત્વવાળી સરકાર સાથે મળીને કામ કરવાનું ચાલુ રહેશે.












