બગદાદીના 'ખલીફા' બનવાનાં દસ વર્ષ પછી ઇસ્લામિક સ્ટેટ કેવી સ્થિતિમાં છે?

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, ફ્રેન્ક ગાર્ડનર
- પદ, બીબીસી સુરક્ષા સંવાદદાતા
ઇસ્લામિક કટ્ટરવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઈએસ)એ બરાબર દસ વર્ષ અગાઉ પોતાના 'ખલીફા' બનવાની જાહેરાત કરી હતી.
આઈએસના સ્થાપક અબુ બકર અલ બગદાદીએ મોસુલની નૂરી મસ્જિદમાંથી આ વાત દુનિયાને જણાવી હતી.
આઈએસઆઈએસને લોકો અરબી ભાષામાં દાએશ તરીકે પણ ઓળખે છે. આઈએસએ સીરિયા અને ઇરાકના મોટા વિસ્તાર પર કબજો જમાવી લીધો હતો. તેણે અહીં શરિયા (ઇસ્લામિક કાયદા)ના સૌથી કઠોર કાયદા લાગુ કર્યા હતા.
તે પ્રમાણે ઘણી વખત ક્રૂરતાથી લોકોને સજા કરવામાં આવતી હતી, હત્યાઓ કરવામાં આવતી. એટલું જ નહીં, તેનું વીડિયો રેકૉર્ડિંગ પણ ઑનલાઇન પોસ્ટ કરવામાં આવતું.
શરૂઆતનાં પાંચ વર્ષોમાં આઈએસ દુનિયાભરમાંથી હજારો સંભવિત જેહાદીઓને પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ રહ્યું. આઈએસએ એક 'આદર્શ ઇસ્લામિક વિશ્વ' બનાવવાનું વચન આપ્યું હતું.
હકીકત એ હતી કે અહીં જીવન સંપૂર્ણપણે હિંસાથી ભરપૂર હતું. શહેરના ચોકમાં રેલિંગ પર કપાયેલાં માથાં લટકતાં જોવાં મળતાં હતાં. બધાં પર નજર રાખતી ‘મૉરલ પોલીસ’ તરફથી અત્યાચાર સતત ચાલુ હતો. એટલું જ નહીં, અમેરિકાની આગેવાની હેઠળ ગઠબંધનની સેના આઈએસના કબ્જા હેઠળના વિસ્તારો પર સતત બૉમ્બમારો કરતી હતી.
આ ગઠબંધનમાં 70થી વધારે દેશો હતા જેણે વર્ષ 2019માં પૂર્વ એશિયાના બાગુઝમાંથી પણ આઈએસને હાંકી કાઢ્યું હતું.
જમીની સ્તર પર ભલે ગઠબંધને આઈએસ અને તેના 'ખલીફા'ને હાંકી કાઢ્યા હોય, પરંતુ તેમની વિચારધારા ટકી રહી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યારે સવાલ એ થાય છે કે આજની તારીખે ઇસ્લામિક સ્ટેટ ક્યાં છે અને શું કરી રહ્યું છે?

નબળી સ્થિતિમાં આઈએસ

ઇમેજ સ્રોત, AFP
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લંડનમાં વ્હાઈટહૉલના એક વરિષ્ઠ અધિકારીએ આઈએસની સ્થિતિ વિશે જણાવ્યું કે તેને સંપૂર્ણપણે ખતમ કરી શકાયું નથી.
સીરિયામાં આ સંગઠનનું વેરવિખેર નેતૃત્વ અસ્તિત્વમાં છે, પરંતુ આઈએસે કેટલાંક ક્ષેત્રો પર પોતાનું પ્રભુત્વ વધારી દીધું છે.
આઈએસના નામે હવે મોટા હુમલા ઉપ-સહારા આફ્રિકામાં કરવામાં આવી રહ્યા છે. યુરોપ અને મધ્ય-પૂર્વમાં પણ તેની સૌથી ખતરનાક શાખા આઈએસ-ખોરાસાન પ્રાંત માનવામાં આવે છે.
આ વર્ષે આઈએસ-ખોરાસાનને રશિયાની રાજધાની મૉસ્કો અને ઈરાનના કેરમાન શહેરમાં મોટા પાયે થયેલા હુમલા માટે વ્યાપક રીતે જવાબદાર ગણાવવામાં આવે છે.
આઈએસ-ખોરાસાન પ્રાંત (આઈએસકેપી), અફઘાનિસ્તાન અને ઉત્તર પાકિસ્તાનમાં સ્થિત છે. અહીં તે અફઘાનિસ્તાનમાં સત્તાધારી તાલિબાન સામે લડાઈ લડે છે.
આ વાત વિચિત્ર લાગે છે કારણ કે તાલિબાને પોતે પોતાને ત્યાં શરિયા કાનૂન લાગુ કર્યા છે જેમાં મહિલાઓને નોકરીથી દૂર કરવામાં આવી છે અને છોકરીઓને ઉચ્ચ શિક્ષણ આપવામાં આવતું નથી.
તાલિબાન સત્તા પર આવ્યા ત્યાર પછી અફઘાનિસ્તાનમાં પથ્થર મારીને મોતની સજા આપવા જેવી ઘટનાઓ ફરીથી શરૂ થઈ ગઈ છે. આમ છતાં તાલિબાન અને આઈએસ એક બીજાના કટ્ટર હરીફ છે.
20 વર્ષ સુધી બળવાખોરની ભૂમિકામાં રહેલા તાલિબાનોના માથે હવે તંત્ર ચલાવવાની જવાબદારી આવી ગઈ છે.
ઇસ્લામિક સ્ટેટે જ્યારે સીરિયા અને ઇરાક પર મોટા પાયે કબ્જો જમાવ્યો હતો, ત્યારે તેનાથી આકર્ષાયેલા લોકો ફ્લાઈટથી પહેલાં તુર્કી, ત્યાંથી બસ દ્વારા સરહદ સુધી અને પછી સીરિયામાં આવતા હતા.
આ રીતે આઈએસ સાથે જોડાઈ રહેલા મોટા ભાગના લોકો પાસે સૈન્ય અનુભવ અને સીરિયામાં ચાલતા ગૃહયુદ્ધની વાસ્તવિક સમજણ ન હતી.
ઘણા એવા લોકો હતા જેઓ અગાઉ નાના મોટા અપરાધ અને નશાના કારોબાર સાથે સંકળાયેલા હતા. તેમાં પશ્ચિમ લંડનના ચાર લોકો સામેલ હતા. તેમને કેદમાં રાખનારાઓએ બીટલ્સ નામ આપ્યાં હતાં. આ લોકોએ પશ્ચિમી સહાય કર્મચારીઓ અને પત્રકારોને ત્રાસ આપ્યો હતો.
આજની તારીખે તેમાંથી એકનું મોત થયું છે જ્યારે બાકીના જેલમાં છે. બે લોકો અત્યારે અમેરિકાની સુપરમેક્સ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.
પરંતુ ઇસ્લામિક સ્ટેટ હજુ પણ હુમલા વધારતું જાય છે. હાલમાં તે બે રીતે કામ કરે છે.
આઈએસ લોકોને ગાઝામાં છેલ્લા નવ મહિનાથી ચાલતા ઇઝરાયલી હુમલાનો બદલો લેવા અને ઉત્તર સીરિયામાં મહિલાઓ અને બાળકોને કેદમાં રાખે છે.
આફ્રિકામાં આઈએસની હાજરી

ઇમેજ સ્રોત, Reuters
અલ-કાયદાની જેમ આઈએસ પણ અવ્યવસ્થા, નિરાશા અને ખરાબ વહીવટી તંત્રના આધારે ફૂલેફાલે છે.
આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં ત્રણેય પ્રકારનાં જૂથો મોટા પાયે હાજર છે. તાજેતરનાં વર્ષોમાં સાહેલ બેલ્ટના દેશો, ખાસ કરીને માલી, નાઇજર અને બુર્કિના ફાસોમાં સૈન્ય સત્તાપલ્ટો થયો છે જેથી આ વિસ્તારમાં અસ્થિરતા વધી છે.
ફ્રાન્સ, અમેરિકા અને યુરોપિયન યુનિયનના સૈનિકો આ પ્રકારના કટ્ટરવાદી જોખમોને દૂર રાખવા માટે સ્થાનિક સરકારની મદદ કરી રહ્યા હતા, પરંતુ તેમને હાંકી કાઢવામાં આવ્યા છે. ભાડાના રશિયન સૈનિકોએ મોટા પાયે આ કામ કર્યું છે.
આફ્રિકામાં આઈએસની હવે પાંચ શાખાઓ છે, જેને તે વિલાયત (પ્રાંત) કહે છે. આ શાખાઓ પશ્ચિમી આફ્રિકા, લેક ચાડ એરિયા, કૉંગો અને ઉત્તર મોઝામ્બિકમાં ફેલાયેલી છે.
અહીં પણ આઈએસ અને અલ-કાયદા એકબીજા સામે લડે છે અને તેમની વચ્ચે વારંવાર ઘર્ષણ થતું રહે છે.
આઈએસનો દાવો છે કે તે પોતાના નિયંત્રણ હેઠળનાં ક્ષેત્રોને વધારતું જાય છે. વાસ્તવમાં તે એવી સરકારોની તુલનામાં વધારે મજબૂત દેખાય છે જેની સાથે તે લડાઈ લડે છે.
આઈએસ સામાન્ય રીતે મોકો જોઈને હુમલો કરે છે, જેના કારણે અંતરિયાળ વિસ્તારોમાં અસંખ્ય સૈનિકો અથવા સ્થાનિક લોકો માર્યા જાય છે.
આંતરરાષ્ટ્રીય કટ્ટરવાદી સંગઠનો માટે આફ્રિકા ભૌગોલિક રીતે એટલું ફાયદાકારક સાબિત નથી થયું જેટલું દસ વર્ષ અગાઉ સીરિયા હતું.
આ વિસ્તારોમાં લડવૈયાઓ એવી રીતે નથી પહોંચી શકતા, જે રીતે તેઓ સીરિયામાં પહોંચી જતા હતા, કારણકે ત્યાં તુર્કી અને સીરિયાની સરહદ હતી અને તેનાથી અગાઉ ઉત્તર-પશ્ચિમી પાકિસ્તાનના કબીલાના વિસ્તારો આવતા હતા.
પરંતુ આઈએસની શાખાઓમાં હજુ પણ ઘણા લોકો છે. તેમાં મોટા ભાગના યુવાન, સ્થાનિક પુરુષો છે. આ એવા લોકો છે જેમની પાસે યોગ્ય તક નથી.
આફ્રિકામાં થતી નાની પરંતુ અત્યંત હિંસક લડાઈ ભલે યુરોપથી હજારો માઈલ દૂર હોય, પરંતુ જેમ જેમ ત્યાં જેહાદી ખતરો વધતો જશે, તેમ તેમ લોકો પોતાની જમીન છોડીને યુરોપ તરફ સુરક્ષિત જીવનની શોધમાં અને મોટી સંખ્યામાં ભાગવા લાગશે.
જ્યારે આઈએસે યુરોપ પર નિશાન સાધ્યું

ઇમેજ સ્રોત, Reuters
2010ના દાયકાના મધ્યમાં આઈએસ પોતાની ચરમસીમાએ હતું. તે યુરોપ પર મોટા પાયે હુમલા કરવામાં સક્ષમ હતું.
આ પ્રકારનો એક હુમલો આઈએસે વર્ષ 2015માં પૅરિસના એક કોન્સર્ટ હોલ પર કર્યો હતો જેમાં 130 લોકો માર્યા ગયા હતા.
હુમલો કરનારાઓને તાલીમ આપવામાં આવી હતી અને તેમને સિરિયાથી મોકલવામાં આવ્યા હતા. તેમણે આસાનીથી અનેક સરહદો પાર કરી. તેમને બાલ્કનમાંથી ક્લાશનિકોવ જેવા શક્તિશાળી ઑટોમેટિક હથિયારો પ્રાપ્ત કરવામાં પણ કોઈ સમસ્યા નડી ન હતી.
ત્યારથી લઈને અત્યાર સુધી યુરોપનાં શહેરોમાં અનેક હુમલા પછી પોલીસ બળ અને સુરક્ષા એજન્સીઓ એક બીજા સાથે ગુપ્ત માહિતી અગાઉ કરતા વધુ સારી રીતે શેર કરી રહી છે.
બ્રિટનના અધિકારીઓનું હવે માનવું છે કે આઈએસ અથવા અલ-કાયદા માટે વર્ષ 2005ના લંડન બૉમ્બ હુમલા અથવા વર્ષ 2015માં ફ્રાન્સના બેટાક્લનમાં થયા હતા તેવા હુમલા કરવા બહુ મુશ્કેલ હશે. જોકે, અધિકારીઓનું કહેવું છે કે આવું નહીં જ થાય એમ કહેવું યોગ્ય નહીં ગણાય.
તેના બદલે તેઓ એવા લોકો અંગે વધારે ચિંતિત છે જેઓ ઑનલાઇન જેહાદના ચક્કરમાં પડીને કટ્ટરપંથના માર્ગે નીકળી પડે છે.
યુકેમાં કાઉન્ટર ટેરરિઝમ અને સુરક્ષા એજન્સી એમઆઈ-5નો મોટા ભાગનો સમય હજુ પણ આઈએસ અથવા અલ-કાયદાના ષડયંત્રો અને હુમલાનો સામનો કરવામાં જાય છે.
યુરોપ હજુ પણ તેના લક્ષ્યમાં છે. રશિયાની રાજધાની મોસ્કોમાં માર્ચ 2024માં હુમલો થયો હતો. આ હુમલામાં 140થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.
આઈએસમાં નેતૃત્વ અંગે પડકારની પરિસ્થિતિ કેવી રીતે ઊભી થઈ?

ઇમેજ સ્રોત, Getty Images
ઇસ્લામિક સ્ટેટનો ઑનલાઇન પ્રચાર પ્રસાર હવે એટલો મજબૂત નથી જેટલો અગાઉ હતો અને તેણે મોટા વિસ્તાર પર કબ્જો જમાવ્યો હતો.
આમ છતાં હજુ પણ તે એવા ગ્રાફિક્સ અને વેબ ડિઝાઇનરોની ભરતી કરવા માટે સક્ષમ છે જે તેના માટે નફરત અને બદલાની ભાવના ધરાવતી સામગ્રી બહુ સારી રીતે બનાવી શકે છે.
તાજેતરમાં જ આઈએસએ એક વીડિયો જારી કર્યો હતો. તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી એક વ્યક્તિ અરબી ભાષામાં સંદેશ આપતો હતો. આવી સ્થિતિમાં વ્યક્તિની ઓળખ જાહેર થવાનો પણ ખતરો નથી રહેતો.
વર્ષ 2019માં અબુ બકર અલ બગદાદીના મોત પછી ઓળખને લગતું આ જોખમ આઈએસના નેતૃત્વ માટે પરેશાનીનું કારણ બની ગયું છે.
સતત ઑનલાઇન હાજરી વગર સંગઠનનું નેતૃત્વ પોતાના લોકોથી દૂર થતું જાય છે.
જોકે, તેનાથી વિપરીત કટ્ટરપંથી આગેવાનોનો જીવનકાળ ટૂંકો હોય છે. એક વખત તેમની ઓળખ જાહેર થઈ જાય ત્યાર પછી તેમના સ્થળની ખબર પડી જવાનું જોખમ રહે છે.
હાલના સમયમાં ઇસ્લામિક સંગઠનના નેતા કોણ છે તેના વિશે કોઈ જાણકારી નથી.












