વનવગડો છોડીને સિંહોએ સાગરતટને કેમ પસંદ કર્યો અને દરિયાકાંઠે રહીને સાવજ શું ખાય છે?

ઇમેજ સ્રોત, Griet Van Malderen
- લેેખક, ઇસાબેલ ગૅરેટસન
નામીબિયામાં રણપ્રદેશમાં રહેતા સિંહોનું એક ટોળું તેનો પરંપરાગત શિકારનો વિસ્તાર છોડીને ઍટલાન્ટિકના કિનારે આવી ગયું છે.
આ સમૂહ સિંહોની દુનિયામાં એકમાત્ર દરિયાઈ સિંહ બની ગયા છે. એક ફોટોગ્રાફરે સિંહોના આ સમૂહના વ્યવહારમાં આવેલા નાટકીય ફેરફારને કૅમેરામાં કેદ કર્યો છે.
આ અવિશ્વસનીય તથા એકદમ પ્રભાવક તસવીર છે. નામીબિયામાં કાંકરા-પથ્થરવાળા દરિયાના કિનારે એક સિંહણ દૂર સુધી જોઈ રહી છે. તેની પૃષ્ઠભૂમિમાં દરિયાનાં તોફાની મોજાં કિનારા સાથે અથડાઈ રહ્યાં છે.
સિંહણ કૅપ ફર સીલ ઉપર મીટ માંડીને બેઠી છે, જે તેની નજર સામે નથી.
બેલ્જિયમના ફોટોગ્રાફર ગ્રિએટ વૅન માલ્ડેરેને આ સમૂહની સિંહણ ગામાની અદ્દભુત તસવીર ખેંચી છે. જેણે ખૂબ જ મુશ્કેલ અને દુર્ગમ એવા સ્કેલેટન તટ પર જીવિત રહેવા માટે સીલનો શિકાર કરવાનું શીખી લીધું છે.
દરિયાકાંઠે સિંહો કેવી રીતે રહે છે?

ઇમેજ સ્રોત, Griet Van Malderen
લંડનના નૅચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ તરફથી આયોજિત પ્રતિષ્ઠિત 'વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ઑફ ધ ઇયર'ની સ્પર્ધામાં વૅનની તસવીરને ભારે પ્રશંસા મળી હતી.
વૅન માલ્ડેરેને સીલની તસવીર લેવા માટે અનેક દિવસો સુધી રાહ જોવી પડી હતી. તેઓ અનેક દિવસો સુધી પોતાની કારમાં બેસી રહ્યાં અને સિંહણ ગામાને જોતાં રહ્યાં.
વૅન માલ્ડેરેન કહે છે, 'ગામા આખોઆખો દિવસ સીલની ચોકી ભરતી. દરિયાકિનારે સિંહોનો બદલાયેલો વ્યવહાર આશ્ચર્યજનક હતો.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્કેલેટન તટ ખાતે રણપ્રદેશના 12 સિંહ-સિંહણોનો સમૂહ રહે છે અને તેની કુલ સંખ્યા 80 જેટલી જ છે. આ સિંહોએ નવા સ્થળને અનુરૂપ થવા માટે વર્ષ 2017માં પોતાના આહાર-વ્યવહારમાં પરિવર્તન કર્યાં હતાં.
વૅન માલ્ડેરેન કહે છે, "આ ફોટોગ્રાફ દર્શાવે છે કે જાનવર કેવી રીતે પોતાને અલગ-અલગ પરિસ્થિતિ મુજબ ઢાળી લે છે. જીવિત રહેવા માટે પોતાનું રહેણાક બદલી લે છે. આ સિંહો ખૂબ જ તાકતવર હોય છે. જિંદગી જીવવા માટે હોય છે અને દરેક બાબત માટે સંઘર્ષ કરે છે."
વૅન માલ્ડેરેને ગામાને મોટી થતી હોય છે. ગામા માત્ર ત્રણ મહિનાની હતી, ત્યારે વૅને આ સિંહણને પહેલી વખત જોઈ હતી.
વૅન કહે છે, "આજે ગામાની ઉંમર સાડા ત્રણ વર્ષની છે. મતલબ કે તે લગભગ પુખ્ત વયની છે."
વૅન માલ્ડેરેન કહે છે કે આ સિંહણ ખૂબ જ ખૂંખાર શિકારી બની ગઈ છે, તે એક જ રાતમાં 40 જેટલી સીલ માછલીઓનો શિકાર કરી શકે છે.
દરિયાકિનારે રહીને સિંહો શું ખાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ફિલિપ સ્ટૅન્ડર વર્ષ 1980થી નામીબિયાના રણપ્રદેશના સિંહોની ઉપર નજર રાખે છે અને તેના સંરક્ષણ માટે કામ કરે છે.
ફિલિપ સ્ટૅન્ડર કહે છે, "જે સિંહ-સિંહણ સ્કેલેટનના દરિયાકિનારે મોટાં થયાં છે, તેમાંથી એક ગામા છે. તે આ પેઢીની પહેલી સભ્ય છે. વૅન માલ્ડેરેને લીધેલી તસવીર ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે દરિયાકિનારે ગામાએ એકલપંડે વિતાવેલો પહેલો દિવસ દર્શાવે છે."
ફિલિપ સ્ટૅન્ડર કહે છે કે નામીબિયાના રણપ્રદેશના સિંહો વર્ષ 1980માં સ્કેલેટનના દરિયાકિનારે રહેતા હતા, પરંતુ દુકાળ તથા ખેડૂતો સાથે સંઘર્ષને કારણે તેમની મોટા ભાગની વસતિ ખતમ થઈ ગઈ.
એ પછી આ સિંહો રણપ્રદેશ તરફ હિજરત કરી ગયા. ફિલિપ સ્ટૅન્ડર કહે છે, 30 વર્ષ કરતાં વધુ સમય બાદ આ જાનવર "ફરી એક વાર દરિયાકિનારે પહોંચી ગયાં."
સ્ટૅન્ડરે વર્ષ 1997માં ડેઝર્ટ લાયન કન્ઝર્વેશન ટ્રસ્ટ નામના એનજીઓની સ્થાપના કરી.
ફિલિપ સ્ટૅન્ડર કહે છે કે આ જાનવરોએ, "સૌથી દુર્ગમ ભૂભાગમાં રહેવા માટે ખુદને ઢાળી લીધા છે. તમે કલ્પના કરો, રેતીના ઢગ, જેમાં કોઈ છોડઝાડ નથી."
"રણપ્રદેશના સિંહ અનોખા હોય છે. અન્ય કોઈ પણ સિંહોની સરખામણીમાં તેમનો રહેણાક વિસ્તાર મોટો હોય છે. તે ખૂબ જ ફીટ અને સારા ઍથ્લીટ પણ હોય છે."
તેઓ ઉમેરે છે, "રણવિસ્તારના સિંહનો સરેરાશ વિસ્તાર લગભગ 12 હજાર વર્ગ કિલોમીટર જેટલો હોય છે. તેની સામે સેરેન્ગેટી વિસ્તારમાં એક સિંહને રહેવા માટે સામાન્ય રીતે લગભગ 100 વર્ગ કિલોમીટરમાં રહે છે. આ સિંહોએ પોતાને એવી રીતે ઢાળ્યા છે કે તેઓ પાણી વગર પણ જીવિત રહી શકે છે."
સ્ટૅન્ડર કહે છે, "આ સિંહો જે માંસ ખાય છે, તેમાંથી તેમને મોટા ભાગનું પાણી મળી રહે છે."
દરિયાકિનારાના 'ધ લાયન કિંગ'

ઇમેજ સ્રોત, Bhushan Pandya
લંડનના નૅચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ ખાતે લાઇફ સાયન્સ વિભાગનાં સિનિયર રિસર્ચર નતાલી કપૂર કહે છે, "ફિલ્મ 'ધ લાયન કિંગ'માં થાય છે એમ આપણે સિંહોને સવાનાનાં જંગલોમાં કે પછી કોઈ મોટા પથ્થર પર લંબાયેલા જોવા માટે ટેવાયેલા છીએ."
"એટલે તેમને દરિયાકિનારે જોવા ખરેખર અદ્દભુત લાગે છે. આ ખૂબ જ અજબ તથા અસામાન્ય બાબત લાગે છે."
કપૂર કહે છે કે સવાનાના વન્ય વિસ્તારના સિંહોની સરખામણીએ રણપ્રદેશનાં સિંહો પ્રમાણમાં નાના સમૂહમાં મુસાફરી ખેડે છે.
નતાલી કપૂર કહે છે, "સામાન્ય રીતે આપણે સિંહોની બાબતમાં અવલોકીએ છીએ કે જે વિસ્તારમાં શિકાર વધુ હોય, ત્યાં તેમનાં સમૂહમાં સભ્યસંખ્યા વધુ હોય છે તથા તેમનાં ઘર નાનાં હોય છે."
"આ વિસ્તારમાં તેઓ ભોજન મેળવવા માટે નાનાં-નાનાં સમૂહમાં લાંબી મુસાફરી ખેડે છે."
આને કારણે આ સિંહોની તસવીરો લેવી વધુ પડકરાજનક બની રહે છે. વૅન માલ્ડેરેન કહે છે, "ફોટોગ્રાફર તરીકે આ અદ્દભુત બાબત છે, કારણ કે સિંહ હંમેશાં હરતા-ફરતા રહે છે. તેઓ જ્યાં-ત્યાં ઊંઘતા કે લંબાવી લેતા નથી, પરંતુ જીવિત રહેવા માટે તેઓ સતત શિકાર કરતા રહે છે."
"આ સિંહણ એક રાતમાં 40 સીલ માછલીનો શિકાર કરી શકે છે."
વર્ષ 2015માં દુષ્કાળને કારણે શાહમૃગ, ઑરિક્સ અને સ્પ્રિંગબૉક જેવા સામાન્ય રીતે પ્રચૂર માત્રામાં ઉપલબ્ધ શિકાર નાશ પામ્યા, એ પછી આ સિંહોએ ફરી દરિયાકિનારાની વાટ પકડી અને તટપ્રદેશમાં શિકાર કરવો શરૂ કરી દીધો.
સિંહો દરિયાકાંઠે કેમ આવી ગયા?

ઇમેજ સ્રોત, Batuk Bhil via Gujarat Forest Department
વૅન માલ્ડેરેન કહે છે, "આ સિંહો માટે સીલ વરદાનરૂપ સાબિત થઈ છે. જળવાયુ પરિવર્તનને કારણે રણપ્રદેશના સિંહ સંકટગ્રસ્ત થઈ ગયા, જેના કારણે તેઓ ઍટલાન્ટિકના તટપ્રદેશ પર જીવિત રહેવા માટે અસાધારણ રીતે પોતાને ઢાળવા માટે મજબૂર બન્યા છે."
વૅન માલ્ડેરેન કહે છે, "અનેક પેઢીઓમાં સિંહોનો બદલાતો જતો વ્યવહાર જોવો અદ્દભુત અનુભવ છે."
તેઓ કહે છે કે 30 વર્ષ અગાઉ પહેલી રણપ્રદેશની સિંહણનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, તે "જિરાફોનો શિકાર કરવામાં માહેર હતી. હવે આ સીલ કૉલોની આ સિંહોને થોડી રાહત આપનાર બની ગઈ છે."
વૅન માલ્ડેરેન કહે છે કે માર્ચ-2025માં આ દરિયાકિનારે બે સાવજનો જન્મ થયો છે.
તેઓ કહે છે, "આ વિકાસક્રમને જોવો ખૂબ જ રસપ્રદ છે."
જેમ-જેમ, વધુ ને વધુ લોકો આ સિંહો વિશે જાણશે, તેમ આપણે તેમનું સંરક્ષણ વધુ સારી રીતે કરી શકીશું.
અત્યાર સુધીમાં માત્ર નામીબિયાના સિંહો જ દરિયાઈ જીવોનો શિકાર કરીને અસ્તિત્વ ટકાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
ફિલિપ સ્ટૅન્ડર કહે છે, "આ સિંહોએ દરિયા પાસેથી ભોજન મેળવવાનું શીખી લીધું છે એટલે અમે તેમને દરિયાઈ સિંહ કહીએ છીએ."
સ્ટૅન્ડરના અભ્યાસમાં બહાર આવેલા તારણ પ્રમાણે, 18 માસના ગાળા દરમિયાન ત્રણ યુવા સિંહણોએ જે ખાધું, તેના બાયોમાસમાં 86 ટકા હિસ્સો કોરમોરેન્ટ્સ, ફ્લૅમિંગો અને સીલ હતાં.
સ્ટૅન્ડર કહે છે કે જ્યારે સિંહો માનવવસ્તીની નજીક આવી જાય છે, ત્યારે રેન્જરો તેમને ડરાવવા માટે ફટાકડા ફોડે છે. સ્ટૅન્ડરની ટીમે વર્ચ્યુઅલ ફેન્સિંગ સિસ્ટમ બનાવી છે. જ્યારે સિંહો પેલે પાર જાય ત્યારે તે ઍલર્ટ મોકલે છે, જેથી કરીને એ વિસ્તારમાં રહેતા લોકો અને પર્યટકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
ફોટોગ્રાફી પણ સંરક્ષણની બાબતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
વૅન માલ્ડેરેન કહે છે કે તેઓ જે પ્રજાતિઓની તસવીરો લે છે, તેનું સંરક્ષણ થાય, એ તેમનો મુખ્ય હેતુ છે.
વૅન કહે છે, "મારી તસવીરો આ પ્રાણીઓની સુંદરતા ઉપરાંત તેમની નાજુકતા પણ દર્શાવે છે. પરિસ્થિતિ મુજબ પોતાને ઢાળવાની તેમની આદત આપણા બધા માટે બોધરૂપ છે. પરિવર્તનનો સામનો કરવો, તેને અનુરૂપ પોતાને ઢાળવા તથા મોડું થઈ જાય એ પહેલાં જરૂરી પગલાં લેવાં, જેવા મહત્ત્વપૂર્ણ પાઠ તેમાં રહેલા છે."
સ્ટૅન્ડર પણ માને છે કે આ તસવીરમાં આપણા બધા માટે એક સબક રહેલો છે. "જાનવરો જે ક્ષમતા કે સુંદરતા માટે વિખ્યાત હોય છે, તેમને ફરીથી મેળવવા માટેની તાકત ધરાવે છે. એ આપણા બધા માટે પાઠરૂપ છે. માત્ર તેમને તકની જરૂર હોય છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












