ગીરના પાનખર જંગલના સિંહો દરિયાકાંઠે ચેરનાં જંગલોમાં દેખાયા, હવે જળચરોનો પણ શિકાર કરશે?

ઇમેજ સ્રોત, Batuk Bhil via Gujarat Forest Department
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
દરિયાકાંઠે ઊગી નીકળતાં ચેર વૃક્ષો (મેનગ્રુવ્ઝ)ના જંગલને 'માછલીઓ અને ઝીંગાની નર્સરી' કહેવામાં આવે છે, કારણ કે માછલી અને ઝીંગાનાં બચ્ચાંને આશરો અને ખોરાક પૂરા પાડે છે.
ઇન્ટરનૅશનલ યુનિયન ફૉર કોન્ઝર્વેશન ઑફ નેચર નામની વૈશ્વિક સંસ્થા મેનગ્રુવ્ઝને દરિયામાંથી મળતા ખોરાકની નર્સરી કહે છે, કારણ કે મેનગ્રુવ્ઝ માછલી અને ઝીંગા ઉપરાંત માનવો જેને આરોગે છે તેવા કરચલા અને બીજા કેટલાય દરિયાઈ જીવોનું ઘર છે.
ભારતના પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં ફેલાયેલા સુંદરવન તરીકે ઓળખાતા વિશ્વના સૌથી મોટા મેન્ગ્રુવ્સમાં વાઘ પણ રહે છે.
હવે, મેનગ્રુવ્ઝમાં રહેતા જીવોની યાદીમાં એક નવા પ્રાણીનો ઉમેરો થયો છે. સામાન્ય રીતે ઘાસનાં મેદાનો અને પાંખી વનરાજીવાળાં પાનખર જંગલોમાં રહેતા સિંહો હવે ગુજરાતના દરિયાકાંઠે આવેલા મેનગ્રુવ્ઝમાં પણ વસવાટ કરવા લાગ્યા છે.
જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સંશાધકોની એક ટીમના ધ્યાને આવ્યું છે કે એશિયાઈ સિંહો વિખ્યાત ગીર જંગલ ઉપરાંત હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા ચેરનાં જંગલોમાં પણ રહેવા લાગ્યા છે.
નિષ્ણાતો કહે છે કે ચેરના જંગલમાં સિંહોનું દેખાવું તે એશિયાઈ સિંહોની અનુકૂલન સાધવાની ક્ષમતાનું સૂચક છે અને પૃથ્વીના આ ભાગમાં સિંહોના અસ્તિત્વ માટે એક શુભ સંકેત છે.
ચેરના કયા જંગલ સુધી સિંહો પહોંચી ગયા?

ઇમેજ સ્રોત, Batuk Bhil via Gujarat Forest Department
સિંહના સંરક્ષણ માટેના પ્રયાસો અને સ્થાનિક લોકોના સહયોગના કારણે એશિયાઈ સિંહોની વસ્તી છેલ્લા ત્રણ દાયકામાં લગભગ ત્રણ ગણી વધીને 2025ના વર્ષમાં 891 થઈ ગઈ છે.
વસ્તી વધવાના કારણે 1990ના દાયકાથી સિંહો 1,412 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્ય જીવ અભયારણ્યમાંથી બહાર નીકળવા માંડ્યા અને હવે 35,000 ચોરસ કિલોમીટરમાં ફરતા થયા છે. ત્રણ દાયકા પહેલાં આ વિસ્તાર માત્ર 10,000 ચોરસ કિલોમીટર હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સિંહો ગીરના જંગલ કે બૃહદ ગીર વિસ્તાર તરીકે ઓળખાતા વિસ્તારમાંથી નીકળતી હીરણ, શેત્રુંજી, રાવલ, મછુન્દ્રી, શિંગોડા, ધાતરવડી વગેરે નદીઓને કિનારેકિનારે આગળ વધી ગીરની બહારના વિસ્તારોમાં સ્થાયી થયા છે. તેમાંથી કેટલાય સિંહો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ સ્થાયી થયા છે.

ઇમેજ સ્રોત, Gujarat Forest Department
2025ની સિંહ ગણતરી અનુસાર સિંહોની કુલ વસ્તીમાંથી 55.78 ટકા, એટલે કે 497 સિંહ, રક્ષિત વનવિસ્તારમાં નોંધાયા હતા, જ્યારે 394 સિંહ (44.2 ટકા) રક્ષિત વનવિસ્તારોની બહાર નોંધાયા હતા.
વનવિસ્તારોની બહાર રહેતા 394 સિંહોમાંથી 134 સિંહો, એટલે કે કુલ વસ્તીના 15 ટકા સિંહો દરિયાકાંઠે રહેતા હતા. આનો અર્થ એ પણ થયો કે રક્ષિત વનવિસ્તારોની બહાર રહેતા સિંહોમાંથી 27 ટકા સિંહો દરિયાકાંઠે રહે છે.
સિંહોની ગણતરીના અહેવાલમાં આપવામાં આવેલી માહિતી અનુસાર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ત્રણ વિસ્તારોમાં સિંહોએ કાયમી ઘર બનાવી લીધા છે.
તેમાં ભાવનગર જિલ્લાના મહુવા અને તળાજા તાલુકાના દરિયાનો કાંઠો, સૌરાષ્ટ્રના નૈર્ઋત્ય કાંઠા તરીકે ઓળખાતો અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને જાફરાબાદ તાલુકાનો દરિયાકાંઠો, તેમજ સૌરાષ્ટ્રના વાયવ્ય કાંઠા તરીકે ઓળખાતો ગીર સોમનાથ જિલ્લાના ઉના, કોડીનાર, સૂત્રાપાડા, વેરાવળ અને જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા સુધી વિસ્તરેલા દરિયાકાંઠાનો સમાવેશ થાય છે.

ઇમેજ સ્રોત, Batuk Bhil via Gujarat Forest Department
2025ની ગણતરી અનુસાર ભાવનગરના દરિયાકાંઠે 15 સિંહો, નૈર્ઋત્ય કાંઠે 94 અને વાયવ્ય કાંઠે 25 સિંહો રહે છે.
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સેન્ટર ફૉર એક્સલન્સ ઇન વાઇલ્ડલાઇફ ઍન્ડ કન્ઝર્વેશન સ્ટડીઝના સંશોધકોની એક ટીમે સાવરકુંડલા કાંઠે રહેતા સિંહો પર 2024ના જાન્યુઆરીથી જૂન એમ છ મહિના સંશોધન કર્યું.
આ સેન્ટરના ડાયરેક્ટર પ્રોફેસર નિશિથ ધારૈયાના માર્ગદર્શન નીચે સંશોધકોએ પીપાવાવ બંદર અને વિક્ટર બંદરની આજુબાજુ આવેલા ચેરના જંગલમાં 10 કૅમેરા ટ્રેપ લગાવ્યા. આ કૅમેરા ટ્રેપ તેની આજુબાજુ કોઈ સળવળાટ થાય તો જાતે જ ચાલુ થઈ જાય અને ફોટો તેમજ વીડિયો રેકૉર્ડ કરી લે તે પ્રકારના હતા.
સંશોધકો કૅમેરા ટ્રેપની મદદથી સિંહોના કુલ 45 ફોટો પાડી શકયા. ફોટોનું વિશ્લેષણ કરતા ટીમ નક્કી કરી શકી કે તેમાં કુલ ચાર સિંહો દેખાય છે. તે ચાર સિંહોમાં એક સિંહણ હતી અને ત્રણ પાઠડા એટલે કે કિશોર સિંહોનો સમાવેશ થતો હતો. સિંહો મેનગ્રુવ્ઝમાં આરામ કરતા હોય અને હરતાંફરતાં હોય તેવા ફોટો અને વીડિયો કૅમેરામાં રેકૉર્ડ થયા હતા.
ચેરના જંગલમાં સિંહોનો વસવાટ શું સૂચવે છે?

ઇમેજ સ્રોત, CWCS, BKNMU
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીબીસી સાથે વાત કરતા પ્રો. ધારૈયાએ કહ્યું કે એશિયાઈ સિંહોનો ચેરના જંગલમાં વસવાટ એ એશિયાઈ સિંહોના રહેઠાણ સંદર્ભમાં બહુ માટી વાત છે.
તેમણે કહ્યું, "એશિયાઈ સિંહો મુખ્યત્વે પાનખર જંગલના રહેવાસી તરીકે ઓળખાય છે, પરંતુ અહીં તેમણે કાદવ-કીચડવાળા ચેરના જંગલમાં રહેવાનું ચાલુ કરી દીધું હોય તેવા સંકેત છે. અમારું માનવું છે કે મેનગ્રુવ્ઝમાં સિંહોને રહેવા માટે માનવ પ્રવૃત્તિના વિક્ષેપ વગરનો અને ઠંડકવાળો વિસ્તાર મળી જાય છે, તેથી તે ત્યાં રહેવાનું પસંદ કરતા હશે."
"મેનગ્રુવ્ઝમાં કેટલા સિંહો રહે છે, તેમનો ખોરાક શું છે, સિંહો મેનગ્રુવ્ઝમાં જ રહે છે કે ભ્રમણ દરમિયાન માત્ર થોડો સમય જ મેનગ્રુવ્ઝમાં પસાર કરે છે વગેરે બાબતો હજુ સંશોધનના વિષય છે, પરંતુ અમારું સંશોધન સંકેત આપે છે કે વસ્તી વધતા સિંહો ગીરના જંગલની બહાર નવા વિસ્તારોમાં ફેલાઈ રહ્યા છે અને નવાં પ્રકારનાં રહેઠાણોમાં રહેવા માટે અનુકૂલન સાધી રહ્યા છે."
પ્રો. ધારૈયાએ ઉમેર્યું, "આ પહેલાં પણ લોકોએ સિંહોને ચેરના જંગલમાં જોયા હશે, પરંતુ અમારા સંશોધને પહેલી વાર વૈજ્ઞાનિક પુરાવા સાથે પુરવાર કર્યું છે કે એશિયાઈ સિંહો મેનગ્રુવ્ઝમાં પણ રહે છે."
પ્રો. ધારૈયાનાં વિદ્યાર્થી વિશાલ પટેલ અને ખુશ્બુ સિંગલા આ સંશોધકોની ટીમમાં સામેલ હતાં. આ સંશોધનમાં જૂનાગઢની વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ઍન્ડ બાયૉલૉજી રિસર્ચ ફાઉન્ડેશન નામની સંસ્થા પણ સંકળાયેલી હતી.
સંશોધનનાં પરિણામનો પ્રોસિડિંગ્ઝ ઑફ ઝુલૉજિકલ સોસાયટી નામના સામયિકમાં સપ્ટેમ્બર 2025માં પ્રસિદ્ધ થયેલ એક પેપરમાં આપવામાં આવ્યાં છે.
ભૂતકાળમાં સિંહો ચેરના જંગલમાં રહેતા હતા?

ઇમેજ સ્રોત, Bhushan Pandya
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્ય જીવ અભયારણ્યના સુપરિન્ડેન્ડેન્ટ મોહન રામે પણ એશિયાઈ સિંહો પર ઘણાં સંશોધન કર્યાં છે.
તેઓ કહે છે કે, "ભૂતકાળમાં પણ સિંહો દરિયાકાંઠે રહેતા હતા. તે વખતે સૌરાષ્ટ્રના કાંઠે મેનગ્રુવ્ઝ કેટલાં હતાં તેની માહિતી આપણી પાસે નથી, પરંતુ ભૂતકાળમાં સિંહો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે હતા. તેથી, દરિયાકાંઠે રહેવાની ક્ષમતા એશિયાઈ સિંહો પાસે પહેલાંથી જ છે. હવે જ્યારે સિંહો તેમના જૂના વિસ્તારોમાં ફરી એક વાર સ્થાયી થઈ રહ્યા છે ત્યારે એમ ન કહી શકાય કે સિંહો હવે દરિયાકાંઠે રહેઠાણો બનાવીને અનુકૂલન સાધી રહ્યા છે."
પરંતુ મોહન રામ ઉમેરે છે દરિયાકાંઠાની વનરાજીમાં ઘણો ફેરફાર થયો છે અને તેથી સિંહો આ બદલાયેલાં રહેઠાણો સાથે અનુકૂલન સાધવા પ્રયાસ કરી રહ્યા છે.
તેઓ કહે છે, "એમ ચોક્કસ કહી શકાય કે સિંહો બદલાયેલાં રહેઠાણોમાં રહેવા અનુકૂલન સાધી રહ્યા છે, કારણ કે વર્ષો પહેલાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ગાંડા બાવળ અને સરુનાં વૃક્ષોની ઝાડી ન હતી. દરિયાના ખારા પવનોને રોકવા માટે આ વૃક્ષોનું પછીથી વાવેતર કરવામાં આવ્યું છે. વળી, હાલ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ચેરનાં જંગલો બહુ નથી. તેવા સંજોગોમાં મેનગ્રુવ્ઝમાં સિંહો દેખાયા તેના કરતાં વધારે મહત્ત્વની બાબત એ છે કે સિંહો ત્યાં દિવસનો કેટલો સમય વિતાવે છે. કોઈ એક સિંહ પરિવારની ટેરીટરી (રહેઠાણ)માંના કોર એરિયામાં મેનગ્રુવ્ઝ આવે છે કે નહીં તે વધારે મહત્ત્વનું છે."
ચેરના જંગલ સિંહોના નવા કૉરિડૉર બનશે?

ઇમેજ સ્રોત, Forest Department, Gujarat
ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાંતના અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને પોરબંદર જિલ્લાઓમાં સિંહો રહેતા હોય તેવો મોટા ભાગનો વિસ્તાર ગુજરાતના વનવિભાગના જૂનાગઢ વન્ય પ્રાણી વર્તુળની હદમાં આવે છે.
આ વર્તુળના મુખ્ય વનસંરક્ષક તરીકે 2022માં નિવૃત્ત થયેલા અને ભૂતકાળમાં સિંહો પરના સંશોધન પ્રોજેક્ટસમાં માર્ગદર્શન આપ્યું છે તેવા ઇન્ડિયન ફૉરેસ્ટ સર્વિસના ઑફિસર દુષ્યંત વસાવડા કહે છે કે સિંહો મેનગ્રુવ્ઝમાં રહે તે મોટી વાત નથી.
તેઓ કહે છે, "એ વાત સાચી છે કે એશિયાઈ સિંહોને પાણીમાં તરવું બહુ ગમતું નથી. તેમ છતાં સિંહો મેનગ્રુવ્ઝમાં રહે તે બહુ અજુગતું ન ગણાય. મેનગ્રુવ્ઝ જરૂર દરિયાકાંઠાના જળપ્લવિત વિસ્તારોમાં ઊગે છે. આવા વિસ્તારોમાં સતત પાણી ભરેલું રહેતું નથી. ભરતી સમયે તેમાં પાણી આવી જાય છે અને ઓટ સમયે ઓસરી જતા હોય છે. તેથી, તે કાદવવાળી જગ્યા જરૂર હોઈ શકે. પણ સિંહો માટે તો ચેરનાં ઝાડ પણ ઝાડ જ છે. જો ત્યાં ખોરાક અને આશરો મળી જાય તો સિંહો ત્યાં રહી જાય."

ઇમેજ સ્રોત, Forest Department, Gujarat
ફોરેસ્ટ સર્વે ઑફ ઇન્ડિયાના 2024ના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં 1164 ચોરસ કિલોમીટર વિસ્તારમાં મેનગ્રુવ્ઝ છે. પશ્ચિમ બંગાળ પછી આ બીજા નંબરનો સૌથી મોટો વિસ્તાર છે.
દરિયાકાંઠે આવેલા ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં સિંહો સ્થાયી થયા છે, પરંતુ ફૉરેસ્ટ સર્વેના રિપોર્ટ અનુસાર આ જિલ્લામાં ચેરના જંગલનો વિસ્તાર અનુક્રમે 30.62, 1.78, 9.87, 0 અને 1.35 ચોરસ કિલોમીટર છે. આમ, આ પાંચ જિલ્લામાં કુલ 43.62 ચોરસ કિલોમીટરમાં જ મેનગ્રુવ્ઝ છે.
મોહન રામ અને અન્ય સંશોધકોએ 2019થી 2023 દરમિયાન કરેલ સંશોધન અનુસાર દરિયાકાંઠે રહેતા સિંહોની હોમ રેન્જ (સિંહના એક જૂથે સ્થાપેલો વિસ્તાર) આશરે 64 ચોરસ કિલોમીટરથી 323 ચોરસ કિલોમીટર હોય છે અને આવી હોમ રેન્જમાં કોર એરિયા (મુખ્ય ભાગ જ્યાં સિંહો સૌથી વધારે સમય વિતાવે છે) 4 ચોરસ કિલોમીટરથી 75 ચોરસ કિલોમીટર હોય છે.
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે બહુ મેનગ્રુવ્ઝ નથી તેનો નિર્દેશ કરી મેનગ્રુવ્ઝ સિંહોના વિસ્તરણના નવા કૉરિડૉર બને તેવી શક્યતાને વસાવડા નકારી કાઢે છે.
તેઓ કહે છે, "ગુજરાતના મેનગ્રુવ્ઝ મોટા ભાગે ઓખાથી જખૌ સુધીના વિસ્તારમાં છે. સૌરાષ્ટ્રના કાંઠે બહુ મેનગ્રુવ્ઝ નથી. અમરેલી-ભાવનગર પછી આણંદમાં મેનગ્રુવ્ઝ છે, પરંતુ તે છૂટાછવાયા નાના વિસ્તારોમાં જ છે. તેથી નદીઓને કાંઠેકાંઠે કૉરિડૉર બન્યા અને તે કૉરિડૉર વાટે સિંહો જેમ વિસ્તરણ પામ્યા છે તેમ મેનગ્રુવ્ઝ સિંહોના વિસ્તરણ માટે દરિયાકાંઠાના કૉરિડૉર બની જાય તેવું હાલના સંજોગોમાં લાગતું નથી."
આફ્રિકાના સિંહો જેમ ગુજરાતના સિંહ જળચરનો શિકાર કરતા થશે?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રો. ધારૈયાની ટીમે તેમના પેપરમાં ટાંક્યું છે કે "આફ્રિકાના પશ્ચિમ કાંઠે આવેલા નામિબિયા દેશના દરિયાકાંઠે રહેતા આફ્રિકન સિંહો દરિયામાં રહેતા કેપ ફર સીલ નામનાં પ્રાણી, કાજિયા નામના દરિયાઈ પક્ષી તેમજ ગ્રેટર ફ્લેમિંગો (મોટો હંજ) નામના જળપ્લવિત વિસ્તારોમાં રહેતાં પક્ષીઓનો શિકાર કરતા નોંધાયા છે, પરંતુ એશિયાઈ સિંહોએ દરિયાકાંઠે આવાં કોઈ જળચર પ્રાણીઓનો શિકાર કર્યાની નોંધ નથી તેમ નિષ્ણાતો જણાવે છે."
પ્રો. ધારૈયાની ટીમે અમરેલીમાં ગોઠવેલા કૅમેરાએ પાડેલા ફોટામાંથી 24 ફોટામાં જંગલી ભૂંડ જોવા મળ્યાં હતાં. આ જંગલી ભૂંડ સિંહોનો ખોરાક છે.
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે રહેતા સિંહો શું આરોગે છે તે જાણવા માટે મોહન રામની આગેવાની હેઠળ સંશોધકોની એક ટીમે 2024ના માર્ચ-એપ્રિલ દરમિયાન એક સંશોધન હાથ ધર્યું હતું.
તે માટે તેમણે ભાવનગર, રાજુલા-જાફરાબાદ તેમજ ઉનાથી માંગરોળ સુધીના દરિયાકાંઠે રહેતા સિંહોના તાજા મળના 160 નમૂના લીધા. પછી તેમનું લૅબોરેટરીમાં વિશ્લેષણ કરી મળમાં રહેલા વાળ અને હાડકાના કણોના આધારે સિંહોએ ખાધેલાં પ્રાણી નીલગાય એટલે કે રોઝ, જંગલી ભૂંડ, ચિતલ નામનું હરણ, ગૌવંશ, ભેંસ કે કોઈ પક્ષી છે તેની ઓળખ કરી.
ટીમ એવા તરણ પર આવી કે દરિયાકાંઠે રહેતા સિંહોના ખોરાકમાં 64 ટકા જંગલી પ્રાણીઓ અને 31 ટકા પાલતુ પ્રાણીઓ હોય છે. સિંહો જે જંગલી પ્રાણીઓ આરોગે છે તેમાં લગભગ 47 ટકા નીલગાય, આશરે 19 ટકા જંગલી ભૂંડ, 2.31 ટકા ચિતલ હોય છે તેવું તેમના ધ્યાને આવ્યું.
આ સંશોધનનાં પરિણામ 2025ના ફેબ્રુઆરીમાં પ્રકાશિત થયેલ એક પેપરમાં આપવામાં આવ્યાં છે.
રાજકોટના જાણીતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર અને વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશનિસ્ટ ભૂષણ પંડ્યા ગીરના સિંહોનો ચારેક દાયકાથી અભ્યાસ કરે છે. તેઓ કહે છે કે ગુજરાતના સિંહો સમુદ્રના જીવોનો શિકાર કરતા થાય તેવી શક્યતા ઓછી છે.
તેઓ બીબીસીને જણાવે છે, "આમ તો સિંહ કોઈ પણ જીવનો શિકાર કરી શકે છે અને આરોગી શકે છે. સિંહોએ મોર અને મગરના શિકાર કર્યા હોય તેવા ફોટા મેં પોતે પાડેલા છે. તે ઉપરાંત કાચબા અને કીડીખાઉના શિકાર પણ નોંધાયેલા છે, પરંતુ સિંહને જ્યાં સુધી જમીન પર રહેતા મોટાં સસ્તન પ્રાણીઓ શિકારમાં મળી રહે ત્યાં સુધી તે જળચરનો શિકાર કરવા ન જાય."
તેઓ કહે છે, "સૌરાષ્ટ્રના દરિયાકાંઠે નીલગાય અને જંગલી ભૂંડ ઉપરાંત રેઢિયાળ ગૌવંશ ઘણી મોટી સંખ્યામાં છે. તેથી મને નથી લાગતું કે એશિયાઈ સિંહો જળચરોનો શિકાર કરતા થઈ જશે. મને એમ પણ નથી લાગતું કે સિંહો કાયમી વસવાટ માટે મેનગ્રુવ્ઝને પસંદ કરે, કારણ કે એશિયાઈ સિંહો બને ત્યાં સુધી પાણીથી દૂર રહે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












