ગીરના જંગલમાં 'જય-વીરુની જોડી'નો દબદબો કેવો હતો અને એકનું મોત થતા સિંહોનો અંત કેવો આવ્યો?

ઇમેજ સ્રોત, Parimal Nathwani
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
ગીરના જંગલમાં પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય બનેલ સિંહ બેલડી જય અને વીરુ હવે ફોટો અને વીડિયોમાં સમાઈ ગયા છે. ગીરના જંગલમાં આવેલ જય-વીરુના 'રજવાડાને અંકે કરવાના ઉદ્દેશ' સાથે અન્ય બે સિંહ બેલડીએ આ વર્ષે જૂન મહિનામાં જય અને વીરુ પર અલગ-અલગ સમયે હુમલા કર્યા હતા અને બંનેને ઘાયલ કર્યા હતા.
વીરુનું હુમલા થયાના એકાદ અઠવાડિયામાં મૃત્યુ થયું હતું. જય હુમલો કરનાર સિંહો સાથે લડ્યા પછી મોત સામે પણ બે મહિના સુધી ઝઝૂમ્યો, પરંતુ 29 જુલાઈએ તેનું પણ મૃત્યુ થયું.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્યના સુપરિન્ટેન્ડેન્ટ મોહન રામે જણાવ્યું કે જૂન મહિનાની શરૂઆતમાં જય એક ટેરિટોરિયલ ફાઇટ (કોઈ વિસ્તાર પર અધિકાર માટે સિંહો વચ્ચે થતી લડાઈ)માં ઈજાગ્રસ્ત થયો હતો. ચાર દિવસ બાદ 4 જૂને વીરુ પણ આવી જ એક અન્ય લડાઈમાં ગંભીર રીતે ઘવાયો હતો.
મોહન રામે કહ્યું કે "બેલડીમાં નાના વીરુએ 11 જૂને જ દમ તોડી દીધો હતો. જયની છેલ્લા બે મહિનાથી સાસણમાં સારવાર ચાલતી હતી, પરંતુ તેનું પણ 29 જુલાઈએ મૃત્યુ થતા જય-વીરુની જોડીનો અંત આવ્યો છે."
મોહન રામે કહ્યું કે જય-વીરુની જોડીએ પાંચેક વર્ષ પહેલાં સાસણ નજીકના ગીરના જંગલના એક મોટા વિસ્તારમાં તેમનું 'રજવાડું' સ્થાપ્યું હતું. ગીરના મુખ્ય જંગલની અંદર કોઈ પણ સિંહો દ્વારા સ્થપાયેલી મોટી ટેરિટરી (પ્રદેશ)ની યાદીમાં સ્થાન પામે તેવડું આ 'રજવાડું' હતું.
ગીર પશ્ચિમ વન્યજીવ વિભાગના નાયબ વનસંરક્ષક પ્રશાંત તોમરે બીબીસીને જણાવ્યું કે "આ સિંહો ટૂરિસ્ટ વર્ગમાં બહુ લોકપ્રિય હતા અને ટૂરિસ્ટોએ જ તેમને 'જય' અને 'વીરુ' નામ આપ્યું હતું."
ગીરના જંગલમાં જય-વીરુનું 'રજવાડું' ક્યાં આવેલું હતું?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
ગીરનું જંગલ વહીવટી સરળતા ખાતર ગીર પૂર્વ વન્યજીવ વિભાગ અને ગીર પશ્ચિમ વન્યજીવ વિભાગ એમ બે ભાગમાં વહેંચાયેલું છે. આ બે વિભાગના કર્મચારીઓ જંગલ અને વન્યજીવોના રક્ષણ-જતનની કામગીરી કરે છે.
ઉપરાંત ગીરના વન્યજીવોના જતન-સંરક્ષણ માટે સાસણ વન્યજીવ વિભાગ પણ કાર્યરત્ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સાસણ વન્યજીવ વિભાગના નાયબ વનસંરક્ષક મોહન રામ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્યના સુપરિન્ટેન્ડેન્ટ એટલે કે અધીક્ષક તરીકે પણ ફરજ બજાવે છે.
મોહન રામે બીબીસીને જણાવ્યું કે જય અને વીરુએ એક કોઅલીશન (જોડી) બનાવી પાંચેક વર્ષ પહેલા અન્ય સિંહોને હરાવીને ગીર પૂર્વ વન્યજીવ વિભાગમાં પોતાનું 'સામ્રાજ્ય' સ્થાપ્યું હતું. તેમનો પ્રદેશ પૂર્વમાં કાશિયા, દુધાળા અને જામ્બુથાળાથી પશ્ચિમે માલણકા-કેનેડિપુર (મેંદરડાથી સાસણ તરફ જતા કેનેડિપુર નર્સરી અને માલણકા ગામ રસ્તામાં આવે) સુધી અને ઉત્તરે કેરમ્ભા-દેડકડી- નતાળિયાથી દક્ષિણે રાયડી સુધી વિસ્તરેલો હતો.
મોહન રામે કહ્યું: "તેમની ટેરિટરી લગભગ 140 વર્ગ કિલોમીટરના વિસ્તાર પથરાયેલી હતી અને તેમાં અંદાજે પંદરેક સિંહણનો વસવાટ હતો. જય-વીરુની ટેરિટરી સિંહો દ્વારા ગીરના જંગલમાં તાજેતરનાં વર્ષોમાં બનાવાયેલી સૌથી મોટી ટેરિટરીઓમાં ગણના પામે તેવડી હતી."
પ્રવાસીઓમાં આ જોડી કઈ રીતે લોકપ્રિય થઈ ગઈ?

ઇમેજ સ્રોત, Parimal Nathwani
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મોહન રામ જણાવે છે કે તેની પાછળ એક કરતા વધારે કારણ છે.
તેમણે જણાવ્યું: "ગીર અભયારણ્યમાં આવેલા ટૂરિઝમ ઝોન (જેમાં પ્રવાસીઓને સફારી પર લઈ જવાય છે)ના 80 ટકા વિસ્તાર પર આ બેલડીએ કબજો જમાવ્યો હતો. સ્વાભાવિક રીતે જ ટૂરિસ્ટને આ સિંહો વધારે દેખાતા હતા. વળી, તેમાં સિંહણોનાં પણ મોટાં સમૂહ હતાં અને તેથી તેઓ વધારે દેખાતા. મહત્ત્વની બાબત એ હતી કે આ બંને સિંહ ખૂબ જ શક્તિશાળી અને આકર્ષક હતા, જે તેને જોનાર પર અમીટ છાપ છોડી દેતા હતા. તેમની ઉમર અંદાજે નવેક વર્ષ હતી અને ભરજુવાનીમાં હતા."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે માર્ચ મહિનામાં સાસણની મુલાકાત લીધી અને ગીરના જંગલમાં સફારીમાં ગયા ત્યારે તેમને આ જ જય અને વીરુ ગળકબારી વિસ્તારમાં જોવા મળ્યા હતા.
મોહન રામે ઉમેર્યું કે આ બંને સિંહોનો વિસ્તાર ખૂબ સમૃદ્ધ વિસ્તાર હતો જેમાં પાણીના સ્રોત, સિંહણોની વસ્તી, તેમજ સિંહોના ખોરાક છે તેવા ચિતલ, સાબર જેવા તૃણભક્ષીઓની વસ્તી પણ સારી એવી હતી.
વનવિભાગના એક કર્મચારીએ બીબીસીને જણાવ્યું: "જયની કેશવાળી ખૂબ જ મોટી હતી. આ બંને નર કદમાં ઘણા મોટા દેખાતા. ઉપરાંત તે જંગલ કાંઠે આવેલાં ગામડાંમાં પણ વિચરણ કરતા અને શિકાર પણ કરતા. પરંતુ ક્યારેય તેમણે કોઈ માનવો પર હુમલો કર્યો હોય તેવું ધ્યાને નથી આવ્યું. આ જોડીનું રાજ હજુ ત્રણેક વર્ષ વધારે ચાલશે એમ અમને લાગતું હતું, પરંતુ કદાચ વિખૂટા પડી જવાની મોટી કિંમત ચૂકવવી પડી."
જય-વીરુ પહેલાં ગીરના જંગલમાં 'રામ' અને 'શ્યામ' તેમજ 'ધર્મ' અને 'વીર'ની જોડીઓ પણ પ્રખ્યાત થઈ હતી. પરંતુ એક વનકર્મીએ બીબીસીને કહ્યું : "ત્યારે ગીરમાં સિંહોની વસ્તી આટલી વધારે ન હતી અને તેથી પ્રદેશ માટે લડાઈઓ પણ પ્રમાણમાં ઓછી હતી. પરંતુ જય અને વીરુને પોતાનો પ્રદેશ બચાવવા વધારે મહેનત કરવી પડતી હતી."
મોહન રામે કહ્યું કે જય અને વીરુ મૂળ તો નતાળિયા વીડી તરફથી આવ્યા હતા અને તેથી વનવિભાગના સ્થાનિક કર્મચારીઓ તેને "વીડીવાળા" તરીકે ઓળખતા હતા.
તો જય-વીરુનું 'રજવાડું' કઈ રીતે ગયું?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
મોહન રામ જણાવે છે કે જય અને વીરુ તેમના 'રજવાડા'માં સામાન્ય રીતે સાથે જ ચોકી-પહેરો કરતા અને સાથે જ હરતા-ફરતા. તે મોટે ભાગે સાથે ત્રાડો પાડીને અન્ય સિંહોને દૂર રહેવાની ચેતવણી પણ આપતા.
મોહન રામે કહ્યું: "એક દિવસ ચોકી-પહેરો કરતી વખતે જય અને વીરુ એકબીજાથી આગળ-પાછળ થઈ ગયા. દુધાળાથી દેડકડી વચ્ચેના વિસ્તારમાં જય એકલો હતો ત્યારે કાશિયા તરફથી બે સિંહોએ તેને લલકાર્યો અને આ ત્રણેય વચ્ચે લડાઈ જામી. જય એકલો હોવાથી બે સિંહો સામે ટકી ન શક્યો અને હુમલાખોરોએ તેને પૂંઠના ભાગે દાંત બેસાડી દઈ ગંભીર ઈજાઓ પહોંચાડી. અમે પહેલી જૂને જયને સારવાર માટે સાસણ ખસેડ્યો."
"તેના ચાર દિવસ બાદ, ચોથી જૂને ગંધારિયા અને કેરમ્ભા વચ્ચે આવેલા જાડી સાલેડી એરિયામાં કમલેશ્વર-ખોખરા તરફતી આવેલ અન્ય બે સિંહોએ વીરુને પડકાર્યો. એકલો હોવા છતાં વીરુએ બે સિંહો સામે બાથ ભીડી, પરંતુ લડાઈમાં વીરુને પણ તેના મોટા ભાઈ જયની જેમ ગંભીર ઈજાઓ થઈ. અમે સારવાર માટે તેને પણ સાસણ લઈ આવ્યા અને બંનેને એકબીજાની નજીક રાખ્યા, પરંતુ ઈજાઓના કારણે વીરુએ 11 જૂને જ દમ તોડી દીધો."
મોહન રામે ઉમેર્યું કે સારવારની સારી અસર થતા જયની તબિયત સુધરી અને હાલતો-ચાલતો પણ થઈ ગયેલો. અમે એક તબક્કે એવું પણ વિચારવા માંડ્યું કે જયને જંગલમાં ફરી એક વાર મુક્ત કરીએ. પરંતુ પછી તેની તબિયત બગડવા લાગી અને પશુ ડૉક્ટરોના બધા પ્રયાસો છતાં જયનું ઇન્ફેક્શન મટાડી ન શકાયું. તેનું પણ 29 જુલાઈએ મૃત્યુ થયું."
તો શું જય-વીરુ પર થયેલા હુમલા સામાન્ય છે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
આ પ્રકારના હુમલાને પ્રદેશ માટે સિંહોમાં થતી આંતરિક લડાઈ કહેવાય છે.
જાણકારો કહે છે કે આવી લડાઈઓ સિંહોના જીવનનો અભિન્ન હિસ્સો છે. સિંહો ટેરિટોરિયલ એનિમલ એટલે કે પોતાની હદ-સીમા નક્કી કરીને તેની અંદર રહેવાવાળાં પ્રાણી છે.
સિંહો તેમજ સિંહણો આ રીતે પોતપોતાની હદ-સીમા એટલે કે વિસ્તાર બાંધે છે. આવી હદ-સીમા એકલો સિંહ પણ બાંધી શકે અથવા યુવાવસ્થાની શરૂઆતમાં જેમની સાથે મિત્રતા થઈ હોઈ તેવા અન્ય સિંહ સાથે કોઅલીશન કરીને બંને સાથે પણ કોઈ એક પ્રદેશમાં પોતાનું આધિપત્ય સ્થાપી શકે છે.
સિંહણો સામાન્ય રીતે એક કરતાં વધારે સભ્ય ધરાવતાં સમૂહોમાં રહે છે અને તેમાં માતા, બહેનો, પુત્રીઓ, નાનાં નર બચ્ચાં વગેરે હોય છે.
એક સિંહ કે સિંહોની એક બેલડીની ટેરિટરીમાં સિંહણોના એક કરતાં વધારે પ્રાઇડ (પરિવાર) હોઈ શકે છે. પોતે સ્થાપેલા વિસ્તારમાં રહેતી સિંહણો સાથે સંવનન કરીને સિંહો પોતાનો વંશ-વેલો વધારવાની કોશિશ કરે છે.
પરંતુ ટેરિટોરીયલ એનિમલ હોવાને કારણે સિંહો વચ્ચે ટેરિટરી બાબતે લડાઈઓ થતી રહે છે.
વળી, નર બચ્ચાં તરુણાવસ્થા વટાવી યુવાવસ્થા તરફ પ્રયાણ કરે એટલે સિંહ-સિંહણના પ્રાઇડમાંથી તેમને બહાર કાઢી મુકાય છે.
સંશોધકો કહે છે કે સિંહો એવું એટલા માટે કરે છે કે લોહીનો સંબંધ ધરાવતા સભ્યો સાથે જાતીય સંબંધો ટાળી શકાય અને તે રીતે આનુવંશિક ખામીઓ પણ નિવારી શકાય.

ઇમેજ સ્રોત, Gujarat forest department
પરિવારમાંથી હાંકી કઢાયેલા યુવા સિંહ પોતાનું પોતાનો પ્રદેશ સ્થાપવા નવા વિસ્તાર તરફ નીકળી પડે છે. તેની જેમ જ અન્ય પરિવારમાંથી હાંકી કઢાયેલા જો કોઈ અન્ય યુવા સિંહ મળી જાય તો આવા બે સિંહ ભેગા થઈને એક સંયુક્ત પ્રદેશ પર પોતાનું 'આધિપત્ય' સ્થાપે છે.
જય અને વીરુએ આ રીતે જ તેમનું 'રાજ્ય' સ્થાપ્યું હતું તેમ વનવિભાગના કર્મચારીઓ કહે છે.
યુવાનીના દિવસોમાં આવા સિંહ વધારે શક્તિશાળી બને છે અને કોઈ ટેરિટરી પર 'રાજ' કરતા સિંહને પડકાર ફેંકે છે. પરિણામે લડાઈ થાય છે.
આવી લડાઈમાં ક્યારેક રાજ કરતા સિંહની તો ક્યારેક તેને પડકાર ફેંકનાર યુવા સિંહની જીત થતી હોય છે. સામાન્ય રીતે સામેના સિંહની તાકાત પામી જતા નબળા સિંહ લડાઈમાં પાછીપાની કરે છે અને નાસી જાય છે. જો 'રાજકર્તા' સિંહને નાસી જવું પડે તો તેનું બાકીનું જીવન મોટા ભાગે એકાંતવાસમાં પસાર થાય છે. જો યુવા નર એક લડાઈમાં પોતાની હાર થાય તો તે બીજી વાર કે કોઈ બીજા 'રાજકર્તા' પર હુમલો કરવાની ફિરાકમાં રહે છે. આવી લડાઈઓ ક્યારેક ઘાતક પણ નીવડે છે એમ નિષ્ણાતો માને છે.
આવી જ એક લડાઈમાં વિજેતા થઈ ટૂરિઝમ ઝોનના મોટા ભાગના વિસ્તાર પર પોતાનું 'રાજ્ય' સ્થાપી દીધું હતું.
વનવિભાગના એક કર્મચારીએ બીબીસીને જણાવ્યું: "તે સમયે આ વિસ્તારમાં બીજા બે નર સિંહોનું શાસન હતું. જય અને વીરુ કેનેડિપુર-નતાળિયા વીડી તરફથી આવ્યા અને 'રાજકર્તા' બે નરોને પડકાર ફેંક્યો. લડાઈમાં જય-વીરુએ તે વખતના 'રાજકર્તા' નર સિંહોને હરાવ્યા, પરંતુ તે લડાઈ પ્રાણઘાતક નહોતી રહી. હારી જનાર 'રાજકર્તા' સિંહો કમલેશ્વર તરફ ભાગી ગયા હતા."
ગીરમાં જય-વીરુનું સ્થાન હવે કોણ લેશે?

ઇમેજ સ્રોત, Getty Images
મોહન રામ કહે છે કે સામાન્ય રીતે વનવિભાગના કર્મચારીઓ આંતરિક લડાઈઓમાં ઘવાયેલા સિંહોને રેસ્ક્યૂ કરીને સારવાર માટે લઈ જતા નથી, કારણ કે આવી લડાઈઓ "કુદરતી સમતુલા" અને "સૌથી બળવાન ટકી રહે" તેવા કુદરતી ક્રમનો ભાગ મનાય છે.
મોહન રામે કહ્યું: "પરંતુ જય અને વીરુ માટે અમે અપવાદરૂપ પગલાં લીધેલાં. તેમનું પ્રાઇડ બહુ મોટું હતું. તેના પર હુમલા થયા ત્યારે તેના પ્રાઇડમાં નાનાં બચ્ચાંની સંખ્યા ખૂબ વધારે હતી. જો આ ડૉમિનન્ટ નર સિંહોના મૃત્યુ થાય તો મોટી સંખ્યામાં સિંહબાળોના મોત થવાની શક્યતા હતી. તેથી, અમે જય અને વીરુને રેસ્ક્યૂ કરી સારવાર આપવાનો નિર્ણય લીધો હતો."
મોહન રામ જણાવે છે કે જય-વીરુ પર હુમલા થયા ત્યારે તેમના પ્રદેશમાં આવેલા ગંધારિયા વિસ્તારમાં ચાર સિંહણ અને જય-વીરુ જેમના પિતા હતા તેવાં દસ બચ્ચાં હતાં. તે જ રીતે દેડકડી વિસ્તારમાં આવેલી સિંહણોના અન્ય એક જૂથમાં પણ સાત બચ્ચાં હતાં. સામાન્ય રીતે પ્રદેશ જીતી લીધા બાદ સિંહો તે પ્રદેશમાં રહેલા પહેલાંના સિંહો થકી જન્મેલાં અને હજુ પણ નાનાં હોય તેવાં બચ્ચાંને મારી નાખે છે જેથી તેમના હરીફ ઊભા ન થાય અને તે પ્રદેશની સિંહણો ગર્ભધારણ કરવા માટે ઝડપથી તૈયાર થઈ જાય.
મોહન રામે બીબીસીને કહ્યં કે "ગંધારિયાવાળા ગ્રૂપમાં બચ્ચાં ખૂબ નાનાં હોવાથી સિંહણો જીવન જોખમે પણ તેનું રક્ષણ કરી રહી છે. નવા આવી ચડેલા સિંહોથી બચ્ચાને બચાવવા માટે સિંહણો છૂટી પડી ગઈ છે, પરંતુ બે બચ્ચાનાં કુદરતી મોત થયાં છે. સિંહોએ દેડકડીમાં બે બચ્ચાંને મારી નાખ્યાં છે, જ્યારે તરુણાવસ્થાએ પહોંચી ગયેલાં પાંચ બચ્ચાં પોતાનો તેમનો જીવ બચાવવા સંતાતાં ફરે છે. અમને અમુક સિંહોની ત્રાડો સંભળાય છે, પરંતુ 'જય-વીરુના રાજ' પર હવે કોનો કબજો છે એ હજુ સ્પષ્ટ નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












