મુઘલ સમ્રાટો અને જ્યોતિષ : ઔરંગઝેબે મુઘલ સામ્રાજ્યના પતનની શું ભવિષ્યવાણી કરી હતી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી હિંદી
આજે પણ ઘણા બધા લોકો પોતાના દિવસની શરૂઆત છાપામાં છપાયેલું રાશિફળ વાંચીને કરે છે, પરંતુ બીજી બાજુ ઘણા એવા પણ લોકો છે, જેઓ જ્યોતિષમાં વિશ્વાસ નથી ધરાવતા.
મનુષ્યને ઘણા લાંબા સમયથી ચંદ્ર-તારાની ગતિને સમજવામાં રસ છે. પ્રાચીન સમયમાં ગ્રીસથી લઈને ભારત સુધી ખગોળવિજ્ઞાનના ક્ષેત્રમાં કામ થતું હતું, ત્યાર પછી મધ્યકાળ શરૂ થતાં પહેલાં ગ્રહ-નક્ષત્રોની ચાલને ભવિષ્યવાણીઓ સાથે જોડી દેવામાં આવી.
ભારતમાં લાંબા સમય સુધી રાજ કરનાર મુઘલોને જ્યોતિષમાં વિશ્વાસ હતો અને તેઓ પોતાનાં અગત્યનાં કાર્યો જ્યોતિષીઓની સલાહ લઈને કરતા હતા.
ઇસ્લામ અને ખ્રિસ્તી જેવા ઘણા ધર્મોમાં જ્યોતિષને જાદુ-ટોણા ગણવામાં આવે છે અને તેનાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. ઇસ્લામી ધર્મશાસ્ત્રમાં માનવામાં આવે છે કે ફક્ત અલ્લાહ જ ભવિષ્યને જાણવાની ક્ષમતા ધરાવે છે.
તાજેતરમાં જ પ્રખ્યાત પત્રકાર એમજે અકબરનું એક પુસ્તક પ્રકાશિત થયું છે, 'આફ્ટર મી કેયૉસ, એસ્ટ્રૉલોજી ઇન ધ મુઘલ એમ્પાયર'; જેમાં તેમણે જ્યોતિષ બાબતમાં દરેક મુઘલ બાદશાહના દૃષ્ટિકોણ વિશે વિસ્તારથી લખ્યું છે.
આખી દુનિયામાં જ્યોતિષ

ઇમેજ સ્રોત, Bloomsbury
એમજે અકબરે બીબીસીને જણાવ્યું, "એ હુમાયુ હોય, અકબર, જહાંગીર કે પછી ઔરંગઝેબ, આ બધા જ્યોતિષમાં ખૂબ માનતા હતા. અકબરના જમાનામાં જ્યોતિષી દરબારનો એક ભાગ હતા."
"એટલે સુધી કે ઔરંગઝેબ પણ નિયમિત રીતે દરેક મહત્ત્વપૂર્ણ બાબતોમાં જ્યોતિષીઓની સલાહ લેતા હતા. આ બધા મુઘલ બાદશાહોનું માનવું હતું કે ધર્મ-આધારિત શુદ્ધતાવાદ રાજકીય સ્થિરતા માટે હાનિકારક છે."
ઇતિહાસકાર અને લેખક બેનસન બૉબ્રિકે પોતાના પુસ્તક 'ખલીફ્સ સ્પ્લેન્ડર'માં લખ્યું છે, "અબુ ઝાફર અલ મન્સૂરે 31 જુલાઈ 762એ બપોરે 2:00 વાગ્યા ને 40 મિનિટે બગદાદ શહેરનો શિલાન્યાસ કર્યો હતો, કેમ કે એ સમય શુભ મુહૂર્ત હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજા એક ઇતિહાસકાર પ્રોફેસર મોહમ્મદ મુજીબ પોતાના પુસ્તક 'ધ ઇન્ડિયન મુસ્લિમ'માં લખે છે, "ભારતમાં મુસલમાનોની હુકૂમત શરૂ થાય તેનાં ઘણાં વરસો પહેલાં આખી દુનિયાના મુસલમાન ચમત્કારો, કિંમતી પથ્થરોના રહસ્યમય ગુણો અને શુકન-અપશુકનમાં માનવા લાગ્યા હતા."
"ભારતમાં તો જ્યોતિષને વિજ્ઞાન જેવું જ માનવામાં આવતું હતું અને મુસલમાન પણ તેમાં વિશ્વાસ ધરાવતા હતા."
મધ્યકાલીન ઇતિહાસકાર ઝિયાઉદ્દીન બર્નીએ પણ 'તારીખ-એ-ફિરોઝશાહી'માં લખ્યું છે, "કોઈ પણ સન્માનિત પરિવારમાં કોઈ પણ વિધિ કે મહત્ત્વપૂર્ણ કાર્ય જ્યોતિષીની સલાહ વગર નહોતું કરાતું. પરિણામ એ આવ્યું કે દરેક રસ્તા પર જ્યોતિષી જોવા મળતા હતા, જે હિંદુ કે મુસલમાન કોઈ પણ હોય."
અકબરનો જન્મ ટાળવાની કોશિશ
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
15 ઑક્ટોબર 1542એ રાત્રે એક વાગ્યા ને છ મિનિટે ત્રીજા મુઘલ બાદશાહ અકબરના જન્મની કહાની મુઘલ બાદશાહોના જ્યોતિષમાં વિશ્વાસની ઝલક બતાવે છે.
જ્યારે શેરશાહે ભારતના સમ્રાટ રહેલા હુમાયુને હરાવીને સિંધના રણમાં ભગાડી મૂક્યા, ત્યારે રાજપૂત રાજાએ હુમાયુને ઉમરકોટના કિલ્લામાં શરણ આપ્યું. હુમાયુનાં પત્ની હમીદા બેગમ એ સમયે ગર્ભવતી હતાં.
એમજે અકબરે જણાવ્યું કે, "હમીદાને જ્યારે પ્રસવપીડા ઊપડી, ત્યારે હુમાયુ ત્યાંથી 30 માઈલ દૂર થટ્ટામાં હતા. તેમણે પોતાના અંગત જ્યોતિષી મૌલાના ચાંદને પોતાનાં પત્નીની પાસે રાખ્યા હતા, જેથી નવજાત બાળકના જન્મનો સાચો સમય નોંધી શકાય, જેથી તેના જન્માક્ષર ચોકસાઈભર્યા લખાય."
"જ્યારે 14 ઑક્ટોબરની રાત્રે રાણી હમીદાબાનોની પ્રસવપીડા વધી ગઈ અને બાળકના જન્મની તૈયારીઓ થવા લાગી ત્યારે મૌલાના ચાંદ ખૂબ ગભરાઈ ગયા."
રાજજ્યોતિષીનું માનવું હતું કે આ જન્મ શુભ સમયની પહેલાં થઈ રહ્યો છે. જો આ જન્મ થોડી વાર પછી થાય, તો નક્ષત્રોનો દુર્લભ સંયોગ થશે, જે હજારો વર્ષમાં એક વાર થાય છે. મૌલાના ચાંદે દાયણોને પૂછ્યું કે શું જન્મને થોડા સમય માટે ટાળી શકાય તેમ છે?
પ્રસવપીડા અટકાવી દેવામાં આવી

ઇમેજ સ્રોત, Sang-e-Meel Publications
પ્રસવમાં મદદ કરવા હાજર રહેલી મહિલાઓ જ્યોતિષીની સલાહ સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. તેમનું કહેવું હતું કે પ્રકૃતિનો નિયમ ઇશ્વરનો આદેશ હોય છે. આવી બાબતોમાં મનુષ્યોની ઇચ્છા પ્રમાણે ન થાય.
અબુલ ફઝલે 'અકબરનામા'માં લખ્યું છે, "અચાનક મૌલાના ચાંદને એક વિચિત્ર વિચાર આવ્યો. રાત્રિના અંધકારમાં તેઓ એક દાયણને ડરામણો ચહેરો બનાવીને હમીદાબાનોના પલંગની પાસે લઈ ગયાં અને એક આછા પડદા પાછળથી તેમને ભયાનક ચહેરો બતાવ્યો. અંધારામાં તેને જોતાં જ હમીદાબાનો ખૂબ ડરી ગયાં અને તેમની પ્રસવપીડા પણ અટકી ગઈ અને તેમને ઊંઘ આવી ગઈ."
'અકબરનામા'માં લખ્યું છે, "હવે મૌલાના ચાંદે વિચાર્યું કે જો હમીદાબાનો શુભ સમયમાં ઊંઘતાં રહેશે, તો શું થશે? જેમ-જેમ એ સમય નજીક આવ્યો, મૌલાના ચાંદે કહ્યું કે રાણીને તરત જ ઊંઘમાંથી જગાડી દેવામાં આવે. દાયણોની હિંમત ન થઈ કે સૂતેલાં રાણીની ઊંઘમાં ખલેલ પાડે. એવામાં આપમેળે જ હમીદા બેગમ જાગી ગયાં. તેમને ફરી પ્રસવપીડા ઊપડી અને અકબરનો જન્મ થયો."
મૌલાના ચાંદે અકબરાના જન્માક્ષર સાથે હુમાયુને સંદેશો મોકલ્યો કે આ છોકરો ખૂબ લાંબા સમય સુધી રાજગાદી સંભાળશે.
જ્યોતિષીઓની સલાહ પ્રમાણે ફરી વાર સત્તા મેળવવાનું હુમાયુનું અભિયાન

ઇમેજ સ્રોત, Getty Images
22 નવેમ્બર, 1542એ જ્યોતિષીઓએ નક્કી કરેલા સમયે હમીદા બેગમ હુમાયુને જઈને મળ્યાં. જ્યારે હુમાયુએ પહેલી વાર અકબરને જોયા ત્યારે તેઓ 35 દિવસના થઈ ગયા હતા. અકબરના પાલનપોષણમાં દરેક પગલે નક્ષત્રોની ગણના અને ચાલ પ્રમાણે નિર્ણય લેવાતા હતા.
અબુલ ફઝલે લખ્યું છે, "ચારેબાજુ દુઃખભરી પરિસ્થિતિમાં હુમાયુને પૂર્ણ વિશ્વાસ હતો કે તેના પુત્ર સાથે કોઈ ખરાબ ઘટના નહીં બને; કેમ કે, તે ઇશ્વરની સુરક્ષામાં છે. તેમનો વિશ્વાસ ખોટો ન પડ્યો. હુમાયુના મૃત્યુ પછી શત્રુતા હોવા છતાં પણ તેમના ભાઈ અસ્કરીએ અકબરનું ધ્યાન રાખ્યું."
"તેમને કંધાર કિલ્લાના ઉપરના ભાગમાં રહેવા માટે એક રૂમ આપવામાં આવ્યો અને અસ્કરીનાં પત્ની સુલતાન બેગમે 14 મહિનાના અકબરને પોતાના પ્રેમાળ વાત્સલ્યથી તરબોળ કરી દીધા."
14 માર્ચ, 1545એ હુમાયુએ જ્યોતિષીઓની સલાહ અનુસાર એક શુભ સમયે ફરીથી સત્તા મેળવવા માટેનું અભિયાન શરૂ કર્યું. તા. ત્રીજી સપ્ટેમ્બર 1545એ અસ્કરીએ હાર સ્વીકારી લીધી. બૈરમખાં અસ્કરીના ગળા પર તલવાર રાખીને હુમાયુની સમક્ષ લઈ આવ્યા. હુમાયુએ પરિવારના કહેવાથી અસ્કરીને જીવનદાન આપી દીધું.
અકબર જ્યારે ચાર વર્ષ, ચાર મહિના અને ચાર દિવસના હતા, ત્યારે મુલ્લા ઇસ્લામુદ્દીન ઇબ્રાહીમની દેખરેખ હેઠળ તેમનું ઔપચારિક શિક્ષણ શરૂ થયું. હુમાયુએ જ્યોતિષીઓની સલાહ પ્રમાણે શિક્ષણનો આરંભ કરવા માટે 20 નવેમ્બર, 1547નો દિવસ પસંદ કર્યો.
જોકે, એ મુહૂર્ત ફળદાયી ન રહ્યું, કેમ કે મોટા ભાગના ઇતિહાસકારો એમ જ માને છે કે અકબર ક્યારેય વાંચતા-લખતા ન શીખી શક્યા.
હુમાયુને પોતાના મૃત્યુનો પૂર્વાભાસ હતો?

ઇમેજ સ્રોત, Getty Images
હુમાયુને લાગતું હતું કે તેમના માટે સાત ભાગ્યશાળી અંક છે. તેમનાં કપડાંનો રંગ દિવસના નક્ષત્રો અનુસાર રહેતો હતો. રવિવારે તેઓ પીળાં અને સોમવારે લીલાં કપડાં પહેરતા હતા.
એમજે અકબરે જણાવ્યું કે, "ત્યાર પછીના 15 દિવસ માટે હુમાયુને અફીણ આપવામાં આવ્યું, પણ તેમણે ફક્ત સાત દિવસના દવાના ડોઝ લઈને તેને કાગળમાં રાખી દીધું. હુમાયુએ પોતાના નોકરોને કહ્યું કે ફક્ત એટલા દિવસની જ દવાની જરૂર છે."
"શુક્રવાર 24 જાન્યુઆરી, 1556એ તેમણે ગુલાબજળની સાથે અફીણ પીધું. બપોરે હુમાયુએ પોતાની આજુબાજુ ઊભેલા લોકોને જણાવ્યું કે, આજે આપણા સમયના એક ખૂબ મોટા વ્યક્તિને એક મોટો ઘા વાગશે અને તેઓ આ દુનિયામાંથી હંમેશાં માટે વિદાય લેશે."
સાંજે હુમાયુ કેટલાક ગણિતજ્ઞોને લઈને કિલ્લાની છત પર ગયા. તેમને જણાવવામાં આવ્યું હતું કે તે રાત્રે આકાશમાં શુક્ર ગ્રહ અત્યંત ચમકદાર જોવા મળશે. તેઓ તેને પોતાની આંખે જોવા માગતા હતા. જ્યારે હુમાયુ સીડીઓથી નીચે ઊતરતા હતા, તેમણે અઝાનનો અવાજ સાંભળ્યો અને તેમણે સજદા કર્યો.
અબુલ ફઝલે લખ્યું છે, "કિલ્લાની સીડીઓ સીધી હતી, જેના પથ્થર લપસણા હતા. જ્યારે હુમાયુ સજદામાં નીચે બેઠા ત્યારે તેમનો પગ તેમના પાયજામામાં ફસાઈ ગયો અને તેઓ સીડીઓથી લપસીને નીચે પડ્યા. તેમના માથા પર ગંભીર ઘા થયો અને જમણા કાનમાંથી લોહી નીકળવા લાગ્યું."
"શરૂઆતમાં જાહેર કરવામાં આવ્યું કે બાદશાહને થયેલી ઈજા ગંભીર નથી; પરંતુ, દરબારીઓએ જાણી જોઈને એવું કર્યું હતું, જેથી નવા બાદશાહની વિધિવત્ જાહેરાત કરવા માટે તેમને થોડો સમય મળી જાય."
હુમાયુએ 27 જાન્યુઆરીએ અંતિમ શ્વાસ લીધો. તેમના નીચે પડી ગયાના 17 દિવસ પછી, એટલે કે 10 ફેબ્રુઆરી, 1556એ તેમના મૃત્યુના સમાચાર આમ પ્રજાને આપવામાં આવ્યા.
એ જ દિવસે તેમના પુત્ર અકબરના નામથી પહેલી વાર ખુતબો પઢવામાં આવ્યો. ઇમામ ગઝનવીના નેતૃત્વમાં જ્યોતિષીઓએ અકબરના રાજ્યાભિષેકનો સમય નક્કી કર્યો હતો.
અકબરે રાજજ્યોતિષીની નિમણૂક કરી

ઇમેજ સ્રોત, Bloomsbury
જ્યોતિષીઓની સલાહ લઈને જ અકબરે હેમુ વિરુદ્ધનું યુદ્ધ શરૂ કર્યું હતું. એ યુદ્ધ દરમિયાન હેમુની આંખમાં તીર વાગ્યું અને તેના માથાની પાર નીકળી ગયું, હેમુના સૈનિકોએ જેવું આ દૃશ્ય જોયું, તેમની હિંમત તૂટી ગઈ અને તેમણે અકબરની સેના સામે ઘૂંટણ ટેકવા પડ્યા.
અકબરના યુદ્ધસ્થળેથી દિલ્હી પાછા ફરવાનો સમય પણ જ્યોતિષીઓએ જ નક્કી કર્યો. સમ્રાટ તરીકે અકબરે 'જોતિકરાય' કે જ્યોતિષરાજનું નવું પદ બનાવ્યું હતું.
અકબરના સમયના પ્રખ્યાત જ્યોતિષી અઝુદુદૌલા શિરાજીએ ભવિષ્યવાણી કરી હતી કે 'અકબર લગ્નસંબંધ દ્વારા પોતાની સત્તા મજબૂત કરશે'.
અકબરના તોશાખાનામાં એક હજાર પોશાક હતા, જેમાં 120 પોશાક પહેરવા માટે હંમેશા તૈયાર રખાતા હતા. હુમાયુની જેમ અકબર પણ દિવસના નક્ષત્રોના રંગ પ્રમાણે કપડાં પહેરતા હતા.
અબુલ ફઝલે લખ્યું છે, "અકબરે દર શુક્રવાર, રવિવાર, દર સૌર મહિનાની પહેલી તારીખ અને સૂર્ય-ચંદ્ર ગ્રહણના દિવસે માંસ ખાવાનું બંધ કરી દીધું હતું."
જહાંગીર અને તેમનાં પૌત્રી

ઇમેજ સ્રોત, Getty Images
અકબરની જેમ જ તેમના પુત્ર જહાંગીરને પણ જ્યોતિષમાં ખૂબ વિશ્વાસ હતો. અકબરની જેમ જહાંગીરનું શિક્ષણ પણ 1573માં એ સમયે શરૂ થયું હતું જ્યારે તેઓ ચાર વર્ષ, ચાર મહિના અને ચાર દિવસના હતા.
જ્યોતિષીઓએ જ 20 માર્ચ 1606ને જહાંગીરના રાજ્યાભિષેકનો દિવસ નક્કી કર્યો હતો. જ્યોતિષીઓની સલાહથી જહાંગીરે પોતાના પુત્ર ખુસરોની પુત્રીનો ચહેરો ત્રણ વર્ષ સુધી નહોતો જોયો.
જહાંગીરે પોતાની આત્મકથા 'તુઝુક-એ-જહાંગીરી'માં લખ્યું, "મેં 13મી તારીખે મારી પૌત્રી અને ખુસરોની પુત્રીને બોલાવી. જ્યોતિષીઓનું કહેવું હતું કે તેનો જન્મ તેના પિતા માટે તો શુભ નહીં હોય, પરંતુ દાદા એટલે કે મારા માટે શુભ હશે."
"તેમણે કહ્યું હતું કે મારે તેને તે ત્રણ વર્ષની થઈ જાય ત્યાર પછી જ પહેલી વાર મળવું જોઈએ. જ્યારે તેણે એ ઉંમર પાર કરી ત્યાર પછી જ મેં તેને પહેલી વાર જોઈ."
જહાંગીરના 'જોતિકરાય' એટલે કે રાજજ્યોતિષીનું નામ કેશવ શર્મા હતું. તેમણે ભવિષ્યવાણી કરી હતી કે તેમના ચાર વર્ષના પૌત્ર શાહશુજાના જીવન પર જોખમ છે.
જહાંગીરે લખ્યું, "17મી તારીખે રવિવારના દિવસે શાહશુજા એક બારી પાસે રમતો હતો. એ દિવસે બારીનાં પાટિયાં બંધ નહોતાં કરાયાં. રમત-રમતમાં જ્યારે શાહજાદાએ બારી બહાર જોયું ત્યારે તે પોતાનું સંતુલન જાળવી ન શક્યો અને ઊંધા માથે નીચે પડ્યો. પડતાં જ બેભાન થઈ ગયો."
"જેવું મેં આ સાંભળ્યું કે બધું પડતું મૂકીને નીચે દોડ્યો. મેં બાળકને મારી છાતીએ ત્યાં સુધી વળગાડી રાખ્યો જ્યાં સુધી તેને ભાન ન આવ્યું. જેવું તેને ભાન આવ્યું, હું ઇશ્વરનો આભાર માનવા સજદા માટે જતો રહ્યો."
જહાંગીર પહેલા મુઘલ બાદશાહ હતા જેમણે સિક્કાની એક બાજુ પર રાશિચક્ર છપાવ્યું હતું.
ઔરંગઝેબે પણ પોતાના જન્માક્ષર બનાવડાવ્યા હતા

5 જાન્યુઆરી, 1592એ લાહોરના કિલ્લામાં શાહજહાંનો જન્મ થયો, તેના ત્રણ દિવસ પછી તેમના દાદા અકબર તેમને જોવા માટે ગયા હતા. અકબરે નવજાત શિશુનું નામ ખુર્રમ રાખ્યું, કેમ કે, જ્યોતિષીઓએ સલાહ આપી હતી કે બાળકનું નામ 'ખ'થી શરૂ થવું જોઈએ.
જહાંગીરના પૌત્ર અને અકબરના પ્રપૌત્ર ઐરંગઝેબને પણ જન્માક્ષરમાં પૂર્ણ વિશ્વાસ હતો. તેમના દરબારના જ્યોતિષીઓએ તેમના રાજ્યાભિષેકનો સમય નક્કી કર્યો હતો.
જદુનાથ સરકારે પોતાના પુસ્તક 'ધ હિસ્ટરી ઑફ ઔરંગઝેબ'માં લખ્યું છે, "જ્યોતિષીઓએ જણાવ્યું હતું કે રવિવાર, 5મી જૂને સૂર્યોદયથી 3 કલાક 15 મિનિટ પછીનો સમય ઔરંગઝેબના રાજ્યાભિષેક માટે સૌથી યોગ્ય છે. યોગ્ય સમય થતાં જ જ્યોતિષીઓએ ઇશારો કર્યો અને એક પરદા પાછળ તૈયાર બેઠેલા સમ્રાટ ઔરંગઝેબ બહાર આવીને ગાદી પર બેસી ગયા."
ઔરંગઝેબના સમયમાં ભારત આવેલા ફ્રેન્ચ મુસાફર ફ્રાંસુઆ બર્નિયરે પણ ઔરંગઝેબના જ્યોતિષ પરના વિશ્વાસની પુષ્ટિ કરી છે.
બર્નિયરે લખ્યું, "જ્યોતિષીઓની સલાહથી ઔરંગઝેબે છઠ્ઠી ડિસેમ્બર 1664એ બપોરે ત્રણ વાગ્યે દક્ષિણ માટે કૂચ કરી હતી. તેમનું માનવું હતું કે લાંબી મુસાફરી માટે આ સૌથી યોગ્ય સમય છે."
એમજે અકબરે જણાવ્યું, "ઔરંગઝેબે પોતાના પુત્રને કહ્યું કે તેમના જ્યોતિષી ફઝીલ અહમદે તેમના જે જન્માક્ષર બનાવ્યા છે તેની એકેએક વાત અત્યાર સુધી સાચી પડી છે. મારા જન્માક્ષરમાં એ પણ લખ્યું છે કે મારા મૃત્યુ પછી શું થશે?"
"ઔરંગઝેબે કહ્યું, 'અજ મઅસ્ત હમાહ ફસાદ-એ-બાકી' એટલે કે મારા ગયા પછી બધી બાજુ અરાજકતા થશે. મારા મૃત્યુ પછી એવા સમ્રાટ આવશે જે અજ્ઞાની અને સંકીર્ણ માનસિકતાવાળા વ્યક્તિ હશે. જોકે, હું મારી પાછળ એક સક્ષમ વજીર અસદખાં મૂકતો જઈશ, પરંતુ મારા ચારેય પુત્રો તેમને તેમનું કામ નહીં કરવા દે.'"
જ્યોતિષીની ભવિષ્યવાણી ખોટી પડી

ઇમેજ સ્રોત, Juggernaut
એવું નથી કે જ્યોતિષીઓની બધી જ ભવિષ્યવાણીઓ સાચી પડી, ખોટી પડેલી ભવિષ્યવાણીઓને ઘણી વાર ભુલાવી દેવાઈ અથવા તો તેની નોંધ કરવામાં ન આવી.
આવી જ એક ખોટી પડેલી ભવિષ્યવાણીની કહાણી બાબરનાં પુત્રી ગુલબદન બેગમ સાથે સંકળાયેલી છે.
તેમણે પોતાના પુસ્તક 'હુમાયૂંનામા'માં લખ્યું, "જ્યોતિષી મોહમ્મદ શરીફે કહ્યું કે બાબર માટે વધુ સારું એ છે કે તેઓ ખાનવાના યુદ્ધમાં ન જાય; કેમ કે, નક્ષત્રો તેમના પક્ષમાં નથી. આ સાંભળીને શાહી સેનામાં ઉચાટ અને અવસાદની લાગણી ફેલાઈ ગઈ, પરંતુ બાબરે ભવિષ્યવાણી પર કશું ધ્યાન આપ્યા વગર પોતાની યોજનામાં કશો ફેરફાર ન કર્યો."
તેમણે પોતાના સૈનિકોને એકઠા કરીને કહ્યું, "આગરાથી કાબુલ પાછા જવામાં ઘણા મહિના થઈ જશે. જો તેઓ આ યુદ્ધમાં મરી ગયા તો શહીદ ગણાશે. જો તેઓ જીવિત રહેશે તો તેમનાં યશ અને પ્રતિષ્ઠા વધી જશે."
યુદ્ધ શરૂ થયાના બે દિવસ પહેલાં બાબરે દારૂ પીવાનું છોડી દીધું. આ ઐતિહાસિક યુદ્ધમાં ભવિષ્યવાણી ખોટી પડી અને બાબરને જીત મળી.
રાણા સાંગાની હાર થઈ અને બાબરે ભારતમાં મુઘલ શાસનનો પાયો નાખ્યો. આ ભારતના ઇતિહાસની પહેલી લડાઈ હતી જેમાં દારૂગોળાના ઉપયોગે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.
બાબરે યુદ્ધમાં હારની ભવિષ્યવાણી કરનારા જ્યોતિષી મોહમ્મદ શરીફ પર જાણી જોઈને ગેરમાર્ગે દોર્યાનો આરોપ કર્યો. જ્યોતિષીને સજા તો ન કરવામાં આવી, પરંતુ તેમને તેમના પદ પરથી હઠાવીને કાબુલ પાછા મોકલી દેવાયા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












