અમેરિકા જવા માટે O-1, L-1 અને EB-5 વિઝા કેવી રીતે મેળવશો, શું આ વિઝા H-1B વિઝાનો વિકલ્પ બની શકે?

બીબીસી ગુજરાતી અમેરિકા વિઝા પાસપોર્ટ H-1B, L-1, ઈમિગ્રેશન

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, તનિષા ચૌહાણ
    • પદ, બીબીસી સંવાદદાતા

"મે મારા ઓ-વન વિઝા મળી ગયા છે. હવે મારું ભવિષ્ય હું પોતે જ કંડારું તેનો સમય આવી ગયો છે. મારી મમ્મી પછી એક અમેરિકા જ છે, જે એવું વિચારે છે કે મારામાં કશુંક અલગ કરવાની પ્રતિભા છે."

આ શબ્દો પીયૂષના છે. તેમણે આ વાત અમેરિકાથી ઓ-વન વિઝા મળ્યાની ખુશીમાં તેમના ઍક્સ ઍકાઉન્ટ પર લખી હતી.

એવી જ રીતે તનુશ શરણાર્થી નામના 26 વર્ષના એન્જિનિયરે તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું, "એચ-વન બી વિઝા લૉટરીમાં મારું નામ ન આવ્યાનાં ત્રણ વર્ષ બાદ આખરે મને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ક્ષેત્રમાં ઓ-વન (આઇનસ્ટાઇન) વિઝા મળી ગયા છે."

અમેરિકાએ એચ-વન બી વિઝાની ફી વધારાને એક લાખ ડૉલર એટલે કે લગભગ 88 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી છે ત્યારેથી માત્ર ઓ-વન વિઝા જ નહીં, પરંતુ અમેરિકા જવાનું સપનું સાકાર કરી શકતા અન્ય પ્રકારના વિઝા બાબતે વધુ ચર્ચા થઈ રહી છે.

અમેરિકામાં એચ-વન બી વિઝા વિદેશી કર્મચારીઓને અસ્થાયી રીતે અમેરિકામાં કામ કરવાની છૂટ આપે છે. માત્ર કુશળ પ્રોફેશનલ્શને જ આ વિઝા આપવામાં આવે છે.

અમેરિકામાં 90ના દાયકામાં અનેક આઈટી અને સૉફ્ટવેર કંપનીઓ શરૂ થઈ હતી. પોતાના દેશમાં આવા પ્રોફેશનલોની કમી હોવાને કારણે અમેરિકન સરકારે આ કાર્યમાં કુશળ વિદેશી કર્મચારીઓને એચ-વન બી વિઝા આપીને અસ્થાયી રીતે નોકરી પર રાખવાની છૂટ આપી હતી.

બીબીસી ગુજરાતી અમેરિકા વિઝા પાસપોર્ટ H-1B, L-1, ઈમિગ્રેશન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાએ એચ-વન બી વિઝાની ફી લગભગ 88 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી છે

તાજેતરમાં ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિમાં ફેરફારને કારણે આ વિઝા પ્રાપ્ત કરવાનું વધુ મુશ્કેલ બની ગયું છે.

તમે વિચારતા હશો કે અમેરિકન સરકાર એવા ક્યા વિઝા પ્રદાન કરે છે, જેનાથી અમેરિકામાં વસવાટ કરવાનું તમારું સપનું સાકાર થઈ શકે.

આ સંદર્ભમાં ઓ-વન વિઝાની સાથે સાથે એલ-વન અને ઈબી-ફાઇવ વિઝા વિશે પણ ચર્ચા ચાલી રહી છે.

હવે સવાલ એ થાય કે આ ઓ-વન વિઝા છે તે એચ-બી વન અથવા ઈબી-ફાઇવ વિઝાથી કઈ રીતે અલગ છે? એલ-વન વિઝા કેટલાક ઉપયોગી છે? આવા વિઝા ઇમિગ્રેશનના વર્તમાન રાજકીય માહોલમાં તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે?

આ અહેવાલમાં આપણે એ વિઝા વિશે વાત કરીશું અને જાણીશું કે તેના માટે અરજી કેવી રીતે કરવી અને કોણ-કોણ તે વિઝા પ્રાપ્ત કરી શકે છે.

ઓ-વન વિઝા શું છે?

અમેરિકન સિટીઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસીસની વેબસાઈટ પરની માહિતી અનુસાર, ઓ-વન નૉન-ઈમિગ્રન્ટ વિઝા છે. નૉન-ઇમિગ્રન્ટ વિઝા તમને ચોક્કસ પ્રોજેક્ટ અને સમયગાળા માટે અમેરિકામાં પ્રવેશવાની છૂટ આપે છે, પરંતુ તેમાં અમેરિકામાં કાયમ માટે નિવાસ કરી શકાતો નથી.

વિજ્ઞાન, કળા, શિક્ષણ, વ્યવસાય કે ઍથ્લેટિક્સમાં વિશિષ્ઠતા હાંસલ કરી હોય તેવા લોકોને આ વિઝા આપવામાં આવે છે. મોશન પિક્ચર અથવા ટેલિવિઝન ઉદ્યોગમાં રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે વિશિષ્ટતા પ્રાપ્ત કરી હોય તેવા લોકોને પણ આ વિઝા આપી શકાય છે.

તેનો અર્થ એ થયો કે ઓ-વન વિઝા મેળવવા માટે તમારી પાસે કોઈ અનોખી સિદ્ધિ કે યોજના હોવી જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો તમારે "અસાધારણ ક્ષમતા" સાબિત કરવી જરૂરી છે.

બીબીસી ગુજરાતી અમેરિકા વિઝા પાસપોર્ટ H-1B, L-1, ઈમિગ્રેશન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિજ્ઞાન, કળા, શિક્ષણ, વ્યવસાય કે એથલેટિક્સ ક્ષેત્રે પરિવર્તન લાવ્યા હોય તેવા લોકોને ઓ-વન એ વિઝા મળે છે

જોકે, આ વિઝા માટે તમે પોતે અરજી કરી શકતા નથી. એ માટે કોઈ એજન્ટ (ઇમિગ્રેશન વકીલ) કે નોકરીદાતાની જરૂર હોય છે.

વાસ્તવમાં ઓ-વન વિઝા બે પ્રકારના હોય છેઃ ઓ-વન એ અને ઓ-વન બી.

ઓ-વન એ વિઝા વિજ્ઞાન, કળા, શિક્ષણ, વ્યવસાય કે ઍથ્લેટિક્સ ક્ષેત્રે પરિવર્તન લાવ્યા હોય તેવા લોકોને આપવામાં આવે છે.

ઓ-વન બી વિઝા મોશન પિક્ચર કે ટેલિવિઝન ઉદ્યોગમાં રાષ્ટ્રીય કે આંતરાષ્ટ્રીય સ્તરે વિશિષ્ટતા હાંસલ કરી હોય તેવા લોકોને આપવામાં આવે છે. એ ઉપરાંત ઓ શ્રેણીમાં બે અન્ય પ્રકારના વિઝા પણ હોય છે.

ઓ-ટુ વિઝાઃ આ વિઝા ઓ-વન વિઝાધારક કોઈ કળાકાર કે ઍથ્લીટના સમર્થન માટે આવવા ઇચ્છતા લોકોને ઓ-ટુ વિઝા આપવામાં આવે છે.

ઓ-થ્રી વિઝાઃ આ વિઝા ઓ-વન કે ઓ-ટુ વિઝાધારકોના જીવનસાથી કે બાળકોને ઓ-થ્રી વિઝા આપવામાં આવે છે.

આ વિઝા કોણ મેળવી શકે?

ઓ-વન વિઝા પ્રાપ્ત કરવા માટે તમારે રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ વિશિષ્ટ ક્ષેત્રમાં અસાધારણ ક્ષમતાનું પ્રદર્શન કરવું પડે છે.

એ માટે તમારે વિજ્ઞાન, કળા, શિક્ષણ, વ્યવસાય કે એથલેટિક્સ ક્ષેત્રે તમારી વિશિષ્ટ કુશળતા સાબિત કરવી પડે છે. તમે એ ક્ષેત્રમાંના સિદ્ધિપ્રાપ્ત ગણ્યાંગાંઠ્યા લોકો પૈકીના એક છો એ તમારે સાબિત કરવું પડે છે.

તમે વિચારી રહ્યા હશો કે અપવાદરૂપ હોવાનો અર્થ શું થાય?

અમેરિકન સિટીઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસીસની વેબસાઈટ પરની માહિતી અનુસાર, કળાના ક્ષેત્રમાં અસાધારણનો અર્થ છે અદ્વિતીયતા. એટલે કે કળાના ક્ષેત્રે મોટી સિદ્ધિ પ્રાપ્ત કરવી. કળા ક્ષેત્રે તમે કેટલા અગ્રણી, પ્રખ્યાત અને પ્રમુખ છો, આ ક્ષેત્રમાં તમારું કેટલું મોટું નામ છે તે માપદંડના આધારે તે નાણી શકાય છે.

એવી જ રીતે ઓ-ટુ વિઝા પ્રાપ્ત કરવા માટે તમારે એ સાબિત કરવું પડે છે કે અરજદાર ઓ-વન વિઝાધારકના પ્રદર્શન તથા સિદ્ધિ માટે કેટલો જરૂરી છે.

અરજી કેવી રીતે કરવી?

અમેરિકન સિટીઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસીસની વેબસાઇટ પરની માહિતી અનુસાર, એ માટે પહેલાં ફૉર્મ I-129, "નૉન-ઇમિગ્રન્ટ વર્કર માટે અરજી" ભરવું પડશે અને તમામ લાયકાત દર્શાવવી પડશે. તમારી અરજીનું પ્રોસેસિંગ સમયસર થાય તે સુનિશ્ચિત કરવા માટે તમારું કામ શરૂ કરવાના ઓછામાં ઓછા 45 દિવસ પહેલાં તમારા વિઝા માટે અરજી દાખલ કરવી જોઈએ.

તમારી અરજીનો સ્વીકાર થાય પછી તમે અમેરિકન ઍમ્બેસી અથવા કૉન્સ્યુલેટમાં વિઝા માટે અરજી કરી શકો છો. તમારી અરજી સંબંધી કાર્યવાહી વિદેશ વિભાગ કરશે.

જીઆઈઈસી નામની ઇમિગ્રેશન ફર્મના કન્ટ્રી હેડ શુભમ સિંહ સમજાવે છે, "તમે તમારી અરજી બાબતે કાળજીપૂર્વક કામ કરો તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તમારી સિદ્ધિ ખરેખર અનન્ય છે તે સાબિત કરતા બધા દસ્તાવેજો અથવા પુરાવા પ્રદાન કરવા જોઈએ."

એ ઉપરાંત અરજીની ભાષા, દસ્તાવેજો અને રજૂઆતમાં ખાસ કાળજી લેવી જોઈએ. તમે કરેલા બધા કાર્યોની વિગત આપવી જોઈએ.

આ સમગ્ર પ્રક્રિયામાં અઢીથી ત્રણ મહિના લાગી શકે છે.

વિઝા ફીની વાત કરીએ તો તેનો આધાર તમારા કેસ પર હોય છે.

કયા દસ્તાવેજોથી તમારી અરજી મજબૂત બની શકે?

તમારી સિદ્ધિ કેટલી અનોખી અને મહત્ત્વપૂર્ણ છે તેના આધારે તમારે અલગ-અલગ દસ્તાવેજો પ્રદાન કરવા પડશે.

રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે મળેલા પુરસ્કારો.

ચોકકસ ડ઼ક્ટરલ ડિઝર્ટેશન પુરસ્કારો અને સ્કૉલરશિપ્સ.

રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય પરિષદોમાં પ્રસ્તુતિને સ્વીકૃતિ આપતા પુરસ્કારો કે પ્રમાણપત્રો.

રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે મળેલાં સભ્યપદો.

મીડિયા પ્રકાશનો.

ઓ-વન વિઝાનો સમયગાળો

બીબીસી ગુજરાતી અમેરિકા વિઝા પાસપોર્ટ H-1B, L-1, ઈમિગ્રેશન

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકા સામાન્ય રીતે ત્રણ વર્ષના સમયગાળા માટે ઓ-વન વિઝા ઈસ્યુ કરતું હોય છે. તે સમયગાળો ત્રણ વર્ષથી ઓછો પણ હોઈ શકે છે. તમે એ સમયે તે વિશેષ ક્ષેત્રમાં શું કરી રહ્યા છો તેના પર તેનો આધાર હોય છે.

આ સમયમર્યાદાને ત્રણ વર્ષ માટે લંબાવી શકાય છે. એ માટે તમારે USCISને નીચે મુજબના દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવા પડે છે.

ફૉર્મ I-129, નૉન-ઇમિગ્રન્ટ કર્મચારી માટે અરજી.

ફૉર્મ I-94, દેશમાં પ્રવેશ અને નિકાસનો રેકૉર્ડ.

તમારો કાર્યકાળ શા માટે લંબાવવો જોઈએ, એ વિશેનું નિવેદન.

તમારે તમારા જીવનસાથી અને સંતાનો માટે પણ ફોર્મ I-539 ભરવું પડશે.

એલ – વન વિઝા શું છે?

બીબીસી ગુજરાતી અમેરિકા વિઝા પાસપોર્ટ H-1B, L-1, ઈમિગ્રેશન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગ્રીન કાર્ડ અરજદારોએ કાયમી નિવાસ માટે મહિનાઓ કે વર્ષો સુધી રાહ જોવી પડે છે

બહુરાષ્ટ્રીય કંપનીઓ એલ-વન વિઝાનો ઉપયોગ કરીને તેમના કર્મચારીઓને દાયકાઓથી વિદેશી અથવા અમેરિકા સ્થિત ઓફિસોમાં મોકલી રહી છે.

એલ-વન વિઝા પણ એક નૉન-ઇમિગ્રન્ટ વિઝા છે, જેનો ઉપયોગ કંપનીઓ તેમના કર્મચારીઓને વિવિધ દેશોમાંની શાખાઓમાં સ્થાનાંતરિત કરવા માટે કરે છે. આ વિઝા હેઠળ કર્મચારીએ છેલ્લાં ત્રણ વર્ષમાં ઓછામાં ઓછા એક વર્ષ સુધી બહુરાષ્ટ્રીય કંપનીની મૂળ શાખા, પેટા અથવા સંલગ્ન કંપનીમાં કામ કર્યું હોવું જરૂરી છે. તેઓએ ઍક્ઝિક્યુટિવ અથવા મૅનેજરિયલ ભૂમિકા કે વિશેષ ભૂમિકા (એલ-વન બી) નિભાવી હોવી જોઈએ. આ માટેની અરજી કોઈ વ્યક્તિ નહીં, પરંતુ ફક્ત કંપની જ દાખલ કરી શકે છે.

આનો અર્થ એ થાય કે તમે ભારતમાં કોઈ ચોક્કસ કંપની માટે એક વર્ષથી કામ કરી રહ્યા હો તો જ તમે અમેરિકાની એ ચોક્કસ કંપનીમાં જોડાઈ શકો છો. કોઈ બીજી કંપનીમાં જોડાઈ શકતા નથી.

આ વિઝાનો સમયગાળો એકથી ત્રણ વર્ષ સુધીનો હોઈ શકે છે. જરૂર પડ્યે તેને બે વર્ષ લંબાવી પણ શકાય છે.

હાલનો અમેરિકન ઈબી-ફાઇવ વિઝા કાર્યક્રમ શું છે?

બીબીસી ગુજરાતી અમેરિકા વિઝા પાસપોર્ટ H-1B, L-1, ઈમિગ્રેશન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઈબી-ફાઈવ વિઝાની સૌથી વધુ માંગ ચીનથી આવે છે. ભારત બીજા ક્રમ પર છે

હાલમાં ઈબી-ફાઇવ ઇમિગ્રન્ટ ઇન્વેસ્ટર વિઝા પ્રોગ્રામ અમેરિકન ગ્રીન કાર્ડ મેળવવા ઇચ્છતા વિદેશી રોકાણકારો માટે ઉપલબ્ધ છે.

અમેરિકન સંસદે વિદેશી રોકાણ આકર્ષવા માટે 1990માં ઈબી-ફાઇવ વિઝા પ્રોગ્રામ શરૂ કર્યો હતો.

ઈબી-ફાઇવ વિઝા પ્રોગ્રામ એવા લોકો માટે છે કે જેઓ અમેરિકમાં ઓછામાં ઓછા દસ લોકો માટે રોજગારનું સર્જન કરવા આશરે દસ લાખ ડૉલરનું રોકાણ કરે છે.

મોટાભાગના ગ્રીન કાર્ડ અરજદારોએ કાયમી નિવાસ માટે મહિનાઓ કે વર્ષો સુધી રાહ જોવી પડે છે, પરંતુ આ પ્રોગ્રામ હેઠળ રોકાણકારોને તેમના રોકાણના બદલામાં તત્કાળ ગ્રીન કાર્ડ મળે છે.

અમેરિકાના વિદેશ વિભાગના જણાવ્યા અનુસાર, ઈબી-ફાઇવ પ્રોગ્રામ દર વર્ષે 10,000 વિઝા સુધી મર્યાદિત છે. તેમાં 3,000 વિઝા, વ્યાપક બેરોજગારીવાળા ક્ષેત્રોમાં રોકાણ કરવા ઇચ્છતા હોય એવા રોકાણકારો માટે અનામત હોય છે.

ભારતીયોમાં ઈબી-ફાઇવ વિઝા ટ્રેન્ડ્સ

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમેરિકન ઈબી-ફાઇવ વિઝાની સૌથી વધુ માંગ ચીનથી આવે છે. એ પછીના ક્રમે ભારત છે.

ઇન્વેસ્ટ ઇન અમેરિકા (IIUSA) દ્વારા આપવામાં આવેલી વિગત અનુસાર, ભારતીય નાગરિકોમાં ઈબી-ફાઇવ વિઝાની માંગ સતત વધી રહી છે.

2014થી 2024 સુધીના ડેટા પર નજર કરીએ તો જાણવા મળે છે કે 2024માં માંગમાં સૌથી મોટો વધારો જોવા મળ્યો હતો.

2024માં ભારતીય નાગરિકોના 1,428 ઈબી-ફાઇવ વિઝા ઇસ્યુ કરવામાં આવ્યા હતા, જે અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા છે.

એ પહેલાં 2022માં પણ આવો વધારો જોવા મળ્યો હતો. એ વખતે ભારતીય નાગરિકોને 1,381 ઈબી-ફાઇવ વિઝા આપવામાં આવ્યા હતા. 2023માં કુલ 815 ઈબી-ફાઇવ વિઝા ઇસ્યુ કરવામાં આવ્યા હતા.

પાછલાં વર્ષોમાં આ સંખ્યા ઘણી ઓછી હતી.

2014માં 96, 2015માં 111, 2016માં 149, 2017માં 174, 2018માં 585, 2019માં 760, 2020માં 613 અને 2021માં 211 ભારતીય નાગરિકોને ઈબી-ફાઇવ વિઝા આપવામાં આવ્યા હતા.

USCIS દ્વારા બહાર પાડવામાં આવેલો તાજેતરનો ડેટા દર્શાવે છે કે આ માંગ સતત વધી રહી છે.

IIUSA ખાતે પોલિસી રિસર્ચ અને ડેટા ઍનલિસ્ટ લી લાઈના મતાનુસાર, ઈબી-ટુ અને ઈબી-થ્રી વિઝાની સરખામણીએ ઈબી-ફાઇવ વિઝા કાયમી નિવાસ મેળવવાનો સૌથી ઝડપી માર્ગ છે. ઈબી-ટુ અને ઈબી-થ્રી વિઝા માટે અરજી કરનારા ભારતીય નાગરિકોનો પહેલેથી જ મોટો બૅકલૉગ છે.

આ વિઝા વધુ સારો વિકલ્પ હોઈ શકે?

બીબીસી ગુજરાતી અમેરિકા વિઝા પાસપોર્ટ H-1B, L-1, ઈમિગ્રેશન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇમિગ્રેશન નિષ્ણાતો કહે છે કે ઓ-વન વિઝા એક સારો વિકલ્પ હોઈ શકે છે

ફર્મ GIEC ના કન્ટ્રી હેડ શુભમ સિંહ કહે છે કે ઓ-વન વિઝા તમારા કાયમી નિવાસ વિઝા માટેનો માર્ગ મોકળો કરી શકે છે.

તેમના કહેવા મુજબ, આ વિઝા એચ-વન બી અથવા ઈબી-ફાઇવ જેવી વિઝા કરતાં વધુ ઝડપથી મેળવી શકાય છે.

એ ઉપરાંત તે મર્યાદા વિનાનો વિઝા છે એટલે કે દર વર્ષે એવા કેટલા વિઝા ઇસ્યુ કરી શકાય તેની કોઈ મર્યાદા નથી. આ માટે વર્ષના કોઈ પણ સમયે અરજી કરી શકાય છે અને તેમાં કોઈ લૉટરી સિસ્ટમ પણ નથી.

ઇમિગ્રેશન નિષ્ણાતો કહે છે કે ઓ-વન વિઝા એક સારો વિકલ્પ હોઈ શકે છે. તે મેળવવાનું સરળ નથી તો બહુ મુશ્કેલ પણ નથી. તમે તમારી પ્રોફાઇલ ધીમે ધીમે સુધારી શકો છો અને તેને મજબૂત બનાવી શકો છો. તમારી સિદ્ધિઓ વિશિષ્ટ હોય તો નિષ્ણાતો સાથે વાત કરીને બહેતર દસ્તાવેજો પણ પ્રાપ્ત કરી શકો છો.

ઇન્ડિયન ઍક્સપ્રેસ અખબાર સાથે વાત કરતાં ટેક્સસના વકીલ ચાંદ પાર્વથાન્યાનીએ કહ્યું હતું, "એલ-વન વિઝાનો અસ્વીકૃતિ દર એચ-વન બી વિઝા કરતાં વધારે છે, પણ દરેક વ્યક્તિ તેનો લાભ લઈ શકતી નથી. તેથી ચોક્કસ માહિતી હોવી જરૂરી છે. આ વિઝા ફક્ત વિશિષ્ટ કર્મચારીઓને જ મળે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન