સાસુ-જમાઈના અફેર પર બનેલી ફિલ્મ સૌથી વધુ મુસ્લિમો ધરાવતા ઇન્ડોનેશિયામાં વાઇરલ કેમ થઈ?

ઇન્ડોનેશિયાની ફિલ્મ, નારોમા, જમાઈ અને સાસુ વચ્ચે પ્રેમસંબંધ, ટિકટૉક ઉપર વાઇરલ વીડિયો પરથી ફિલ્મ, સારી ઇન્ડોનેશિયન ફિલ્મો, નેટફ્લિક્સ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Netflix

ઇમેજ કૅપ્શન, 'નોરમા'એ સાસુ અને જમાઈ વચ્ચેના પ્રેમપ્રસંગની કહાણી છે.
    • લેેખક, કોહ વી તથા રિયાના ઇબ્રાહિમ
    • પદ, સિંગાપોર, બીબીસી

છેલ્લા કેટલાક મહિનાથી ઇન્ડોનેશિયાના સિનેમાપ્રેમીઓ 'નોરમા' નામની ફિલ્મની ચર્ચા કરી રહ્યા છે.

આ ફિલ્મમાં એવા દંપતીની વાત છે કે જે બહારથી તો ખુશખુશાલ દેખાય છે, પરંતુ સાસુ-જમાઈના પ્રેમસંબંધને કારણે તેમની વચ્ચે દીવાલ ઊભી થઈ જાય છે.

આ એવો પ્લૉટ છે કે જે મેલોડ્રામાના ચાહકોને હંમેશા પોતાની તરફ આકર્ષતો રહ્યો છે. સમગ્ર દેશમાં વાઇરલ થયેલી ફિલ્મ 'નોરમા' વાસ્તવમાં સત્ય ઘટના ઉપર આધારિત છે અને તે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાઇરલ થઈ હતી.

ઇન્ડોનેશિયાના જાવા દ્વીપ ઉપર સેરાંગ શહેરમાં રહેતાં નોરમા રિસ્મા નામનાં મહિલાએ ટિક-ટૉક વીડિયોમાં પોતાના પતિ અને પોતાની માતા વચ્ચેનાં અફેરની વાત કહી હતી.

ટૂંક સમયમાં આ દાસ્તાન ખૂબ જ વાઇરલ થઈ ગઈ હતી અને તેને લાખો વ્યૂઝ મળ્યા હતા. તેઓ અનેક દિવસ સુધી ચર્ચામાં રહ્યા, એ પછી તેમને એક ફિલ્મની ડીલ મળી.

'નોરમા' માર્ચ મહિનામાં ઇન્ડોનેશિયાના થિયેટરોમાં રજૂ થઈ હતી અને ઑગસ્ટ મહિનામાં તે નૅટફ્લિક્સ ઉપર રિલીઝ થઈ હતી.

તે ન કેવળ ઇન્ડોનેશિયામાં, પરંતુ મલેશિયા અને સિંગાપોર જેવા દેશોમાં પણ 'સૌથી વધુ જોવાયેલી ફિલ્મ'ની યાદીમાં સામેલ થઈ ગઈ છે. આ દેશોમાં મલય-મુસલમાનોની સંખ્યા નોંધપાત્ર છે.

તાજેતરમાં ઇન્ડોનેશિયાના ફિલ્મ નિર્માતાઓએ સફળ ફિલ્મની ફૉર્મ્યુલા શોધી કાઢી છે. જે મુજબ, તેઓ સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયેલા સ્કૅન્ડલોને રૂપેરી પરદે ઉતારે છે.

વાઇરલ વાર્તાઓ ઉપરથી ફિલ્મ બનાવવાનું ચલણ

ઇન્ડોનેશિયાની ફિલ્મ, નારોમા, જમાઈ અને સાસુ વચ્ચે પ્રેમસંબંધ, ટિકટૉક ઉપર વાઇરલ વીડિયો પરથી ફિલ્મ, સારી ઇન્ડોનેશિયન ફિલ્મો, નેટફ્લિક્સ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Netflix

ઇમેજ કૅપ્શન, 'નોરમા'ની કહાણી રિયલ લાઇફની ઘટના ઉપર આધારિત

'KKN di Desa Penari' (વર્ષ 2022) નામની ફિલ્મ જૂન મહિના સુધી સૌથી સફળ ઇન્ડોનેશિયન ફિલ્મ હતી.

તે છ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સને થયેલા ડરામણા અનુભવો ઉપર આધારિત હતી.

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઉપર વાઇરલ થયેલી થ્રેડ ઉપરથી પ્રેરણા લઈને આ ફિલ્મ બનાવવામાં આવી હતી.

વર્ષ 2023માં 'Sewu Dino' નામની હૉરર ફિલ્મ રિલીઝ થઈ હતી. તે પણ ઉપરોકત ઍક્સ એકાઉન્ટની કહાણી ઉપર આધારિત હતી.

અન્ય કેટલીક બૉલ્ડ અને વિવાદાસ્પદ કહાણીઓ પણ ખૂબ જ લોકપ્રિય થઈ હતી.

વર્ષ 2024માં રજૂ થયેલી ફિલ્મ 'Ipar Adalah Maut' માં એક યુવક અને તેનાં ભાભી વચ્ચેના અફેરને ફિલ્મ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું હતું.

આ ફિલ્મ સત્યઘટના ઉપર આધારિત હતી અને તેને એક ટિક ટૉક વીડિયોમાંથી ઍડેપ્ટ કરવામાં આવી હતી.

આવી જ રીતે, વર્ષ 2022માં રજૂ થયેલી ડ્રામા સિરીઝ 'Layangan Putus' ની પ્રેરણા પણ ટિક-ટૉક પરથી લેવામાં આવી હતી. જેમાં એક બેવફા પતિ પતિને કારણે વિખેરાઈ ગયેલા પરિવારની વાતને રજૂ કરવામાં આવી હતી.

ઇન્ડોનેશિયાની સંસ્કૃતિ અને સિનેમા

ઇન્ડોનેશિયાની ફિલ્મ, નારોમા, જમાઈ અને સાસુ વચ્ચે પ્રેમસંબંધ, ટિકટૉક ઉપર વાઇરલ વીડિયો પરથી ફિલ્મ, સારી ઇન્ડોનેશિયન ફિલ્મો, નેટફ્લિક્સ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Netflix

ઇમેજ કૅપ્શન, ઇન્ડોનેશિયામાં લગ્નેત્તર સંબંધ એ સજાપાત્ર ગુનો

થોડા સમય પહેલાં સુધી આ પ્રકારની કહાણીઓ ઇન્ડોનેશિયામાં 'ટૅબૂ' હતી.

ઇન્ડોનેશિયામાં લગ્નેત્તર સંબંધ માટે જેલની સજા પણ થઈ શકે છે. ઇન્ડોનેશિયાનો નવો ફોજદારી કાયદો આવતા વર્ષથી લાગુ થશે, જેમાં લગ્નેત્તર સંબંધને 'ગેરકાયદેસર' જાહેર કરવામાં આવ્યા છે.

ઇન્ડોનેશિયાના સૌથી રૂઢિવાદી પ્રાંતમાં લગ્ન પૂર્વે જાતીયસંબંધ બાંધવા બદલ જાહેરમાં ચાબૂક ફટકારવામાં આવે છે.

જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે ધાર્મિક રીતે રૂઢિવાદી સંસ્કૃતિ ધરાવતા દેશમાં બીજાના ઘરમાં ચાલી રહેલાં આવાં સ્કૅન્ડલ્સ વિશે જાણવાની અને ઝાંખવાની ઉત્સકુતા તાજેતરના સમયમાં વધી છે.

અગાઉ જે કહાણીઓ માત્ર આસ-પાડોશની 'ગૉસિપ' પૂરતી મર્યાદિત હતી, તે હવે સોશિયલ મીડિયાને કારણે વાઇરલ થઈ જાય છે.

'જકાર્તા આર્ટ્સ કાઉન્સિલ ફિલ્મ સમિતિ'ના સભ્ય એસએમ ગીટી ટામ્બુનને બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "આ સ્કૅન્ડલો ઉપર બનેલી ફિલ્મોને કારણે લોકોને અન્ય કોઈના જીવનમાં ઝાંખવાનો રસ્તો મળી રહે છે."

"રૂઢિવાદી માહોલને કારણે લોકો વધુ પડતાં ઉત્સુક થઈ જાય છે."

આ અંગે લોકો શું કહે છે?

ઇન્ડોનેશિયાની ફિલ્મ, નારોમા, જમાઈ અને સાસુ વચ્ચે પ્રેમસંબંધ, ટિકટૉક ઉપર વાઇરલ વીડિયો પરથી ફિલ્મ, સારી ઇન્ડોનેશિયન ફિલ્મો, નેટફ્લિક્સ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Dee Company Documents

ઇમેજ કૅપ્શન, 'નોરમા'ને કારણે ઇન્ડોનેશિયામાં અનૈતિક તથા લગ્નેત્તર સંબંધો અંગે ચર્ચા શરૂ થઈ છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

'નોરમા'ની કહાણી ટિક-ટૉક ઉપર વાઇરલ થઈ, ત્યારથી જકાર્તાનાં 42 વર્ષીય ગૃહિણી વેરો તેને ફૉલો કરી રહ્યાં છે.

વેરોએ બીબીસી ઇન્ડોનેશિયા સાથેની વાતચીતમાં કહ્યું કે આ કહાણીએ તેમને "પતિ અને માતા એમ બંને ઉપર ગુસ્સો" અપાવ્યો.

વેરાએ કહ્યું, "જ્યારે મને ખબર પડી કે આ કહાણી ઉપર ફિલ્મ બની રહી છે, તો મને થયું કે મારે ફિલ્મ જોવી છે. આ લોકોએ નોરમા સાથે કેટલો નિર્મમ વર્તાવ કર્યો છે."

ફિલ્મના ક્લાઇમૅક્સ સીન સમયે તેઓ થિયેટરમાં જ રડવા લાગ્યાં હતાં.

આ સીનમાં પોતાનાં ઘરની બહાર એકઠી થયેલી ભીડને પાર કરતાં નોરમા પોતાનાં ઘરમાં પ્રવેશે છે. જ્યાં નોરમાનાં માતા અને પતિ વાંધાજનક અવસ્થામાં હતાં.

ફિલ્મ નોરમામાં જમાઈ અને સાસુ વચ્ચેનાં રૉમેન્ટિક દૃશ્યોએ દર્શકોને ચોંકાવ્યા અને તેમનું ધ્યાન આકર્ષિત કર્યું.

ફિલ્મમાં સાસુ-જમાઈને કિસ કરે છે, એવું એક દૃશ્ય છે. જેની ઉપર ટિપ્પણી કરતા એક ટિક-ટૉક યૂઝરે લખ્યું, "આ દૃશ્ય શૂટ કર્યાં બાદ, એમને ચોક્કસથી પોતાની ઉપર સૂગ ચઢી હશે."

ફિલ્મમાં જ્યારે એક મિત્રને આ પ્રકારના સંબંધો વિશે જાણકારી મળે છે, તો તે ઊલટી કરી દે છે.

એસએમ ગીટી ચેતવણી આપે છે કે આ પ્રકારની કહાણીઓમાં એક ખતરનાક પ્રવૃત્તિ હોય છે. તેમાં મોટાભાગે બેવફાઈ કરનારા પુરુષને બદલે મહિલાઓને વધુ દોષિત ઠેરવવામાં આવે છે.

તેઓ કહે છે, "પત્ની અને પ્રેમિકા વચ્ચેના ઝગડામાં સામાન્ય રીતે પુરુષને કોઈ સજા નથી થતી."

ફિલ્મનાં સ્ક્રીનરાઇટર ઓકા ઔરોરાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે ફિલ્મના મુખ્ય પાત્રની સર્જનાત્મક ભાગીદારી 'નોરમા'ને અન્ય ફિલ્મોથી અલગ ઓળખ આપે છે.

ઓકા ઔરોરા ટિક-ટૉકથી પ્રેરિત હોય એવી અનેક કહાણીઓની સ્ક્રિપ્ટ લખી ચૂક્યાં છે.

ઓકા કહે છે કે નોરમાએ તેમની લગાણી અને તેમનાં માતા વિશે કલાકો સુધી વાતચીત કરી હતી. એટલે ફિલ્મની કેન્દ્રવર્તી વાર્તાએ મહદંશે સત્ય ઘટના ઉપર આધારિત છે.

ઓકા ઔરોરાએ ઉમેર્યું, "ફિલ્મનાં કેટલાંક દૃશ્યોને નાટકીય રીતે રજૂ કરવામાં આવ્યાં છે, જેથી કરીને દર્શકો આ ફિલ્મ સાથે ભાવનાત્મક રીતે જોડાણ અનુભવે."

ઓકા ઔરોરા કહે છે, "આ ફિલ્મ લોકો માટે પોતાની લાગણીઓને બહાર કાઢવાનું અને થોડું મનોરંજન મેળવવાનું પણ માધ્યમ છે. જેથી કરીને થિયેટરમાંથી બહાર નીકળે, ત્યારે તેમની પાસે વિચારવા તથા વાત કરવા માટે કશું હોય."

એ પછી નોરમાનાં જીવનમાં શું બન્યું?

ઇન્ડોનેશિયાની ફિલ્મ, નારોમા, જમાઈ અને સાસુ વચ્ચે પ્રેમસંબંધ, ટિકટૉક ઉપર વાઇરલ વીડિયો પરથી ફિલ્મ, સારી ઇન્ડોનેશિયન ફિલ્મો, નેટફ્લિક્સ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નોરમાની કહાણી ઇન્ડોનેશિયાના જાવા દ્વીપ પર આકાર લે છે, જે સુંદર ટાપુઓ માટે વિખ્યાત છે

રિયલ લાઇફમાં નોરમા આજે પણ તેમનાં ગૃહનગર સેરાંગમાં રહે છે અને આઉટસૉર્સ્ડ વર્કર તરીકે કામ કરે છે.

નોરમાનાં માતા રિહાનાએ અનૈતિક સંબંધ બાંધવાના ગુના સબબ આઠ મહિનાની જેલની સજા ભોગવી છે અને ફરીથી પરિવાર સાથે રહે છે.

નોરમાના પૂર્વ પતિ રોજીને નવ મહિનાની જેલની સજા થઈ હતી.

ફેબ્રુઆરી મહિનામાં આ ફિલ્મ રિલીઝ થઈ, ત્યારે નોરમાએ મીડિયા સાથે વાત કરી હતી.

નોરમાએ ત્યારે કહ્યું હતું કે પતિઓની છેતરપિંડીનો ભોગ બનેલી અન્ય મહિલાઓએ તેમને મૅસેજ કર્યા હતા, જેના કારણે તેમને ટકી રહેવાની હિંમત મળી હતી.

નોરમાએ કહ્યું, "મારી સાથે જ્યારે આ બધું ઘટ્યું, ત્યારે મને વિચાર આવતો કે મને જ કેમ દગો મળ્યો, એ પણ મારી સૌથી નજીકની વ્યક્તિ પાસેથી? શું હું જ આ બધું ભોગવી રહી છું?"

"પરંતુ, જ્યારે મેં આ અંગે અવાજ ઉઠાવ્યો, ત્યારે મને ખબર પડી કે બીજા પણ ઘણાં લોકોએ આ બધું વેઠ્યું છે."

ઇન્ડોનેશિયાની ફિલ્મ, નારોમા, જમાઈ અને સાસુ વચ્ચે પ્રેમસંબંધ, ટિકટૉક ઉપર વાઇરલ વીડિયો પરથી ફિલ્મ, સારી ઇન્ડોનેશિયન ફિલ્મો, નેટફ્લિક્સ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇન્ડોનેશિયામાં તાજેતરમાં અનેક ફિલ્મો સોશિયલ મીડિયા પોસ્ટ્સ કે ટિક-ટૉક વીડિયો પરથી બની છે.

સ્ક્રીનરાઇટર ઓકા ઔરોરા આ ફિલ્મ સાથે જોડાયેલા નારીવાદી સંદેશ ઉપર ભાર મૂકે છે.

ઓકા ઔરોરા કહે છે, "જે મહિલાઓ હિંસા તથા પાર્ટનર દ્વારા થતી બેવફાઈ સહન કરે છે. તેઓ સામે આવે અને અવાજ ઉઠાવે...આ ફિલ્મ એ દિશામાં નાનકડું પગલું છે."

બીજી બાજુ, એસએમ ગીટીનું કહેવું છે, નોરમા જેવી ઘરેલું સમસ્યાઓ સામે ઝઝૂમતી સત્ય ઘટનાઓથી પ્રેરિત ફિલ્મનો ઉપયોગ એવા મંચ તરીકે કરી શકાય છે કે જે પિત્તૃસત્તાક સમાજમાં મહિલાઓને સશક્ત બનાવવામાં મદદ કરે અને તેમને પોતાનો અવાજ ઉઠાવવા માટે હિંમત આપે.

બીબીસીએ નોરમા સમક્ષ ઇન્ટરવ્યૂ માટે પ્રસ્તાવ મૂક્યો હતો, જેને નોરમાએ નકારી દીધો હતો.

જોકે, નોરમા હજુ પણ તેમનાં જીવન વિશેની વાતોને પોતાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર શૅર કરતાં હોય છે. ઇન્ડોનેશિયાના લોકો તેમને ભરપૂર સમર્થન અને પ્રેમ આપે છે.

નોરમાએ થોડા દિવસો અગાઉ ટિક-ટૉક ઉપર કૅક ખાતી કેટલીક તસવીરો પોતાના સોશિયલ મીડિયા હૅન્ડલ પર પોસ્ટ કરી હતી. આ કૅક કથિત રીતે ફિલ્મના પ્રોડક્શન હાઉસે મોકલી હતી. આ પોસ્ટને સેંકડો લોકોએ વધાવી હતી.

કૉમેન્ટમાં એક યૂઝરે લખ્યું, "મિસ નોરમા, જ્યારે મેં તમારી જિંદગીની કહાણીને ફિલ્મસ્વરૂપે જોઈ, તો હૃદયપૂર્વક તમને ગળે મળવાનું મન થયું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન