ગોધરામાં એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને પોલીસમથકે બોલાવાયા બાદ પથ્થરમારો, પોલીસનો લાઠીચાર્જ, શું છે સમગ્ર મામલો?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ગોધરા, પોલીસ સ્ટેશન, પોલીસ,

ઇમેજ સ્રોત, Dakshesh Shah

ઇમેજ કૅપ્શન, શુક્રવારે ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશન પર પથ્થરમારાની ઘટના બની હતી.

શુક્રવારે રાત્રે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથક ખાતે એક સમુદાયના ટોળાએ હોબાળો મચાવ્યાની ઘટના સામે આવી હતી.

પ્રાથમિક માહિતી મુજબ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને પોલીસમથકે બોલાવાયા બાદ તેમણે એક વીડિયો બનાવી વાઇરલ કરતાં એક સમુદાયના ટોળેટોળાં પોલીસમથકે એકત્રિત થયાં હતાં.

આ ટોળાએ પોલીસમથકનો ઘેરાવો કરી પથ્થરમારો કરતાં પરિસ્થિતિ વધુ વિકટ બની હતી.

પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા તેમજ ટોળાને વિખેરવા માટે ટિયરગૅસ સેલ છોડવાની સાથોસાથ લાઠીચાર્જ કર્યો હતો.

પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર આ ટોળાએ ગોધરા શહેરમાં આવેલી પોલીસ ચોકી નંબર ચારને પણ નુકસાન પહોંચાડ્યું હતું.

ઘટનાને પગલે પંચમહાલ ગોધરા રેન્જના આઇજી,જિલ્લા પોલીસ અધીક્ષક સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

આ ઉપરાંત એકત્ર થયેલા ટોળાના અગ્રણીઓ અને સેવાભાવી લોકોએ પણ ઘટનાસ્થળે પહોંચીને શાંતિનો માહોલ સ્થાપિત કર્યો હતો.

હાલ સમગ્ર મામલો શાંત થયો છે.

આ સમગ્ર મામલે ગોધરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં પથ્થરમારા અને તોડફોડની ઘટનામાં 87 લોકો સામે નામજોગ અને ટોળાને આરોપી બનાવાયું છે.

સમગ્ર ઘટના અંગે વિગતવાર જાણવા માટે બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો હતો.

પોલીસે શું કહ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ગોધરા, પોલીસ સ્ટેશન, પોલીસ,

ઇમેજ સ્રોત, Dakshesh Shah

ઇમેજ કૅપ્શન, પંચમહાલ જિલ્લા પોલીસ અધીક્ષક ડૉ. હરેશ દૂધાત

સમગ્ર મામલા અંગે પંચમહાલ જિલ્લા પોલીસ અધીક્ષક ડૉ. હરેશ દૂધાતે જણાવ્યું હતું કે, "ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથક વિસ્તારમાં એક યુવક વાંરવાર અમુક પ્રકારની પોસ્ટ વાઇરલ કરતો હતો."

"હાલમાં નવરાત્રીને ધ્યાને લઈ આવી પોસ્ટ વાઇરલ નહીં કરવાનું સમજાવવા માટે યુવકને પોલીસમથક ખાતે બોલાવવામાં આવ્યો હતો."

"પરંતુ આ દરમિયાન એવી ગેરસમજણ ઊભી થઈ કે યુવકને તેણે લગાવેલ ધાર્મિક પોસ્ટર મામલે ધમકાવવા બોલાવવામાં આવ્યો હતો."

એસપી દૂધાતે આગળ જણાવતાં કહ્યું હતું કે, "ગેરસમજ થતાં લોકોનાં ટોળાં એકત્રિત થયાં હતાં અને ઉશ્કેરાટ વ્યાપ્યો હતો. આ ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠી ચાર્જ કરવાની ફરજ પડી હતી."

તેમણે કહ્યું કે આ ઉપરાંત સમાજના આગેવાનો સાથે વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી લોકોને સમજાવ્યા છે. કાયદો અને વ્યવસ્થા ખોરવાય તેવી કોઈ બાબત નથી. હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે.

ઘટનાના વાઇરલ વીડિયોમાં શું જોવા મળ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ગોધરા, પોલીસ સ્ટેશન, પોલીસ,

ઇમેજ સ્રોત, Dakshesh Shah

ઇમેજ કૅપ્શન, ભીડને કાબૂ કરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાની વાત કહી હતી.

આ ઘટના બાદ તેના ઘણા વાઇરલ વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા જોવા મળ્યા હતા.

એક વાઇરલ વીડિયોમાં પોલીસમથકની સામે ભારે ભીડ ભેગી થયેલી જોવા મળી રહી હતી. જેમાં ભેગા થયેલા લોકો ધાર્મિક નારા પોકારતાં સંભળાઈ રહ્યા હતા.

બીજા એક વીડિયોમાં એવો દાવો કરાયો હતો કે 'પોલીસે ધાર્મિક પોસ્ટ હઠાવવાનું' કહ્યું હતું, જેથી આ પ્રતિક્રિયા અપાઈ છે.

અન્ય એક વીડિયોમાં કહેવાતા ઇન્ફ્લુએન્સર યુવકે દાવો કર્યો હતો કે તેમને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ સોશિયલ મીડિયા પોસ્ટ કરવા મામલે ફોન કરીને બોલાવીને માર માર્યો હતો.

અન્ય એક વીડિયોમાં પોલીસ સ્ટેશનના ગેટ આગળ ઘણાં બધાં પગરખાં પડેલાં દેખાતાં હતાં. આ ઉપરાંત પોલીસકર્મીઓ લોકોને સ્થળ પરથી ભગાડી રહ્યા હતા.

જોકે, પંચમહાલ જિલ્લાના બીબીસી સહયોગી દક્ષેશ શાહના જણાવ્યા પ્રમાણે આ વિશે કોઈ બોલવા તૈયાર નથી.

વડોદરામાં પણ બની પથ્થરમારાની ઘટના

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ગોધરા, પોલીસ સ્ટેશન, પોલીસ,

ઇમેજ સ્રોત, Hardik

ઇમેજ કૅપ્શન, વડોદરા પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.

શુ્ક્રવારે વડોદરાના જૂનીગઢી વિસ્તારમાં પણ પથ્થરમારાની ઘટના બની હતી. નોંધનીય છે કે આ વિસ્તાર શહેરના સંવેદનશીલ વિસ્તારો પૈકી એક છે.

પ્રાથમિક માહિતી પ્રમાણે એઆઇના માધ્યમથી મુસ્લિમોના પવિત્ર ધાર્મિક સ્થળની વિવાદિત પોસ્ટ બાદ મામલો વણસ્યો હતો.

જે બાદ એક સમુદાયના ઉશ્કેરાયેલા લોકોએ નવરાત્રી પંડાલને નિશાન બનાવ્યો હતો.

પથ્થરમારાની ઘટનામાં કેટલાંક વાહનો અને લારીગલ્લાને પણ ભારે નુકસાન થયું હતું.

ભારે સંખ્યામાં આ સમાજના લોકો સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

ટોળાએ ઉશ્કેરાઈને રસ્તો બ્લૉક કર્યો હતો.

ઘટનાની ગંભીરતા જોતાં પોલીસ કાફલો તથા ઍડિશનલ પોલીસ કમિશનર પણ સ્થળ પર દોડી આવ્યા હતા.

રસ્તો ક્લિયર કરવવા પોલીસે ધર્મગુરુઓની મદદ લેવી પડી હતી. તેમજ પબ્લિક ઍનાઉન્સમેન્ટ પણ કરવી પડી હતી. ફરિયાદની બાંયધરી અપાતા આ સમુદાયના લોકો શાંત થયા હતા અને રસ્તો કર્યો ક્લિયર કરાયો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન