ગુજરાતમાં નવરાત્રિ પહેલાં વરસાદની આગાહી, ક્યાં ક્યાં ભારે વરસાદ પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં થોડા દિવસોથી વરસાદનું જોર ઘટ્યું છે. જોકે હજુ પણ આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની શક્યતા જોવાઈ રહી છે.
એકાદ અઠવાડિયા અગાઉ ધોધમાર વરસાદનો સામનો કરનાર રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં હાલ છૂટોછવાયો અને ધીમી ધારે વરસાદ પડતો દેખાઈ રહ્યો છે.
ચોમાસું હવે વિદાય તરફ આગળ વધી ચૂક્યું છે ત્યારે ફરી એક વાર ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે.
નોંધનીય છે કે ગુજરાતમાં આગામી 22 તારીખથી આસો નવરાત્રિની શરૂઆત થવાની છે. ત્યારે આગાહી પ્રમાણે નવરાત્રિના શરૂઆતના દિવસોમાં કેટલાક જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે.
ચોમાસાના વિદાય સમયે વરસાદની આગાહી
ગુજરાતમાં હવામાન સંબંધિત પરિસ્થિતિની વાત કરીએ તો ભટિંડા, ફતેહાબાદ, પિલાની, અજમેર, ડીસા અને ભુજથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિદાય રેખા પસાર થઈ રહી છે.
આ ઉપરાંત મરાઠવાડા અને આસપાસના વિસ્તારોમાં દરિયાની સપાટીથી દોઢ કિમી ઉપર અપર ઍર સાયક્લૉનિક સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે.
શુક્રવારે દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો.
ગુજરાતમાં કયા જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે?

ઇમેજ સ્રોત, imd
ભારતના હવામાન વિભાગની આગાહી મુજબ શનિવારે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદ ખાતે આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આવી જ રીતે રવિવાર, સોમવાર અને મંગળવારે પણ સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાનાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.
20 સપ્ટેમબરે દીવ, દમણ, દાદર અને નગરહવેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદની ચેતવણી અપાઈ છે.
તેમજ આ જ દિવસે ભરૂચ અને સુરત જિલ્લામાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
ગુજરાતમાં નોંધાયો 108 ટકાથી વધુ વરસાદ
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાત સરકારે જાહેર કરેલી માહિતી મુજબ રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 18 સપ્ટેમ્બરની સ્થિતિએ સરેરાશ 108 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.
સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન સેન્ટર (SEOC) ગાંધીનગર અનુસાર આ સિઝનમાં સૌથી વધુ કચ્છ પ્રદેશમાં 135 ટકા, ઉત્તર ગુજરાતમાં 118 ટકા, દક્ષિણ ગુજરાતમાં 112 ટકા, પૂર્વ-મધ્યમમાં 110 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 93 ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે.
વધુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડૅમમાંથી 145 ડેમ હાઈ ઍલર્ટ એટલે કે 70થી 100 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 12 ડૅમ ઍલર્ટ પર તેમજ 17 ડૅમ વૉર્નિંગ પર મૂકવામાં આવ્યા છે.
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડૅમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના 93 ટકાથી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે.
ગુજરાતમાં નોંધપાત્ર વરસાદના પરિણામે ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં સરેરાશ કુલ 97.72 ટકા વિસ્તારમાં ખરીફ –ચોમાસું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 22 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર જ્યારે બીજા ક્રમમાં 20 લાખ હેક્ટરમાં કપાસ જ્યારે ત્રીજા ક્રમમાં નવ લાખ હેક્ટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમ, કૃષિ વિભાગની યાદીમાં જણાવાયું છે.
અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વર્ષ 2022માં 122 ટકા, વર્ષ 2023માં 108 ટકા અને વર્ષ 2024માં 143 ટકા વરસાદ નોંધાયો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













