અંતરિક્ષમાં યુદ્ધ થાય તો ભારત અમેરિકા-ચીન સામે કેટલું મજબૂત?

ઇમેજ સ્રોત, Getty Images
એપ્રિલ-2025માં અમેરિકાના કૉલોરાડો શહેરમાં આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ ઉદ્યોગનું મોટું સંમેલન થયું. અમેરિકા આ ક્ષેત્રમાં શક્તિશાળી છે અને ચીન પણ નવા શક્તિકેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. તેમની પાસે અત્યાધુનિક સેટેલાઇટ છે.
ચીન અવકાશમાં જ ઉપગ્રહોનો નાશ કરી શકે તે પ્રકારનાં હથિયારોનું પરીક્ષણ કરી રહ્યું છે અને રશિયા પાસે આવાં હથિયાર છે.
અમેરિકાની અંતરિક્ષ કમાન્ડના વડા જનરલ સ્ટિફન વ્હિટિંગે આ કાર્યક્રમમાં કહ્યું હતું કે અંતરિક્ષ પણ યુદ્ધક્ષેત્ર બની ગયું છે અને તે વાતમાં કોઈ શંકા નથી.
જનરલ વ્હિટિંગે કહ્યું હતું કે હજુ સુધી કોઈ પણ દેશ યુદ્ધને અંતરિક્ષ સુધી લઈ નથી ગયો અને અમેરિકા એમ કરવા નથી માગતું.
ત્યારે વિશ્વ ઉપર સેટેલાઇટ યુદ્ધનું કેટલું મોટું જોખમ તોળાઈ રહ્યું છે, તેના વિશે જાણવાનો પ્રયાસ કરીએ.
પૃથ્વીની કક્ષામાં 11,700 સક્રિય સેટેલાઇટ

ઇમેજ સ્રોત, Getty Images
ઑસ્ટ્રેલિયન સ્ટ્રેટેજિક ઇન્સ્ટિટ્યૂટમાં વરિષ્ઠ સંશોધક અને અંતરિક્ષ સુરક્ષા બાબતોના નિષ્ણાત ડૉ. રાજી રાજગોપાલન કહે છે કે હાલમાં પૃથ્વીની કક્ષામાં 11,700 સક્રિય સેટેલાઇટ છે.
સેટેલાઇટથી મળતાં સિગ્નલ અબજો લોકોને રોજિંદા જીવનમાં સંપર્ક અને સંચાર માટે ઉપયોગી છે. તેમાંથી લગભગ 630 સેટેલાઇટનો ઉપયોગ સેનાઓ દ્વારા સંરક્ષણ કાર્યવાહીઓમાં પણ થાય છે.
તેમાંથી લગભગ 300 સેટેલાઇટ અમેરિકાના છે. આ સિવાય રશિયા અને ચીનની પાસે પણ ઘણા સૈન્ય સેટેલાઇટ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સેટેલાઇટ સૈન્ય કાર્યવાહી દરમિયાન લશ્કરની આંખ અને કાનની જેમ કામ કરે છે, જેનાથી તેમની ક્ષમતા ઘણી વધી જાય છે.
1990માં ઇરાક વિરુદ્ધ ખાડીયુદ્ધમાં મિત્રદેશોની સૈન્ય કાર્યવાહીમાં સેટેલાઇટ્સે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
સેટેલાઇટ્સની મદદથી રણપ્રદેશમાં સૈનિકો, ટૅન્કો અને બખ્તરબંધ ગાડીઓ માર્ગ ભટકી ન જાય અને સાચા રસ્તા પર રહે, તે માટે સેટેલાઇટની મદદથી ચાલતા જીપીએસનો (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) ઉપયોગ થયો. તેને દુનિયાનું પહેલું અંતરિક્ષ યુદ્ધ પણ કહેવાય છે.
ડૉ. રાજી રાજગોપાલન કહે છે, "આજકાલ સરકારો અંતરિક્ષનો ઉપયોગ ગુપ્ત માહિતી એકઠી કરવા અથવા પોતાના લક્ષ્યની ગુપ્ત માહિતી મેળવવા માટે કરી રહી છે. એવું મનાય છે કે આવનારા સમયમાં બધી મોટી સેનાઓ સૈન્ય સેટેલાઇટનો ઉપયોગ કરશે."
"સેટેલાઇટની મદદથી ટાર્ગેટને શોધી શકાય છે એટલું જ નહીં, પરંતુ તેની મદદથી ચોક્કસાઇપૂર્વક નિશાન સાધનારાં હથિયારોને દિશા પણ આપી શકાય છે."

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જૂન-2025માં ભારતે જાહેરાત કરી હતી કે તે 2029 સુધીમાં અંતરિક્ષમાં 52 સેટેલાઇટ મોકલવાની યોજના પર ઝડપી કામગીરી રહ્યું છે.
તો શું કોઈ દેશે સેટેલાઇટ પ્રક્ષેપણ પહેલાં તેના વિશે માહિતી આપવાની હોય છે?
ડૉ. રાજી રાજગોપાલન કહે છે કે કોઈ પણ દેશે સેટેલાઇટના પ્રક્ષેપણ પહેલાં સંયુક્ત રાષ્ટ્રની અંતરિક્ષ સંબંધિત સંસ્થાને જણાવવું પડે છે કે તે કયા પ્રકારનો સેટેલાઇટ અંતરિક્ષમાં મોકલે છે, તેનો ઉપયોગ શો છે, તે ક્યાં સુધી કામ કરશે અને તેને કેવી રીતે પરત લાવવામાં આવશે.
આ સિવાય એ પણ જણાવવું પડે છે કે તેને અંતરિક્ષમાં ક્યાં છોડવામાં આવશે, જેથી સેટેલાઇટ્સની ટક્કર થતી અટકાવી શકાય, પરંતુ હવે ઘણા દેશો પોતાના સેટેલાઇટ્સ વિશે સંપૂર્ણ માહિતી નથી આપતા.
1962માં અમેરિકાએ અંતરિક્ષમાં એક પરમાણુ બૉમ્બનું પરીક્ષણ કર્યું હતું, જેના રેડિએશનથી ઘણા સંચાર સેટેલાઇટ ક્ષતિગ્રસ્ત થઈ ગયા.
આ ઘટનાનાં પાંચ વર્ષ પછી એક બહુરાષ્ટ્રીય સંધિ થઈ, જેના હેઠળ અંતરિક્ષમાં પરમાણુ કે રાસાયણિક હથિયારો તહેનાત કરવા પર પ્રતિબંધ મૂકી દેવાયો. તેની દેખરેખ સંયુક્ત રાષ્ટ્રની અંતરિક્ષ સંબંધિત સંસ્થા કરે છે.
ડૉ. રાજી રાજગોપાલન કહે છે કે આ સંસ્થાએ અંતરિક્ષને સુરક્ષિત રાખવાની દિશામાં ઘણું સારું કામ કર્યું છે.
પરંતુ આ સંધિમાં અંતરિક્ષમાં પારંપરિક હથિયારો અંગે કોઈ જોગવાઈ નથી. જોકે, પારંપરિક હથિયારોથી પણ ઘણું નુકસાન પહોંચી શકે છે, તેથી આ એક મોટું જોખમ છે.
છેલ્લાં ઘણાં વર્ષોમાં અંતરિક્ષમાં વ્યાવસાયિક સેટેલાઇટ્સની સંખ્યા ઘણી વધી ગઈ છે.
ઘણી ખાનગી કંપનીઓ સહિત ઇલૉન મસ્કની સ્પેસ-ઍક્સ કંપનીના આઠ હજારથી વધુ સેટેલાઇટ બ્રૉડબૅન્ડ ઇન્ટરનેટ અને બીજી સુવિધાઓ માટે અંતરિક્ષમાં કાર્યરત્ છે.
અંતરિક્ષમાં સેટેલાઇટ્સની વધતી જતી સંખ્યાને કારણે દેશો વચ્ચેનો તણાવ પણ વધી રહ્યો છે.
અંતરિક્ષમાં શું થઈ રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
જર્મન ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઇન્ટરનૅશનલ ઍન્ડ સિક્યૉરિટી અફેર્સ સંસ્થામાં રિસર્ચર જુલિયન સૂઝ કહે છે, પૃથ્વી પર ક્યાંય પણ હુમલો થાય તો આપણે તેને જોઈ શકીએ છીએ.
પરંતુ અંતરિક્ષમાં સેટેલાઇટ શું કરી રહ્યા છે તેની માહિતી આપણને સેટેલાઇટ દ્વારા લેવામાં આવેલી તસવીરો, રડાર કે સેટેલાઇટ ટ્રૅકિંગ ડેટામાંથી મળે છે.
પરંતુ, જો એક દેશ બીજા દેશના સેટેલાઇટને જાણી જોઈને નષ્ટ કરવાનો પ્રયાસ કરે, તો શું થશે?
જુલિયન સૂઝ કહે છે, " આ એક લક્ષ્મણરેખા છે, જેનું આજ સુધી તો કોઈ દેશે ઉલ્લંઘન નથી કર્યું. હા, કોઈ સેટેલાઇટના સિગ્નલમાં અવરોધ ઊભો કરવો કે તેના સિગ્નલની જગ્યાએ ખોટું સિગ્નલ ઊભું કરવાના બનાવો ચોક્કસ બન્યા છે."
અત્યારે, નેટોની વૉશિંગ્ટન સંધિના આર્ટિકલ પાંચમાં અંતરિક્ષનાં સંસાધન સામેલ છે; એટલે કે, જો કોઈ, નેટોના કોઈ સભ્યના સેટેલાઇટ પર હુમલો કરે, તો નેટો સંધિની કલમ 5 હેઠળ હુમલો કરનારા દેશ સામે કાર્યવાહી કરી શકાય છે.
પરંતુ કોઈ સેટેલાઇટ ક્ષતિગ્રસ્ત થવાનાં કારણ અંગેની માહિતી તાત્કાલિક ન મળે, તો ગેરસમજ પણ ઊભી થઈ શકે છે.
જુલિયન સૂઝ કહે છે કે કોઈ સેટેલાઇટ બીજા સેટેલાઇટની નજીક આવવાનાં ઘણાં કારણો હોઈ શકે છે. તે કોઈ સેટેલાઇટની તસવીર ખેંચવાનો કે તેની ગુપ્ત માહિતી મેળવવાનો પ્રયાસ પણ હોઈ શકે છે.
ખાસ કરીને જો તે સેટેલાઇટની પ્રવૃત્તિ વિશે પહેલાંથી જાણકારી આપવામાં ન આવી હોય. દુનિયામાં અમેરિકા, રશિયા, ચીન અને ભારત પાસે મોટી સેનાઓ છે. આ બધી સેનાઓએ અંતરિક્ષમાં બીજા સેટેલાઇટ્સને નષ્ટ કરવાનાં સક્ષમ હથિયાર બનાવી લીધાં છે.
તે વ્યાપક નરસંહારનાં શસ્ત્ર નથી, તેથી અંતરિક્ષમાં તેના પરીક્ષણ પર પ્રતિબંધ પણ નથી.

ઇમેજ સ્રોત, Getty Images
જુલિયન સૂઝ કહે છે કે સ્પેસમાં અમેરિકા સૌથી મોટી શક્તિ છે. 2008માં તેણે પોતાના એક સેટેલાઇટને નષ્ટ કર્યો હતો. આ સિવાય પણ અમેરિકા બીજી ઘણી યોજનાઓમાં પણ રોકાણ કરી રહ્યું છે.
ઉદાહરણ તરીકે, તે ઍક્સ37 અંતરિક્ષ વિમાન બનાવી રહ્યું છે, જેને બીજા સેટેલાઇટની જેમ રૉકેટ દ્વારા અંતરિક્ષમાં છોડી શકાય છે. આ વિમાન અવકાશમાં બે વર્ષ સુધી રહીને જાતે જ ધરતી પર પાછું આવી શકે છે.
સાથે જ, સંચાર માટે જીપીએસના વિકલ્પ તરીકે અમેરિકા લેઝર ટૅક્નૉલૉજી વિકસિત કરવાની કોશિશ પણ કરી રહ્યું છે.
અંતરિક્ષમાં પહોંચવાની સ્પર્ધામાં રશિયાએ 1957માં પૃથ્વીની પરિક્રમા કરતો પહેલો સેટેલાઇટ મોકલીને અમેરિકાને માત આપી હતી, પરંતુ ત્યાર પછીથી રશિયાનો અંતરિક્ષ કાર્યક્રમ અમેરિકાથી પાછળ જ રહ્યો છે.
યૂક્રેન યુદ્ધ પછીથી રશિયા પર લાગુ કરવામાં આવેલા પ્રતિબંધોથી પણ તેની અંતરિક્ષ યોજનાઓ પર ખરાબ અસર થઈ છે.
બીજી બાજુ, અમેરિકા ખાનગી માહિતી એકત્ર કરવા અને સંચાર માટે મોટા ભાગે પોતાના સેટેલાઇટ્સ પર નિર્ભર છે.
રશિયા આને અમેરિકાની નબળાઈની જેમ જોઈ રહ્યું છે અને સેટેલાઇટ્સને નિશાન બનાવતાં હથિયાર વિકસાવી રહ્યું છે. આ ક્ષેત્રમાં ચીન પણ પાછળ નથી.
જુલિયન સૂઝના કહેવા પ્રમાણે, "2024માં ચીનનું લક્ષ્ય અંતરિક્ષમાં 100 સેટેલાઇટ છોડવાનું હતું, પરંતુ તે 30 સેટેલાઇટ્સ જ મોકલી શક્યું. જોકે, ચીને ઝડપભેર સેટેલાઇટ વિરોધી હથિયાર વિકસિત કરવાનું શરૂ કરી દીધું છે."
"બીજી તરફ, તેના સેટેલાઇટ્સમાં અન્ય સેટેલાઇટ્સની આસપાસ ઝડપથી ભ્રમણ કરવાની ક્ષમતા આવી ગઈ છે. કેટલાક સેટેલાઇટ તો જોખમી રીતે બીજા દેશોના સેટેલાઇટની નજીક પહોંચી ગયા હતા."
અંતરિક્ષમાં સેટેલાઇટ ખૂબ ઝડપથી ભ્રમણ કરે છે અને જો તે એકબીજા સાથે ટકરાય તો તેના ટુકડા અંતરિક્ષમાં વિખેરાઈ શકે છે.
આમાં ધ્યાન રાખવું જોઈએ કે એક સેન્ટિમીટરનો ટુકડો પણ જો તેજ ગતિથી ભ્રમણ કરી રહ્યો હોય તો તે કોઈ હાથગોળા જેટલું નુકસાન પહોંચાડી શકે છે, જેનાથી અંતરિક્ષનો માહોલ ખતરનાક બની શકે છે.
જુલિયન સૂઝ ચેતવણી આપે છે કે એ સ્થિતિમાં સેટેલાઇટ સામે ઉપયોગ કરવામાં આવે, તો ભયંકર તારાજી સર્જાઈ શકે છે.
દાખલા તરીકે, જો રશિયા અંતરિક્ષમાં એવા હથિયારનો ઉપયોગ કરે, તો સેટેલાઇટ તૂટવાથી જે ટુકડા વેરાશે, એ રશિયાના પોતાના સેટેલાઇટને પણ નુકસાન કરી શકે છે.
તાજેતરમાં ચીન અને રશિયાએ ચંદ્ર પર એક પરમાણુ રિઍક્ટર ઊભું કરવા માટેની સમજૂતી કરી છે, જેનો ઉપયોગ ભવિષ્યમાં ત્યાં સંશોધનો માટે વીજળી પેદા કરવા માટે થશે.
ટૅક લૉન્ચ

ઇમેજ સ્રોત, Getty Images
સિએટલસ્થિત વૉશિંગ્ટન યુનિવર્સિટીના સ્પેસ લૉ ઍન્ડ ડેટા પ્રોગ્રામનાં ડાયરેક્ટર સાદિયા પૅકેરનેન કહે છે, અંતરિક્ષ ટૅક્નૉલૉજી ફક્ત રૉકેટ અને અંતરિક્ષયાનોને અંતરિક્ષમાં લાવવા-લઈ જવા સુધી જ મર્યાદિત નથી.
સાદિયા પૅકેરનેન કહે છે કે આમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઑટોનૉમસ રોબૉટિક્સ જેવી ઘણી નવી ટૅક્નૉલૉજી સામેલ છે, જેને 'ઈડીટી' કહે છે. ઑટોનૉમસ રોબૉટિક્સ દ્વારા મશીનો અંતરિક્ષમાં સ્વચાલિત ઢબે રીતે કામ કરી શકે છે.
સાદિયા પૅકેરનેન કહે છે, "તેનાથી ભવિષ્યમાં અંતરિક્ષમાં સંરક્ષણનું આખું માળખું બદલાઈ શકે છે. તેમાં એક ગોલ્ડન ડોમ પણ છે, જે અમેરિકાનું હવાઈ હુમલા કે હાઇપરસૉનિક મિસાઇલ હુમલાઓ સામે રક્ષણ કરી શકે છે."
સ્ટારશીલ્ડ એવી જ એક ડિફેન્સ સિસ્ટમ છે, જેમાં ઘણા સેટેલાઇટ્સનો ઉપયોગ થાય છે, જે અમેરિકન સરકાર અને સેનાના કામમાં આવે છે. તે સ્પેસ-ઍક્સના સ્ટારલિંકનું જ સૈન્ય મૉડલ છે અને સ્પેસ-ઍક્સનો ભાગ છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાન્યુઆરીમાં ગોલ્ડન ડોમ પરિકલ્પનાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. મિસાઇલોની જાણકારી મેળવવા માટે હજારો સેટેલાઇટની જરૂર પડશે.
સાદિયા પૅકેરનેન કહે છે કે સેના પાસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી સેટેલાઇટ્સને મળતા ડેટાનું ઝડપથી વિશ્લેષણ કરીને કાર્યવાહી કરવાની ક્ષમતા આવી જશે, જેનાથી સંરક્ષણ ક્ષેત્રમાં એક નવું પાસું ઉમેરાઈ શકે છે. તેનાથી તણાવનાં નવાં કારણો પણ ઊભાં થઈ શકે છે.
સાદિયા પૅકેરનેન કહે છે કે અન્ય દેશોની સરખામણીએ અમેરિકા અને ચીન આ ટૅક્નૉલૉજી વિકસાવવામાં ઘણા આગળ નીકળી ગયા છે, જેથી બીજા દેશો પણ અંતરિક્ષમાં તેમના પર નજર રાખવા માટે ટૅક્નૉલૉજી વિકસાવવા લાગ્યા છે.
સાદિયા પૅકેરનેન કહે છે, "મને આશા છે કે તેઓ તેમાં સફળ થશે, કેમ કે, અંતરિક્ષને સુરક્ષિત રાખવું ખૂબ જરૂરી છે."
ટૅક્નૉલોજીમાં થઈ રહેલી પ્રગતિના કારણે સૈન્ય સેટેલાઇટ્સની કામ કરવાની સમયસીમા પર કેટલી અસર થઈ શકે છે? એવા સવાલના જવાબમાં સાદિયા પૅકેરનેન કહે છે:
કોઈ પણ વસ્તુ કાયમી નથી હોતી. પરંતુ, જ્યારે અંતરિક્ષમાં આ ઉપકરણોની સમયસીમા સમાપ્ત થવાની નજીક આવશે, ત્યારે તેનું સમારકામ કરવાની જરૂર પડશે. એ સ્થિતિમાં તેમને સુરક્ષિત રીતે અંતરિક્ષમાંથી હટાવવામાં પણ નવી ટૅક્નૉલૉજીની મદદ મળી શકે છે.
વિશ્વ ઉપર અસર

ઇમેજ સ્રોત, Getty Images
યુકેની ડરહૅમ યુનિવર્સિટીના સ્પેસ રિસર્ચ સેન્ટરમાં ઍસ્ટ્રો પૉલિટિક્સના ઍસોસિયેટ પ્રોફેસર ડૉ. બ્લેવિન બોવેન આ બાબતના નિષ્ણાત છે તથા આંતરરાષ્ટ્રીય એજન્સીઓને સેટેલાઇટ યુદ્ધ સાથે સંકળાયેલી બાબતોમાં સલાહ પણ આપે છે.
ડૉ. બ્લેવિન બોવેન માને છે કે અંતરિક્ષમાં સેટેલાઇટ યુદ્ધ થાય તો તેનાથી થનારાં નુકસાન અને અસરનું ચોક્કસ અનુમાન કરવું મુશ્કેલ છે, કેમ કે, અંતરિક્ષમાં હજારો સેટેલાઇટ છે, જેની મદદથી લોકોને અનેક પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
તેઓ કહે છે કે કેટલું નુકસાન તશે તેનો આધાર મોટા ભાગે એ વાત પર છે કે કયા સેટેલાઇટ્સને નષ્ટ કરવામાં આવે છે. દાખલા તરીકે, જીપીએસ સિગ્નલ આપતા સેટેલાઇટ, જેનો ઉપયોગ આપણે ગાડી ચલાવતા સમયે રસ્તો જાણવા માટે કે ખાણીપીણીનો સામાન મંગાવવા માટે કરીએ છીએ.
પરંતુ તેનાથી પણ ગંભીર અસર નાણાકીય સેવાઓ પર પડશે, કેમ કે સેટેલાઇટ્સ પર ઍટમિક ક્લૉક લાગેલાં હોય છે, એ ઘડિયાળના સમયના આધારે બૅન્ક અને બીજી નાણાકીય સંસ્થાઓ નક્કી કરે છે કે લેવડ-દેવડનો સમય કયો હતો. આ સેવાઓ ઠપ થઈ શકે છે.
ખેડૂત અને હવામાન વિભાગ પણ સેટેલાઇટ્સ દ્વારા મળતી માહિતીનો ઉપયોગ ખેતી કે કુદરતી આફતોનાં જોખમ જાણવા માટે કરે છે. તેની લોકોના જીવન ઉપર અને અર્થવ્યવસ્થા ઉપર સીધી અસર પડશે. ઉદાહરણ તરીકે, જો લોકોને વાવાઝોડાં કે બીજી આફતોની સમયસર, ચોક્કસ માહિતી ન મળી શકે, તો ઘણા લોકોનાં મૃત્યુ થઈ શકે છે.
સેટેલાઇટ નષ્ટ થાય ત્યારે કોઈ દેશ તેનો કઈ રીતે સામનો કરશે તે એ બાબત પર આધાર રાખે છે કે તેને કઈ રીતે નષ્ટ કરાયો છે.
ડૉ. બ્લેવિન બોવેનનું કહેવું છે કે જો કોઈ સેટેલાઇટનાં સિગ્નલને જામ કરી દેવાયાં હોય કે સેટેલાઇટને નિયંત્રિત કરનારા કમ્પ્યૂટર્સને હૅક કરી લેવાયાં હોય, તો તેનો ઉપાય થઈ શકે છે.
અંતરિક્ષમાં સીધા હુમલાના ખૂબ મર્યાદિત વિકલ્પ છે. ડૉ. બ્લેવિન બોવેનનું માનવું છે કે આ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા માટે દેશોને નક્કર માળખાકીય સુવિધાઓની જરૂર પડશે અથવા તો તેમણે અંતરિક્ષમાં બીજી જગ્યાએ અન્ય સેટેલાઇટને તહેનાત કરવા પડશે અથવા ધરતી પર એવાં ઉપકરણોનું નેટવર્ક બનાવવું પડશે, જે સેટેલાઇટ વગર કામ કરી શકે— ભલે તે સેટેલાઇટ જેટલું અસરકારક ન હોય, પરંતુ મુશ્કેલ પરિસ્થિતિમાં કામ આવી શકે છે.
પરંતુ, સેટેલાઇટ્સ પર ક્યારે અને કઈ રીતે હુમલો થશે તેનું અનુમાન કરવું મુશ્કેલ છે.
ડૉ. બ્લેવિન બોવેન કહે છે, "અંતરિક્ષમાં ટ્રેકિંગ સિસ્ટમ ચુસ્ત છે. અંતરિક્ષમાં યુદ્ધ ત્યારે જ થશે, જ્યારે ધરતી પર દેશો વચ્ચે ચાલતું યુદ્ધ કાબૂ બહાર જતું રહે."
"સ્પષ્ટ વાત એ છે કે તેમાં ઘણા લોકો મરી જશે. સૌથી ગંભીર વાત તો આ જ છે. તેથી મારું મંતવ્ય છે કે જો તમે ધરતી પર પહેલાંથી ચાલતા યુદ્ધથી ચિંતિત હો, તો તમને તેના કરતાં વધારે ચિંતા અંતરિક્ષ યુદ્ધની ન હોવી જોઈએ."
દુનિયાને સેટેલાઇટ યુદ્ધથી કેટલું જોખમ?

ઇમેજ સ્રોત, ISRO
અંતરિક્ષમાં પ્રાકૃતિક કે મનુષ્યો દ્વારા મોકલવામાં આવેલી નાનામાં નાની વસ્તુથી પણ જોખમ થઈ શકે છે. અંતરિક્ષમાં 12 હજારની આસપાસ સેટેલાઇટ છે. બધાનો ઇરાદો એવો જ રહ્યો છે કે સેટેલાઇટ્સને હથિયાર ન બનાવવામાં આવે.
પરંતુ હવે ટૅક્નૉલૉજીએ વ્યાવસાયિક અને સૈન્ય સેટેલાઇટ્સની વચ્ચેના ફરકને ઝાંખો કરી દીધો છે.
ભારત સહિત ઘણા દેશ પોતાના જ સેટેલાઇટને નષ્ટ કરવાનું પરીક્ષણ કરીને સાબિત કરી ચૂક્યા છે કે તેમની પાસે તેવી ક્ષમતા છે.
પરંતુ જો કોઈ દેશ બીજા દેશના સેટેલાઇટને નષ્ટ કરે, તો ધ્વસ્ત સેટેલાઇટના ટુકડાથી તેના પોતાના અને તેના સહયોગી દેશોના સેટેલાઇટ ક્ષતિગ્રસ્ત થવાનું જોખમ પણ છે. સાથે જ એ જોખમ પણ છે કે અંતરિક્ષમાં થયેલા હુમલાનો જવાબ ધરતી પર પણ આપવામાં આવે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












