અમિત ખૂંટ સ્યૂસાઇડ કેસ : અનિરુદ્ધસિંહ જાડેજાના બે દિવસના રિમાન્ડ મંજૂર, રાજદીપસિંહની મુશ્કેલીઓ વધશે?

અનિરુદ્ધસિંહ જાડેજાના બે દિવસના રિમાન્ડ મંજૂર અનિરુદ્ધસિંહ જાડેજા સરન્ડર, રાજદીપસિંહ જાડેજા ફરાર, પોપટભાઈ સોરઠિયા મર્ડર કેસ, અમિત ખૂંટ આત્મહત્યા કેસ શું છે, અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ વચ્ચે શા માટે વેર છે, ગુજરાત હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટ, મહિપતસિંહ જાડેજા, બીબીસી ગુજરાતી,

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA

ઇમેજ કૅપ્શન, અનિરુદ્ધસિંહ જાડેજાના બે દિવસના રિમાન્ડ મંજૂર

અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં ગોંડલની કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાના (રીબડાવાળા) બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

અમિત ખૂંટ આપઘાત કેસમાં જૂનાગઢ જેલમાંથી ટ્રાન્સફર વૉરંટ મારફતે ગોંડલ પોલીસે અનિરુદ્ધસિંહ જાડેજાનો કબજો લીધો હતો, જજના બંગલે મોડી રાતે તેમને રજૂ કરાયા હતા. જ્યાં તેમને બે દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા.

આ કેસમાં તપાસનીશ અધિકારી અને ગોંડલ તાલુકાના પીઆઈ કેડી પરમારે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું, "પોલીસ દ્વારા 10 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા, પરંતુ કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે."

પીઆઈ કેડી પરમારે જણાવ્યું કે "આ રિમાન્ડ દરમિયાન તેમણે શા માટે ગુનો આચર્યો, ગુનામાં કોણ-કોણ સહ-આરોપી છે, ફરારી દરમિયાન ક્યાં-ક્યાં આશરો લીધો અને કોણે-કોણે મદદ કરી, આ કેસમાં અન્ય સહ-આરોપી અને તેમનો પુત્ર રાજદીપસિંહ જાડેજા ક્યાં છે અને શું બંને સંપર્કમાં હતા, વગેરે જેવા ઍંગલથી તપાસ હાથ ધરવામાં આવશે."

પોલીસે આ કેસમાં વધુ એક આરોપીની રવિવારે સવારે ધરપકડ કરી હતી.

અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ પણ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં સહ-આરોપી છે. જેણે જામીન માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી, જે નકારી દેવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ હાલ ફરાર છે.

અનિરુદ્ધસિંહ જાડેજા સરન્ડર, રાજદીપસિંહ જાડેજા ફરાર, પોપટભાઈ સોરઠિયા મર્ડર કેસ, અમિત ખૂંટ આત્મહત્યા કેસ શું છે, અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ વચ્ચે શા માટે વેર છે, ગુજરાત હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટ, મહિપતસિંહ જાડેજા, બીબીસી ગુજરાતી,

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, અનિરુદ્ધસિંહ જાડેજા તેમના દીકરા રાજદીપસિંહ જાડેજા સાથે

ઉલ્લેખનીય છે કે આ પહેલાં શુક્રવારે રીબડાવાળા અનિરુદ્ધસિંહ જાડેજાએ પોપટ સોરઠિયા મર્ડરકેસમાં ગોંડલની કોર્ટમાં સરેન્ડર કર્યું હતું.

અનિરુદ્ધસિંહને પોપટ સોરઠિયા મર્ડર કેસમાં વર્ષ 2018માં આપવામાં આવેલી સજામાફીને ગુજરાત હાઇકોર્ટે ગત 22 ઑગસ્ટે ગેરકાયદેસર ઠેરવીને રદબાતલ કરી હતી.

આ સાથે જ અનિરુદ્ધસિંહને તા. 18 સપ્ટેમ્બર (ગુરૂવાર) સુધીમાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો.

આ મામલે હાઇકોર્ટના ચુકાદાને પડકારતી અનિરુદ્ધસિંહની અરજી સુપ્રીમ કોર્ટે રદ કરતાં અનિરુદ્ધસિંહે આખરે ગોંડલની કોર્ટમાં સરેન્ડર કરી દીધું છે.

અનિરુદ્ધસિંહ જાડેજાએ શુક્રવારે સરેન્ડર કર્યું

અનિરુદ્ધસિંહ જાડેજા સરન્ડર, રાજદીપસિંહ જાડેજા ફરાર, પોપટભાઈ સોરઠિયા મર્ડર કેસ, અમિત ખૂંટ આત્મહત્યા કેસ શું છે, અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ વચ્ચે શા માટે વેર છે, ગુજરાત હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટ, મહિપતસિંહ જાડેજા, બીબીસી ગુજરાતી,

ઇમેજ સ્રોત, gujarathighcourt.nic.in

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હાઇકોર્ટે તેના 22 ઑગસ્ટના હુકમમાં એવો આદેશ આપ્યો છે કે અનિરુદ્ધસિંહ 18 સપ્ટેમ્બરે આત્મસમર્પણ કરે, તે પહેલાં સંલગ્ન પોલીસ સ્ટેશનમાં દર અઠવાડિયે એક વાર હાજરી પુરાવે, પરંતુ રાજકોટ રૂરલ પોલીસના અધિકારીઓના કહેવા પ્રમાણે, અનિરુદ્ધસિંહે એકેય વાર હાજરી પુરાવી ન હતી.

જોકે ઉચ્ચ અદાલતના આદેશ મુજબ તેમના વકીલ મારફતે પાસપૉર્ટ જમા કરાવી દીધો છે. હવે, અનિરુદ્ધ સામેના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ પ્રગતિ થશે.

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે બીબીસી સંવાદદાતા ગોપાલ કટેશિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શુક્રવારે (તા. 19 સપ્ટેમ્બર) બપોરે ત્રણ કલાકે અનિરુદ્ધસિંહ જાડેજાએ ગોંડલની ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટની કોર્ટમાં સરેન્ડર કર્યું.

જૂનાગઢની જેલના અધિકારીઓએ અનિરુદ્ધસિંહ જાડેજાનો કબજો સંભાળ્યો હતો, પરંતુ એ પછી ગણતરીની કલાકોમાં અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં ગોંડલ પોલીસને કબજો સોંપી દેવાયો હતો.

અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં ધરપકડથી બચવા માટે રાજદીપસિંહ જાડેજાએ કરેલી આગોતરા જામીનની અરજી ગુજરાત હાઈકોર્ટે મંગળવારે નકારી કાઢી હતી. હાલ રાજદીપસિંહ ફરાર છે.

અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ આરોપી

અનિરુદ્ધસિંહ જાડેજા સરન્ડર, રાજદીપસિંહ જાડેજા ફરાર, પોપટભાઈ સોરઠિયા મર્ડર કેસ, અમિત ખૂંટ આત્મહત્યા કેસ શું છે, અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ વચ્ચે શા માટે વેર છે, ગુજરાત હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટ, મહિપતસિંહ જાડેજા, બીબીસી ગુજરાતી,

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, અમિત ખૂંટ (ફાઇલ તસવીર)

તા. 5 મે 2025ના રોજ રીબડા ગામના અમિત ખૂંટ નામના ખેડૂતે રીબડાની સીમમાં એક નાટ્યાત્મક ઘટનાક્રમમાં આત્મહત્યા કરી લીધી હતી.

એના બે દિવસ અગાઉ તા. 3જી મેના રોજ રાજકોટમાં રહેતી સગીરાએ રાજકોટ શહેરના એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે અમિત ખૂંટે તેમની પર બળાત્કાર કર્યો છે.

16 વર્ષની એ સગીરાએ રાજકોટ શહેર પોલીસને જણાવ્યું કે તે મૉડલિંગ કરે છે અને (ફરિયાદના) દસેક દિવસ અગાઉ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી અમિત ખૂંટના સંપર્કમાં આવી હતી.

જોકે, પોલીસ ફરિયાદ નોંધાયાના બે દિવસ બાદ અમિત ખૂંટ રીબડા ગામે જ મૃત હાલતમાં મળી આવ્યા હતા.

પોલીસને તેમના ખિસ્સામાંથી એક કથિત સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. કથિત સ્યૂસાઇડ નોટમાં અમિત ખૂંટે જણાવ્યું છે કે ચાર છોકરીઓ, અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહનું એક ગ્રૂપ છે અને આ ગ્રૂપે તેમને હની ટ્રેપમાં ફસાવ્યો હતો, કારણ કે તેમણે અનિરુદ્ધસિંહ અને તેમના પુત્રો વિરુદ્ધ હુમલો કર્યાની ફરિયાદ કરી હતી.

અમિત ખૂંટે વધારે આક્ષેપ કરતા આ કથિત સ્યૂસાઇડ નોટમાં લખ્યું છે: "અનિરુદ્ધસિંહ મહિપતસિંહે અને રાજદીપસિંહ અનિરુદ્ધસિંહે (મને) બદનામ કરવામાં કોઈ કસર નથી છોડી. એટલે આવી બદનામી જિંદગી મારે નથી જીવવી."

અમિત ખૂંટના મોટા ભાઈ મનીષ ખૂંટની ફરિયાદના આધારે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ, અમિત ખૂંટ સામે બળાત્કારની ફરિયાદ કરનાર સગીરા અને તેમની સાથે રહેતાં એક મહિલા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની (બીએનએસ) કલમો 108, 61(2) અને 54 હેઠળ 6 મેના રોજ ગુનો નોંધ્યો હતો.

એ પછી અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના દીકરા રાજદીપસિંહ ફરાર થઈ ગયા હતા. અનિરુદ્ધસિંહે સરેન્ડર કર્યું છે પરંતુ રાજદીપ હજુ પણ પોલીસની પકડથી દૂર છે.

આક્ષેપો બાદ અનિરુદ્ધસિંહે શું કહેલું?

અનિરુદ્ધસિંહ જાડેજા સરન્ડર, રાજદીપસિંહ જાડેજા ફરાર, પોપટભાઈ સોરઠિયા મર્ડર કેસ, અમિત ખૂંટ આત્મહત્યા કેસ શું છે, અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ વચ્ચે શા માટે વેર છે, ગુજરાત હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટ, મહિપતસિંહ જાડેજા, બીબીસી ગુજરાતી,

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, અનિરુદ્ધસિંહ જાડેજાની ફાઇલ તસવીર

અમિત ખૂંટની કથિત આત્મહત્યા અને તેની કથિત સ્યૂસાઇડ નોટમાં થયેલા આક્ષેપો જાહેર થતાં અનિરુદ્ધસિંહે તા. 5 મી મેના રોજ એક વીડિયો નિવેદન આપી પોતાની સામે કરાયેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.

અનિરુદ્ધસિંહે કહ્યું હતું, "એ બાબતે હું કે મારો પરિવાર ક્યાંય સામેલ નથી. મારા ત્રાસથી કે મારા પરિવારના ત્રાસથી કે મારાં બાળકોના ત્રાસથી તેને મજબૂરીથી આપઘાત કરવો પડ્યો તેવી કોઈ વાત નથી."

"હું કે મારાં બાળકોએ કે મારા મિત્રો જો એમાં ક્યાંય સામેલ હોય અને અમારું ક્યાંય નામ આવે, તો હું ગમે ત્યારે હાજર થવા માટે તૈયાર છું."

અનિરુદ્ધસિંહે કહ્યું હતું, "રહી વાત બળાત્કારની અને પૉક્સોની, તો જે મહિલાએ કે જે દીકરીએ ફરિયાદ નોંધાવી છે તે હયાત જ છે. તે પોલીસ તપાસનો વિષય છે. પોલીસ તપાસ કરે."

સાથે જ અનિરુદ્ધસિંહે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તરફ અંગુલિનિર્દેશ કર્યો હતો. અનિરુદ્ધસિંહ જાડેજાએ કહ્યું હતું, "આ આખું કાવતરું જયરાજનું છે, ગોંડલના માજી ધારાસભ્યનું."

અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ વચ્ચે શું ગજગ્રાહ છે?

અનિરુદ્ધસિંહ જાડેજા સરન્ડર, રાજદીપસિંહ જાડેજા ફરાર, પોપટભાઈ સોરઠિયા મર્ડર કેસ, અમિત ખૂંટ આત્મહત્યા કેસ શું છે, અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ વચ્ચે શા માટે વેર છે, ગુજરાત હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટ, મહિપતસિંહ જાડેજા, બીબીસી ગુજરાતી,

ઇમેજ સ્રોત, Jayrajsinh Jadeja fb

ઇમેજ કૅપ્શન, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે હત્યાના કેસમાં દોષિત જયરાજસિંહ જાડેજા (વચ્ચે) અને ભાજપના નેતા રમેશ ધડૂકની ફાઇલ તસવીર

અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ વચ્ચે લગભગ ત્રણ દાયકાથી ગજગ્રાહ ચાલ્યો આવે છે. અનિરુદ્ધસિંહના પિતા મહિપતસિંહ જાડેજા અને ગોંડલના તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયા વચ્ચે ગોંડલમાં રાજકીય વર્ચસ્વ માટે 1980ના દાયકામાં હરીફાઈ ચાલુ થઈ હતી.

ગોંડલ વિધાનસભામાં પાટીદાર મતદાતાઓની બહુમતી છે અને કૉંગ્રેસ નેતા પોપટ સોરઠિયા ગોંડલમાં એક લોકપ્રિય પાટીદાર નેતા હતા.

આ રાજકીય હરીફાઈ વચ્ચે અનિરુદ્ધસિંહે 15 ઑગસ્ટ, 1988ના રોજ ગોંડલની સંગ્રામસિંહજી હાઇસ્કૂલના પટાંગણમાં સ્વતંત્રતાદિન નિમિત્તે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં સોરઠિયાને જાહેરમાં ગોળી મારી હત્યા કરી નાખી.

અનિરુદ્ધસિંહને સ્થળ પરથી જ ધરપકડ કરવામાં આવી હતી. અનિરુદ્ધસિંહ સામે તત્કાલીન ભારતીય દંડ સહિતા (ઇન્ડિયન પીનલ કોડ) અને ટાડા ઍક્ટ હેઠળ રાજકોટની ખાસ ટાડા કોર્ટમાં કેસ ચાલેલો, પરંતુ મહત્ત્વના સાક્ષીઓ ફરી જતાં કોર્ટે અનિરુદ્ધસિંહને નિર્દોષ છોડી મૂક્યા હતા.

તત્કાલીન ધારાસભ્યની હત્યા બાદ 1990માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ક્ષત્રિય આગેવાન મહિપતસિંહે ગોંડલ સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું અને તેઓ જીતી ગયા. તેઓ 1995માં પણ અપક્ષ તરીકે ગોંડલમાંથી ચૂંટણી જીતી ગયા.

પરંતુ રાજકોટ ટાડા કોર્ટના ચુકાદાને રાજ્ય સરકારે સુપ્રીમે કોર્ટમાં પડકાર્યો. 10 જુલાઈ, 1997ના રોજ ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહને પોપટ સોરઠિયાની હત્યાના દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી.

આ દરમિયાન ગુજરાતમાં એ વખતની કેશુભાઈ પટેલની સરકાર બની હતી અને ભાજપે ગોંડલ બેઠક જીતવા ચોકઠાં ગોઠવવાં માંડ્યાં હતાં. તેમણે માથાભારેની છાપ ધરાવતા મહિપતસિંહ વિરુદ્ધ તેવી જ છાપ ધરાવતા જયરાજસિંહને 1998ની ચૂંટણીમાં ટિકિટ આપી.

જયરાજસિંહે પ્રથમ પ્રયાસમાં જ મહિપતસિંહને હરાવ્યા. ત્યાર બાદ 2002ની ચૂંટણીમાં પણ જયરાજસિંહે મહિપતસિંહને હરાવ્યા.

હત્યાના કેસમાં અનિરુદ્ધસિંહનો જેલવાસ

અનિરુદ્ધસિંહ જાડેજા સરન્ડર, રાજદીપસિંહ જાડેજા ફરાર, પોપટભાઈ સોરઠિયા મર્ડર કેસ, અમિત ખૂંટ આત્મહત્યા કેસ શું છે, અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ વચ્ચે શા માટે વેર છે, ગુજરાત હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટ, મહિપતસિંહ જાડેજા, બીબીસી ગુજરાતી,

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA

ઇમેજ કૅપ્શન, જયરાજસિંહ જાડેજાની ફાઇલ તસવીર

1997માં સુપ્રીમ કોર્ટે સોરઠિયા હત્યાકેસમાં અનિરુદ્ધસિંહને આજીવન કેદની સજા તો ફટકારી, પરંતુ અનિરુદ્ધસિંહે ન તો આત્મસમર્પણ કર્યું કે ન તો પોલીસનો હાથ તેના સુધી પહોંચ્યો.

છેવટે ચારેક વર્ષ બાદ 28 એપ્રિલ, 2000ના રોજ અનિરુદ્ધસિંહ જાડેજાને પકડવામાં પોલીસને સફળતા મળી હતી અને તેમને જેલહવાલે કરાયા.

2000ની સાલમાં પકડાઈ ગયા બાદ અનિરુદ્ધસિંહ તેને ફટકારાયેલી સજા કાપતા અઢારેક વર્ષ જેલમાં ગાળ્યા. છેલ્લે અનિરુદ્ધસિંહે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ જેલમાં સજા ભોગવી હતી.

દરમિયાન, 29 જાન્યુઆરી, 2018ના રોજ રાજ્યની જેલોના તત્કાલીન વડા અધિક પોલીસ મહાનિદેશક ટી. એસ. બિષ્ટે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ જેલના તત્કાલીન સુપરિન્ટેન્ડેન્ટને એક પત્ર લખી હુકમ કર્યો કે અનિરુદ્ધસિંને જેલમાંથી છોડી મૂકવામાં આવે.

આ પત્રમાં જેલોના વડાએ 24 જાન્યુઆરી, 2017ના રોજ રાજ્ય સરકારે શરતોને આધીન જે ગુનેગારોએ 12 વર્ષની જેલની સજા પૂરી કરી હોય તેમની સજા માફ કરી તેમને છોડી મૂકવાના નિર્ણયનો હવાલો આપ્યો.

પરિણામે અનિરુદ્ધસિંહનો જેલવાસ પૂર્ણ થયો. જોકે, વર્ષ 2025માં ગુજરાત હાઇકોર્ટે બિષ્ટના આ પત્રને ગેરકાયદેસર ઠેરાવ્યો અને અનિરુદ્ધસિંહની સાજામાફીને રદ કરી છે.

જાડેજા વિરુદ્ધ જાડેજામાં અમિત ખૂંટનો પ્રવેશ કઈ રીતે થયો?

અનિરુદ્ધસિંહ જાડેજા સરન્ડર, રાજદીપસિંહ જાડેજા ફરાર, પોપટભાઈ સોરઠિયા મર્ડર કેસ, અમિત ખૂંટ આત્મહત્યા કેસ શું છે, અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ વચ્ચે શા માટે વેર છે, ગુજરાત હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટ, મહિપતસિંહ જાડેજા, બીબીસી ગુજરાતી,

ઇમેજ સ્રોત, Bipin Tankariya

ઇમેજ કૅપ્શન, અનિરુદ્ધસિંહ જાડેજાના પિતા મહિપતસિંહ જાડેજાની ફાઇલ તસવીર

2022ની ચૂંટણીમાં અનિરુદ્ધસિંહે ગોંડલથી ચૂંટણી લડવા ભાજપની ટિકિટ માગી, પરંતુ ભાજપે ગીતાબાને જ બીજી વાર ટિકિટ આપી. તેથી, અનિરુદ્ધસિંહે ગોંડલ સીટમાં કૉંગ્રેસને ટેકો જાહેર કર્યો હતો. તેમ છતાં ગીતાબા બીજી વાર પણ ચૂંટણી જીતી ગયાં.

2022ની ચૂંટણીનાં બે અઠવાડિયાં બાદ પાટીદાર સમાજના અમિત ખૂંટે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં 22 ડિસેમ્બર, 2022ના રોજ એક ફરિયાદ નોંધાવી.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, પછી જ્યારે એ દિવસે સાંજે અમિત ખૂંટ અને તેમના કાકા ઉમેશ ખૂંટ પોલીસ ફરિયાદ લખાવવા ગોંડલ જતા હતા, ત્યારે અનિરુદ્ધસિંહ અને અન્ય બે વ્યક્તિઓએ તેમને આંતરી, ગાળો દઈ ફરી વાર ધમકી આપીને કહ્યું હતું, "તમારી ગાડી પાછી વાળો નહીંતર બધાને અહીં જ પતાવી દઈશ અને તમને રીબડામાં રહેવા જેવા નહીં દઈએ."

પોતાની ફરિયાદમાં અમિત ખૂંટે જણાવ્યું હતું, "મારા કુટુંબીજનોએ ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પક્ષને મત આપેલો હોઈ અને આ અનિરુદ્ધસિંહ જાડેજા કૉંગ્રેસ પક્ષ તરફે હોઈ જેથી તેનો રોષ રાખીને તેઓ તથા તેના પુત્રો તથા તેની સાથેના ઉપરોક્ત માણસોએ તેની ગાડીઓમાં હથિયારો લઈ આવી, મને રસ્તામાં રોકી, બંદૂક મારા લમણે મૂકી મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી."

આ ઘટના પછી અમિત ખૂંટ જયરાજસિંહ જાડેજાના ગોંડલ શહેરમાં આવેલા રહેઠાણે જતા રહ્યા હતા અને ત્યાં પત્રકારોને તેમની પર થયેલા કથિત હુમલાની વિગતો આપી હતી.

ત્યાર બાદ જયરાજસિંહે રીબડામાં એક જાહેરસભા કરી હતી અને તેમના વિરોધીઓને ચીમકી આપતાં કહ્યું હતું કે તેઓ પહેલાંનાં વર્ષોમાં હતાં તે જ જયરાજસિંહ જાડેજા છે અને જરૂર પડશે તો તેમનું રહેઠાણ રીબડા ફેરવી નાખશે.

(આત્મહત્યા ગંભીર મનોવૈજ્ઞાનિક તથા સામાજિક સમસ્યા છે. જો તમે તણાવગ્રસ્ત હો, તો ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330 ની મદદ લઈ શકો છો. આ અંગે મિત્રો તથા પરિવારજનો સાથે વાત કરવી જોઈએ.)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન