'હું ભાજપનો કાર્યકર્તા છું, છતાં મારું ઘર તોડી પાડ્યું', ગાંધીનગરના પેથાપુરમાં જેમનાં ઘરો પર બુલડોઝર ચાલ્યું તેમની આપવીતી

ગુજરાત, ગાંધીનગર, અમદાવાદ, દબાણ, અમિત શાહ, નરેન્દ્ર મોદી પેથાપુર બીબીસી ગુજરાતી ગુજરાતમાં સમાચાર

ઇમેજ સ્રોત, Ripul Makwana/BBC

ઇમેજ કૅપ્શન, કેસીબહેને કહ્યું હતું કે, "મારું ગામ જ પેથાપુર છે. અમે અહીં જ જીવન ગાળ્યું છે. આ ઉંમરે અમે સાવ નોધારાં થઈ ગયાં છીએ. અમે ક્યાં જઈએ?"
    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતની રાજધાની ગાંધીનગરની ભાગોળે પેથાપુરના સંજરી પાર્ક વિસ્તારમાં 17 સપ્ટેમ્બરે રાત્રે બુલડોઝર વગેરે સાધનોની હલચલ જોવા મળી હતી. જેને પગલે લોકોમાં ફફડાટ હતો.

દબાણ હઠાવવા માટે લોકોને રહેઠાણ ખાલી કરાવવા માટે અગાઉ નોટિસ પણ અપવામાં આવી હતી.18 સપ્ટેમ્બરે વહેલી સવારથી ત્યાં બુલડોઝર ફરવાનાં શરૂ થઈ ગયાં હતાં અને રહેઠાણો જમીનદોસ્ત કરવામાં આવ્યાં હતાં.

કેસીબહેન દેવીપૂજક પોતાનું તૂટેલું મકાન બતાવતાં કહે છે કે, "મારું ગામ જ પેથાપુર છે. અમે અહીં જ જીવન ગાળ્યું છે. આ ઉંમરે અમે સાવ નોધારાં થઈ ગયાં છીએ. અમે ક્યાં જઈએ? ઘર ન આપો તો ખુલ્લી જગ્યા આપો. અમે ગરીબ ક્યાં જઈએ?"

સંજરી પાર્કના છાપરામાં પોતાના તૂટેલા મકાનમાંથી બચી ગયેલો સામાન વીણતાં વીણતાં અન્વરીબહેન બીબીસી ગુજરાતીને કહે છે કે, "આખી રાત હું સૂતી નથી. બાળકોને લઈને બેઠી હતી. અમે 13 વર્ષથી અહીં રહેતાં હતાં."

આ વિસ્તારમાં હિન્દુ-મુસ્લિમ બંને સમુદાયોની વસ્તી છે.

સંજરી પાર્કના નાકા પર ઇલાબહેન વણઝારા અને તેમનો પરિવાર રહે છે. તેમના અનુસાર તેમને ત્રણ નોટિસ મળી ચૂકી હતી. 18 સપ્ટેમ્બરે તેમની આસપાસમાં કેટલેક ઠેકાણે બુલડોઝર ફરી વળ્યાં હતાં.

બુલડોઝર તેમના મકાન પર ફરી વળે તે પહેલાં તેમનો આખો પરિવાર ઘરનો સામાન એકઠો કરીને બહાર લઈ જઈ રહ્યો હતો. કોઈ મકાન પરથી છાપરા ઉતારી રહ્યું છે તો કોઈ વાસણોની ગાંસડી બાંધી રહ્યું છે.

ઇલાબહેન વણઝારા કહે છે કે, "અમારે નાનાં-નાનાં બાળકો છે. અમે મજૂરી કરનારા લોકો છીએ એટલે જ અહીં પડ્યા છીએ. અમને ત્રણ નોટિસ મળી હતી. અમને ખબર નથી કે અમે ક્યાં જઈશું? અમારી સરકારને એટલી જ અરજ છે કે અમને કંઈક સગવડ આપો."

વીડિયો કૅપ્શન, 'અમે કોઈ બાંગ્લાદેશી નથી', પેથાપુરમાં જેમનાં ઘરો પર બુલડોઝર ચાલ્યું તેમણે શું કહ્યું?

નાકા પર જ જિગર વણઝારા અને તેમનો પરિવાર રહે છે.

તેઓ જણાવે છે કે, "અમારો પરિવાર 60 વર્ષથી અહીં રહે છે. નાનાં બાળકો અને વસ્તુઓ લઈને અમે ક્યાં જઈએ? અમને નોટિસ આપી હતી તેની ના નહીં, પણ અમે અહીં 60 વર્ષથી રહીએ છીએ તો સામે કંઈક જમીન કે રહેઠાણ આપવું જોઈએને? આ અમિત શાહનો વિસ્તાર છે. અમે અમિત શાહને દર વખતે જિતાડતા આવ્યા છીએ. હું પણ ભાજપનો જ કાર્યકર્તા છું, પણ અત્યારે કોઈ અમારી પડખે આવીને ઊભું રહેવા તૈયાર નથી, કોઈ ફોન પણ ઉપાડવા તૈયાર નથી."

ગાંધીનગર વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા દબાણ હઠાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ગાંધીનગરના સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ રવિ તેજા વાસમશેટ્ટીએ જણાવ્યું હતું કે, "ગાંધીનગર મહાનગરપાલિકા તેમજ રોડ ઍન્ડ બિલ્ડિંગ વિભાગના અલગ-અલગ વિસ્તારમાં 1 લાખ ચોરસ મીટરની જમીન પર દબાણ હઠાવવામાં આવી રહ્યાં છે."

ગાંધીનગરમાં પેથાપુરમાં દબાણ હટાવાયાં ત્યાં લોકો શું બોલ્યા?

ગુજરાત, ગાંધીનગર, અમદાવાદ, દબાણ, અમત શાહ, નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Ripul Makwana/BBC

ઇમેજ કૅપ્શન, 18 સપ્ટેમ્બરે વહેલી સવારથી શરૂ થયેલી આ દબાણ હઠાવવાની પ્રક્રિયામાં 700થી વધારે પોલીસકર્મીઓનો કાફલો ત્યાં ગોઠવવામાં આવ્યો હતો.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

18 સપ્ટેમ્બરે વહેલી સવારથી શરૂ થયેલી આ દબાણ હઠાવવાની પ્રક્રિયામાં 700થી વધારે પોલીસકર્મીઓનો કાફલો ત્યાં ગોઠવવામાં આવ્યો હતો. સંજરી પાર્કના નાકાથી અંદરની તરફ મોટાં વાહનોને જતાં અટકાવવામાં આવતાં હતાં.

સુહાના કહે છે કે, "11 વર્ષથી અહીં રહેતાં હતાં. મારા પતિ હયાત નથી. બાળકો લઈને હું ક્યાં જાઉં? હવે હું બાળકોને લઈને રસ્તા પર બેસીશ."

64 વર્ષનાં રૂખસાબહેન કહે છે કે, "અમારું ઘર તો પાડી નાખ્યું પણ વધ્યો ઘટ્યો સામાન પણ નથી લેવા દેતા. વારંવાર અમને કહી રહ્યા છે કે અહીંથી જલ્દી જાવ. એ વાત ખરી કે અમને અગાઉ બેથી ત્રણ વખત નોટિસ આપી હતી અને એ વખતે કહ્યું પણ હતું કે તમે આ વિસ્તાર ખાલી કરી દો, પણ અમે જઈએ ક્યાં?"

જે લોકોનાં રહેઠાણો તોડી પડાયાં હતાં તેઓ ઘરવખરી અને સામાન એકઠો કરીને જવા માંડ્યા હતા. કેટલાક લોકો તો તૂટેલાં મકાન પાસે જ બેસી રહ્યા હતા.

જેમનું રહેઠાણ તૂટી ગયું હતું એ રેહાનાબહેને જણાવ્યું હતું કે, "વોટ જોઈતા હોય ત્યારે આ જ છાપરામાં આવીને અમને વિનંતિ કરતા હોય છે. હવે આ જ છાપરાનાં અમારાં મકાનો તોડી નાખ્યાં?"

પરંતુ પ્રશાસન કહે છે કે આ જગ્યા પર દબાણ થયું હતું જે હઠાવાઈ રહ્યું છે? એ સવાલના જવાબમાં રેહાનાબહેને કહ્યું હતું કે, "જો દબાણ જ હતું તો અમે અહીં રહેવા માંડ્યાં ત્યારે જ અટકાવી દેવાં જોઈતાં હતાં. અમે પાક્કા મકાનો બનાવ્યાં ત્યારે જ ના પાડી દેવી જોઈતી હતી. સરકારને અમારે કંઈ કહેવું નથી. સરકાર અમારી છે જ નહીં."

ગાંધીનગરમાં 1 લાખ ચોરસ મીટરની જમીન પર દબાણો હઠાવાઈ રહ્યાં છે

ગુજરાત, ગાંધીનગર, અમદાવાદ, દબાણ, અમત શાહ, નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Ripul Makwana/BBC

ઇમેજ કૅપ્શન, બંટીભાઈ પોતાના તૂટેલા મકાનનું છાપરું માથે ઊંચકીને જઈ રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, "મારાં છોકરાં રોડ પર ભૂખ્યાં બેઠાં છે. અમને કંઈક રેહવાની સગવડ કરી આપો. અમે ક્યાં જઈએ?"

ગાંધીનગર મહાનગરપાલિકા તેમજ રોડ ઍન્ડ બિલ્ડિંગ વિભાગના અલગ-અલગ વિસ્તારમાં જમીન પર દબાણ હઠાવાઈ રહ્યાં છે.

ગાંધીનગરનાં સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ રવિ તેજા વાસમશેટ્ટીએ જણાવ્યું હતું કે, "કુલ 600 જેટલાં દબાણો છે જે થોડા દિવસોમાં હઠાવવામાં આવશે. આ કુલ વિસ્તાર એક લાખ ચોરસ મીટર છે અને તેની કિંમત એક હજાર કરોડ જેટલી થાય છે."

બંટીભાઈ પોતાના તૂટેલા મકાનનું છાપરું માથે ઊંચકીને જઈ રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, "મારાં છોકરાં રોડ પર ભૂખ્યાં બેઠાં છે. અમને કંઈક રેહવાની સગવડ કરી આપો. અમે ક્યાં જઈએ?"

અન્ય એક વ્યક્તિ પપ્પુભાઈનું મકાન પણ તોડી પાડવામાં આવ્યું હતું.

તેમના ગળે ડૂમો બાઝી ગયો હતો. તેમણે કહ્યું હતું કે, "મારી પાસે આધાર પુરાવા છે. મારું મકાન તોડી પાડ્યું. અમે બાંગ્લાદેશી નથી."

કિરણ દંતાણી તૂટેલા મકાનમાંથી સામાન કાઢી રહ્યાં છે. તેઓ જણાવે છે કે, "ગરીબોને હઠાવીને શું મળ્યું? સરકારને એટલું જ કહેવું છે કે ગરીબો સાથે અન્યાય કરવાનું બંધ કરો. તમને હાય લાગશે. અમને હેરાન કરશો તો અમે વોટ નહીં આપીએ."

અગાઉ અમદાવાદ, બેટ-દ્વારકા, સોમનાથ, ભાવનગર વગેરે સ્થળે દબાણ હઠાવાયાં હતાં

ગુજરાત, ગાંધીનગર, અમદાવાદ, દબાણ, અમત શાહ, નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Ripul Makwana/BBC

ઇમેજ કૅપ્શન, અમદાવાદમાં આ વર્ષે જ એપ્રિલ મહિનામાં ચંડોળા તળાવ વિસ્તારમાં દબાણ હઠાવાયાં હતાં.

અમદાવાદમાં આ વર્ષે જ એપ્રિલ મહિનામાં ચંડોળા તળાવ વિસ્તારમાં દબાણ હઠાવાયાં હતાં.

ઉપરાંત, આ જ વર્ષે રસ્તો પહોળો કરવાના હેતુસર અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં કૉર્પોરેશન દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 45 જેટલાં રહેણાક મકાનો તેમજ 115 જેટલાં વેપાર સંબંધિત બાંધકામોને જમીનદોસ્ત કરાયાં હતાં. જાન્યુઆરીમાં જ અમદાવાદમાં ઓઢવ વિસ્તારમાં પણ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.

માર્ચ મહિનામાં ભાવનગરમાં કુંભારવાડા, મોતી તળાવ, મિલની ચાલી, ધોબી સોસાયટી સહિતના વિસ્તારોમાં નદીકાંઠે બનેલાં ગેરકાયદેસર મકાનો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું.

આ વર્ષે જાન્યુઆરીમાં બેટ-દ્વારકામાં સરકારે કથિત ગેરકાયદેસર અને સરકારી જમીન પર દબાણ જાહેર કરાયેલાં રહેણાક મકાન, દુકાન, ધાર્મિક બાંધકામો સહિત 525 જેટલી નાની-મોટી ઇમારતો તોડી પાડી 1.27 લાખ ચોરસ મીટર જમીન "દબાણમુક્ત" કરી હતી. એ પછી ફેબ્રુઆરી મહિનામાં પણ ત્યાં દબાણ હઠાવાયાં હતાં.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગીર સમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર પાસે ધાર્મિકસ્થળો સહિત 45 જેટલાં બાંધકામો તોડી પાડવામાં આવ્યાં હતાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન