ચંડોળા તળાવ: ડિમોલિશનની કામગીરીના એક મહિના બાદ ત્યાં કેવી પરિસ્થિતિ છે?

ચંડોળા તળાવ ડિમૉલિશન, ત્યાં કેવી પરિસ્થિતિ, બાંગ્લાદેશી વસાહતીઓ, ઑપરેશન સિંદૂર, ચંડોળા તળાવ બ્યૂટિફિકેશન અને ઊંડું કરવાની કામગીરી, ચંડોળા તળાવમાં ઘર ગુમાવનારને નવું ઘર કેવી રીતે મળશે, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

ઇમેજ કૅપ્શન, ચંડોળા તળાવમાં પોતાનું મકાન તૂટી ગયા બાદ ફૂટપાથ પર રહેતો એક પરિવાર
    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

એક તરફ ઝાડના છાંયડામાં એક નાનકડું ઘોડિયું બાંધેલું છે, તેની પાસે છાંયડામાં પ્લાસ્ટિકનું પાથરણું પાથરીને ત્રણ મહિલા બેઠાં છે અને દૂર એક ફ્રૂટની લારી છે. તેઓ જ્યાં બેઠાં છે, તેની એક તરફ દાણીલીમડાથી નારોલ જવાનો ધોરીમાર્ગ છે, તો બીજી બાજુ, હજુ ગયા મહિના સુધી જ્યાં તેમનું ઘર હતું, તે ચંડોળા તળાવ છે.

છેલ્લા એક મહિનાથી આ પરિવાર ફૂટપાથ પર પોતાનું જીવન વીતાવવા મજબૂર છે, કારણ કે હાલમાં ચંડોળા પરના દબાણ દૂર કરવા માટે જે ઝુંબેશ ચલાવવામાં આવી, એમાં તેમનાં મકાનો પણ તોડી પાડવામાં આવ્યાં છે.

નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધો અને પરિવારના તમામ લોકો, હાલમાં રોડ પર જ જીવન વીતાવી રહ્યાં છે.

પરિવારે ઘણા પ્રયત્નો કર્યાં કે તેમને ભાડેથી કોઈ ઘર મળી જાય, પરંતુ મકાનનું ભાડું, ડિપોઝિટની રકમ સાંભળીને આ પરિવારની હિંમત જ નથી થતી કે તેઓ કોઈ મકાન ભાડેથી લઈ શકે.

આ પરિવારથી થોડેક દૂર એક પોલીસ ચોકી છે. લોખંડના કન્ટૅનરમાં બનાવેલી આ પોલીસ ચોકીની નીચે છાંયડામાં થોડીક જગ્યા શોધીને એક યુવાન લાંબો થયો છે.

બાજુમાં બે બાળકો પ્લાસ્ટિકની થેલીમાંથી કોઈએ આપેલો પુલાવ ખાઈ રહ્યાં છે અને તેમની બિલકુલ સામે એક બુલડોઝર ચંડોળા તળાવને વધુ ઊંડું કરવા માટે સતત કામ કરી રહ્યું છે.

આ તળાવની ફરતે આવાં અનેક દૃશ્યો જોવા મળે છે, જ્યાં લોકો પોતાની ઘરવખરી લઈને બેઠા હોય. આ તમામ લોકો, તેવા હજારો લોકોમાંથી છે, જેમના ઘર ગયા મહિને રાજ્ય સરકારની મોટી 'દબાણ હઠાવો' કામગીરી બાદ તોડી પાડવામાં આવ્યા હતા.

કેવો રહ્યો એક મહિનો?

ચંડોળા તળાવ ડિમૉલિશન, ત્યાં કેવી પરિસ્થિતિ, બાંગ્લાદેશી વસાહતીઓ, ઑપરેશન સિંદૂર, ચંડોળા તળાવ બ્યૂટિફિકેશન અને ઊંડું કરવાની કામગીરી, ચંડોળા તળાવમાં ઘર ગુમાવનારને નવું ઘર કેવી રીતે મળશે, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

ઇમેજ કૅપ્શન, ફૂટપાથ પર દિવસો પસાર કરી રહેલો એક પરિવાર

ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ તે સમયે કહ્યું હતું કે ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો અહીં રહેતા હોવાથી આ વસાહતો તોડવી જરૂરી છે. જોકે, અહીં રહેતા ઘણા લોકો ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, અને બિહાર જેવા રાજ્યોથી આવીને અહીં વસ્યા છે.

તેમના મકાનો તૂટ્યાને એક મહિના બાદ આ પરિવારોની કેવી હાલત છે, તે જાણવાનો પ્રયાસ બીબીસી ગુજરાતીએ કર્યો હતો.

ઘણા એવા લોકો છે કે જેમણે રહેવા માટે બીજે મકાનો ભાડેથી લઈ લીધાં હોય કે પછી બીજે ક્યાંય રહેવા જતા રહ્યા હોય, પરંતુ હજી એવા ઘણા પરિવારો છે કે જેમને હજી સુધી નવું સરનામું મળ્યું નથી.

બીબીસી ગુજરાતીએ એવા ઘણા લોકો સાથે વાત કરી. જેમ કે, વહાબ શેખ નામના એક વ્યક્તિએ કહ્યું કે તેઓ લગભગ 27 વર્ષ પહેલાં અહીં આવીને રહેવા લાગ્યા હતા.

કલકત્તાથી (હાલનું કોલકત્તા) અહીં આવીને તેમણે વસવાટ કર્યો હતો. હાલમાં તેમના પરિવારમાં બે દીકરા, તેમનાં પત્નીઓ અને તેમનાં બાળકો છે. આ તમામ લોકો હાલમાં ફૂટપાથ પર રહી રહ્યાં છે.

વહાબ શેખ કહે છે, "પચાસ હજાર રૂપિયાની ડિપોઝિટ અને સાત હજાર રૂપિયાનું ભાડું, આટલા બધા રૂપિયા અમે ક્યાંથી લાવીએ? અમારા માટે અશક્ય છે. અમે ક્યારેય આટલા રૂપિયા ભેગા નહીં કરી શકીએ. અમારી પાસે હાલમા સરકારી વસાહતમાં પણ મકાન લેવા માટે પૈસા ભરવાની ત્રેવડ નથી. અમારી માટે તો અમને કોઈ રસ્તો દેખાતો નથી."

વૃદ્ધોની કફોળી પરિસ્થિતિ

ચંડોળા તળાવ ડિમૉલિશન, ત્યાં કેવી પરિસ્થિતિ, બાંગ્લાદેશી વસાહતીઓ, ઑપરેશન સિંદૂર, ચંડોળા તળાવ બ્યૂટિફિકેશન અને ઊંડું કરવાની કામગીરી, ચંડોળા તળાવમાં ઘર ગુમાવનારને નવું ઘર કેવી રીતે મળશે, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

ઇમેજ કૅપ્શન, રીવાબાએ છેલ્લા એક મહિનાથી એક શૉપિંગ કૉમ્પલેક્સની બહાર આશરો લીધો છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જોકે ઘણા એવા લોકો છે, કે જેઓ પોતાના તૂટેલા મકાનનો કાટમાળ છેલ્લા એક મહિનાથી દરરોજ જોવા આવે છે. રીવાબા દેવીપૂજક (ઉં.વ. 80), આવા જ એક મહિલા છે. તેઓ એકલાં રહેતાં હતાં અને નાનું મોટું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યાં હતાં.

રીવાબાના પરિવારમાં માત્ર તેમનાં 60 વર્ષનાં દીકરી છે, જેઓ વિધવા છે અને દાણીલીમડામાં રહે છે.

ઘર તૂટી ગયા બાદ, તેઓ ઇસનપુરના એક શૉપિંગ કૉમ્પલેક્સ બહાર રોડ ઉપર રહી રહ્યાં છે. બહુ તડકો લાગે તો દુકાનોની આસપાસ છાંયડામાં બેસી જાય, વરસાદ આવે તો દુકાનદાર જ તેમને અંદર થોડીક વાર આશરો આપી દે.

આવી પરિસ્થિતિમાં રીવાબાએ છેલ્લો એક મહિનો કાઢ્યો છે, પરંતુ દરરોજ સવારે તેઓ પોતાનાં તૂટી ગયેલા ઘરને જોવા માટે અચૂકપણે પાછાં ચંડોળા આવે છે.

રીવાબા દેવીપૂજકે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, "બહુ મહેનત કરીને બનાવ્યું હતું, હું ઘર કામ કરતી હતી, તેમાંથી રૂપિયો-રૂપિયો ભેગો કરીને આ નાનકડું ઝૂપડું બનાવ્યું હતું. મારો કોઈ ભાઈ નથી, કોઈ દીકરો નથી. આ મારી દીકરી છે, જે પોતે પણ બેસહારા છે, તો મારે તેનાં પર ક્યાં બોજ બનવું, એટલે હું રોડ પર જ રહેવાં જતી રહી છું."

તેમની ઘરની બાજુમાં જ સંજય મૌર્યનું ઘર છે. તેઓ પોતે અને તેમનાં પત્ની પોલિયો સર્વાઇવર છે. બંને જણ હાલમાં પોતાની ટ્રાઇસિકલ પર જ જીવી રહ્યાં છે. મૌર્ય પોતે ભીખ માંગીને ગુજરાન ચલાવે છે.

સંજય મૌર્યે લગભગ 20 વર્ષ પહેલાં, અહીંયા ઝૂંપડું બાંધ્યું હતું. હાલમાં તેમને બે દીકરીઓ છે. આ ચાર લોકોનો પરિવાર છેલ્લા એક મહિનાથી આ ટ્રાઇસિકલ પર જ પોતાનું જીવન વિતાવી રહ્યાં છે.

બે હાથમાં ચપ્પલ પહેરીને, જમીન પર સરકતા-સરકતા તેઓ બીબીસી ગુજરાતીની ટીમ પાસે આવ્યાં. તેમણે કહ્યું કે, અમારી તકલીફોનો કોઈ પાર નથી. બંને પતિ-પત્ની પોતાનો કંઈ જ સામાન બહાર કાઢી શક્યાં ન હતાં. હવે, તેમની પાસે પોતાની ઘરવખરીના નામે માત્ર તેમની ટ્રાઇસિકલ જ છે.

સંજય મૌર્યે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું, "બાંગ્લાદેશીના નામે અમારાં મકાનો પણ તોડી દીધાં. અમારો વાંક શું હતો એની અમને ખબર નથી. અમે ખૂબ મહેનત કરીને જીવી રહ્યાં હતાં, બે દીકરીઓને મોટી કરી રહ્યાં હતાં. છેલ્લા એક મહિનાથી અમે ઘર વગરનાં છીએ, જ્યાં જગ્યા મળે ત્યાં ગમેતેમ કરીને દિવસ કાઢીએ છીએ, ભીખમાં કંઈ મળે તો ખાઈએ, નહીંતર ભૂખ્યાં રહીએ. મને ખબર નથી પડતી કે સરકારે કેવા પ્રકારનો વિકાસ કરવો છે."

હવે આગળ શું થશે, શું અમને મકાન મળશે?

ચંડોળા તળાવ ડિમૉલિશન, ત્યાં કેવી પરિસ્થિતિ, બાંગ્લાદેશી વસાહતીઓ, ઑપરેશન સિંદૂર, ચંડોળા તળાવ બ્યૂટિફિકેશન અને ઊંડું કરવાની કામગીરી, ચંડોળા તળાવમાં ઘર ગુમાવનારને નવું ઘર કેવી રીતે મળશે, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

ઇમેજ કૅપ્શન, પલંગના છાંયડા હેઠળ દિવસ પસાર કરી રહેલા યુવાનની તસવીર

ચંડોળા તળાવથી થોડેક દૂર, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની દાણીલીમડા વોર્ડની ઓફિસ આવેલી છે. આ ઓફિસમાં સવારે આઠ વાગ્યાથી લોકોની ભીડ લાગી જાય છે. બહાર ચંડોળા પુનર્વસવાટ કમિટીના બોર્ડ લાગેલા છે, જેમાં જરૂરી કાગળોની યાદી મૂકેલી છે.

આ ઓફિસમાં જતા, અનેક દુખી ચહેરા જોવા મળે. દરેક વ્યક્તિના હાથમાં કાગળોના થોકડા જોવા મળે. ઘણા લોકોએ બીબીસી ગુજરાતીને પૂછ્યું કે, 'શું અમને મકાન મળશે?'

આ લોકોને આશા છે કે, હવે જ્યારે તેમના મકાનો તૂટી ગયા છે, તો સરકાર કોઈ યોજના હેઠળ તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપશે.

ગુજરાત હાઇકોર્ટે પણ હાલમાં જ એક ચુકાદામાં કહ્યું હતું કે જે લોકોએ એએમસીને (અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનને) રજૂઆત કરી હોય, તેવા લોકોની નાગરિકતા ચકાસીને તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ.

એએમસીની યોજના પ્રમાણે દરેક અરજદારે, 300 રૂપિયાના સ્ટૅમ્પ પર એક સોગંદનામા સાથે ફોર્મ ભરવાનું રહેશે. આ ફૉર્મ ભરતી વખતે રૂ. 7,500 પણ ભરવાના રહેશે. જો મકાન મળી જાય, તો અરજદારે ત્રણ લાખ જેટલી રકમ 10 હપ્તામાં ભરવાની રહેશે.

જોકે, સરકારની આ યોજના વિશે વાત કરતા કર્મશીલ બીનાબહેન જાદવ બીબીસીને જણાવે છે, "આગાઉ એવું પણ થયું છે કે સરકારે જેમના મકાનો તોડ્યા હોય, તેમને બિલકુલ મફતમાં મકાનો આપ્યાં હોય. એવા પણ કિસ્સાઓ છે કે સાવ નજીવી રકમમાં લોકોને મકાનો મળ્યાં હોય, પરંતુ અહીંયા એવા લોકો પાસેથી પૈસા લેવામાં આવી રહ્યાં છે, જેમની પાસે હાલમાં કંઈ નથી. તેમની પાસે 7,500 રૂપિયાની માંગણી કરવી તે અસંવૈધાનિક છે."

આ વિશે બીબીસી ગુજરાતીએ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના ચૅરમૅન, પ્રિતેશભાઈ મહેતા સાથે વાત કરી. મહેતાએ જણાવ્યું કે, 'હાલમાં અમારી ફૉર્મ ભરવાની પ્રક્રિયા યોજનાબદ્ધ રીતે ચાલી રહી છે, અમે ધ્યાન રાખ્યું છે કે લોકો સહેલાઈથી ફૉર્મ ભરી શકે. જો કે હજી સુધી અમને એવી કોઈ ફરિયાદ મળી નથી કે આ રકમ લોકોને વધારે લાગી રહી છે, જો આવી કોઈ ફરિયાદ મળશે તો તેના વિશે એએમસી વિચારણા કરશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન