ગાંધીનગર : 'અમે કોઈ બાંગ્લાદેશી નથી', પેથાપુરમાં જેમનાં ઘરો પર બુલડોઝર ચાલ્યું તેમણે શું કહ્યું?
ગાંધીનગર મહાનગરપાલિકા તેમજ રોડ ઍન્ડ બિલ્ડીંગ વિભાગના અલગ-અલગ વિસ્તારમાં 1 લાખ ચોરસ મીટરની જમીન પર દબાણ હઠાવાઈ રહ્યાં છે.
એક માહિતી પ્રમાણે કુલ 600 દબાણો છે જે હઠાવાઈ રહ્યાં છે. આ ડિમોલિશન માટે 10 JCB, 15 આઈવા ટ્રક અને 700થી વધુ પોલીસકર્મચારીઓનો કાફલો તહેનાત કરાયો છે.
જેમનાં ઘરો તોડી પાડવામાં આવ્યાં છે તેમનો દાવો છે કે તેઓ આ સ્થળે 25 કરતાં પણ વધુ વર્ષોથી રહે છે. અને જેના પૂરાવા પણ તેમની પાસે છે.
પેથાપુર વિસ્તારમાં રહેતા આ લોકોએ કહ્યું કે, તેઓ વર્ષોથી અમિત શાહને મત આપીને જીતાડતા આવ્યા છે. જોકે, આ ડિમોલિશન થયું ત્યારે ભાજપના કોઈ નેતા મદદ કરવા પણ આવ્યા નહોતા.
પ્રશાસનનું કહેવું છે કે આ જે જગ્યામાં દબાણો થયાં છે તે જગ્યાની બજાર કિંમત 1 હજાર કરોડની ઉપર થાય છે. તેનું એ પણ કહેવું છે કે આ જગ્યામાં લોકોએ ગેરકાયદેસર રીતે દબાણો કર્યાં હતાં તે દૂર કરવાની કાર્યવાહી થઈ રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



