અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં મહિને 50થી વધુ બિનવારસી મૃતદેહોની અંતિમવિધિ કેવી રીતે થાય છે?

અમદાવાદ, સિવિલ હૉસ્પિટલ, ગુજરાત, બીબીસી ગુજરાતી, બિનવારસી મૃતદેહોની અંતિમવિધિ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં વર્ષ 2025માં આઠ મહિનામાં 515 બિનવારસી મૃતદેહની અંતિમવિધિ કરાઈ છે. (પ્રતીકાત્મક તસવીર)
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

"ભલે મેં આઠ હજાર જેટલા બિનવારસી મૃતદેહોની અંતિમવિધિ કરી હોય તોય આજે પણ કોઈ નાનાં બાળકો કે યુવાનોના મૃતદેહ જોઉં છું તો મને દુ:ખની લાગણી અનુભવાય છે. એક મહિનામાં લગભગ 20 કરતાં પણ વધારે બિનવારસી મૃતદેહોની અંતિમવિધિ કરીએ છીએ." આ શબ્દો છે અનિલ વાઘેલાના.

35 વર્ષના અનિલ વાઘેલા છેલ્લાં 10 વર્ષ કરતાં વધારે સમયથી સિવિલ હૉસ્પિટલમાં આવતા બિનવારસી મૃતદેહોની અંતિમવિધિ કરે છે.

સિવિલ હૉસ્પિટલ તરફથી મળેલી માહિતી અનુસાર અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં વર્ષ 2025માં આઠ મહિનામાં 515 બિનવારસી મૃતદેહની અંતિમવિધિ કરાઈ છે. સિવિલમાં દર વર્ષે અંદાજે 750 કરતાં વધારે બિનવારસી મૃતદેહોની અંતિમવિધિ કરવામાં આવે છે.

પોલીસને કોઈ પણ બિનવારસી મૃતદેહ મળે તેને સિવિલ હૉસ્પિટલમાં લાવીને પોસ્ટમૉર્ટમ કર્યા બાદ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે.

બિનવારસી મૃતદેહોની હિન્દુ માટે 'સાહસ સોલ્યુશન' નામની સંસ્થા અને મુસ્લિમ માટે 'અહેમદાવાદ સુન્ની મુસ્લિમ વકફ કમિટી' દ્વારા અંતિમવિધિ કરવામાં આવે છે. અનિલ વાઘેલા 'સાહસ સોલ્યુશન' નામની સંસ્થા માટે કામ કરે છે.

છેલ્લાં 10 વર્ષ બિનવારસી મૃતદેહોની અંતિમવિધિ કરનાર અનિલે શું કહ્યું?

અમદાવાદ, સિવિલ હૉસ્પિટલ, ગુજરાત, બીબીસી ગુજરાતી, બિનવારસી મૃતદેહોની અંતિમવિધિ

ઇમેજ સ્રોત, PAVAN JAISHWAL

ઇમેજ કૅપ્શન, બિનવારસી મૃતદેહોની અંતિમવિધિના કામને સેવાનું કામ માનતા અનિલ વાઘેલા.

અનિલ દિવસે સિવિલ હૉસ્પિટલના પોસ્ટમૉર્ટમરૂમમાં હેલ્પર તરીકે કામ કરે છે. જ્યારે રાત્રે બિનવારસી મૃતદેહોની અંતિમવિધિ કરવાનું કામ કરે છે. અનિલ સાથે અન્ય ત્રણ યુવકો પણ કામ કરે છે.

બિનવારસી મૃતદેહોની અંતિમવિધિના કામને 'સેવા'નું કામ માનતા અનિલ વાઘેલાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "આજથી 10 વર્ષ પહેલાં શરૂઆતમાં હું અંતિમવિધિ કરવા સ્મશાનમાં જતો હતો ત્યારે મને થોડોક ડર લાગતો હતો. હવે તો મેં હજારો મૃતદેહોની અંતિમવિધિ કરી છે. હવે મારો ડર જતો રહ્યો છે."

બિનવારસી મૃતદેહો અંગે વાત કરતાં અનિલ જણાવે છે કે "પાણીમાં ડૂબીને મરી જનારના મૃતદેહો ફૂલી ગયા હોય કે ફોગાઈ ગયા હોય તો તેમનો ચહેરો ઓળખાતો નથી. તેમજ રેલવેના પાટા પરથી જે મૃતદેહો મળે છે તેમનાં અંગો અલગ-અલગ હોય, તેની અંતિમવિધિ કરીએ છીએ."

અનિલ કહે છે કે "અંતિમવિધિ કરતાં મને એવા વિચાર પણ આવે કે બની શકે કે આમનો પરિવાર આજે પણ રાહ જોતો હશે."

અનિલ જણાવે છે કે "જ્યારથી હું આ અંતિમવિધિનું કામ કરું છું, ત્યારથી હું કોઈ સંબંધીની અંતિમવિધિમાં જાઉં છું તો ત્યાં પરિવારના લોકો કોઈ યુવાન હોય તો તેને પીઠી કરે, બાળકને સજાવે છે, લોકો રડતા હોય છે. આથી અમે પણ અમે મહિલાના મૃતદેહને લાલ કપડાથી કે બાળકના મૃતદેહને ફૂલોથી સજાવીએ છીએ, પરંતુ તેનો પરિવાર તો નથી જ તેવું લાગ્યા કરે છે."

સિવિલ હૉસ્પિટલમાં બિનવારસી મૃતદેહોની અંતિમવિધિ માટેની પ્રક્રિયા શું છે?

અમદાવાદ, સિવિલ હૉસ્પિટલ, ગુજરાત, બીબીસી ગુજરાતી, બિનવારસી મૃતદેહોની અંતિમવિધિ

ઇમેજ સ્રોત, PAVAN JAISHWAL

ઇમેજ કૅપ્શન, સિવિલ હૉસ્પિટલના ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બિનવારસી મૃતદેહોને સાત દિવસથી લઈને ચૌદ દિવસ સુધી કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે. ત્યાર બાદ જો તેમનાં સગાંસંબંધી ન મળે તો સિવિલ હૉસ્પિટલ દ્વારા તેની અંતિમવિધિની પ્રક્રિયા કરવામાં આવે છે.

સિવિલ હૉસ્પિટલના ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ માહિતી આપતા બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે "કોઈ પણ માણસનું મૃત્યુ થાય તેને સન્માનજનક અંતિમવિધિનો હક છે જે તેને મળવો જ જોઈએ. પોલીસને કોઈ પણ બિનવારસી મૃતદેહ મળે તો તે સિવિલ હૉસ્પિટલમાં લઈને આવે છે. તેનું પોસ્ટમૉર્ટમ કર્યા બાદ તેને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે. મૃતદેહને કેટલા દિવસ માટે કોલ્ડ સ્ટોરેજમાં રાખવો તે અંગે પોલીસ નિર્ણય કરે છે."

"સિવિલ હૉસ્પિટલ દ્વારા અંતિમવિધિ કરવા માટે એક સંસ્થાને કામ આપેલું છે. અમે તે સંસ્થાને એક મૃતદેહની અંતિમવિધિ કરવાના 1249 રૂપિયા ચૂકવીએ છીએ. પોલીસ રિપોર્ટ આપે ત્યાર બાદ અંતિમવિધિ કરવામાં આવે છે. સામાન્ય રીતે આ મૃતદેહોની અંતિમવિધિ રાત્રીના સમયમાં કરવામાં આવે છે."

વર્ષ 2025માં બિનવારસી મૃતદેહો અંગે માહિતી આપતા રાકેશ જોશીએ જણાવ્યું કે "આ વર્ષે 1 જાન્યુઆરીથી 31 ઑગસ્ટ 2025 સુધીમાં સિવિલ હૉસ્પિટલમાં 515 બિનવારસી મૃતદેહો લાવવામાં આવ્યા હતા, જેની અંતિમવિધિ કરાઈ છે. જેમાંથી 508 મૃતદેહોની હિન્દુ ધાર્મિક વિધિથી તેમજ સાત મૃતદેહોની મુસ્લિમ ધાર્મિક વિધિથી અંતિમવિધિ કરવામાં આવી છે."

મૃતદેહ મુસ્લિમ છે કે હિન્દુ તે કેવી રીતે નક્કી કરવામાં આવે છે તે અંગે વાત કરતાં રાકેશ જોશી જણાવે છે કે "સુન્નતને આધારે કે અન્ય કોઈ પુરાવા જોઈને તે નક્કી કરવામાં આવે છે. આ સિવાયના મૃતદેહોની અંતિમવિધિ હિન્દુ માન્યતા મુજબ અગ્નિદાહ આપવામાં આવે છે, જ્યારે મુસ્લિમ વ્યક્તિના મૃતદેહોની અંતિમવિધિ વકફ કમિટી દ્વારા કરવામાં આવે છે."

ધર્મ પ્રમાણે અલગ-અલગ અંતિમવિધિ

અમદાવાદ, સિવિલ હૉસ્પિટલ, ગુજરાત, બીબીસી ગુજરાતી, બિનવારસી મૃતદેહોની અંતિમવિધિ

'સાહસ સોલ્યુશન' સંસ્થા છેલ્લાં 18 વર્ષથી બિનવારસી મૃતદેહોની અંતિમવિધિ કરવાનું કામ કરે છે.

આ સંસ્થાના સંચાલક સંદીપ ત્રિવેદીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "આ સેવાનું કામ છે એટલે અમે કોઈ પણ પ્રકારનો નફો લીધા વગર આ કામ કરીએ છીએ. બિનવારસી મૃતદેહોને રાખી મૂક્યા હોવાથી તેમાંથી દુર્ગંધ આવવાની શરૂ થઈ જાય છે, જેથી આ મૃતદેહોની અંતિમવિધિ રાત્રે જ કરવામાં આવે છે. અંતિમવિધિ કર્યાના બે દિવસ બાદ સ્મશાનમાંથી મૃતકની પહોંચ લઈને સિવિલ હૉસ્પિટલમાં આપવામાં આવે છે."

મુસ્લિમ મૃતદેહોની દફનવિધિ 'અહેમદાવાદ સુન્ની મુસ્લિમ વકફ કમિટી' દ્વારા કરવામાં આવે છે.

ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા નિમાયેલી 'અહેમદાબાદ સુન્ની મુસ્લિમ વકફ કમિટી'ના કેરટેકર ઇકબાલહુસેન માલવતે જણાવ્યું કે "મુસ્લિમ વ્યક્તિના બિનવારસી મૃતદેહની દફનવિધિ વર્ષોથી અમારી કમિટી કરે છે. આ માટે એક વ્યક્તિને નોકરીએ રાખી છે, જેનો ખર્ચ અમારી કમિટી ભોગવે છે."

ઇકબાલહુસેન માલવત વધુમાં જણાવે છે કે "સિવિલ હૉસ્પિટલ દ્વારા અમને જાણ કરવામાં આવે એટલે અમારા માણસ ત્યાં જઈને મૃતદેહ લઈ આવે છે. ત્યાર બાદ કબ્રસ્તાનમાં લાવીને તેને સ્નાન કરાવીને અમારી ઇસ્લામ વિધિ કર્યા બાદ કબરમાં તેની દફનવિધિ કરવામાં આવે છે."

અનિલ જણાવે છે કે "અમે હિન્દુ ધાર્મિક વિધિ મુજબ જ અંતિમવિધિ કરીએ છીએ. આ મૃતદેહોની અંતિમવિધિ નિયમ મુજબ અમે સીએનજી ભઠ્ઠીમાં કરતાં હોઈએ છીએ. સ્મશાનમાં કામ કરનાર લોકો આ મૃતદેહોનાં અસ્થિ થોડોક સમય સુધી સાચવીને રાખતાં હોય છે. કેટલીક વાર અંતિમવિધિ થયા બાદ થોડાક સમય બાદ પરિવાર મળી જાય તો આવા સંજોગોમાં પરિવાર અસ્થિ લેવા માટે આવતા હોય છે."

બિનવારસી મૃતદેહ મળે તો પોલીસ શું પ્રક્રિયા કરે છે?

અમદાવાદ, સિવિલ હૉસ્પિટલ, ગુજરાત, બીબીસી ગુજરાતી, બિનવારસી મૃતદેહોની અંતિમવિધિ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

કોઈ પણ જગ્યા પરથી બિનવારસી મૃતદેહ મળી આવે તો તેના દસ્તાવેજની કાર્યવાહી કરીને પોલીસ તે મૃતદેહને સિવિલ હૉસ્પિટલ લઈ જાય છે.

સિવિલ હૉસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર આખા અમદાવાદમાંથી તેમજ નજીકના જિલ્લાઓમાં જ્યાં કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા ન હોય તે પોલીસ પણ મૃતદેહ સિવિલ હૉસ્પિટલમાં લઈ આવે છે.

સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ અને પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નદી, કૅનાલ, અકસ્માતમાં રોડ પર કે રેલવેના પાટા પરથી તેમજ રસ્તા પરથી વગેરે અલગ-અલગ જગ્યા પરથી બિનવારસી મૃતદેહો મળી આવતા હોય છે.

બિનવારસી મૃતદેહ મળે પછી પોલીસ દ્વારા શું પ્રક્રિયા કરવામાં આવે છે તે અંગે રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાંથી માહિતી મેળવી હતી.

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, કોઈ પણ બિનવારસી મૃતદેહ મળે તો પોલીસ મૃતદેહના ફોટો પાડે તેમજ તેના શરીર પરનાં નિશાન કે ટેટૂ કે અન્ય કોઈ પુરાવા જેમ કે કપડાં કે કોઈ કડું કે વીંટી વગેરે અંગે હોય તેની નોંધ તૈયાર કરે છે.

મૃતદેહની દસ્તાવેજી કાર્યવાહી કર્યા બાદ તરત જ મૃતદેહને સિવિલ હૉસ્પિટલ લઈ જવામાં આવે છે. સિવિલ હૉસ્પિટલમાં મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવે તેમજ ડીએનએ સૅમ્પલ પણ લેવામાં આવે છે. જેથી ભવિષ્ચમાં કોઈ સગાં મળી આવે તો તેમનો ડીએનએ મૅચ કરી શકાય.

જે પોલીસ સ્ટેશનની હદમાં મૃતદેહ મળ્યો હોય તે પોલીસ સ્ટેશન દ્વારા મૃતદેહનો ફોટો તેમજ તેમની ઓળખ થઈ શકે તેવાં નિશાન વગેરે નોંધ સાથે પોલીસની મુખ્ય કચેરીએ મોકલી આપે છે.

મુખ્ય કચેરીમાંથી આ વિગતોને પ્રસારિત કરવા માટે દૂરદર્શન ખાતે મોકલી આપવામાં આવે છે. જેથી આ માહિતી સગાંસંબંધી સુધી પહોંચી શકે. પોલીસ આ માહિતીને અલગ-અલગ સોશિયલ મીડિયા પર તેમજ ઍપ્લિકેશનના ગ્રૂપમાં પણ મૂકે છે.

પોલીસની માહિતી અનુસાર કોઈ વ્યક્તિ ગુમ થઈ હોય અને તેમનો પરિવાર હોય તો તે નજીકના પોલીસ સ્ટેશનમાં જાય છે.

બિનવારસી મૃતદેહ કોઈ પણ પોલીસને મળ્યો હોય તે દરેક પોલીસ સ્ટેશનને ઑનલાઇન માહિતી મળી જાય છે. જેથી તે પોલીસ સ્ટેશન બિનવારસી મૃતદેહોની વિગતો બતાવે. વિગતો મૅચ થતી હોય તો તે જે પોલીસ સ્ટેશનને મૃતદેહ મળ્યો હોય તે પોલીસ સ્ટેશનમાં સગાંને મોકલે છે. સગાં પાસેથી પુરાવા મેળવ્યા બાદ પંચનામું કરીને પોલીસ સગાંને મૃતદેહ સોંપે છે.

જે કિસ્સામાં સગાં મળતાં નથી તે કિસ્સામાં 7થી 14 દિવસ સુધી રાહ જોવામાં આવે છે. મૃતદેહ ડી કમ્પોસ્ટ થવા લાગે તો 7 દિવસમાં અતિંમવિધિ કરવામાં આવે છે. જો સગાં મળે તેવી શક્યતા લાગે તો 21 દિવસ સુધી પણ રાહ જોવાતી હોય છે.

પોલીસને લાગે કે સગાં મળી રહ્યા નથી તો તે બિનવારસી મૃતદેહની અંતિમવિધિ કરવા માટે સિવિલ હૉસ્પિટલને રિપોર્ટ આપે છે. ત્યાર બાદ મૃતદેહની અંતિમવિધિની પ્રક્રિયા કરવામાં આવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન