ગુજરાત : ખેતીની જમીનનો માલિક કોણ બની શકે? 'બોગસ ખેડૂત' કોને કહેવાય, પકડાય તો શું કાર્યવાહી થાય?

પ્રતીકાત્મક તસવીર બોગસ ખેડૂત ખેતી વરસાદ ચોમાસું પાક ખેતર પશુપાલન ગુજરાત ગુજરાતીમાં સમાચાર બીબીસી જો તમારા બાપદાદા ખેડૂત નથી તો તમે ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકતા નથી. (પ્રતીકાત્મક તસવીર)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જો તમારા બાપદાદા ખેડૂત નથી તો તમે ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકતા નથી. (પ્રતીકાત્મક તસવીર)
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

જો તમારા બાપદાદા ખેડૂત નથી તો તમે ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકતા નથી. આજ રીતે તમે જો ગુજરાત રાજ્ય બહારના છો તો પણ ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકતા નથી. તેમ છતાં પણ જો તમે ખેતીની જમીન ખરીદો છો તો તમે 'બોગસ ખેડૂત' બની જાવ છો.

ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને હાલના ઇડર વિધાનસભાના ધારાસભ્ય રમણ વોરા સામે બોગસ ખેડૂત હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. તેમજ તે અંગેની તપાસ પ્રક્રિયા પણ ચાલી રહી છે.

બોગસ ખેડૂત એવો શબ્દ અવારનાવર સાંભળવા મળતો હોય છે. બોગસ ખેડૂત એટલે શું? તેમજ ગુજરાતમાં કેમ દરેક વ્યક્તિ ખેડૂત બની શકતી નથી તે અંગે નિષ્ણાતો પાસેથી સમજીશું.

રાજસ્થાન જેવાં કેટલાંક રાજ્યો છે જેમાં કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકે છે. પરંતુ કાયદાની જોગવાઈઓને કારણે ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ ખેડૂત બની શકતી નથી.

દેશ આઝાદ થયા બાદ જમીન સુધારાના કાયદાઓ અમલમાં આવ્યા હતા. જમીન સુધારા કાયદાઓ દરેક રાજ્યના અલગ છે. વર્ષ 1948માં મુંબઈ ગણોત અને ખેતીની જમીન વહીવટનો કાયદો બન્યો હતો.

તે સમયે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય એક જ હતાં. આ કાયદો વર્ષ 1956માં અમલમાં આવ્યો હતો. ગુજરાત રાજ્યમાં આ કાયદાને હવે ગુજરાત ગણોત અને ખેતીની જમીન વહીવટધારા તરીકે ઓળખવામાં આવે છે.

બોગસ ખેડૂત એટલે શું?

30 વર્ષ કરતાં વધારે સમયથી જમીન સંપાદનના કેસો લડતા વકીલ પ્રકાશ શાહે જણાવ્યું કે, "રાજ્યમાં જે લોકોને 1 જુલાઈ 1957માં ગણોત તરીકે જમીન મળી હોય અથવા તો જે વ્યક્તિ વંશપરંપરાગત રીતે જમીન મળી હોય તે વ્યકિત ખેડૂત કહેવાય છે. આ સિવાયના લોકો ગુજરાતમાં ખેતીલાયક જમીન ખરીદી શકતા નથી અને જો તે ખરીદે છે તો તેને બોગસ ખેડૂત કહેવાય છે."

તમે અન્ય રાજ્યમાં ખેડૂત છો તો પણ કાયદાની જોગવાઈ મુજબ તમે ગુજરાત રાજ્યમાં ખેતીની જમીન ખરીદી શકો નહીં.

રેવન્યૂ વિભાગમાં મામલતદાર તરીકે નિવૃત્ત થયેલા અધિકારીએ નામ ન આપવાની શરતે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "ગણોતધારા કાયદાની જોગવાઈ અનુસાર જે ખેડૂત 1956 પહેલાંથી ખેતી કરે છે અથવા તો તેમના બાપ દાદાએ વારસામાં જમીન આપી છે તે જ વ્યકિત ગુજરાતમાં ખેડૂત બની શકે છે. જો કોઈ વ્યકિત અન્ય રાજયમાં ખેડૂત હોય તો પણ તે ગુજરાતમાં ખેતીલાયક જમીન ખરીદે તો તે બોગસ ખેડૂત કહેવાય છે."

બોગસ ખેડૂત અંગે ફરિયાદ ક્યાં કરી શકાય?

પ્રતીકાત્મક તસવીર બોગસ ખેડૂત ખેતી વરસાદ ચોમાસું પાક ખેતર પશુપાલન ગુજરાત ગુજરાતીમાં સમાચાર બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

જો કોઈ વ્યક્તિ ખેડૂત નથી તેમ છતાં તે ખોટા પુરાવા ઊભા કરીને ખેતીની જમીન ખરીદે છે તો તેની સામે ગણોતધારાની કલમ 84(C) મુજબ કાર્યવાહી કરવામાં આવે છે.

આ અંગે નિવૃત્ત મામલતદાર જણાવે છે કે "કોઈ વ્યક્તિ બોગસ ખેડૂત છે તો તે અંગેની તે વિસ્તારના મામલતદારને ફરિયાદ કરવાની હોય છે. બોગસ ખેડૂત અંગે તપાસ કરવાના પાવર મામલતદાર પાસે હોય છે. આ કેસની સૌપ્રથમ તપાસ મામલતદાર કરે છે. મામલતદારે બને પક્ષોને સાંભળી તેમજ પુરાવાને આધારે ઑર્ડર કરે છે. આ ઑર્ડરથી અસંતોષ હોય તો ડેપ્યુટી કલેક્ટર પાસે અપીલ કરી શકાય છે. ડેપ્યુટી કલેક્ટરના ઑર્ડર બાદ મહેસુલપંચ અને ત્યારબાદ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકાય છે."

લોકો બોગસ ખેડૂત કેવી રીતે બને છે?

જે લોકો ખેડૂત નથી અને ખેતી લાયક જમીન ખરીદવા માંગતા હોય છે તેવા લોકો નવા નવા કીમિયાઓ અપનાવીને બોગસ ખેડૂત બનતા હોય છે. આ સરકારના ધ્યાને આવે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે.

લોકો કેવી રીતે બોગસ ખેડૂત બને છે તે અંગે વાત કરતાં વકીલ પ્રકાશ શાહ જણાવે છે કે, "રાજયમાં એવા કેટલાક લોકોએ જેમને ભળતા નામથી ખોટા પેઢીનામા બનાવીને ખેડૂત બને છે.

આ અંગે ઉદાહરણ આપતાં તેઓ સમજાવે છે કે "કોઈ એક વ્યકિતનું નામ દીપક રમણલાલ શાહ છે અને તે ખેડૂત નથી પરંતુ તેને ખેડૂત બનવું છે તો તેના જેવા જ નામનો એક માણસ શોધે જે ખેડૂત હોય. તેના નામથી ઍફિડેવિટ કરાવીને તે જમીન ખરીદે છે અને ખેડૂત બને છે."

ઍડ્વોકેટ દીપક પટેલ જણાવે છે કે, "આ સિવાય કેટલાક એવા લોકો છે કે જે વિલ બનાવીને ખેડૂત બની ગયા હોય. જેમાં કોઈ વ્યક્તિ ખેડૂત છે અને તે મૃત્યુ પામે બાદમાં તેની વિલમાં તેને જમીન આપી હોય અને ખેડૂત બની જાય.જો કે સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે કે જે પણ ખેડૂત વિલથી બન્યા છે તે ખેડૂત કાયદેસર ગણી શકાય નહીં."

બોગસ ખેડૂત સાબિત થાય તો શું કાર્યવાહી થાય?

પ્રતીકાત્મક તસવીર, ગુજરાત, બોગસ ખેડૂત બોગસ ખેડૂત ખેતી વરસાદ ચોમાસું પાક ખેતર પશુપાલન ગુજરાત ગુજરાતીમાં સમાચાર બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નિવૃત્ત મામલતદાર જણાવે છે કે જો કે "કોઈ વ્યક્તિ બોગસ ખેડૂત છે તો તેને 84 (c) મુજબ નોટિસ આપવામાં આવે છે. નોટિસ મળ્યા બાદના ત્રણ મહિનામાં તે જમીન તેના મૂળ માલિક ખેડૂતને પરત આપવી અથવા તો તેમ થઈ શકે તેમ ન હોય તો બોજા રહિત સરકાર હસ્તક લેવામાં આવે છે. આ જમીન પર કોઈ બોજો( લોન કે ધીરાણ) હોય તો તે જે તે બોગસ ખેડૂતે ચુકવવાનું રહે છે."

આ અંગે વાત કરતાં પ્રકાશ શાહ જણાવે છે કે "ગણોત ધારા અંર્તગત જે જમીન સરકાર હસ્તક થાય તેને ગણોત ધારાની જમીન કહેવાય છે. આ જમીન લેવા માટે જમીનવિહોણા લોકો અરજી કરવાની હોય છે. આ જમીન કોને આપી શકાય તે માટે અગ્રતાક્રમ નક્કી કરવામાં આવેલા છે. તે અગ્રતાક્રમ મુજબ ફાળવવામાં આવે છે."

વકીલ દીપક પટેલ જણાવે છે કે, "બોગસ ખેડૂતની કાર્યવાહી બાદ જે જમીન સરકાર હસ્તક જતી રહે છે તે જમીન તે ગામના પછાત વર્ગના (SC, ST, OBC) ને આપી શકાય છે. આ જમીનને નવી શરતની જમીન કહેવાય છે."

"આ જમીન આપવામાં આવે ત્યારે શરત હોય કે જ્યારે પણ આ જમીન અન્ય કોઈને વેચવાની કે તબદીલ કરવાની થાય ત્યારે જમીનધારણ કરનારે જંત્રીના 50 ટકા પ્રિમિયમ સરકારને ભરવાનું રહે છે."

નિવૃત્ત મામલતદાર જણાવે છે કે "જે વ્યક્તિની વાર્ષિક આવક 5 હજાર કરતાંં ઓછી હોય અને તે જમીનવિહોણો હોય તો તે આ જમીન મેળવવા અરજી કરી શકે છે."

બોગસ ખેડૂતોની જમીન કોઈ સાચો ખેડૂત ખરીદી લે છે તો શું થાય તે અંગે વાત કરતાં પ્રકાશ શાહ જણાવે છે કે, "ધારો કે તમે સાચા ખેડૂત છો તમે એક જમીન ખરીદી છે જે ખેડૂત બોગસ ખેડૂત સાબિત થાય છે તો તેવા કિસ્સા માટે સરકારે 30 જૂન 2015ના રોજ કરેલા પરિપત્ર કર્યો અનુસાર તમે વર્ષ 2015 પહેલાં જમીન ખરીદી છે તો તમારે તે જમીનની જંત્રીની રકમના 10 ટકા રૂપિયા સરકારને પ્રિમિયમની રકમ ચુકવી શકીને કાયદેસર કરી શકો છો."

"આ ખેડૂતને બોનાફાઇડ ખેડૂત કહેવાય છે. પરંતુ જો તમે વર્ષ 2015 બાદ ખરીદી છે તો તે જમીનમાં શ્રી સરકાર દાખલ થાય તમારી જમીન સરકાર હસ્તક જતી રહે છે."

ખેડૂત કોણ બની શકે છે?

પ્રતીકાત્મક તસવીર બોગસ ખેડૂત ખેતી વરસાદ ચોમાસું પાક ખેતર પશુપાલન ગુજરાત ગુજરાતીમાં સમાચાર બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

જે લોકો વંશપરંપરાગત જમીન ધરાવતા નથી તેઓ પણ કેટલાક કિસ્સામાં ખેડૂત બની શકે છે. તે અંગે કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે.

પ્રકાશ શાહ જણાવે છે કે " 1 જુલાઈ 1957થી જેને ગણોત તરીકે જમીન મળી હોય અથવા તો જે વ્યકિતના બાપદાદા ખેડૂત હોય તેમને વારસાગત જમીન મળી હોય તે વ્યકિત. પતિ ખેડૂત હોય તો તેના મૃત્યુ બાદ તેની પત્ની ખેડૂત બની શકે."

તેઓ જણાવે છે કે જો કે જો પત્ની ખેડૂત હોય તો તેમનાં મૃત્યુ બાદ તેનાં બાળકો ખેડૂત બની શકે છે. તેના પતિને જમીન મળી શકે છે પરંતુ તે ખેડૂત બની શકતો નથી. પતિ તે જમીનનો માલિક બની જાય પરંતુ તે ખેતીલાયક બીજી જમીન ખરીદી શકે નહીં.

તેઓ કહે છે કે "કોઈ વ્યકિત સાબિત કરે કે ગણોત ધારા મુજબ તે ગણોતિયો છે. એટલે કે તે ખેડૂત ન હોય પરંતુ 1957 થી તેના પરિવાર અને તે અત્યાર સુધી કોઈ એક જ જમીન ખેડે છે તો તે જમીન તેને મળે છે અને તે ખેડૂત બને છે."

કેટલાક ખેડૂતની બધી જ જમીન વેચાઈ જાય અથવા તો તેની બધી જ જમીન સરકારના કોઈ પ્રોજેક્ટમાં જતી રહે છે તો તે ખેડૂત રહી શકે છે તે અંગેની કાયદામાં જોગવાઈ છે.

આ અંગે વાત કરતા પ્રકાશ શાહ જણાવે છે કે, "જે વ્યક્તિની બધી જ જમીન વેચાઈ જાય તો તેને તેના જિલ્લાના કલેક્ટરને અરજી કરવાની હોય છે. તેમજ જમીનનો દસ્તાવેજ કર્યાના 6 મહિનાની અંદર ખેતીલાયક જમીન ખરીદવી ફરજિયાત છે. જો તે છ મહિનામાં ખેતીલાયક જમીન ખરીદે નહીં તો તે ખેડૂત રહી શકતો નથી. તેમજ જે કિસ્સામાં સરકારે કોઈ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરી હોય તે ખેડૂતે જમીન સંપાદન સર્ટિફિકેટ મળ્યાનાં ત્રણ વર્ષમાં ખેતીલાયક જમીન ખરીદે તો જ ખેડૂત રહે છે."

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે એપ્રિલ 2025માં એક પરિપત્ર કર્યો છે. જે અનુસાર 6 એપ્રિલ 1995 એ ખેતીની જમીન ધારણ કરેલી હોય તો તેને ખેડૂત માનવો.

આ અંગે વાત કરતાં પ્રકાશ શાહ જણાવે છે કે, "ગુજરાત સરકારે 6 એપ્રિલ 2025ના રોજ કરેલા પરિપત્ર મુજબ જે વ્યક્તિ એપ્રિલ 1995 એ ખેતીની જમીન ધારણ કરેલી છે અને તે નવી જમીન ખરીદે છે તો અગાઉના કોઈ રેકૉર્ડ ધ્યાને લેવા નહીં, તેને ખેડૂત માની લેવો. પરંતુ આ કિસ્સામાં કોઈ ખેડૂતે 1995 પહેલાં જમીન ખરીદી છે પરંતુ તે 1957થી ખેડૂત નથી અને આ અંગે ધ્યાને આવે અથવા તો કોઈ ફરિયાદ કરે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે. તે ખેડૂત સાચો છે તે પુરવાર કરવાની જવાબદારી ખેડૂતની હોય છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન