'મોતને પહેલી વાર 10 ડગલાં દૂરથી જોયું', નેપાળમાં ઍરપૉર્ટ પર ફસાયેલાં ગુજરાતીઓની ચિંતા

ગુજરાતીઓ નેપાળમાં ફસાયા, પર્યટન કે યાત્રા કૈલાશ માનસરોવર માટે રાજકોટ, અમદાવાદ અને ભાવનગરથી ગયેલા ગુજરાતીઓ, જેન ઝી વિરોધપ્રદર્શન, સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ, નેપાળ યુવા આંદોલન, નેપાળ હિંસા, વડા પ્રધાન ઓપી શર્મા ઓલીનું રાજીનામું, રાષ્ટ્રપતિ રાજીનામું, કાઠમંડુમાં સેના, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, હોટલ પરિસરમાંથી ગુજરાતીઓ નીકળ્યાં, ત્યારે તેમને અંદાજ ન હતો કે આગળ કેટલી કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડશે
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"હું અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહું છું. મેં અનેક વાર ગુજરાતમાં થયેલી હિંસા જોઈ છે, પણ મોતને દસ ડગલાં દૂર પહેલી વાર જોયું. અમે અત્યારે નેપાળના ઍરપૉર્ટ પર છીએ. અત્યારે પણ કઈ ઘડીએ અમારી પર કોણ હુમલો કરશે અને અમે જીવતા પાછા આવીશું કે કેમ એની ખબર નથી. બધા ઍરપૉર્ટ છોડીને જતા રહ્યા છે, અમે કૈલાસની યાત્રા કરનારા લોકો નોધારી હાલતમાં ઍરપૉર્ટ પર છીએ." આ શબ્દો છે 72 વર્ષના જગદીશ ઠક્કરના.

દર વર્ષે લાખોની સંખ્યામાં ગુજરાતીઓ સહિત ભારતીયો હવાઈમાર્ગે પાડોશી દેશ નેપાળનો પ્રવાસ ખેડે છે. જેમાં ભારતીયો ટોચ ઉપર હતા.

મોટા ભાગે ભારતીયો જમીનમાર્ગે મુસાફરી ખેડે છે, જેમનો ચોક્કસ આંકડો નથી હોતો. આ માટે ધાર્મિક, પર્યટન કે ઍડ્વેન્ચરનાં કારણો હોય છે.

જોકે, આ સપ્તાહની શરૂઆતથી નેપાળમાં રાજકીય પરિસ્થિતિ ઝડપભેર બદલાઈ છે. નેપાળના જેન ઝીએ સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ તથા ભ્રષ્ટાચારનું કારણ આગળ કરીને સંસદ તથા સરકારી કચેરીઓના વિસ્તાર સિંહ દરબારમાં આગચંપી કરી છે.

ગુજરાતમાંથી સેંકડો મુસાફર નેપાળમાં ફસાઈ ગયા છે. વિદેશ મંત્રાલયે નેપાળમાં ફસાયેલા ભારતીયોને માટે ઍડ્વાઇઝરી બહાર પાડી છે.

'તેઓ અમારી બસ સળગાવવા માગતા હતા'

ગુજરાતીઓ નેપાળમાં ફસાયા, પર્યટન કે યાત્રા કૈલાશ માનસરોવર માટે રાજકોટ, અમદાવાદ અને ભાવનગરથી ગયેલા ગુજરાતીઓ, જેન ઝી વિરોધપ્રદર્શન, સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ, નેપાળ યુવા આંદોલન, નેપાળ હિંસા, વડા પ્રધાન ઓપી શર્મા ઓલીનું રાજીનામું, રાષ્ટ્રપતિ રાજીનામું, કાઠમંડુમાં સેના, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

હાલમાં કૈલાસ માનસરોવરની યાત્રા માટેનો સમયગાળો છે. જેમાં ભારતીયો ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશના માર્ગે આ જાત્રા કરે છે. જ્યારે અન્ય કેટલાક લોકો નેપાળના રસ્તે કૈલાસ માનસરોવરની યાત્રા કરવાનું પસંદ કરતા હોય છે.

જગદીશ ઠક્કરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "મેં આખી જિંદગી મહેનત કરી છે. કૈલાસ માનસરોવરની યાત્રા કરવાની ઇચ્છા હતી. એના માટે મેં રૂ. સાડા ત્રણ લાખ બચાવ્યા હતા. એક ખાનગી ટ્રાવેલ કંપનીમાં રૂ. અઢી લાખનું પૅકેજ લીધું હતું અને બીજી સપ્ટેમ્બરે નીકળ્યા હતા."

"કૈલાસની પરિક્રમા કરીને 20 જણનું અમારું ગ્રૂપ પરત આવી રહ્યું હતું. અમે બધા ખુશ હતા કે યાત્રા કોઈ પણ જાતના વિઘ્ન વગર પૂરી થઈ હતી. જોકે, અમને ખબર ન હતી કે વિઘ્ન અમારી સામે મોં ફાડીને ઊભું છે."

જગદીશ ઠક્કરે પોતાની વાત આગળ વધારતા કહ્યું, "અમે ઍરપૉર્ટ જવા નીકળ્યા અને લગભગ અડધે રસ્તે પહોંચ્યા હશું કે હજારો લોકોનું ટોળું રસ્તા ઉપર આવી ગયું. તેઓ અમારી બસ સળગાવવા માગતા હતા."

"અમારામાંથી એક જણે નીચે ઊતરીને તેમની સાથે વાત કરી, તો તેમણે અમને સામાન સાથે ચાલતા જવા કહ્યું. અમે ચાલતા નીકળ્યા, પરંતુ કમનસીબી અમારો પીછો છોડવા માગતી ન હોય એમ, થોડા આગળ ગયા કે બીજું ટોળું આવ્યું."

"જેમતેમ કરીને સામાન સાથે સાડા ચાર કિલોમીટર ચાલીને અમે કાઠમાંડુ ઍરપૉર્ટ પર પહોંચ્યાં. ઍરપૉર્ટ ખાતે અમારું બૉર્ડિંગ થયું. અમને રાહત હતી કે અમે ભારત પહોંચી જઈશું. ત્યાં અચાનક ઍરપૉર્ટ ઑથૉરિટીએ અમને કહ્યું કે અમારી ફ્લાઇટ મોડી છે. બે-એક કલાક બાદ અમને કહેવામાં આવ્યું કે ઍરપૉર્ટ બંધ થઈ ગયું છે."

ભારતથી ઍર ઇન્ડિયા, ઇન્ડિગો ઍરલાઇન્સ તથા સ્પાઇસ જેટની ફ્લાઇટો કાઠમાંડૂ જાય છે, પરંતુ ઍરપૉર્ટ પરની પરિસ્થિતિને જોતાં વિમાનન કંપનીઓએ તેમની ફ્લાઇટો રદ કરી દીધી હતી. નેપાળ ઍરલાઇન્સે પણ તેની દિલ્હીની ઉડ્ડાણ રદ કરી દીધી હતી.

'હિંસક ટોળા સાથે વાત કરી અને એ માની ગયા'

ગુજરાતીઓ નેપાળમાં ફસાયા, પર્યટન કે યાત્રા કૈલાશ માનસરોવર માટે રાજકોટ, અમદાવાદ અને ભાવનગરથી ગયેલા ગુજરાતીઓ, જેન ઝી વિરોધપ્રદર્શન, સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ, નેપાળ યુવા આંદોલન, નેપાળ હિંસા, વડા પ્રધાન ઓપી શર્મા ઓલીનું રાજીનામું, રાષ્ટ્રપતિ રાજીનામું, કાઠમંડુમાં સેના, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, 72 વર્ષીય જગદીશ ઠક્કર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગ્રૂપના આગેવાન અશોકભાઈ બારોટે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "જુવાનિયા અમને બસ સાથે સળગાવી દેત. અમે ગભરાઈ ગયા હતા. ખબર નહીં ભગવાને મને શું સૂઝાડ્યું કે હું નીચે ઊતર્યો અને તોફાની હિંસક ટોળામાં બે લોકો સાથે વાત કરી."

"મેં તેમને કહ્યું કે, 'અમે તમારા દેશમાં આવીને રોકાયા, બસ ભાડે કરી, ખરીદી કરી છે. ફર્યા છીએ. અમે તમને પૈસા કમાવી આપવા માટે આવ્યા છીએ. અમે તમારી પાસેથી કશું લેવા માટે નથી આવ્યા. અમે હેરાન થઈશું તો બીજા લોકો નહીં આવે અને તમારા દેશને નુકસાન થશે.' ખબર નહીં, મારી વાત એમના ગળે ઊતરી ગઈ."

અશોકભાઈ બારોટ કહે છે કે એ પછી તેમણે બસને રોકી રાખી, પરંતુ અમને જવા દીધા. ગ્રૂપમાં સરેરાશ લોકો 55 વર્ષ કે તેથી વધુ ઉંમરના હતા. તેઓ સામાન લઈને ચાલતા થયા.

અશોકભાઈ બારોટ ઉમેરે છે, "એવામાં અચાનક બીજું ટોળું આવ્યું અને તોડફોડ કરવા લાગ્યું. પોલીસે ટિયરગૅસના સેલ છોડ્યા. એક મારા માથામાં વાગ્યો. ત્રણ જણ બેભાન થઈ ગયા. એમને છોડી જવા શક્ય ન હતા. અમને લાગ્યું કે હવે અમે જીવતા નહીં બચીએ."

"ટોળાએ અમારો સામાન લૂંટવાનો પ્રયાસ કર્યો. એક બહેનનો મોંઘો ફોન લૂંટાઈ ગયો, પણ ટોળામાંથી કેટલાક યુવાન આવ્યા અને એમણે અમને પાણી આપ્યું. તેમણે જ અમને ઍરપૉર્ટ સુધી પહોંચવાનો શૉર્ટકટ બતાવ્યો."

અશોકભાઈ બારોટ પોતાની વાતને આગળ વધારતા કહે છે, "ફ્લાઇટ કૅન્સલ થયા બાદ ત્યાંના લોકોએ અમને ઍરપૉર્ટ ખાલી કરી દેવા કહ્યું, પરંતુ અમે બહારની હિંસા જોઈ હતી એટલે અમને તેમને કહ્યું કે અમે ઍરપૉર્ટ છોડીને નહીં જઈએ."

"એટલે એમણે અમને ગ્રૂપમાં રહેવા કહ્યું. અમે કંઈ સમજીએ એ પહેલાં તો ઍરપૉર્ટ પરથી કર્મચારીઓ એક પછી એક નાસી ભાગી ગયા. અહીંની કૉફી શૉપથી લઈને તમામ દુકાનો બંધ થઈ ગઈ. અમને ખબર પડી કે બહાર લોકો હોટલોને સળગાવી રહ્યા છે."

"અમે ઍરપૉર્ટમાં સંતાઈને સૂઈ ગયા. અડધા લોકો આખી રાત જાગતા રહ્યા, કારણ કે કોણ ક્યાંથી હુમલો કરશે એની ખબર ન હતી. ઍરપૉર્ટ પરથી સિક્યૉરિટી ગૂમ થઈ ગઈ હતી. અમે ભગવાનના ભરોસે હતા. એક મારો ફોન ચાલતો હતો એટલે ઍમ્બેસીમાં ફોન કર્યો."

"ત્યારે આજે સવારે લશ્કરના માણસો સાથે ઍમ્બેસીના લોકો આવ્યા, તેમણે અમારા માટે કોઈ વ્યવસ્થા કરી નથી કે સલામતીની કોઈ ખાતરી આપી ન હતી. અમે તેમને કહ્યું કે અમને ભારતની સરહદ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી દો. એ પછી અમે અમારું ગોઠવી લઈશું, પરંતુ કોઈ જવાબ નથી."

"બપોરે બે વાગ્યે અમને ફૂડપૅકેટ આપ્યાં, પરંતુ અમને બહાર કાઢવા માટે કોઈ પ્રયાસ નથી થયા."

'દવા નથી, પગ પર સોજા ચડી ગયા છે'

ગુજરાતીઓ નેપાળમાં ફસાયા, પર્યટન કે યાત્રા કૈલાશ માનસરોવર માટે રાજકોટ, અમદાવાદ અને ભાવનગરથી ગયેલા ગુજરાતીઓ, જેન ઝી વિરોધપ્રદર્શન, સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ, નેપાળ યુવા આંદોલન, નેપાળ હિંસા, વડા પ્રધાન ઓપી શર્મા ઓલીનું રાજીનામું, રાષ્ટ્રપતિ રાજીનામું, કાઠમંડુમાં સેના, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, જ્યોત્સનાબહેન હીરપરા

નેપાળ ઍરપૉર્ટ પર ફસાઈ ગયેલાં ગુજરાતીઓમાં જ્યોત્સનાબહેન હીરપરાની સ્થિતિ ખૂબ જ કપરી છે. 66 વર્ષીય જ્યોત્સનાબહેન બ્લડપ્રેશર અને ડાયાબિટીસથી પીડાઈ રહ્યાં છે. તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "હું મારી 12 દિવસની દવા લઈને આવી હતી. ગઈ કાલે ઍરપૉર્ટ આવી રહ્યાં હતાં, ત્યારે દોડાદોડીમાં દવાઓ ખોવાઈ ગઈ. દવા નહીં લેવાને કારણે મારા પગ પર સોજા ચડી ગયા છે. અહીં ખાવાનું મળતું નથી."

"ડાયાબિટીસ તથા બ્લડપ્રેશરની દવાઓ વગર મારી મુશ્કેલીઓ વધી ગઈ છે. હું ઘરે પહોંચીશ કે નહીં, એ બીકને કારણે ઊંઘ નથી આવતી. અહીં જો વધારે બીમાર પડીશ તો મારી શું હાલત થશે એની મને ખબર નથી. કદાચ અમદાવાદ પહોંચીશ તો પણ પથારીવશ હાલતમાં હોઈશ એવું મને લાગે છે."

અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતાં અને ફાઇનાન્સ કંપનીમાં કામ કરતા ગાર્ગી વ્યાસે (ઉં.વ. 53) બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "મોટી ઉંમરના લોકોની દવાઓ ખૂટી ગઈ છે. કૉફીહાઉસથી માંડીને તમામ પ્રકારની દુકાનો બંધ છે. નહીંતર તેમના માણસો દૂધ કે બ્રેડ લેવા માટે બજારમાં જાય, ત્યારે તેમની પાસેથી દવા મંગાવી શકીએ."

"અમે એકલા છીએ, કોઈ સિક્યૉરિટી નથી. લશ્કરના માણસો સાથે ઍમ્બેસીના માણસો આવ્યા, ત્યારે તેમણે અમને કહ્યું કે સલામતીની કોઈ ખાતરી નથી, હોટલમાં જાવ. પરંતુ હોટલોને પણ બાળી નાખી છે. અમે ક્યાં જઈએ?"

"અત્યારે અમે એકબીજાને દિલાસો આપીને કલાકો કાઢી રહ્યા છીએ. અમને ખબર નથી કે બીજી કલાકે શું થશે. ઇન્ટરનેટ બંધ છે એટલે બહાર શું ચાલી રહ્યું છે, તેની ખબર નથી પડતી. અહીં અમે લાવેલો નાસ્તો પણ ખૂટી ગયો છે. છતે પૈસે ભીખારી જેવી હાલત છે."

માનસરોવરની યાત્રાનો નેપાળ રૂટ

ગુજરાતીઓ નેપાળમાં ફસાયા, પર્યટન કે યાત્રા કૈલાશ માનસરોવર માટે રાજકોટ, અમદાવાદ અને ભાવનગરથી ગયેલા ગુજરાતીઓ, જેન ઝી વિરોધપ્રદર્શન, સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ, નેપાળ યુવા આંદોલન, નેપાળ હિંસા, વડા પ્રધાન ઓપી શર્મા ઓલીનું રાજીનામું, રાષ્ટ્રપતિ રાજીનામું, કાઠમંડુમાં સેના, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, ટ્રાવેલ એજન્ટ અનુજભાઈ પટેલ

નેપાળી ટૂર ઑપરેટર્સની મદદથી કૈલાસ માનસરોવરની યાત્રાઓનું આયોજન કરનારા કર્ણાવતી ટ્રાવેલ્સના અનુજ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું:

"સરકાર કૈલાસ માનસરોવરની યાત્રા માટે ખૂબ જ લિમિટેડ લોકોને લઈ જાય છે. એટલે નેપાળ અને તિબેટના ટ્રાવેલ એજન્ટો સાથે મળીને અમે કૈલાસ માનસરોવરની યાત્રા આયોજિત કરીએ છીએ. તેનું પૅકેજ અઢી લાખ રૂપિયાનું હોય છે."

"યાત્રા માટે ઘોડાનું ભાડું રૂ. 35 હજાર તથા ડૉક્ટરનું સર્ટિફિકેટ તથા દવા વગેરે સાથે રૂ. ત્રણ લાખનું પૅકેજ થાય છે. આ સિવાય લોકો યાત્રા દરમિયાન જે કંઈ ખર્ચ કરે તે અલગ. સપ્ટેમ્બર મહિના દરમિયાન લગભગ નવ હજાર લોકો યાત્રાએ આવ્યા છે. વધુ દોઢસો જેટલા શ્રદ્ધાળુઓ 13 અને 15 સપ્ટેમ્બરે આવશે."

"ત્યારે શું પરિસ્થિતિ થશે એની ખબર નથી. ગુજરાત તથા ભારત સરકારને અન્ય યાત્રાળુઓ માટે સુરક્ષાની વિનંતી કરી છે. અમારી રજૂઆત બાદ ઍમ્બેસી નેપાળના ઍરપૉર્ટે પહોંચી છે. એટલે આશા છે કે એમને સલામત રીતે ભારત લાવવામાં આવશે."

ગુજરાતના અન્ય વિસ્તારોમાંથી ગયેલાં પ્રવાસીઓ ફસાયાં

રાજકોટસ્થિત બીબીસી ગુજરાતીના સહયોગી બિપિન ટંકારિયા જિલ્લા કલેક્ટરને ટાંકતા જણાવે છે કે નેપાળમાં તાજેતરમાં ફેલાયેલી હિંસાથી લગભગ 400 ગુજરાતી યાત્રિકો ત્યાં ફસાયા છે. જેમાંથી અમદાવાદના 100, ભાવનગરના 43, તેમજ રાજકોટના 14, જૂનાગઢના છ જેટલા યાત્રિકોને સમાવેશ થાય છે.

ટંકારિયા જણાવે છે કે ફ્લાઇટ્સ પર નેપાળ સાથેનો જમીની વાહનવ્યવહાર પણ બંધ થઈ ગયો હોવાથી આ ગુજરાતીઓ દેશમાંથી બહાર નીકળી શકે તેમ નથી. અચાનક ફ્લાઇટો બંધ થઈ જતાં અનેક ગુજરાતીઓ સહિત સેંકડો ભારતીયો ઍરપૉર્ટ પર જ અટવાઈ ગયા છે.

રાજકોટ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રૉલરૂમ તથા કલેક્ટર કચેરી તેમની સાથે સતત સંપર્કમાં છે. વહીવટીતંત્ર દ્વારા તેમને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

ભાવનગરસ્થિત બીબીસી ગુજરાતીના સહયોગી અલ્પેશ ડાભી જણાવે છે કે શહેરના 40થી વધુ શ્રદ્ધાળુઓ નેપાળમાં ફસાઈ ગયા છે, જેના કારણે તેમના પરિવારજનોમાં ચિંતા છે.

આમાંથી કેટલાકે પોખરાની એક હોટલમાંથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને વીડિયોમાં મદદ માટે અપીલ કરી છે. ભાવનગર-પશ્ચિમની બેઠક પરથી ધારાસભ્ય જિતુ વાઘાણીએ વીડિયો કૉલ મારફત નેપાળમાં રહેલા લોકો સાથે વાત કરી હતી અને તેમને મદદનો ભરોસો આપ્યો હતો.

રાજ્ય અને કેન્દ્ર સરકાર શું કરી રહી છે?

ગુજરાતીઓ નેપાળમાં ફસાયા, પર્યટન કે યાત્રા કૈલાશ માનસરોવર માટે રાજકોટ, અમદાવાદ અને ભાવનગરથી ગયેલા ગુજરાતીઓ, જેન ઝી વિરોધપ્રદર્શન, સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ, નેપાળ યુવા આંદોલન, નેપાળ હિંસા, વડા પ્રધાન ઓપી શર્મા ઓલીનું રાજીનામું, રાષ્ટ્રપતિ રાજીનામું, કાઠમંડુમાં સેના, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, નેપાળની સેના ઉપર સ્થાનિકો જ સવાલ ઉઠાવી રહ્યા છે

ગુજરાતમાં મુખ્ય મંત્રી કાર્યાલયથી જાણવા મળ્યું કે "નેપાળમાં ફસાયેલા પ્રવાસીઓ તથા ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સલામત રીતે પરત આવે તે માટે મુખ્ય મંત્રી સતત વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં છે."

"ગુજરાતમાં સંબંધિત વિભાગના અધિકારીઓને નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓ સુધી રાહત પહોંચે તે માટે ઘટતું કરવા સૂચના આપી છે."

ભારતના વિદેશ મંત્રાલયે ઍડ્વાઇઝરી જાહેર કરીને નેપાળની પરિસ્થિતિ થાળે ન પડે ત્યાર સુધી નેપાળનો પ્રવાસ ન ખેડવાની સલાહ આપી છે.

નેપાળમાં ફસાયેલા ભારતીયોને હાલમાં જ્યાં હોય, ત્યાં જ રહેવા તથા પોતાનું સ્થળ ન છોડવા માટે સૂચના આપી છે. આ સિવાય બજારમાં ન જવા તથા જરૂરી સાવચેતી રાખવા માટે પણ વિદેશ મંત્રાલયે કહ્યું છે.

ભારતીયોને નેપાળસ્થિત ભારતીય ઍમ્બેસી કે સ્થાનિક વહીવટીતંત્ર જે કોઈ સૂચના આપે તેનું પાલન કરવાની તાકિદ પણ કરવામાં આવી છે.

જરૂર પડ્યે, +977 – 980 860 2881 અથવા +977 – 981 032 6134 નંબર પર ઍમ્બેસીનો સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું છે. આ બંને નંબર પર વૉટ્સઍપ કૉલ પણ થઈ શકશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન