બાઇબલ અને કુરાનમાં જે પર્વતને 'ઈશ્વરીય રહસ્ય'નું સ્થાન ગણાવાયો ત્યાં વિવાદ કેમ થયો?

સેન્ટ કેથરિન, ચર્ચ, મઠ, ધર્મ, ગ્રીસ, એથેન્સ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Universal Images Group via Getty Images

    • લેેખક, યૉલાન્દે નેલ
    • પદ, બીબીસી ન્યૂઝ, જેરૂસલેમ

વર્ષોથી મુલાકાતીઓ માઉન્ટ સિનાઈ પર્વત પરના પથરાળ ખડકો પરથી થતાં સૂર્યોદયનું મનમોહક દૃશ્ય જોવા માટે એકઠા થતા હતા.

યહૂદીઓ, ખ્રિસ્તીઓ અને મુસ્લિમો માટે સૌથી પવિત્ર સ્થળો પૈકી એક ગણાતું આ સ્થળને એક મેગા ટુરિઝમ પ્રોજેક્ટમાં ફેરવવાના પ્રસ્તાવને કારણે ચર્ચામાં છે.

સ્થાનિક સ્તરે આ સ્થળ જબલ મુસા તરીકે ઓળખાય છે. માઉન્ટ સિનાઈ પર્વત એ સ્થાન છે જ્યાં મુસાને દસ આજ્ઞાઓ આપી હોવાનું કહેવાય છે. ઘણા લોકો એવું પણ માને છે કે આ તે સ્થાન છે જ્યાં બાઇબલ અને કુરાન અનુસાર, ઇશ્વરે સળગતી ઝાડીમાંથી પયગંબર સાથે વાત કરી હતી.

ગ્રીક ઑર્થોડૉક્સ ચર્ચ દ્વારા ચલાવવામાં આવતો છઠ્ઠી સદીનો સેન્ટ કેથરિન મઠ પણ ત્યાં આવેલો છે.

આ રણપ્રદેશ જેવો વિસ્તાર છે જ્યાં મઠ, શહેર અને પ્રસિદ્ધ પર્વત આવેલા છે અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે તેને રૂપાંતરિત કરીને ત્યાં લક્ઝરી હોટલ, વિલા અને શોપિંગ બજારોનું નિર્માણ ચાલી રહ્યું છે. આ અંગે લોકોમાં ઘેરી ચિંતા છે.

જનજાતિઓના ઘર તોડી પાડવામાં આવ્યા

સેન્ટ કેથરિન, ચર્ચ, મઠ, ધર્મ, ગ્રીસ, એથેન્સ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, પહેલાં અને પછી

આ પરંપરાગત બેદુઈન સમુદાય- જેબેલિયા જનજાતિનું પણ ઘર છે. આ જનજાતિ સેન્ટ કૅથરિનનું રક્ષણ કરતી જનજાતિ તરીકે ઓળખાય છે. તેમના ઘર અને ટુરિસ્ટ ઇકો કૅમ્પ્સને કોઈ વળતર આપ્યા વગર, કેટલાક કિસ્સાઓમાં થોડું વળતર આપીને તોડી પાડવામાં આવ્યા છે.

એટલું જ નહીં તેમના પરિવારજનોની કબરોમાંથી દફનાવેલા મૃતદેહોને પણ કાઢી લેવાનું તેમને દબાણ કરવામાં આવી રહ્યું છે કારણ કે ત્યાં નવું કાર પાર્કિંગ બનાવવાનું છે.

સિનાઈમાં વસતી જનજાતિઓ સાથે કામ કરનાર બ્રિટિશ ટ્રાવેલ લેખક બૅન હૉફલરનું કહેવું છે કે, "આ પ્રોજેક્ટ ટકાઉ વિકાસ માટે અતિશય જરૂરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જેના કારણે પ્રવાસનને વેગ મળશે તેવું કહેવાઈ રહ્યું છે. પરંતુ આ પ્રોજેક્ટને બેદુઈન જનજાતિની ઇચ્છા વગર તેમના પર થોપવામાં આવી રહ્યો છે."

તેમણે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "આ પ્રોજેક્ટને જેબેલિયા લોકો વિકાસ તરીકે જોઈ રહ્યા નથી અને તેમણે આ પ્રોજેક્ટની માગ પણ કરી નથી. એવું લાગી રહ્યું છે કે તેને ઉપરથી થોપવામાં આવ્યો છે અને સ્થાનિક લોકોની સામે બહારના લોકોના હિતોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે."

"વિચરતી જનજાતિઓનો વારસો ધરાવતી બેદુઇન જનજાતિની આસપાસ એક નવું શહેરી વિશ્વ બનાવવામાં આવી રહ્યું છે. આ એવી દુનિયા છે જેનાથી તેઓ હંમેશાં દૂર રહેવાનું પસંદ કરે છે અને તેના બાંધકામ માટે તેઓ સંમતિ આપતા નથી. આ એક એવી દુનિયા છે જે તેમના વતનમાં જ તેમનું સ્થાન કાયમ માટે બદલી નાખશે."

આ લોકોની સંખ્યા લગભગ ચાર હજાર જેટલી છે. પરંતુ તેમને પડનારી અસરો વિશે તેઓ સીધી વાત કરવા તૈયાર નથી.

ઇજિપ્ત અને ગ્રીસ વચ્ચે વિવાદ કેમ છે?

સેન્ટ કેથરિન, ચર્ચ, મઠ, ધર્મ, ગ્રીસ, એથેન્સ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Ben Hoffler

ઇમેજ કૅપ્શન, અલ-રાહામાં કન્સ્ટ્રક્શન પ્લાન
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઇજિપ્તના આ પ્લાન વિશે ગ્રીસ સતત અવાજ ઉઠાવી રહ્યું છે કારણ કે તેને આ મઠ સાથે સીધો સંબંધ છે.

મે મહિનામાં ઇજિપ્તની કોર્ટે ચુકાદો આપ્યો હતો કે વિશ્વની સૌથી જૂનો અને સતત સક્રિય એવો ખ્રિસ્તી મઠ એ તેમની જમીન પર આવેલો છે. ત્યારબાદ ગ્રીસ અને ઇજિપ્ત વચ્ચે તણાવ વધ્યો હતો.

દાયકાઓ સુધી ચાલેલા વિવાદ પછી ન્યાયાધીશોએ કહ્યું હતું કે મઠ ફક્ત તે જમીન અને તેની આસપાસના પુરાતત્વીય સ્થળોનો જ 'ઉપયોગ કરવાનો હકદાર' છે જેના પર તે બેસે છે.

ગ્રીસના ચર્ચના વડા અને એથેન્સના આર્કબિશપ ઇરોનિમોસ બીજાએ આ ચુકાદાની તાત્કાલિક નિંદા કરી હતી.

તેમણે તેમના નિવેદનમાં કહ્યું હતું કે, "મઠની સંપત્તિને જપ્ત કરવામાં આવી રહી છે. ઑર્થોડૉક્સ પરંપરાની જ્યોતને તેનાથી ખતરો છે."

એક દુર્લભ ઇન્ટરવ્યુમાં, સેન્ટ કેથરિનના લાંબા સમયથી આર્કબિશપ રહેલા ડેમિયાનોસે એક ગ્રીક અખબારને જણાવ્યું હતું કે આ નિર્ણય "અમારા માટે ગંભીર ફટકો છે. શરમજનક છે.

તેમના આ મામલાને સંભાળવાથી મઠમાં રહેતા સાધુઓ વચ્ચે કડવાશ ફેલાઈ ગઈ હતી અને તાજેતરમાં તેમણે પદ છોડવાનો તેમનો નિર્ણય આવ્યો હતો.

જેરુસલેમના ગ્રીક ઓર્થોડોક્સ પેટ્રિઆર્કેટે કહ્યું હતું કે, "આ પવિત્ર સ્થળ પર અમારું ધાર્મિક અધિકારક્ષેત્ર છે અને તેને પયગંબર મહમદ દ્વારા ખુદ તેમને સુરક્ષાપત્ર આપવામાં આવ્યો હતો.

તેમાં કહેવામાં આવ્યું છે કે, "બાયઝેન્ટાઇન મઠ – કે જેમાં અસામાન્ય રીતે ફાતિમિદ કાળમાં બનેલી એક નાની મસ્જિદ પણ છે તે 'ખ્રિસ્તીઓ અને મુસ્લિમો વચ્ચે શાંતિનું પ્રતીક હતું અને સંઘર્ષથી ઘેરાયેલી દુનિયા માટે આશાનું આશ્રયસ્થાન હતું."

જ્યારે વિવાદાસ્પદ કોર્ટનો ચુકાદો યથાવત્ રહ્યો, ત્યારે રાજદ્વારી પ્રયાસોનો અંત આખરે ગ્રીસ અને ઇજિપ્ત વચ્ચે સંયુક્ત ઘોષણામાં આવ્યો જેમાં સેન્ટ કેથરિનની ગ્રીક ઓર્થોડોક્સ ઓળખ અને સાંસ્કૃતિક વારસાનું રક્ષણ સુનિશ્ચિત કરવામાં આવ્યું.

આ પ્રોજેક્ટ 'ખાસ ભેટ' કે અસંવેદનશીલ દખલગીરી?

સેન્ટ કેથરિન, ચર્ચ, મઠ, ધર્મ, ગ્રીસ, એથેન્સ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Ben Hoffler

ઇમેજ કૅપ્શન, માઉન્ટ સિનાઈ

ઇજિપ્તે 2021માં પ્રવાસીઓ માટે રાજ્ય-પ્રાયોજિત ગ્રેટ ટ્રાન્સફિગરેશન પ્રોજેક્ટ શરૂ કર્યો. આ યોજનામાં હોટલ, ઇકો-લોજ અને એક મોટું વિઝિટર સેન્ટર શરૂ કરવાનો સમાવેશ થાય છે. તેમાં નજીકના નાના ઍરપૉર્ટ અને માઉન્ટ મોસેસ સુધી કૅબલ કારનું વિસ્તરણ કરવાનો પણ સમાવેશ થાય છે.

સરકાર આ વિકાસને 'સમગ્ર વિશ્વ અને બધા ધર્મોને ઇજિપ્તની ભેટ' તરીકે પ્રોત્સાહન આપી રહી છે.

ગૃહ મંત્રી શેરિફ અલ-શેર્બીનીએ ગયા વર્ષે જણાવ્યું હતું કે, "આ પ્રોજેક્ટ મુલાકાતીઓ માટે તમામ પર્યટન અને મનોરંજન સેવાઓ પૂરી પાડશે (સેન્ટ કેથરિન) શહેર અને તેની આસપાસના વિસ્તારોના વિકાસને પ્રોત્સાહન આપશે, સાથે સાથે પર્યાવરણીય, દૃરશ્ય અને વારસાગત પ્રકૃતિનું જતન કરશે, અને સેન્ટ કેથરિનના પ્રોજેક્ટ્સ પર કામ કરતા લોકો માટે રહેઠાણ પૂરું પાડશે."

ભંડોળના પ્રશ્નોને કારણે આ કામ સ્થગિત થયું હોય તેવું લાગે છે, પરંતુ સેન્ટ કેથરિન મઠને ધ્યાનમાં રાખીને અલ-રાહાનાં મેદાનો પહેલેથી જ રૂપાંતરિત થઈ ગયા છે અને નવા રસ્તાઓ પર બાંધકામ ચાલુ છે.

આ તે જગ્યા છે જ્યાં મૂસાના અનુયાયીઓ અને ઇઝરાયલીઓ, સિનાઈ પર્વત પર તેમના સમય દરમિયાન તેમની રાહ જોતા હતા. ટીકાકારો કહે છે કે આ વિસ્તારની ખાસ કુદરતી લાક્ષણિકતાઓનો નાશ થઈ રહ્યો છે.

આ સ્થળના મૂલ્યની વિશે વિગતો આપતા યુનેસ્કો નોંધે છે કે કેવી રીતે "આસપાસનો ખડકાળ પર્વતીય લૅન્ડસ્કેપ... મઠ માટે એક સંપૂર્ણ પૃષ્ઠભૂમિ બનાવે છે".

યુનેસ્કો કહે છે કે, "આ જગ્યા એક તરફ કુદરતી સૌંદર્ય અને દૂરસ્થતા અને બીજી તરફ માનવ આધ્યાત્મિક પ્રતિબદ્ધતા વચ્ચે ઘનિષ્ઠ બંધન સ્થાપિત કરવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ દર્શાવે છે."

2023 માં, યુનેસ્કોએ તેની ચિંતાઓ પર પ્રકાશ પાડ્યો હતો અને ઇજિપ્તને વિકાસ અટકાવવા, તેમની અસર તપાસવા અને સંરક્ષણ યોજના બનાવવા હાકલ કરી હતી.

જોકે, આવું બન્યું નથી.

જુલાઈમાં, વર્લ્ડ હેરિટેજ વોચે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીને એક ખુલ્લો પત્ર મોકલીને સેન્ટ કેથરિન વિસ્તારને જોખમમાં મુકાયેલી વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં મૂકવાની હાકલ કરી હતી.

જનજાતિઓનું જીવન બદલાઈ જશે?

સેન્ટ કેથરિન, ચર્ચ, મઠ, ધર્મ, ગ્રીસ, એથેન્સ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Ben Hoffler

વિરોધ કરી રહેલા લોકોએ સેન્ટ કેથરિન ફાઉન્ડેશનના વડા રાજા ચાર્લ્સનો પણ સંપર્ક કર્યો છે. આ ફાઉન્ડેશન મૂલ્યવાન પ્રાચીન ખ્રિસ્તી હસ્તપ્રતોના સંગ્રહ સાથે મઠના વારસાના સંરક્ષણ અને અભ્યાસમાં મદદ કરવા માટે ભંડોળ એકત્ર કરે છે. રાજાએ આ સ્થળને 'ભવિષ્યની પેઢીઓ માટે જાળવવામાં આવવો જોઈએ તેવો એક મહાન આધ્યાત્મિક ખજાનો' ગણાવ્યો છે.

જોકે, આ મેગા-પ્રોજેક્ટ ઇજિપ્તમાં દેશના અનોખા ઇતિહાસ પ્રત્યે સંવેદનશીલતાના અભાવ માટે ટીકાનો ભોગ બનનાર પહેલો પ્રોજેક્ટ નથી.પરંતુ સરકાર તેની ભવ્ય યોજનાઓની હારમાળાને મંદ પડી રહેલા અર્થતંત્રને પુનર્જીવિત કરવાની ચાવી તરીકે જુએ છે.

ગાઝામાં થયેલા ક્રૂર યુદ્ધ, કોવિડ-19 રોગચાળાની અસરો તથા પ્રાદેશિક અસ્થિરતાના નવા મોજાંમાંથી ઇજિપ્તનું સમૃદ્ધ પ્રવાસન ક્ષેત્ર ફરીથી પાટે ચડવા લાગ્યું હતું. સરકારે 2028 સુધીમાં 30 મિલિયન મુલાકાતીઓ સુધી પહોંચવાનું લક્ષ્ય જાહેર કર્યું છે.

ઇજિપ્તની એક પછી એક સરકારો હેઠળ, સિનાઈનો કૉમર્શિયલ ઢબે વિકાસ સ્થાનિક બેદુઈન સમુદાયોની સલાહ લીધા વિના કરવામાં આવ્યો છે.

1967ના મધ્ય પૂર્વ યુદ્ધ દરમિયાન ઇઝરાયલ દ્વારા આ દ્વીપકલ્પ પર કબજો કરવામાં આવ્યો હતો અને 1979માં બંને દેશો વચ્ચે શાંતિ સંધિ પર હસ્તાક્ષર થયા પછી જ તે ઇજિપ્તમાં ગયો હતો. ત્યારથી બેદુઇનો જનજાતિના લોકો ફરિયાદ કરી રહ્યા છે કે તેમની સાથે બીજા વર્ગના નાગરિકો જેવો વ્યવહાર કરવામાં આવે છે.

ઇજિપ્તના લોકપ્રિય ગણાતા રેડ સી ડેસ્ટિનેશન્સમાં શર્મ અલ-શેખનો સમાવેશ થાય છે. તેનું બાંધકામ 1980 ના દાયકામાં દક્ષિણ સિનાઈમાં શરૂ થયું હતું. ઘણા લોકો સેન્ટ કેથરિનમાં હાલમાં જે થઈ રહ્યું છે તેની સાથે સમાનતા જુએ છે.

ઇજિપ્તીયન પત્રકાર મોહનંદ સાબ્રી કહે છે, "બેદુઈન આ પ્રદેશના લોકો હતા, અને તેઓ માર્ગદર્શક, કામદારો તરીકે જાણીતા હતા."

"પછી ઔદ્યોગિક પર્યટન આવ્યું અને તેમને બહાર ધકેલી દેવામાં આવ્યા - માત્ર વ્યવસાયમાંથી જ નહીં, પરંતુ અન્ય રીતે પણ તેમને પાછળ ધકેલી દેવામાં આવ્યા."

લાલ સમુદ્રના સ્થળોની જેમ જ એવું મનાઈ રહ્યું છે કે દેશના અન્ય ભાગોમાંથી ઇજિપ્તવાસીઓને નવા સેન્ટ કેથરિનના વિકાસમાં કામ કરવા માટે લાવવામાં આવશે. જોકે, સરકાર કહી રહી છે કે તે બેદુઈન જનજાતિના રહેણાક વિસ્તારોને પણ 'અપગ્રેડ' કરી રહી છે.

સેન્ટ કેથરિન મઠ છેલ્લી દોઢ સદી દરમિયાન ઘણી ઉથલપાથલનો સામનો કરી ચૂક્યો છે. જ્યારે આ સ્થળના સૌથી વૃદ્ધ સાધુ મૂળ રૂપે ત્યાં ગયા, ત્યારે પણ તે એક અંતરિયાળ અને એકાંત સ્થળ હતું.

લાલ સમુદ્રના રિસોર્ટના વિસ્તરણને કારણે હજારો પ્રવાસીઓની ભીડે આવવા લાગી, જેના કારણે પરિસ્થિતિ બદલાવા લાગી.

તાજેતરનાં વર્ષોમાં, મોટા ભાગે ભીડ સળગતી ઝાડીના અવશેષો પાસે જતી જોવા મળતી હતી અથવા કૉડેક્સ સિનાઇટિકસનાં પાનાં પ્રદર્શિત કરતા સંગ્રહાલયની મુલાકાત લેતી જોવા મળતી હતી.

હવે, ભલે આ મઠ અને આ સ્થળનું મૂળ ધાર્મિક મહત્ત્વ જળવાઈ રહેશે, પરંતુ તેની આસપાસનો વિસ્તાર અને સદીઓથી ચાલી આવતી જીવનશૈલી એ એવી રીતે બદલાઈ ગઈ છે જેને ફરીથી પુનર્સ:સ્થાપિત નહીં કરી શકાય તેવું લાગે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન